16 September 2010

રાજકોટમાં ચૂંટણીપંચ મોટું કે મોદી ? તંત્ર હોર્ડિંગ હટાવતાં ડરે છે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટમાં ચૂંટણીપંચ મોટું કે મોદી ? તંત્ર હોર્ડિંગ હટાવતાં ડરે છે

રાજકોટમાં જાહેર સ્થળે લાગતાં રાજકીય પક્ષોના બોર્ડ પૈકી નરેન્દ્ર મોદીના ફોટાવાળા બોર્ડ કે હોર્ડિંગ ઉતારતાં તંત્રને જાણે ૪૦૦ વોટનો વીજ આંચકો લાગતો હોય તેવી હાલત છે કારણ કે આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો હોવા છતાં શહેરમાં અનેક સ્થળે ‘ભગવો આતંકવાદ’ સંદર્ભના બોર્ડ યથાવત છે.તમામ રિટર્નિંગ ઓફિસરોને કોઇ પણ પક્ષના બોર્ડ ઉતારી લેવા કડક સૂચના છે અને તેમને સત્તા પણ છે તેમ છતાં ચૂંટણીપંચ કરતાં જાણે મોદી સરકાર મોટી હોય તેમ અધિકારીઓ ભાજપના બોર્ડને હાથ પણ અડાડતા નથી. જ્યારે ચૂંટણી જાહેર થઇ ત્યારથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે, ચૂંટણી છે ત્યાં સુધી કલેક્ટર તંત્ર તેને આધિન છે પરંતુ રાજકોટમાં એવું લાગતું નથી, ચૂંટણીપંચની અમર્યાદિત સત્તા કરતાં મોદી સરકારની ‘આમાન્યા’ વધારે મહત્વની હોય તેવું લાગે છે.નરેન્દ્ર મોદીના ફોટા સાથે ‘ભગવો આતંકવાદ’ ના બોર્ડ બધે લાગેલાં છે. કિસાનપરા ચોકમાં ભાજપ પ્રેરિત સંસ્થા રેસકોર્સ ક્લબ દ્વારા ગણપતિ સ્થાપન કરાયું છે તેની બહાર આ હોર્ડિંગ છે. કલેક્ટર તંત્રે હજી તે હટાવ્યું નથી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે રાજકીય પક્ષોના અને વિશેષ તો નરેન્દ્ર મોદીના ફોટાવાળા બોર્ડ છે પરંતુ તંત્ર તેને હાથ લગાવતાં ડરે છે.પંદર ઓગસ્ટની ઉજવણીના હોર્ડિંગનો વિવાદ તો હતો જ અને તેમાં ચૂંટણી પંચ ક્યાંય ચિત્રમાં નહોતું તેથી તંત્રે જ નિયમોનો ભંગ કર્યો હતો પરંતુ અહીં તો તંત્રને સંપૂર્ણ સત્તા છે છતાં કામ થતું નથી. ચૂંટણી શાખાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે દરેક આર. ઓ. ને આ અંગે સૂચના અપાઇ ગઇ છે. દરરોજ આ અંગે ફોલોઅપ પણ થાય છે જો કે તેમ છતાં બોર્ડ તો યથાવત છે.


સાવકી માતા પર બળાત્કાર ગુજારનાર પુત્ર ભાગી છુટ્યો

ધોરાજી તાલુકાના મોટી મારડમાં રહેતાં દલિત પ્રૌઢા રતનબેન પોપટભાઇ પરમાર (ઉ.વ.૫૩) એ પાટણવાવ પોલીસમથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેનો સાવકો પુત્ર ચંદુ પોપટભાઇ તેની પત્ની મંજુબેનની મદદથી છેલ્લા ૧૩ વર્ષથી પોતાના પર પોતાની ઇચ્છા વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારતો હતો અને માનસિક ત્રાસ આપે છે અને આ બાબતે જો કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.પ્રૌઢાની ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે ચંદુ પરમાર અને તેની પત્ની મંજુ સામે ગુનો નોંધ્યો હતો. પરંતુ પોલીસ આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં બન્ને ફરાર થઇ ગયા હતાં.આ બનાવની તપાસ ચલાવી રહેલાં પીએસઆઇ વણજારાએ બળાત્કારનો ભોગ બનેલા દલિત પ્રૌઢાનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપીઓને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.


દાવેદારો માટે ૨૩મી સુધી ભરેલું નાળિયેર

ભાજપની સેન્સ લેવાનું કામ પૂરું થઇ ગયું છે અને કોંગ્રેસે દાવેદારોની યાદી પ્રદેશમાં મોકલાવી દીધી છે એટલે મહાનગર પાલિકાની ચૂંટણી માટે બન્ને પક્ષના દાવેદારો માટે ૨૩મી સપ્ટેમ્બર સુધી ભરેલા નાળિયેર જેવી સ્થિતિ રહેવાની છે. બન્ને પક્ષો છેક છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરવાના છે ત્યારે કેટલાક શ્યોર શોટ સિવાયના તમામ દાવેદારો લોબિંગના પ્રયાસોમાં વ્યસ્ત થઇ ગયા છે.દરમિયાન વોર્ડ નં.૪માં પણ દાવેદારોનો રાફડો છે ત્યારે એક સમયે ભાજપ સંગઠનના હોદ્દેદાર રહેલા પરંતુ કાર્યકરો અને લોકોમાં કોઇ વિશેષ સ્થાન ન ધરાવતા એવા અગ્રણીએ ઉગ્રતા ધારણ કરીને ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી હતી. પક્ષના મોવડીઓને આ આગેવાને એવું કહ્યું હતું કે, ગયા વખતે પણ મને ટિકિટ મળી ન હતી છતાં પક્ષની સાથે હું રહ્યો છું.હવે આ વખતે મને તકમળવી જોઇએ, અને જો તે ન મળે,તો પછી જે કાંઇ પણ પરિણામ આવે તેની તૈયારી પાર્ટીએ રાખવી પડશે. જો કે, આ અગ્રણીની કોઇ એવી ક્ષમતા નથી કે તે પરિણામ પર અસર પાડી શકે. તેમની જ્ઞાતિના મતદારો પણ પોતાની જ્ઞાતિના અન્ય અગ્રણીઓને વધુ સારી રીતે ઇચ્છાણે છે તેથી પક્ષ પણ આ ધમકીને ગંભીરતાથી લેશે નહીં તેવું સ્પષ્ટ છે.


પોતાના દેશની નથી ચિંતા અને ભારતની કરે છે નિંદા’

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ જમ્મુ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનોને શાંત કરવા માટેના ભારત સરકારના ઉપાયોની નિંદા કરી છે.પાકિસ્તાનની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમીદ કરજાઈ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઝરદારીએ કહ્યું હતું, ‘ભારત જે રીતે કાશ્મીરીઓના લોકતાંત્રિક સંઘર્ષના મામલાને ઉકેલી રહ્યું છે, તેની પાકિસ્તાન નિંદા કરે છે.’ તેઓ જમ્મુ-કાશ્મીરમાં હિંસા સંબંધિત એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ સવાલ પર કરજાઈએ કહ્યું હતું કે ભારત કે પાકિસ્તાન જો તેમની મદદ માંગશે તો અમે ચોક્કસ મદદ કરીશું.



આજે અમિત શાહના જામીન અંગે ફેસલો

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અમીત શાહના જામીનનો ફેસલો આજે થવાની શક્યાતા છે. આજે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં શાહના જામીનની સુનાવણી હાથ ધરાશે.અમિત શાહની જામીન અંગેની સુનાવણી છેલ્લી ચાર ચાર મુદતથી હાથ નહીં ધરાતાં હવે આજે ૧૬મી સપ્ટેમ્બર અને ગુરુવારના રોજ હાથ ધરાશે. શાહના જામીન મુદ્દે અગાઉ સતત ચાર ચાર મુદત પડી ચૂકી છે.ત્રણ મુદતમાં શાહ તથા સીબીઆઇના સિનિયર કાઉન્સિલર નહીં ઉપસ્થિત રહેતાં મુદત પડતી હતી, જ્યારે ચોથી મુદત વખતે શાહ તથા સીબીઆઇના ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા ત્યારે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ જજ પી.પી. ભટ્ટ નાદુરસ્ત તબિયતને લીધે રજા પર હોવાથી સુનાવણી હાથ ધરાઈ નહોતી, જેથી શાહનો જેલવાસ વધુ એક અઠવાડિયું લંબાયો હતો. જજ રજા પર હોવાથી બંને પક્ષે વકીલોએ સાથે મળીને સુનાવણી માટે આજની તારીખ નક્કી કરી હતી.


શેરબજારની તેજી હવે કેટલા દિવસ?

શેરબજાર, સોનું અને ચાંદીમાં તેજીનો તરખાટ પાછું વાળીને જોતો જ નથી. કરેકશનની અપેક્ષાને સતત ખોટી પાડતાં શેરબજારે સતત સાતમા દિવસે તેજીની ચાલ જાળવી રાખી છે.સેન્સેક્સ ૨૦,૦૦૦ની અને નિફ્ટી ૬૦૦૦ની સપાટી ભણી આગેકૂચ કરી રહ્યા છે. તેજી પાછળનું એકમાત્ર કારણ વિદેશી નાણાસંસ્થાઓની એકધારી ખરીદી છે. ૧૯૫૦૦નો આંકડો સેન્સેક્સે એટલી સરળતાથી પાર કરી લીધો કે, કરેકશનની અપેક્ષા રાખીને બેઠેલાઓને આઘાત લાગે. વિદેશી રોકાણકારોને અચાનક ભારતના બજારમાં કરોડો ડોલર ઠાલવવાની હોંશ થઇ છે.બે જ દિવસમાં ૪૨૦૦ કરોડ રૂપિયાથી વધુની ખરીદી તેમણે કરી છે. અને, આ ખરીદી બુધવારે પણ ચાલુ જ રહી છે. એટલે જ, કંપનીઓએ ચૂકવેલા એડવાન્સ ટેક્સના આંકડા અપેક્ષિત ન હોવા છતાં તેજી ચાલુ રહી હતી. ફરી એક વખત નાના રોકાણકારો શેરબજારની વાત કરતા થયા છે.અધધ.. તેજી જોઇને બજારમાં ઘૂસવાનો મોહ જ્યારે સામાન્ય રોકાણકારોને જાગે ત્યારે સાવધ થઇ જવું જોઇએ. આંકડાઓના પૃથક્કરણ બતાવે છે કે, શેરબજાર, સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ ન્યાલ થઇ ગયા છે. પણ, આ એ જ શેરબજાર છે જેમણે અઢી વર્ષ પહેલાં રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા હતા. તે વખતે ઓલટાઇમ હાઇ થયા પછી બજાર વધતું રહ્યું હતું,અને ૨૧મી જાન્યુઆરી, ૨૦૦૮ના દિવસે એક જ દિવસમાં ૧૪૦૮ પોઇન્ટનું ગાબડું પડ્યું હતું, તેના બીજા દિવસે તો ઐતિહાસિક ૨૨૭૩ પોઇન્ટનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો.

No comments:

Post a Comment