16 September 2010

સુરત અને તાપી જિલ્લાની સુગર ફેક્ટરીઓએ ભાવ ઓછો પાડતાં ભડકો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



સુરત અને તાપી જિલ્લાની સુગર ફેક્ટરીઓએ ભાવ ઓછો પાડતાં ભડકો

સુરત અને તાપી જિલ્લાની વિવિધ સહકારી સુગર ફેક્ટરીઓમાં બુધવારે અપેક્ષાથી ઓછો ભાવ જાહેર કરાતાં ખેડૂતો વિફર્યો હતા અને સુગર ફેક્ટરીઓ પર વિરોધ કરવા ધસી ગયા હતા. બારડોલી અને મઢીમાં ખેડૂતોનાં ટોળાં તોફાની બનતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાયણ અને ચલથાણ સુગરના સભાસદોએ પણ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ વર્ષે ખાંડના ભાવ રેકોર્ડ ઊંચાઈએ જતાં અને સરકારે ઇથેનોલના ભાવમાં પણ વધારો કરી આપતાં ખેડૂતોમાં શેરડીનો સારો ભાવ મળવાની આશા જાગી હતી. સુગર ફેક્ટરીઓનું મેનેજમેન્ટ સંભાળતા સહકારી આગેવાનો પણ આ વર્ષે સારો ભાવ મળવાનું આશ્વાસન આપતાં રહ્યાં હતા પરંતુ જ્યારે બુધવારે શેરડીના ભાવ નક્કી કરવા સુગર ફેક્ટરીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી ત્યારે આનાથી સાવ વપિરીત ચિત્ર જોવા મળ્યું હતું.ગયા વર્ષે તમામ સુગર ફેક્ટરીઓએ શરેડીનો ૨૧૦૦થી ૨૦૦૦ રૂપિયા પ્રતિ ટન ભાવ આપ્યો હતો તેની સામે આ વર્ષે ૨૩૦૦થી ૨૬૦૦ની રેન્જમાં ભાવ નક્કી કરાતા ઊંચી આશા લઈને બેઠેલા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખેડૂતો સાયણ, ચલથાણ, બારડોલી અને મઢી સુગર ફેક્ટરીમાં ધસી ગયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.સૌથી વધારે રોષ મઢી સુગરના સભાસદોમાં જોવા મળ્યો હતો. સવારના ૯.૦૦ વાગ્યાથી જ ખેડૂતો મઢી સુગરના ગેટની બહાર જમા થવા માંડ્યા હતા પરંતુ ખેડૂતોને ગેટની અંદર પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. સાંજે ચાર વાગ્યે બારડોલીના ૨૬૪૧ના ભાવની સામે મઢીએ ૨૩૫૧નો જ ભાવ પાડતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો.


૭૫ બેઠક માટે ભાજપમાં એક હજારથી વધુ દાવેદાર

મહાનગર સેવાસદનની ૭૫ બેઠક માટે શહેર ભાજપમાંથી એક હજારથી વધુ દાવેદારોનો રાફડો ફાટતા મોવડીમંડળને લાંબી કવાયત કરવાનો વારો આવશે. સેવાસદનના નવા સીમાંકન મુજબ ૨૫ વોર્ડની ૭૫ બેઠકોના મૂરતિયાંની પસંદગી કરવા માટે ભાજપ તરફથી બેદિવસથી કવાયત શરૂ કરવામાં આવી હતી.મંગળવારે મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી ૨૫ વોર્ડમાંથી પંદર વોર્ડ જ પૂરા કરાયા હતા. જ્યારે બાકી રહી ગયેલા દસ વોર્ડના કાર્યકરોની સુનાવણી આજે પૂરી કરાઇ હતી. બુધવારે સાંજે પૂરી થયેલી સુનાવણીના અંતે ૭૫ બેઠક માટે લગભગ ૧ હજાર થી વધુ દાવેદારો નોંધાયા હતા. બે દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં મોટા ભાગના કાર્યકરોએ ભ્રષ્ટાચારીને ટિકિટ ના આપશો તેવી ઉગ્ર રજુઆતો કરી હતી અને તેની નોંધ પણ નિરીક્ષકોએ લીધી છે. જોકે, ૨૦૦૫ની ચૂંટણીમાં પહેલી વખત જ રાજકારણમાં પગ મૂકનારા પૈકી મોટાભાગના કાઉન્સિલરો રિપીટ થવાની ખેવના ધરાવી રહ્યા છે.બે દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં આવેલા ઉમેદવારોના દાવાપત્રો મામલે શુક્રવારે મળનારી ભાજપની પાલૉમેન્ટરી બોર્ડમાં ચચાઁ કરવામાં આવનાર છે અને તેના આધારે ઉમેદવારોનુ ભાવિ નક્કી કરવામાં આવશે.



અકેલે હૈ તો ક્યાં ગમ હૈ..

આપનાં જીવનમાં કોઈ પુરુષ પાત્ર ન હોય કે જેને આપ આપની બધીજ વાતો જણાવી શકો તો દુઃખી થવાની જરૂર નથી. અરે તમે આજની 21મી સદીની સફળ મહિલાઓ છો. આપ જે ઈચ્છો તે કરી શકો છો આમ કાંઈ એકલાં હોવાથી દુઃખી થવાની જરૂર નથી. આ એકલતાનાં પણ ઘણાં ફાયદા છે.જ્યારે તમને કોઈ જ સંબંધોમાં નથી હોતા એકલાં હોવો છો તો તમે બધાજ સંબંધોનો આનંદ ઉઠાવી શકો છો. તમારે ફક્ત એક જ વ્યક્તિને સમય આપવાની જરૂર રહેતી નથી. તો એવી ઘણી છોકરીઓ પણ હોય છે જે તેમનાં કામને એટલું મહત્વ આપતી હોય છે કે તેમનાં માટે આવા સંબંધોમાં પડવાનો સમય જ હોતો નથી.તેઓ એકલાં જ રહેવાનું પસંદ કરે છે તેથી જીવનમાં વધુ મુશ્કેલીઓ ન આવે અને તે તેમની પ્રોફેશનલ લાઈફ સારી રીતે એન્જોય કરી શકે. તેમને મતે તો આવા સંબંધોમાં રહેવું બોજ સમાન છે. પણ એવી ઘણી યુવતીઓ છે જે તેમનાં પાસ્ટ અફેરને ભુલી નથી કે પોતે એકલાં હોવાની બાબતે ખુશ નથી. તેમને આ વાત ખુંચે છે કે મારા જીવનમાં કેમ કોઈ એક મહત્વું પુરુષ પાત્ર નથી.



ધોરણ-૧૨ના આવેદનપત્રો ભરવાની મુદ્દત વધારવા માંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ના આવેદનપત્રો ૧૩ સપ્ટેમ્બરથી ભરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ સમય દરમ્યાન જ પરીક્ષાઓ પણ આવતી હોઇ આવેદનપત્રો ભરવાની મુદ્દત વધારવા માંગ ઉઠવા પામી છે.પ્રાપ્તમાહીતી અનુસાર ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની માર્ચ-૨૦૧૧મા લેવાનારી બોર્ડની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની કાર્યવાહી ૧૩ સપ્ટેમ્બરથી શરુ કરવાની સુચના બોર્ડ દ્વારા આપવામા આવી હતી. ભરેલા ફોર્મ ૨૩ સપ્ટેમ્બર સુધી ભરીને પરત મોકલવાના હતા.જોકે આ સમય દરમ્યાન રાજ્યની શાળાઓમા પ્રથમ કસોટી ચાલતી હોઇ આવેદનપત્રો ભરવામા મુશ્કેલીઓ આવતી હોવાનુ જણાવી આચાર્યો દ્વારા આવેદનપત્રો ભરવા માટેની મુદ્દતમા વધારો કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.


મહારાષ્ટ્રના તમામ ડેમે દરવાજા બંધ કરી દીધા

સુરતીઓએ કમસે કમ આ વર્ષે વિનાશક પૂરનો સામનો ન કરવો પડે તેવા સમીકરણો ડેમના અધિકારીઓ કહે છે લોકોએ ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી. ઉકાઈ જળાશયમાં અન્ય રાજ્યોના જે-જે ડેમમાંથી પાણીનો મુખ્ય જથ્થો આવે છે તેવા ચાર ડેમની ઓથોરિટીએ વરસાદના લાંબા વિરામને જોતા પાણીનું લેવલ જાળવી રાખવા માટે ૧૫ સપ્ટેમ્બરના રોજ ડેમના તમામ દરવાજા બંધ કરી દીધા છે, જેના કારણે નજીકના દિવસોમાં ઉકાઈ ડેમમાં પાણીનો ફ્લો આવવાની કોઈ શક્યતા નથી.ડેમમાં મંગળવારે રાત્રે ૯.૦૦ વાગ્યે પાણીની સપાટી ૩૩૯.૭૪ ફૂટ નોંધાઈ છે, જે ફુલ રિઝર્વિયર લેવલ ૩૪૫ ફૂટથી ૫.૨૬ ફૂટ જેટલી નીચે છે. છેલ્લા ત્રણ વર્ષથી ૩૪૫ ફૂટની સપાટીએ ઊકાઈનું જળાશય પહોંચતુ જ રહ્યું છે.વળી, હાલમાં ચોમાસું પોતાના અંતિમ તબક્કામાં છે ત્યારે ઊકાઈ ડેમમાં પાણીની આવક માત્ર સ્થાનિક વરસાદ પર આધારિત બની ગઈ છે. આમ, હાલમાં ઊકાઈ ડેમમાં વાસ્તવમાં ‘સબસલામત’ની સ્થિતિ છે તેવું ઓથોરિટીનું કહેવું છે.આ વર્ષે વિનાશક પૂરની ચાર વર્ષની સાઇકલનો ક્રમ હોવાથી સુરતીઓને હાલમાં મોડેમોડે આવી ગયેલા ભારે વરસાદે ઊંચાનીચા કરી મૂક્યા હતા. કેમકે ઓગસ્ટ મહિના અંતમાં ૩૧ તારીખે અને ગત તા. ૭ તથા ૮ સપ્ટેમ્બરે વરસાદે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જે કેર વર્તાવ્યો હતો તેના કારણે સુરતીઓ પાછા પૂરની દહેશતથી ફફડી ઊઠયા હતાં.


ખેલાડી અક્ષયને કિંગખાને પછાડ્યો

ગયા વર્ષે કર ભરવાની બાબતમાં અક્ષયકુમાર ખેલાડી હતો. તેણે કુલ રૂપિયા સાડા ચાર કરોડ ટેક્સ પેટે ચૂકવ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે બોલીવુડના કિંગખાન શાહરૂખખાન કર ચૂકવવાની બાબતમાં બાદશાહ સાબિત થયા છે.શાહરૂખ ખાને ગયા વર્ષે આવકવેરા પેટે રૂપિયા સાડા ત્રણ કરોડ જમા કરાવ્યા હતા જ્યારે ચાલુ વર્ષ માટે તેમણે રૂપિયા પાંચ કરોડ ભર્યા છે અને ખેલાડી અક્ષય કુમાર બીજાક્રમે છે. અક્ષયે રૂપિયા સાડા ચાર કરોડનો કર ભર્યો છે. 'મિ.પરફેક્શનિસ્ટ' આમીરખાને પણ રૂપિયા ચાર કરોડ ઈન્કમટેક્સ પેટે જમા કરાવ્યા છે. છોટે નવાબ સૈફઅલી ખાન અને રણબીર કપૂરે નાણાંકીય વર્ષ 2011 માટે અઢી કરોડ રૂપિયાનો કર જમા કરાવ્યો છે. જ્યારે દબંગ સલમાનખાને ઈન્કમ ટેક્સ પેટે માત્ર અઢી કરોડ જમા કરાવ્યા છે.બાર્બી ડોલ કેટરિના કૈફે રૂપિયા એક કરોડ ત્રીસ લાખનો આવકવેરો ભર્યો છે. ગતવર્ષે તેણે રૂપિયા એક કરોડ જમા કરાવ્યા છે. જ્યારે તેની કટ્ટર હરિફ બેબો કરિના કપૂરે રૂપિયા એક કરોડનો આવકવેરો જમા કરાવ્યો છે, ગયા વર્ષ તેણે રૂપિયા એંસી લાખનો કર ભર્યો હતો.


માતાએ જ બાળકને કમનસીબી આપી

થોડાં દિવસો પહેલા મચ્છરોલી નામના એક ગામમાં પતિ, દિયર, દેરાણી અને સાસુના ત્રાસથી કંટાળીને એક પરિણિતાએ મોતને વહાલું કર્યું હતું. આ અંગે કાલે અદાલતમાં સુનાવણી ચાલી હતી, જેમાં આરોપી દેરાણી સતવંતીની પણ ધરપકડ કરી લેવાઈ છે.
કોર્ટે સતવંતીને પણ જેલ મોકલવાનો આદેશ આપ્યો છે. સતવંતીને ચાર મહિના પહેલા જ દીકરો અવતર્યો છે, જેણે કમનસીબે પોતાની માતાની સાથે જેલમાં જવુ પડ્યું છે. આ મામલે પોલીસે ઓરોપી પતિ, દિયર, દેરાણી અને સાસુ બધાને જેલભેગા કરી દીધા છે.ચાર માસના આ બાળકનું નામ વિન્સુ છે. હવે આ કમનસીબ બાળકે પોતાના જીવનનો પણ અગત્યનો સમય માતાની સાથે જેલમાં વિતાવવો પડશે.


એરટેલ વાળા જુમો, તમારા માટે સરપ્રાઇઝ

જો તમારી પાસે પણ એરટેલનુ કનેક્શન છે તો ટૂંક સમયમાં તમને કંપની તરફથી એક સરપ્રાઇઝ મળવાનુ છે. વાત જરા એમ છે કે મોબાઇલ સર્વિસ આપનારી કંપની એરટેલ થોડા જ સમયમાં પોતાની 'વર્ચ્યૂઅલ વૉલેટ સર્વિસ' શરૂ કરવા જઈ રહી છે.આ સર્વિસ દ્વારા એરટેલના ગ્રાહકો કોઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા પછી અથવા કોઈ રિટેલ આઉટલેટ ઉપર શોપિંગ કર્યા પછી પોતાના મોબાઇલ દ્વારા જ બિલ પેમેન્ટ કરી શકસે. પણ હા આ ખાસ સર્વિસ તે જ આઉટલેટ્સ ઉપર આપવામાં આવશે જેની સાથે એરટેલે ટાઈ-અપ કર્યુ હશે.એરટેલની આ અનોખી અને ખાસ સર્વિસને રિઝર્વ બેન્કે ગ્રીન સિગ્નલ આપી દીધુ છે. અત્યારે આ સેવાને શરૂ કરવા માટે એરટેલ કંપની, પોતાના ગ્રાહકો પાસેથી વધારેમાં વધારે 5000 રૂપિયા લઈ શકે છે. અને પછી આ જ રકમનો ઉપયોગ તમારા બિલ પેમેન્ટ્સ માટે કરવામા આવશે.આનો અર્થ એમ થયો કે એરટેલના ગ્રાહકોએ પોતાની પાસે પાકિટ, ક્રેડીટ કાર્ડ, એટીએમ કાર્ડ, કે પૈસા રાખવાની જરૂર જ નહી પડે, બસ મોબાઇલ કાઢો અને કરો પેમેન્ટ.


ચીનનો અમેરિકાને પડકાર, ‘અમારી સામે નહીં જીતી શકો’

કરન્સીના મૂલ્યાંકનપર ચાલી રહેલા વિવાદમાં ચીને અમેરિકાને પડકાર્યું છે. ચીને કહ્યું છે કે જો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો અમેરિકાએ ટ્રેડ વોરમાં હારનો સામનો કરવો પડશે. વાસ્તવમાં યુઆનની કિંમત ઓછી રાખવાના કારણે અમેરિકા સખત નારાજ છે. તે ચીન વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે કાયદો રચવાનું વિચારી રહ્યું છે.ચીનમાં ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરમાં પોલીસી ગુરુ ડિંગ યિફાને ચેતવણી આપી છે કે જો અમેરિકા ચીન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે તો ચીન તેનો જવાબ અમેરિકી દેવામાં પોતાની શેરની મૂડી વેચીને આપશે. યિફાનને સ્ટેટ કાઉન્સિલમાં ‘થેંક ટેંક’ માનવામાં આવે છે. આ રકમ આશરે 1.5 અબજ ડોલર છે. આનુ પરિણામ એ આવશે કે વ્યાજદરોમાં વધારો શરૂ થઈ જશે. ચીન પહેલા પણ અમેરિકાની શાખ અને ડોલરની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરી ચૂક્યો છે.અમેરિકામાં લોમ્બાર્ડ સ્ટ્રીટ રિસર્ચના વિશેષજ્ઞ ગેબ્રિઅલ સ્ટીને ચીની નેતાના આ નિવેદનને કોરી ધમકી ગણાવી છે. તેમણે કહ્યું છે કે 30ના દાયકાનો અનુભવ જણાવે છે કે વ્યાપાર સરપ્લસ વાળા દેશોમાં જો નબળી ઘરેલૂ માંગ રહે તો તેઓ ટ્રેડ વોરમાં હારી જાય છે.


ચેમ્પિયન્સ લીગમાં હારેલો સચિન ગર્જ્યો

ઈન્ડિયન પ્રિમિયર લીગ-3ની ઉપવિજેતા રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ચેમ્પિયન્સ લીગની તેની પ્રથમ બન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સતત બે હારથી તેના માથે ચેમ્પિયન્સ લીગ ટી20 સ્પર્ધામાંથી બહાર થઈ જવાનું જોખમ ઉભું થયું છે. જો કે ટીમના સુકાની સચિન તેંડુલકરનું માનવું છે કે જો તેની ટીમ બાકી રહેલી બે મેચમાં શાનદાર પ્રદર્શન કરશે તો હજી પણ તેઓ સેમિફાઈનલમાં પહોંચી શકે છે.મંગળવારના રોજ સાઉથ ઓસ્ટ્રેલિયા રેડબેક્સ સામે મળેલા પાંચ વિકેટના પરાજય બાદ સચિને કહ્યું હતું કે હવે અમારે અમારી બાકીની બે મેચમાં વિશેષ પ્રદર્શન કરવું પડશે. અમારે ફક્ત આ બેચને જીતવાની જ નથી પરંતુ અમારે ઉંચો રન રેટ પણ જાળવી રાખવો પડશે.ઉલ્લેખનીય છે કે રેડબેક્સ સામે મુંબઈ ઈન્ડિયન્સે 7 વિકેટના નુકશાને 180 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો પરંતુ તેમ છતાં નબળી બોલિંગ અને ફિલ્ડિંગના કારણે રેડબેક્સે મુંબઈ ઈન્ડિયન્સના મજબૂત લક્ષ્યાંકને વટાવી લીધો હતો. આ મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી હાર હતી.મુંબઈનો હવે પછીનો મુકાબલો 16 સપ્ટેમ્બરના રોજ વેસ્ટ ઈન્ડિઝની ગુયાના અને 19 સપ્ટેમ્બરના રોજ આઈપીએલ-3ની ત્રીજા નંબરે રહેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થવાનો છે. જો કે રેડબેક્સ સામે મળેલા પરાજય માટે સચિને ખરાબ ફિલ્ડિંગને દોષ દીધો હતો.સચિને જણાવ્યું હતું કે અમારે ખરાબ ફિલ્ડિંગની કિંમત ચૂકવવી પડી હતી. ટી20માં તમે કેચ છોડીને મેચ જીતી શકતા નથી. અમે 180 રનનો મજૂબત સ્કોર બનાવ્યો હતો પરંતુ ખરાબ ફિલ્ડિંગ અને બોલિંગના કારણે અમે મેચ હારી ગયા હતા.


ભારતીય બાળકો શીખશે ચીનની ભાષા

ચીનના સતત ભારત વિરોધી પગલાંઓ વચ્ચે ભારતે એક મોટી સકારાત્મક પહેલ કરી છે. જે અંતર્ગત ચીનમાં મોટા ભાગના લોકોમાં બોલાતી ભાષા મંદારિન હવે ભારતના બાળકોને પણ શીખવવામાં આવશે. આ ભાષાને સીબીએસઈ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે તેવી શક્યતા છે.તાજેતરમાં બેઇજિંગ પહોંચેલા ભારતીય માનવ સંસાધન વિકાસમંત્રી કપિલ સિબ્બલે આ દિશામાં શરૂઆતી પહેલ કરી છે. આ વિષયમાં ભારતીય શિક્ષકોને કઈ રીતે ચીની ભાષામાં માહેર બનાવવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. યુઆને આ મામલે સહાય કરવાની સંપૂર્ણ તૈયારી બતાવી છે. આ અંતર્ગત શરૂઆતમાં 200 શિક્ષકોને મંદારિન ભાષાની તાલીમ આપવામાં આવશે.સિબ્બલ ઉમેરે છે કે આ વિશે સીબીએસઈ અધ્યક્ષ વિનિત જોષી સાથે તેમની વાત થઈ ચૂકી છે અને શિક્ષક તૈયાર થઈ જતાં જ મંદારિન ભાષા સીબીએસઈના અભ્યાસક્રમમાં સામેલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે ચીનની મેડિકલ ડિગ્રીને ભારતમાં માન્યતા આપવાની સિબ્બલે ના પાડી દીધી છે.કપિલ સિબ્બલ કહે છે, ‘ ચીન આપણો શક્તિશાળી પાડોશી અને વૈશ્વિક સંસાધનોનો વિકસતો દેશ છે. આપણે તેનાથી દૂર ન રહેવું જોઇએ. ચીનને ભારતમાં રજૂ કરવાનો સૌથી સારો રસ્તો એ જ છે કે તેની ભાષાને ભારતમાં લાવવામાં આવે. આથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.’


‘દાદા’ સૌરવ ગાંગુલી પાસે સુપ્રીમે જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીને સોલ્ટ લેકમાં સ્કૂલ બનાવવા માટે જમીન ખરીદવાના મામલામાં જવાબ માંગ્યો છે. ગાંગુલીને આ જમીન મૂળ કિંમત કરતા ઘણી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવા બદલ શહેરી વિકાસ વિભાગ અને કાનૂન વિભાગને સામે પણ નોટિસ જાહેર કરી છે.જમીનની કિંમત 44.9 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે જેને ગાંગુલીને ફક્ત 63 લાખ રૂપિયામાં જ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જમીન ખરીદવા અને નિયમોની અવગણના કરવાના મામલામાં નોટિસ મોકલી છે.એક બિનસરકારી સંગઠન તરફથી કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ અદાલતે આ નોટિસ જાહેર કરી છે. આ જમીન ગાંગુલીને આશરે બે વર્ષ પહેલા આપવામાં આવી હતી. જસ્ટિસ જી એસ સિંઘવી અને અશોક કુમાર ગાંગુલીની બેંચે આ મામલામાં શહેરી વિકાસ વિભાગના સચિવ અને કાનૂન વિભાગના સચિવને પણ નોટિસ સામે નોટિસ જાહેર કરીને આઠ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે સોલ્ટ લેક સિટીમાં સ્કૂલ ખોલવા માટે સરકારી જાહેર ખબર બાદ સરકાર પાસે 24 અરજીઓ આવી હતી. જેમાંથી સૌરવ ગાંગુલીની અરજીનો સ્વીકાર કર્યો હતો.


સોહરાબુદ્દીનના ભાઈનું CBI વિરૂદ્ધ નિવેદન

સોહરાબુદ્દીનના સૌથી નાનાભાઈ નઇમુદ્દીને તેને અભય ચુડાસમાએ પિટિશન પાછી ખેંચી લેવા ધમકી આપી અને રૂપિયા ૫૦ લાખની ઓફર કરી હોવાનું સીબીઆઇને જણાવ્યું નથી તેમ સીબીઆઇ કોર્ટને પત્ર દ્વારા જાણ કરી હતી. જોકે તેના સીબીઆઇ સમક્ષના નિવેદનમાં ચુડાસમાએ ધમકી આપી હોવાનું તથા પિટિશન પાછી ખેંચવા રૂપિયા ૫૦ લાખની ઓફર કરી હોવાનું જણાવ્યું હતું.સીબીઆઇ સમક્ષ નઇમુદ્દીને નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯માં આઝામ ખાન તથા સઇદ અહેમદ તેની પાસે ગયા હતા અને સોહરાબુદ્દીન અંગેની પિટિશન પાછી ખેંચી લેવા માટે ચુડાસમાએ સંદેશો મોકલાવ્યો હોવાનું કહ્યું હતું. સાથેસાથે જો પિટિશન પાછી ખેંચી લે તો રૂ. ૫૦ લાખની ઓફર પણ કરી હતી. ત્યાર બાદ ચુડાસમાએ આ પિટિશન પાછી ખેંચી ન લે તો તેના પણ સોહરાબુદ્દીને જેવા હાલ કરવાની ફોન પર ધમકી આપી હતી.ચુડાસમાએ અમિત શાહ તેના પર ખૂબજ ગુસ્સે છે અનેજો તેણે પિટિશન પાછી નહિ ખેંચી તો પતાવી દેવાની ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં પણ ભાજપનીજ સરકાર છે માટે ત્યાંજ તારો ખેલ પતાવી દઇશું તેવી ફોન પર ધમકી આપી હોવાનુ નઇમુદ્દીને સીબીઆઇ સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.જોકે ત્યાર બાદ તેણે અમદાવાદ સીબીઆઇ મેજિસ્ટ્રેટને એક પત્રમાં લખ્યું હતું કે સીબીઆઇ સમક્ષ તેણે આવું કોઈ જ નિવેદન આપ્યું નથી. સીબીઆઇએ મારા નામે ચુડાસમા દ્વારા ધમકી અપાઇ અને રૂપિયા ૫૦ લાખની ઓફર કરી હોવાની વાત મારી જાણ બહારજ ચલાવી છે માટે તે બાબત માન્ય રાખવી નહિ.

No comments:

Post a Comment