09 September 2010

હજી બે દિવસ મેઘ બોલાવશે ધબધબાટી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


હજી બે દિવસ મેઘ બોલાવશે ધબધબાટી

સુરત શહેરમાં મંગળવારે સવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ લગભગ અવિરત વરસ્યો હતો. મંગળવારે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૧.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો બુધવારે દિવસ દરમિયાન માત્ર ૧ ઇંચ પાણી નોંધાયું હતું. સાથે જ રાત્રિ દરમિયાન અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ, છેલ્લા ૩૬ કલાક દરમિયાન માત્ર ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન ખાતાની આગાહી તથા ઇનસેટ સેટેલાઇટની ઇમેજ જોતાં આવતા ૪૮ કલાક દરમિયાન ભારે વરસાદ વરસવાની શક્યતા છે.પર્યાવરણ વિશેષજ્ઞોએ આપેલા અભિપ્રાયના આધારે ગત ૨ સપ્ટેમ્બરના રોજ આગાહી કરી હતી કે આગામી પાંચેક દિવસમાં પૂર્વભારતમાં બંગાળની ખાડી પર તૈયાર થયેલી સિસ્ટમ આખા દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ લાવશે. હાલમાં ૭ તથા ૮ સપ્ટેમ્બરના રોજ આખા દક્ષિણ ગુજરાતમાં પડેલો અવિરત વરસાદ આ આગાહીને સમર્થન આપનારો સાબિત થયો છે.


અમદાવાદ, વડોદરા અને સુરતમાં મેઘરાજાનું રૌદ્રરૂપ

આજે સવારથીજ અમદાવાદ, સુરત અને વડોદરામાં વીજળીના કડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી હતી, સવારે જ ભારે વરસાદ તૂટી પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. વહેલી સવારે જ કામ ધંધે જવા નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.ચાલુ વર્ષે મેઘરાજાએ સત્તાવાર ચોમાસા કરતાં પણ વહેલી એન્ટ્રી કરી દેતાં રાજ્યભરના લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. પરંતુ ત્યાર બાદ ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બીજી ઇનીંગ શરૂ કરી દેતાં રાજ્યભરમાં સારોએવો વરસાદ નોંધયો હતો જે મેઘમહેર હજુ સુધી યથાવત છે.અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચાલુ વર્ષે લગભગ સો ટકા જેટલો વરસાદ થઇ ગયો છે. અને હજુ પર નિયમીત વરસાદ વરસતો હોવાથી ખેડુતોમાં ખુશી જોવા મળે છે.સારા વરસાદનને લીધે મોટાભાગના સરોવર, તળાવો તથા ડેમ અને ચેક ડેમ પાણીથી ભરાઇ જતાં વર્ષ દરમિયાન પાણીની સમસ્યા થવાની શક્યતા પણ ઘટી છે.છેલ્લા ચારેક દિવસથી રોજ શહેરમાં વરસાદ પડતાં સહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.તેમાય વળી આજે સવારથીજ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. સવારે સાતેક વાગ્યેજ એકાએક વીજળીના કડાકા શરૂ થઇ ગયા હતા અને ત્યારબાદ વરસાદ તુટી પડ્યો હતો.


રાજ્યમાં સાર્વત્રિક વરસાદ : કપરાડામાં ૭ ઇંચ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે વરસાદના જોરદાર ઝાપટાં અને વીજળીઓના ચમકારા વચ્ચે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. રાજ્યમાં આવતીકાલે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ડેમોમાં પણ પાણી ભયજનક સપાટીની નજીક પહોંચ્યું છે.વલસાડ જિલ્લામાં સૌથી વધારે કપરાડામાં સાડા સાત ઇંચ, ધરમપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના કામરેજમાં ૧૧૭ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહારને પણ અસર થઇ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ગોંડલમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ગોંડલ નજીક વોરા કોટડા રોડ પરની ગોંડલી નદીના પુલ પરથી બાઇક પર ત્રપિલ સવારીમાં જઈ રહેલા પિતા રસિકભાઈ, પુત્રી નયના અને પિતરાઈ મુન્ના તણાયાં હતાં, જેમાં પિતાનો આબાદ બચાવ થયો હતો જ્યારે પુત્રી અને પિતરાઈ લાપતા બન્યા છે.ઉપરાંત અમરેલીમાં બે ઇંચ, જાફરાબાદ અને સાવરકુંડલામાં સવા બે ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં એક ઇંચ, ભાવનગરમાં ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ, જૂનાગઢના માંગરોલમાં સાડા ચાર ઇંચ, વંથલી અને મેંડરડામાં અઢી ઇંચ, રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં બે ઇંચ, વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાત અને મધ્યમાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં સાડા ત્રણ ઇંચ, ગાંધીનગરના માણસામાં દોઢ ઇંચ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.


ભારત સામેના કાવતરામાં નેપાળ પણ ચીન સાથે

ભારતના પાડોશી દેશોમાં ચીનનો દબદબો એ હદે વધી રહ્યો છે કે નેપાળ તિબેટિયન શરણાર્થીઓને પકડીને ચીની અધિકારીઓને સોંપી રહ્યું છે. કાઠમંડુ ખાતેની તિબેટિયન એજન્સીઓએ ભારતીય દૂતાવાસને આ બાબતે જાણકારી આપી છે, પણ અત્યારે ભારત સરકાર અધિકૃત રીતે આ મામલાને નેપાળ સમક્ષ મૂકી રહ્યું નથી.નેપાળ જૂન મહિનાથી ભારતમાં પ્રવેશ કરી રહેલા તિબેટિયન શરણાર્થીઓને પકડીને ચીનને સોંપી રહ્યું છે. ભારતના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે આ ચીનના દબાણનો જ એક નમૂનો છે. કાઠમંડુ તિબ્બતી શરણાર્થી કલ્યાણ કાર્યાલયના સચિવ ત્રિનલે ગિયાત્સોએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે કાઠમંડુ ખાતેના ભારતીય દૂતાવાસ અને અન્ય દૂતાવાસોને પણ આ વિશેની જાણકારી છે. જો કે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચઆયોગ તેમની મદદ કરી રહ્યું છે. આવો જ કિસ્સો 2003માં પણ સામે આવ્યો હતો, પરંતુ તેનો ઉકેલ આવી ગયો હતો, પરંતુ જૂન મહિનાથી ફરી પાછી એ જ પરિસ્થિતિનું સર્જન થયું છે.


ચાર વર્ષ પછી ભારતમાં કારો જ કારો હશે

ભારતમાં કારોનો ક્રેજ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. ભારતના લોકો કારોના એટલા દિવાના છે કે જેનો અંદાજ તમે કારોના ખુબ જ ઝડપથી વધતા જતા વેચાણ ઉપરથી લગાવી શકો છો. રેટિંગ એજન્સી ક્રિસિલની મતાનુસાર વર્ષ 2014-15 સુધીમાં ભારતના 11.7 કરોડ પરિવારો પાસે કાર હશે.ક્રિસિલ રિસર્ચના ડાયરેક્ટર નાગરાજન નરસિંહને આ રિપોર્ટને પ્રકાશિત કરતા જણાવ્યુ હતુ કે દેશનો ઑટોમોબાઇલ ઉદ્યોગ આવતા ટૂંક સમયમાં જ 17 થી 19 ટકાના દરે વિકાસ કરશે. અત્યારે દેશમાં ઑટો ઉદ્યોગ 2.4 ટ્રિલ્યન રૂપિયાનો છે. અને વર્ષ 2014-15માં આ વધીને 4.2 ટ્રિલ્યન રૂપિયા થઈ જશે.પરંતુ આ આંકડાઓ છત્તા દેશમાં પ્રત્યેક હજાર લોકો ઉપર માત્ર 17 જ કારો હશે. એટલે કે કાર કંપનિયોને વધારેમાં વધારે ગ્રાહકોને આકર્ષિત કરવાનો અવસર મળશે. ક્રિસિલની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2009માં યુરોપીય સંઘમાં પ્રત્યેક હજાર લોકો ઉપર કારોની સંખ્યા 604 હતી. જ્યારે અમેરિકામાં આ સંખ્યા 440 હતી.


પાકિસ્તાનમાં વસતાં હિન્દુઓનો શો વાંક?

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે હિન્દુ પૌરાણિક પાત્રો પર આધારિત ચિત્રો અને ફિલ્મોના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ લાદી દીધો છે. અહીંયા રહેતા હિન્દુ વર્ગ માટે હિન્દુ પૌરાણિક ફિલ્મો ખૂબ અગત્યતા ધરાવે છે, કારણ કે હિન્દુ ધર્મ પર આધારિત ફિલ્મો અને કાર્ટૂન ચલચિત્રોનું પ્રસારણ ખૂબ ઓછું થાય છે. સિંધ પ્રાંતમાં તો આ પ્રતિબંધ પહેલેથી અમલમાં છે જ, હવે પાકિસ્તાનમાંના પંજાબ પ્રાંતમાં પણ આ પ્રતિબંધ અમલી બનાવ્યો છે.હજુ આ પ્રતિબંધ ની સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ તેનો અમલ શરૂ કરાઈ ચૂક્યો છે. ભારતીય ચેનલો પણ અહીંના અમુક વિસ્તારોમાં હજુ ચાલે છે, પરંતુ ટૂંક સમયમાં ભારતીય ચેનલોનું પ્રસારણ પણ સંપૂર્ણ પાકિસ્તાનમાં બંધ થઈ જશે.આ પહેલા પણ એક વખત 20 દિવસ માટે હિન્દુ પૌરાણિક પાત્રો પર આધારિત ફિલ્મો અને ચિત્રો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો, જેનું અહીંના કેબલ ઓપરેટરોએ સંપૂર્ણપણે પાલન કર્યું હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કડકપણે એ તપાસ ચાલી રહી છે કે હિન્દુ શાસ્ત્ર કે પૌરાણિક પાત્રોને લગતી સીડી પણ ત્યાં ન વેચાય. પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના હરી મોટવાણીએ ટિપ્પણી કરી છે કે પાકિસ્તાન સરકારે આવા વાહિયાત મુદ્દા પર ધ્યાન આપવું ન જોઇએ.


વંથલી અને ગોંડલમાં બે મકાન ધરાશાયી

સૌરાષ્ટ્રમાં-વરસાદના કારણે મકાન પડી જવાની વધુ બે દુર્ઘટનામાં વંથલીના જાયોદર ગામમાં પ્રૌઢનું અને ગોંડલમાં વૃધ્ધાનુ મૃત્યુ નિપજ્યું હતું.પ્રાપ્ત વિગત મુજબ, જાયોદર ગામે આજે વ્હેલી સવારે વરસાદના કારણે જૂનું મકાન પત્તાના મહેલની જેમ ઢગલો થઇ જતા મનસુખભાઇ સવદાસભાઇ ડઢાણિયા (ઉ.વ.પ૮) કાટમાઇ હેઠળ દબાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા મનસુખભાઇનું મોત નિપજ્યું હતુ. જ્યારે તેમના પત્નીનો બચાવ થયો હતો. મનસુખભાઇના સંતાન રાજકોટ રહે છે.મકાન પડી જવાની બીજી દુર્ઘટનામાં ગોંડલના ભગવતપરામાં જર્જરીત મકાન ધરાશાયી થઇ જતાં દયાબેન બચુભાઇ કોળી (ઉ.વ.૬પ) નું કાટમાળ હેઠળ દટાઇ જવાથી મુત્યુ નિપજ્યું હતું.



ત્રણમાંથી એક ભારતીય ‘ભ્રષ્ટાચારી’: સિંહા

દેશમાં ભ્રષ્ટાચાર પર બાજનજર રાખતા ચીફ વિજિલન્સ કમિશનર (સીવીસી) તરીકે આ સપ્તાહે જ નિવૃત્ત થયેલા પ્રત્યુશ સિંહાએ કહ્યું છે કે પ્રત્યેક ત્રણ પૈકી એક ભારતીય ‘તદ્દન ભ્રષ્ટાચારી’ છે અને ૫૦ ટકા લોકો ભ્રષ્ટાચારી બનવાની તૈયારીમાં છે. તેમણે ભ્રષ્ટાચારની સમસ્યા માટે વધી રહેલી સંપત્તિ જવાબદાર હોવાનું કહ્યું હતું.સિંહાએ કહ્યું કે તેમની અપયશ અપાવતી નોકરીની સૌથી ખરાબ બાબત એ હતી કે લોકો વધુ ને વધુ ભૌતિકવાદી બની રહ્યા છે તેને કારણે ભ્રષ્ટાચાર કઈ રીતે ફૂલીફાલી રહ્યો છે તેનું તેમને નિરીક્ષણ કરવાનું હતું. જુના દિવસો યાદ કરતા તેમણે કહ્યું કે ‘અમે જ્યારે યુવાન અવસ્થામાં હતા ત્યારે જો કોઈ ભ્રષ્ટાચાર આચરે તો તેનું મોઢું નીચું રહેતું હતું. સામાજિક શરમ જેવું કંઈક તેને લાગુ પડતું હતું પણ હવે તે રહ્યું નથી. આમ ભ્રષ્ટાચારને વ્યાપાક સામાજિક સ્વીકૃતિ મળી ગઈ છે.’


સોહરાબુદ્દીન અને હરેન પંડ્યા કાંડ સાથે નક્સલી કનેક્શન

ગીથા જોહરીએ સુપ્રીમમાં દાખલ કરેલી પિટિશનમાં એક સમયે નક્સલી રહી ચૂકેલા નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન હરેન પંડ્યા હત્યાકેસનો પણ આરોપી હોવાનો ઘટસ્ફોટ કરતાં સીબીઆઇએ હવે સોહરાબુદ્દીનને નક્સલી પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ હતા કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે.નઈમુદ્દીન ભોંગીર પાછળથી પોલીસ ઇન્ફોર્મર બની ગયો હતો અને તેથી આંધ્રપ્રદેશ પોલીસ હાલ ફરાર નઈમુદ્દીનના પરિવારને રક્ષણ આપી રહી છે. આવી સ્થિતિમાં હરેન પંડ્યા હત્યાકેસ, સોહરાબુદ્દીન અને નઈમુદ્દીન વચ્ચેના સંબંધો અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની કડીઓ પરસ્પર જોડાયેલી છે કે નહીં તે હાલમાં આંધ્રપ્રદેશ પહોંચેલી સીબીઆઇ ટીમ માટે તપાસનો વિષય છે.હરેન પંડ્યા હત્યાકેસમાં શરૂઆતના તબક્કે ક્રાઇમબ્રાન્ચે કરેલી તપાસની લાઇન પર જ આગળ વધતાં સીબીઆઇએ રજુ કરેલી ચાર્જશીટમાં નઈમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીનને ૧૬ નંબરનો ફરાર આરોપી દર્શાવ્યો છે. આવા સંજોગોમાં નવેમ્બર ૨૦૦૫માં પત્ની કૌસરબી સાથે સોહરાબુદ્દીન ખરેખર ઇદે મળવા માટે નઈમુદ્દીનના ઘરે હૈદરાબાદ ગયો હતો કે પછી તેની પાછળ કોઈ બીજો આશય હતો.તે સવાલ સીબીઆઇને મૂંઝવી રહ્યો છે.ચર્ચા એવી પણ છે કે અગમ્ય કારણસર નઈમુદ્દીન અને સોહરાબુદ્દીન વચ્ચે મતભેદો સર્જાયા હતા. એવી ચર્ચા છે કે નઈમુદ્દીન સોહરાબુદ્દીન અને તેના ( નઈમુદ્દીન) પરિવારના એક સભ્ય વચ્ચેના સંબંધોને લઈને નારાજ હતો. શું તે નારાજગી દૂર કરવા માટે સોહરાબુદ્દીન નઈમુદ્દીન સાથે ઈદે મળવા ગયો હતો. જો કે આ વાત હાલમાં સીબીઆઇના રેકોર્ડ પર આવી નથી.


અજાણી વ્યક્તિએ અક્ષયને કારમાં ખેંચી લીધો

છેલ્લાં કેટલાંક દિવસોથી અક્ષય કુમારે ઘણી જ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અક્ષય કુમાર જન્માષ્ટમીએ એક દહીંહાડી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યો હતો. જો કે આ સમયે સુરક્ષા સઘન હતી. પરંતુ સુરક્ષાકર્મીઓ આટલી બધી ભીડને કાબૂમાં કરી શક્યા નહોતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાંડી ફોડ્યા પછી સુરક્ષાકર્મી અક્ષયને કાર તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં ભીડ જમા થઈ ગઈ હતી અને અક્કીને જોઈને હાથ મિલાવવા માટે તેની તરફ આગળ વધતી હતી. આ સમયે અક્ષય ચાહકોની વચ્ચે ફસાઈ ગયો હતો.સુરક્ષા કર્મીઓ અક્ષયને સહીસલામત ભીડમાંથી બહાર કાઢે તે પહેલા જ એક કાર આવી અને તેમાં બેઠેલી એક અજાણી વ્યક્તિએ અક્ષયનો હાથ પકડીને પોતાની કારમાં ખેંચી લીધો હતો.આ વ્યક્તિ પણ અક્ષયનો પ્રશંસક હતો. તે અક્ષયને હેમખેમ રીતે કાર સુધી પહોંચડવા માંગતી હતી.ક્ષયે આ વ્યક્તિનો ઘણો જ આભાર માન્યો અને પરિવાર સાથે ફિલ્મના સેટ પર આવવાનું આમંત્રણ આપી દીધું હતું.


મારૂતિનો ધમાકો...રૂ. 1.50 લાખની કાર

ભારતીય કાર બજારની સૌથી મોટી ઑટો કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિ. ટૂંક સમયમાં જ ધમાકો કરવા જઈ રહી છે.વાસ્તવમાં કંપની ટૂંક સમયમાં પોતાની નાની કાર 'સર્વો'ને લૉન્ચ કરવાની છે. જેની કિંમત છે 1.5થી 2 લાખની વચ્ચે જ હશે. સર્વોને આ વર્ષના અંત સુધીમાં ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવશે.મારૂતિની આ નવી કાર ટાટા મોટર્સની લાખટકિયા 'નેનો' ને મોટી ટક્કર આપશે. જોકે કિંમતની બાબતમાં તે નેનોથી થોડી મોંઘી જરૂર છે પણ જાણકારોનુ કહેવુ છે કે તેના ફિચર્સ નેનોની સરખામણીમાં ખાસ્સા આકર્ષિત હશે.પોતાની આ નવી કાર દ્વારા મારૂતિ દેશની પહેલી ઇકોનૉમિક કાર મારૂકિ-800ની અછતને પણ પૂરી કરશે, જેનુ વેચાણ કેટલાય શહેરોમાં બંધ થઈ ગયુ છે. માનવામાં આવી રહ્યુ છે કે સર્વોમાં 660 સીસીનુ એન્જીન લગાડવામાં આવ્યુ હશે.


તો તો કેટ-સલ્લુ હાલમાં પણ એક છે

હાલમાં તેમનાં સંબંધોને લઈને બોલિવૂડની સૌથી વધુ ચર્ચામાં રહેલી જોડી સલમાન ખાન અને કેટરિના કૈફ પોતે જ તેમનાં સંબંધો બાબતે કન્ફ્યુઝ છે તેનાં કરતાં વધુ તેમનાં ચાહકો તેમનાં સંબંધો વિશે ગુંચવાયેલાં છે. તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો જાણે આ જ એક ચર્ચાનો વિષય હોય તેવું લાગે છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સુત્રોનું માનીયે તો બન્ને હાલમાં પણ એકબીજાથી ઘણાં નજીક છે પણ તેઓ મીડિયા આગળ અલગ હોવાનો ડોળ કરી રહ્યાં છે.છેલ્લે પણ દબંગની સ્ક્રિનીંગ સમયે ભલે કેટરિના ફિલ્મ જોવા ગઈ નહોતી પણ ત્યાં તે ફરાહ, અક્ષય અને સલમાન ખુશી ખુશી વાતો કરતાં નજર આવ્યાં હતાં.તેમજ એક રિપોર્ટ પ્રમાણે આ જોડીએ પ્રિમીયર બાદ સાથે ડિનર પણ લીધુ હતું. આશા રાખીયે બન્ને વચ્ચેની ગેરસમજણ આ ડિનર દરમિયાન ક્લિયર થઈ ગઈ હોય અને તેઓ પાછા એક થઈ જાય.


જો પાકિસ્તાન જઇશ તો તે લોકો મને મારી નાંખશે’

સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ આસિફને હવે માદરે વતન જતા ડર લાગે છે. પહેલા ડોપિંગ અને હવે ફિક્સિંગમાં ફસાયેલા આસિફ પાકિસ્તાનની ક્રિકેટ પ્રેમી જનતા ગુસ્સે ભરાઇ છે. જેનાથી આસિફ ડરી ગયો છે. અને તેણે બ્રિટિશ સરકારને આસરો આપવા વિનંતિ કરી છે.નોંધનીય છે કે, મેચ ફિક્સિંગના કારણે વિશ્વભરમાં પાકિસ્તાનની થયેલી બદનામી બાદ ક્રિકેટ પ્રશંસકો ભડક્યા છે. આસિફને ભય છે કે, ઘરે પરત ફર્યા બાદ સ્થાનિક જનતાની સાથોસાથ સ્થાનિક સમૂહો તરફથી તેને જાનનો ખતરો છે.મલિક એન્ડ મલિક નામની કંપનીના વકિલે આસિફ સાથે વાતચીત કર્યા બાદ ધ ટેલિગ્રાફના હવાલાથી કહ્યું હતું કે, મને લાગે છે કે, તે પાકિસ્તાનની જનતાની પ્રતિક્રિયાથી ચિંતિત છે. પાકિસ્તાનમાં સક્રિય ગુપ્ત સટ્ટોડિયાથી આસિફ ભયભિત થયો છે.આસિફે કહ્યું કે, તે સ્કોટલેન્ડ યાર્ડ અને આઇસીસીની તપાસ પુરી થાય તેની રાહ જોવા માગે છે. અને ત્યાર બાદ જ તે પાકિસ્તાન પરત ફરવાનો નિર્ણય લેશે. જો આસિફ મેચ ફિક્સિંગમાં દોષી પુરવાર થાય તો તેણે આઇસીસી તરફથી આજીવન પ્રતિબંધ અને પોલીસ તરફથી જેલની સજા થઇ શકે છે.


મચ્છરો વર્ષે ચૂસી જાય છે શહેરના ૩૦ કરોડ!

મચ્છરો દર વર્ષે શહેરના રૂ. ૩૦ કરોડ રૂપિયા ખાઇ જાય છે, તેમાં મેલેરિયાથી પીડાતા લોકોએ કરેલા ખર્ચ ઉપરાંત તેને અટકાવવા કરાતા સરકારી ખર્ચનો પણ સમાવેશ થાય છે, તેમ તાજેતરમાં જ સુરતમાં મેલેરિયા અંગે કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું.સંશોધનમાં જણાયું છે કે વર્ષ ૨૦૦૭-૦૮માં શહેરમાં નોંધાયેલા મેલેરિયાના દર્દીઓની કુલ સંખ્યા ૩૨,૬૯૩ હતી. આ દર્દીઓએ સારવાર પાછળ કરેલા ખર્ચ અને તેમણે બીમારીના દિવસો દરમિયાન ગુમાવેલી આવક સહિતનો આંક રૂ. ૧૨,૭૬, ૯૮,૮૫૮ મુકાયો હતો. બીજી બાજુ તે વર્ષે સુરત મહાનગરપાલિકાના મેલેરિયા નિયંત્રણ વિભાગનું કુલ બજેટ રૂ. ૧૬,૭૯,૮૩,૩૪૯ કરોડ હતું. આમ, આ બન્ને ખર્ચાઓનો સરવાળો કરીએ તો તે રૂ. ૨૯,૫૬,૮૨,૨૦૭ કરોડ સુધી પહોંચે છે.આ સંશોધન સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી ગાયત્રી ઘીવાલા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના માજી વડા ડૉ. મીનુ પરબિયા અને એમ.એચ.આર.ડી. વિભાગના વડા ડૉ. કિરણ પંડ્યાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કરાયું હતું. સેમ્પલ તરીકે સેન્ટ્રલ ઝોનના ૪૫૩ પરિવારોને લેવાયાં હતાં.સંશોધનમાં બીજી કેટલીક ચોંકાવનારી માહિતી પણ જાણવા મળી હતી. એક વ્યક્તિને જો મેલેરિયા એક અઠવાડિયા સુધી લંબાય તો તેને તેનો ખર્ચ રૂ. ૫૩૦ જેટલો આવે છે, બીજા અઠવાડિયે તે વધીને રૂ. ૨૧૬૦ થાય છે. જો બીમારી ત્રણ અઠવાડિયા સુધી લંબાય તો ખચોg ૬૬૦૦ સુધી પહોંચે છે. જો રોગ એક મહિના સુધી ખેંચાય તો દર્દીને રૂ. ૧૨૩૯૦ના ખાડામાં ઉતારી દે છે.


સાધના માફી નહીં માગે તો ૧૦૦ કરોડનો દાવો કરીશ'

અભિનેત્રી સાધનાએ મારી બેફામ બદનક્ષી કરી છે. જો તે ૧૫ દિવસમાં જાહેરમાં માફી નહીં માગે તો હું રૂ. ૧૦૦ કરોડનો દાવો ફટકારવાનો છું, એમ યુસુફ લાકડાવાલાએ બુધવારે જણાવ્યું હતું. સાંતાક્રુઝ પશ્ચિમમાં મોકા જગ્યામાં સંગીતા બંગલોમાંથી હાંકી કાઢવા માટે બિલ્ડર લાકડાવાલા મને હેરાન કરે છે એવો આરોપ સાધનાનો છે. સાધનાએ આ સંબંધે પોલીસ કમિશનર સંજીવ દયાલને ફરિયાદ પણ કરી છે.આ સંબંધમાં લાકડાવાલાએ બુધવારે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સાધનાએ મારી કરેલી બદનક્ષી સંબંધે તેને કાનૂની નોટિસ પણ ફટકારી છે. સંગીતા બંગલો મૂળ આશા ભોસલેની જગ્યા છે. સાધના ભોંયતિળયે રહે છે, જ્યારે મારું ઘર બીજા માળે છે.હું ૨૫ વર્ષથી ભાડૂત છું, પરંતુ ૨૦ વર્ષથી ત્યાં ગયો નથી. મારા સંબંધી મારા ઘરમાં રહે છે. આવા સંજોગોમાં સાધના મારી ઉપર ધાકધમકી આપવાના આરોપ કરે છે તે ખોટા છે, એમ તેમણે જણાવ્યું હતું.તે વારંવાર મને બિલ્ડર તરીકે ચિતરે છે, પરંતુ મેં આ કામ ક્યારનું છોડી દીધું છે.હું તો મનોરંજન જગત સાથે વર્ષોથી સંકળાયેલું છું, એમ પણ તેમણે પોતાના વકીલ એડવોકેટ માજીદ મેમણ સાથે મળીને બુધવારે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. હકીકતમાં સાધનાની પાછળથી અન્ય કોઈક મારી વિરુદ્ધ આ કાવતરું ઘડી રહ્યું છે અને મને લક્ષ્ય બનાવી રહ્યું છે, પરંતુ હું તે વ્યક્તિને ખુલ્લી પાડીને જ રહીશ, એમ પણ તેમણે જણાવ્યું હતું.


ખરાબ વિમાનનું ચમત્કારિક લેન્ડિંગ

રશિયામાં એક વિમાન આકાશમાં અધવચ્ચે જ ખરાબ થઈ જવા છતાં પાયલટની કુશળતાને કારણે સફળ લેન્ડિંગ શક્ય બન્યું છે. આ વિમાનમાં 81 વ્યક્તિ હતા. તૂપોલોવ ટીયુ-154 વિમાન મોસ્કો આવી રહ્યું હતું જેને સાઇબીરિયાના ટૈગામાં ઉતરવું પડ્યું છે.અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર ચાલુ વિમાને અચાનક તેના અમુક અગત્યના ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા હતા. આ વિમાનમાં 3 બાળકો 72 મુસાફરો સિવાય અન્ય 9 ચાલકદળના લોકો હતા. પરિસ્થિતિ ગંભીર જણાતા પાઇલોટે કોઈ પણ રેડિયો સંપર્ક કર્યા વગર જ વિમાનને જંગલમાં એક સ્થળ પર ઉતારી દીધું.રનવે પર વિમાન ઉતારતી વખતે તે સ્થળ કરતા 200 મીટર જેટલું આગળ જતુ રહ્યું હતું. સંવાદ એજન્સી ઈતરતાસ અનુસાર એક દંપતી સિવાય અન્ય દરેક મુસાફરોને અન્ય ફ્લાઇટ મારફતે મોસ્કો પહોંચાડી દેવાયા છે.

No comments:

Post a Comment