15 September 2010

રાજકોટમાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ

મ્યુનિસપિલ કોર્પોરેશનની ચૂંટણી માટેની તૈયારીમાં તંત્ર હવે સંપૂર્ણ વ્યસ્ત બન્યું છે. સ્ટાફની જરૂરત, વાહનો, વોટિંગ મશીન સહિતની બાબતો માટે એક પછી એક કાર્યવાહી શરૂ થઇ છે. સાથે જ ઉમેદવારો કેટલા એજન્ટ રાખી શકશે તેમ જ આચારસંહિતાનું પાલન કેવી રીતે કરવાનું રહેશે તેની પણ સૂચનાઓ આવવા લાગી છે. સોમવારે ચૂંટણીનું જાહેરનામું સત્તાવાર રીતે બહાર પડશે ત્યાર બાદ વધુ ગતિથી આ કામો થશે.ચૂંટણી શાખાએ આપેલી વિગતો મુજબ એજન્ટો માટે પંચની ખાસ સૂચના આવી છે તે અનુસાર દરેક ઉમેદવાર પોતાની સાથે ૭ વ્યક્તિને ઇલેકશન એજન્ટ તરીકે રાખી શકશે, જ્યારે મતદાન સમયે નવ એજન્ટ રહી શકશે અને મતગણતરી માટે ૧૯ સાથીઓને એજન્ટ તરીકે રાખી શકશે. ચૂંટણીપંચે કલેક્ટર તંત્રને સ્થાનિક સરકારી-અર્ધસરકારી ઓફિસોના વાહનો રિક્વિઝિટ કરવા પણ સૂચના આપી છે. અને ખૂટતાં વાહનો મહાનગરપાલિકા પાસેથી મેળવવા કહ્યું છે.મેયર સહિતના પદાધિકારીઓએ પોતાના વાહનો પરત આપી દીધાં છે તેનો ઉપયોગ ચૂંટણી નિરીક્ષકો માટે થશે. તે ઉપરાંત ખાનગી સ્કૂલોની બસો પણ વોટિંગ મશીન અને સ્ટાફના પરિવહન માટે લઇ લેવામાં આવશે. કોર્પોરેશનના ૨૩ વોર્ડના ૬૯ કોર્પોરેટરની ચૂંટણી માટે અંતે ૧૧૬૬ મતદાન મથક નક્કી કરાયાં છે અને એક મથકદીઠ સાત વ્યક્તિઓનું સંખ્યાબળ જોશે.પ્રત્યેક બૂથ પર એક પ્રિસાઇડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસર, એક ઝોનલ ઓફિસર સેકટ મેજિસ્ટે^ટ તથા પ્યૂનની જરૂર પડશે. મતદાન અને મતગણતરી મળીને સાડા આઠ હજાર લોકોની જરૂર રહશે, રિઝર્વ-ફાજલ મળીને કુલ દસ હજાર માણસોની વ્યવસ્થા કરવા માટે તંત્રે મથામણ શરૂ કરી છે.


રાજકોટ પાસેથી સાત ટન વિસ્ફોટક મળ્યા

રાજસ્થાનથી મધ્યપ્રદેશના સાગર જિલ્લા માટે રવાના કરાયેલા ૬૦૦ ટન વિસ્ફોટક ભરેલા ૬૧ ટ્રક ગુમ થવાના ચકચારી પ્રકરણમાં ફરાર આરોપીના રાજકોટના પાડાસણ ગામે આવેલા ગોડાઉનમાંથી વડોદરાના એક્સ્પ્લોઝીવ વિભાગના અધિકારીઓએ આજે ૭ ટન વિસ્ફોટક કબજે કર્યા હતા.વિસ્ફોટકો ભરેલા ૬૧ ટ્રકની તપાસમાં એ વિસ્ફોટકના ચૂકવણાનો ડ્રાફ્ટ હરકશિન આસવાની ખે રાજકોટની બેંકમાંથી નિકળ્યો હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી હતી. તેમજ માલ મંગાવનાર મૂળ રાજસ્થાનના હરકશિન આસવાની રાજકોટમાં પણ એક્સ્પ્લોઝીવનું લા.સન્સ ધરાવતો હોવાની માહિતી મળતા એમ.પી.પોલીસ રાજકોટમાં તપાસ માટે આવી હતી.બનાવ બાદ ફરાર આસવાનીના પાડાસણ ગામે ગોડાઉનમાં સીલ હોવાથી તપાસ થઇ શકી ન હતી. દરમિયાન, વડોદરાના એક્સ્પ્લોઝીવ વિભાગના ડાયરેક્ટર અંસારી સહિતના અધિકારીઓએ આજે રાજકોટ એસ.ઓ.જી.ના ફોજદાર એન.કે.જાડેજા, મદદનીશ ચંદ્રસિંહ જાડેજાને સાથે રાખી પાડાસણ ગામે આસવાનીના ગોડાઉનના સીલ ખોલીને તપાસ કરતા અંદરથી ૭ ટન વિસ્ફોટક મળી આવ્યા હતો.આ જથ્થો ટ્રકમાંથી ગુમ થયેલો છે કે અન્ય? તે અંગે બેંચ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. ચકચારી પ્રકરણમાં મુખ્ય આરોપી આસવાની તેમજ સાગર જિલ્લાનો શિવચરણ હેડા અને તેની પત્ની હજી ફરાર છે.


નારાજીના ભડકા વચ્ચે સેન્સનાં નાટક

કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાનું શરૂ થતાં એક એક વોર્ડ માટે ૨૦-૨૫ મુરતિયાઓ ટેકેદારોના ટોળાં સાથે સજી ધજીને વરરાજાઓની જેમ પહોંચી જતાં બન્ને પક્ષની કચેરીઓ પર ભારે તાસિરો સર્જાયો હતો. પાંચ નંબરના વોર્ડમાં તો ભાજપના નિરીક્ષકો સામે સેન્સ આપવા માટે ૪૫ દાવેદારો ધસી ગયા હતા. જ્યારે એક નંબરના વોર્ડમાં ૩૦ દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવીને ટેકેદારો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસમાં પ્રદેશમાંથી નિરીક્ષકો નથી આવ્યા પણ, લોકલ કમિટી દ્વારા જ બાયોડેટા સાથે સેન્સ લેવામાં આવી હતી. આ બધા બાયોડેટા સાથે કોંગ્રેસના બન્ને પ્રમુખો ગાંધીનગર જશે પણ, તે પહેલા કેટલાક દાવેદારોએ તો પોતાની ટિકિટ પાક્કી માનીને જંકશન વગેરે વિસ્તારોમાં પ્રચાર પણ ચાલુ કરી દીધો હતો.આવું થવાનું કારણ એ છે કે કોંગ્રેસના મજબૂત ગણાતા દાવેદારોને પોતાના વોર્ડ અને પેનલ પસંદ કરી લેવાનું ખાનગીમાં કહી દેવાયું છે. ભાજપમાં શહેર પ્રમુખ ધનસુખ ભંડેરીને બાદ કરતા આખું સંગઠન ચૂંટણી લડીને લોકપ્રતિનિધિ બનવા થનગની રહ્યું છે. જેઓ સંગઠનમાં કામ કરી ચૂક્યા છે તે હવે જીતી શકાય એવા શ્યોર શોટ જેવા વોર્ડ શોધી રહ્યા છે.



સંતાનની કદર નહીં કરો તો સજા ભોગવશો

બાળકોની કદર કરતાં કોઈ બ્રિટન પાસેથી શીખે. લિંકનશાયરમાં સાત વર્ષીય એક બાળકીના પિતા ઘરેથી 20 મીટરની અંતરે આવેલા બસ સ્ટોપ સુધી પોતાની દીકરીને મૂકવા નહોતા જતા. આ મુદ્દે કાઉન્ટી કાઉન્સિલે ચાઇલ્ડ પ્રોટેક્શન ઈશ્યુ અંતર્ગત આ પિતાને ચેતવણી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ દીકરીને બસ સ્ટેન્ડ સુધી મૂકવા નહીં જાય તો તેમના વિરુદ્ધ કડક પગલાં લેવાશે.ઈસાબેલ નામની આ બાળકીના 32 વર્ષીય પિતા માર્ક મેક કોલફનું કહેવું છે કે તે પોતાની દીકરીનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે. જ્યાં સુધી તે બસમાં ન બેસે ત્યાં સુધી તેઓ ઘરમાં નથી જતા. જ્યારે આ બાળકી સ્કૂલેથી પરત આવે ત્યારે પણ તેની 33 વર્ષીય માતા નતાશા ફેગન ઘરે આવી જાય છે.આમ છતાં આ દંપતીને પોતાનું સંતાન પ્રત્યેનું વર્તન સુધારવાનું કહેવામાં આવ્યું છે. ઈસાબેલ સિવાય પણ આ દંપતીના 3 સંતાનો છે. માર્ક કહે છે કે, ‘કાઉન્સિલે રાઈ જેવી વાતનો પહાડ બનાવી દીધો છે. હું મારા સંતાનોને મજબૂત બનાવવા માગુ છું. માટે જ તેને જાતે રસ્તો ઓળંગવા દઉં છું. આ સિવાય હું સામે ઊભો રહીને તેમનું ધ્યાન તો રાખતો જ હોઉ છું. હું અન્ય ક્યાંય બાળકોને એકલા જવા દેતો નથી, પણ આ તો એક સમાન્ય વાત છે.’


કાર જરૂરિયાત નથી, તેના વિના ગુજરાન થઈ શકે: કોર્ટ

ડિવોર્સ બાદ પતિ પાસેથી કાર મેળવવા માટે અદાલતમાં કેસ કરનાર પત્નીની ભરણપોષણની અરજીને નામંજુર કરતાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે કાર એ ઘરવખરીની સામગ્રી કે જરૂરિયાત નથી, તેના વિના પણ ગુજરાન ચાલી શકે. કાર વાહનવ્યવહાર માટે વપરાતું લકઝુરિયસ સાધન છે. તે ડિવોર્સ બાદ પતિ પાસેથી મેળવવાનો હક પત્ની ધરાવતી નથી.ઉલ્લેખનીય એ છે કે અગાઉ પણ કાર મેળવવાની અરજી નીચલી કોર્ટમાં પત્નીએ કરી હતી, જે નીચલી કોર્ટે પણ ગ્રાહ્ય રાખી ન હતી. તેથી નારાજ થઈ પત્નીએ ઊપલી કોર્ટમાં અરજી કરી હતી પરંતુ મંગળવારે એડશિનલ સેશન્સ જજ કે.જે. ઉપાધ્યાયે પણ અરજી નામંજુર કરી દીધી હતી.આયેશાબેન ઉર્ફે સંગીતાનાં લગ્ન સિરાજુદ્દીન તાજમોહમ્મદ ખાન સાથે થયાં હતાં. કોઇ કારણોસર બંનેએ છુટાછેડા લઈ લીધા હતાં. છુટાછેડા બાદ પણ સિરાજુદ્દીનની સ્વિફ્ટ કાર જી.જે.૫-સીએફ-૮૫૦૬ એપેલેટ આયેશાબેન જ વાપરતાં હતાં, જેનો અઠવા લાઇન્સ કોર્ટ બિલ્ડિંગની બહાર તા. ૨જી એપ્રિલ ૨૦૦૯ના રોજ એક્સિડેન્ટ થયો હતો. રિપેરિંગ અર્થે કાર કટારિયા મોટર્સમાં મોકલવામાં આવી હતી.


ભારતમાં બે વિશિષ્ટતા માટે જાણીતું કચ્છનું જિનાલય

માંડવી તાલુકાના કોડાય ચાર રસ્તા પાસે આવેલા ૭૨ જિનાલય નજીક ગુણપુરીનગર ખાતે ભારતભરના અચલ ગચ્છના જિનાલયમા શંખેશ્વર પાર્શ્વનાથ બિરાજમાન હોય તેવા આ પ્રથમ જિનાલયની બીજી વિશિષ્ટતાએ છે કે, ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી પણ સાથે બિરાજમાન છે. દેશનું પ્રથમ જિનાલય છે જ્યાં આ બંને દેવતાઓએ નાગ સ્વરૂપે દર્શન દઇ તેમની કાંચળી ઉતારી છે, જે આજે પણ દર્શન માટે જોઇ શકાય છે.આ જિનાલયની ખનનવિધિ તા.૨૬મી જુન ૨૦૦૨ તથા શિલાન્યાસવિધિ ૨૫મી નવેમ્બર ૨૦૦૨ જ્યારે પ્રતિષ્ઠવિધિ તા.૪ મે ૨૦૦૬ના રોજ કરાઇ હતી. આ અંગેની વિગતો આપતાં જિનાલય ટ્રસ્ટના ચેરમેન પુનશી ગોશરે જણાવ્યું હતું કે, ભૂમિપૂજન બાદ અઠ્ઠમના પારણાના ચોથા દિવસે ધરણેન્દ્રદેવ (નાગ સ્વરૂપે) હાજર થયા હતા અને હજારો લોકોની હાજરીમાં નાગદેવતાએ કાંચળી ઉતારી અર્દશ્ય થઇ ગયેલા ત્યારબાદ ૨૨મા દિવસે અઠ્ઠમના પારણે પદ્માવતી દેવી (નાગણી મણિધર સ્વરૂપે) હજારો ભક્ત સમુદાય વચ્ચે કાંચળી ઉતારીને અર્દશ્ય થઇ ગયા હતા.વધુમાં જણાવ્યું હતું કે, આ બંન્ને નાગદેવતાની કાંચળી આજે પણ ભારતમાં માત્ર એક જ જગ્યાએ આ ગુણપુરીનગરના આ જિનાલયમાં જોવા મળે છે અને તે કાંચળી પેટીમાં બિરાજમાન છે, જેના જૈનો તેમજ જૈનેતર બહોળી સંખ્યામાં દર્શન કરે છે.અત્રે ચાતુમૉસ પ્રસંગે નિરાલીબાઇ મહાસતીજીની નિશ્રામાં ચાતુમૉસના ભક્તિ ભાવપૂર્વક વિવિધ ઉગ્ર તપસ્યા અને અનુષ્ઠાનો તપ-જપની આરાધના થઇ રહી છે અને શ્રાવકો ઉમંગભેર તેનો લાભ લઇ રહ્યા છે. આ ધાર્મિક સ્થળે જૈનો અને જૈનેતરનો ભારે ધસારો રહે છે.


કચ્છ : સાત નેતાઓનું પત્તું કપાયું

કચ્છમાં પંચાયતની બેઠકો માટે લાગુ થયેલા નવા સીમાંકનોએ મોટી ઉથલપાથલ કરી દીધી છે. જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ, ચેરમેનો સહિત સાત ધુરંધર નેતાઓનું પત્તું કપાઇ ગયું છે. આ વખતે તેઓ પોતાના મત વિસ્તારમાંથી લડી શકે તેમ નથી.જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને ગમે તે ઘડીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે પરંતુ ટોપ લેવલના નેતાઓને એ પ્રશ્નો મૂઝવી રહ્યો છે કે, લડવું ક્યાંથી?નવા સીમાંકનના કારણે બેઠકો સ્ત્રી અનામત બની જતાં નેતાઓ પોતાની વર્ષો જૂની બેઠક પરથી લડી શકે તેમ નથી.આ અંગે ભાજપના અગ્રણી રણછોડભાઇ આહીરે જણાવ્યું કે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગિરીશભાઇ છેડાની ભદ્રેશ્વર બેઠક અનુ. જાતિ અનામત થઇ ગઇ છે.એ જ રીતે વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રભાઇની ખેડોઇ બેઠક સામાન્ય સ્ત્રી અનામત થઇ ગઇ છે. શિક્ષણ સમિતિના ચેરમેન કૌશલ્યાબેન માધાપરિયાની માધાપર બેઠક સ્ત્રીમાંથી બિન અનામત સામાન્ય, ચેરમેન રહી ચૂકેલા પ્રવીણસિંહ વાઢેરની મંઝલ બેઠક અનુ. જાતિ સ્ત્રી, નામોરીભાઇ ઢીલાની ચોબારી બેઠક શા.શૈ.પ. વર્ગ અનામત, તૈયબભાઇ સમાની બેઠક પણ સામાન્ય સ્ત્રી અનામત થઇ ગઇ છે. એ જ રીતે નામોરીભાઇ ઢીલા જે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા તે પણ અનામત થઇ ગઇ છે.આ સાત ધુરંધર નેતાઓ પાસે માત્ર બે જ વિકલ્પો રહ્યા છે કે, ચૂંટણી ન લડે અથવા તો નવી જ બેઠક પંસદ કરવી પડે. સામાન્ય રીતે જે તે પક્ષમાં જે તે વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા હોય તે ઉમેદવારો ફીકસ જ હોય છે.


સલમાન ''વિવાદીત ખાન'

પ્રખ્યાત લેખક બ્રેડા ફાંસીએ એક વખત જણાવ્યું હતું કે, હું લોકોને આશ્ચર્ય ચકિત કરી દઉ છુ. મને વિવાદો ઉભા કરવા પસંદ છે આજ મારી ઓળખાણ છે. લાગે છે આ લેખકની વાતો સાથે સલમાન સિધો સબંધ ધરાવે છે. તેથી જ તો સલમાન ખાન હમેશાં વિવાદોથી ઘેરાયેલો રહે છે. આ વિવાદોમાંથી બહાર નિકળવાની જગ્યાએ સલમાનનાં જીવનમાં જાણે અજાણે વિવાદો ઉભા થતાં જ રહે છે. તેમાં તે ફસાતો જ જાય છે.



રાજકોટના વેપારીએ ડેમમાં ઝંપલાવી જીવતર ટૂંકાવ્યું

શહેરની કોટક શેરીમાં રહેતા લોહાણા વેપારીએ આજી-૨ ડેમમા ઝંપલાવી આપઘાત કરી લીધો છે. સવારે દુકાને જવાનું કહી નીકળ્યા બાદ સાંજે પ્રૌઢે આપઘાત કરી લીધાના સમાચાર મળતા લોહાણા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઇશ્વરિયા મંદિર નજીક આવેલા આજી-૨ ડેમના ઓવર ફલો પાસે એક પુરુષની લાશ તરતી હોવાની પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ થતા કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.પોલીસ તેમજ ફાયરબ્રિગેડની રેસ્કર્યું ટીમ ડેમ પર પહોંચે તે પહેલા જ ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢી લીધો હતો. આશરે પચાસે’ક વર્ષની ઉંમરના પ્રાૈઢના પહેરેલા કપડાની તલાસી લેતા ખિસ્સામાંથી લાઇસન્સ,ટેલિફોન ડાયરી મળી આવી હતી. જેમા મૃતક કોટક શેરી ૨/૩મા આવેલા ચંદ્ર કોમ્પલેકસમાં રહેતા રમેશભાઇ છગનભાઇ શિંગાળા હોવાનું બહાર આવ્યું હતુ.ખિસ્સામાંથી મળી આવેલી ડાયરીના આધારે પરિવારજનોને જાણ કરતા મૃતકનો પુત્ર અને જમાઇ દોડી આવ્યા હતા અને આ તેમના પિતા હોવાનું કહ્યું હતું. રઘુવીરપરામાં પફ-સેન્ડવીચની દુકાન ધરાવતાં રમેશભાઇ આજે સવારે દુકાને જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા.છેલ્લા ત્રણે’ક દિવસથી પિતા ગુમસુમ રહેતા હોવાનું પુત્રએ પોલીસને જણાવ્યું હતું. જો કે રમેશભાઇએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણવા મળ્યું નથી. મૃતકને સંતાનમા એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ગાંધીગ્રામ પોલીસના ફોજદાર ડી.એલ.વાંજા,મદદનીશ વાલજીભાઇએ જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથધરી છે. બનાવથી લોહાણા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.


સર્કિટથી વીજચોરીના વધુ ૧૦ કેસ: ૨૪ લાખનાં બિલ અપાયાં

સર્કિટ લગાવીને વીજચોરી કરવામાં આવતી હોવાના કિસ્સા અનેક પ્રકાશમાં આવ્યા છે. દરમિયાન રાજકોટ અને જુનાગઢ પંથકમાંથી કબજે લેવાયેલા ૧૦ જેટલા મીટરની લેબોરેટરીમાં ચકાસણી કરાયા બાદ તમામમાં સર્કિટ લગાવીને વીજચોરી થતી હોવાનું સ્પષ્ટ થતાં કુલ ૨૪.૬૬ લાખનાં બિલ ફટકારવામાં આવ્યા હતા અને તમામ સામે પોલીસ કેસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં ફરજ બજાવતા એક ઇજનેરના નજીકના સંબંધી પણ પાવર ચોરીમાં પકડાયા હતા. પીજીવીસીએલના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ગત એપ્રિલ માસમાં માણાવદર, વિસાવદર અને રાજકોટ શહેરમાંથી કુલ ૧૦ જેટલા વીજમીટર વીજચોરી કરવામાં આવતી હોવાની શંકાના આધારે જપ્ત કરાયા હતા. જે તમામનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવતા તમામમાં સર્કિટ લગાવીને પાવર ચોરી કરાતી હોવાનું ખૂલ્યું હતું.આથી માણાવદરના ઉત્સવ જીનિંગને ૧૬.૭૧ લાખ, વિસાવદર પાસેના ચારપડા ગામના ગોરધનભાઇ મોહનભાઇ ઠુંમરને ૧૬,૨૩૬ તેમજ રાજકોટ શહેરમાં ઇમિટેશનનું કારખાનું ધરાવતા મગનભાઇ તેજાભાઇને રૂ.૫૪,૭૮૫, રાજકોટમાં ફરજ બજાવતા એક ઇજનેરના નજીકના સંબંધી અને મનહર પ્લોટમાં ઓટોપાર્ટસનું ગોડાઉન ધરાવતા નયનાબેન ધુલિયા ૧.૩૯ લાખ,સોરિઠયા વાડી પાસે કલ્યાણ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા જેરામભાઇ પોપટભાઇ વીરડિયાને ૧૦,૧૯૨, જયંત કાસ્ટિંગના માલિક છગનભાઇ કલ્યાણજીભાઇ પીપિળયાને ૨.૧૫ લાખ, હંસરાજભાઇ રામજીભાઇ રૈયાણીને રૂ.૭૧,૪૦૮, તેમજ કોમર્શિયલ કનેકશન ધરાવતા બીપીનભાઇ નરશીભાઇ પટેલને રૂ.૧.૩૫ લાખનું બિલ ફટકારવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૬૯૧ કેસ સર્કિટના બહાર આવ્યા છે અને ૧૩.૭૨ કરોડનાં બિલ આપવામાં આવ્યા છે. જેમાંથી ૫૨૧ રિ-કનેકશન કરાયા છે.


ઓખા નજીકના દરિયામાં લાપતા ખલાસીને શોધવામાં નિષ્ફળ કોસ્ટગાર્ડ સામે રોષ

ઓખા નજીકના દરિયામાં સર્જાયેલા તોફાનમાં સપડાયેલા લાપતા માચ્છીમારોને પાંચ દિવસથી શોધી રહેલી સુરક્ષા એજન્સીઓને સફળતા નહીં મળતા માચ્છીમારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. પાંચ દિવસ પૂર્વે ઓખા નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલા ભારે તોફાન અને વરસાદમાં ફસાયેલી આઠ બોટના ૧૬ માચ્છીમારો લાપતા બન્યા હતા.આ ઘટનાના પગલે માચ્છીમાર સમાજમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. બીજી તરફ કોસ્ટગાર્ડે અત્યાધુનિક સગવડ ધરાવતી બે બોટ, એક હેલીકોપ્ટર, એક વિમાન દ્વારા લાપતા માચ્છીમારો અને બોટોનું સર્ચ ઓપરેશન હાથ ધયું હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે સતત બે દિવસ સુધી ઓપરેશનને અર્ધરસ્તેથી થંભાવવાની ફરજ પડી હતી.દક્ષિણ ગુજરાતની બોટો દુર્ઘટનાનો ભોગ બનતા હતભાગી માચ્છીમારોના પરિવારજનો ઓખા દોડી આવ્યા હતા. પરંતુ સતત બે દિવસ સુધી લાપતા માચ્છીમારોની ભાળ મેળવવામાં સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ રહેતા માચ્છીમાર સમાજ નારાજ થયો હતો.બીજી તરફ લાપતા પૈકીના બે માચ્છીમારો દ્વારકા અને મીઠાપુર નજીકના દરિયા કિનારેથી મૃત હાલતમાં સાંપડ્યા હતાં. કોસ્ટગાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હજુ ચાલુ જ છે. દરિયાઇ જીવો દ્વારા આ માછીમારોનું ભક્ષણ થયું હોવાની તંત્રએ આશંકા ઉચ્ચારી હતી.બોટનો કાટમાળ તો સાંપડે ને??સુરક્ષા એજન્સીઓએ દરિયાઇ જીવોના ભક્ષણની રજુ કરેલી થીયરીથી માચ્છીમાર સમાજ ભભૂકી ઉઠયો છે. તંત્રનો ગળે નહીં ઉતરતો પાંગળો બચાવ માની લઇએ તો પણ લાપતા બોટના કાટમાળનું શું ? કાટમાળ તો દરિયો કે દરિયાઇ જીવ પચાવી શકે જ નહીં ? એવો વેધક સવાલ દક્ષીણ ગુજરાત માચ્છીમાર એસો.ના પ્રમુખ વી.એસ. ટંડેલએ કરી તંત્રના સર્ચ ઓપરેશનની ઝાટકણી કાઢી હતી.



રાજકોટ : કેમિકલથી કેળા પકવતા બે વેપારીના ગોડાઉન સીલ

ગોપાલનગર અને કોઠારિયા રોડ પર મનપાનો દરોડો, કેમિકલ પાઉડર, લીક્વિડ સહિતનો ઘાતક પદાર્થનો જંગી જથ્થો મળી આવ્યો, જે રીતે કેરી પકવવા ઘાતક કાબૉઇડનો ઉપયોગ થાય છે એ જ રીતે કેળા પકવવા પણ જનઆરોગ્યને મોતના હવાલે કરતા કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.મનપાની આરોગ્ય ટીમ ફ્રૂટ માર્કેટ પર તૂટી પડી હતી ત્યાંરે વધુ એક વખત દરોડાનો દોર ચાલુ કરવામાં આવ્યો છે અને આજે ગોપાલનગરમાં ન્યૂ ભારત ફ્રૂટ સેન્ટર તથા કોઠારિયા રોડ પર વિશ્વાસ કેળા ભંડાર નામના બે મોટા ગોદામમાંથી કેમિકલનો જંગી જથ્થો મળી આવતા બન્ને ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા હતા.આ અગાઉ સદર બજારમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટના આદેશથી ફરી એકવખત આજે નાયબ આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડ, ફૂડ ઇન્સ. અમિત પંચાલ સહિતની ટીમ કેળાના ગોડાઉનમાં ચેકિંગ માટે નીકળી હતી.એ દરમિયાન ગોપાલનગર શેરી નં. ૩માં આવેલા મહેમુદભાઇ નામના વેપારીના ન્યૂ ભારત ફ્રૂટ સેન્ટર નામના ગોડાઉનમાં કેમિકલ પાઉડર અને લીક્વિડ બન્ને મળી આવતાં કેળા પકવવા પ્રજાના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું દ્રઢ બનતા આ ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યું હતું.જ્યારે કોઠારિયા મેઇન રોડ પર ઈલિયાસ હાજી અહેમદ નામના વેપારીના વિશ્વાસ કેળા ભંડારમાં ઓચિંતો છાપો મારવામાં આવતા કેમિકલ પાઉડરના ૨૦૦ ગ્રામના પાઉંચ તથા ૨૦૦ ગ્રામની કેમિકલ લીક્વિડની બોટલ મળી આવી હતી.

No comments:

Post a Comment