16 August 2010

મોદી માટે ૨૪૦ મિનિટનો ખર્ચ થયો રૂ.પાંચ કરોડ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


મોદી માટે ૨૪૦ મિનિટનો ખર્ચ થયો રૂ.પાંચ કરોડ

સ્વાતંત્રય પર્વની ઉજવણી ભપકાદાર અને કરોડો રૂપિયાના ખર્ચે થઇ રહી છે ત્યારે ૧૪મી ઓગસ્ટે મોદી સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા અને ૬ કાર્યક્રમમાં હાજરી આપી ચાલ્યા ગયા હતા. જેની પાછળ ૫ કરોડ રૂપિયાનો ધુમાડો તંત્રએ કરી નાખ્યો છે. મુખ્યમંત્રી મોદી વિરાણી હાઇસ્કૂલમાં વાંચે ગુજરાતમાં ૩૦ થી ૩૫ મિનિટ રોકાયા હતા. બાદમાં, યુનિવર્સિટીમાં ૩૨ મિનિટ અને આવાસ યોજનાના લોકાર્પણ સમયે નાણાવટી ચોકમાં જાહેરસભા યોજવામાં આવી હતી. જે ૩૬ મિનિટ ચાલી હતી. તે બાદ પ્રધ્યુમન પાર્કનું લોકાર્પણ કર્યું હતું અને સાંજે ધન્ય ધરા સૌરાષ્ટ્રમાં ૬૦ મિનિટ હાજર રહ્યા હતા. ૨૩૦ મિનિટ જેટલો સમય મુખ્યમંત્રી હાજર રહેવાના હતા તેની પાછળ તંત્રએ ૫ કરોડનો ધુમાડો કરી નાખ્યો છે.મુખ્યમંત્રી જ્યાં જ્યાં કાર્યક્રમો માટે ગયા તેની વ્યવસ્થા ૧૫ દિવસ પહેલાંની કરવામાં આવતી હતી અને કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આટલો ખર્ચ કર્યો હોય તો, એક જ સ્થળે બધા કાર્યક્રમો આટોપી લેવા જોઇએ.પરંતુ, પ્રસિધ્ધિ મેળવવા માટે આમ જનતાના પૈસાઓનો ધુમાડો કરી નાખ્યો છે. એક-બે લાખ નહીં, પૂરા પાંચ કરોડથી વધારે રૂપિયા માત્ર ઝાકમઝોળ પાછળ વેડફી દેવામાં આવ્યા છે.


પ્રધ્યુમન પાર્ક ઝૂ માં ધુમાડા ઓકતા સરકારી વાહનો દોડ્યા

પ્રધ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ અને હરિયાળીને વાહનોના પ્રદૂષણથી દૂર રાખવા માટે ઝૂ નેશનલ ઓથોરિટીએ રાજકોટ મહાપાલિકાને પેટ્રોલ-ડીઝલ અને ગેસ સંચાલિત વાહનોને પ્રવેશ ન આપવો એવી કડક સૂચના આપેલી છે. ઝૂનો લોકાર્પણ ભલે આજે થયો હોય પણ ચાલુ થઇ ગયા પછી સહેલાણીઓ પાસે આ નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ આજે ઝૂના લોકાર્પણ માટે મુખ્યમંત્રી મોદીના રસાલામાં જોડાયેલા નેતાઓ અને બાબુઓના ધુમાડો ઓકતા વાહનો ફર્યા હતા.અહીં ઝૂના નિયમોનું પાલન કરાવવાની જેની મુખ્ય જવાબદારી છે તે મેયર સંધ્યાબેન વ્યાસ અન મ્યુનિ. કમિશનર સહિતના મહાપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સત્તા સામે નિયમોનું નકિંદન કાઢવામાં સાથે જોડાઇ ગયા હતા.લોકાર્પણ વિધિમાં તકતીનું અનાવરણ કર્યા બાદ મોદીએ જાતે જ ટિકિટબારી પરથી ટિકિટ ખરીદી ઝૂમાં પ્રવેશ કર્યો હતો. પ્રાણીઓના પીંજરા સહિત આખા ઝૂની સફર કરી.


પૈસા બધેથી લીધા, સુશોભન માત્ર સી.એમ.ના રૂટ પર !

રાજકોટના આંગણે આઝાદી પર્વની ઉજવણી તો થઇ રહી છે પરંતુ પ્રજામાં કેટલાક સવાલો અને કેટલીક નારાજગી છે તંત્રે લોકભાગીદારી શબ્દનો ઉપયોગ કરીને વિવિધ મંડળો, વિભાગો પાસેથી નાણાં લીધા છે પરંતુ સુશોભન અને સુવિધા અમુક જ વિસ્તારમાં અપાયાં છે.ઉજવણીના નામે જિલ્લા વહીવટીતંત્રે સારી એવી માત્રામાં ફાળો એકત્ર કર્યો છે, પરંતુ રોશની રેસકોર્સ-બહુમાળી ભવન સિર્કટ હાઉસ, કલેક્ટર ઓફિસ, મ્યુનિસપિલ કોર્પોરેશનમાં જ કરવામાં આવી છે. જો રાજ્યકક્ષાની ઉજવણી છે તો આખા શહેરમાં કેમ શણગાર નહીં? ગાયો પકડવાનું કામ, કૂતરાં હટાવવાનું કામ પણ એ જ વિસ્તારમાં કરવામાં આવ્યું છે જ્યાંથી નરેન્દ્રભાઇ મોદી પસાર થવાના છે.ચોમાસામાં અન્ય લોકોએ પરેશાન થવાનું અને એરપોર્ટ રોડ તેમજ મોદીના રૂટ પર દરરોજ ચાર વાર આખી ફોજ ફરે ? એવો સવાલ લોકોને થઇ રહ્યો છે. ઉજવણી પ્રજા માટે છે કે ફક્ત મંત્રીઓ માટે તેવું પણ લોકો પૂછી રહ્યાં છે.સામાન્ય દિવસોમાં ગાયો પકડાય તો હો હા કરી મૂકનારા જીવદયાપ્રેમીઓ પણ અત્યારે શ્રાવણ માસમાં ગાયો પકડાય છે તો ચૂપ છે.


વિકાસની ખોટી વાતો કરનાર મુખ્યમંત્રીને કોંગ્રેસ ખુલ્લા પાડશે

સ્વાતંત્રય ૫ર્વની ઉજવણી રાજકોટમાં ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ સત્ય ઉજાગર સંમેલન યોજવામાં આવ્યું છે. મોદી સરકાર પોતાની અંગત પ્રસિધ્ધિ માટે ખોટા ખેલ કરી પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.ગુજરાતના વિકાસની મોટી વાતો કરનાર રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ ખરા અર્થમાં ગુજરાતને કઇ અધોગતિએ ગર્તામાં ધકેલી છે તેના પર્દાફાશ માટે ૧૫મી ઓગસ્ટે બપોરે ઢેબર ચોકમાં સત્ય ઉજાગર સંમેલન યોજાશે. આ સંમેલનમાં વિધાનસભા વિરોધપક્ષના નેતા શક્તિસિંહગોહિલ, પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, નરહરી અમિન, શંકરસિંહવાઘેલા, કુંવરજીભાઇ બાવિળયા, વિઠ્ઠલભાઇ રાદડિયા, જશવંતસિંહભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, નરેન્દ્રસિંહજાડેજા, શાંતાબેન ચાવડા, કાશિ્મરાબેન નથવાણી, મહેશ રાજપૂત અને હેમાંગ વસાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યની પ્રજાને વિકાસ અને મોંઘવારીના મુદ્દે ગુમરાહ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના ખર્ચે અનેક સંમેલનો યોજવા અને સરકારી તિજોરી ઉપર ભાર મૂકી અંગત પ્રસિધ્ધ માટે રાજ્યના પદાધિકારીઓ દ્વારા થઇ રહેલ કામગીરી સામે રાજ્યની પ્રજામાં ભારે આક્રોશ ઊભો થયો છે. તે આક્રોશને વાચા આપવા જાગૃત વિરોધ પક્ષ તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાંત્રય પર્વના દિને રાજકોટમાં સત્ય ઉજાગર કરવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.


રાજ્યની ૧૧૦ પાલિકાના કર્મીનો ફરી સરકાર સામે જંગ

છઠ્ઠા પગાર પંચના મામલે રાજ્ય સરકારે આપેલું બાંહેધરીનું ‘ગાજર’ ચવાઇ જવા છતાં અમલ ન થતાં રાજ્યની ૧૧૦ નગરપાલિકાના કર્મચારીઓ આગામી સોમવારથી ફરી આંદોલનનું રણશિંગું ફૂંકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની સેવા ચાલુ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર કોઇ યોગ્ય ઉકેલ નહીં લાવે તો શ્રાવણ માસના પ્રથમ સોમવારથી સફાઇ સહિતની કામગીરી ઠપ્પ થઇ જવાની સંભાવના છે.રાજ્યની ૧૧૦ નગરપાલિકાના કર્મચારીઓએ અગાઉ છઠ્ઠા પગાર પંચ સહિતની પડતર માગણી સંદર્ભે દિવાળીના પર્વ પર જ બેમુદતી હડતાળ પર ઉતરીને આવશ્યક સેવાઓ ઠપ્પ કરી દીધી હતી. આ સમયે સરકારે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાની જાહેરાત કરતાં આંદોલનનો અંત આવ્યો હતો. ત્યારબાદ ખાસ્સો સમય વીતી જવા છતાં પણ સરકારે ઉદાસીન વલણ દાખવતાં ફરી નગરપાલિકાના કર્મચારીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે.સરકાર તેમની માગણી સંદર્ભે યોગ્ય નિર્ણય ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સરકારે મચક ન આપતા તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત પાલિકા કર્મચારી મંડળની બેઠક યોજાઇ હતી.જેમાં તા.૧૬-૮ સુધીમાં સરકાર પોતાનો રવૈયો નહીં બદલે તો સોમવારથી તમામ આવશ્યક સેવા બંધ કરી બેમુદ્દતી હડતાળ પર ઉતરી જવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ આંદોલનમાં રાજ્યની ૧૧૦ પાલિકાના કર્મીઓ જોડાશે.


મૂળ દ્વારકામાં બેવડી હત્યાનો બનાવ ટ્રીપલ મર્ડરમાં પલટાયો

કોડીનાર તાલુકાના મૂળ દ્વારકામાં બે દિવસ પહેલા બે ખારવા પરિવારો વચ્ચે થયેલા ડખ્ખામાં સાત શખ્સોએ માતા-પુત્ર પર ઘાતક હથિયારોથી હુમલો કરી હત્યા નિપજાવી હતી. જ્યારે સામાપક્ષે એક યુવાનને ગંભીર ઈજા થતા તેને રાજકોટ ખસેડાયો હતો. આજે આ ઈજાગ્રસ્ત યુવાનનું મોત થતા ડબલ મર્ડરનો બનાવ ટ્રિપલ મર્ડરમાં પલ્ટાયો હતો. ગંદુ પાણી નાંખવાની સામાન્ય બાબતે થયેલા ડખ્ખામાં ત્રણ જીંદગી હોમાઈ જતા ગામમાં શોક છવાયો છે.આ અંગેની વધુ વિગત મુજબ કોડીનાર તાલુકાના મૂળ દ્વારકામાં બે દિવસ પહેલા ફળીયામાં ગંદુપાણી નાંખવાનાં પ્રશ્ને કમલેશ રતિલાલ ફુલબારીયા નામના યુવાને પાડોશમાં રહેતા જીતેન્દ્ર વિરચંદ સોલંકી પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જીતેન્દ્રને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયો હતો. બાદમાં જીતેન્દ્રના પરિવારના વિરચંદ સાકર, જયેશ વિરચંદ, ટીલા વિરચંદ, શાંતીલાલ સાકર તથા કૈલાશ સુત્રાપાડા વાળાએ કમલેશના ઘરમાં ઘુસી ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં કમલેશના માતા તારાબેનને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કમલેશને ગંભીર હાલતમાં જુનાગઢ ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર પૂર્વે મોત નપિજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો હતો. ગઈકાલે પોલીસે હત્યાના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.કમલેશે છરીથી કરેલા હુમલામાં ઘાયલ જીતેન્દ્ર વિરચંદ રાજકોટ સારવાર લઈ રહ્યો હતો. આજે ત્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નપિજતા બે દિવસ પહેલા બનેલો ડબલ મર્ડરનો બનાવ આજે ટ્રીપલ મર્ડરમાં પલ્ટાયો હતો. પાણી નાંખવા જેવી સામાન્ય બાબતે થયેલા ડખ્ખામાં ખારવા પરિવારના ત્રણ સભ્યોની જીંદગી હોમાઈ જતા ખારવા સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે.


મોદીએ સોહરાબુદ્દીન કે CBIનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો

રાજકોટમાં મુખ્યમંત્રી મોદીના આગમનપૂર્વે સૌ કોઇના મનમાં એક જ વિચાર ગૂંથાતો હતો કે, મોદી અમિત શાહની ધરપકડ અને સીબીઆઇના વલણ સામે કેવા ચાબખા મારશે. છેલ્લાં ઘણા દિવસોથી આ ઇંતેજારી વચ્ચે મોદીએ તદ્દન ઉલ્ટુ જ વલણ અપનાવ્યું હતું અને આવાસ યોજનાના લોકાર્પણ બાદ યોજાયેલી મુખ્ય જાહેરસભા સહિતના સવારના ત્રણેય કાર્યક્રમોમાં ક્યાંય પણ સોહરાબુદ્દીન કે સીબીઆઇનો ઉલ્લેખ પણ કર્યો ન હતો.મુખ્યપ્રધાન મોદીના હરએક કદમમાં ચોક્કસ ગણતરી હોય છે. ડગલા પણ માપી માપીને માંડે છે અને બોલે પણ જોખી જોખીને. તેના હરએક વિધાનમાં ચોક્કસ ટાર્ગેટ હોય છે. આવા તોખાર વકતા તરીકે મોદીની એક છબી છે ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં મોદી સરકાર જે રીતે સીબીઆઇની ભીંસમાં મૂકાઇ ગઇ છે તેને જોતા રાજકોટમાં આ મુદ્દે મોદીનો આક્રમક રવૈયો જોવા મળે એવી ધારણા વ્યક્ત થઇ રહી હતી.પરંતુ વાંચે ગુજરાતના કાર્યક્રમથી લઇ યુનિવર્સિટીના સંમેલનમાં અને આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે યોજાયેલી મુખ્ય જાહેર સભા સહિતના સવારના એકપણ કાર્યક્રમમાં મોદીએ ક્યાંય સોહરાબુદ્દીન એન્કાઉન્ટર, અમિત શાહની ધરપકડ કે પછી સીબીઆઇનો ઉલ્લેખ સુધ્ધા પણ કર્યો ન હતો. વિકાસ અને આતંકવાદ આ બે જ મુદ્દા તેમના ભાષણના મુખ્ય મુદ્દા રહ્યા હતા. લોકાર્પણ સહિતના અનેક કાર્યક્રમોમાં મોદીએ ભાષણ કર્યું છતાં તેઓએ સોહરાબુદ્દીન કે સીબીઆઇને યાદ સુદ્ધા કરી ન હતી.


કુંડલિયા કોલેજમાં મજપા અને ભાજપના કાર્યકરો વચ્ચે બઘડાટી

શનિવારે રાજકોટની તમામ કોલેજો બંધનું એલાન આપ્યું હતું તેના ભાગરૂપે મજપાના આગેવાનો અને કાર્યકરો કુંડલિયા કોલેજ ખાતે બંધ કરાવવા ગયા હતા.આ સમયે વિદ્યાર્થિનીઓને બસમાં ધરાર બેસાડીને લોકાર્પણના કાર્યક્રમ સ્થળે લઇ જવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને કાર્યકરોએ અમુક બસની હવા કાઢી નાખી હતી.મજપાના કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે છાત્રાઓને પરાણે લઇ જવામાં આવતી હોય વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજના સંચાલકોએ ભાજપના કાર્યકરો તેમજ પોલીસને ઘટનાસ્થળે બોલાવતા ભાજપના કાર્યકરો સાથે ઝપાઝપી થઇ હતી.મજપાએ એમ પણ કહ્યું હતું કે બઘડાટી બોલી જતાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ પોતાના ઘેર ચાલી ગઇ હતી જ્યારે બસમાં જ છાત્રાઓને યુનિવર્સિટી ખાતે લઇ જવાઇ હતી.


લોકોએ મોદીને કહ્યું, વારંવાર આવો તો રાજકોટ ચોખ્ખું રહે

રાજકોટમાં સ્વાતંત્રય પર્વ પ્રસંગે આજે મુખ્યમંત્રી મોદીને રાજકોટના કેટલાક અગ્રણીઓ મળ્યા હતા અને રાજકોટ વિશે ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે લોકોએ મને કહ્યું, મોદીજી આપ વારંવાર આવો તો અમારું રાજકોટ ચોખ્ખું રહે.નાણાવટી ચોકમાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી બોલી ઉઠ્યા હતા કે રાજકોટના અગ્રણીઓએ એવું કહ્યું કે મોદીજી તમારા આવવાથી રાજકોટની આખી ઓળખ બદલાઇ ગઇ છે અને ગંદું રાજકોટ ચોખ્ખું ચણાક બની ગયું છે ત્યારે મોદીએ જાહેર જનતાને સંબોધતા જણવ્યું હતું કે શું ભાઇ વારંવાર બોલાવો છો કચરો કરી મને પાછો વાળવા બોલાવાનો છે તમારી ફરજ તે આમજનતાની ફરજ છે. રાજકોટને આપણે કેમ સ્વચ્છ રાખવું.


રાજકોટ : કાર્યક્રમોના ભપકાને મોદીએ વિકાસનું નામ આપી દીધું !

સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે રાજકોટ આવેલા મુખ્યમંત્રી મોદી પોતાના ત્રીજા ભાષણ વખતે બોલી ઊઠ્યા હતા કે, ૨૫ વર્ષ પહેલાંના છાપામાં મુખ્યમંત્રી નાનું એવું વિકાસનું કામ કરે તો પ્રથમ પાને તેની નોંધ લેવાતી હતી. અહીં, મોદીને એ યાદ કરાવવું પડે કે, હવે કરોડોના ખર્ચા થતાં હોય તેવા કાર્યક્રમોના ભપકાને મોદીએ વિકાસનું નામ આપી દીધું છે.૨૫ વર્ષ પહેલાના મુખ્યમંત્રીઓ નાનું એવું વિકાસનું કામ કરે તો, વાજા વગાડતા હતા. હવે, વિકાસના કામો માટે નહીં પણ, પોતાની પ્રસિધ્ધિ માટે ચોકે ચોકે હોર્ડિંગ્સ લગાવી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ૨ કરોડના મંડપો નાખી દેવામાં આવે છે.૨૫ વર્ષ પહેલાના મુખ્યમંત્રીઓ પ્રજાના પૈસાનો ધુમાડો નહોતા કરતા. એટલે, તેની નોંધ લેવાતી હતી. પણ, હવે આજના મુખ્યમંત્રી પોતાની પ્રસિિધ્ધ માટે આમ જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે.શેરી-ગલીઓમાં વિવિધ અદાઓવાળા મોડેલિંગ ફોટાવાળા બેનર-હોર્ડિંગ્સ ઉપરાંત વિદ્યાર્થીઓને પરાણે વાહનોમાં બેસાડી કાર્યક્રમોમાં લઇ જવા, સરકારી માલ-મિલકતોનો પ્રસિધ્ધિમાં બેફામ દુરુપયોગ, પ્રજાના પૈસે ફોર કલર આમંત્રણ કાર્ડ બનાવી વહેંચણી કરવી... આવી આવી પ્રસિિધ્ધઓ મોદી સરકારમાં વધુ થઇ રહી છે !! અને તેને નામ અપાય છે વિકાસનું.


રાજકોટ શહેરની વધુ એક શાળાને નિશાન બનાવતા તસ્કરો

છેલ્લા કેટલાક સમયથી શહેરની શાળાઓમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક શહેરના ભાવનગર રોડ પર આવેલી ગ્લોબલ એકડેમી હાઇસ્કુલમાં તસ્કરો ખાબકી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો છે.આનંદનગર મેઇન રોડ, મધુવન પાર્ક-૨માં રહેતા શાળાના કર્મચારી વિશાલ પરલોતમભાઇ માંગરોળીયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, સ્વાતંત્રય પર્વની સ્કૂલમાં રજા હોય જેનો લાભ લઇ કોઇ શાળાની ઇલેકટ્રીકના સામાન ભરેલા રૂમની બારીના કાચ તોડી અંદર પ્રવેશી રૂ.૪૩૭પ ની કિંમતના ઇલે.વાયરના બંડલો ચોરી ગયા હતા. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનિય છે કે, શહેરમા કેટલાક સમયથી શાળાઓમાં ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે પોલીસે આવા બનાવો અટકાવવા સઘન તપાસ હાથ ધરી ચોરીના ભેદ ઉકેલવા જરૂરી છે. જો અત્યાર સુધીમાં જેટલી શાળાઓમા ચોરી થઇ તેમા કોઇ મોટી મતા ન ગઇ હોય ચોરીમાં જાણભેદુ જ સંડોવાયું હોવાની પોલીસે શંકા વ્યકત કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે.


કુવાડવા નજીક વાહનની ઠોકરે બે યુવાનના મોત

રાજકોટ - અમદાવાદ હાઇ-વે પર કુવાડવા નજીક રવિવારે રાતે અજાણ્યા વાહની ઠોકરે બાઇક સવાર કુવાડવાના બે યુવાનના મૃત્યુ નિપજ્યાં હતાં.ભોગ બનનાર બન્ને યુવાનના નામ વસંત્ત જીલાભાઇ બાવુકિયા (ઉ.વ.૨પ) અને અનિલ અમરસીભાઇ બાવુકિયા (ઉ.વ.૨પ) તેમજ બન્ને કુવાડવાના રહેવાસી હતા. જીવલેણ અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલકની શોધખળ ચાલુ છે.

No comments:

Post a Comment