14 September 2010

આજીમાં ઘોડાપૂર: નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા ચેતવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આજીમાં ઘોડાપૂર: નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા ચેતવણી

રાજકોટમાં આજે મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. પરંતુ શહેરની ભાગોળે ત્રંબા, સરધાર, કોઠારિયાગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ખોખળદડી અને લાપાસરીથી આવેલા પાણીથી આજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને તે વિસ્તારના આજુ બાજુ રહેતા લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. ફાયર બિગ્રેડની ટીમે તમામને સૂચના આપી હતી.ખોખડદડી-લાપાસરી નદી વિસ્તારો તેમજ કોઠારિયાગામ અને ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં તેનું પાણી ખોખડદડી નદી અને લાપાસરી થઇને આજી નદીમાં ઠલવાતાં આજી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને આ નઝારો જોવા હજારો લોકો ઊમટી પડ્યા હતા.પૂરનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નદીકાંઠા વિસ્તારોમાં રહેણાક સુધી પાણી ધસી આવ્યા હતા. ઘૂઘવાટા નાખતા ઘોડાપૂર જોવા માટે લોકો ઊમટી પડ્યા હતા.


રાજકોટમાં ચૂંટણીપંચના આદેશ છતાં મોદીના ફોટાવાળાં હોર્ડિંગ તંત્રે ન ઊતાર્યા

રાજકોટમાં રાહુલ ગાંધી-મોદીના ફોટાવાળાં બેનરો-બોર્ડ આજથી હટાવવાનું શરૂ થશે,મહાનગરપાલિકાની ચૂંટણીઓનો અમલ શરૂ થઇ ગયો હોવા છતાં શહેરમાં અનેક જાહેર સ્થળે રાજકીય પક્ષોનો પ્રચાર થતો હોય તેવા હોર્ડિંગ કે બેનરો લગાવેલાં છે. જો કે તંત્રે અત્યાર સુધી તો આ બેનરોને હાથ લગાવ્યો નથી પરંતુ હવે ચૂંટણીપંચની સૂચના મળી હોવાથી આવતીકાલથી આ કાર્યવાહી શરૂ થશે.કેટલાક બેનરો તો સરકારી માલિકીના થાંભલા પર પણ લાગેલાં છે. જો કે જે બેનરમાં કોઇ પક્ષનું નિશાન હોય તે જ ઉતારવાં તેવી વાત છે તેથી ભગવા આતંકવાદ વાળાં નરેન્દ્ર મોદીના હોર્ડિંગ માટે તંત્ર અવઢવમાં છે. પરંતુ તે પણ ઉતારવાં તો પડશે જ તે નક્કી છે.જો કે આચારસંહિતા શરૂ થાય કે તરત જ આવી બાબતો માટે નોટિસો મળી જતી હોય છે અને કાર્યવાહી થતી હોય છે. આ વખતે મોદીના ફોટાવાળા બેનરો ઉતારવામાં તંત્ર રાહ જોતું હતું. અને કોંગ્રેસ તો રાજકીય દ્રષ્ટિથી ફરિયાદ કરે,પરંતુ આ કામ તે પહેલાં જ તંત્રે કરી નાખવું જોઇએ.રાજકોટમાં આવતીકાલથી ક્યાંય રાજકીય પક્ષના નિશાન કે નામવાળાં બેનરો, હોર્ડિંગ મંજૂરી વગરના જોવા નહીં મળે અને સરકારી મિલકત પર તો સાવ નહીં રહે કારણ કે હવે ચૂંટણીની આચારસંહિતા અમલી છે.જો કે ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા પછી ચાર દિવસ સુધી આવાં બેનરોને કલેક્ટરતંત્ર કે મહાનગરપાલિકાએ હટાવ્યાં નથી. દરમિયાન ચૂંટણીપંચના ધ્યાને આ વાત આવતાં આજે જિલ્લા વહીવટી તંત્રે આ બેનરો અને હોર્ડિંગ હટાવી લેવાનો આદેશ આપ્યો છે.માત્ર રાજકોટ જ નહીં ગુજરાતમાં જ્યાં ચૂટણી છે તે તમામ શહેરોમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળાં હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે, ભગવા આતંકવાદ શબ્દને લઇને આ બેનરો લગાવાયાં છે, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખે આ અંગે રાજ્ય ચૂંટણીપંચને રજુઆત કરતાં આ બેનરો તાત્કાલિક ઉતારી લેવા આદેશ થયો છે.જો કે કોંગ્રેસે આ રજુઆત કરી પરંતુ રાહુલ ગાંધીના ફોટાવાળા મોટા બેનરો રાજકોટના કાલાવડ રોડ પર કોટેચા ચોકથી છેક ફ્લાયઓવર સુધી છે. તે પણ તંત્રે ઉતારવાના છે.


દારૂના નશામાં એસીડ ગટગટાવી લેનાર યુવાનનું મોત

સવા મહિના પૂર્વે દારૂના નશામાં એસીડ પી લેનાર ચુનારાવાડના કોળી યુવાનનું મોત નિપજ્યું હતું. તેમજ ગોંડલ રોડ પર ટ્રેનની ઠોકરે પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ થયું હતું.ચુનારાવાડમાં રહેતા અને દારૂ પીવાની કુટેવ ધરાવતા કોળી મુકેશ નાથાભાઇ વેગડે (ઉ.વ. ૩૦) ગત તા. ૭/૮ના દારૂના નશામાં એસીડ પી લીધું હતું. તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને મંગળવારે વધુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બે ભાઇ અને છ બહેનમાં વચેટ મુકેશના મૃત્યુથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.અન્ય એક કિસ્સામાં ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક નજીક ગુલાબનગર પાસે રેલવેના પાટા ઓળંગતી વેળાએ ચંદ્રભાણ હૈદરરામ યાદવ (ઉ.વ. ૨૫) ટ્રેનની ઠોકરે ચડી ગયો હતો. યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુપીનો વતની ચંદ્રભાણ દોડમાસ પૂર્વે જ રાજકોટ આવ્યો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. સવારે કુદરતી હાજતે જવા નીકળ્યો હતો ત્યારે ટ્રેનની ઠોકરે ચડી ગયો હતો


રાજકોટ : ૨૩૪ ભાઇ-બહેનોએ સિદ્ધિ તપ કરી ઈતિહાસ સર્જયો

પયુંષણ પર્વની પૂણૉહુતિ સાથે જ આંગી બાદ દેરાવાસી જૈન સમાજે તપના ક્ષેત્રે ઈતિહાસ સર્જી દીધો છે. આજે શાસ્ત્રી મેદાન ખાતે પન્ચાર પ્રવર યશોવિજયજી મહારાજાની નિશ્રામાં ૨૩૪ તપસ્વીઓએ પોતાના સિદ્ધિતપના પારણા કર્યા હતા.રાજકોટના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સિદ્ધિ તપ થયું હતું. તેમજ સવારના ૮ વાગ્યે નવકારશી અને બપોરના ૧૨ વાગ્યે જુદા જુદા પાલ્વમાં ૨૨૦૦૦ ભાવિકોએ પ્રસાદ લીધો હતો.આ સંદર્ભે જાગનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખે જણાવ્યું હતું કે, સિદ્ધિતપમાં એક ઉપવાસ અને બેસણું (એક્ટાણું) બે ઉપવાસ અને બેસણું, ત્રણ ઉપવાસ અને બેસણું એમ ચડતાક્રમમાં તપસ્વીઓ આઠ ઉપવાસ અને બેસણું એમ કુલ ૩૬ ઉપવાસ તથા ૮ બેસણા મળી ૪૫ દિવસની તપશ્વયા કરે છે.૨૩૪ની સંખ્યામાં સિદ્ધિતપ થયું નહોતું આમ દેરાવાસી જૈન સમાજ અને રાજકોટમાં ઈતિહાસ રચાઇ ગયો છે.



કોર્પોરેશને જોયા વગર આડેધડ બૂથો માટેની યાદી આપી દીધી

કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન મથકોની જે યાદી જિલ્લા ચૂંટણીતંત્રને આપવામાં આવી હતી તેમાના ઘણા સ્થળો ચૂંટણી માટે યોગ્ય ન હોવાથી તેને બદલવાનો નિર્ણય લેવાયો છે. અંતે આજે કલેક્ટર તંત્રે કુલ ૧૧૬૬ બૂથ માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. એર સ્થળે તો શાળાને બદલે હવે માર્કેટિંગયાર્ડની ઓફિસમાં મતદાન થશે.ચૂંટણીશાખાના સૂત્રોએ જણાવ્યું કે,આજે રાજકોટના ૨૩ વોર્ડના બૂથોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. કોર્પોરેશને કેટલીક એવી શાળાઓને બૂથ તરીકે દર્શાવી હતી જે મતદાન મથક તરીકે ઉપયોગમાં લઇ શકાય તેમ નથી આથી તેને સ્થાને અન્ય સ્થળો નક્કી કરાયાં છે. જો કે મોડી રાત સુધી ચૂંટણી શાખાને અંતિમ યાદી મળી નહોતી. પરંતુ ચાર વોર્ડમાં ૨૨ બૂથો સહિત કુલ ૨૫માં ફેરફાર છે. તેવું બહાર આવ્યું છે.સિટી મામલતદાર ખાચરે જણાવ્યું કે ૬૯ રાજકોટ-૧ મતવિસ્તારમાં આવતા વોર્ડ નં. ૧૭,૧૮,૧૯ અને ૨૦માં નાના નાના કારણે થોડા ફેરફાર કરાયા છે. જેને લીધે મતદારોને મતદાન કરવામાં અગવડ ઊભી ન થાય.શાળા નં. ૯૭માં કોર્પોરેશને મતદાનમથક દર્શાવ્યું હતું,પરંતુ ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક પણ રૂમ નથી,પગથિયાં ચડીને જ રૂમ સુધી પહોંચાય છે તેથી તે મથક રદ કરીને તેના સ્થાને માર્કેટિંગ યાર્ડની મુખ્ય ઓફિસને મતદાન મથક રાખવામાં આવ્યું છે. જ્યારે લક્ષ્મીવાડીમાં ન્યૂ બજરંગ સ્કૂલમાં ત્રણ બૂથ દર્શાવાયાં છે જ્યારે રૂમ તો એક જ છે તેથી તે પણ રદ કરાયું છે.વોર્ડ નં. ૧૭માં ગોંડલ બાયપાસ નજીક એક વિસ્તાર એવો છે જ્યાં રસ્તાની બન્ને બાજુના મતદારોએ સામસામે રસ્તો ક્રોસ કરીને જવું પડતું હતું તેથી રસ્તો ઓળંગવો ન પડે તેવી વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. તો ક્યાંક ત્રણ રૂમ દર્શાવાયા હોય પરંતુ જેનો ઉપયોગ ચૂંટણી માટે થઇ શકે તેવા બે જ રૂમ હોય તેવા બૂથ પણ બદલાયાં છે.કુલ ૧૧૬૬ મતદાન મથકો માટે તંત્રે દરખાસ્ત તૈયાર કરી છે.


મુંબઈનો ‘ધોબીઘાટ’ પર્યટન સ્થળ બનશે

એક સદીથી વધુ સમયથી મુંબઈ શહેરના માલેતુજારોથી મધ્યમ વર્ગીયો સુધીના લાખો લોકોની ‘આઉટડોર લોન્ડ્રી’ તરીકે સેવા આપતો મહાલ-મીનો ધોબીઘાટ પહેલેથી જ પર્યટકો માટે આકર્ષણ રહ્યો છે. આ લોકપ્રિયતાના સદુપયોગ માટે મુંબઈ મહાનગરપાલિકાએ -ક્ષેત્રની ‘નવ સજાવટ- મેકઓવર’ દ્વારા તેને વ્યવસ્થિત રીતે પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માંડી છે.
રંગરોગાન ઉપરાંત પર્યટકોને ધોબીઓની પ્રવૃત્તિ અને આખા ક્ષેત્રનાં દ્રશ્યો નિહાળવા માટે સુંદર ઝરૂખો- ગેલેરી બનાવાશે. રૂ. ૨.૮૩ કરોડને ખર્ચે કરવામાં આવનારા સુશોભન-સજાવટમાં બીજી અનેક બાબતો ઉમેરાશે.આ દર્શક ઝરૂખા-વ્યુઈંગ ગેલેરીમાં લોકો તેમની કાર પાર્ક કરીને ધોબીઘાટના દ્રશ્યો નિહાળી શકાશે. મહાલ-મી રેલવે સ્ટેશન પાસે જેકબ સર્કલ-સાત રસ્તા તરફ ૨૩ એકરમાં ધોબીઘાટ ફેલાયેલો છે. કપડાં ધોવા માટે ધોબીઓને તેમના સ્થાન-પથ્થરના નંબર અપાયા છે. જુનાં-જર્જરિત મકાનો અને ઝૂંપડાંથી ઘેરાયેલી આ આઉટડોર લોન્ડ્રીની જમીન પર અમુક ભાગમાં દબાણો-અતિક્રમણો એટલે અનધિકૃત બાંધકામો પણ જોવા મળે છે.હાલ ધોબીઘાટની કઢંગી હાલત હોવાથી પર્યટકો અથવા ઉત્સુક લોકો દૂરથી નિહાળીને ચાલતા થાય છે. મોટા ભાગના દર્શકો રેલવે લાઈનની ઉપરના બ્રિજ પરથી નિહાળીને સંતોષ માને છે. પગથિયાં ઊતરીને નીચે જતાં જ ગંદકી જોવા મળે એટલે લોકો પાછા દાદર ચડી જાય છે. એમ સ્થાનિક ધોબીઓ કહે છે.


બેંકની સાથે રૂ. ૫૮ લાખની છેતરપિંડી કેસમાં ૯ની ધરપકડ

ન્યુ પનવેલ સ્થિત ગત મહિને ખારઘર અને કામોઠે વિસ્તારમાં બે બેંકની સાથે રૂ. ૫૮ લાખની છેતરપિંડી કરવા સબબ કલંબોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. છેતરપિંડીના આ પ્રકરણમાં પોલીસે સુશિક્ષિત યુવકોની ટોળકીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે નવ જણની ધરપકડ કરીને ૧૭૫ ગ્રામ વજનનું સોનું પણ જપ્ત કર્યું હતું.કલંબોલી પોલીસ સ્ટેશનના અધિકારી સંજય શુક્લાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે છેતરપિંડી કરવાના પ્રકરણમાં મુખ્ય ભેજું મનાતા હેમંત ગુલાબરાવ પાટીલ ઉર્ફે હિમાયત ખાનની નવી મુંબઈના કોપરખૈરાણે વિસ્તારમાં રહેતા સુધીર વાડકર નામના યુવકની સાથે ઓળખ થઈ હતી. વાડકરે હિમાયતની સાથે મળીને બેંકની સાથે છેતરપિંડી કરવાનું કાવતરું ઘડ્યું હતું.આ માટે થઈને તેઓએ બેંકના કર્મચારીઓની સાથે સાઠગાંઠ કરી હતી. આ કાવતરાને સફળ બનાવવા માટે વાડકરે કોપરખૈરાણે સ્થિત રહેતા અને બેંકમાં કામ કરતા જુબેર ખાન (૨૯) અને આસીફ એહમદ (૨૮)ની સાથે સંબંધ કેળવ્યો હતો. જુબેર થોડા મહિના પહેલાં આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ કરતો હતો. જુબેરે આ ટોળકીને બેંકમાં ‘ચાઈના ફર્સ્ટ મેટલર્જિકલ’ નામની ખાણનું કામ કરતી કંપનીના ખાતાની વિગતો આપી હતી. આ કંપનીનો માલિક વિદેશ હોઈ તેમના ખાતામાં રૂ. ૨૦ કરોડથી પણ અધિક રકમ હોવાની તેણે માહિતી આપી હતી.


આણંદ જિલ્લામાં પોણા લાખ મતદારોની છબિ હજુય વોન્ટેડ

આણંદ જિલ્લામાં નવા સીમાંકન મુજબ કુલ સાત વિધાનસભા બેઠક પ્રમાણેની મતદાર યાદીમાં તંત્રના અનેક પ્રયાસ છતાંય હજુ પોણા લાખ મતદારોના ફોટા યાદીમાં ગાયબ છે. આ અંગેની નોંધ તાજેતરમાં આણંદ આવેલા રાજ્ય રોલ ઓબ્ઝર્વરે એક બેઠક દરમિયાન લીધી હતી અને ઝડપથી આ કામગીરીપૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપતાં દોડધામ મચી ગઈ હતી.કલેક્ટર કચેરી સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેરનામાના પડઘામ વાગી રહ્યાં છે, ત્યારે રોલ ઓબ્ઝર્વર તરીકે તાજેતર લેબર કમિશનર બેંગ્લોરના રવિશંકરે મુલાકાત લીધી હતી. તેઓની ટુંકી મુલાકાત દરમિયાન આણંદ કલેક્ટર સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા દરમિયાન આણંદ જિલ્લાના વિધાનસભા પ્રમાણે બનેલી ફોટાવાળી મતદાર યાદીમાં હજુય ૭૪,૫૯૬ મતદારોના ફોટા જોવા મળ્યાં નહતાં. આથી, બાકી ફોટાને તાકીદે મતદારો પાસેથી મેળવી સો ટકા કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લાની ફોટાવાળી મતદાર યાદીના કાર્યક્રમમાં તંત્ર દ્વારા જેતે મામલતદાર ઓફિસ સહિત ડોર ટુ ડોર પહોંચી પણ ફોટા મેળવવાના વિવિધ કાર્યક્રમો અમલમાં મુક્યાં હતાં. આમ છતાં હજુ પોણા લાખ મતદારોના ફોટા યાદીમાં ચોંટયા નથી.

અખબારે સકારાત્મક દિશામાં આગળ વધવું જોઇએ

આજે દેશમાં જે પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે એમાં અખબારોએ સકારાત્મક દિશામાં આગળ વધવું જોઇએ. દિવ્ય ભાસ્કરે ટુંકા સમયમાં વાંચકોમાં વિશ્વાસ સંપાદિત કરી એક નવી મિશાલ સ્થાપી છે. એમ યોગ ગુરૂ સ્વામી રામદેવજીએ સોમવારે મહેસાણા દિવ્ય ભાસ્કરની મુલાકાત લેતાં જણાવ્યું હતું.ગામે ગામે યોગના પ્રચાર અને શક્તિશાળી ભારતના સ્વ• સાથે ભારત નિર્માણ યાત્રાએ નીકળેલા યોગ ગુરૂ સ્વામી રામદેજીએ સોમવારે મહેસાણા સ્થિત દિવ્ય ભાસ્કર કાર્યાલયની મુલાકાત લીધી હતી. દિવ્ય ભાસ્કરની ઉત્તર ગુજરાત આવૃત્તિની સોમવારે બીજી વર્ષ ગાંઠે ઉપસ્થિત રહેતાં આનંદની લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘‘આજે દેશમાં જે રીતે પરિસ્થિતિઓનું નિર્માણ થઇ રહ્યું છે એ જોતાં અખબારોએ સકારાત્મક દિશામાં આગળ આવવું જોઇએ અને સાચા પત્રકારત્વનો ધર્મ નિભાવવો જોઇએ.પત્રકારત્વનું આજે વ્યવસાયીકરણ થઇ રહ્યું છે. એવા સમયે બંને પાસાઓને સાચવીને આગળ વધવું જોઇએ. અર્થ વગર અનર્થ સર્જાય છે પરંતુ એમાં સત્યનું નિયંત્રણ હોવું જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સમાચાર બે પ્રકારના હોય છે એક સકારાત્મક અને બીજા નકારાત્મક, અખબારોએ સકારાત્મક દિશામાં આગળ વધવું જોઇએ. દિવ્ય ભાસ્કરે ટુંકા સમયગાળામાં વાંચકોમાં અનોખો વિશ્વાસ સંપાદન કરી એક નવી મિશાલ સ્થાપી છે.’’


160 ફૂટની ઊંચાઈ પર થયેલા આકાશી લગ્ન!

રોમાંચ મેળવવા માટે દંપતીઓ શું નથી કરતા? બેલ્જિયમના એક દંપતીએ તો પોતાના લગ્નમાં કંઇક નવીનતા લાગે તે માટે 160 ફૂટ ઊંચે આકાશમાં લગ્ન કર્યા. લગ્ન માટે વધૂ, વરરાજા અને આમંત્રિત મહેમાનોને એક ખાસ ક્રેન મારફતે 160 ફૂટ ઊંચા મંડપ પાસે લઈ જવામાં આવ્યા હતા. લગ્નના મંડપ પાસે આકાશમાં જ એક ખાસ ઓરકેસ્ટ્રા અને પિયાનોવાદકને બેસાડવામાં આવ્યા હતા. બેલ્જિયમના બ્રુસેલ્સના જેરોન અને સેન્ડ્રા કિપર્સ દુનિયાના પ્રથમ એવા દંપતી છે, જેમણે આ પ્રકારે હવામાં લગ્ન કર્યા છે. જો કે હવે અહીંયા કેટલાંય એવા યુવક-યુવતી તૈયાર થયા છે, જેઓ હવામાં અધવચ્ચે લગ્ન કરવા માટે ઉત્સુક છે. ઉપસ્થિત મહેમાનોને હવામાં ઉપર જ લગ્નનું ભોજન તેમજ નાસ્તો કરાવવામાં આવ્યા હતા. લગ્ન તો ઠીક આ દંપતિનું તો રિસેપ્શન પણ હવામાં જ યોજાયું હતું.આકાશમાં લગ્ન કરવા માટે આ દંપતિએ 25,000 ડોલર ખર્ચ્યા છે. આકાશી લગ્નનું આયોજન કરનારી કંપનીના સ્થાપક સ્ટીફન કેરખોફ્સ જણાવે છે કે આવી રીતે આકાશમાં લગ્ન કરાવવાથી દંપતિને એવો અનુભવ થાય છે કે તેઓ સામાન્ય પૃથ્વીથી પરે સ્વર્ગમાં લગ્ન કરી રહ્યા છે. વળી, આકાશમાં લગ્ન વખતે નઝારો એટલો સુંદર હોય છે કે આખી ઈવેન્ટ જીવનભર યાદ રહી જાય છે. સ્ટીફનના પિતાની એક ક્રાન કંપની હતી અને એ કારણે જ સ્ટીફનને આ નવો ખ્યાલ દુનિયા સમક્ષ મૂકવાનો વિચાર આવ્યો હતો.

No comments:

Post a Comment