18 August 2010

જીરાવાલાના રીમાન્ડની આજે સુનાવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


જીરાવાલાના રીમાન્ડની આજે સુનાવણી

સોહરાબુદ્દીન અને કૌસરબીને જે ફાર્મમાં રાખવામાં આવ્યા હતા તે અર્હમ ફાર્મહાઉસના માલીક રાજેન્દ્ર જીરાવાલાના રીમાન્ડ માટે સીબીઆઇ દ્વારા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં કરવામાં આવેલી અરજીની આજે સુનાવણી હાથધરાશે. જોકે બીજી તરફ રાજુ જીરાવાલાએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે.ચકચારી સોરહાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં આ બન્નેને જે ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા તે અર્હમ ફાર્મ હાઉસના માલીક રાજુ જીરાવાલાની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને કોર્ટના આદેશથી તેમને જયુડીશલ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે.રાજુ જીરાવાલાની ધરપકડ બાદ સીબીઆઇ સ્પેશિયલ કોર્ટમાં જીરાવાલાએ જામીન માટે તથા સીબીઆઇએ તેના રીમાન્ડ માટે અરજી કરી હતી જોકે બન્ને અરજીઓ કોર્ટે ફગાવવતાં સીબીઆઇ દ્વારા રીમાન્ડ માટેની રીવીઝન અરજી સીબીઆઇ સેસન્સ કોર્ટમાં કરવામાં આવી છે .જેની સુનાવણી આજે હાથધરાશે.


સ્ટોકિસ્ટ બનાવવાની લાલચ આપી અઢી લાખ પડાવી લીધા

સાવલીના મંજુસર ગામની હદમાં આવેલી દવા બનાવતી ગુજરાત એન્ટિ બાયોટિકસ કંપનીના એમડી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.બનાવની વિગત એવી છે કે, અમદાવાદ ખાતે નવા વાડજ વિસ્તારમાં રહેતા ચંદુભાઇ પટેલે એક વર્ષ અગાઉ ગુજરાત એન્ટિ બાયોટીક્સના એમ.ડી. બી.સી. મોહંતીએ પ્રસાર મધ્યમમાં આપેલી જાહેરાત અને કંપનીના એમ.ડી.ની વાક્છટ્ટાથી ભ્રમીત થઇને સ્ટોકિસ્ટ થવાની ઇચ્છા દર્શાવી હતી. આ અંગે કંપની અને ચંદુભાઇ વચ્ચે અમદાવાદ ખાતે મિટિંગ થઇ હતી. પરંતુ કોઇ કારણોસર મંત્રણા અધૂરી રહી હતી.દરમિયાન થોડા સમય બાદ કંપની સતાવાળા તરફથી ફોનમાં જણાવેલ કે જો તમને રસ હોય તો કંપની પર રૂબરૂ આવી જાવ. જેથી ચંદુભાઇએ કંપનીની મુલાકાત લઇ જાત માહિતી મેળવી પછી કંપનીમાં ૫૦ હજાર રૂપિયાનો ચેક આપીને એમ.ઓ.યુ કર્યા હતા.જ્યારે બદલામાં કંપનીએ જુની દવા આપીને પોતાના ગોડાઉનમાં મૂકવા જણાવ્યું હતું. ત્યારબાદ ચંદુભાઇ પટેલે ગુજરાત એન્ટિ બાયોટીકસના એમડી મોહંતીને બે લાખ રૂપિયા ડી.ડી.થી આપ્યા હતાં. જ્યારે બીજા રૂપિયા ધંધો સેટ થયા પછી આપવાનું નક્કી થયું હતું.


વડોદરાના ૧૩ હજાર કરદાતા પાસે ૯૦ કરોડના વેરા બાકી

છેલ્લા દશ વર્ષથી વીસ હજાર રૂપિયાથી વધુ રકમ બાકી હોય તેવા ૧૩ હજાર કરદાતાઓના નામે ૯૦ કરોડ રૂપિયાનો વેરો બાકી બોલી રહ્યો છે.મહાનગર સેવાસદન દ્વારા સને ૨૦૧૦-૧૧ની સાલ માટે ક્ષેત્રફળ આધારિત પદ્ધતિની વ્યાજ સહિત પાછલી બાકી તથા ચાલુ વર્ષના વેરાની રકમ રૂ.૨૫૩.૬૬ કરોડ અને ભાડા આકારણી પદ્ધતિની વ્યાજ સહિતની બાકી રકમ રૂ.૪૩.૧૬ કરોડ રૂપિયાની વસૂલાત માટે બિલો ઇશ્યૂ કરવામાં આવ્યાં હતાં. જે પૈકી એપ્રિલ થી તા.૧૭ ઓગસ્ટ સુધીમાં૧૧૧.૩૫ કરોડ રૂપિયાની વસૂલાત આવેલી છે.જે કરદાતાઓએ છેલ્લાં દશ વર્ષ ઉપરાંતના સમયથી વેરો ભર્યો નથી તેવા વીસ હજાર રૂપિયાથી વધુ રકમના બાકી ભાડા આકારણી પદ્ધતિના તેમજ ક્ષેત્રફળ આધારિત આકારણી સહિત ૪૧.૧૫ કરોડ રૂપિયા બાકી નીકળી રહ્યા છે. આ રકમ ૬૫૪૬ કરદાતાના નામે બાકી બોલી રહી હોવાથી તેઓની પાસેથી વસૂલ કરવાના નીકળે છે.તેવી જ રીતે, ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિના અમલ બાદ જે કરદાતાઓએ વેરો ભર્યો નથી તે પૈકી વીસ હજારથી વધુ રકમ બાકી હોય તેવા ૬૭૩૪ કરદાતાઓ પાસે ૪૧.૧૫ કરોડ વસૂલ કરવાના થાય છે. જ્યારે, ચાલુ વર્ષનો વેરો બાકી હોય તેવા ૪૪૯ કરદાતાઓ પાસે ૨.૭૯ કરોડ રૂ. વસૂલ કરવાના થાય છે.


સોહરાબ હોય કે આસીફ બધો રૂપિયાનો ખેલ

સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટરમાં સીબીઆઈએ કરોડો રૂપિયાના ખેલની પહેલી વાર પોલ ખૂલી નાખી હતી આવું જ સુરતમાં અમદાવાદીને માર્યા બાદ તેની પાસેના ડાયરીમાંના નામ પાસેથી સારું એવી કેસ કવર કરી હોવાનું કહેવાય છે.સોહરાબુદ્દીન હથિયારોની હેરાફેરીમાં પકડાયા બાદ ખૂદ પોલીસ અધિકારીઓએ તેને હાથ પર લીધો હતો અને માલેતૂઝાર લોકોને ધાકધમકી આપીને માતબર રકમ કમાયા હતા.આસીફ અમદાવાદીના એન્કાઉન્ટર બાદ ડીસીબીની તપાસ કરતી ટીમે એવી જાહેરાત કરી હતી કે આસીફ પાસેથી એક ડાયરી મળી છે જેમાં તેના સંપર્કવાળા માણસોની યાદી છે અને આ યાદીમાં નામ હોવાનું જણાવીને જે તે સમયે લાખો રૂપિયાની આવક ચોક્કસ પોલીસ અધિકારીઓએ કરી હતી.


રાજસ્થાન : મોબાઈલ ફાટતાં યુવકનું મોત નીપજ્યું

રાજસ્થાનના કોટામાં બંધ ધર્મપુર ગામમાં મોબાઈલની બેટરી ફાટતા એક યુવકનું મોત નીપજ્યું છે. મોબાઈલ કેવી રીતે ફાટ્યો તેની તપાસ માટે જયપુરની એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યા અનુસાર બંધા ધર્મપુરાના રહેવાસી ૨૩ વર્ષીય ગોપાલ પુત્ર પાંચુ ગુર્જર સોમવારે ભેંસો ચરાવવા જંગલમાં ગયો હતો.જોકે સાંજ સુધી તે પાછો ન ફરતા તેના પરિવારજનોએ મોબાઈલ પર તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સ્વીચ ઓફ આવતો હતો. મંગળવારે સવારે તેના પરિવારે શોધખોળ કરતા ગામથી દોઢ કિમી દુર તેનો મૃતદેહ મળ્યો હતો. તેના કાનમાંથી લોહી નીકળ્યું હતું તેમજ નજીકમાં સળગેલો મોબાઈલ પડ્યો હતો. પ્રારંભિક તપાસમાં તેનું મૃત્યુ મોબઈલમાં વિસ્ફોટ થવાથી થયું હોવાનું બહાર આવ્યું છે.મેડિકલ જ્યૂરસ્ટિ ડૉ. વિશ્વદીપકના જણાવ્યા અનુસાર મોબાઈલ ફાટવાથી તેને શોટ લાગવાથી યુવકનું મૃત્યુ થયું હશે. તપાસ ટીમના જણાવ્યા અનુસાર મોબાઈલ ફોનની સ્ક્રિન પર સ્ક્રેચ જોવા મળતા હતા. બેટરી મોબાઈલથી કનેકટ થાય તે બાજુથી ક્ષતિગ્રસ્ત થઈ હતી. મોબાઈલ અંદરથી સંપૂર્ણ બળી ગયો હતો. મોબાઈલની બેટરી જુની કે ફુલેલી ન હોવા છતા આ દુર્ઘટના થઈ હતી.



ભુજમાં જિલ્લા ભાજપ દ્વારા મોંઘવારી મુદ્દે કાલે મૌનરેલી

મોંઘવારી ઘટાડવામાં નિષ્ફળ કેન્દ્રની યુ.પી.એ. સરકાર તથા સીબીઆઇનો દૂરુપયોગ કરી ગુજરાત સરકારને બદનામ તથા અસ્થિર કરવાના પ્રયત્નોના વિરોધ માટે મૌનરેલી તેમજ બેઠક ભુજ મધ્યે તા. ૧૯/૮ના ભાજપ કાર્યાલય મધ્યે મળશે.નવી લોહાણા મહાજનવાડી મધ્યે તા. ૧૯/૮ના બપોરે ૩ વાગ્યે જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ૪ વાગ્યે જિલ્લા સંગઠન હોદ્દેદારો, ચૂટાયેલા પદાધિકારીઓની બેઠક મળશે. સાંજે ૫ વાગ્યે મૌનરેલીનું આયોજન કરાયું છે.


સિરક્રીકમાંથી અબુધાબીનું ફ્લોટિંગ ડોક્યાર્ડ મળ્યું

બે દિવસ અગાઉ જ્યારે ભારતીય જળ સીમાના સિરક્રીક વિસ્તારના નીચેના દરિયાઇ ભાગમાં સીમા સુરક્ષાદળની પેટ્રોલિંગ પાર્ટી ફરી રહી હતી ત્યારે ૧૦૦ મીટર લાંબા અને ૩૦ મીટર પહોળા મોટા જહાજના ટુકડા જેવું ફ્લોટિંગ ડોક્યાર્ડ મળી આવતાં કચ્છમાં સુરક્ષા દળો સહિત એજન્સીઓ ચોંકી ઉઠી હતી. જો કે, પાછળથી તપાસ બાદ તે ડોક્યાર્ડ અબુધાબીનું હોવાનું બહાર આવતાં સુરક્ષાદળોએ રાહતનો શ્વાસ ખેંચ્યો હતો.બે દિવસ અગાઉ સીમા સુરક્ષાદળની નારાયણ સરોવર, કોટેશ્વર દરિયાઇ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલી ટુકડી સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે દૂરથી એક મોટા જહાજ જેવું ભારતીય સીમામાં તરતુ જોતાં તેઓ સાવધાન થઇ ગયા હતા અને સ્ટેન્ડ ટુ પોઝીશનમાં રહીને એ મહાકાય ટૂકડા તરફ આગળ વધ્યા હતા.સૌપ્રથમ કોઇ મોટા જહાજનો તૂતકનો મોટો ટૂકડો હોય તેવું લાગતું હતું. જો કે, ત્યાર બાદ તપાસ કરતાં ખબર પડી કે આ એક ફ્લોટિંગ ડોક્યાર્ડ હતું જે તરતુ તરતુ ભારતીય જળસીમામાં આવી ચડ્યું હતું.જો કે, જાણકાર સુત્રોના મત મુજબ આટલો મોટો ડોક્યાર્ડ તરતો આવે તે ગળે ઉતરે તેવી વાત નથી. ગુજરાત બીએસએફ ફ્રન્ટીયરના ઇન્સપેક્ટર જનરલ (આઇજી) અરૂણકુમાર સિન્હાએ સિરક્રીકમાંથી મળી આવેલો આ મોટા જહાજનો ટૂકડો બીજુ કંઇ નહીં પરંતુ અબુધાબીનું એક ફ્લોટિંગ ડોક્યાર્ડ હોવાનું જણાવ્યું હતું


ખંભાત : શિક્ષકે વિદ્યાર્થિનીને આવેશમાં ગાલે બચકું ભરી લેતાં ચકચાર

ખંભાત તાલુકાની જલસણ ગામની પ્રાથમિક શાળામાં મનોવિકૃતી ધરાવતા એક શિક્ષકે ચોથા ધોરણમાં ભણતી એક માસુમ વિદ્યાર્થિનીને ગાલ ઉપર બચકું ભરી લેતાં હોબાળો મચી જવા પામ્યો છે.આ વાત વાયુવેગે ગામમાં પ્રસરતાં ગ્રામજનોએ હલ્લાબોલ કરી શાળાનો ઘેરાવો કરતાં સમગ્ર મામલો મંગળવારે મોડી સાંજે ખંભાત રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે.સૂત્રોના જણાવ્યા મુજબ બાલાસિનોર વિસ્તારના વતની અને હાલમાં પેટલાદ તાલુકાના સુંદરા ગામમાં ભાડે મકાન રાખી રહેતા ૨૬ વર્ષના મહંમદભાઇ એ. ઘાંચી(વહોરા) છેલ્લા બે વર્ષથી ખંભાત તાલુકાના જલસણ ગામની પે સેન્ટર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.


રંગપુર માર્ગ અકસ્માત ઝોન બન્યો રપ હજાર લોકોના જીવને જોખમ

ખંભાત અને તારાપુર તાલુકાને જોડતો અતિ મહત્વનો ગણાતો ઊંટવાડા-રંગપુર માર્ગ ઉબડખાબડ, જર્જરિત, સિંગલપટ્ટી અને લેવલીંગ વગરનો હોઈ અકસ્માત ઝોન બન્યો છે. એક સપ્તાહમાં રિક્ષા પલટી જવાની બે ઘટના તથા સ્કૂટર ચાલકને ટક્કરની ઘટના પછી પણ આ માર્ગનું લેવલીંગ, સમારકામ તથા સાઇડોનું પુરાણકાર્ય શરૂ ન કરાતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
આ અંગે રંગુર, ઊંટવાડા તથા મોભાના રહીશોએ જિલ્લા મા. અને મ. વિભાગની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી ઊંટવાડાથી રંગપુરનો માર્ગ પહોળો કરી સાઇડોમાં પુરાણ કરવા માંગ ઉચ્ચારી છે.ખંભાત-તારાપુર વચ્ચે ૭ કિમીનું અંતર આ માર્ગને કારણે ઓછુંથતું હોઈ બંને તાલુકાના ર૮ જેટલા ગામોના રપ હજારથી વધુ નાગરિકો આ માર્ગનો ઉપયોગ કરે છે. સ્થાનિક અગ્રણી દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખંભાત-તારાપુરના ર૦ કિમીના માર્ગમાં ૧૬ કિમી સુધીનો માર્ગ બે વર્ષ પૂર્વે પહોળો કરાયા બાદ ઊંટવાડાથી રંગપુરનો માર્ગ જ અધૂરો છોડી દેવાયો.બેસણા માટે જતાં પેસેન્જરોને ગત સપ્તાહે રિક્ષામાં અકસ્માત નડતાં ૭ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પછી પણ તંત્રએ કોઈ જ પગલાં ભર્યા નથી. અહીં ધોળકાના સ્કૂટર ચાલક રાવજીભાઇ ભોઈને પણ આજ રોજ માથાના ભાગે ઈજા થઈ હતી.મોભાના શિક્ષક બળવંતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બંને તાલુકાને જોડતા અતિ મહત્વના માર્ગ લેવલીંગ કરી પહોળો કરાય તો શાળા-કોલેજમાં શિક્ષણ મેળવતા ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને પણ અનુકૂળતા થઈ જાય. આ માર્ગ રિપેર થાય તો નાગરિકોના સમયનો બચાવ થાય તથા અકસ્માતનું પ્રમાણ ઘટી જાય તેમ છે.


ચકચારી ભૈયાજી હત્યાકેસમાં મધ્યપ્રદેશ પોલીસ મહેસાણામાં

૧૭ વર્ષ પૂર્વે મહેસાણા એસ.ટી. ડેપોમાં શેરડીના કોલા પર ભૈયાજીની ધોળેદહાડે ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના ચકચારી કેસમાં નાસતા ફરતા હત્યારા બ્રિજેશકુમાર ઉર્ફે રવિનાથ ઠાકુરની તાજેતરમાં મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસની ફરિયાદ સહિતની માહિતી એકત્રિત કરવા મધ્યપ્રદેશ પોલીસ મહેસાણા આવતા વર્ષો જુનો આ કેસ પુન: ચર્ચાસ્પદ બન્યો છે.મહેસાણાના ભરચક વિસ્તારમાં આવેલા એસ.ટી. ડેપોમાં મૂળ મધ્યપ્રદેશનો રામડુલાર ખરપાતુરામ યાદવ શેરડીનો કોલો ધરાવતો હતો. ગત તા.૧૪-૬-૯૨ના રોજ મારૂતિ કારમાં આવેલા સાતથી વધારે શખ્સોએ પોતાના હાથમાં રહેલ ખાનગી રિવોલ્વરમાંથી અત્રે હાજર રઘુનાથ વામજતન યાદવ પર અંધાધુધ ફાયરિંગ કરતા ઘટના સ્થળે દોડધામ મચી જવા પામી હતી.
રાજકીય અદાવત રાખીને કરાયેલી આ હત્યા બાદ ગાડીમાં ભાગેલા હત્યારાઓએ તેમનો પીછો કરી રહેલી પોલીસની ગાડી પર ફાયરિંગ કરતા પોલીસ અધિકારીને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અંગે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને તે પૈકીના ચારથી વધુ હત્યારાઓને મહેસાણા કોર્ટે સજા કરી હતી.ઉપરોક્ત બહુચર્ચીત હત્યા કેસ હાલમાં સીઆઈડી ક્રાઈમ હસ્તક છે ત્યારે તાજેતરમાં મધ્યપ્રદેશ પોલીસે ઝડપેલા આ હત્યા કેસના મુખ્ય આરોપી બ્રિજેશકુમાર ઉર્ફે રવિનાથ ઠાકુરની ગુનાખોરીની કુંડળી મેળવવા મધ્યપ્રદેશ પોલીસ મહેસાણા આવી હતી. શહેર પોલીસ પાસેથી ૧૭ વર્ષ પૂર્વેના કેસના પેપર્સ સહિતની માહિતી મધ્યપ્રદેશ પોલીસે એકત્રિત કરી છે ત્યારે આ હત્યારાને મહેસાણાના આ ગુનામાં લાવવામાં આવે તેવું પણ મનાઈ રહ્યું છે


રાજકોટ: ગરાસીયાના બે જૂથ વચ્ચે મારામારી

નાથજી સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ પ્રતાપસિંહ વાળા(ઉ.વ.૨૩) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિલજીતસિંહ ભરતસિંહ ગોહિલ,તેના ભાઇ વિજયસિંહ ગોહિલ, આનંદ અને ઉમંગના નામ આપ્યા છે. ગીરીરાજસિંહના મિત્ર પાસે આનંદે નાણા લેવાના છે. જે મુદ્દેસમાધાન માટે ભેગા થયા હતા. પરંતુ સમાધાન પડી ભાંગતા આરોપીઓએ હુમલો કરી ગીરીરાજ અને તેના ભાઇ લખધીરસિંહને માર મારી પોણા બે તોલાનો ચેન અને એક મોબાઇલ મળી રૂ. ૨૧ હજારની માલમત્તા લૂંટી લીધી હતી.સામા પક્ષે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા વિજયસિંહ ભરતસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં ગિરીરાજસિંહ, યુવરાજસિંહ,ધર્મરાજ અને સુખાએ ધોકાથી હુમલો કરી૨૦ હજારની કિંમતનો ચેન લૂંટી નાસી ગયાનું જણાવ્યુ હતું.


રાજકોટ: રિક્ષામાં આવેલા ત્રણ શખ્સે યુવાનને લૂંટી લીધો

રાજકોટ તાલુકાના સોખડા ગામ જવાના રસ્તે રાતે લઘુશંકા કરવા ઉભેલા યુવાન ઉપર ઓટો રિક્ષામાં આવેલા ત્રણ શખ્સો લાકડીથી હુમલો કરી છ હજાર રોકડા અને મોબાઇલની લૂંટ ચલાવીને નાસી ગયાની ફરિયાદ નોંધાઇ છે. સોખડામાં ત્રણ દિવસમાં લૂંટનો બીજો બનાવ નોંધાતા ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ છે.મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા હસમુખ ભનુભાઇ ધોળકીયાએ પોલીસને જણાવ્યા મુજબ, તે રાતે સાડા દસ વાગે સોખડા રોડ પર લઘુશંકા કરવા ઉભો હતો ત્યારે, સીએનજી ઓટો રીક્ષામાં આવેલા આશરે ૨પ થી ૩૦ વર્ષની ઉમરના ત્રણ શખ્સો આવ્યા હતા. અને કાંઇ પણ બોલ્યા વગર લાકડીથી હુમલો કરી ખિસ્સામાંથી રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયા હતા.


વિસાવદરમાં એક કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો

જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં મંગળવારે બપોરે એક કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજકોટ પાસેના શાપર-વેરાવળમાં પણ માત્ર દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો. સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળે હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા.જુનાગઢ જિલ્લામાં ભેંસાણ, સૂત્રાપાડા, વંથલી અને જુનાગઢ શહેરમાં ઝાપટાં પડ્યા હતા. જ્યારે વિસાવદર શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોરે બેથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન ૬૧ મી.મી. પાણી પડ્યું હતું. એક કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડી જતાં નદીઓમાં પૂર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન બેથી ત્રણ ઝાપટાં પડ્યા હતા. જ્યારે રાજકોટથી ૧૫ કિલોમીટર દૂર આવેલા શાપર-વેરાવળમાં સાંજે ૪થી ૫-૩૦ના સમયગાળા દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો.


આમ આદમી બેહાલ, પાર્ટીઓ માલામાલ

દેશની અડધી વસ્તીને રોજના વીસ રૂપિયા પણ મળતા નથી, પરંતુ આ ગરીબ વર્ગોનો ઢોલ પીટીને વોટ લણી લેનારા રાજકીય પક્ષોના ખજાનાઓમાં ભારે વધારો થઈ રહ્યો છે. વસ્તુસ્થિતિ એ છે કે મુખ્ય રાજકીય પક્ષોએ કમાણીના મામલામાં મોટા-મોટા વ્યવસાયિક ઘરાનાઓને પણ પાછળ છોડી દીધા છે. આ પક્ષોએ મંદીના ગાળામાં પણ કરોડોની કમાણી કરી છે.આમ આદમીને ચોંકાવનારો આ ખુલાસો રાજકીય પક્ષો દ્વારા ભરવામાં આવેલા આયકર રિટર્નથી થયો છે. જેની જાણકારી સ્વયંસેવી સંસ્થા એડીઆરને માહિતી અધિકાર હેઠળ મળી છે. કમાણીના મામલામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સૌથી પાછળ છે.


ઓબામા અને બુશમાં કોઈ તફાવત નથી

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ અને બરાક ઓબામા વચ્ચે હવે કોઈ તફાવત નથી. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓબામાએ જ્યારથી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે ત્યારથી અત્યાર સુધી અફઘાનિસ્તાન ખાતે અમેરિકામા કુલ 575 સૈનિકો માર્યા ગયા છે. અમેરિકાના સૈનિકોની ખુવારીનો આ આંક બુશના સમગ્ર કાર્યકાળ દરમિયાન થયેલા આંક જેટલો જ છે.અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બુશે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે હવે બારાક ઓબામા સૈનિકોની ખુવારી બાબતે પોતાના પુરોગામી રાષ્ટ્રપતિનો કોઈ દોષ કાઢી શકે તેમ નથી.રિપોર્ટના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી કુલ 2000 વિદેશી સૈનિકોના મોત થયા છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં થયેલી અથડામણમાં 331 બ્રિટિશ સૈનિકો પણ માર્યા ગયા છે.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવે પછી કોઈ અમેરિકન સૈનિકનું મોત નિપજશે તો અફઘાનિસ્તાનમાં સૌથી વધુ સૈનિકોની ખુવારી કરવાનો રેકોર્ડ બરાક ઓબામાના નામ નોંધાઈ જશે.


પીપલી લાઈવમાં લાલબહાદૂર શાસ્ત્રીનું અપમાન થયું`

આમ તો ફિલ્મ પીપલી લાઈવે ઘણી પ્રશંસા મેળવી અને બોક્સ ઓફિસ પર સફળ પણ રહી છે. પરંતુ ફિલ્મ વિવાદોથી હવે વધારે દૂર રહી શકે તેમ નથી. તાજેતરનો વિવાદ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીને લઈને છે. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની સલાહકાર સમિતિના બે સભ્યોએ ફિલ્મના એક સંવાદ પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીનું અપમાન થયું છે.મોહનસિંહ સૈની અને બૃજમોહન શર્માએ સીબીએફસીના અધ્યક્ષ શર્મિલા ટાગોર, આમિર ખાન અને માહિતી પ્રસારણ મંત્રી અંબિકા સોનીને પત્ર લખીને તેમાંથી ફિલ્મનો વાંધાજનક સંવાદ હટાવાની માગણી કરી છે.સૈનીના જણાવ્યા પ્રમાણે, ફિલ્મના એક દ્રશ્યમાં જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડૂત નત્થાને પાણી આપવાનું કહે છે, તો તે કહે છે કે નત્થાને એક `લાલબહાદૂર` આપી દો. અહીં લાલ બહાદૂરથી ફિલ્મમાં લાલ બહાદૂરના નામ પર ચાલી રહેલી એ યોજનાથી છે કે જેના નામ પર જળ આપવામાં આવે છે. સૈનીનું કહેવું છે કે આ દિવંગત વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીનું સીધું અપમાન છે અને ફિલ્મમાંથી આ દ્રશ્ય દૂર થવું જોઈએ.


આજે ફરીથી વણઝારા એન્ડ કંપની અને અમીન આમને સામને

છેલ્લા કેટલાય સમયથી એકબીજાનું નામ લેવાનું તથા એકબીજા સાથે આંખ મીલાવવાનું પણ ટાળતા ડો.અમિન અને વણઝારા એન્ડ કંપનીના અન્ય આરોપીઓ આજે ફરીથી કોર્ટ પરીસરમાં ભેગા થશે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણના સહ આરોપીઓ ડો. નરેન્દ્ર અમીન અને વણઝારા સહિત અન્ય આઠ આરોપીઓ આજે ફરીથી આમને સામને થઇ જશે. કેમકે આજે તાજના સાક્ષી બનવાની જાહેરાત કરનાર ડો. નરેન્દ્ર અમીનની કોર્ટમાં નિવેદન માટેનું તથા તેમની માફી માટેની દાદની સુનાવણી છે. તો બીજી તરફ વણઝારા એન્ડ કંપનીએ અમીનને તાજનો સાક્ષી બનતા અટકાવવા માટે કરેલી અરજીની પણ આજે જ સુનાવણી છે.હવે જોવાનું એ રહેશે કે અમીન તાજા સાક્ષી બનવામાં સફળ થાય છે.કે વણઝારા એન્ડ કંપની તેમને રોકવામાં સફળ થાય છે? જોકે બન્ને પક્ષોએ પુરતુ જોર લગાવી દીધુ છે. અને તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. વણઝારા એન્ડ કંપનીએ તો અમીનને તાજના સાક્ષી બનતા અટકાવવા માટે મુંબઇના સીનીયર એડવોકેટ જયસિંઘાની સહિત સીનીયર વકીલોની ફોજ ઉતારી દીધી છે.તો બીજી તરફ અમીન પણ પુરી દોડધામ કરી રહ્યા છે.જ્યારે સીબીઆઇ દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે. કે આમતો અમારી પાસે પુરતા પુરાવા છે. પરંતુ અમીન તેમની પાસેની તમામ સાચી માહિતી તથા બધાજ પુરાવા આપીને કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપી તાજના સાક્ષી બને તો સીબીઆઇને કોઇ વાંધો નથી.આજથી થોડા મહિનાઓ પહેલા આ તમામ આરોપીઓ સાથે હોઇ ડો.અમીન દ્વારા જોરશોરથી એવી જાહેરાત કરવામાં આવતી હતી કે સોહરાબુદ્દીનના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ.પરંતુ અમે એકજ છીએ કહેવા વાળા અમીનજ આજે પોતાના સહઆરોપીઓના દુશ્મન બની બેઠા છે તેમને તાજના સાક્ષી બની તમામ માહિતી સીબીઆઇને આપવાની જાહેરાતા કરતાં આજે તેમનાજ સહ આરોપીઓ તેમને જહોની ગદ્દાર કહી રહ્યા છે. જોકે બીજી તરફ વણઝારા એન્ડ કંપની અંગે કંઇ પણ કોમેન્ટ કરવાનું અમીન ટાળી રહ્યા છે.



સોહરાબ હોય કે આસીફ બધો રૂપિયાનો ખેલ

સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટરમાં સીબીઆઈએ કરોડો રૂપિયાના ખેલની પહેલી વાર પોલ ખૂલી નાખી હતી આવું જ સુરતમાં અમદાવાદીને માર્યા બાદ તેની પાસેના ડાયરીમાંના નામ પાસેથી સારું એવી કેસ કવર કરી હોવાનું કહેવાય છે.સોહરાબુદ્દીન હથિયારોની હેરાફેરીમાં પકડાયા બાદ ખૂદ પોલીસ અધિકારીઓએ તેને હાથ પર લીધો હતો અને માલેતૂઝાર લોકોને ધાકધમકી આપીને માતબર રકમ કમાયા હતા.આસીફ અમદાવાદીના એન્કાઉન્ટર બાદ ડીસીબીની તપાસ કરતી ટીમે એવી જાહેરાત કરી હતી કે આસીફ પાસેથી એક ડાયરી મળી છે જેમાં તેના સંપર્કવાળા માણસોની યાદી છે અને આ યાદીમાંનામ હોવાનું જણાવીને જે તે સમયે લાખો રૂપિયાની આવક ચોક્કસ પોલીસ અધિકારીઓએ કરી હતી.

No comments:

Post a Comment