visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સાંસદોના 300 ટકાના પગાર વધારાને મંજૂરી
સાંસદોનું વેતન 300 ટકા વધારવાના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી છે. માત્ર ચાર દિવસમાં જ કેબિનેટનું મન બદલાય ગયું છે અને તેમણે આજે સાંસદોના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. આ પહેલા સોમવારે થયેલી કેબિનેટની બેઠકમાં મતભેદ સપાટી પર આવતા નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટીના સાંસદો દ્વારા સંસદમાં કરાયેલા ભારે વિરોધ બાદ આજે નિર્ણય કેબિનેટ દ્વારા ફેરવી તોળાયો છે. રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ત્યાં સુધી કહી દીધી હતું કે જે લોકો સંસદના વેતનના વધારાનો વિરોધ કરી રહ્યાં છે, તેમના સ્વિસ બેંકમાં ખાતા છે.સોમવારે કેબિનેટના કેટલાંક મંત્રીઓએ સૂચન કર્યું હતું કે આ સંદર્ભે કોઈપણ નિર્ણય બહારના વિશેષજ્ઞોની સમિતિ કે સમૂહ બનાવીને તેમનો મત લીધા બાદ કરવો જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ, માહિતી-પ્રસારણ મંત્રી અંબિકા સોની, અપ્રવાસી મામલાના મંત્રી વ્યાલાર રવિ અને સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ કેબિનેટ બેઠકમાં જનતા વચ્ચે ખોટો સંદેશો જવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ શુક્રવારે કેબિનેટે પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. હવે પ્રસ્તાવ સંસદમાં રાખવામાં આવશે. સંસદમાં સાંસદોના પગાર વધારાનું વિધેયક પારિત થવામાં હાલ કોઈ શંકા દેખાતી નથી. આ વિધેયકના પારિત થયા બાદ સાંસદોનો પગાર 16 હજાર રૂપિયાથી વધીને 50 હજાર રૂપિયાનું (મૂળ વેતન) થઈ જશે.લગભગ તમામ પક્ષોના સાંસદો આ મામલામાં એકજૂટ નજરે પડે છે. સાંસદોનો તર્ક છે કે દુનિયાના કોઈપણ દેશમાં સાંસદો આટલા ઓછું વેતન મેળવતા નથી. ખાસ કરીને બ્યૂરોક્રેટ્સથી પણ ઓછું વેતન મેળવવા પર સાંસદોને વાંધો છે. મહત્વપૂર્ણ છે કે સંયુક્ત સંસદીય સમિતિના સાંસદોનું વેતન વધારવાની ભલામણ કરી હતી. સાંસદો ઈચ્છે છે કે તેમનું વેતન ઓછામાં ઓછું સચિવોના પગારથી તો વધારે હોવું જોઈએ.
ભારત પર આતંકી હુમલાની આશંકા, હાઈ એલર્ટ
સરકારે લશ્કરે તોઈબા જેવા આતંકવાદી સંગઠનો તરફથી આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપી છે કે આતંકવાદીઓ તહેવારના આગામી દિવસોમાં હુમલો કરે તેવી સંભવના છે.કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ રમઝાન, રક્ષાબંધન, ઈદ ઉલ ફિત્ર અને ઓણમના તહેવારો દરમિયાન આતંકવાદી સંગઠનો ખાસ કરીને લશ્કરે તોઈબાના હુમલાના કોઈપણ પ્રયત્નને વિફળ બનાવા માટે દરેક સંભવ પગલાં ઉઠાવે.સૂત્રોએ જણાવ્યું છે કે ગૃહ મંત્રાલયે રાજ્યોને મોકલેલી સલાહમાં કહ્યું છે કે તેઓ નિરીક્ષણ અને સતર્કતા વધારી દે તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવધાનીના દરેક પગલાં ઉઠાવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોના સંવેદનશીલ સ્થળો પર વધારાના સુરક્ષાદળો તેનાત કરવા માટે પણ કહ્યું છે.મહત્વપૂર્ણ છે કે ઓણમ 23 ઓગસ્ટે છે, રક્ષાબંધન 24 ઓગસ્ટે અને ઈદ ઉલ ફિત્ર 13 સપ્ટેમ્બરે છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે તેમણે દરેક રાજ્યોને એલર્ટ કરી દીધા છે અને તમામ જરૂરી ઉપાય કરવામાં આવી રહ્યાં છે. એવી આશંકા છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી તત્વો દેશમાં આતંકવાદી હુમલો કરવાની કોશિશ કરી રહ્યાં છે.
અમેરીકી પરમાણુ કંપનીઓ માટે ભારતીય બજાર ખુલવાનો રસ્તો સાફ
કેબિનેટે આજે ન્યૂક્લિયર લાયબિલિટી બિલ એટલે કે પરમાણુ દાયિત્વ વિધેયકને મંજૂરી આપી દીધી છે. ભાજપનું કહેવું છે કે દુર્ઘટનાની સ્થિતિમાં વળતરની રકમની મર્યાદા 1500થી વધારીને 10 હજાર કરોડ રૂપિયા કરવી જોઈએ. ભોપાલ ગેસ કાંડને લઈને વળતર માટેની લડાઈની અસર પણ ન્યૂક્લિયર લાયબિલિટી બિલ પર પડી રહી છે.ન્યૂક્લિયર લાયબિલિટી બિલ પર વિપક્ષના વાંધા બાદ હવે `એન્ડ` શબ્દ હટાવી લેવાયો છે. બિલને આજે સંસદમાં રજૂ કરાય તેવી સંભાવના છે. મહત્વપૂર્ણ છે કે સંસદના ચોમાસું સત્રમાં હવે થોડાક દિવસો જ બાકી છે. તેવામાં સરકાર તેને ઝડપથી પારિત કરવા ઈચ્છે છે. મુખ્ય વિપક્ષ ભાજપે કહ્યું છે કે જ્યારે આ વિધેયક સંસદમાં રજૂ થશે, ત્યારે પાર્ટી અંતિમ મુસદ્દો વાંચ્યા બાદ જ કોઈ પ્રતિક્રિયા આપશે.
મહત્વપૂર્ણ છે કે ભાજપ અને ડાબેરીઓની સમિતિના રિપોર્ટની ભલામણમાં કલમ-17-એ અને કલમ 17-બી વચ્ચે `એન્ડ` શબ્દ જોડવા પર વાંધો ઉઠાવાયો હતો. વિપક્ષનું કહેવું હતું કે તેનાથી પરમાણુ પદાર્થોના આપૂર્તિકર્તા એટલે કે સપ્લાયરને દુર્ઘટનાની પરિસ્થિતિમાં પોતાની જવાબદારીમાંથી છટકવાનો રસ્તો મળી જશે.અરુણ જેટલીએ કેન્દ્ર સરકારને પ્રતિનિધિ પૃથ્વીરાજ ચવ્હાણને એક લેખિત નોટના માધ્યમથી પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી અને `એન્ડ` શબ્દને તુરંત હટાવાની માગણી કરી હતી. હવે કેબિનેટની બેઠકમાં આ બિલને એન્ડ શબ્દ હટાવીને મંજૂર કરી લેવાયું છે અને તેન સંસદમાં પારિત કરાવા માટે ઝડપથી રજૂ કરવામાં આવશે.ભાજપની સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કરાયેલા અંતિમ રિપોર્ટમાં કરવામાં આવેલા ફેરફાર પર પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. ડાબેરી પક્ષોએ પણ આ ફેરફારોનો વિરોધ કર્યો છે. જણાવામાં આવે છે કે જે મુદ્દા પર તેમનો વિરોધ હતો, તે મુદ્દાઓને બિલમાંથી દૂર કરવામાં આવ્યા છે.
પરમાણુ દુર્ઘટનાના કિસ્સામાં રૂ. ૧૫૦૦ કરોડ સુધીનું વળતર
વિવાદાસ્પદ ન્યૂકલીયર લાયેબિલિટી બિલના મુસદ્દાની સમીક્ષા કરી રહેલી સંસદીય સમિતિએ દેશમાં પરમાણુ દુર્ઘટનાના કિસ્સામાં વળતરની જોગવાઈ રૂ. ૫૦૦ કરોડથી વધારીને રૂ. ૧૫૦૦ કરોડની કરી દેવાની મંગળવારે દરખાસ્ત કરી હતી. આ ઉપરાંત આ બિલ અંગે વપિક્ષોની મોટાભાગની ચિંતાનું સમાધાન કરી દીધું છે. જોકે ડાબેરીઓને હજી કેટલોક વાંધો છે.સિવિલ લાયેબિલિટી ફોર ન્યૂકલીયર ડેમેજ બિલ-૨૦૧૦ તૈયાર કરનારી સાયન્સ અને ટેકનોલોજી અંગેની સ્થાયી સમિતિ આવતીકાલે બુધવારે આ બિલ સંસદમાં રજુ કરશે. જો કોઈ પરમાણુ દુર્ઘટના થાય તો તેવા કિસ્સામાં પરમાણુ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવનારી વિદેશી એજન્સી કે કંપની છટકી ન જાય તે અંગે વપિક્ષોની ચિંતાનું પણ આ બિલમાં સમાધાન કરી દેવાયું છે. ન્યૂકલીયર દુર્ઘટનાના કિસ્સામાં વિદેશી કંપનીની જવાબદારી નક્કી કરવા માટે ‘લેટન્ટ’ કે ‘પેટન્ટ ડફિકટ ઈન ઈકવપમેન્ટ’ની જોગવાઈ ઉમેરવાનું સમિતિએ સૂચવ્યું છે. સમિતિએ દુર્ઘટના થાય તો વળતર પેટે જુના બિલમાં કરાયેલી રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ વધારીને રૂ. ૧૫૦૦ કરોડ કરી દીધી છે.
પગાર વધારા માટે કેટલાક સાંસદોના ધમપછાડાં
રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવની આગેવાની હેઠળ સાંસદોએ પગારવધારાની માગણીના મુદ્દે મંગળવારે લોકસભામાં ભારે ધમાલ કરી હતી. તેને કારણે સંસદની કાર્યવાહી બે કલાક સુધી સ્થગિત કરવી પડી હતી. આ દરમિયાન નાણામંત્રી પ્રણવ મુખરજીએ ખાતરી આપી છે કે સાંસદોના પગારવધારા અંગેનું બિલ સંસદના ચાલુ સત્રમાં જ લાવવાનો પ્રયાસ કરાશે. તેમણે એવી પણ ખાતરી આપી હતી કે બિલ ગમે ત્યારે પસાર થાય, પગારવધારો પશ્વાદ્વર્તી અસરથી અમલી બનશે અને ૧૫મી લોકસભાની શરૂઆતથી જ તેનો લાભ મળશે.લોકસભામાં શૂન્યકાળ દરમિયાન જ આ મુદ્દે લાલુ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવે તેમનો સાથ આપ્યો હતો. બસપ, જેડી(યુ), શિવસેના અને તૃણમૂલ કોંગ્રેસ તથા કોંગ્રેસના પણ કેટલાક સાંસદોએ લાલુની માગણીનું સમર્થન કર્યું હતું. ભારે ધમાલ વચ્ચે સ્પીકર મીરા કુમારે નારાજ સાંસદોને શાંત કરવા પ્રયાસ કર્યા હતા, પરંતુ સાંસદો કંઈ જ સાંભળવા તૈયાર ન હતા. આથી તેમણે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી હતી.
શીખોને ધમકી, ઈસ્લામ અપનાવો યા કાશ્મીર છોડો
કાશ્મીરમાં રહેવું છે તો ઈસ્લામને અપનાવી લો અને આંદોલનમાં અમારો સાથ આપો અથવા પછી કાશ્મીર ખીણમાંથી તમારા બોરિયા-બિસ્તરા બાંધી લો...` કાશ્મીરના શીખોને `આતંકવાદી`ઓ તરફથી આ પ્રકારની ધમકીવાળા પત્ર મળી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે કાશ્મીર ખીણમાં હાલ શીખો સૌથી મોટી લઘુમતી છે. તેમની વસ્તી અંદાજે 60 હજારની આસપાસ છે.કાશ્મીરમાં શીખોના એક સંગઠને જણાવ્યું છે કે તેમના સમુદાયના કેટલાંક લોકોને જુદાં-જુદાં સ્થાનો પર આ પ્રકારની ધમકીવાળા બેનામી પત્રો મળી રહ્યાં છે. ઓલ પાર્ટી શીખ કોઓર્ડિનેશન કમિટી (એએસસીસી)ના કો-ઓર્ડિનેટર જગમોહન સિંહ રૈનાએ જણાવ્યું છે કે શીખો આતંકવાદીઓના આ હેતુઓ પાર પડવા નહીં દે. તેમણે જણાવ્યું હતું કે એક બેઠકમાં આ ષડયંત્ર વિરુદ્ધ એકજૂટ રહીને લડાઈ લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રતન ટાટાનો ગુજરાતમાં રોકાણ પ્રેમ
ટાટા ગ્રૂપની કંપની ટાટા કેમિકલ્સ સલ્ફેટ ઓફ પોટાશ (SOP) ફર્ટિલાઇઝરનો પ્લાન્ટ ગુજરાતમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળીને નાંખાવાનું વિચારી રહી છે."અમે ડીએસટી સાથે મળીને ગુજરાતના મીઠાપુરમાં એસઓપીનો મેન્યુફેકચર્સ પ્લાન્ટ નાંખવાનું વિચારી રહ્યા છીએ." તેમ ટાટા કેમિકલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર (કેમિકલ્સ) અરૂપ બાસુએ કહ્યું હતું. ડીએસટી સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય હેઠળ સુસંગત બનાવવા, ટેકો આપવો અને વિદેશી સાયન્ટિફિક પ્રવૃત્તિ અને રિસર્ચનું દેશભરમાં કાર્ય કરે છે.
સજ્જન કુમાર સામેની સુનાવણી રોકવાનો હાઈકોર્ટનો ઈન્કાર
દિલ્હી હાઈકોર્ટે 1984ના શીખ વિરોધી રમખામોમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમાર વિરુદ્ધ સુનાવણી પર રોક લગાવાનો ઈન્કાર કરી દીધો છે. આ કેસ છ લોકોની હત્યાનો છે.ન્યાયમૂર્તિ એ. કે. પાઠકે સજ્જનની અરજીને ફગાવી દીધી છે. સજ્જન કુમાર સામે નીચલી અદાલતે હત્યા અને હુલ્લડના આરોપો નક્કી કર્યા છે. સજ્જને પોતાની અરજીમાં સુનાવણી પર તુરંત અને ત્યાં સુધી રોક લગાવાની માગણી કરી હતી કે જ્યાં સુધી તેમની વિરુદ્ધ આરોપો નક્કી કરવાના વિરોધમાં દાખલ કરાયેલી તેમની અરજી પર કોર્ટ ચુકાદો ન આપી દે.સુલ્તાનપુરી વિસ્તારમાં થયેલા હુલ્લડોમાં તેમની કથિત સંલિપ્તતાના મામલામાં આપરાધિક કાર્યવાહી પર રોક લગાવાની કોંગ્રેસી નેતાની અરજીને ફગાવતા કહ્યું છે કે કોર્ટે તેમની અરજી પર સીબીઆઈને નોટિસ આપી છે. નોટિસમાં કોર્ટે તપાસ એજન્સીને કહ્યું છે કે તે 16 સપ્ટેમ્બર સુધી પોતાનો જવાબ દાખલ કરે. તે દિવસે જ મામલા પર ફરીથી સુનવણી થશે.
સી.બી.આઇ. નું સમન્સ મળશે પછી જવાબ આપીશ: ગીથા જોહરી
સોહરાબુદ્દીન કેસમાં રાજકોટના કમિશનર ગીથા જોહરીને ફરી વખત પૂછપરછ માટે સીબીઆઇએ સમન્સ પાઠવી ૧૦ ઓગસ્ટ સુધીમાં હાજર રહેવાની મુદ્દત આપી હતી. પરંતુ, ટ્રેનિંગ અને વિદેશ સફરના કારણે જોહરી હાજર રહી શક્યા ન હતા. દરમિયાન, પીઠના દુ:ખાવાના કારણે રજા પર ઉતરી ગયેલા જોહરીએ જણાવ્યું છે કે, તેમને સીબીઆઇ તરફથી બીજી મુદ્દતનું સમન્સ મળ્યું નથી. સમન્સ મળ્યા પછી જવાબ આપવા હાજર રહીશ.ઓ. પી. માથુરે દોષનો ટોપલો ગીથા જોહરી ઉપર ઢોળી દેતા માથુર અને જોહરીને એક્સાથે પૂછપરછ માટે સમન્સ અપાયા હતા. જોહરી હવે શું નિવેદન આપશે? તેના પરથી હવે કોની કોની ધરપકડ થઇ શકે તે વિશે અટકળો શરૂ થઇ ગઇ હતી. જો કે, જોહરી હૈદરાબાદ ટ્રેનિંગમા ગયા હતા અને ત્યાંથી વિદેશ ગયા હતા. પરત આવ્યા બાદ રાજકોટમાં મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્તની વ્યસ્તતાના કારણે તેમણે વધુ સમય માંગ્યો હતો.બુધવાર ૧૮ તારીખ સુધીમાં જોહરી સીબીઆઇ સમક્ષ હાજર થશે તેવી ધારણા થઇ રહી હતી. દરમિયાન, તેઓ પીઠના દુ:ખાવાની સારવાર માટે રજા પર ઉતરી જતા તરેહ તરેહની અટકળો શરૂ થઇ છે. આજે તેમનો ટેલિફોનિક સંપર્ક કરાતા જોહરીએ પોતાને સીબીઆઇ તરફથી નવી મુદ્દતનું સમન્સ મળ્યાનો ઇન્કાર કર્યો હતો.સીબીઆઇ તેમની અગાઉ પૂછપરછ કરી ચૂકી છે. જે સવાલ પૂછાયા હતા તેના જવાબ દઇ દીધા છે. સીબીઆઇને વિશેષ તપાસની જરૂર જણાઇ હશે. સમન્સ મળ્યે હાજશ રહીશ. તેમને તબીબે એક સપ્તાહ સુધી સંપૂર્ણ આરામની સલાહ આપી હોવાની તેમણે સીબીઆઇના અધિકારી કંડા સ્વામીને ટેલિફોનથી જાણ કર્યાનું જાણવા મળે છે.
UAEએ હેલ્થ ચેકઅપ અંગેના વિઝાના નિયમો હળવા કર્યા
સામાન્ય રીતે હિપેટાઇટીસ બી કે સી જેવા રોગોથી પીડાતા લોકોને આરબ દેશોમાં કામ કરવા માટેની પરવાનગી આપવામાં આવતી નથી અને જો દેશમાં કોઈ આવા દર્દીઓ કામ કરતા હોય તો પણ તેને દેશનિકાલ આપવામાં આવે છે, પરંતુ આવા લોકો માટે હવે એક ખુશીના સમાચાર છે. યુનાઇટેડ આરબ અમીરાતના દેશોમાં સરકારે હવે નવા મેડિકલ લો અંતર્ગત વિઝાના નિયમો થોડા હળવા કર્યા છે.દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા એ જાહેર કરવામાં આવ્યું છે કે હવે છ ચોક્ક્સ વ્યવસાયકારો માટે જ હિપેટાઇટિસનો ચેકઅપ ફરજિયાત બનશે.આ ઉપરાંત વિઝા માટે હવેથી હિપેટાઇટિસ-સીનો ટેસ્ટ પણ નહીં કરાવવો પડે.જો કે એચઆઈવી અને એઇડ્ઝ જેવા રોગો માટે નિયમોમાં કોઈ જ છૂટછાટ નથી.મેડિકલ ટેસ્ટ દરમિયાન જો કોઈ વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ જણાશે તો તેના વિઝા મંજૂર કરવામાં નહીં આવે.મંત્રાલયે જણાવ્યા અનુસાર નવા કાયદાઓ પ્રમાણે કેટલીક કેટેગરીમાં મહિલાઓએ પ્રેગનન્સી ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. જેના આધારે તેમને દેશમાં કામ કરવાની અને રહેવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ નિયમોમાં છૂટછાટને કારણે વિઝા ફીમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.આ પહેલા એવો આરબ દેશોમાં રહેવા અને કામ કરવાના વિઝા મેળવવા માટે દરેક વ્યક્તિએ હિપેટાઇટિસનો ટેસ્ટ કરાવવો પડતો હતો.અહીંના આરોગ્ય મંત્રાલયના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડો.મહમૂદ ફીકરી જણાવે છે કે ઘણા બધા મેડિકલ સત્તાવાળાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.છેલ્લાં કેટલાંક સમયમાં અહીંના ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા લોકોની બીમારીઓના કિસ્સા સામે આવતા અહીંના મંત્રાલયે મેડિકલ ટેસ્ટ્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય માટેની ટેક્નિકલ કમિટિમાં દુબઈ હેલ્થ ઓથોરિટી, હેલ્થ ઓથોરિટી-અબુધાબી અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થના સભ્યો સામેલ છે.અબુધાબી અને દુબઈના કેટલાંક સત્તાવાળાઓ જણાવે છે કે આ એક માપદંડ છે. અન્ય ગલ્ફ દેશોમાં પણ વિઝા માટેના આવા જ નિયમો છે.અહીં કેટલાંક રોગોના વધતા કેસોના પરિણામે સત્તાવાળાઓએ સ્થાનિક મેડિકલ લોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
લંડનમાં ગુજરાતીનું રૂ. ૧,૫૦૦ કરોડનું હવાલા કૌભાંડ
લંડન મેટ્રોપોલિટન પોલીસની એક વિશેષ ટુકડી ૨૦ કરોડ પાઉન્ડ એટલે કે અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના હવાલા કૌભાંડની તપાસ માટે મુંબઈમાં આવી પહોંચી છે.આ પ્રકરણના આરોપીએ તેને મળેલા લાભમાંથી મુંબઈમાં મોટે પાયે મિલકતો ખરીદી કરી હોવાની અને રોકાણ કર્યું હોવાની માહિતી બહાર આવી છે, જેની તપાસ કરવા લંડનની પોલીસ મુંબઈ આવી છે.ઈન્ટરપોલના માધ્યમથી આ વિશેષ ટુકડી અહીં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ તેને મદદ કરી રહી છે, એમ જોઈન્ટ કમિશનર હિમાંશુ રોયે જણાવ્યું હતું. લંડનમાં ત્રણ વર્ષ પૂર્વે હવાલા કૌભાંડ બહાર આવ્યું હતું. તે સમયે ભારતીય મૂળના ગુજરાતી ભદ્રેશ ગોહિલ નામના સોલિસિટર પર નાઈજીરિયનમાંના એક રાજકીય નેતાને લંડનથી બસ્સો મિલિયન પાઉન્ડ હવાલા કૌભાંડ મારફત પહોંચાડ્યા એવો આરોપ છે. આ પ્રકરણમાં ભદ્રેશની ૨૦૦૮માં લંડન મેટ્રોપોલિટન પોલીસે ધરપકડ કરી હતી.આ પ્રકરણમાં ઊંડાણથી તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે હવાલા કૌભાંડમાંથી મળેલા ફાયદામાં ભદ્રેશે મુંબઈમાં મોટે પાયે મિલકતોમાં રોકાણ કર્યું છે. આ પ્રકરણનો રેલો મુંબઈ આવતાં વિશેષ ટુકડીએ ત્રણ દિવસથી અહીં ધામા નાખ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. લંડન પોલીસની આ ટુકડી હવે ભદ્રેશ દ્વારા મુંબઇમાં રિયલએસ્ટેટ ક્ષેત્રે ક્યાં અને કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેની ઊંડી તપાસ કરી રહી છે.
‘ગોધરાકાંડ-અક્ષરધામ હુમલામાં સોહરાબુદ્દીનનો ઉપયોગ’
ભાજપ માટે જોખમી બનતાં તેનું એન્કાઉન્ટર કરી નખાયાનો શંકરસિંહ વાઘેલાનો આક્ષેપ : ભુજમાં યોજાઇ જાહેરસભા.નરેન્દ્ર મોદીએ સત્તા હાંસલ કરવા ગોધરાકાંડ, અક્ષરધામ હુમલો, અનેક એન્કાઉન્ટર સહિતમાં સોહરાબુદ્દીનનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભુજ ખાતેની જાહેરસભામાં કર્યો હતો. અત્યારે ગુજરાતની સ્થિતિ બદ્તર છે ત્યારે રાજ્યની અસ્મિતા બચાવવાની લડતમા સહકાર આપવા તેમણે લોકોને ટકોર કરી હતી.જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી સભાને સંબોધતાં તેમણે કહ્યું કે, મૂળ મધ્યપ્રદેશના સોહરાબુદ્દીનને ૨૦૦૨થી જ ભાજપે ઉછેર્યો છે. હવે જ્યારે તે કંઇ બોલી દેશે તેવું જણાતાં તેને પતાવી દીધા હોવાનો સનસનીખેજ આક્ષેપ મૂકતા કહ્યું કે, સત્તા હાંસલ કરવા મોદીએ કોમી લાગણી ઉશ્કેરવા ગોધરામાં ડબ્બો સળગાવ્યો, ત્યાર બાદ અક્ષરધામ જેવા પવિત્ર સ્થળે હુમલાની યોજના ઘડવામાં સોહરાબુદ્દીનનો ઉપયોગ કર્યો હતો.
બોલિવૂડમાં ભાઈ-બહેનનો પ્રેમ..
ભારત તહેવારોનો દેશ છે. ભારતમાં દરેક તહેવારનું આગવું મહત્વ છે. જો કે આ તમામ તહેવારોમાંથી રક્ષાબંધનનું અલગ જ મહત્વ છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમને દર્શાવે છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને તેની સલામતીની પ્રાર્થના કરે છે. ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે. આપણા બોલિવૂડમાં પણ એવા જ કેટલાંક ભાઈ બહેન છે, જેઓ ઘણી જ સારી રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.સાજિદ ખાન-ફરાહ ખાન: સાજિદ અને ફરાહ ટ્વિન્સ હોય તેમ લાગે છે. તેઓનો ગુસ્સો સાતમા આસમાને હોય છે. જો કે ફરાહ ગમે ત્યારે ગુસ્સે નથી થતી અને જાહેરમાં તે કોઈ પણ જાતની ટિપ્પણી કરવાથી દૂર રહે છે. જ્યારે સાજિગ ઘણી જ મસ્તી કરતો હોય છે અને તે ગમે ત્યારે ગમે તેની પર ટિપ્પણી કરી દેતો હોય છે. સાજિદ નાનો છે અને ફરાહ મોટી છે. જો કે રક્ષાબંધનના દિવસે તેઓ સાંજે સાથે બહાર જમવા જાય છે. જો કે સાજિદે ક્યારેય પોતાની બેનને નાની અમથી પણ ભેટ આપી નથી. એશા-દેઓલ ભાઈ: એશા અને દેઓલ ભાઈના સંબંધો ક્યારેય મીડિયામાં આવ્યા નથી. તેઓની વચ્ચે એક જાતનું અંતર છે. જો કે તેમ છતાં આ પંજાબી ભાઈઓ પોતાની બેનને લઈને ઘણા જ સાવચેત છે. ઈશા અને આહનાનું ધ્યાન દેઓલ ભાઈઓ રાખી રહ્યા છે. અમિષા-અસ્મીત પટેલ: લોહીના સંબંધો ક્યારેય તૂટતા નથી પરંતુ ઘણીવાર અન્ય ત્રીજી વ્યક્તિને કારણે લોહીના સંબંધો તૂટતા વાર નથી લાગતી. અમિષાના જીવનમાં વિક્રમનો પ્રવેશ થતાં અમિષાએ પોતાના પરિવાર સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. જો કે હાલમાં તો અમિષા એકલી જ છે પરંતુ તેના ભાઈ સાથેના સંબંધો હજી સુધર્યા નથી.એકતા-તુષાર કપૂર: એકતા અને તુષાર વચ્ચે કોઈ સામ્યતા નથી. વ્યવસાયિકતાથી લઈને અંગત જીવનમાં પણ તુષાર અને એકતાના મત અલગ અલગ છે.રણબિર-કપૂર બહેનો: કપૂર બહેનો અને રણબિર કપૂર વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ છે. આ જ કારણથી રણબિર અને કરિના ફિલ્મમાં સાથે કામ કરવા માંગતા નથી.ફરહાન-ઝોયા અખ્તર: ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર વચ્ચે ઘણાં જ સારા સંબંધો છે. ઝોયાની ફિલ્મમાં ફરહાન કામ કરી રહ્યો છે.
નાસાના જણાવ્યા પ્રમાણે સંકોચાય રહ્યો છે ચાંદ!
અવકાશી સંસ્થા નાસાના જણાવ્યા પ્રમાણે ચંદ્ર પહેલાની સરખામણીમાં હવે સંકોચાય રહ્યો છે. નાસા દ્વારા હાલમાં ચંદ્રની લેવામાં આવેલી હાઈ-રિઝોલ્યૂશન તસવીરમાં આ વાત સામે આવી છે.સમાચાર એજન્સી ડીપીએના જણાવ્યા પ્રમાણે વોશિંગ્ટનના સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યૂઝિયમના સેન્ટર ફોર અર્થ એન્ડ પ્લેનેટરી સ્ટડીઝના વેજ્ઞાનિક ટોમ વાટર્સનું કહેવું છે કે હાઈ-રિઝોલ્યૂશન તસવીરમાં ચંદ્રની ભૌગોલિક વિશેષતાઓ સામે આવી છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 80 કરોડ વર્ષ દરમિયાન ચંદ્ર સંકોચાય રહ્યો છે.વાટર્સે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ચંદ્ર ઠંડો છે. જેના કારણે તેના નિર્માણના સમયથી તેનું સંકોચન થઈ રહ્યું છે, આ પ્રક્રિયા આજે પણ ચાલુ જ છે.આ તસવીર નાસાના લ્યુનર રીકાનિસન્સ ઓર્બિટર દ્વારા મેળવવામાં આવી છે. આ ઓર્બિટર ઘણા સમયથી ચંદ્રની તસવીર ખેંચી રહ્યું છે.
તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરના દરબારમાં ગોટાળો!
આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ બાલાજી મંદિરમાં ચઢાવામાં મોટા પ્રમાણમાં ગડબડની ફરીયાદ સામે આવી છે. મંદિરનું કામકાજ સંભાળી રહેલા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ટ્રસ્ટના ચેરમેન સહીત તેના સભ્યો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો છે. આરોપ છે કે મંદિર ટ્રસ્ટના સભ્યોના નજીકના લોકોના પર્સનલ કોટા હેઠળ અપાતી ટિકિટોનું કાળાબજાર થાય છે. તેના સિવાય વિજય નગરના રાજા શ્રીકૃષ્ણદેવરૈયા તરફથી ભગવાન વેંકટેશ્વર પર લગભગ 500 વર્ષ પહેલા ચઢાવાયેલા અતિમૂલ્યવાન આભૂષણો ગાયબ થવાની ખબર છે.જો કે મંદિર બોર્ડના એક્ઝિક્યુટિવ ઓફિસર આઈ.વાઈ.આર.કૃષ્ણા રાવે કહ્યું હતું કે મંદિરમાં ચઢાવાયેલા તમામ આભૂષણો સુરક્ષિત છે. જ્યારે કેટલાંક આભૂષણો મંદિર પર સોનાનું પડ ચઢાવવા માટે ગાળી નાખવામાં આવ્યું હતું.બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન બી. કરુણાકર રેડ્ડીએ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરવાની માગણી કરી છે. તેમણે અનિશ્ચિતકાલિન ભૂખ હડતાલ પર ઉતરવાની ધમકી પણ આપી છે. રેડ્ડીએ કેટલાંક દિવસો પહેલા રાજ્યપાલ ઈ.એસ.એલ.નરસિમ્હનને પત્ર લખીને આ મામલાની તપાસ સીબીઆઈ કે કોર્ટના સેવારત જજ પાસે કરાવાની માગણી કરી હતી.
નરેન્દ્ર મોદીને બચાવવા સરકાર-ભાજપ વચ્ચે `ડીલ`નો આરોપ
સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળના સાંસદોએ સોહરાબુદ્દીન મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ અને પરમાણુ દાયિત્વ બિલ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોદાબાજીનો આરોપ લગાવતા આજે લોકસભામાં જોરદાર હંગામો મચ્યો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બપોરના બે વાગ્યે પણ કાર્યવાહી શરૂ થતાં ગૃહમાં હંગામો મચ્યો હતો, જેના કારણે કાર્યવાહી ગુરુવાર સવારે 11 કલાક સુધી સ્થગિત કરી દેવાય છે.
તો બીજી તરફ કર્ણાટકમાં ગેરકાયદેસર ખનન અને સોહારાબુદ્દીન એન્કાઉન્ટરમાં નરેન્દ્ર મોદીને સીબીઆઈની કથિત ક્લિન ચીટના મુદ્દે રાજ્યસભાને પણ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાય છે.બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળે લોકસભામાં ભાજપને પરમાણુ દાયિત્વ બિલ અને કર્ણાટકમાં થઈ રહેલા કથિત ગેરકાયદેસર ખનનનો મુદ્દો ઉપાડયો હતો. બહુજન સમાજ પાર્ટીએ કર્ણાટકમાં ગેરકાયદેસર ખનનના મામલે ત્યાંની ભાજપની સરકારને બરખાસ્ત કરવાની માગણી કરી હતી. જ્યારે રાષ્ટ્રીય જનતા દળે દાવો કર્યો હતો કે સરકાર અને મુખ્ય વિપક્ષ ભાજપ વચ્ચે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરમાં `ડીલ` થઈ છે.
ગૂગલે પી.ઓ.કે. પાકિસ્તાનના નામે કર્યું
પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીર એટલે કે પીઓકેને ભારત પોતાનો ભાગ ગણે છે, પાકિસ્તાન તેને પોતાના મુલ્કનો વિસ્તાર ગણાવે છે. બંને દેશો વચ્ચે આ વિવાદ બહુ મોટો મુદ્દો છે. પરંતુ સર્ચ એન્જિનની દુનિયાના મહારથી ગૂગલે પીઓકેને પાકિસ્તાનના નામે કરી દીધો હોય તેમ લાગે છે. ગૂગલ ઈનસાઈટ ફોર સર્ચમાં ભારતના નક્શામાંથી પીઓકેનો ભાગ ગાયબ છે. આ વાત સામે આવતા ગૂગલે આ મામલાની તપાસ કરાવાનો ભરોસો આપ્યો છે.આવું પહેલી વાર થયું નથી, જ્યારે ગૂગલે ભારતના નક્શા સાથે છેડછાડ કરી હોય. કેટલાંક મહીનાઓ પહેલા ગૂગલ એનાલિટિક્સમાં પણ ભારતનો આવો જ નક્શો દર્શાવાયો હતો, જેમાં પીઓકેને પાકિસ્તાનનો ભાગ બતાવાયો હતો.આ પહેલા 2005માં ગૂગલ અર્થ પર દર્શાવાયેલો ભારતીય ઉપમહાદ્વીપનો રાજકીય નક્શો સમાચારમાં રહ્યો હતો. તેમા પાકિસ્તાન અને ભારત વચ્ચે સરહદી રેખાને વહેંચતા, પીઓકેને પાકિસ્તાનનો હિસ્સો દર્શાવાયો હતો.ગૂગલના નિશાના પર ભારતની પાકિસ્તાન સાથેની સરહદ જ નથી, પરંતુ તે અન્ય ક્ષેત્રો સાથે પણ છેડછાડ કરી રહ્યું છે. વર્ષ પહેલા ગૂગલે નક્શામાં અરુણાચલ પ્રદેશના કેટલાંક ભાગને હિંદી કે અંગ્રેજી ભાષાના સ્થાને મંદારીન ભાષામાં સમજાવાયો હતો. તેનાથી પ્રદર્શિત થતું હતું કે તે વિસ્તાર ચીનનો ભાગ છે.
નાની બાળકીએ બિગ બીને ભાવુક બનાવી દીધા
અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે અને હાલમાં તે ગુજરાત પ્રવાસન વિભાગની એડ ફિલ્મના શુટિંગ અર્થે અમદાવાદમાં છે. અમિતાભ બચ્ચને બીજા દિવસે પણ ગાંધી આશ્રમમાં જ શુટિંગ કર્યુ હતું. ગાંધી આશ્રમમાં તેમને અલ્હાબાદની યાદ આવી ગઈ હતી.બિગ બીએ બીજા દિવસના અનુભવો પોતાના બ્લોગમાં લખ્યા છે. તેઓએ લખ્યું હતું કે, તેઓ એક બાળકીને મળીને ઘણાં જ દુખી થઈ ગયા હતા.બીજા દિવસે પણ બિગ બી ખુલ્લા પગે આશ્રમમાં ફર્યા હતા. આશ્રમમાં જ્યારે શુટિંગ થઈ રહ્યું હતું ત્યારે એક બાળકી અમિતાભ બચ્ચનને મળવા આવી હતી. બાળકી થેલેસિમિયા મેજરથી પીડાતી હતી. આ રોગનો એક જ ઉપાય છે. આ રોગ જેને પણ થાય તેણે લોહી બદલાવવું પડે છે. આટલી નાની બાળકીને થેલેસિમિયા જેવો ગંભીર રોગ છે તે વાતની જાણ થતાં બિગ બીનું હૃદય પીગળી ગયું હતું.બિગ બીને પણ થેલેસિમિયા મેજર છે. મુંબઈમાં થેલેસિમિયા સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે કાર્યરત છે. આ સિવાય ભારતની પણ કેટલીક સંસ્થા સાથે સંકળાયેલા છે. તેઓને લાગે છે કે, આ રોગને લઈને નક્કર કામ થવું જોઈએ.
અનિલ અંબાણી ટીવી ચેનલ શરૂ કરશે
અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્ક (જૂનું નામ રિલાયન્સ મીડિયા વર્લ્ડ)એ ટીવી ચેનલ શરૂ કરવા માટે ગ્લોબલ મીડિયા ગ્રૂપ સીબીએસ કોર્પોરેશન સાથે કરાર કર્યો છે.આ કરાર અંતર્ગત કંપની સીબીએસ કોર્પોરેશનના એક ડિવિઝન સીબીએશ સ્ટુડિયો ઇન્ટરનેશનલની સાથે એક સંયુકત ઉપક્રમે કંપની બનાવશે. આ કંપનીનું નામ સીબીએસ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ હશે. આ કંપનીમાં રિલાયન્સ બ્રોડકાસ્ટ અને સીબીએસ સ્ટુડિયો ઇન્ટરનેશનલનો સરખો હિસ્સો હશે. આ ભાગીદારી કંપની શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદ્વિવ, નેપાળ, ભૂતાન અને પાકિસ્તાનમાં પ્રાઇમરી લિનિયર પ્રી-પ્રોગ્રામ ટેલિવિઝન ચેનલોનું સંચાલન કરશે તેમ રિલાયન્સ બ્રોડકાસ્ટના સીઇઓ તરૂણ કટાલિયાએ કહ્યું હતું.
20 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment