18 August 2010

રાજકોટ : ક્રિકેટ મેદાને કોંગ્રેસે ઉઠમણું યોજ્યું, પોક મૂકીને રડ્યા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : ક્રિકેટ મેદાને કોંગ્રેસે ઉઠમણું યોજ્યું, પોક મૂકીને રડ્યા

રેસકોર્સના ક્રિકેટ મેદાનને સત્તાની રૂએ ભાજપે જે હાલત કરી છે તેના વિરોધમાં આજે શહેર કોંગ્રેસે મેદાનના સ્થળે જ ઉઠમણું રાખી દુ:ખ અને ઊંડો આઘાત વ્યક્ત કર્યો હતો. હકીકતમાં કોઇ વ્યક્તિનું મરણ થયું હોય અને તેને ત્યાં ઉઠમણું-બેસણું યોજાય એ જ રીતે અહીં અગાઉના મેદાનનો ફોટો રાખી, સફેદ વસ્ત્રોમાં આવી ફૂલહાર કરી પોક મૂકીને રડી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાજકોટના ઐતિહાસિક ક્રિકેટ મેદાનની ઘોર ખોદી નાખવામાં આવી છે અને તેના માટે મહાપાલિકાના શાસક ભાજપના પદાધિકારીઓ અને તેના ઇશારે નાચતા મ્યુનિ. કમિશનર સહિતના તંત્રવાહકો જ જવાબદાર છે એવા રોષ સાથે આજે શહેર કોંગ્રેસે મેદાનની જે હાલત થઇ છે તે અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરવા આજે ક્રિકેટ મેદાનના સ્થળે જ ઉઠમણું રાખવામાં આવ્યું હતું. જેમાં, શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મનપાના વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ મેયર અશોક ડાંગર વગેરે આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઉઠમણામાં કેટલાક ક્રિકેટ પ્રેમીઓ પણ સ્વયંભૂ જોડાયા હતા. જયશ્રી કૃષ્ણ કહીને અગાઉના સુંદર મજાના મેદાનનો ફોટો મૂક્યો હતો તેને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં, પોક મૂકીને રડી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.ક્રિકેટ મેદાનના ખરખરાના કાર્યક્રમમાં હૂબહૂ શોકનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. જેમાં, એકાદ મહિના પહેલાં મેદાનની જે સ્થિતિ હતી તેનો ફોટો પાડીને હાર પહેરાવવામાં આવ્યો હતો અને બાજુમાં જ હે રામ.. હે રામ.., તું હી જગદાતા વિશ્વ વિધાતા... ની કેસેટ મૂકવામાં આવી હતી.


ગુજરાતમાં લાલ આતંક: લોકમાનસમાં ગંભીર અસર

ગુજરાતભરમાં છેલ્લાં ત્રણેક દિવસથી એક અફવા આગની જેમ ફેલાઇ રહી છે. મોબાઇલ ફોન પર અમુક ચોક્કસ નંબર પરથી લાલ રંગના કોલ કે મેસેઝ રિસિવ કરવાથી મોત નીપજે છે આ પ્રકારની અફવાએ લોકમાનસ પર ગંભીર અસર કરી છે.મોબાઇલ ફોનમાં આવતાં લાલ રંગના કોલ કે એસએમએસના કારણે મોત આવતું હોવાના ગપગોળાની છડેચોક ચર્ચાઓ વચ્ચે રાજ્યભરમાં રહસ્યમય ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી તાજા રહસ્યમય ઘટનાઓ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, દેવગઢ બારિયા, કીમ, ગાંધીધામ સહિતના શહેરોમાંથી બહાર આવી છે. બીજી તરફ ટેલિકોમ નિષ્ણાતો અને વિજ્ઞાન જગતના લોકોએ આવી વાતોને તદન નકારી દીધી છે.લાલ રંગનો ફલાણા નંબરનો મોબાઇલ આવે તો ઉઠાવવાથી મોત નીપજે છે, તેને ભારત જન વિજ્ઞાન જાથાએ નર્યું તરકટ લેખાવ્યું છે અને આવી વાતને કોઇ વૈજ્ઞાનિક સમર્થન ન હોવાનું જણાવ્યું છે.જાથાની એક યાદીમાં જણાવાયા મુજબ હાલે આવા નંબર પરથી ફોન ઉપાડવાથી અને એસએમએસ સ્વીકારવાથી આદમીનું મૃત્યુ થતું હવાની વાત દાવાનળની જેમ ફેલાઇ છે. જાથાએ આ મુદ્દે તમામ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓથી વાત કરી છે. તેમના તરફથી એવું કહેવામાં આવ્યું કે, આવું ક્યારેય બની શકે એમ નથી અને આ માત્ર અફવા છે.ભારત જન વિજ્ઞાન જાથાના અલ્પેશ ચાવડાના જણાવ્યા મુજબ સમગ્ર દુનિયામાં હજી ફોન દ્વારા કોઇનું મૃત્યુ થયાનું બહાર આવ્યું નથી. આ પ્રકારની વાતો માત્ર લોકોને ભયભીત કરવા માટે જ શત્રુઓ તરફથી ફેલાવવામાં આવતી હોવાનું તેમણે ઉમેર્યું હતું.


વાગડની ધરામાં સળવળાટ યથાવત્ : ૨.૯નો આંચકો
વાગડની ધરામાં કંપનનો દોર હજુ યથાવત રહ્યો છે. મંગળવારની પરોડે ૨.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાતાં કેટલાક ગામોમાં ભય ફેલાયો છે. અલબત આ ધ્રુજારીને દિલ્હી સ્થિત સિસ્મોલોજી કચેરીનું સમર્થન મળ્યું નથી. પરંતુ ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ગાંધીનગરમાં આ કંપન નોંધાયું છે. ભચાઉમાં પણ તેની અસર થઇ હોવાનું જાણવા મળે છે.મંગળવારે પરોડે ૩.૪૫ વાગ્યે આવેલા આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૫ કિમી ઉત્તર પશ્ચિમમાં નોંધાયું છે. ૨૩.૩૭૮ લેટિટયુડ અને ૭૦.૧૮૫ લોગીંટયૂડ પરથી આવેલા કંપનનું ઉંડાણ ૨૭.૭ કિમી નીચે હતું.ભચાઉથી મળતી વિગતો મુજબ કેટલાક નગરજનોને રાત્રે કંપન અનુભવવાનું જણાયું હતું પરંતુ તે અત્યંત ક્ષણિક હોવાથી અવગણી દેવાયું હતું.સિસ્મોલોજીસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ નોંધ અનુસાર ૧૨મી ઓગસ્ટના ૪ના આંચકા બાદ વાગડ વિસ્તારમાં જ ૧૩મીના ૩નો, ૧૪મીના ૨.૧નો, ૧૬મીના ૧.૭ તેમજ ૧.૩ના અત્યંત હળવાં કંપન આવ્યા છે ત્યારે વાગડ ફોલ્ડ હજુએ જીવંત અવસ્થામાં હોવાનું જણાવ્યું છે.એક તરફ ભારે વરસાદથી જમીનના તળ ઉંચા આવ્યા છે ત્યારે બીજી તરફ કંપનોની સંખ્યાના અહેવાલોથી લોકોમાં ચિંતા પ્રસારી છે.


મોબાઇલની લાલ ઘંટડીએ ફફડાટ સર્જ્યો

મોબાઇલ ફોનમાં આવતા લાલ કોલ અને મેસેજ રિસિવ કરતાં જ મોત આવતું હોવાની અફવાઓ વચ્ચે મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં આવા કોલ આવ્યાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. મોતનો લાલ કોલ રિસિવ કરતાં સાબરકાંઠાના માલપુરમાં એક યુવાન તથા બનાસકાંઠાના ડીસા, દિયોદર, વાવ અને ભાભર તાલુકામાં આવી ઘટનાઓ બની હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મહેસાણાના યુવાને સાવચેતી વાપરી કોલ રિસિવ ના કરતાં જાતને બચાવી લીધાનો હાશકારો અનુભવી રહ્યો છે.મોબાઇલ ફોનમાં લાલ અક્ષરથી આવતો મેસેજ અને અજાણ્યા નંબર પરથી આવતા કોલથી મગજ ઉપર ભારે અસર થતી હોવાની અને મોત થતું હોવાની અફવાએ જોર પકડ્યું છે ત્યારે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં આવા કોલ આવતાં ઉત્તર ગુજરાતમાં ફફડાટ ફેલાઇ ગયો છે તો બીજી બાજુ તંત્ર અવઢવમાં મુકાયું છે. જ્યારે આ દહેશતને પગલે આવતો અજાણ્યો કોલ ઉપાડતાં પણ મોબાઇલધારકો મહેસાણામાં રહેતા અને રિકવરી એજન્સી ધરાવતા ભદ્રેશ ભટ્ટ નામના યુવાનના મોબાઇલમાં બપોરે દોઢ વાગ્યાના અરસામાં કોલ આવ્યો હતો. મોબાઇલમાં હાથમાં લઇ તે કોલ રિસિવ કરવા જતો હતો પરંતુ ડિસપ્લે પર નજર કરતાં તે ચોંકી ગયો હતો. ઇમજન્સી કોલ લખેલો ૧૧૨ નંબરથી લાલ રંગનો કોલ જોઇ તેણે ફોન દુર ફેંકી દીધો હતો. કેટલાક સમય બાદ રિંગ બંધ થઇ ગયા બાદ તેણે હાશકારો અનુભવ્યો હતો અને આ ઘટના અંગે પોલીસ સ્ટેશન અને મોબાઇલ કંપનીને જાણ કરી આ અંગે ફરિયાદ લખવા કહ્યું હતું. જોકે બંને સ્થળેથી તેને જાકોર મળ્યો હોવાનો તેણે કચવાટ વ્યક્ત કર્યો હતો.સાબરકાંઠાના માલપુર તાલુકામાં મોબાઈલના લાલ નંબરથી રવિવારે બે યુવાનો બેભાન થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાની ઘટના બાદ આ જ પ્રકારનો બનાવ મંગળવારે તાલુકાના મસાદરા ગામના યુવાન ભીખાભાઇ માલાભાઇ કટારા ઉ.વ.૩૦ સાથે બન્યો હતો. લાલ રંગનો નંબર આવતાં રિસિવ કરતાંની સાથે જ સામે છેડેથી રામ રામનો અવાજ આવ્યો હતો અને તે સાથે જ તે બેભાન થઈ ગયો હતો.


દલિતો પર અત્યાચારના ગુનામાં પોલીસનું ઠંડુ વલણ

આણંદ જિલ્લામાં દલિતો પર થતાં અત્યાચારના ગુનામાં પોલીસ કેસ થયાં બાદ આરોપી સામે કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા ઠંડુ વલણ દાખવવામાં આવી રહ્યાંની એક રજુઆત જિલ્લા કલેક્ટરને સેન્ટર ફોર દલિત હ્યુમન રાઈટ્સ દ્વારા કરવામાં આવી હતી.આ અંગેની રજુઆતમાં સરોજબેન મેકવાને વધુમાં જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં એટ્રોસીટી કાયદાનો અસરકાર અમલીકરણ કરવા આવતો નથી. પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડમાં વિલંબ કરવામાં આવી છે. જેથી એટ્રોસીટીના કેસ નબળા થતા જાય છે.જેને કારણે દલિતો - આદિવાસીઓનો અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે. આ કાયદાનું અસરકારક અમલીકરણ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.


જહાજમાંથી ઘાતક રસાયણનાં બે કન્ટેઈનર ગુમ

દુર્ઘટનાગ્રસ્ત જહાજમાંથી ૧૦૦ કન્ટેઈનર ગુમ હોવાનું હવે બહાર આવ્યું છે. આમાંથી બે કન્ટેઈનરમાં ઘાતક રસાયણ હોવાનું પણ જણાયું છે. આને કારણે સત્તાવાળાઓને નીંદર હરામ થઈ ગઈ છે.૭ ઓગસ્ટે બે જહાજ ટકરાયાં બાદ એમએસસી ચિત્રામાંથી સમુદ્રમાં ૨૫૦ જેટલાં કન્ટેઈનર સરકી ગયાં હતાં. આ કન્ટેઈનરો દક્ષિણ મુંબઈ બાજુ નરીમાન પોઈન્ટના દરિયાકાંઠા સુધી અને બીજી બાજુ રાયગઢ જિલ્લાના ઉરણના દરિયાકાંઠા સુધી ફેલાયાં હતાં.આમાંથી ૧૫૦ કન્ટેઈનરોને વિવિધ સ્થળે કબજામાં લેવાયાં છે. જોકે ૧૦૦ કન્ટેઈનર હજુ મળી શક્યાં નથી, એમ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ રાહુલ અસ્થાનાએ જણાવ્યું હતું.ગુમ થયેલાં કન્ટેઈનરોને શોધવાની કામગીરી ચાલી રહી છે. જોકે ભરતી વેળા અને દરિયો તોફાને ચઢે છે ત્યારે શોધખોળ મુશ્કેલ બની જાય છે. આ કન્ટેઈનરો દરિયામાં ઊંડાણમાં સરકી ગયાં હોવાની શંકા છે. જો તે કોઈક કિનારે લાગે તો કામ આસાન બની જાય એમ છે, પરંતુ હજુ તેવું થતું નથી, એમ તેમણે જણાવ્યું હતું.


કાશ્મીર ભારતથી જુદું થાય તો?

બહુ મોડું થાય તે પહેલાં ભારતે ખીણ વિસ્તારની વાસ્તવિકતા બરાબર સમજી લેવી રહી. અહીં છેલ્લા બે દાયકાઓ ઉપરાંત સમયથી જે આગ ભભૂકતી રહી છે તે ૧૯૪૦થી ૧૯૪૭ના ગાળા દરમિયાન અવિભક્ત ભારતમાં મહંમદઅલી ઝીણાના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગે જે આગ લગાડી હતી તેની નવી આવૃત્તિ છે. આગામી દિવસોમાં અલગતાવાદીઓ પૂરા ઝનૂન સાથે ખીણ વિસ્તારમાં હિંસાખોરીનું તાંડવ આગળ વધારતા રહેવાના છે ત્યારે ભારતે શું કરવું રહ્યું? ધ્વજવંદન સમારંભમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર ફેંકાયેલું જૂતું એ કાશ્મીર ખીણ વિસ્તારની વધુ કથળતી પરિસ્થિતિનો છેલ્લો સંદેશો છે. છેલ્લા બે મહિનાથી ખીણ વિસ્તારમાં ઉકળતા રહેલા ચરુને ઠંડો પાડવા તાજેતરમાં વડાપ્રધાન ડૉ.. મનમોહનસિંહે જમ્મુ-કાશ્મીર રાજ્યને સ્વાયત્તતા આપવાનું જે સૂચન કર્યુઁ છે તે પણ ભાગ્યે જ કારગત થાય તેમ છે. આમ પણ સંવિધાનની કલમ ૩૭૦ની જોગવાઈઓ હેઠળ રાજ્ય ભારતનાં અન્ય રાજ્યોની તુલનામાં વિશિષ્ટ અધિકારો ભોગવે છે. હવે સંરક્ષણ, સંદેશાવ્યવહાર તથા વિદેશ સાથેના સંબંધોને બાદ કરતાં રાજ્યને સંપૂર્ણ સ્વાયત્તતા બક્ષવાની જે માગ સત્તાધારી ડૉ.. ફારુક અબ્દુલ્લાની રાષ્ટ્રીય પરિષદ કરી રહી છે તે સંપૂર્ણપણે સ્વીકારી લેવામાં આવે તોપણ અલગતાવાદીઓ શાંત થાય તેમ નથી. ૧૯૯૦ના દાયકાથી એટલે કે અફઘાન જેહાદ સફળ થયા પછી કાશ્મીર ખીણના મુસ્લિમો ઇસ્લામિક કટ્ટરવાદની વધુ ને વધુ અસર હેઠળ આવતા રહ્યા છે. જેહાદના આ નવા ઝનૂન હેઠળ તેઓએ સૈકાઓથી સાથે રહેતા કાશ્મીરી પંડિતોની હકાલપટ્ટી કરી નાખી છે અને બે દાયકાઓથી આ લાખો પંડિતો પોતાના દેશમાં નિરાશ્રિત બની ચૂક્યા છે.આ સંજોગોમાં કાશ્મીરની સમસ્યા હવે રાજકીય કરતાં ધાર્મિક વધારે બનતી રહી છે. આથી સ્વાયત્તતા કે અન્ય કોઈ રાજકીય ઉપચાર પરિસ્થિતિનો ઉકેલ બની રહેવાનો નથી. વધુમાં ખીણ વિસ્તારની મુસ્લિમ બહુમતીની વધતી જતી ઇસ્લામપરસ્તીથી રાજ્યના જમ્મુ અને લદ્દાખ જેવા બિનમુસ્લિમ વિસ્તારો ભયભીત થવા લાગ્યા છે. તેઓ કાશ્મીર ખીણની મુસ્લિમ બહુમતી પર વિશ્વાસ મૂકવા તૈયાર નથી. આમ જો ખીણ વિસ્તારની મુસ્લિમ બહુમતીને રાજી રાખવા સ્વાયત્તતાનો સ્વીકાર થશે તો જમ્મુ અને લદ્દાખના બિનમુસ્લિમો પોતાને વધુ અસુરક્ષિત મહેસૂસ કરવા લાગશે અને પરિણામે રાજ્યની અત્યારની એકતા સાચવી શકાશે નહીં. અન્ય શબ્દોમાં જમ્મુના હિંદુઓ કે લદ્દાખના બૌદ્ધો સ્વાયત્તતા ઇચ્છતા નથી પરંતુ આથી ઊલટું તેઓ ભારત સાથે વધુને વધુ ગાઢ પ્રશાસનિય અને સંવૈધાનિક સંબંધો ઇચ્છે છે.


દુનિયાભરનું ધન વીતેલી પળ પાછું લાવતી નથી

સોનાના ભાવ વધતા જતા હતા. લાખો રૂપિયાની લગડીઓને કેદ રાખનારા શ્રીમંતે પોતાના કિલ્લા જેવા ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેની સાથે એક મહોરું ભટકતું હતું. નોકરોનું નહીં ચિંતાઓનું! કસાઈખાના ઉપરનાં અસંખ્ય ગીધડાંની માફક હંમેશા ચિંતાઓ તેના ઉપર ઊડ્યા કરતી હતી. એક બગીચાના ગેટ પાસે તે ઊભો હતો ત્યાં વહી જતા પાણી સાથે એ શ્રીમંત એના ભૂતકાળનાં સંસ્મરણોમાં ખોવાઈ ગયો.એ એક ખેડૂત હતો. ખેતરના શેઢે બેઠો બેઠો ધોરિયામાં વહેતા પાણીમાં છબછબિયાં કરતો બેઠો હતો. થોડી જરૂરિયાતોનું, પ્રમાણમાં બહુ જ થોડી ચિંતાઓનું શાંત જીવન એ ગાળી રહ્યો હતો અને આજે? તેણે સોના-ચાંદીને કેદ કર્યા હતા! ચિંતા અને હાડ ધ્રૂજાવે એવી હિબતી ગરીબી એની પાસે હતી! અને છતાં લાખોને ઈષૉ આવે એટલું સોનું તેની પાસે હતું.આખી દુનિયાની ધનરાશિ હું અહીં ભેગી કરું તો પણ મને મારા વીતી ગયેલા ભૂતકાળના જીવનની એક નાનકડી પળ પાછી આપી શકશે? એ પ્રશ્ન કર્યો... એના મનમાં એક સુંદર વિચાર આવ્યો. સંગ્રહ એ તમામ સડો છે. પ્રેમ અને પૈસા જે એની પાસે રાખે એને એ ધીમે ધીમે હણી નાંખે, પણ જે વિવેકથી વાપરે તેને તેમાં જીવનનું સંગીત સાંપડે, ન વાપરે તેને બોજારૂપ લાગે, અને તેણે મોકળા મને તેની સંપત્તિની લહાણી કરી વહેવા દીધી!


નક્સલીઓની સંઘર્ષ વિરામ અને શાંતિ માટે શરતી તૈયારી

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા સ્વતંત્રતા દિવસના અવસરે માઓવાદીઓને હિંસા છોડીને વાતચીત માટે આગળ આવવા માટે સંદેશ આપ્યા બાદ શીર્ષસ્થ માઓવાદી નેતા કિશનજીએ મંગળવારે બંને પક્ષો તરફથી ત્રણ માસના સંઘર્ષ વિરામ અને શાંતિ પ્રક્રિયા માટે વાતચીતનું સૂચન કર્યું છે. માઓવાદી નેતા કિશનજીને સરકાર અને માઓવાદીઓ વચ્ચે મધ્યસ્થ તરીકે મમતા બેનર્જી તૈયાર થાય તો કોઈ વાંધો ન હોવાનું પણ જણાવ્યું છે. તેમણે પોલીસના આધુનિકીકરણ અને નક્સલ વિરોધી અભિયાનમાં વપરાતા નાણાંને ઓછાં વિકસિત જિલ્લાના વિકાસ માટે વાપરવાનું સૂચન પણ કર્યું છે.
કિશનજીએ એક અજ્ઞાત સ્થળેથી જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને સ્વતંત્રતા દિવસે પોતાના સંબોધનોમાં માઓવાદીઓને હિંસા છોડવાની અપીલ કરી છે. તેઓ ક્યારેય હિંસાના પક્ષમાં રહ્યાં નથી, પરંતુ સરકારે તેમને હથિયાર ઉઠાવા માટે ઉશ્કેર્યા છે.
કિશનજીએ કહ્યું હતું કે જ્યારે તેમના કોમરેડ આઝાદ વાતચીત માટે આધાર તૈયાર કરી રહ્યાં હતા, તો તેમને છેતરપિંડીથી મારી નાખ્યા. માટે સરકારની ગતિવિધિઓથી સ્પષ્ટ છે કે તેઓ બિલકુલ શાંતિ ઈચ્છતા નથી. માઓવાદી નેતાએ દાવો કર્યો છે કે વડાપ્રધાન કાર્યાલયથી કેટલાંક સમાચારો આવ્યા છે કે મમતા બેનર્જીને મધ્યસ્થ તરીકે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તેઓ તૈયાર થઈ જાય છે, તો તેમને કોઈ સમસ્યા નથી.


ભારત અમેરિકાને ઘસેડીને લઇ જશે!

એક બાજુ અમેરિકા બીજા દેશો પર બજાર ખોલવા માટે દબાણ નાંખે છે, ત્યારે બીજીબાજુ પોતાના દેશના બજારને બચાવવા માટે સંરક્ષણવાદી પગલાં ઉઠાવે છે. ઓબામા સરકાર દ્વારા તાજેતરમાં જ કરાયેલ વીઝા ફી માં વધારાનો નિર્ણય કમ સે કમ આ જ સાબિત કરે છે. અમેરિકાના આ બેવડા વલણ પર ભારત ચુપ બેસવાનું નથી. સિક્યોરિટીની સુરક્ષાના નામ પર પેશેવરો માટે વીઝા ફી માં વધારાના મુદ્દા પર ભારત અમેરિકાને વિશ્વ વેપાર સંગઠન (WTO)માં ઘસેડી શકે છે.સિક્યોરિટી સુરક્ષા વિધેયક દ્વારા અમેરિકાએ એચ-1બી અને એલ-1 વીઝા માટે ફી માં આવતા પાંચ વર્ષ માટે 2,000 ડોલરનો વધારો કરી દીધો છે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમેરિકા-મેક્સિકો સરહદને મજબૂત કરવા માટે 65 કરોડ ડોલરનો ખર્ચ કરવાની યોજના બનાવી છે. વીઝા ફીમાં વધારાથી 55 કરોડ ડોલરની રકમ મળશે.ભારતનું માનવું છે કે આ સંરક્ષણવાદી પગલાંથી અમેરિકન બજારમાં ભારતીય આઇટી કંપનીઓના હરિફાઇ કરવાની ક્ષમતા ઘટશે. તેનાથી ભારતીય કંપનીઓ ખાસ કરીને આઇટી ફર્મનો વાર્ષિક 20 કરોડ ડોલર (અંદાજે એક હજાર કરોડ રૂપિયા)નો બોજ વધશે. વાણિજય સચિવ રાહુલ ખુલ્લરે કહ્યું કે ભારત આમ મુદ્દા પર ચુપ નહિં બેસે, જેનાથી તેના વેપારને અસર થતી હોય. ખુલ્લરે સ્પષ્ટ સંકેત આપ્યો કે આ મુદ્દાને WTOમાં લઇ જવા માટે ગંભીરતાથી વિચાર કરાઇ રહ્યો છે. સરકારની સલાહ બાદ આ અંગે પગલાં ભરવામાં આવશે. બીજીબાજુ અમેરિકા એ વાતની સમીક્ષા કરવામાં લાગી છે કે ક્યાંક સરહદ સિક્યોરિટી વિધેયકમાં વિદેશી પેશેવરો માટે વીઝા ફી વધારવાનો નિર્ણય WTOના નિયમોની વિપરીત તો નથી. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા પીજે ક્રાઉલે કહ્યું કે આ વિચારોની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેમાં વિધેયકને WTOના નિયમોને અનુરૂપ બતાવામાં આવ્યા નથી. અમને ખુદને વિશ્વાસ નથી કે તેનાથી WTOનો કોઇ મુદ્દો ઉભો થાય છે કે નહિં. ખુલ્લરે કહ્યું કે એચ-1બી અને એલ-1 વીઝા ફી માં અમેરિકાનું હિત પણ પ્રભાવિત થશે. જો અમેરિકા પોતાનું જ નુક્સાન કરવા માંગે છે તો તેની મરજી છે, પરંતુ જો તેનાથી અમારા કોઇપણ વેપાર પર અસર પડશે, તો અમે ચુપ નહિં બેસીએ. અમેરિકન ઉદ્યોગ જગતે પણ ઓબામા સરકારને આ પગલાંના વિરોધ કર્યો છે. અમેરિકન કંપનીઓએ કહ્યું કે તેનાથી ભારતની સાથે તેના સંબંધો પર અસર પડશે.


અનિલ અંબાણીએ રોકાણકારોને ચૂનો લગાવ્યો!

મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, શેર બજાર નિયામક સેબીની સાથે જ અનિલ અંબાણીની બે કંપનીઓ રિલાયન્સનેચરલ રિસોર્સીસ લિમિટેડ અને રિલાયન્સ પાવરને નોટિસ મોકલી છે. આરોપ છે કે અનિલ અંબાણીની બે કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ નેચરલ રિસોર્સીસ લિમિટેડનું મર્જર કરીને રોકાણકારોને રૂપિયા 800 કરોડનો ચૂનો લગાવ્યો છે. મદ્રાસ હાઇકોર્ટની મદુરૈ બેન્ચે આ સિલસિલામાં નોટિસ રજૂ કરી છે.આરોપ છે કે કંપનીઓના મર્જરના સમયે શેરોની કિંમત મનમાની ઢંગથી નક્કી કરવામાં આવી. જેનાથી રોકાણકારોને ભારે નુક્સાન થયું છે. ગયા હમનિ ે4 જૂલાઇના રોજ 'ઓલ સ્ટોક ડીલ' દ્વારા બંને કંપનીઓના મર્જરની જાહેરાત કરવામાં આવી હતી. મર્જરના સમયે રિલાયન્સ નેચરલ રિસોર્સીસ લિમિટેડના શેર હોલ્ડરોને ચાર શેર પર રિલાયન્સ પાવરનો એક શેર આપવામાં આવ્યો હતો. એટલે કે શેરનો રેશિયો 4:1 હતો. આરોપ છે કે મનમાની ઢંગથી કિંમતો નક્કી કરવાથી 25 લાખથી વધુ રોકાણકારોને 813.77 કરોડનું નુક્સાન થયું છે.અનિલ અંબાણીની કંપનીના શેરહોલ્ડર અને વકીલ એ.કેશવને કોર્ટમાં અપીલ દાખલ કરીને આ કેસની તપાસ કરવાનું કહ્યું છે.


દિલશાને નો બોલ ફેંકવા કહ્યું’તું

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગને સદીથી વંચિત રાખવા માટે શ્રીલંકન બોલર સૂરજ રણદિવ દ્વારા ફેંકવામાં આવેલા ઇરાદાપૂર્વકના નો બોલ વિવાદમાં સુકાની સંગાકારા બાદ શ્રીલંકન ઓપનર દિલશાનના નામનો ઉમેરો થયો છે.માહિતી અનુસાર દિલશાને જ રણદિવને સેહવાગ સામે નો બોલ ફેંકવા માટે ઉશ્કેર્યો હતો. શ્રીલંકા મીડિયાને મળેલા અહેવાલ અનુસાર સ્ટમ્પ માઇક્રોફોનમાં એક અવાજ સાંભળવા મળ્યો હતો. અને એ અવાજ કુમાર સંગાકારા નહી પરંતુ દિલશાનનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એ સમયે દિલશાન કવર પોઇન્ટ પર ઉભો હતો. માઇક્રોફોનમાં સ્પષ્ટપણે સાંભળવા મળે છે કે તુ નો બોલ ફેંકી શકે છે.શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સ્ટમ્પ્સ માઇક્રોફોન ઓડિયોની તપાસ કરી રહ્યું છે. અને કહ્યું છે કે સંગાકારાએ રણદિવને નો બોલ ફેંકવા માટે નહોતું કહ્યું. જો કે, સંગાકારાએ કહ્યું કે, તેને માલુમ ન હતું કે રણદિવના નો બોલના કારણે સહેવાગ સદીથી વંચિત રહી ગયો હતો. આ વચ્ચે શ્રીલંકન સમાચારપત્રએ દાવો કર્યો છે કે રણદિવને નો બોલ ફેંકવા માટે દિલશાને સલાહ આપી હતી.




ચીનની વસ્તી થઈ વૃદ્ધ, ભારતમાં યુવાનોની ભરમાર

સુપર પાવરની રેસ સોવિયત સંઘના તુટયા પછી કંઈક મંદ પડી હતી. પરંતુ ચીન દ્વારા જાપાનને બીજા સ્થાન પરથી ખસેડીને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા થવાને કારણે ચીન હવે બીજા સ્થાન પર આવ્યું છે. જો કે ભારત પણ સુપર પાવર બનેલા ચીનને આર્થિક મોરચે પડકારી રહ્યું છે. ભારતનો ધીમો પણ મજબૂત આર્થિક વિકાસ ભારતને ચીનને પછાડવામાં મદદરૂપ સાબિત થશે તેમ માનવામાં આવે છે. જો કે ચીનની વસ્તીમાં વૃદ્ધો વધી રહ્યાં છે, જ્યારે ભારતની વસ્તીમાં યુવાનોની ભરમાર થઈ રહી છે. ભારતની વસ્તીમાં યુવાનોની ભરમાર વિકાસ માટેના સંસાધનોમાં બહુ અગત્યના સાબિત થવાના છે.
ચીન અને ભારત વચ્ચે આર્થિક સુપરપાવર બનાવી હોડ ચાલુ છે. જાપાને પાછળ છોડતા ચીન હવે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે, પરંતુ ભારત પણ બુલંદ ઈરાદા સાથે તેને ટક્કર આપી રહ્યું છે. આખરે કોણ જીતશે આ રેસમાં? કોણ સાબિત થશે અસલી સુપર પાવર? નેટવર્ક 18ના સંસ્થાપક અને સંપાદક રાઘવ બહલના પુસ્તક `સુપરપાવર્સ-ધ અમેજિંગ રેસ બિટવિન ચાઈનીઝ હેયર એન્ડ ઈન્ડિયન ટોરટોયઝ` આ સવાલોનો જવાબ છે. દિલ્હીમાં મંગળવારે આ પુસ્તકનું વિમોચન થયુ છે. આર્થિક જગતની અદભૂત કહાની. એક એવા જંગની કહાની જે નક્કી કરશે અમેરીકા બાદ કોણ હશે દુનિયાનું બીજું સુપરપાવર.આ પુસ્તકનું વિમોચન એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે ચીને જાપાનના જીડીપીમાં પાછળ ધકેલી દીધું છે. ચીન આધિકારીકપણે દુનિયાની બીજી મોટી અર્થવ્યવસ્થા બાની ચુક્યું છે. બહલ માને છે કે ભારતની કમજોરી શાસન પ્રણાલી એટલે કે ગવર્નેન્સ છે. તો ચીનની સમસ્યા ત્યાંની રાજનીતિ છે. સુપર પાવર એ જ બનશે જે પોતાની કમજોરી પર જીત હાસિલ કરશે.
ચીનનો વિકાસ દર ગત ત્રણ દશકોમાં સતત 10 ટકાથી વધારે છે. અર્થશાસ્ત્રીઓ માટે આ કોઈ ઉખાણાંથી ઓછું નથી. બહલે તેને `એસ્કેપ વેલોસિટી`નું નામ આપ્યું છે. એટલે કે એવી ગતિ જેને ધરતીનું ગુરુત્વાકર્ષણ પણ ન રોકી શકે. બહલ પ્રમાણે બે જ બાબતો શક્ય છે, યા તો ચીનના વિકાસનો ફુગ્ગો ફૂટી જાય અથવા પછી આપણે માનવું પડશે કે પરંપરાગત અર્થવ્યવસ્થાના નિયમો ચીન પર લાગુ પડતા નથી.ત્યારે બહલે ભારતના ધીમા પણ મજબૂત વિકાસને વેવ રીપલ થિયરી નામ આપ્યું છે. ભલે વિકાસની ગતિ ધીમી હોય, પરંતુ જેમ-જેમ અર્થવ્યવસ્થાનો વિસ્તાર થશે, ભારતની સ્થિતિ બેહદ મજબૂત થશે. જાણકારોના મતે આધુનિક અર્થવ્યવસ્થાને સમજવા માટે સુપરપાવર્સ બેહદ મદદગાર પુસ્તક સાબિત થશે.


આ પણ છે મહાન લેફ્ટહેન્ડ બેટ્સમેનો

ક્રિકેટ જગતમાં જેટલુ યોગદાન રાઇટ હેન્ડ બેટ્સમેનનું છે તેટલું જ યોગદાન લેફ્ટહેન્ડ બેટ્સમેનોનું પણ છે. અને સમયાંતરે લેફ્ટી બેટ્સમેનોને રાઇટી બેટ્સમેનોને તગડી પ્રતિસ્પર્ધા આપતા જોવા મળ્યા છે. એડમ ગિલક્રિસ્ટ હોય કે પછી મેથ્યુ હેડન કે પછી કુમાર સંગાકારા અને માઇકલ હસ્સી આ તમામ ખેલાડીઓએ પણ ક્રિકેટ જગતમાં ઉતકૃષ્ઠ યોગદાન આપ્યું છે. ગઇકાલે આપણે ગાંગુલી, જયસુર્યા, બોર્ડર, સઇદ અનવર અને બ્રાયન લારા જેવા મહાન લેફ્ટ હેન્ડેડ ખેલાડીઓ વીશે જાણ્યું જો કે, આ યાદી ત્યાંથી જ અટકી ન હતી. ત્યારે અહિંયા આ યાદીમાં બાકી રહી ગયેલા અન્ય લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન વીશે માહિતી આપવામાં આવી છે.એડમ ગિલક્રિસ્ટ ; આ નામથી કોણ અજાણ હશે. ગિલક્રિસ્ટ ઓસ્ટ્રેલિયા ક્રિકેટનું એક એવું નામ છે કે, તેણે ટીમને વિસ્ફોટક અંદાજ કેવી રીતે આપવો તે શિખવ્યું છે. તેનો નિયમ જયસુર્યા જેવો હતો. બોલ જૂઓ અને ફટકારો. તેમજ જ્યારે ટીમને ખરા અર્થમાં જરૂર પડતી ત્યારે તે નિર્ણાયક ઇનિંગ પણ રમી બતાવતો. તેમાં પણ ખાસ કરીને જ્યારે તેણે 2007ના વિશ્વકપમાં રમેલી 104 બોલમાં 149 રનની ઇનિંગ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક ઇનિંગ હતી. મેથ્યુ હેડન ; બોલરોને કેવી રીતે દબાણમાં લાવવા અને વિરોધી ટીમની કમર કેવી રીતે તોડવી તે ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ હેડનથી વધારે કોઇ જાણતું નહીં હોય. તેની પાસે આક્રમકતાની સાથે સારી ટેકનિક અને બેટ્સમેનશીપ હતી. તે ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાનો એક ટેસ્ટ બેટ્સમેન પણ હતો.કુમાર સંગાકારા : શાંત મગજ, ગજબની ટેકનિક અને સ્ટ્રોક લગાવવાના અલગ અંદાજના કારણે તે શ્રીલંકા ક્રિકેટનો એક અવિભાજ્ય અંગ બનીને રહી ગયો છે. તેમજ હાલ તે ટીમની કમાન સંભાળીને ટીમને એક અલગ ઉંચાઇ પર લઇ જવા પ્રયાસ કરી રહ્યો છે. તેનામાં ક્રિસ પર લાંબો સમય સુધી ઉભા રહેવાની અદ્દભૂત ક્ષમતા હતી. ટૂંકમાં કહીએ તો તે એક પૂર્ણ ખેલાડી હતો.નીલ હાર્વે ; ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠબેસ્ટમેનોમાં સ્થાન ધરાવનાર નીલ હાર્વે પાસે ઉચ્ચ કક્ષાની એકાગ્રતા ક્ષમતા હતી. તેને બેટિંગ કરતો નિહાળવામાં દર્શકોને મજા આવતી હતી. તેણે કારકિર્દીની પ્રથમ 13 ટેસ્ટમાં છ સદી ફટકારી હતી. તે 79 ટેસ્ટ મેચ રમ્યા હતા. તેણે ભારત સામે રમેલી 153 રનની ઇનિંગ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક ઇનિંગ હતી.ડેવિડ ગ્રોવર : ડેવિડ ગ્રોવર ક્લાસિકલ ઇનિંગ રમવા માટે ક્રિકેટ જગતમાં જાણીતા છે. અને તેઓએ જે સ્ટ્રોક ફટકારતા હતા. તેને રોકવાની ફિલ્ડર ભાગ્યેજ પ્રયાસ કરતો હતો. એટલા ધારદાર અને વિસ્ફોટક સ્ટ્રોક તેઓ ફટકારતા હતા. 1980ના દશકામાં તેઓ ઇંગ્લેન્ડ ટીમ માટે શ્રેષ્ઠ ઇનિંગ રમનાર ખેલાડીઓમાના એક હતા. હાલ તેઓ એક સફળ ટેલિવિઝન એંકર છે.ક્લાઇ લોઇડ ; 70 અને 80ના સમયગાળામાં વેસ્ટ ઇન્ડિઝના સુકાની ક્લાઇવ લોઇડ સૌથી યાદગાર વ્યક્તિ છે. તેઓ એક સફળ બેટ્સમેન પણ છે. તેઓ વિવિયન રિચાર્ડ્સ જે ન હતા. પરંતુ તેઓ એક હાર્ડ હિટર પણ હતા. તેઓ જ્યારે બોલરોને ફટકારવાની શરૂઆત કરતા ત્યારે વિરોધી ટીમની વ્યૂહરચના વિખેરાઇ જતી હતી.




રાજકોટ : પ્રધ્યુમનપાર્ક ઝૂમાં મફત પ્રવેશ હવે બંધ, ટિકિટબારી શરૂ

પ્રધ્યુમનપાર્ક ઝૂ મુખ્યમંત્રીના હસ્તે સત્તાવાર રીતે ખૂલ્લું મૂકાયા બાદ હવે મફત એન્ટ્રી આજથી બંધ થઇ ગઇ છે અને ટિકિટ બારી શરૂ કરાયાના આજે પ્રથમ દિવસે મહાપાલિકાને રૂ. ૪૦૦૦ હજારની આવક થઇ હતી.૧૩૭ એકરમાં પથરાયેલા પ્રધ્યુમનપાર્ક ઝૂમાં આજથી પ્રવેશ ફીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ટિકિટ બારી પર કોમ્પ્યુટરરાઇઝ સિસ્ટમ કાર્યરત કરી દેવાઇ છે. આજે પ્રથમ દિવસે મહાપાલિકાને રૂ. ૪૦૭૦ની આવક થઇ હતી. જેમાં ૪૩ બાળકો, ૮૩ વિદ્યાર્થીઓ અને ૩૦૮ પુખ્ત મુલાકાતીઓએ ટિકિટ લઇને પ્રવેશ મેળવ્યો હતો. ટિકિટ બારી કાર્યરત કરવા ઉપરાંત બેટરી ઓપરેટેડ કારની સેવા પણ જાહેર જનતા માટે આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજે પ્રથમ દિવસે ૩૬ મુલાકાતીઓએ આ સેવાનો લાભ લીધો હતો.


ખાંભાથી કોણે ફોન કર્યા’તા?

અમિત જેઠવા હત્યા કેસમાં પોલીસે ગીર ગઢડાના પોલીસ કોન્સ્ટેબલ બહાદુર વાઢેરની ધરપકડ કરી છે. પણ આ બનાવમાં હજુ અનેક ભેદ ભરમ છુપાયેલા હોવાનું જણાઇ રહ્યું છે. અમિતની હત્યા એક વ્યવસ્થિત કાવતરા દ્વારા ખૂબ આયોજનબધ્ધ રીતે કરવામાં આવી હતી ત્યારે હત્યાના દિવસે ખાંભા પંથકમાંથી અમિતને કરવામાં આવેલા ફોન પણ કદાચ તપાસનો વિષય બની રહેશે એવું માનવામાં આવે છે.સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાને દિવસે ખાંભા પંથકમાંથી અમિત જેઠવાના મોબાઇલ ઉપર ત્રણ ફોન ગયા હતા. છેલ્લો ફોન સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો. એ ફોન કરનાર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ સાથે અમિતને કોઇ દુશ્મનાવટ નહોતી. એક વ્યક્તિએ તો ભૂતકાળમાં ક્યારેય અમિતને ફોન ન કર્યો હોવા છતાં અચાનક જ હત્યાના દિવસે જ તેણે ફોન કરી અમિતના ખબર અંતર પૂછયા હતા. અમિતનું લોકેશન જાણીને તે અંગે હત્યારાઓને માહિતગાર કરવા માટે એ ફોન થયા હતા કે તે દિવસે જ ફોન થયા એ એક સામાન્ય યોગાનુયોગ હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


ક્રિકેટ એસો.નું મૌન

આ મેદાન ભલે કોર્પોરેશનનું હોય. પરંતુ, તેની બધી જવાબદારી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. પાસે છે. કોઇને ખીલી પણ ખોડવા ન દેતું એસો. મોદી માટે લાલજાજમ પાથરી દીધી અને કોઇ પણ જાતના વિરોધ કર્યા વગર ગ્રાઉન્ડની આ દશા માટે મૌન સેવી લીધું છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ નિરંજન શાહે તો જે કરવું હોય તેવી છુટ આપી દીધી અને કોઇ પણ વિરોધ કરવાના બદલે ગ્રાઉન્ડની પથારી ફેરવવાની છૂટ આપી દીધી અને અનેક ફોન કરવા છતાંય ફોન નહીં ઉપાડવાનું નક્કી કરી લીધું છે.‘ડર સબકો લગતા હૈ’ એટલે કે, હાલ, ગુજરાત ક્રિકેટ એસો.ના પ્રમુખ મોદી છે. જો તેની સામે કોઇ વાંધો ઊઠાવે તો અનેક તકલીફો સહન કરવી પડે એટલે સત્તાની સામે ઝૂકી જવું સારું તે દિશામાં આગળ વધી હજારો ક્રિકેટરો અને લાખો ક્રિકેટ પ્રેમીઓની લાગણીઓને ધ્યાનમાં રાખ્યા વગર ગ્રાઉન્ડની અવદશામાં ફેરવવામાં એસો.નો પણ સિંહફાળો છે.ક્રિકેટ એસો.ના ભૂપત તલાટિયાએ તો જણાવ્યું હતું કે, મેદાન કોર્પોરેશનનું છે. અમને ક્યાં ખબર હતી કે, વરસાદ આવશે અને કપચી નાખવી પડશે. અને ભાજપની સરકાર હોય ત્યારે ના થોડી પડાય. એટલે ન બોલવામાં નવ ગુણ સમજી કોઇ વિરોધ દર્શાવ્યો નથી.

No comments:

Post a Comment