20 August 2010

રાજકોટમાં સ્ટોલની હરાજીમાં ૫૪ લાખ મળ્યા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટમાં સ્ટોલની હરાજીમાં ૫૪ લાખ મળ્યા

રેસકોર્સ મેદાન ખાતે ૩૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી યોજાનાર લોકમેળા માટે વિવિધ કેટેગરીના સ્ટોલની હરાજી દ્વારા અત્યાર સુધીમાં તંત્રને ૫૪ લાખની આવક થવા પામી છે અને હજુ આઇસ્ક્રીમના મોટા ૨૨ ચોકઠાંની હરાજી બાકી હોય તંત્રને એકાદ કરોડની આવક થવાની આશા છે. આજે રમકડાંના ૧૬૨ સ્ટોલનો ડ્રો યોજાયો હતો. જે માટે ૭૦૦ અરજીઓ આવી હતી તો ખાણી-પીણી માટે સી કેટેગરીના ૨૬ સ્ટોલ માટેનો ડ્રો પણ જૂની કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.લોકમેળામાં યાંત્રિક કેટેગરીના કુલ ૫૫ પ્લોટ છે. જે પૈકી ૪૬ની હરાજી ગઇકાલે યોજાઇ હતી અને તે દ્વારા તંત્રને ૪૩.૭૫ લાખની રકમ મળી હતી. હજુ આઠ પ્લોટની હરાજી બાકી છે તો બીજી તરફ યાંત્રિક આઇટમમાં જી. કેટેગરીમાં ૮૦ હજારની અપસેટ કિંમત સામે ૧.૮૦ લાખ જેવી ઊંચી બોલી બોલાઇ હતી.તેમજ યાંત્રિકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વહીવટીતંત્રને ૧૦ લાખની વધુ આવક થવા પામી છે. આવતીકાલે શુક્રવારે સવારે ૧૧ વાગ્યે આઇસ્ક્રીમના એક્સ અને વાય કેટેગરીના ૨૨ પ્લોટની હરાજી તેમજ બાકી બચેલા અન્ય પ્લોટ્સની પણ હરાજી કરવામાં આવશે. મેદનામાં ખાલી જગ્યાએ રેંકડી કે કેબીન રાખવાની મંજુરીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.


રાજકોટ : પટેલ યુવાનની તેની જ કારમાં ગળું કાપી હત્યા

મોરબી રોડ પરથી લાશ મળી, ગળામાં દુપટ્ટો વિટાંયેલો હોવાથી સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા. શહેરમાં રહસ્યમય હત્યામાં વધુ એક બનાવમાં કોઠારિયા રોડ પર રહેતા અને મંગળવારની રાતે શાપર જવાનું કહીને નીકળ્યા પછી લાપતા બની ગયેલા પટેલ યુવાનની ગળું કાપી હત્યા કરાયેલી લાશ તેની જ કારમાંથી મળી આવતા સનસનાટી મચી ગઇ છે.મૃતદેહના ગળા પર દુપટ્ટો વિંટાળેલો હોવાથી હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું પોલીસનું અનુમાન છે.પ્રાપ્ત વિગત મુજબ, બી.ડિવિઝનના પીઆઇ. એમ.એફ.જેઠવા, હેડ કોન્સ્ટેબલ મહેશગીરી સહિતનો સ્ટાફ બુધવારની રાતે પેટ્રોલિંગમાં હતો ત્યારે, મોરબી રોડ પર વેલનાથ પરા નજીક પાર્ક કરાયેલી કાળા કલરની જીજે પ સીએ ૯૨૬૬ નંબરની સેન્ટ્રો કારનો દરવાજો થોડો ખુલ્લો નજરે પડ્યો હતો. પોલીસે દરવાજો ખોલતા કારની પાછળની સીટમાં યુવાનની લોહી નિતરતી લાશ પડી હતી. ખૂનીએ છરીના બે ઘા ગળામાં અને બે ઘા પેટમાં ઝીંકી ઘાતકી પણે હત્યા કરી હતી. કારની આર.સી. બુક મળી આવતા કાર માલિક નિલકંઠ પાર્ક બ્લોક નંબર ૯૪/૧ માં રહેતા છગનભાઇ પાટડિયાનો સંપર્ક કરતા તેમણે એ કાર પોતાની હોવાનું અને મૃતદેહ એકના એક પુત્ર યોગેશનો હોવાનું કહી ભાંગી પડ્યા હતા.છગનભાઇએ પોલીસને જણાવ્યા મુજબ યોગેશ મારૂતિ સેલ્સ એજન્સી નામથી પાન-બીડીનો હોલસેલનો ધંધો કરતો હતો. યોગેશ (ઉ.વ.૨પ ) ૧૭ તારીખે રાતે ધંધાના કામથી શાપર વેરાવળમાં માસા રમેશભાઇ બાંભરોલીયાને ત્યાં જવાનું કહીને સેન્ટ્રો કાર લઇને ગયો હતો. એક કલાક પછી યોગેશે મોબાઇલમાંથી પિતાને ફોન કરીને જે વસ્તુ લેવાની હોય તેની યાદી તૈયાર કરવાનું કહ્યું હતું. ત્યારે પિતાએ તારી સાથે બીજું કોઇ છે?’ તેમ પૂછતા તેણે કોઇની કારમાં પેટ્રોલ ખૂટી ગયું હોવાથી લીફ્ટ આપ્યાનું કહીને ફોન કાપી નાખ્યો હતો.યોગેશ સવાર સુધી પરત નહીં આવતા તેમજ શાપર પહોંચ્યો ન હતો, તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ મળતા ૧૮ તારીખે સવારે ભક્તિનગર પોલીસ મથકમાં પુત્ર ગુમ થયાની નોંધ કરાવી હતી.દરમિયાન લાપતા યોગેશની લાશ તેની જ કારમાંથી મળી આવતા પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ પોલીસને કહ્યું હતુ કે, તેમને કે પુત્રને કોઇ સાથે દુશ્મની નથી. યોગેશને દારૂ,જુગાર તો ઠીક પાનનું વ્યસન પણ ન હતું.


નેચર મેગેઝિને જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ગણાવ્યા

કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ. અમેરિકાથી પ્રસિધ્ધ થતાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્તમેગેઝીન ‘નેચર’ના એક અહેવાલમાં જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનનો ભાગ હોય એવો નકશો પ્રસિધ્ધ કરતાં ભારે અનર્થ સર્જાયો છે. એ મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ મેગેઝીન સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પાકિસ્તાનમાં તાજેતરમાં આવેલાં પુર અંગે નેચર મેગેઝીન દ્વારા તા.૧૩-૦૮-૨૦૧૦ના રોજ પ્રસિધ્ધ થયેલાં એક આર્ટિકલમાં પ્રસિધ્ધ કરવામાં આવેલાં નકશામાં જમ્મુ-કાશ્મીરને ભારતનાં નકશામાંથી ઉડાડીને પાકિસ્તાનના નકશામાં ભેળવી દેવાયા છે.ઇન્ટરનેટ ઉપર નેચર ન્યૂઝની સાઇટ ઉપર આ લેખ પ્રસિધ્ધ થતાં અનેક દેશપ્રેમીઓ ચોંકી ઉઠ્યા હતા. કેટલાક જાગૃત વાંચકોએ એ અંગે સાઇટ ઉપર જ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.


રાજકોટમાં ભાજપની પુસ્તિકાને લોકોએ આગ ચાંપી

રાજકોટમાં મહાપાલિકાની આગામી ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ જેવી બની રહેશે તેવા એંધાણ આપતી એક અતિ ગંભીર ઘટના આજે વોર્ડ નં. પમાં બની હતી. ચૂંટણી પૂર્વે મતદારો સામે ક્લિક થવાના કીમિયા અજમાવવા ભાજપે આ પાંચ વર્ષમાં ક્યાં વોર્ડમાં કેટલા વિકાસકામો થયા છે.તેવી વોર્ડવાઇઝ પુસ્તિકા છપાવી છે અને આજે વોર્ડ નં. પની પુસ્તિકાનું વિતરણ શરૂ કરવા પૂર્વે તેના વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ દરમિયાન ૬૦૦ થી ૭૦૦ લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને અહીં રોડ, ગંદકી, ગટર અને પાણી સહિતના પ્રશ્નો પહેલા ઉકેલો એમ કહીં પુસ્તિકાને આંગ ચાંપી દીધી હતી. બનાવના પગલે ભાજપના કાર્યકરો અને લોકોના ટોળાં વચ્ચે ભારે બઘડાટી બોલી ગઇ હતી.બનાવની મળતી વિગત મુજબ આજે મોડી સાંજે રણછોડદાસજી બાપુ આશ્રમના પાછળના વિસ્તારમાં ભાજપના સ્થાનિક કાર્યકરોની બેઠક અને સાથે વોર્ડ નં. પમાં ભાજપના પાંચ વર્ષના શાસનમાં ક્યાં-ક્યાં વિકાસ કામો થયા છે તે વર્ણવતી પુસ્તિકાનો વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વોર્ડ નં. પમાં રૂ. ૭ કરોડથી વધુ વિકાસકામો થયા છે અને તેનો હિસાબ આ પુસ્તિકામાં માંડવામાં આવ્યો હતો.


રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી ઊનાની બાળકીનું મોત

શિયાળા બાદ બીજા તબક્કામાં પ્રસરી રહેલા સ્વાઇન ફલૂના મહાભયાનક રોગે સૌરાષ્ટ્રને ભરડામાં લઇ એક પછી એક માનવ જિંદગીનો ભોગ લેવાઇ રહ્યો છે ત્યારે વધુ એક મોતની ઘટનામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ઊનાની ચાર વર્ષની માસૂમ બાળકીએ દમ તોડતા અરેરાટી ફેલાઇ ગઇ છે.ઊના પંથકના જુડવદર ગામની ચાર વર્ષની મમતા ચંદુભાઇ નામની માસૂમ બાળકીને શરદી, ઉધરસ થતાં પ્રથમ ઊના હોસ્પિટલ ત્યાર બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાઇ હતી. જૂનાગઢ સારવાર દરમિયાન માસૂમ બાળકીને સ્વાઇન ફલૂના લક્ષણો જણાતા તેને ગત તા.૧૬ના રોજ સારવાર માટે રાજકોટ ખસેડી સ્વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરાઇ હતી. બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ, ત્રણ દિવસની સારવાર કારગત ન નિવડતા મમતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. ચાર વર્ષની માસૂમ બાળકીના મૃત્યુ સાથે સ્વાઇન ફલૂથી મોતને ભેટેલાઓનો આંક ૧૪૦ ઉપર પહોંચ્યો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હાલ, સ્વાઇન ફલૂ વોર્ડમાં દસ દર્દી સારવારમાં છે. જેમાં પાંચ પોઝિટિવ કેસ છે અને પાંચના રિપોર્ટ લેવાયા છે.


અયોધ્યા વિવાદ પર ચુકાદા પહેલા સરકાર સતર્ક

અયોધ્યામાં વિવાદિત ઢાંચાના વિધ્વંસ મામલે કોર્ટનો ચુકાદો આવવાના પહેલા ઉત્તર પ્રદેશ સરકારે સતર્કતા વધારી દીધી છે. દિલ્હી-હરિયાણા અને રાજસ્થાન સાથે લાગેલા પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લામાં રાજ્ય સરકારે અયોધ્યા વિવાદ સંદર્ભે આગામી માસમાં આવનારા કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને અતિ સંવેદનશીલ માન્યા છે. 20 ઓગસ્ટથી રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ આગામી આદેશ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમ સમક્ષ રાજ્યમાં સારી સુરક્ષા વ્યવસ્થા માટે સીઆરપીએફની 460 કંપનીઓ આપવાની માગણી કરી છે.કેન્દ્ર અને રાજ્ય સરકારની ગુપ્તચર સંસ્થાઓએ માહિતી આપી છે કે અયોધ્યા મામલામાં ચુકાદો આવે તે પહેલા આરએસએસ સાથે જોડાયેલા વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ સંગઠિત થઈ રહ્યાં છે. સાધુ-સંતો અને ધર્માચાર્યોનો ચાર પીઠના શંકરાચાર્યો સાથે સંપર્ક બનેલો છે. ફૈઝાબાદના અખાડા પરિષદની બેઠક પણ થઈ ચુકી છે. જો હાઈકોર્ટનો ચુકાદો તેમની તરફેણમાં નહીં આવે, તો મથુરા-વારાણસીના વિવાદને પણ રામ મંદિર આંદોલન સાથે સીધા જોડવાની મનસા વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓની છે. ગુપ્તચર સંસ્થાએ એ પણ માહિતી આપી છે કે કોર્ટનો ચુકાદો આધો-પાછો આવશે, તો અન્ય પક્ષ પણ નવેસરથી આંદોલન ચાલુ કરવાની ફિરાકમાં છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ ઉચ્ચસ્તરીય અધિકારીઓની બેઠકમાં તમામ કમિશનરોને તેમાય ખાસ કરીને મથુરા સાથે જોડાયેલા આગ્રા-અલીગઢના કમિશનર અને ડીએમને વધુ સતર્કતા દાખવવાના નિર્દેશ આપ્યા છે. વારાણસી-અલ્હાબાદ અને મિર્ઝાપુરના અધિકારીઓને પણ વિશેષ સતર્કતા દાખવવાની સલાહ આપી છે, કારણ કે વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા લોકો વિપરીત ચુકાદો આવતા કાશી મુદ્દાને લઈને પણ સંઘર્ષ કરી શકે છે. ઉત્તર પ્રદેશ સરકારે ગાઝિયાબાદ, મેરઠ, બુલંદ શહેર, બિજનૌર, અલીગઢ, મુજફ્ફરનગર, હાથરસ, સહરાનપુર, મથુરા, આગ્રા, મુરાદાબાદ, રામપુર, બરૈલી, વારણસી, ફૈઝાબાદ, કાનપુર અને લખનૌ સહીત 44 જિલ્લાને સંવેદનશીલ અથવા અતિ સંવેદનશીલ શ્રેણીમાં મુક્યા છે.


ચીન : નદીમાં ટ્રેનના બે ડબ્બા ડૂબી ગયા છતાં..

ભયાનક પૂરે ચીનમાં ભારે વિનાસવેર્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી ચીનના લોકો ભારે પૂરના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે ચાનના સીચુઆન વિસ્તારમાં પૂરે તારાજી સર્જી છે, પૂરના કારણે રેલ્વે પૂલ તૂટી ગયો હતો. જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના બે ડબ્બા નદીમાં ડૂબી ગયા હતા. જોકે સદનસીબે બધા મુસાફરોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. યુદ્ધના ધોરણે રાતકામગીરી કરવામાં આવી રહી છે.


પાકિસ્તાને ભારતની મદદ સ્વિકારી

પાકિસ્તાને આખરે ભારત તરફથી પૂર પીડિતોને આપવામાં આવનારી 50 લાખ ડોલરની મદદને સ્વિકારી લીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્યાલયને આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે હું જણાવવા માંગુ છું કે પાકિસ્તાન સરકારને ભારત પાસેથી મદદ લેવામાં કોઈ પરેશાની નથી અને અમે 50 લાખ ડોલરની મદદનો સ્વિકાર કરી લીધો છે. પાકિસ્તાને આપતીના આ સમયમાં ભારતના સકારાત્મક વલણ અને મદદના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગુરૂવારે પાકિસ્તાનને ભારતની મદદનો સ્વિકાર કરવાની સલાહ આપી હતી.કુરેશીએ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન સરકાર ભારત તરફથી આપવામાં આવેલા મદદના પ્રસ્તાવ પર કોઈ રાજનીતિ કરી રહી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાએ ફોન પર પૂરમાં માર્યા ગયેલા લોકો અંગે સંવેદના વ્યક્ત કરી મદદનો પ્રસ્તાવ રાખ્યો હતો. મદદ અંગે કુરેશીએ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહે ગઈકાલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ગિલાનીને ફોન કરી પૂરની સ્થિતિની જાણકારી મેળવી હતી.


પચાણ શિવાના આશ્રયદાતા કોણ?

અમિત જેઠવા હત્યા કેસમાં પકડાયેલા પચાણ શિવા નામના કુખ્યાત ગુનેગારના સૌરાષ્ટ્ર કનેકશનો ખૂલતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. અમિત જેઠવાની હત્યા બાદ પચાણ શિવા જુનાગઢ તથા રાજકોટમાં રોકાયો હતો. એ સમય દરમિયાન એને આશરો આપનારા કોણ હતા એ અંગે તપાસનીશ અધિકારીઓએ કોઈ ફોડ નથી પાડ્યો. પણ, એ કામગીરી મોટા રાજકીય માથાઓના આશીર્વાદ હેઠળ બજાવવામાં આવી હોવાના નિર્દેશો મળતા ભારે ઉત્તેજના ફેલાઈ છે.જેઠવા હત્યા કેસમાં પોલીસ રિમાન્ડ પર રહેલા ગીરગઢડાના પોલીસ કોન્સ્ટેબલ બહાદૂર વાઢેરે પોલીસને એવી કબૂલાત આપી હતી કે જેઠવાની હત્યા બાદ સોપારીની ચાર લાખની રકમ તેણે પચાણ શિવાને જુનાગઢમાં આપી હતી.બહાદૂરની આ કબૂલાતને પગલે બીજા અનેક પેટા પ્રશ્નો ઊભા થયા છે. જુનાગઢમાં પચાણ શિવો કોને ત્યાં રહ્યો એ મુદ્દો મહત્વનો બની રહ્યો છે. પચાણ શિવાએ હત્યા બાદ સંતાવા માટે જુનાગઢને જ શા માટે પસંદ કર્યું એ મુદ્દો પણ તપાસનો વિષય બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પચાણ શિવા સામે સૌરાષ્ટ્રમાં આજ સુધી કોઈ ગુનો નથી નોંધાયો. એનો અર્થ એ કે સૌરાષ્ટ્ર તેનું કાર્યક્ષેત્ર નહોતું અને સૌરાષ્ટ્રમાં દેખીતી રીતે જ એને આશરો આપવાનું જોખમ લે એવા કોઈ વ્યક્તિગત ગાઢ સંબંધો નહોતા. ત્યારે જુનાગઢમાં એને પૂરેપૂરી સલામતિની ખાતરી આપીને આશરો આપનાર કોણ હોઈ શકે એ વિશે જાણકાર વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.અત્રે એ પણ નોંધનીય છે કે, અમિત શાહની સીબીઆઈ ધરપકડ કરી શકે છે એવું ચિત્ર ઉપસ્યા બાદ જુનાગઢ જિલ્લો અને કોડીનાર ભેદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયા હતા. અમિત શાહ એ ગાળામાં બે વખત સોરઠમાં રહ્યાં હોવાનું સૂત્રો જણાવે છે. યોગાનુયોગ જુનાગઢના સાંસદ દિનુભાઈ સોલંકી સામે પણ જેઠવા હત્યા કેસમાં આંગળી ચિંધાઈ રહી છે ત્યારે અમિત શાહનું કોડીનારમાં રોકાવું અને પચાણ શિવાનું જુનાગઢમાં આશરો લેવાનું પગલું કેટલાક ભેદી અને સૂચક નિર્દેશો આપી રહ્યા છે.



ચોટીલા હાઇ-વે પરથી ખનીજ ચોરી કરતા ૧૨ ટ્રક ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકામાં બેફામ ખનીજ ચોરી થઇ રહી હોવા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા ખાણ માફિયા સામે કોઇ પગલાં લેવામાં આવતા નથી ત્યારે વધુ એક વખત રાજકોટ ફ્લાઇંગ સ્કવોડે રાજકોટ ચોટીલા હાઇ-વે પર રાત્રિના ૧૨ થી સવારના ૬ સુધી વોચ ગોઠવી ૯૬ લાખની કિંમતના ૧૨ ટ્રક પકડી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી રેતી, કપચી અને સિલિસેન્ડ ભરેલા આ ટ્રક રાજકોટ, જૂનાગઢ તથા જામનગર જઇ રહ્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ખાણ ખનીજ ખાતાની ફ્લાઇંગ સ્કવોડના એસ. જી. બારોટ, ભરત માંગલિયા, નરેશ કલસરિયા તથા દિપેન કાથરોટિયા ગત રાત્રિના ૧૨ વાગ્યે રાજકોટ-ચોટીલા હાઇ-વે પર વોચ રાખી બેઠા હતા ત્યારે સવારના ૬ વાગ્યા સુધીમાં અલગ અલગ સમયે રેતી, કપચી તેમજ સિલિસેન્ડ ભરેલા ૧૨ ટ્રક નીકળતા તમામને અટકાવી તલાશી લેતાં બિન અધિકૃત રીતે હેરફેર થતો વિવિધ ખનીજનો જથ્થો નીકળી પડ્યો હતો.અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા અનુસાર આ જથ્થો રાજકોટ, જામનગર તથા જૂનાગઢ જઇ રહ્યો હતો. ખનીજ ચોરી સબબ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ૪.૫૦ લાખનો દંડ ફટકારાતા ૬ ટ્રક માલિકો દ્વારા બે લાખનો દંડ ભરી દેવામાં આવ્યો હતો. એ ઉલ્લેખનીય છે કે, હજુ થોડાં દિવસ પૂર્વે જ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા હળવદના મિયાણી ગામે દરોડો પાડી ૨.૫૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.


રાજકોટ : આજીવન કેદનો ૧૧ વર્ષથી ફરાર કેદી પકડાયો

જેલમાંથી ફર્લો, વચગાળાના જામીન મેળવીને બહાર નીકળ્યા પછી લાંબા સમયથી ફરાર કેદીઓને શોધીને જેલભેગા કરવાની ઝુંબેશના ભાગરૂપે રાજકોટની ફર્લો સ્કવોડના સ્ટાફે વચગાળાના જામીન પર છુટીને ૧૧ વર્ષથી ફરાર ખૂનના કેદી મુન્નો ઉર્ફે રઘુરામ જગદીશ અગ્રાવતને ગાંધીધામથી ઝડપી લીધો છે.રઘુરામ અગ્રાવતે રાજકોટમાં ૧૯૯૨માં હત્યા કરી હતી. જે ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. સાબરમતી જેલમાં સજા ભોગવતો પાકા કામનો કેદી રઘુરામ વચગાળાના જામીન મેળવીને ૨૩/૮/૯૯ ના રોજ બહાર નીકળ્યા પછી ૨૦/૯/૯૯ના રોજ પૂરી થતી મુદ્દતે જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો.


વાહન ઉઠાંતરી અને ચિલઝડપ કરતી ત્રિપૂટી પકડાઇ

ભક્તિ નગર પોલીસે નામચીન કોળી શખ્સ સહિત ત્રણ શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ કરેલી પૂછપરછમાં વાહનચોરી અને મોબાઇલની ચિલઝડપના કુલ ૧૩ ગુનાના ભેદ ઉકેલાયા છે.પ્રાપ્ત વિગત મુજબ, અગાઉ જામનગરમાં લૂંટ કરવાના ગુનામાં પકડાઇ ચૂકેલો દપિક કોળી ગેંગ બનાવીને ચોરી કરતો હોવાની માહિતી મળી હતી. પોલીસે દીપક અને તેના બે સાગરીત ગુજ્જુભૈયા તેમજ સુરેશ બારોટને ચોરાઉ મનાતા બાઇક સાથે અટકાયતમાં લીધા હતા. પૂછપરછમાં આરોપીએ શહેરના વિવિધ વિસ્તારમાંથી છ બાઇકની ઉઠાંતરી કર્યાની તેમજ ચાલુ વાહને ફોનમાં વાત કરતા સાત વાહન ચાલકોના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓની સઘન પૂછતાછ શરૂ કરી છે.


રાજકોટ શહેરમાં પીળા કલરની બસોને અકસ્માતોનો પીળો પરવાનો

રાજકોટમાં સવાર-બપોર દોડતી સ્કૂલ બસો અને વેન તેમ જ રિક્ષાઓ આરટીઓ અને પોલીસના કાયદાના કાર્યક્ષેત્રની બહાર હોય તેવા દ્રશ્યો દરરોજ જોવા તો મળે જ છે પરંતુ આ વાહનો એટલી બેફામ રીતે દોડે છે કે તેને લીધે થતા નાના-મોટા એક્સિડન્ટનું પ્રમાણ પણ વધી ગયું છે. રાજકોટમાં આજે બપોરે સનસાઇન સ્કૂલની બસે એક સ્કૂટર ચાલકને અને જિનિયસ સ્કૂલની બસના ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી, જેમાંનો એક બનાવ પોલીસ ચોપડે પણ નોંધાયો છે.બુધવારે બપોરે બે વાગ્યાના અરસામાં કિસાનપરા ચોક નજીક જિનિયસ સ્કૂલ લખેલી પીળા રંગની એક બસે ત્યારે પણ બ્રેક મારવાનું તેના ચાલકને યોગ્ય જણાયું નહીં હોય તેથી સામેથી આવી રહેલી રિક્ષાને તેણે હડફેટે લઇ લીધી હતી. આ બનાવ સત્તાવાર રીતે નોંધાયો નથી.બપોરે અઢી વાગ્યે એરપોર્ટ રોડ પર આરાધના સોસાયટી પાસે સનસાઇન સ્કૂલ લખેલી જી. જે ૩એટી ૬૧૨૩ નંબરની પીળા રંગની બસ શેરીમાંથી ગતિશીલ રીતે આવી હતી અને જી. જે ૩ડીસી ૪૦૧૪ નંબરના એક્ટિવાના ચાલકને હડફેટે લીધા હતા. આ સમયે ત્યાં લોકો પણ એકઠાં થઇ ગયાં હતાં. બે કલાકની રકઝકના અંતે ગાંધીગ્રામ પોલીસને બોલાવાઇ હતી. સ્કૂટર ચાલકને પગમાં ઇજા થઇ હતી.

No comments:

Post a Comment