17 September 2010

રાજકોટમાં દાવેદારોના નામ ભાજપની પાર્લામેન્ટ્રીમાં સોંપાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં દાવેદારોના નામ ભાજપની પાર્લામેન્ટ્રીમાં સોંપાશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૬૯ બેઠકો માટે ભાજપમાંથી ૪૨પ જેટલા દાવેદારોના નામ આવતીકાલે પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડ સમક્ષ મૂકાવવાના છે. આજે શહેર ભાજપ પ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો યાદી લઇને ગાંધીનગર રવાના થયા હતા. કોના ઉપર કાતર ફરશે, ચારણીમાં કોણ નીકળી જશે ? એવી જબરી ઉત્તેજના છવાઇ ગઇ છે.બે દિવસ દરમિયાન ભાજપની સેન્સની પ્રક્રિયા ચાલી હતી. શહેરના ૨૩ વોર્ડમાં ૬૯ બેઠકો પર લડવા માટે આ બે દિવસ દરમિયાન ભાજપ કાર્યાલયથી માંડી સેન્સની પ્રક્રિયા જ્યાં ચાલતી હતી ત્યાં ટિકિટ ઇચ્છુકોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. લગભગ એક વોર્ડમાંથી સરેરાશ ૨૦થી વધુ દાવેદારી આવી હતી.લગભગ ૪૨પ જેટલા નામો સેન્સની પ્રક્રિયા દરમિયાન આવ્યા હતા. આ યાદી પરથી જ્ઞાતિ, ભૂગોળ અને ક્યાં કોનું વર્ચસ્વ એ સહિતના સમીકરણો સાથે દાવેદારીનું લિસ્ટ લઇ ગાંધીનગર રવાના થયા છે.આવતીકાલે ગાંધીનગરમાં નાણામંત્રીના બંગલે પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે અને આ બેઠકમાં આ તમામ નામો રજૂ થવાના છે. એ પૂર્વે રાત્રે ઊર્જામંત્રી સૌરભ પટેલના બંગલે શહેર ભાજપ સંકલન સમિતિ અને નિરીક્ષકોની બેઠકમાં એક ચારણી ફેરવી દઇ પસંદગીના નામો જ કાલે પાલૉમેન્ટ્રીમાં રજૂ થાય એવુ મનાઇ રહ્યું છે.


રાજકોટ : પ્રદેશ કોંગ્રેસનો કાફલાનો આજે રાજકોટમાં પડાવ

મનપાની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો આવતીકાલે રાજકોટમાં પડાવ નાખવા આવી રહ્યા છે. જો કે કોંગ્રેસને ૧૨પ વર્ષ થયા હોય એ પ્રસંગને અનુલક્ષીને તેઓ આવી રહ્યા છે પણ ચૂંટણીને અનુલક્ષીને ફાઇનલ પ્લેટફોર્મ પણ ઘડાય જાય એ નિશ્વિત છે.કોંગ્રેસમાં પેનલોની ગોઠવણ ચાલી રહી છે. અમુક વોર્ડમાં તો ચોક્કસ ચહેરાઓના નામો પણ ફાઇનલ ચર્ચાઇ રહ્યા છે. જો કે અસંતોષનો ભડકો દઝાડી ન જાય એ માટે નેતાઓ ફૂંકી ફૂંકીને છાશ પી રહ્યા છે. દરમિયાન આવતીકાલે પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ સહિતના આગેવાનો અને કોર કમિટીના સભ્યોનો રાજકોટમાં પડાવ છે.પ્રદેશ આગેવાનોની આ હાજરી આમતો કોંગ્રેસને ૧૨પ વર્ષ થયા હોય એ સંદર્ભે હોવાનું કહેવાય છે પણ એ વાત નિશ્વિત છે કે, ચૂંટણીલક્ષી મોટાભાગનું પ્લેટફોર્મ આવતીકાલે જ પ્રદેશ આગેવાનો સમક્ષ ઘડાઇ જશે. કોની પસંદગી કરવી અને કોના નામ ઉપર કાતર ફેરવવી એ તમામ ચર્ચાઓ થશે.


ભાવનગર જિલ્લામાં વરસાદની અછતવાળા ત્રણ તાલુકામાં ભરપૂર મેઘમહેર

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સિઝનના સરેરાશ ૬૩૮ મીમી વરસાદની સામે આજ દિન સુધીમાં ૭૧૫ મીમી વરસાદ વરસી જતા ૧૧૨.૦૧ ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં વલ્લભીપુર, ગઢડા અને ગારીયાધાર જેવા ત્રણેય વરસાદની અછતવાળા ગણાતા તાલુકામાં આ વર્ષે ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થઈ વરસી રહ્યાં છે. જેમાં વલ્લભીપુરમાં સિઝનનો ૧૧૯. ૬૪ ટકા વરસાદ વરસી ગયો છે. આ તાલુકામાં સિઝનના કુલ સરેરાશ ૬૬૩ મીમી વરસાદની સામે આજ દિન સુધીમાં જ ૭૯૩ મીમી વરસાદ વરસી ગયો છે. આ વર્ષે વરસાદની કાયમી અછતવાળા આ તાલુકામાં કુલ વર્ષા ૩૨ ઈનને આંબવા આવ્યો છે.આ ઉપરાંત ગઢડામાં ૧૨૭ ટકા વરસાદ વરસ્યો છે. જ્યાં એવરેજ ૫૬૪ મીમીની સામે આજ દિન સુધીમાં ૭૧૬ મીમી વરસાદ વરસી ગયો છે. તો ગારીયાધારમાં પણ ૧૨૬.૬૭ ટકા વરસાદ વરસી ગયો છે.આ તાલુકામાં ૪૮૧ મીમીની વાર્ષિક એવરેજ સામે આજદિન સુધીમાં ૬૦૭ મીમી વરસાદ વરસી ગયો છે. આમ, આ બન્ને તાલુકા જ્યાં વરસાદની એવરેજ ૧૯.૫ ઈંચથી ૨૨.૫ ઈંચ છે ત્યાં અત્યાર સુધીમાં ૨૪થી ૨૮ ઈંચ વરસાદ વરસી ગયો છે. એટલે કે સરેરાશથી ૪ થી ૬ ઈંચ વરસાદ વધુ વરસ્યો છે અને હજી અંતિમ તબકકો બાકી છે.


ધીમા પગલે ડુંગળીના ભાવો પણ બેવડાઇ ગયા

જેને ગરીબોની કસ્તૂરીની ઉપમા અપાઇ છે તેવી ડુંગળીના ભાવોમાં ધીમા ડગલે થતો વધારો ધીમેધીમે બેવડાતાં તે લોકોને કઠી રહ્યો છે. મહિનો અગાઉ ૯ થી ૧૦ રૂપિયામાં વેચાતી ડુંગળી અત્યારે ૧૬ થી ૨૦માં મળી રહી છે. વધારાની આ સ્થિતિ લાંબો સમય સુધી રહે તેવી ભીતિ સેવાઇ રહી છે.ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓના જણાવ્યા મુજબ કાઠિયાવાડથી આવતી ડુંગળીની આવક ઘટતાં છેક નાસિકથી ડુંગળી રાજ્યમાં આવતી હોઇ તેની કિંમત વધી જાય તે સ્વાભાવિક છે.છૂટક વેપાર કરતા રામજીભાઇએ કહ્યું કે, અમે એડવાન્સ ઓર્ડર નોંધાવીએ છીએ, પછી માંડ બે દિવસે માલ મળે છે. વળી, ૧૦ રૂમાં છૂટક વેચાતી ડુંગળી જથ્થાબંધમાં આ કિંમતે મળતા ના છુટકે ૧૫ થી ૨૦ના ભાવે વેચવી પડે છે. ગૃહિણી હર્ષિલાબેને કહ્યું કે, લગભગ દરેક શાકભાજીના ભાવ વધ્યા છે, ત્યારે શું ખરીદવું એ જ મૂંઝવણ વધી
ગઇ છે.


ધ્રોલના મેમણે સર્જી’તી કચ્છી લિપિ

કોઇપણ ભાષાની લિપિનું સર્જન કોઇ એક વ્યક્તિ દ્વારા થતું નથી, પરંતુ કાળક્રમે લિપિ આકાર પામે છે. જોકે ભાષા તરીકે આગવું સ્થાન ધરાવતી કચ્છીની વાત જ અનોખી છે. લિપિ વિનાની કચ્છી માટે અનેક લોકોએ લિપિ સર્જવાના પ્રયાસો કર્યા. જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના એક મેમણે પણ ચાર દાયકાની મહેનતથી મૌલિક લિપિ બનાવી છે.કચ્છીભાષી વિશ્વ આખામાં ફેલાયેલો છે. તેની પાસે પોતાની લિપિ હોવી જોઇએ એવા વિચાર સાથે ધ્રોલના હાજી મુહમ્મદ હુસેન નાગાણીને કચ્છી બોલી માટે લિપિ સર્જવાની પ્રેરણા મળી. સૌ પ્રથમ તેમણે ‘ણ’ માટેનો મૂળાક્ષર બનાવ્યો. એક દાયકામાં ૪૦ મૂળાક્ષર સર્જી લીધા. ત્યારબાદ તેના પ્રસાર માટે જાતમહેનતે ઝૂંબેશ શરૂ કરી.‘હાજીભા’ના ઉપનામે ઓળખાતા આ ૭૪ વર્ષના બુઝુર્ગ પોતે જણાવે છે કે, અત્યાર સુધી મે લિપિ માટે ગાંઠના એક લાખ ખર્ચી નાખ્યા છે. કચ્છીઓ પાસે આશા હતી કે લિપિ અપનાવી લેશે, પરંતુ એ શક્ય બન્યું નથી. કચ્છી સાહિત્ય અકાદમીએ પણ મારી આ મહેનતની નોંધ લીધી નથી. એમ કહેતા તેઓ થોડા નિરાશ બની જાય છે. પછી આંખમાં ચમક લાવી ઉમેરે છે કે, સરકાર તરફથી સહકાર મળે અને લિપિની નોંધણી થાય તો થોડી આશા જરૂર છે.૨૦૦૮માં તેમણે કચ્છના કલેક્ટરને પણ પત્ર લખેલો, પરંતુ કોઇ જવાબ મળ્યો નહોતો. જોકે આ પ્રકારના કડવા-મીઠા અનુભવોનો તેમને હવે હરખ કે શોક નથી. ઢળતી ઉંમરે પણ તેઓ રેડિમેઇડના કપડાંનો ધંધો કરી આનંદપૂર્વક પરિવાર સાથે જીવન વિતાવે છે.


જર્મન બેકરી કેસમાં આવેલો નવો વળાંક

પુણે સ્થિત કોરેગાંવ પાર્કમાં જર્મન બેકરીમાં સ્ફોટ પ્રકરણમાં મહારાષ્ટ્રની એટીએસે મુખ્ય આરોપીઓ બેગ અને બિલાલની ધરપકડ કરીને સફળતા હાંસલ કરી હોવાનો દાવો કર્યો હતો. ઈન્ડિયન મુજાહિદ્દીનના શકમંદ મનાતા મોહંમદ ચૌધરીની સાથે મોહંમદ એહમદ ઝરાર સિદિબાબા ઉર્ફે યાસીન જર્મન બેકરીમાં બોમ્બ મૂકવા માટે ગયો હતો, લશ્કરે તોઈબાનો આતંકવાદી હિમાયત બેગ નહીં, એવું મહારાષ્ટ્રના એટીએસના વડા મારિયાથી એકદમ વિરોધાભાસી નિવેદન કરીને એટીએસના વધારાના કમિશનર રવીન્દ્ર કદમે વિવાદ સર્જ્યો હતો.કદમે લાતુરમાં પત્રકારો સમક્ષ આવા પ્રકારનું નિવેદન કરીને એટીએસના વડા મારિયાએ આપેલી માહિતી સામે મતભેદ સર્જાયો હતો. જોકે મારિયાએ પત્રકારોને કદમ પાસે આ કેસ અંગેની કોઈ નક્કર માહિતી નથી એવું સ્પષ્ટીકરણ કર્યું હતું.કદમના અનુસાર તેઓએ (મોહસીન, યાસીન અને બેગ) ઉદગીરમાં બોમ્બ બનાવ્યા હતા અને બાદમાં મોહસીન અને યાસીન પુણે જવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ બંને અલગ અલગ દિશામાં ફંટાયા હતા અને જ્યાં ૧૩મી ફેબ્રુઆરીના યાસીને બેકરીમાં બોમ્બ ગોઠવ્યા હતા, એવું પત્રકારો સમક્ષકહીને મતભેદ ઊભો કર્યો હતો. જ્યારે બેગ બ્લાસ્ટના સમયે પુણે હતો એવો પ્રશ્ન કદમને પુછાયો ત્યારે તેમણે તેનો જવાબ નકારમાં આપ્યો હતો.


આણંદ : માર્ગો પર ખાડારૂપી ગ્રહોથી પ્રજાને અસ્થિભંગનો યોગ!

ભાદરવાના આરંભથી જ ધોધમાર વરસાદી ઝાપટાંથી શહેરના મહત્વના માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય.
આણંદ શહેરમાં તાજેતરના ધોધમાર વરસાદ બાદ પણ જોરદાર વરસાદી ઝાપટાંનો દૌર યથાવત રહેવા પામ્યા છે. જેના પગલે શહેરના મહત્વના માર્ગો પર જોખમી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. તેમાંય તકલાદી માર્ગો પર મસમોટા ખાડા પડતાં વાહનચાલકોની હાલત કફોડી બની છે. તેમાંય વરસાદ બાદ પાણીમાં ગરકાવ થઈ જતાં ખાડામાં ખાબકતાં વાહનચાલકો જમીન પર પટકાઈ જતાં ઈજાનો ભોગ બની રહ્યા છે.આણંદ શહેર સહિત જિલ્લામાં ભાદરવાના આરંભે વરસાદ પડયો હતો. તેમાંય ભાદરવાના આરંભથી ભારે વરસાદી ઝાપટાંનો દૌર યથાવત રહેતા શહેરના સ્ટેશન રોડ, પોલસન ડેરી રોડ, લક્ષ્મી ચાર રસ્તા, ગણેશ ચોકડી, જૂના તથા નવા બસ મથક રોડ, વિદ્યાનગર રોડ, ગામડી ચાર રસ્તા વગેરે વિસ્તારના રસ્તાઓ ઉપર અનેક ઠેકાણે ખાડા પડી ગયા છે.વરસાદ દરમિયાન આ ખાડામાં પાણી ભરાઇ રહેતું હોવાના કારણે કેટલીક વાર વાહનચાલક ખાડામાં પડી ગડથોલિયું ખાઇ જવાના બનાવ પણ બને છે. આવતા જતા વાહનો ખાડામાં પડતાં પાણી ઉડવાને કારણે રાહદારીઓના કપડાં પણ બગડતા હોય છે.આમ શહેરના તકલાદી માર્ગો શહેરીજનો માટે હાલાકીનો પર્યાય બની ચૂક્યા હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા માત્ર અધૂરાં થીંગડા મારવામાં આવી રહ્યા છે. જેમાં ખાડામાં માત્ર મેટલના ઢગ કરી દેતા હોઈ બેવડી આફત સર્જાઈ રહી છે.


આણંદ જિલ્લામાં સ્થાનિક ચરોતરમાં જામશે ચૂંટણીની મોસમ

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા ભાજપ સંગઠન અને કોંગ્રેસમાં નિયુક્ત કરાયેલ નિરિક્ષકો સમક્ષ ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી ૨૧મી ઓકટોમ્બરે ચૂંટણી યોજવા અંગેના જાહેરનામા પગલે નિયત કરાયેલા દિવસો દરમિયાન શહેર, તાલુકા અને જિલ્લાની બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની પસંદગી માટે ભારે કશ્મકશ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.આણંદ જિલ્લા ભાજપ સંગઠનને પ્રદેશ ભાજપ દ્વારા મળેલ આદેશો મુજબ જિલ્લા સ્તરેથી ૩૬ જેટલા નિરિક્ષકની નિમણુંક કરવામાં આવી છે. તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોની નિયત કરાયેલ સ્થળે નિરિક્ષકોની પેનલ સમક્ષ રજુઆત કરી હતી. આણંદ જિલ્લાની પાંચ પાલિકા, જિલ્લા - તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપે શરૂ કરેલી પસંદગી પ્રક્રિયામાં ગત ચૂંટણી દરમિયાન વિજયી બનેલા સભ્યો સહિત નવા ચહેરા પણ ચૂંટણીમાં ઝંપલાવવા માટે રજુઆત કરતાં મોવડીઓમાં અવઢવભરી સ્થિતિ સર્જાઈ છે.જ્યારે કોંગ્રેસમાં પણ પ્રથમ વખત મેન્ટેડ ઉતારવાના કારણે કોને ઉમેદવાર તરીકે પસંદ કરવા ? તે બાબતે ભારે અસંમજસમાં છે. ઉમેદવારી પસંદગી માટે અગાઉથી મોવડીઓ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમાં પક્ષમાં ફાટફુટ ઉભી નથાય અને અસંતોષના પગલે પક્ષને ગુમાવવું ન પડે તે માટે છાસ ફુંકીને પીવા જેવી હાલત ઉભી થઈ છે. ખાસ કરીને આણંદ નગરપાલિકામાં કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટણી લડવા અનેક ઉમેદવારોએ લાઈન લગાડી છે.


ભાજપમાં પસંદગી પ્રક્રિયા શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપે હાથ ધરેલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે ગુરુવારે પ્રદેશના ત્રણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા તેમજ તાલુકાની બેઠકો માટે ઉમેદવારી ઈચ્છુકોના મુદ્દે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકો દ્વારા નિયત કરાયેલ પેનલ પર આખરી મહોર પાલૉમેન્ટરી મારશે.મહેસાણા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીના પડઘમ વચ્ચે પ્રદેશ ભાજપ કક્ષાએથી ઉમેદવારી ઈચ્છુકોની રજુઆતો સાંભળવા માટે નિરીક્ષકોની ટીમોની કરેલી રચનાના ભાગ રૂપે ગુરુવારે શહેરની ડોસાભાઈની ધર્મશાળામાં રાજ્યના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ, માજી મંત્રી હરજીવનભાઈ ચૌધરી તથા પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ અરૂણાબેન ચૌધરીની નિરીક્ષક ટીમ સમક્ષ સવારે નવ વાગ્યાથી મોડી સાંજ સુધી ઉમેદવારી ઈચ્છુકો માટેની રજુઆતોનો દોર લંબાયો હતો.તાલુકા મુજબ ઉમેદવારી ઈચ્છુકોની રજુઆતો સાંભળ્યા બાદ નિરીક્ષકો દ્વારા તૈયારી કરાનારો અહેવાલ સંકલન સમિતિ સમક્ષ રજુ કરાશે. નોંધનીય છે કે, મહેસાણા જિલ્લા તથા તાલુકાની બેઠક દીઠ ત્રણ ઉમેદવારી ઈચ્છુકની પેનલ તૈયાર કરીને સંકલનની બેઠકમાં મંજુરીની મહોર માટે મોકલી અપાશે.પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની હાથ ધરાયેલી પસંદગી પ્રક્રિયા દરમિયાન મંત્રી નીતિનભાઈ પટેલ સિવાય જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી નીતિનભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી તથા રાજુભાઈ શુક્લ હાજર રહ્યા હતા.


ચીલાચાલુ ફિલ્મો, સિરિયલો વધી રહી છે

ટીવી, ફિલ્મ જેવા માધ્યમો સમાજને નવી દિશા આપવાનું કામ કરતા સમાજના દર્પણ છે. પરંતુ આજકાલ વાસ્તવિકતા ઓછી અને છિછરાપણું વધુ દેખાઇ રહ્યું છે એમ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નટખટ મુનીમજી નટુકાકાએ ગુરૂવારે મહેસાણા ખાતે દિવ્ય ભાસ્કરની મુલાકાતમાં જણાવ્યું હતું.શેઠ, મેરી પગાર કબ બઢેગી ! શબ્દો જેની ઓળખ બન્યા છે એવા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરીયલના હિરો જેઠાલાલના મુનીમ ‘નટુકાકા’ એવા ઘનશ્યામભાઇ નાયક મહેસાણા જિલ્લાના ઉંઢાઇ ગામના વતની છે. કેશવ રાઠોડની ઘરવાળી, બહારવાળી અને કામવાળી નામની આગામી ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે મહેસાણા આવેલા નટુકાકા તથા બકા ફેઇમ કાંતિ જોશીએ ગુરૂવારે કાર્યક્રમમાં મુલાકાત આપી મન છુટી વાતો કરી હતી. ગુજરાતી હોવાનું ગૌરવ લેતાં નટુકાકાએ કહ્યું હતું કે, ભવાઇ, નાટક સહિતની કળા ભુલાઇ રહી છે અને ચીલા ચાલુ ફિલ્મો, સિરીયલો વધી રહી છે. જોકે ભગવાનનો આભાર માનવો રહ્યો કે આજે પણ એવા ચમત્કાર થાય છે જેના પ્રતાપે ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ જેવી સિરીયલો બને છે. સાડા પાંચ દાયકાની અભિનયની સંઘર્ષ યાત્રાનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી બસોથી વધુ ફિલ્મો, ત્રણસોથી વધુ સિરીયલો અને સોથી વધુ નાટકોમાં કામ કર્યું છે. પરંતુ ‘નટુકાકા’ જેવી ઓળખ, પ્રસિદ્ધિ અને આત્મ સંતોષ અગાઉ ક્યારેય નથી મળ્યો.


ગ્રામ્ય પ્રજાના પ્રેમથી ગુજરાતી ફિલ્મોનો પ્રભાવ અકબંધ રહેશે

ગુજરાતી ફિલ્મના કલાકાર હિતેનકુમાર અને હિતુ કનોડીયા નિર્માતા ગૌરાંગ પટેલના નેજા હેઠળ બનનારી ગુજરાતી ફિલ્મ ‘નહિ રે છુટે તારો સાથ’ના શુટિંગ માટે ગુરૂવારે કડીના બુડાસણ સ્થિત જાનકી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં આવી પહોંચતા શુટિંગ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. જ્યારે બન્ને કલાકારોએ ગુજરાતી ફિલ્મોનું ભાવિ ઉજળું હોવાનું અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને રિયાલીટી શોના ક્રેઝ સામે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો પ્રભાવ અકબંધ રહેશે તે વિશેની રસપ્રદ વાતો ‘દિવ્ય ભાસ્કર’ સાથે કરી હતી.રિયાલીટી શોની અસર મેગાસિટી જેવા શહેરોમાં જોવા મળે છે.જ્યારે ગુજરાતી ફિલ્મ અને તેના કલાકારો ગામડાના લોકોના હૃદયમાં સદાય વસેલા હોય છે ત્યારે અનેક પ્રકારના રિયાલીટી શોથી ગુજરાતી ફિલ્મને કોઈ જ અસર થવાની નથી એમ ૭૬ જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર ગૂજજુ કલાકાર હિતેનકુમારે જણાવ્યું હતું.તેમણે ઈતિહાસમાં ડોકિયું કરતા જણાવ્યું હતું કે,અગાઉ ‘ભવની ભવાઈ’ ફિલ્મને નેશનલ ફિલ્મ ફેર એવોર્ડમાં પસંદ થઇ હતી. ઘણા વર્ષો પછી ગોવામાં યોજાનાર નેશનલ ફિલ્મફેર એવોર્ડમાં હિતેનકુમાર અને હિતુ કનોડીયાની ફિલ્મ ‘જન્મદાતા’ની પસંદગી થઇ છે.


સૌરાષ્ટ્રમાં પાકમાં ૨૫ ટકા નુકસાની

સૌરાષ્ટ્રભરમાં સરેરાશ કરતા સારો વરસાદ પડી જતાં મગફળી અને કપાસના પાકને થોડું નુકસાન પહોંચ્યું છે. જ્યાં વધુ વરસાદ થયો છે અને પાણી ભરાઇ રહ્યું છે તેવા કેટલાક વિસ્તારમાં છોડવા સૂકાઇ ગયા છે અને રેચ ફૂટી નીકળ્યા છે. એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, તલ અને કઠોળમાં સરેરાશ પચીસ ટકા નુકસાનની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં એકંદરે પાકની સ્થિતિ સારી છે. હવે પાકને વરાપની ખાસ જરૂર છે. કૃષિ વૈજ્ઞાનિક ડૉ. બી. કે. કિકાણીએ જણાવ્યું હતું કે મગફળી અને કપાસના પાકને થોડું નુકસાન થયું છે. ખેતરમાં જયા પાણી ભરાઇ ગયા છે ત્યાં પાક સુકાઇ ગયા છે. મગફળીમાં છોડવા મોટા થઇ ગયા છે ત્યાં સૂયા બેસવામાં મુશ્કેલી ઉભી થાય.મગફળી અને કપાસમાં પચીસ ટકા, તલમાં ૫૦ ટકાથી વધુ અને કઠોળમાં પણ વ્યાપક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. કોડીનાર, પોરબંદર, જામખંભાળિયા, ઉપલેટા, ધોરાજી વિસ્તારમાં નુકસાન વધુ છે. તેમ છતાં આ નુકસાન નડશે નહીં કારણ કે જે પાક ઉભો છે તે સારું ઉપ્તાદન આપશે એટલે નુકસાનની ભરપાઇ થઇ જશે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.એન. સી. પટેલ કહે છે કે મગફળીમાં ૧૫-૨૦ ટકા, તલમાં ૨૦ ટકા, કપાસમાં ૧૫ ટકાથી ઓછું અને કઠોળમાં ૨૦-૨૫ ટકા નુકસાન ગણી શકાય. માધવપુર ઘેડમાં ૪૦ ટકાથી વધુ નુકસાન છે. જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં ૩૦ ટકાથી વધુ પાક ખરાબ થયો છે.સૌરાષ્ટ્રમાં મગફળીનું ૧૫,૭૪,૬૨૪ હેકટર, કપાસનું ૧૭,૬૦,૦૯૬ હેકટર, તલનું ૧,૫૪,૯૩૪ હેકટર અને એરંડાનું ૯૮૮૯૩ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જો કે હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં નુકસાની અંગેનો સર્વે થયો નથી. પરંતુ થોડુઘણું નુકસાન થયાનું જણાઇ રહ્યું છે.

No comments:

Post a Comment