10 September 2010

ચૂંટણીનો જંગ જાહેર, રાજકોટ બનશે રણભૂમિ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ચૂંટણીનો જંગ જાહેર, રાજકોટ બનશે રણભૂમિ

મહાપાલિકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાની સાથે જ વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોએ તૈયારીના ઘોડા વધુ દોડાવવાનું શરૂ કરી દીધું છે. અન્ય મહાનગરપાલિકાની સાથે જ યોજાનારી રાજકોટ મનપાની ચૂંટણી તા. ૧૦મી ઓક્ટોબરે છે. ઉમેદવારીપત્ર ભરવાનું તા. ૨૦મી સપ્ટેમ્બરે શરૂ થઇ છેલ્લી તારીખ ૨પમી રહેશે. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૨૮મી અને તા. ૧૦મીએ મતદાન થયા બાદ બે જ દિવસમાં તા. ૧૨મી મત ગણતરી થવાની છે.આગામી મનપાની ચૂંટણીમાં વોર્ડના સિમાંકનમાં કોઇ ફેરફાર નથી થયો પણ બેઠકની અનામત સ્થિતિમાં ધરખમ અને રાજકીય પક્ષોની કસોટી થાય એવો ફેરફાર જરૂર થયો છે. કુલ ૨૩ વોર્ડમાંથી ૧૧ વોર્ડમાં અનામતમાં ફેરફાર થયો છે. જેના કારણે જ્ઞાતિવાદનું ગણિત પણ એટલું જ મહત્વનું બની રહેશે.અનામતમાં ફેરફાર થયો હોય એવા વોર્ડમાં ૧, ૩, ૪, ૬, ૭, ૯, ૧૧, ૧પ, ૧૬, ૧૭, ૨૩માં ક્યાંક પુરુષ અનુસૂચિત જાતિ તો ક્યાંક સ્ત્રી અનુસૂચિત જાતિ અને ક્યાંક ઓ.બી.સી. બેઠકમાં ફેરફાર થયેલો છે. અનામતમાં ફેરફાર થયો હોય એવો વોર્ડમાં કોર્પોરેટરોની પેનલને અસર થાય એવી સંભાવના નકારી શકાય તેમ નથી. આજે જાહેરનામું બહાર પડતા જ રાજકીય પક્ષોએ જે તે વોર્ડમાંથી વાંધા સૂચનો મગાવવાનું શરૂ કરી દીધું છે. આવતીકાલે ચૂંટણી અધિકારી કલેક્ટર સાથે રાજકીય પક્ષોના હોદ્દેદારોની બેઠક રાખવામાં આવી છે.


‘કેનેડાને જરૂર છે ભારતીય ટેલેન્ટની’

કેનેડાના એક મંત્રીએ જણાવ્યું છે કે તેમને ભારતીય ટેલેન્ટની સખત જરૂર છે. વાસ્તવમાં કેનેડાના સિટિઝનશિપ તેમજ ઈમિગ્રેશન મિનિસ્ટર જોસન કૈની અત્યારે ભારતની મુલાકાતે છે. ચંદીગઢમાં પોતાના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે કેનેડાને ભારત પાસેથી એવા ટેલેન્ટેડ લોકોની સખત જરૂર છે, જેઓ કેનેડાના વિકાસમાં યોગદાન આપી શકે.તેમણે એ પણ ઉમેર્યું છે કે 2009 દરમિયાન બીજા દેશોમાંથી કેનેડા જનારા લોકોમાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે હતી. તેમાં પણ પંજાબના લોકો સૌથી વધારે હતા. ગયા વર્ષે ભારતના લગભગ 32,000 લોકોને કેનેડા સરકારે પી.આર. વિઝા આપ્યા હતા. વર્ષ 2008ની તુલનામાં આ સંખ્યા 13 ટકા વધારે છે.


કણભાનાં ધામતવાનમાં પૂજારી પરિવારનો સામૂહીક આપઘાત

શહેરનાં છેવાડે આવેલા કણભાનાં ધામતવાન ગામે શુક્રવારે એક પૂજારી પરિવારે સામૂહીક આપઘાત કરી લેતા કમકમાટી વ્યાપી ગઇ છે. આ અંગે જાણ થતાની સાથેજ કણભા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધીકારીઓ ઘટના સ્થળે જવા રવાનાં થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જિલ્લા પોલીસ વડા સંદપિ સિંહનાં જણાવ્યા અનુસાર, રામોલ-કણભા રોડ પર આવેલા ધામતવાન ગામમાં રહેતા એક પૂજારીનાં પરિવારે આપઘાત કરી લીધો હોવાનો સંદેશો કન્ટ્રોલ રૂમને મળ્યો છે. જેથી હાલ કણભા પોલીસ સહિત ઉચ્ચ અધીકારીઓ પણ ઘટના સ્થળે જવા રવાનાં થઇ ગયા છે. બીજી તરફ પોલીસ સુત્રોએ ગામમાં પૂજારી તથા તેમનાં પત્ની અને એક પુત્રના મૃતદેહ પડ્યા હોવાનુ જણાવ્યું હતુ. જો કે તેમણે આપઘાત ક્યા સંજોગોમાં કર્યો છે, તે જાણી શકાયુ નથી. જો કે પૂજારી પરિવારનાં સામૂહિક આપઘાતના સમાચાર પંથકમાં આગની જેમ ફેલાતા ભારે ચકચાર મચી જવા પામી છે.


ડેરા પ્રમુખ બાબા રામ રહીમ પર બીજી સાધ્વીનો બળાત્કારનો આરોપ

ડેરા સચ્ચા સોદા પ્રમુખ સંત ગુરમીત રામ રહીમ સિંહ પર બીજી સાધ્વીએ પણ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ષડયંત્ર પ્રમાણે સંતે તેને હવસનો શિકાર બનાવી હતી. આ નિવેદન વિશેષ સીબીઆઈ જજ એ.એસ.નારંગની કોર્ટમાં સાધ્વીએ આપ્યું છે. મામલાની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી થઈ હતી.સાધ્વનીના નિવેદનથી યૌન શોષણ મામલામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ મોટી મુશ્કેલીમાં ફસાતા નજરે પડી રહ્યાં છે. ડેરા પ્રમુખના વકીલોએ દલીલ દરમિયાન સાધ્વીને તેના જ નિવેદનમાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાંક સવાલો પર બચાવ પક્ષ પણ હાવી રહ્યો હતો. પરંતુ નિવેદન આપનાર સાધ્વીએ તમામ સવાલોના જવાબ ખૂબ જ સહજતાથી આપ્યા હતા. સાધ્વીના જાતિય શોષણ મામલામાં બળાત્કારનો શિકાર બનેલી બીજી સાધ્વીના નિવેદનને નોંધવાની પ્રક્રિયા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી. સુનાવણી શરૂ થવાની થોડી વાર પહેલા જ સીબીઆઈ કડક સુરક્ષા સાથે સાધ્વીને સીધા અદાલતમાં લઈ આવી હતી. નિર્ધારીત સમય પર સ્પેશ્યલ સીબીઆઈ જજ એ.એસ.નારંગની કોર્ટમાં સાધ્વીના નિવેદન નોંધાવીની કાર્યવાહી શરૂ થઈ હતી. પોતાના શરૂઆતના નિવેદનમાં જ સાધ્વીએ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેણે તબક્કાવાર પોતાની સાથે ઘટેલા ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો. સાધ્વીનું માનીએ તો બળાત્કારની ઘટના બાદ તેણે ડેરા સચ્ચા સૌદા છોડવાનો નિર્ણય કર્યો હતો.


અત્યાધુનિક સાધનો દ્વારા ‘લાલબાગચા રાજા’ની સુરક્ષા

આખા ભારતમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ‘‘લાલબાગચા રાજા’’ ગણેશોત્સવમાં સુરક્ષા માટે પોલીસે અધ્યતન વ્યવસ્થાઓ કરી છે. ગયા વર્ષે હતા તેનાથી વધુ સક્ષમ સાધનો ગોઠવાશે. વિમાનમથક પર હોય એવા બેગેજ સ્કેનર્સ દ્વારા આવનારા લોકોનો સામાન તપાસવામાં આવશે.તે ઉપરાંત પહેલી જ વખત વાયરલેસ કેમેરા વડે સમાજકંટકો પર નગિરાણી રખાશે. પોલીસ કમાન્ડો, બીટ માર્શલ્સ, પેટ્રોલિંગનાં વાહનો, એ.કે.-૪૭ રાઈફલ્સ ધરાવતા પોલીસ જવાનો, કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ની ટુકડીઓ અને રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ)ની ટુકડીઓના જવાનો ‘લાલબાગચા રાજા’ના મહોત્સવના રક્ષણ માટે હાજર રહેશે.રોજ ઓછામાં ઓછા પાંચ લાખથી વધુ ભક્તો દર્શન માટે આવતા હોવાથી આટલા મોટા મેળાવડામાં ‘ઈમરજન્સી’ જેવી સ્થિતિ પેદા ન થાય એ માટે પોલીસ તેમ જ મંડળના કાર્યકરો ૨૪ કલાક સજ્જ રહેશે. આ વખતે પણ બે મહિના પૂર્વેથી જ તૈયારી શરૂ કરાઈ છે. અત્યારે એ તૈયારી અંતિમ તબક્કામાં છે.ભીડ પર નિયંત્રણ રાખી શકાય એ માટે ભાયખલાના ખડા પારસી- જીજામાતા ઉદ્યાનથી કે.ઈ.એમ હોસ્પિટલ સુધી બેરિકેડસ મૂકાશે. તેથી ભાવિકો કતારમાં આગળ વધી શકે. બિનજરૂરી દોડધામ કે ધક્કામુક્કી ન થાય તેની તકેદારી રખાશે,’ એમ નાયબ પોલીસ આયુક્ત (ઝોન-૪) સંજય બાવિસ્કરે જણાવ્યું હતું.પોલીસ તંત્ર, સ્થાનિક કાર્યકરોના સહયોગથી હંમેશ સારી રીતે પાર પાડે છે. સીસીટીવી ગયા વર્ષે ૪૮ હતા, આ વખતે વધારીને ૬૦ ગોઠવાશે. હેન્ડ મેટલ ડિટેકટર, ડોર મેટલ ડિટેકટર વગેરે સાધનોની પણ વ્યવસ્થા છે.


પુણેની જર્મન બેકરીમાં જ ધડાકો કેમ કરાયો હતો?

મહારાષ્ટ્રની એટીએસના અધિકારીઓએ મંગળવારે પુણેના કોરેગાંવ સ્થિત જર્મન બેકરી કેસમાં ધરપકડ કરેલા મુખ્ય સૂત્રધાર મિરઝા હિમાયત બેગને બ્લાસ્ટ કરવા માટે ચાળીસ હજાર રૂપિયા મળ્યા હતા. જેહાદને નામે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાવા માટે ન અચકાતાં બેગે કાયમ માટે નિકાહ ન કરવાનો નિર્ણય પણ કર્યો હોવાની માહિતી પોલીસે કરેલી પૂછપરછમાં બહાર આવી છે. બીડ જિલ્લામાં રહેતા તેના પરિવારને તે ચાર વર્ષથી મળ્યો સુધ્ધાં નહોતો.સપ્ટેમ્બર ૨૦૦૮માં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓની પુણે નજીકથી ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓએ પુણેમાં વિસ્ફોટ કરવાનું નક્કી કરી લીધું હતું. વિદેશી નાગરિકોને લ-યમાં લેવાના હોવાને કારણે જર્મન બેકરીને નિશાન ઉપર લેવામાં આવી હતી.બેગ શ્રીલંકા પણ ગયો હતો.જર્મન બેકરી બ્લાસ્ટની તવારીખ તપાસતાં પોલીસને એવી માહિતી મળી હતી કે ૨૦૦૬ના વર્ષમાં ઔરંગાબાદ સ્ટેશનની નજીક થયેલા બોમ્બવિસ્ફોટના મુખ્ય સૂત્રધાર ફૈયાદ કાઝીને મળવા માટે બેગ શ્રીલંકા પણ ગયો હતો. માર્ચ ૨૦૦૮ના વર્ષમાં થયેલી આ મુલાકાતમાં એલઈટી અને ઈન્ડિયન મુજાહિદ્દીનનો સમન્વય સાધવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જર્મન બેકરીમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું રચાઈ રહ્યું હતું તે સમય દરમિયાન અકબરનો ભાઈ મોહસીન ચૌધરી ઉદગીરમાં રહેતા બેગને મળવા વારંવાર જવા લાગ્યો હતો. ત્યાર બાદ બ્લાસ્ટ કરવાની યોજના થોડા થોડા સમયે મયા બાદ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.


ક્વીન્સ બેટન રિલે આજે દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચશે

કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી ૨૦૧૦ માટેની ક્વીન્સ બેટન રિલે (કયુબીઆર)માં સહભાગ લેવા અને સ્વાગત કરવા માટે ભારતની નામાંકિત હસ્તીઓ સજ્જ બની છે. આ બેટન શુક્રવારે મુંબઈ આવવાની છે. પુણેથી દરિયાઈ માર્ગે તે મુંબઈમાં પહોંચશે. કારંજે નેવલ જેટ્ટી ખાતે સવારે ૯ વાગ્યે તે પહોંચવાની છે અને તેના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરી રખાઈ છે.આ બેટન રિલેમાં ટેબલ ટેનિસના અર્જુન એવોર્ડ વિજેતા કમલેશ મહેતા, એથ્લેટિકસમાં અર્જુન એવોર્ડ વિજેતા રચિતા મિસ્ત્રી, હોકીના ઓલિમ્પિયન ધનરાજ પિલ્લેઈ, ચેસ ગ્રાન્ડ માસ્ટર અને કોમનવેલ્થ ચેસ ચેમ્પિયન પ્રવીણ થપિસે, ચેસની મહિલા ગ્રાન્ડ માસ્ટર ભાગ્યશ્રી થપિસે, ચેસના દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રઘુનંદન ગોખલે, હોકીના અર્જુન એવોર્ડ વિજેતા એમ. એમ. સોમૈયા, હોકીના અર્જુન એવોર્ડ વિજેતા જોકિમ કારવેલ્હો, એથ્લેટિકસના અર્જુન એવોર્ડ વિજેતા આદિલ સુમારીવાલા ઉપસ્થિત રહેવાની શક્યતા છે.ઉપરાંત ભારતીય ઉદ્યોગ દિગ્ગજો રતન ટાટા, અદિ ગોદરેજ પણ સહભાગી થશે. મુખ્ય કાર્યક્રમ ગેટવે ખાતે હાથ ધરાશે, જ્યાં બેટનનું મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળ, રમતગમત પ્રધાન સુરેશ શેટ્ટી સ્વાગત કરશે.


કોર્ટ પરિસરમાં સાર્વજનિક પૂજા યોજી શકાય કે નહીં?

કામકાજના દિવસમાં અદાલતના પરિસરમાં ‘સત્યનારાયણની પૂજા’ના આયોજન સામે મુંબઈ બાર એસોસિયેશનના માજી અધ્યક્ષ અને પ્રખર ધારાશાસ્ત્રી મનુભાઈ વશીએ પ્રશ્ન કર્યો છે. આવા આયોજનના વાજબીપણા અંગેની એડવોકેટ એમ. પી. વશીની અરજીની સુનાવણી સિવિલ કોર્ટમાં ૧૭ સપ્ટેમ્બરે હાથ ધરાશે.૪ સપ્ટેમ્બર, શનિવારે સ્મોલ કોઝીસ કોર્ટમાં કામકાજનો દિવસ હોવા છતાં અદાલતના એડવોકેટસ એસોસિયેશને બપોરે બાર વાગ્યાથી સાંજે સાડા સાત વાગ્યા સુધી સત્યનારાયણની પૂજા અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં ન્યાયાધીશોને પણ આમંત્રણ અપાયું હતું. કાર્યક્રમના ત્રણ દિવસ પૂર્વે ‘અદાલતના પરિસરમાં ધાર્મિક કાર્યક્રમો યોજી ન શકાય’ એવી રજુઆત સાથે એમ. પી. વશીએ સિવિલ કોર્ટમાં સુટ ફાઈલ કર્યો હતો. વશી એડવોકેટસ એસોસિયેશન ઓફ સ્મોલ કોઝીસ કોર્ટના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે.એડવોકેટ એમ. પી. વશીએ એવી દલીલ કરી હતી કે ભારત, બિનસાંપ્રદાયિક દેશ છે અને સત્યનારાયણની પૂજા એ હિન્દુઓની ધાર્મિક વિધિ છે તેથી સરકારી પરિસર એટલે કે અદાલતના ક્ષેત્રમાં તેનું આયોજન કરી ન શકાય. વળી, એ કામકાજનો દિવસ હતો અને ‘પૂજા’ને નામે જં ભંડોળ એકઠું કરાયું તેનો કોઈ હિસાબ નથી. બીજું એડવોકેટસ એસોસિયેશનની મેનેજિંગ કમિટીની ચૂંટણી પણ જાહેર કરાઈ છે.’’


ગણેશ વિસર્જન માટે ૧૯ કૃત્રિમ તળાવ તૈયાર કરાયા

પર્યાવરણીય પ્રદૂષણ ટાળવા માટે આ વખતે કૃત્રિમ તળાવની સંખ્યા ૧૯ સુધી વધારવામાં આવી છે. શહેરના જુદા જુદા ભાગોમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે.મેયર શ્રદ્ધા જાધવે કૃત્રિમ તળાવ ખાતે વ્યવસ્થા બરોબર છેને તેની ખાતરી કરવા માટે ગુરુવારે મુલાકાત લીધી હતી.તેઓ ચેમ્બુરના પેસ્તમ સાગર નાના નાની પાર્ક, શિવ ગણેશ વિસર્જન તળાવ, ચેમ્બુરના ચરઈ, ઘાટલા સ્થિત વિસર્જન તળાવની વ્યવસ્થા જોવા ગયાં હતાં.તેમણે તળાવ આસપાસ સાફસફાઈ કરવા માટે સંબંધિતના વિભાગના અધિકારીઓને આ પ્રસંગે નિર્દેશ આપ્યા હતા. ૧૧ સપ્ટેમ્બરથી ગણેશજીની સેંકડો ભાવિકો ઘરમાં સ્થાપના કરશે. તેઓ વધુમાં વધુ કૃત્રિમ તળાવનો ઉપયોગ કરે એવી આશા પાલિકા રાખે છે.


સડેલા ઘઉંને મુદ્દે અદાલતમાં જવાની તૈયારી કરતુ ભાજપ

અનાજનો વધારાનો જથ્થો ગરીબોને વહેંચી દેવાના સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અદાલતમાં અરજી કરવા બાબતે ભારતીય જનતા પક્ષ કાનુની અભિપ્રાય લઈ રહ્યો છે, એમ પક્ષના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેએ સોમવારે જણાવ્યું હતું.ભાજપના પુણે એકમે યોજેલા સડેલા ઘઉંના પ્રદર્શન ખાતે પત્રકારોને સંબોધતાં મુંડેએ જણાવ્યું હતું કે ‘‘એકાદ અઠવાડિયામાં આ બાબતે કાયદેસર માર્ગદર્શન મળી જતાં અમે આગળ વધીશું. સર્વોચ્ચ અદાલતે ગરીબોને વિતરણની સૂચના આપી હોવા છતાં રાજ્યોને પહોંચાડવા માટેના ઘઉંના જથ્થાની કિંમત ઠેરવીને યુપીએ સરકારના પ્રધાન મંડળે ‘અદાલતનો તિરસ્કાર’ કર્યો છે.’’કેન્દ્રના કૃષિ ખાતાના પ્રધાન શરદ પવારનું રાજીનામું માગતાં મુંડેએ જણાવ્યું હતું કે ‘‘શરદ પવાર ભારતના અનાજ-કઠોળના જથ્થાની વ્યવસ્થા, વિતરણ વગેરેમાં બિનકાર્યક્ષમ પુરવાર થયા છે.


ફરીથી સેનાને પડકારશે રાહુલ ગાંધી

કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી વધુ એક વખત મહારાષ્ટ્રમાં શિવસેનાને પડકારનાર છે. તેઓ બે દિવસ માટે મહારાષ્ટ્રની મુલાકાત લેશે.રાહુલ ગાંધી આકોલાની મુલાકાત લેશે અહીં તેઓ યુવાનો સાથે મુલાકાત લેશે, આકોલાથી તેઓ ઔરંગાબાદ જવા માટે રવાના થશે. ત્યારબાદ તેઓ પુનામાં પણ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેશે અને કોંગ્રેસના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. જોકે, મીડિયાને આ કાર્યક્રમો માટે આમંત્રણ આપવામાં નથી આવ્યું.જોકે, રાહુલ ગાંધીની મુલાકાતના અસરકારક વિરોધના કોઈ પગલાનીજાહેરાત શિવસેના દ્વારા કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છેકે, આ પહેલા રાહુલ ગાંધીની મહારાષ્ટ્ર મુલાકાતનો શિવસેનાએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ, ભારે સુરક્ષા વ્યવસ્તાના કારણે તેઓ નોંધપાત્ર વિરોધ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા.


પીપલી લાઇવના વિરોધમાં આમિરના પૂતળાનું દહન

આમિર ખાનની લેટેસ્ટ પ્રોડક્શન ‘પીપલી લાઇવ’માં ખેડૂતોને દેવામાં ડૂબી જતાં આપઘાત કરી લેતાં દર્શાવાયા છે તેની સામે વિદર્ભના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને આમિરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.સ્વાતંત્રય પર્વ દિને જ જે તે ખેડૂતોની વિધવાઓ અને અમુક પરિવારોએ યવતમાલમાં શેરીઓમાં દેખાવો કર્યા હતા અને તેમણે આ ફિલ્મ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિદર્ભના ખેડૂતોના આપઘાતની વાત અહીં ખોટી રીત રજુ કરવામાં આવી છે.સરકારની નીતિને લીધે ખેડૂતોને મરવું પડે છે,વિદર્ભ જન આંદોલન સમિતિના પ્રેસિડેન્ટ કિશોર તિવારી જણાવે છે કે, વૈશ્વિકરણ અને સરકારની ખોરાં ટોપરાં જેવી નીતિના લીધે જ ખેડૂતોને મરવાનો વારો આવે છે. અહીં પરિવારના ડખ્ખા કારણભૂત નથી જ. આમિરે સ્ક્રિપ્ટ ફાઇનલ કરતાં પૂર્વે કન્સલ્ટન્ટની સંમતિ લેવી જોઇતી હતી.તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મને લીધે જે તે ખેડૂતની વિધવાને કમ્પેન્સેશન મળશે કે કેમ? તેના પર પ્રશ્નાર્થ મૂકાઇ ગયો છે. સરકારની ઢીલી નીતિના લીધે જ ભારતના કોઇપણ ખૂણામાં ખેડૂતોએ જિંદગી ટૂંકાવવી પડતી હોય છે. અહીં પરિવારનો પ્રશ્ન આપઘાત માટે મહત્વનો નથી.


સંપર્ક કરો રાત્રે બારથી છ, કલાકનો ભાવ રૂ.

બદલો લેવા માટે હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ વધી રહ્યો છે. ભાગીદારીના ધંધામાંથી અલગ થયેલા યુવાનને પરેશાન કરવા માટે ભાગીદારે યુવાનની પત્નીની ખોટી પ્રોફાઇલ બનાવી ઓરકૂટ પર મૂકી દીધી હતી. અને દંપતીનો મોબાઇલ ફોનનંબર લખીને બીભત્સ લખાણ લખ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલે તપાસ બાદ ભાગીદાર અને તેના મિત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા પરેશભાઈનાં પત્ની હેતલબહેનની ઓરકૂટ પર મુકાયેલી ખોટી પ્રોફાઇલમાં ભાગીદારે લખ્યું હતું કે ‘યુ કેન કોલ મી ધીસ નંબર એટ નાઇટ ૧૨ એએમ ટુ ૬ એએમ માય રેટ ૧ અવર ૨૦૦ રૂપિયા એની સ્ટે કોલ નંબર (૦૦૦૦૦૦૦૦૦૦). પરેશભાઈ અને હેતલબહેનના મોબાઇલ ઉપર અજાણ્યા પુરુષોના બીભત્સ માગણી કરતા ફોન આવવા લાગતાં દંપતી સ્તબ્ધ થઈ ગયું હતું. સતત આવા ફોન આવતાં તંગ આવી ગયેલા દંપતીએ ક્રાઇમબ્રાન્ચની મદદ લીધી હતી.પોલીસે પરેશભાઈની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેમણે ઘાટલોડિયામાં શાયોના સિટી પાસેની રામેશ્વર પાર્ક સોસાયટી ખાતે રહેતા જિતેન્દ્ર ઉર્ફે જીતુ કાનજીભાઈ સુદ્રા સાથે ભાગીદારીમાં ફોટોગ્રાફીનો ધંધો શરૂ કર્યો હતો. થોડા સમય અગાઉ ધંધાકીય તકરારના કારણે મનદુ:ખ થતાં પરેશભાઈએ જિતેન્દ્ર સાથેની ભાગીદારી બંધ કરી અલગ ધંધો શરૂ કર્યો હતો.આથી આ કરતૂત જિતેન્દ્રએ કર્યું હોવાની શંકા દંપતીએ વ્યક્ત કરી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલની ટીમ તપાસ કરતાં હેતલબહેનની ખોટી પ્રોફાઇલ જિતેન્દ્રની ઓફિસના કમ્પ્યૂટરમાં તૈયાર કરીને ત્યાંથી ઓરકુટ ઉપર મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.


જયપુરમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાનું ભૂલી ગયા

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે પ્રથમ વન-ડે મેચ રમાઈ હતી જેમાં સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા એમ બન્ને દેશોના ધ્વજ લહેરાવામાં આવે છે, પરંતુ અહિંયા તો કંઈક અલગ જ જોવા મળ્યું હતું. મેચ દરમિયાન આરસીએના પ્રબંધકો ભારત અને સાઉથ આફ્રિકાના રાષ્ટ્રીય ધ્વજ લગાવાનું ભૂલી ગયા હતાં.ક્રિકેટ સાથે જોડાયેલ લોકોએ જણાવ્યું હતું કે આ પહેલી ઘટના હતી કે ભારત અને સાઉથ આફ્રિકા ટીમ જયપુરમાં રમી અને પેલેવિયનની અગાસી પર ધ્વજ લહેરાવ્યો નહી.ઉલ્લેખનીય છે કે આરસીએએ પોતાનો અને બોર્ડનો ફ્લેગ પણ લગાવ્યાં નહોતો.


બિહાર :શિક્ષિકાનો ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ

બિહારમાં સત્તાધારી ભાજપના ધારાસભ્ય રાજ કિશોર કેસરી પર એક ખાનગી શાળાની શિક્ષિકાએ બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. પૂર્ણિયાના પોલીસ ઉપમહાનિરીક્ષક અમિત કુમારે ફોન પર જણાવ્યું હતું કે તે શિક્ષિકાએ પૂર્ણિયાના ખજાંચીહાટ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ત્રણ દિવસ પહેલા નોંધાવેલી એક એફઆઈઆરમાં કેસરી પર ગત ત્રણ વર્ષોથી તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું હતું કે મામલાની તપાસની જવાબદારી ખજાંચીહાટ પોલીસ સ્ટેશનના પ્રભારી અરવિંદ કુમારને જ્યારે આ મામલાનું નિરીક્ષણ કરવાની જવાબદારી પોલીસ ઉપાધિક્ષક એસ.એસ.ઠાકુરને સોંપવામાં આવી છે.આ દરમિયાન ભાજપના ધારાસભ્ય કેસરીએ પોતાના પર લાગેલા આરોપોને રદિયો આપતાં કહ્યું હતું કે આ ખોટા અને પાયાવિહોણા આરોપોથી તેમની છબીને ઝાંખી કરવાનું કાવતરું છે.જણાવવામાં આવે છે કે ગત ત્રણ વર્ષો દરમિયાન આ બીજી વાર છે કે જ્યારે કેસરી પર કોઈ મહીલાએ આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. આ પહેલા લીલા ઝા નામની એક અન્ય મહીલાએ પણ કેસરી પર તેની સાથે બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો હતો, જેમાં પહેલા પોલીસે તેમને ક્લિન ચીટ આપી દીધી હતી.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની વિશ્વાસ યાત્રાના ક્રમમાં પૂર્ણિયા પહોંચેલા પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ કેસરીનો બચાવ કરતાં રાજકીય જીવનમાં તેમની છબી અને ક્રિયાકલાપને સંપૂર્ણપણે સ્વચ્છ ગણાવ્યા હતા.


મુંબઈ ટ્રેન ધડાકા કેસમાં બિહારના નિવૃત્ત જજનું નિવેદન નોંધવામાં આવ્યું

મુંબઈના શ્રેણીબદ્ધ ટ્રેનધડાકામાં સોમવારે બિહારના નિવૃત્ત જિલ્લા મેજિસ્ટ્રેટનું નિવેદન વિશેષ મકોકા કોર્ટે નોંધ્યું હતું.૨૦૦૬ના શ્રેણીદ્ધ ધડાકા બાદ ધરપકડ કરાયેલા ૧૩ આરોપીનાં નિવેદન આ મેજિસ્ટ્રેટે નોંધ્યાં હતાં. મકોકા કોર્ટના જજ વાય. ડી. શિંદે સમક્ષ હાજર રહેતાં મેજિસ્ટ્રેટે જુબાનીમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૦૭માં આરોપીમાંના એક બિહારના મધુબની જિલ્લાના કમલ અન્સારીના ઘરેથી આરડીએક્સ હસ્તગત કરાયો હતો તેના સહિત વિસ્ફોટક ધારા હેઠળ ૧૧ આરોપી સામે કાર્યવાહી ચલાવવા માટે પોતે મંજુરી આપી હતી.૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ આરડીએક્સથી ભરેલા બોમ્બે સાત ટ્રેનના ફર્સ્ટ કલાસ ડબ્બામાં કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. દસ જ મિનિટના સમયમાં થયેલા આ ધડાકાઓમાં ૧૮૭ જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૮૦૦ ઈજા પામ્યા હતા.આ કેસમાં કોર્ટ ૧૩ જણ વિરુદ્ધ ખટલો ચલાવી રહી છે. આરોપીઓ લશ્કરે- તોઈબા અને સિમીના હોવાનું જણાવાયું છે.ફેબ્રુઆરી ૨૦૦૮માં સુપ્રીમ કોર્ટે અન્સારીની અરજી પરથી ખટલા સામે સ્ટે આપ્યો હતો.


કોઈ મદદ પોતાનાને ગુમાવવાનું દુ:ખ ભુલાવી નહીં શકે

આતંકવાદીઓ સાથે લડતા પિતા શહીદ થયા તો બલવિંદર પોલીસમાં જોડાયા પરંતુ ગત મે મહિનામાં લૂંટારા સાથે લડતા તેમને પણ શહાદત મળી. હેડકોન્સ્ટેબલ ગુરપ્રીત કૌરના પિતા પણ આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા. બન્ને પરિવારોને મદદ મળી પરંતુ પોતાનાને ગુમાવવાનું દુ:ખ ભુલાવી શકાતું નથી.અમૃતસરના પોશ વિસ્તાર લારેન્સ રોડ પર ગત ૧૯મી મેના રોજ પોલીસ અને લૂટારા વચ્ચે સર્જાયેલી અથડામણમાં શહીદ થયેલા પંજાબ પોલીસના કોન્સ્ટેબલ બલવિન્દર સિંહનાં સંતાનો આજે પણ તેમની રાહ જુએ છે. બાળકોની માતા કંવલજીત કૌરને પતિની શહાદત પર ગર્વ છે. વીસ વર્ષ પહેલાં બલવિન્દર સિંહના પિતા ગુરમેજ સિંહ પણ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. ત્યારબાદ બલવિન્દરને રહેમરાહે નોકરી મળી હતી.રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે પરિવારને રૂપિયા ૧૫ લાખની મદદ આપી છે. પતિના નિવૃત્ત થવાના સમય સુધી પૂરેપૂરો પગાર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે પરંતુ કંવલજીત કૌર કહે છે કે, પતિ વગર તેમના માટે આ રૂપિયા કોઇ કામના નથી. બન્ને પુત્રો લવદીપ અને રાજદીપ પોતાના પિતાની તસવીર જોઇને રડી પડે છે પરંતુ માતા જ્યારે પિતાની શહાદતની વાર્તા સંભળાવે છે તો તેમને પણ ગર્વ થાય છે.બન્ને પુત્રો લશ્કર અથવા પોલીસમાં ભરતી થઇને દેશની સેવા કરવા માગે છે. જલ્લેવાલ ગામમાં રહેતી કંવલજીત કૌર જણાવે છે કે, પતિની શહાદત બાદ તેમનું જીવન સંઘર્ષમય બની ગયું છે. જ્યારે તરનતારનની ગુરપ્રીત કૌરના મનમાં પિતાને ગુમાવવાનું દુ:ખ છે. તેમણે પોતાની સામે પિતા સબ ઇન્સપેક્ટર કશ્મીરસિંહને ગોળીઓથી વિંધાતા જોયા હતા.૧૯૮૧માં જ્યારે તેઓ દુબુર્જી ચોકીએ તૈનાત હતા તો સુલ્તાનવિંડ નાકે આતંકવાદીઓ સાથે સર્જાયેલી અથડામણમાં શહીદ થયા હતા. તેમનો કોઇ પુત્ર નથી. તેથી ગુરપ્રીતને પોલીસ વિભાગમાં નોકરી આપવામાં આવી છે. ગુરપ્રીતને બે પુત્રો છે અને તેઓ પણ પોલીસમાં ભરતી થવા માગે છે.


નક્સલવાદીઓએ ભાઈ છીનવ્યો તો સરકારે રાનીનું ભવિષ્ય

રાણાની જિંદગીમાં જાણે કે ખુશીઓને કોઇ જ સ્થાન ન હોય તેવું તેનું જીવન બની ગયું છે. રાની ત્રણ માસની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. પિતા સુરક્ષાકર્મચારી હોવાથી મોટાભાગે તેઓ બહાર રહેતા હતા. મોટા ભાઇ વિકાસે જ રાનીને ઉછેરી હતી. વિકાસને પોલીસમાં સિપાહી તરીકે નોકરી મળી હતી, પણ વર્ષ ૨૦૦૪માં કુંદન તમાંગ અને જીવન ગુરંગ સાથે નક્સલવાદી સુરંગ વિસ્ફોટમાં તે શહીદ થઇ ગયો.યુવાન પુત્રના ગમમાં પિતાએ પણ જીવ ગુમાવ્યો. તે પછી રાની પોતાની ફોઇના ત્યાં રહેવા લાગી. રાનીએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ ભાઇ છીનવ્યો તો સરકારે ભવિષ્ય. દાણા-દાણા માટે તરસી ગઇ હતી. કોઇ પૂછનાર નહોતું. તે સમયની મુશ્કેલીઓને યાદ કરું છું તો પણ આજે આંખમાં આંસુ આવી જાય છે.મારો ભાઇ શહીદ થયો હતો, પણ અધિકારીઓએ એવું વર્તન કર્યું હતું કે જોણે તેમને કોઇ જ ફરક પડતો નહોતો. રહેમરાહે નોકરીની માગણી કરી તો અધિકારીઓએ કહ્યું કે નિયમ અનુસાર તે શક્ય નથી. રાંચીના આઇજી આર કે મલિક કહે છે કે અવિવાહિત પોલીસ કર્મચારી શહીદ થાય તો તેના આશ્રિતોને રહેમરાહે નોકરી આપવાની જોગવાઇ નથી.રાનીની ફોઇ અને નેપાળી સમાજના વડીલોએ બે વર્ષ અગાઉ રાનીના લગ્ન કરાવી દીધાં. તેનો પતિ પણ પોલીસમાં છે. તે પણ વિકાસ જેમાં ફરજ બજાવતો હતો તે ઝારખંડ જિલ્લામાં ફરજ બજાવે છે. નક્સલવાદીઓનો ખૌફ ઓછો થતો દેખાતો નથી. તેના કારણે રાનીની ચિંતા વધી રહી છે કે કંઇ તેના પતિને કાંઇ ન થઇ જાય. હવે તો તેની ફોઇ પણ રાંચીમાં નથી રહેતી.


ઓબામાનું ધ્યાન ભારત યાત્રા પર કેન્દ્રીત

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું સમગ્ર ધ્યાન હવે નવેમ્બરમાં યોજાનાર ભારતની યાત્રા પર છે. ઓબામા સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના સબંધો ઘણા મહત્વના છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી જે ક્રાઉલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું ધ્યાન હવે ભારતની યાત્રા પર છે. જોકે અમે પહેલા પણ ઘણી વખત કહ્યું છે કે બન્ને દેશો વચ્ચેના સબંધો સમગ્ર વિશ્વ માટે મહત્વના છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી વચ્ચે સબંધ હોવો જોઈએ અને અમે એવું જ કરી રહ્યાં છીએ.ઓબામાની પ્રવાસ દરમિયાન મુખ્ય એજન્ડા શું હશે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારત એક ઉભરતી વૈશ્વિક તાકાત છે, ભારત તે ક્ષેત્રોના પડકારોનું સમાધાન લાવવા માટે મહત્વનો દેશ બની શકે તેમ છે.


૧૦-૧૦-૧૦ એ લગ્ન કરવાનો ક્રેઝ

ઓસ્ટ્રેલિયનો આ વર્ષના સૌથી શુભ દિવસ ગણાતા ૧૦-૧૦-૧૦ એ લગ્ન કરવા માટે ચર્ચો અને અન્ય લગ્ન સ્થળોએ દોટ મૂકી રહ્યા છે.ઘણા લોકો ૧૦ ઓક્ટોબરના દિવસને ભાગ્યશાળી માને છે અને ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટસમાં આ વિશિષ્ઠ તારીખે લગ્ન નોંધાવવા માટે યુગલોમાં છેલ્લી ઘડીનો મોટો ધસારો જોવા મળ્યો છે.ઓસ્ટ્રેલિયામાં મેરેજ સેલીબ્રન્ટ્સના સૌથી મોટા એસોસિએશન ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટસના પ્રવકતા માર્ટિન મરોનીએ કહ્યું હતું, ‘યુગલે તેઓ જે દિવસે લગ્ન કરવા માગતા હોય તેના એક મહિના અને એક દિવસ પહેલાં તેમની અરજી નોંધાવવી પડે છે. ૧૦-૧૦-૧૦ એ લગ્નો માટેની અભૂતપૂર્વ ઇચ્છા જોવા મળે છે.’ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટ્સના સભ્ય ઇલેન સીયર્લીએ ઉમેર્યું હતું, ‘૧૦ ઓક્ટોબર, ૨૦૧૦ના સવારના ૧૦.૧૦ના લગ્ન માટે મારે ત્યાં ઘણા મહિના પહેલાં બુકિંગ થયું હતું. એ દિવસે બીજી બે વિધિઓ માટે મેં બુકિંગ સ્વીકાર્યું છે. અમે બીજા છ લગ્ન માટે બુકિંગ કરી શક્યા હોત, પરંતુ ત્રણ લગ્નો મારી મર્યાદા છે.’

No comments:

Post a Comment