16 August 2010

શ્રીરામ બન્યો ઈન્ડિયન આઈડોલ-5 નો વિજેતા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


શ્રીરામ બન્યો ઈન્ડિયન આઈડોલ-5 નો વિજેતા


અવાજનો નવો આઈડોલ મળી ગયો છે. સુરોની રેસમાં હૈદરાબાદના 24 વર્ષિય શ્રીરામ સૌથી આગળ નિકળી ગયો હતો. શ્રીરામ રવિવારે સંગીત સાથે જોડાયેલા રિયાલીટિ શો ઈન્ડિયન આઈડોલ - 5નો વિજેતા બન્યો હતો.સિંકદરાબાદના આ કલાકારને બોલિવૂડના શહેશાંહ અમિતાભ બચ્ચને રવિવારે રાત્રે આ ખિતાબથી સમ્માન કર્યું હતું. તેલુગુ ફિલ્મોના ગાયક શ્રીરામચંદ્રએ સોની ટીવી પર પ્રસારિત ઈન્ડિયન આઈડોલ - 5ના ફાઈનલમાં વડોદરાની ભૂમિ ત્રિવેદી અને આગરાના રાકેશ મૈનીને પાછળ મુકીને ખિતાબ જીત્યો હતો.શ્રીરામને શરૂઆતથી જ ખિતાબનો સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો.


વિજય માલ્યાની વેબસાઈટ પર પાકિસ્તાનનો ઝંડો!

ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ વિજય માલ્યાની આધિકારીક વેબસાઈટને રવિવારે સ્વતંત્રતા દિવસે પાકિસ્તાનના એક સાઈબર અપરાધ સંગઠને હેક કરી તેના પર પાકિસ્તાનનો ઝંડો ફરકાવી દીધો હતો.માલ્યાના મુંબઈ ખાતેના કાર્યાલય પ્રમાણે, માલ્યાની વેબસાઈટ http://www.mallyainparliament.com ને ગઈકાલે પાકિસ્તાનના સંગઠન પાકિસ્તાન સાઈબર આર્મીએ હેક કરીને તેના પર ભારત વિરોધી સંદેશ પ્રકાશિત કર્યો હતો. બાદમાં રવિવારે સાંજે માલ્યાની વેબસાઈટ ફરીથી ઠીક કરી દેવાય હતી અને તેના પરથી પાકિસ્તાનનો ઝંડો અને હેકર્સનો સંદેશ હટાવી દેવાયો હતો.માલ્યાના કાર્યાલય પ્રમાણે, આજે આ સંદર્ભે મુંબઈ સાઈબર અપરાધ શાખામાં ફરીયાદ કરવામાં આવી છે. જો કે માલ્યાની સાઈટ હેક કરીને પાકિસ્તાન સાઈબર આર્મીની ભૂમિકાને હજી સુધી પુષ્ટિ મળી નથી, પરંતુ પાકિસ્તાનનું આ સાઈબર અપરાધ ગ્રુપ આ પહેલા ઘણી વાર ભારતીય વેબસાઈટોને હેક કરીને તેના પર વાંધાજનક સંદેશ મુકી ચુક્યુ છે.


કેટરિના લગ્નની તૈયાર કરી રહી છે

બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી કેટરિના કૈફ છે. કેટરિનાને ભલે અત્યારે લગ્ન કરવા ના હોય પરંતુ તેણે અત્યારથી પોતાના લગ્નની સાડીનો રંગ નક્કી કરી નાંખ્યો છે.મુંબઈમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી વીકમાં નક્ષત્ર બ્રાઈડલ ક્લેક્શન દરમિયાન કેટે આ વાતનો ખુલાસો કર્યો હતો. કેટે કહ્યું હતું કે, તેને ખ્યાલ નથી કે, તે ક્યારે લગ્ન કરશે પરંતુ તેણે ફરીવાર કહ્યું હતું કે, તે વર્ષ 2012 સુધીમાં લગ્ન કરી લેશે.કેટે કહ્યું હતું કે, તેના લગ્ન ભલે ગમે ત્યારે થાય પરંતુ તે લીલા રંગના કપડાં પહેરશે. આ અંગે વધુ વાત-ચીત કરતાં કેટે કહ્યું હતું કે, તે લગ્ન સમયે લીલા રંગના જ કપડાં પહેરશે.


કેનેડા : એક વિચિત્ર સ્પર્ધાનું આયોજન

કેનેડાના ઓન્ટારિયોમાં હાલમાં એક વિચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બી બિઅર્ડ નામની આ સ્પર્ધામાં ઘણા લોકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધા અંતર્ગત મધમાખી ઉછેર કેન્દ્રમાં સેંકડો માખીઓની વચ્ચે સ્પર્ધકે ઉભું રહેવાનું હોય છે. જે સ્પર્ધક વધુ સમય ઉભો રહે અને જેના શરીર પર વધુ માખીઓ બેસે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ટીબોર ઝાબો નામનો વ્યક્તિ વિજેતા થયો હતો.


શ્રાવણમાં સોમવારનું વિશેષ મહત્વ

શ્રાવણમાસના સોમવારમાં ભગવાન શિવની ભક્તિ અને કૃપાનું વિશેષ મહત્વ છે. આ કડીમાં શ્રાવણમાં સોમવારનું વ્રત કરીને તમે ધન, લાભ, વ્યાપારિક લાભ અને ભૌતિક સુખ મેળવી શકો છો. સુખની પ્રાપ્તિ માટે તથા ધન, લાભ મેળવવા માટે અને આર્થિક લાભ મેળવવા માટે સોમવારનું વ્રત અતિ મહત્વનું છે. સફળતાની રાહ તેનાથી આસાન થઈ જાય છે. આ દિવસે શિવની ભક્તિ અને વ્રતથી વ્યવહારિક જીવનમાં શુભ ફળ મળે છે.1. ધન, લાભ મળે છે. ઘરમાં શુભ લક્ષ્મી સ્થાયી થાય છે.2. રોજગારોને રોજગાર મળે છે અને રોજગારોને આર્થિક લાભ પણ મળે છે.3. વ્યવસાયમાં સફળતા મળે છે તથા દેવામાંથી મુક્તિ મળે છે.4. જીવનના દરેક ભૌતિક સુખ જેવા કે ઘર, વાહન વગેરે પણ મળે છે.5. અચલ સંપત્તિથી અચાનક અકલ્પનીય ધન લાભ મળે છે.
6. બગડેલી હાલત સુધરે છે અને અસફળતા સફળતામાં બદલાય છે.


ઇસનપુરમાં સીટી બસની અડફેટે યુવકનુ મોત

ઇસનપુરનાં નેશ્નલ હાઇવે ૮ પર એક બાઇક ચાલક યુવકને પાછળથી માતેલા સાંઢની માફક દોડી રહેલી એક સીટી બસે અડફેટે લેતા યુવકનુ ઘટના સ્થળેજ કમકમાટી ભયું મોત નિપજ્યું છે. બીજી તરફ અકસ્માત સર્જી બસ લઇ નાસી છુટેલા બસ ચાલકને રાહદારીઓએ એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો જો કે તે બસ મુકીને નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, વસ્ત્રાલના અજય ટેનામેન્ટમાં રહેતો અને ઇસનપુરની ખાનગી કંપનીમાં નોકરી કરતો રૂપેશ પટેલ (૨૭) રવિવાર સાંજે ૪.૩૦ વાગ્યે બાઇક લઇને ઇસનપુરના હાઇવે સ્થિત સમ્રાટ નગર નજીકથી બાઇક લઇ પસાર થઇ રહ્યાો હતો. દરમિયાન પાછળથી ધસમસતી આવેલી રૂટ નંબર ૭૪ (ઇસનપુર-રાણીપ)ની બસે તેને અડફેટે લેતા રૂપેશ રસ્તા પર ફસડાઇ પડ્યો હતો.ગંભીર ઇજાઓને કારણે રૂપેશનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતુ. બીજી તરફ અકસ્માત સર્જી બસ ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી મુકી હતી, જો કે અકસ્માત જોઇ દોડી આવેલા અન્ય રાહદારીઓએ બસ ચાલકનો એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો, જો કે રાહદારીઓ બસ ચાલકને પકડી પાડે તે પહેલા તે ઘોડાસરનાં જીવણ પાર્ક નજીક બસ મુકીને નાસી છુટ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


વટવા જીઆઇડીસીની ફેકટરી ભીષણ આગમાં ખાખ

વટવા જીઆઇડીસીની એક ફેકટરીમાં મધરાત્રે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસનાં રહીશોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી, તો બીજી તરફ આગ અન્ય ફેકટરીઓમાં પણ ફેલાશે તેવા ભયે વેપારીઓનાં જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જો કે સમયસર દોડી આવેલા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયરબ્રીગેડ સુત્રોના જણાવ્યા અનુસાર, વટવા જીઆઇડીસીની જીંદાલ ટેક્ષટાઇલ્સ નામની ફેકટરી આવેલી છે. આ કંપનીમાં રવિવાર મધરાત્રે એકાએક આગ ફાટી નકળી હતી. આગની લપટોએ ગણત્રીની મિનિટોમાંજ રૌદ્રરૂપ ધારણ કરતા આસપાસ રહેતા લોકો તથા ફેકટરી માલીકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.બીજી તરફ આ અંગની જાણ ફાયરબ્રીગેડને કરાતા ફાયરનાં જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આશરે ત્રણેક કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી આગની લપટોને કાબુમાં લીધી હતી. જો કે આ ઘટનામાં કેટલુ નુકશાન થયુ છે તેનો આંક હજુ સુધી જાણી શકાયો નથી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી.


ઘણા યુવક-યુવતીઓની જીવનસાથીની તલાશ પુરી થઇ

ઓછામાં ઓછું ગ્રેજયુએટ કે તેનાથી વધુ અભ્યાસ કરેલા સર્વજ્ઞાતિના લગ્નોત્સુક ઉમેદવારો માટે શહેરની વિના મુલ્યે અમુલ્ય સેવા નામની સંસ્થા દ્વારા તા. ૧૫ ઓગસ્ટના રોજ ટોગોર હોલ પાલડી ખાતે એક ઇન્ટરકાસ્ટ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતં . જેમાં રાજ્યભરમાંથી દરેક જ્ઞાતિના યુવક યુવતીઓ ખુબજ મોટી સંખ્યામાં ભાગ લઇ પોતાના જીવનસાથીની ખોજ કરી હતી. જેમાં ઘણા બધા યુવક યુવતીઓનોની જીવનસાથી માટેની તલાશ પુરી થઇ હતી.અનોખા જીવનસાથી પસદગી મેળા અંગે માહિતી આપતાં વિનામુલ્ય અમુલ્ય સેવાના સંચાલક નટુભાઇ તથા ભારતીબેન રાવલે જણાવ્યું હતું કે આ જીવન સાથી પસંદગી મેળામા -રાજ્યભમાંથી દરેક જ્ઞાતીના યુવક- યુવતીઓએ નાત-જાત કે ઉંચ નીચના ભેદભાવ વગર ભાગ લીધો હતો.મેળામાં ૨૫૦થી વધુ યુવકો તથા ૧૭૫ થી વધુ યુવતીઓએ ભાગ લઇ પોતાના જીવનસાથીની શોધ કરી હતી. સંમેલનમાં ૨૫થી વધુ યુવક-યુવતીઓ પસંદ પડેલા પાત્ર સાથે બેઠક કરી હતી. જે પૈકી બે યુગલો એ તો જીવનસાથી પસંદગી કરી ગોળધાણા પણ ખવડાવી દીધા હોવાનું નટુભાઇએ જણાવ્યું હતું. આ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છતો દરેક ઉમેદવાર ગ્રેજયુએટ હોવો જરૂરી હોવાથી ભણેલા ગણેલા યુવક યુવતીઓને પોતાના જીવનસાથી શોધવામાં અનુકુળતા રહી હતી.સંમેલમાં આવેલા સવા ચારસો જેટલા ઉમેદવારો પૈકી ૧૦૦ જેટલા યુવક યુવતીઓ મંગળ અને શનિવાળા હોવાનું જાણી શકાયું હતું જેથી વિના મુલ્યે અમુલ્ય સેવા દ્વારા આગામી દિવસોમાં માત્ર મંગળ અને શનિવાળા યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવાનું નક્કી કર્યું હોવાનું ભારતીબેન રાવલે જણાવ્યું હતું.


શહીદ શિરીષનું મહારાષ્ટ્રમાં સન્માન, સુરતમાં અપમાન

દેશનાં સો ચાઇલ્ડવન્ડર્સમાં સમાવિષ્ટ અને સુરતમાં જન્મેલા સોળ વર્ષીય શહીદ શિરીષકુમાર મહારાષ્ટ્રનાં બાળકોમાં સ્વાતંત્રય ચળવળકાર તરીકે અમર પ્રેરણાસ્ત્રોત છે. મહારાષ્ટ્રનાં પાઠ્યપુસ્તકોમાં તેમની વિરતાના પાઠ છે. ઉપરાંત શાળાઓ અને માર્ગ પણ તેમના નામના છે, પરંતુ સુરતમાં તેમના નામનાં કોઈ સ્મારક નથી બલ્કે તેમનું નામ સુધ્ધાં નેતાઓ ભૂલી ચૂક્યા છે.શિરીષના નામથી માત્ર માર્ગ જાહેર કરી ફૂલાતી સુરત મહાપાલિકા ચાર વર્ષ બાદ પણ હનીપાર્ક રોડ પર આ ઐતિહાસિક સર્કલનું નિર્માણ નથી કરી શકી જ્યારે મહારાષ્ટ્રના નંદરબારમાં તેમના નિવાસ્થાનને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવનાર છે. જ્યારે સુરતમાં તેમના નામની તખતી પણ ધૂળ ખાઈ રહી છે.સુરતના પ્રથમ નાગરિક રણજીત ગિલિટવાળા અને પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ દલાલના મન આ શહીદના નામના સર્કલ બનાવવાનો મુદ્દો એ એક પડતર પ્રશ્નથી વિશેષ કાંઈ નથી. આશ્ચર્ય અને શરમની વાત તો એ છે કે લોકસભામાં પ્રતિનિધિ કરતા સાંસદ સી. આર. પાટીલે તો મૂળ સુરતના આ શહીદને ઓળખતા ન હોવાનું જણાવ્યું. તો બીજી તરફ, કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિએ પણ આ શહીદની શહાદતથી અજાણ ગણાયા. અમારી પાસે વિગત જાણ્યા બાદ તેમણે સ્મારક બનાવવા માટે રજુઆત કરવાની વાત કરી હતી.નંદરબારમાં અંગ્રેજોની ત્રણ ગોળીને છાતીએ ઝીલી લેનાર સોળ વર્ષીય બાળ શિરીષકુમાર મહેતા મહારાષ્ટ્રના ઈતિહાસનાં પાનાઓમાં અમરપાત્ર છે. આઝાદીનાં ત્રેસઠ વર્ષ પછી પણ નંદરબારના હુતાત્માચોક કે જ્યાં અંગ્રેજોએ આ કિશોરને નિર્મમતાથી ઢાળી દીધો હતો. શહીદ શિરીષકુમારની યાદમાં આ ચોકનું નામ હુતાત્મા ચોક આપવામાં આવ્યું છે.



રાષ્ટ્રીય તહેવારે જ ગ્રાહકોને બાનમાં લેતું બી.એસ.એન.એલ.

તળાજા શહેર અને તાલુકાનાં અનેક ગામડાઓનાં હજારો લેન્ડલાઇન ટેલિફોન છેલ્લા બે દિવસથી ઠપ્પ થઇ જતાં રાષ્ટ્રીય તહેવાર પર જ ફોનધારકો ફોન વગર રઝળતા થઇ જતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાઇ જવા પામ્યો છે.તળાજા શહેરમાં બીએસએનએલનાં લોકલ ફોન અનેક ટ્રાય કર્યા પછી માંડ-માંડ લાગે છે. પરંતુ તા.૧૩ને શુક્રવારનાં સવારથી શનિવાર સાંજ સુધી હજુ સુધી કોઇપણ કારણોસર એસટીડી અને લીઝ લાઇન ખોરવાઇ જતા બહારનાં અને બીએસએનએલનાં કોઇ ફોન લાગતા નથી.હાલ ચોમાસાની ઋતુ ચાલે છે. સરકાર દ્વારા કોઇપણ આફત આવે તો તેનો સજ્જતાથી સામનો કરવા ડઝિસ્ટર મેનેજમેન્ટ કાર્યરત રાખેલ છે. આજે ૧૫ ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર છે.ત્યારે સંચાર નિગમની સેવા સતત કાર્યરત રહેવી જોઇએ ત્યારે બીએસએનએલ તળાજાનાં ડબલા લકવાગ્રસ્ત થઇ ગયા હોય તેમ દરકે પ્રકારનો બહાર નો સંપર્ક ઠપ્પ થઇ ગયો છે.આ બાબતે સંચાર નિગમનાં ઉચ્ચ અધિકારીઓની ગંભીર બેદરકારી હોવાનું જણાઇ રહ્યું છે. આવા જ પ્રકારની નીતિથી સંચાર નિગમની લેન્ડલાઇન સેવા લુપ્ત થતી જાય છે.


ભચાઉ પંથકમાં એકથી દોઢ ઇંચ

વાગડના રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક શ્રાવણના સરવરિયા અને ક્યાંક એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ભચાઉ તાલુકાના ઉત્તરિય કકરવા, કણખોઇ, કંથકોટ, ખારોઇ અને ભરૂડિયામાં બપોર બાદ એકથી દોઢ ઇંચ વરસ્યો હોવાનું પ્રતિનિધિ નૂરમામદ કાસમે જણાવ્યું હતું. તો રામવાવમાં એકાદ ઇંચ મહેર થઇ હોવાનું શામજીભાઇ આહિરે જણાવ્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગણેશાભાઇ ઉંદરિયા જણાવ્યા મુજબ કડોલ, નેર, બંધડી, માય અને લાખાવાવમાં સાંજે એકથી બે ઇંચ પાણી પડ્યું હતું. રાપરમાં ઝરમર ઝાપટાં પડ્યા હતાં તેવા વાવડ ભારૂ પરમારે આપ્યા હતા. તાલુકાના આડેસર, લાખાગઢ, હમીરપુર, સાનગઢ, ફતેહગઢમાં શ્રાવણના સરવરિયા થયાં હતાં.વરસાદની ઘટતી અસર વચ્ચે આજે રાપર તાલુકાના ભીમાસર (ભુટકિયા) અને આડેસરમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં અંદાજે ૧૫ મિનિટ સુધી ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત રાપર નગરમાં પણ ઝરમર છાંટા વરસ્યા હોવાનું જાણવા મળે છે. આ સિવાય કચ્છમાં પૂર્ણપણે સૂર્યપ્રકાશિત વાતાવરણ રહ્યું હતું.



ગેરકાયદે ઘૂસેલા બંને પાકિસ્તાનીઓ છેવટે જેલ હવાલે

ગેરકાયદે રીતે ભારતની હદમાં પ્રવેશ કરનારા બે પાકિસ્તાની શખ્સો સામે નરા અને રાપર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યા બાદ કોર્ટ બંનેને જેલ હવાલે કર્યા હતા.સિંધ રાજ્યના શહાદપુર તાલુકાના જતિયાગોરનો રહેવાસી મહંમદ જુમન હાજી મૂસા કુંભાર (ઉ.વ.પ૦) નવેમ્બર ૨૦૦૯માં ઉત્તર ભારતની સરહદ પર પિલર નં. ૧૧૧૮, એસ/ર પાસે ઝડપાયો હતો. જ્યારે થરપારકર જિલ્લાના ડાબરીનો રહેવાસી રમેશ દેવજીમલ ભીલ (ઉ.વ.રપ) પ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ રાપરના બેલા નજીક સીમા સુરક્ષા ચોકી પાસેથી પકડાયો હતો. બંને સામે ભારતીય સીમાના જાહેર પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રીતે પાસપોર્ટ કે વિઝા વિના પ્રવેશ કરવાનો ગુનો નોંધાયો હતો.મહંમદ જુમનનને આજે નખત્રાણા કોર્ટમાં અને રમેશ ભીલને રાપર કોર્ટમાં રજૂ કરાતાં બંનેને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલા બન્ને પાકિસ્તાનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા કડક પૂછપરછ હાથ ધરાયા બાદ પોલીસે તેમની સામે આઇપીઆર કલમ ૩ અને ૬ ઉપરાંત અન્ય કલમો હેઠળ ગુના નોંધ્યા હતા.


આણંદ જિલ્લાના તારાપુરમાં મેહુલિયો ઓળઘોળ

આણંદ જિલ્લાના તારાપુર, ખંભાત, બોરસદ, સોજિત્રા અને આંકલાવ તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. જ્યારે આણંદ, પેટલાદ અને ઉમરેઠ તાલુકામાં જરમર વરસાદ થઈને બંધ થઈ જાય છે. તારાપુર તાલુકામાં શુક્રવારની રાત્રિએ ત્રણઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જો કે શનિવારે બપોરના વરસાદ થંભી ગયો હતો એટલે ગરમી અને ભેજવાળા વાતાવરણના લીધે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો.આણંદ જિલ્લા ફલડ કન્ટ્રોલ વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સવારના ૮ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ઉમરેઠમાં પ મીમી, બોરસદમાં ૪૭ મીમી, આંકલાવમાં પપ મીમી, પેટલાદમાં ૪ મીમી, ખંભાતમાં રપ મીમી અને તારાપુરમાં ૭૦ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં બોરસદમાં ૧૩ મીમી, પેટલાદમાં પ મીમી, સોજિત્રામાં ૨૦ મીમી અને તારાપુરમાં પ મીમી વરસાદ વરસ્યો હતો.


મહેસાણા : જિલ્લો આજે દેશભક્તિના રંગે રંગાશે

૬૪મા સ્વાતંત્રય દિન નિમિત્તે રવિવારે જિલ્લાભરમાં ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને જિલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સતલાસણા ખાતે યોજાશે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ બાદ સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ૬૪મા સ્વાતંત્રય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે સતલાસણા ખાતે રાખવામાં આવી હોઈ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ધ્વજવંદનના કાર્યક્રમ માટે છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.સતલાસણાની કે.એમ.કોઠારી હાઈસ્કૂલ સંકુલમાં ૬૪મા સ્વાતંત્રય પર્વે રવિવારે સવારે રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહીર ધ્વજ લહેરાવાશે. ત્યારબાદ સલામી, રાષ્ટ્રીય ગીત, પરેડ નિરીક્ષણ, સલામી કૂચ બાદ મંત્રી ઉદ્બોધન કરશે. જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં સ્વાતંત્રય સેનાનીઓનું પણ મંત્રીના હસ્તે અભિવાદન થશે. જ્યારે સુરક્ષા જવાનોને ચંદ્રકો, તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરી પુરસ્કાર અર્પણ કરાશે. આ ઉપરાંત મહેસાણા નજીક પાલાવસણા સ્થિત સી.આઇ.એસ.એફ ગ્રાઉન્ડમાં ઓ.એન.જી.સી દ્વારા ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જ્યારે મહેસાણા જિલ્લામાં ઊંઝા, કડી, વિસનગર, ખેરાલુ, વિજાપુર અને વડનગર સહિતની સરકારી કચેરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. કડીના તીનબત્તી ચોક ખાતે મામલતદાર કચેરીના પટાંગણમાં ૬૪મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર કડી તાલુકાના ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે. જેમાં કડીની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કડી મામલતદાર વી.સી. પટેલ તિરંગો લહેરાવશે.ત્યારબાદ કડી તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ગજરાબેન સેનમા તથા કડી પાલિકા ખાતે પ્રમુખ ધનજીભાઈ રાઠોડ ધ્વજ ફરકાવશે. આ પ્રસંગે કડી માર્કેટયાર્ડના ચેરમેન, કડી સંઘના ચેરમેન તથા ભાજપ અને કોંગ્રેસના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.


જમીન વિકાસ બેન્ક : મહેસાણા બેઠકમાં ધૂરંધર હાર્યા

રાજ્યમાં જમીન વિકાસ બેન્કના ૧૭ ડિરેક્ટર પદની ચૂંટણીમાં ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ બાકીના ૭ ડિરેક્ટર પદ માટે અમદાવાદ બેન્કના ભવનમાં શનિવારે મતદાન યોજાયું હતું. મતદાન બાદ મતગણતરીને અંતે મહેસાણા જમીન વિકાસ બેન્ક ડિરેક્ટર પદના રસાકસીભર્યા જંગમાં ઈશ્વરભાઈ ચૌધરીનો વિજય થયો હતો જ્યારે આ બેન્કના પૂર્વ વાઈસ ચેરમેન મણીભાઈ ચૌધરી (ગાંધી)નો પરાજય થતાં જુના મહેસાણા જિલ્લામાં સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે.રાજ્ય જમીન વિકાસ બેન્કના અલગ-અલગ જિલ્લા દીઠની ૧૭ બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં મહેસાણા ડિરેક્ટર પદનો પણ સમાવેશ થતો હોઈ છેલ્લા કેટલાય દિવસથી જુના મહેસાણા જિલ્લા એટલે કે, મહેસાણા, પાટણ અને ગાંધીનગર સમાવિષ્ટ વિસ્તારોના સહકારી ક્ષેત્રે આ ચૂંટણીનો માહોલ સર્જાયો હતો.૧૭માંથી ૧૦ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થતાં બાકી રહેતા ૭ ડિરેક્ટર પદ માટે શનિવારે અમદાવાદ સ્થિત બેન્કના મુખ્ય ભવન ખાતે સવારે ૧૧-૦૦ થી ૫-૦૦ કલાક દરમિયાન મતદાન યોજાયું હતું. જેમાં મહેસાણા બેઠકમાં કુલ ૪૦ મતોમાંથી ૩૯ મતો પડ્યા હતા.આ મતદાન બાદ તુરંત જ હાથ ધરાયેલી મતગણતરીમાં ઈશ્વરભાઈ બળદેવભાઈ ચૌધરીને ૨૯ મત અને મણીભાઈ બેચરભાઈ ચૌધરી (ગાંધી)ને માત્ર ૧૦ મત મળતાં આ ચૂંટણીમાં ઈશ્વરભાઈ ચૌધરીને વિજેતા જાહેર કરાતાં અમદાવાદ પહોંચેલા તેઓના સમર્થકોએ આ વિજયને વધાવ્યો હતો.અહીં નોંધનીય છે કે, રાજ્ય જમીન વિકાસ બેન્કમાં ડિરેક્ટર પદ માટે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાની બેઠક બિનહરીફ થઈ હોવાથી માત્ર જુના મહેસાણા જિલ્લાની એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેને લઈને છેલ્લા કેટલાય દિવસોથી સહકારી જગતમાં રાજકીય દાવપેચ શરૂ થયા હતા. જો કે, ચૂંટણી બાદ આખરે ડિરેક્ટર પદની આ મહત્વની બેઠકમાં મહેસાણા બેન્કના ચાલુ ચેરમેન અને રાજ્ય જમીન વિકાસ બેન્કના પૂર્વ વાઈસ ચેરમેન મણીભાઈ ગાંધીનો પરાજય થયો હતો.

No comments:

Post a Comment