13 September 2010

છ મ્યુનિ.ની ચૂંટણીમાં ઝંપલાવવાનો મજપાનો નિર્ણય

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



છ મ્યુનિ.ની ચૂંટણીમાં ઝંપલાવવાનો મજપાનો નિર્ણય

ભારતીય જનતા પક્ષમાંથી અલગ થઈ મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરનાર પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવાનું એલાન કરી દીધું છે.છ મ્યુનિ. કોર્પો.ની ચૂંટણીના મેદાનમાં ઉતરવા તથા તેના માટેના પ્રચાર મુદ્દા નક્કી કરવા સહિતની રણનીતિ ઘડવા માટે મહાગુજરાત જનતા પાર્ટીના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાએ આજે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સ્વિસ્તક ચારરસ્તા પાસે રાજ્યભરના હોદ્દેદારો તથા કાર્યકરોનું સંમેલન યોજ્યું હતું.સંમેલન બાદ મજપા પ્રમુખ ગોરધનભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ સહિતની છ મ્યુનિ.માં બને તેટલી વધુ બેઠકો ઉપર ચૂંટણી લડવામાં આવશે અને શહેરીજનોને બીજા રાજકીય પક્ષોનો વિકલ્પ મળશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વખતે મજપા મ્યુનિ. ચૂંટણીમાં મેદાન મારી જશે અને શહેરીજનોને સીધા સ્પર્શે તેવા મુદ્દા લઈને ચૂટણી લડવામાં આવશે.તેમણે કહ્યું કે, દરેક શહેરીજનને મફત અકસ્માત વીમો આપવો, તેમજ મ્યુનિ. સંચાલિત તમામ હોસ્પિટલોમાં તદ્દન મફત સારવાર ઉપલબ્ધ કરાવવી તેમજ એએમટીએસમાં બસની સંખ્યા વધારી શહેરીજનોને વધુ સુવિધા આપવા જેવા અનેક નવા મુદ્દા તેઓ ચૂંટણી પ્રચારમાં માટે તૈયાર કરી રહ્યા છે.


બોલિવૂડ સ્ટાર કાજોલે પુત્રને જન્મ આપ્યો

બોલિવૂડ સ્ટાર કાજોલે પુત્રને જન્મ આપ્યો છે. મુંબઈના બ્રાંદ્રામાં આવેલી લીલાવતી હોસ્પિટલમાં કાજોલે સોમવાર સવારે 9.20 પુત્રને જન્મ આપ્યો છે.હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાજોલ અને તેના પુત્રની તબિયત સારી છે.કાજોલ અને અજયને પુત્રી ન્યાસા છે. કાજોલે પુત્રીનો જન્મ થતાં ફિલ્મોમાંથી થોડો સમય બ્રેક લીધો હતો. કાજોલે કુનાલ કોહલીની ફિલ્મ ફનાથી કમબેક કર્યુ હતું.ફિલ્મ વી આર ફેમિલીના શુટિંગ દરમિયાન કાજોલ ગર્ભવતી થઈ હતી. પ્રથમ પ્રેગ્નન્સી વખતે કાજોલને કેટલીક મુશ્કેલી ઉભી થઈ હતી પરંતુ આ વખતે કોઈ મુશ્કેલી થઈ નથી.


વિદ્યાર્થિનીઓને રોજા રખાવ્યા જ્યારે ગણેશ ચતુર્થી પર રોક

સાબરમતી ગાંધીઆશ્રમ સંચાલિત પીટીસી કોલેજમાં સર્વધર્મ સમભાવની ભાવના ઉજાગર કરવા માટે કેટલીક વિદ્યાર્થિનીઓને રોઝા રાખવા કહેવાયું હતું જ્યારે બીજી તરફ ગણેશ ઉત્સવ ઉજવવા પર સત્તાવાળાઓએ મનાઈ ફરમાવી હતી. કોલેજ સત્તાવાળાઓના બેવડા ધોરણથી વિદ્યાર્થિનીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.શિક્ષણ વિભાગનાં સૂત્રોમાં વહેતી થયેલી ચર્ચા મુજબ સાબરમતીસ્થિત ગાંધીઆશ્રમ સંચાલિત મહિલા પીટીસી કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓને સર્વ ધર્મ સમભાવની ભાવનાથી રમઝાન માસ દરમિયાન તાજેતરમાં રોઝા રખાવીને નમાઝ પઢાવવામાં આવી હતી. બીજી તરફ ગણેશોત્સવના પર્વની ઉજવણી પર કોલેજ સત્તાવાળાઓ દ્વારા રોક લગાવવામાં આવી હતી.કોલેજ સત્તાવાળાઓના ધર્મ પ્રત્યેનાં બેવડાં ધોરણને કારણે વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે આ અંગે કોલેજ સત્તાવાળાઓની પ્રતિક્રિયા મળી શકી નથી. આગામી દિવસોમાં આ મુદ્દે વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ શિક્ષણવર્તુળોમાં ચર્ચાઈ રહી છે.


કોમનવેલ્થ બેટન રીલે આજે વડોદરા આવશે

નવી દિલ્હી ખાતે આગામી મહિને યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે નીકળેલ બેટન રીલે તા. ૧૩ના રોજ વડોદરા આવી પહોંચશે. મ. સ. યુનિવર્સિટી પેવિલિયન પર બેટન રીલેનું કલેક્ટર, મ્યુનિસપિલ કમિશનર સહિતના મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. બાદમાં શહેરના વીરસાવરકર ચોકથી અક્ષરચોક સુધી બેટન રીલે લઇને નામાંકિત ખેલ મહારથીઓ દોડ લગાવશે.કોમનવેલ્થ બેટન રીલે કરજણ ખાતે પહોંચી છે. ત્યાં રાત્રી રોકાણ બાદ કરજણથી સોમવારે સવારે ૬ કલાકે બેટન રીલે વડોદરા લાવવામાં આવશે. વડોદરા ખાતે બેટન રીલે સાંજે પાંચ કલાકે મ. સ. યુનિવર્સિટી પેવિલિયન પર આવી પહોંચશે.જ્યાં કલેક્ટર વિજય નહેરા, મ્યુનિસપિલ કમિશનર, યુનિવર્સિટીના ફિઝિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. થુમર સહિતના મહાનુભાવો બેટન રીલેનું સ્વાગત કરશે.ત્યાર બાદ બેટન રીલે વીર સાવરકરચોક ખાતે લઇ જવાશે. ત્યાંથી રીલે લઇને શહેરના ખેલ મહારથીઓ દોડ લગાવશે. ખેલ મહારથીઓમાં આંતરરાષ્ટ્રીય એથ્લેટ રઝિયા શેખ, અર્જુન એવોર્ડ વિજેતા ખો-ખોના સુધિર પરબ, વિનય વિચારે, ક્રિકેટર તુષાર અરોઠે, નિકિતા કોઠારી, રાજેશ પવાર બેટનરીલે લઇ દોડશે. અંશુમન ગાયકવાડ પણ બેટન રીલેમાં જોડાશે. બેટન રીલે અક્ષર ચોક ખાતે પૂર્ણ કરાશે.બેટન રીલે ટીમ ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે રાત્રી રોકાણ કરશે. જીપીએસ સ્કૂલ ખાતે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. બીજે દિવસે વહેલી સવારે બેટનરીલે લઇને સવારે આઠ કલાકે આણંદ, ખેડા જિલ્લામાં લઇ જવાશે. ત્યાંથી અમદાવાદ લઇ જવાયા બાદ બેટન રીલે મધ્યપ્રદેશ લઇ જવાશે.


કડોદરામાં દસ મહિલા બુટલેગર ઝડપાઈ

પલસાણા તાલુકાના કડોદરા ખાતે ઓવરબ્રિજ નજીક કડોદરા જીઆઈડીસી પોલીસે નાઈટ પેટ્રોલિંગમાં મળસ્કે એક ટ્રકમાં દાહોદની દસ મહિલા બુટલેગરોને ઝડપી પાડી હતી. ૨૯ હજારથી વધુના દારૂ સાથે મહિલા બુટલેગર અને ડ્રાઈવર કલીનર મળી બારની અટક કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ કડોદરા જીઆઈડીસી પોલીસ રવિવારે વહેલી સવારે હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કડોદરા ખાતે ઓવરબ્રિજ નજીક એક ટ્રક નં.આરજે-૦૨-જીએ-૪૩૯૨ શંકાસ્પદ મહિલાઓ જણાઇ હતી. ટ્રકને અટકાવી તપાસ કરતા અંદરથી વગર પાસ પરમિટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દાહોદની દસ મહિલા બુટલેગરો દારૂની ખેપ મારતા રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.વ્હિસ્કીની ૯૪૯ બોટલ અને બિયરની ૩૦૨ નંગ મળી કુલ ૨૯,૯૭૦નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ટ્રકની કિંમત રૂ.૧૦ લાખ અને ટ્રકની અંદર ભરેલા ૨૫.૬૦ ટન લોખંડના સિળયા કિંમત ૧૨ લાખ મળી કુલ ૨૨,૨૯,૯૭૦નો મુદ્દામાલ સાથે ડ્રાઈવર-કલીનર સહિત ૧૨ની અટક કરવામાં આવી હતી. કડોદરા જીઆઈડીસી પોલીસના એએસઆઈ શ્રીનિવાસ લક્ષ્મણભાઈએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ગણેશ ભક્તિના રંગે રંગાયું ભાવેણુ

ભાવનગર શહેરમાં ગલીએ-ગલીએ ગણપતિ બાપા મોરયાના ગગનભેદી નારાઓ સાથે ૧૦ દિવસનું આતિથ્ય માણવા વાજતે-ગાજતે આવેલા દુંદાળા દેવ ભગવાન શ્રીજીની મનોહર પ્રતિમાઓને જે-તે મંડળો, ગૃપો દ્વારા ભક્તિભાવપૂર્વક સ્થાપિત કરાયા બાદ શ્રદ્ધાળુઓ ભક્તિમાં ભાવવિભોર થઈ રહ્યા છે.શહેરના મોટાભાગના વિસ્તારોમાં યુવક મંડળો, ગૃપો દ્વારા એક એકથી ચડીયાતા સુશોભન, લાઈટના ડેકોરેશન ગોઠવી બીજા કરતા ચડીયાતુ આયોજન થાય તે માટે તંદુરસ્ત હરિફાઈ જેવું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.ગણેશ ઉત્સવના આયોજન સાથે ભાવેણામાં ધર્મભાવના ઔર જામી છે ધર્મભાવનાની સાથોસાથ ગણેશ ઉત્સવ દરમિયાન આયોજક સંસ્થાઓ દ્વારા ૧૦ દિવસ દરમિયાન દરરોજ અલગ-અલગ સેવાકીય રચનાત્મક કાર્યક્રમો જેવા કે રક્તદાન કેમ્પ, અંધશ્રદ્ધાથી ચેતો કાર્યક્રમ, જાદુગરનો ખેલ બાળકો માટે કાર્ટુન કાર્યક્રમો વ્યસનમુક્તિ કાર્યક્રમ અને સર્વરોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો પણ ઠેર-ઠેર યોજાઈ રહ્યા છે. તો વળી કેટલાક સ્થળોએ ભજન કીર્તન અને સંતવાણી કાર્યક્રમમં સ્થાનિક વિસ્તારના જ નવોદિત ગાયક કલાકારો, સંગીતકારોને સ્ટેજ પુરૂ પાડી તેમની કલાને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે.ભાવનગર બધિર મંડળ દ્વારા ૫માં ગણેશોત્સવનો અંધ ઉદ્યોગશાળાના પટાંગણમાં શુભારંભ કરાયો હતો અત્રે ગણપતિ સૂંઢ દ્વારા તેમજ હથેળીમાંથી પાણીનો છંટકાવ કરે છે. તેનું શ્રદ્ધાળુઓમાં આકર્ષણ જન્મ્યુ છે. તા.૧૯-૯ને રવિવારે વિસર્જનવિધિ યોજાશે.


ભાવનગર શહેરમાં ફેલાયેલો આંખનો ચેપી રોગ

શહેરમાં એક તરફ ડેન્ગ્યુ તેમજ સ્વાઈન ફ્લ્યુના કેસ મળી રહ્યાં છે તો બીજી તરફ લોકોમાં કન્ઝકટીવાઈટીસ (આંખનો ચેપીરોગ)ના કેસ પણ ખૂબજ પ્રમાણમાં મળી રહ્યાં છે. આંખનો ચેપ વાઈરસના કારણે ફેલાતો હોવાથી શહેરમાં વાઈરસ સક્રીય થયો હોવાનું ડોક્ટરોએ જણાવ્યુંહતું. જેનો કારણે દરેક વિસ્તારમાં કન્ઝકટીવાઈટીસના દર્દીઓ જોવા મળે છે.ખાસ કરીને બાળકોમાં ફેલાતો વાઈરસ અત્યારે મોટા લોકોમાં પણ ફેલાયેલો જોવા મળે છે. લોકોએ તેનાથી બચવા ફરજિયાતપણે ગોગલ્સ ધારણ કરવા પડે છે. ખાસ કરીને બાળકોમાં આંખનો ચેપ લાગે છે. ત્યારે તેઓ શાળા-ટ્યૂશનમાં હાજર રહીના હોવાથી ચેપ અન્ય બાળકોમાં પણ ફેલાતો હોય છે. એવી જ રીતે ઘરના એક સભ્યને ચેપ લાગે છે તો તેનો ચેપ બીજા સભ્યોને લાગશે તેની સંભાવના પણ વધી જતી હોય છે.ડૉ.રમેશભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ દવાખાનાઓમાં શરદી ઉધરસ, તાવની સાથે કન્ઝકટીવાઈટીસના કેસથી પણ દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. શરૂઆતમાં લોકોને આંખમાં ચીપડા થવા માંડે છે. ત્યારબાદ આંખો લાલ થવા માંડે છે. અને આંખોમાંથી પાણી પડવા લાગે છે તે આંખના ચેપની નિશાની છે. તેના ટીપા લીધા બાદ બે-ત્રણ દિવસે અને ભારે ચેપ હોય તો પાંચથી છ દિવસે આંખો સામાન્ય સ્થિતિમાં આવતી હોય છે.આંખનો ચેપ લાગવાને કારણે તાવ આવી જવાની, નબળાઈ આવી જવાની શક્યતા પણ રહેતી હોય છે. જો યોગ્ય તકેદારી રાખવામાં આવે તો ચેપ ફેલાતો અટકાવી શકાય તેમ છે.


કચ્છમાં સંવત્સરીએ ધર્મમય માહોલ

કચ્છમાં તપ, જપ અને આરાધનાઓની પરાકાષ્ઠાએ સમસ્ત જૈન સમાજે સંવત્સરીની ઉજવણી કરી હતી તેમજ વર્ષ દરમિયાન જાણે-અજાણે કોઇને દુભાવ્યા હોય તો ‘મિચ્છામિ દુક્કડમ’ કહી ક્ષમા યાચી હતી. ભુજમા સોમવારે સવારે શોભાયાત્રા અને સાંજે તપસ્વીઓનું બહુમાન કરાશે.તપગચ્છ જૈન સંઘ અને ખરતરગચ્છ જૈન સંઘે શનિવારે જ્યારે અચલગચ્છ જૈન સંઘ અને સ્થાનકવાસી જૈન સંઘ રવિવારે સંવત્સરી મનાવી હતી. ભુજમાં સોમવારે સવારે શોભાયાત્રા નીકળશે. સમસ્ત જૈન સમાજ સરઘાસાકારે શહેરમાં નીકળશે.બપોરે નવકારશી અને રાત્રે અંદાજે બારેક જેટલા તપસ્વીઓનું બહુમાન કરાશે. એવું પી. સી. શાહ અને પ્રબોધ મુનવરે જણાવ્યું હતું.રાપર જૈન સમાજ દ્વારા પયુંષણ પર્વ દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને પયુંષણ પર્વ પાંચમના દિવસે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નગરજનો સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં હર્ષભેર જોડાયા હતા અને પર્વ મનાવાયું હતું અને સર્વને મિચ્છામીદુક્કડમ પાઠવ્યા હતા.રાપર જૈન સમાજ દ્વારા રાપરમાં શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી વળી હતી અને રાપરના જૈન ભાઇઓ દ્વારા માલી ચોક, દેના બેંક ચોક, એસ.ટી. રોડ, સેલારી નાકા વગેરે સ્થળોએ શોભાયાત્રા કઢાઇ હતી આ પ્રસંગે સમાજના ભાઇઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


કચ્છમાં વરાપ બાદ રોગચાળાની દહેશત : આરોગ્ય તંત્રે કમર કસી

કચ્છમાં સતત પડી રહેલા વરસાદના કારણે વરાપ નીકળ્યા બાદ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઇ છે. જેના પગલે આરોગ્ય વિભાગે અગાઉથી જ રોગચાળા વિરોધી કામગીરી શરૂ કરી છે.શનિવારે તા.૧૧/૯ના સવારે ૯ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ, અધિકારીઓની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી એસ.કે.મોડે જણાવ્યું કે, વરસાદ બાદ પાણીજન્ય રોગો તથા મચ્છર કરડવાથી તથા મેલેરિયાનું પ્રમાણ વધી જતું હોય છે. છેલ્લા સમયથી પડી રહેલા વરસાદના કારણે રોગચાળો પ્રસરે તેવી શક્યતા નકારી શકાતી નથી.કોઇપણ સ્થળે ગમે તેવી સ્થિતિને પહોંચી વળવા છ ટીમોની રચના કરવામાં આવી છે જે દરેક તાલુકાઓમાં સુપરવિઝન કરશે. ગામડાંઓમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા બે મેડિકલ કેમ્પો યોજવાનું આયોજન કરાયું છે. તેમાં દર્દીઓને ચકાસીને દવા અપાશે, ઉપરાંત ૮૦ જેટલા રોગચાળાની સૌથી વધુ શક્યતા વાળા ગામોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાશે.જ્યાં રોગચાળાની પરિસ્થિતિ દેખાશે ત્યાં ત્યાં તાત્કાલિક ધોરણે ટીમને મોકલી દેવાશે. આ માટે બેઠકમાં દરેક અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ શું શું પગલાંઓ લઇ શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જરૂરી દવાનો જથ્થો પણ મગાવી લેવામાં આવ્યો છે.



શિરડીમાં કાર નદીમાં ખાબકતાં એક ભાવિકનું મોત, ત્રણ ગુમ

રસિદ્ધ શિરડી સાઈબાબાના દર્શન કરવા ગયેલા ૧૦ જણ સાથેની ક્વોલિસ નદીમાં ખાબકતાં એક ભાવિકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ ગુમ થયા હતા. દુર્ઘટનાગ્રસ્ત ભાવિકો મુંબઈના રહેવાસી છે. તેઓ શનિવારે ગણેશચતુર્થીનું નિમિત્ત સાધીને સાઈબાબાનાં દર્શ કરવા માટે નીકળ્યા હતા.ક્વોલિસ દેરડેકોરાળેમાં ગોદાવરી કાલવા નદીમાં ખાબકી હતી, જેમાં મનોજ મૌર્યાનું મોત નીપજ્યું હતું, જ્યારે ઈન્દ્રભાન મૌર્યા, હર્ષ મૌર્યા અને લાલબહાદુર ધિવર ગુમ થયા હતા. કુલ દસ જણ કારમાં હતા. ત્રણેયને શોધવા માટે પ્રયાસ ચાલી રહ્યો હતો.દરમિયાન અન્ય ઈજાગ્રસ્ત ભાવિકોને સાઈ સંસ્થાન હોસ્પિટલમાં ઉપચાર આપવામાં આવ્યો હતો. કવોલિસના ચાલકે વાહન પરનો નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું.



બોરસદ તાલુકામાં નહેરમાંથી ગુમ યુવકની લાશ મળતાં ચકચાર

બોરસદ તાલુકાના વાસણા જીઆઇડીસી નજીકથી પસાર થતી એક નહેરમાંથી એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, મૃતક ભાદરણમાં તમાકુની ખરીમાં રહેતા મજુરની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાસણા જીઆઇડીસી પાસેથી પસાર થતી નહેરમાં શનિવારે બપોરના એક લાશ પડી હોવાની જાણ વાસણા જીઆઇડીસીમાં રહેતા ભલાભાઇ મારવાડીએ બોરસદ પોલીસને કરતાં પોલીસે સ્થળ ઉપર જઇ લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી.પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ કરતાં મૃતક રાજસ્થાનના શીરોહી જિલ્લાના રાણવાવનો વતની અને હાલમાં ભારદણ ખાતે પટેલની તમાકુની ખરીમાં રહેતા ત્રીસ વર્ષના ફેદિયાભાઇ ભલાજી મારવાડી હોવાનું જણાઇ આવ્યું હતુ.વધુ તપાસમાં ભલાભાઇ મંગળવારે સવારે બોરસદથી લોટ લઇ આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ તે ગૂમ થઇ ગયા હતા. ફદિયાભાઇનું મોત પાણીમાં ડુબી જવાથી થયું હોવાની શક્યતા આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપમાં આણંદના સ્પર્ધકો ઝળક્યા

આ સ્પર્ધામાં પથીક પંચાલે ૩૨ બારે સેન્ટર ફાયર પિસ્તોલ એન.આર.ઇવેન્ટમાં જુનિયર અને સીનિયર બંને કેટેગરીમાં પ્રથમ આવી સ્ટેટ રેકોર્ડ બનાવવા સાથે ર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેમજ રર બોર સ્પોટર્સ પિસ્તોલમાં સીલ્વર મેડલ મેળવ્યો હતો. નીશીત પંચાલે એરપિસ્તોલ ૧૦ મીટર એન.આર.કેટેગરીમાં ગોલ્ડ મેડલ તથા સેન્ટર ફાયર સીનિયર એન.આર.માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.શશાંક દેસાઇએ પોઇન્ટ રર ફી પિસ્તોલ પ૦ મીટરમાં સ્ટેટ લેવલ પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બીપીન પટેલ પોઇન્ટ રર બોર સ્ટાન્ડર્ડ પિસ્તોલ રપ મીટરમાં સીલ્વર મેડલ તથા બ્રહ્ના ગોસ્વામીએ એરરાઇફલ ૧૦ મીટરમાં સીલ્વર મેડલ મેળવ્યો હતો. સીનિયર શૂટર રોહિતભાઇ પંચાલે પોઇન્ટર ૩૨ પિસ્તોલ આઈ.એન.એસ.એફ.માં ગોલ્ડ મેડલ મેળવી રેપીડ ફાયર પિસ્તોલમાં પ્રથમ આવેલ છે.આમ, આણંદ ડિસ્ટ્રિક્ટની ટીમે પાંચ ગોલ્ડ, ત્રણ સીલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આગામી જી.વી.માવલંકર નેશનલ શુટિંગ ચેમ્પિયનશીપ માટે પથીક પંચાલ, નીશીત પંચાલ, શશાંકભાઈ, બીપીનભાઈ અને બ્રહ્ના ગોસ્વામીની પસંદગી થવા પામી છે.


મહેસાણા તાલુકાના ગોરાદમાં યુવતીને ભગાડવાના મામલે ધિંગાણું

મહેસાણા તાલુકાના ગોરાદ ગામે રહી મજુરી કામ કરતા નસીબખાન કાસમખાન જીઘરાણાની ભાણી યાસ્મીનબેનને છ માસ અગાઉ ભગાડી જવામાં સંડોવાયેલ જીઘરાણા હબીબખાને શનિવારે સાંજે ગામમાં આવી આ મામલે તું મારૂ ખોટું નામ કેમ આપે છે? તેમ કહી ઉશ્કેરાઇ જઇ બીજા અન્ય શખ્સોની સાથે લાકડીઓ લઇ હુમલો કર્યો હતો.જેમાં બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.આ અંગે નસીબખાને તાલુકા પોલીસે સ્ટેશનમાં જીઘરાણા હબીબખાન અશરફખાન, હેદરખાન રસુલખાન, યુસુફખાન આજમખાન, શોરામખાન બિસ્મીલ્લાખાન, નસીબ ખાન બિસ્મીલ્લાખાન, જહાંગીરખાન ઇમામખાન તથા રસુલખાન હિંમત ખાન તમામ રહે. ગોરાદવાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.બીજી બાજુ આ મામલે મૂળ ગોરાદના અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા અને ભાંન્ડુ સ્થિત એંજિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા જીઘરાણા હબીબખાન અશરફખાને પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં સાત ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ઇદના દિવસે તે અમદાવાદથી મિત્રો સાથે ગોરાદ આવ્યો હતો ત્યારે જીઘરાણા હસનખાન કાસમખાને તું મારી ભાણીને ભગાડવામાં મદદ કરે છે તેમ કહી ગાળો બોલી બોલાચાલી કરી હતી.જેમાં ઉશ્કેરાઇ જઇ હસનખાન, નસીબખાન કાસમ ખાન, ભીખનખાન કુસુમખાન, યાસીનખાન સમશેરખાન, સોકત ખાન સમશેરખાન, યુસુફખાન તથા સલીમખાન સહિત સાત શખ્સોએ લોખંડની પાઇપો સહિત હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે બંને પક્ષે ૧૪ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

No comments:

Post a Comment