10 August 2010

વેરાવળ : સોમનાથમાં મકાન પડતાં ૯નાં મોત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

વેરાવળ : સોમનાથમાં મકાન પડતાં ૯નાં મોત

મધરાત્રે જર્જરિત મકાન ધડાકાભેર તૂટી પડ્યું : નિદ્રાધીન સિંધી પરિવાર ઊઠી જ ન શક્યો. એક સાથે નવ અર્થી ઉઠતાં અંતિમ યાત્રામાં આંસુનો દરિયો વહ્યો.વેરાવળનાં પ્રભાસ પાટણમાં રવીવારની મધ્યરાત્રિએ યમરાજે જાણે મુકામ કર્યો હોય તેમ ચોગાન ચોકમાં એક જૂનું અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતાં સીંધી પરિવારનાં નિદ્રાધીન નવે નવ સભ્યો ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. ધડાકાનાં અવાજથી સફાળા જાગેલા આસપાસનાં રહીશો બહાર દોડી આવ્યા હતા. ત્યારે સામેનું મકાન કાટમાળમાં પલ્ટાયેલું નજરે પડ્યું હતું. થોડીજ કલાકો પહેલાં જે પરિવારનો હસતો ખેલતો નીહાળ્યો હતો. તેમનાં મૃતદેહો કાટમાળ નીચે દટાયેલા જોઇ કઠણ કાળજાવળા પણ કંપી ઉઠ્યા હતા. એક્સાથે નવ નવ મૃતદેહોને પી.એમ. માટે ખસેડાયા ત્યારે આંસુનો દરિયો વહ્યો હતો. અને શહેર આખું શોકમાં ગરકાવ થઇ ગયું હતું.પ્રભાસ પાટણનાં જોડીયાનગર ચોગાન ચોકમાં આવેલું સાજનદાસ ટેલુમલ ટીકોતીયા (ઉ.૫૫)નું મકાન ગત રાત્રિનાં અઢી વાગ્યાનાં અરસામાં ધડાકાભેર તૂટી પડતાં ઘરનાં નવેય સભ્યો નિદ્રધીન અવસ્થામાં જ મોતને ભેટ્યા હતા. ધડાકો સાંભળી આસપાસનાં રહીશો સફાળા જાગી બહાર દોડી આવ્યા હતા. અને બનાવ અંગે સૌપ્રથમ પૂર્વ નગરસેવક અને સીંધી આગેવાન લાલુભાઇ માખેચાને જાણ કરાઇ હતી. તેમણે ઘટનાસ્થળે દોડી આવી પ્રભાસ પાટણ પોલીસ અને ન.પા.નાં ચીફ ઓફિસરને જાણ કરી હતી.આ ઘટનામાં સાજનદાસભાઇનાં અને તેમનાં ભાઇનાં પરિવારનાં નવેય સભ્યો મોતને ભેટ્યાનાં સમાચારો ફેલાતાં અરેરાટી ફેલાઇ હતી. મૃતક હતભાગીઓમાં નીચેનાં માળે રહેતા સાજનદાસભાઇ, તેમનાં પત્ની ઇન્દુબેન ઉ.૫૦) , તેમની ત્રણેય પુત્રીઓ દીપાબેન (ઉ.૧૯), કંચનબેન (ઉ.૧૭) અને વૈશાલીબેન (ઉ.૧૬) અને ઉપરનાં માળે રહેતા સાજનદાસનાં ભાઇ સ્વ. કશિનચંદનાં પત્ની ચંદ્રિકાબેન (ઉ.૬૦), પુત્રો દિનેશ (ઉ.૩૦), જગદીશ (ઉ.૨૮) અને પુત્રી દીપા કશિનચંદ (ઉ.૨૪) નો સમાવેશ થાય છે.બનાવને પગલે પી.આઇ. સરવૈયા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને તાકીદે બચાવની કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ સમગ્ર પ્રભાસ પાટણ વિસ્તારમાં થઇ જતાં લોકોનાં ટોળે ટોળાં ચોગાનચોકમાં ઉમટી પડ્યા હતા.કાટમાળ ખસેડવામાં એન.ડી.આર.એફ. ની ટુકડી જોડાતાં ઝડપ આવી હતી. મૃતદેહોને પી.એમ. માટે વેરાવળનાં સરકારી દવાખાને ખસેડાયા હતા. મામલતદાર અને નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલાને જાણ કરાયા બાદ તંત્ર જેસીબી સાથે પહોંચ્યું હતું.


ટ્રાફિક પોલીસમાં જવાનોની સંખ્યા વધારો: વડી અદાલત

શહેરમાં વાહનોની વધતી સંખ્યાને કારણે ટ્રાફિકની ગીચતા દૂર કરવા અને એ સમસ્યા પર નિયંત્રણ રાખવા પૂરતી સંખ્યામાં ટ્રાફિક પોલીસના જવાનો વધારવા રાજ્ય સરકારે વિચાર કરવો જોઈએ, એવો આદેશ વડી અદાલતે આપ્યો હતો.આ બાબતમાં વડા ન્યાયમૂર્તિ મોહિત શાહ અને ન્યાયમૂર્તિ સત્યરંજન ધમૉધિકારીની ખંડપીઠ સમક્ષ સુનાવણી કરાઈ હતી. વાહનોની વધતી સંખ્યાને કારણે શહેરની પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ હોવાનું સરકારી વકિલ ધૈર્યશીલ નલાવડેએ જણાવ્યું હતું. મુંબઈમાં વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધીમાં ૧૭ લાખ વાહનો નોંધાયાં છે. આટલી મોટી સંખ્યામાં વાહનો પર નિયંત્રણ માટે ફક્ત ૨૬૦૦ પોલીસ જવાનો છે અને તેમને માટે વાહનવ્યવહાર પર નિયંત્રણ અઘરું બન્યું છે.મુંબઈ બાર એસોસિયેશને શહેરની વાહન વ્યવહારની સમસ્યા અંગે કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આ મુદ્દા પ્રકાશમાં આવ્યા હતા. સિગ્નલ પર રાહદારીઓની સુરક્ષા તરફ દુર્લક્ષ રખાતું હોવાનો મુદ્દો એક અરજી દ્વારા એડવોકેટ આર્મીન વાંદરેવાલાએ ઉપસ્થિત કર્યો હતો.વાહનવ્યવહાર પર નિયંત્રણ માટે મુખ્ય જંકશન્સ સહિત ૨૫૩ ઠેકાણે સીસીટીવી ગોઠવાયાં હોવાની માહિતી સરકારી વકીલ ધૈર્યશીલ નલાવડેએ આપી હતી. આ તબક્કે એડ. વાંદરેવાલાએ વાહનવ્યવહાર સલાહકાર સમિતિ સ્થાપવા સૂચન કર્યું હતું. એ સૂચન સરકાર વકીલે માન્ય રાખ્યું હતું. રસ્તો ઓળંગવા માટે અનેક ઠેકાણે ઝેબ્રા ક્રોસિંગના પટ્ટા નહીં હોવાની ફરિયાદ એડ. વાંદરેવાલાએ કરી હતી.મુંબઈ મહાપાલિકાને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ક્રોસિંગના તમામ ઠેકાણા પર ‘ઝેબ્રા ક્રોસિંગ’ના પટ્ટા રંગવાનું કામ પૂરું કરવાનો આદેશ આપ્યા બાદ અરજીની સુનાવણી ત્રણ સપ્તાહ માટે મુલતવી રાખી હતી.


આણંદ-ખેડામાં દશામાના વ્રતનો આજથી થનાર પ્રારંભ

આણંદ, નડિયાદ સહિત સમગ્ર પંથકમાં દશામાના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વ્રતનો સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વ્રતના પ્રારંભ પૂર્વે રવિવારે બજારમાં માં દશામાની મૂર્તિ, પૂજા-અર્ચનાની સામગ્રીની ખરીદી માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. બજારમાં રૂ.૨૫ થી ૫૦૦ ઉપરાંતની દશામાની પ્રતિમા મળી રહી હતી.આણંદ-ખેડા જિલ્લામાં માદશામાના વ્રતની મહિલાઓ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વ્રતનો સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે વહેલી સવારે મહિલાઓ તૈયાર થઈને પોતાના ઘરમાં માં દશામાની મૂર્તિનું સ્થાપન કરશે અને દશ દશ દિવસ સુધી શ્રધ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરશે અને વ્રતના દશમાં દિવસે મહિલાઓ જાગરણ કરે છે. દશ દિવસ ચાલતા મા દશામાના વ્રતના કારણે જિલ્લામાં કેટલાક સ્થળોએ રાત્રિના સમયે ડાંડીયા-રાસનું પણ આયોજન કરવામાં આવે છે. જેના કારણે નવરાત્રિ જેવો માહોલ સર્જાય છે. આ વ્રતના પ્રારંભ પૂર્વે રવિવારે બજારમાં મા દશામા અને તેમની સાંઢણી પ્રતિમા સહિત પૂજા-અર્ચનાની સામગ્રી ખરીદવા માટે વ્રત કરનારી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ વ્રત નિમિત્તે બજારમાં પુસ્તિકાઓ તેમજ માતાજીના ગરબાની વિવિધ સીડી-કેસેટોનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે.આણંદમાં બોરસદ ચોકડી પાસે આવેલ દશામાના મંદિરને રોશની સાથે સજાવવામાં આવ્યું છે. જ્યાં આસપાસના વિસ્તારમાં રહેતાં માઇભક્તોની ભીડથી મેળા જેવો માહોલ સર્જાય છે. મહુધા તાલુકામાં આવેલા મીનાવાડામાં મા દશામાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં દશામાના વ્રત નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ દર્શનનો લાભ લેવા માટે રાજ્યભરમાંથી ભક્તજનો ઉમટી પડે છે. ગામમાં દશ દિવસ ભક્તજનોનો અવિરત પ્રવાહ રહે છે. જેથી ગામમાં મેળા જેવો માહોલ સર્જાય છે.


કડી તાલુકાનાં પાંચ ગામમાં ૬૬ પરિવારનું સ્થળાંતર

રવિવારે પડેલા વરસાદને પગલે કડી તાલુકાની દક્ષિણે આવેલા ખાખરીયા ટપ્પાના ૪૦ જેટલા ગામડાઓમાં ૧૩૩ જેટલા કાચા મકાનોને અંશત: નુકશાન તેમજ ૩૬ જેટલા કાચા મકાનો ધરાશાયી થયા હતા. જ્યારે ૪ પાકા મકાનોને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. જો કે, તંત્ર દ્વારા ૫ જેટલા ગામડાઓમાં ૬૬ કુટુંબોનું સ્થળાંતર કરી વરસાદમાં રાહતની કામગીરી હાથ ધરી છે.રવિવારે ખાબકેલા આઠ ઈંચ જેટલા વરસાદે જાણે વિનાશ વેર્યો હોય તેમ કડી પંથકના ખાખરીયા ટપ્પાના ખાવડ, વેકરા, ડરણ, કોલાદ, સોનવડ, જેતપુરા, પાલ્લી, વામજ, વડાવી, ગોવિંદપુરા, યશવંતપુરા, ચંદ્રાસણ સહિતના ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જે અંગની જાણ સ્થાનિક તંત્રને થતા અધિકારીઓ તાત્કાલીક ગામડાઓની પરિસ્થિતિને હળવી કરવા રાહતની કામગીરી હાથ ધરી હતી. ૮ ઇંચ જેટલા પડેલા વરસાદને લઇ ખાખરીયા ટપ્પાના ૪૦ જેટલા ગામડાઓમાં ૧૩૩ જેટલા કાચા મકાનોને અંશત: નુકશાન તેમજ ૩૬ જેટલા કાચા ધરાશાયી થયા હતા.જ્યારે તાલુકાના વડાવી અને વામજમાં ૪ પાકા મકાનોને પણ વ્યાપક નુકશાન પહોચ્યું હતું. તાલુકાના પીરોજપુર, ફતેપુરા, લુણાસણ, વામજ અને નાડોલિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ૬૬ કુટુંબોને તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું હત અને રાહતની કામગીરી હાથ ઘરી હતી. ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ જે તે ગામના તલાટીઓ દ્વારા તાલુકા પંચાયતમાં રિપોર્ટ આપ્યો હતો.


મોદીના ફોટાવાળા બોર્ડ હટાવવાનું અમારું ગજું નથી

કલેક્ટર, મ્યુનિ. કમિશનર, એસ્ટેટ ઓફિસર, ટીપીઓ સહિતના અમલદારો સત્તા સામે ઘૂંટણિયે પડી ગયા! શહેરના પ્રવેશદ્વારથી લઇ મુખ્ય રાજમાર્ગો અને શેરી-ગલીઓમાં સ્વાતંત્રય પર્વની ઉજવણીનો માહોલ મોદીની પ્રસિધ્ધનો જશ્ન બનાવી દેવાયો છે. સરકારી સાધન સામગ્રી ખાસ કરીને મહાપાલિકાના વાહનોને પીદુડવામાં કલેક્ટર પટેલ કોઇ કસર છોડતા નથી. સામે મહાપાલિકા અને અન્ય સરકારી વિભાગોએ પણ જાહેર મિલકતો ઉપર કબજો જમાવી લીધો છે.ત્યાં સુધી કે રોડને પણ કોરા મૂકવામાં આવ્યા નથી. પવનની એક ભારે થપાટથી વાહનચાલકો ઉપર ગમે ત્યારે ધસી પડે એ રીતે ચારેબાજુ ડિવાઇડર મોદીના ફોટાવાળા હોર્ડિંગ્સ-બેનરો ખડકી દેવાયા છે, જે સંપૂર્ણપણે ગેરકાયદે હોવા છતાં મહાપાલિકા તંત્રના આંખે અહીં સત્તાગીરીના પાટા બંધાઇ ગયા છે. આ રીતે ડિવાઇડર પર ખોડી દેવાયેલા હોર્ડિંગ્સ ગેરકાયદે ન કહેવાય? એવા સવાલ સામે મહાપાલિકાના અધિકારીઓએ શરમભરેલુ માથું હામાં તો હલાવ્યું હતું પણ પગલાં લેવા સામે માથું ઝૂંકાવી દીધુ હતુ. બેનરમાં મોદી સાહેબના ફોટા છે ને, એટલે અમારું ગજું નથી. એવો ડર તેઓના ચહેરા પર સાફ ડોકાતો હતો.સરકારી કાર્યક્રમ છે, સહયોગ આપવો પડે: મ્યુ. કમિશનર -રોડ ડિવાઇડર પરના હોર્ડિંગ્સ ગેરકાયદે નથી? એવા સવાલ સામે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્નભટ્ટ પાસે ઉત્તર આપવા કોઇ શબ્દો ન હતા. તેઓએ માત્ર એક જ કેસેટ વગાડવાની ચાલુ રાખી હતી કે, આ સ્વાતંત્રય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી છે. સરકારી કાર્યક્રમ છે. એટલે સહયોગ તો આપવો પડે ને! સાહેબ કહે, એટલે બધું કાયદેસર: જગ્યા રોકાણ અધિકારી રૂપારેલિયા -રોડ, ફૂટપાથ અથવા તો ડિવાઇડર પરના દબાણો દૂર કરવાની મુખ્ય જવાબદારી એસ્ટેટ ઓફિસર રૂપારેલિયાની છે. પણ તેઓએ નિંભર થઇને એવુ કહ્યુ હતુ કે, રોડ ડિવાઇડરો માટે નિયમો તો છે, પણ સાહેબ કહે એટલે આ હોર્ડિંગ્સ કાયદેસર! તેમણે અવો ઉલ્લેખ પણ કર્યો હતો કે બેનરમાં મોદીનો ફોટો છે ને એટલે કાયદેસર-બીન કાયદેસરની વ્યાખ્યા ઉપરથી જ નક્કી થયેલી છે. માટે હું વિશેષ કંઇ ન કરી શકુ કે કહીં શકુ!જાહેરાત ઉપર મોદીનાં બેનર લગાડી દેવાયાં! રોડ પર મહાપાલિકાની હોર્ડિંગ્સ સાઇટ પર કલેક્ટર એચ.એસ.પટેલે કબજો જમાવી ત્યાં મોદીની પ્રસિધ્ધિના માચડા ઉભા કરી દીધા બાદ આટલાથી સંતોષ ન થતો હોય તેમ હવે પ્રાઇવેટ બિલ્ડિંગ-મકાનો પરની ખાનગી હોર્ડિંગ્સ સાઇટો પણ મોદીના ફોટાવાળી જાહેરાતોથી ચીતરી દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં સત્તાગીરીની ચરમસીમા તો એ છે કે, સાઇટ પર કોઇની જાહેરાત લગાવેલી હોય તો પણ તે કાઢયા વગર તેની ઉપર જ મોદીના ફોટાવાળી જાહેરાતો લગાડી દેવામાં આવી રહી છે. આજે સાંજથી આ રીતે ખાનગી સાઇટ ઉપર કબજો જમાવવાનું ચાલુ થતાની સાથે જ આઉટડોર એજન્સીઓમાં ઉહાપોહ મચી ગયો હતો.


આશિયાનો બન્યો યમદૂત

ઘરને ધરતીનો છેડો કહેવામાં આવે છે. માણસ માત્રને પોતાના ઘરમાં મળે એ સુખ, એ શાંતિ અને એ સંતોષ બીજે ક્યાંય ન મળે. કારણ એ કે એ ઘર એનું પોતાનું હોય. એ ઘરમાં એણે પોતાના સ્વપ્નો સજાવ્યા હોય, એ ઘરમાં એણે જિંદગી વિતાવી હોય, એ ઘર સાથે સુખ-દુ:ખના અઢળક સંભારણાઓ હોય, એ ઘરમાં પરિવાર સાથે મીઠો કલોલ કર્યો હોય.એ ઘરમાં એ પોતાને સલામત અનુભવે. પણ... પ્રભાસપાટણમાં એક સિંધી પરિવાર માટે એનો આશિયાનો જ યમદૂત બન્યો. રવિવારની ભાંગતી રાત્રે કાળ ક્રૂરતાની તમામ સીમાઓ વળોટીને ત્રાટકયો. સિંધી પરિવારના નવ સભ્યો મીઠી-ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા ત્યાં અચાનક જ બે માળનું એ મકાન કડડડભૂસ થઇને ધરાશાયી થઇ ગયું.વજનદાર પથ્થરો અને બેલાઓ હેઠળ નવ-નવ જિંદગી દબાઇ ગઇ, દટાઇ ગઇ. હજુ થોડી ક્ષણો પહેલાં ધબકતા હૃદયો ગૂંગળાઇને શાંત થઇ ગયા. કદાચ... એ ઘરના હતભાગી રહેવાસીઓની નિંદ્રા સફાળી ઉડી ગઇ હશે. હે ભગવાન ! આ શું થયું ? એવો મૂક ચિત્કાર નીકળ્યો હશે અસહ્ય દર્દ અને પીડા વચ્ચે એમણે પોતાના ભાઇ-ભાંડુ, માતા-પિતા કે પુત્ર-પુત્રીનું શું થયુ એ જોવા પ્રયાસ કર્યો હશે અને બાદમાં થોડા તડફડિયા મારીને એ જિંદગીઓ સદા માટે ચીર નિંદ્રામાં પોઢી ગઇ હશે.કાળના આ અટહાસ્યથી પ્રભાસ પાટણ સ્તબ્ધ બની ગયું છે. સોમનાથ મંદિર સમપિની શેરીમાંથી એક સાથે નવ-નવ મૃતદેહોને કતારબધ્ધ ગોઠવવામાં આવ્યા ત્યારે આકાશ પણ રડી પડ્યું હતું. નવ-નવ નનામીઓ એક સાથે નિકળી ત્યારે સોમનાથ મહાદેવની આંખમાંથી આંસુ સરી પડ્યા હશે.


માનવે બચવા માટે અવકાશમાં રહેવું પડશે

વિશ્વના પ્રખ્યાત વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગ અનુસાર માનવ જાત આગામી બે સદીમાં જો પૃથ્વી છોડીને અવકાશમાં નહીં વસે તો તે વિલુપ્ત થઈ જશે. જો કે તેમણે માનવના અસ્તિત્વ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.‘બિગ થિન્ક’ પોર્ટલ સાથેના ઈન્ટરવ્યૂમાં પ્રો. હોકિંગે જણાવ્યું હતું, ‘મને માનવ જાત માટે મોટો ખતરો દેખાય છે. ભૂતકાળમાં સંખ્યાબંધ વખત અસ્તિત્વ સામે ખતરો ઊભો થતા રહી ગયો હતો. ૧૯૬૩માંની કયુબન મિસાઈલ તંગદિલી આવા બનાવો પૈકીની એક હતી. આવા પ્રસંગોનું પ્રમાણ ભવિષ્યમાં વધવાની શક્યતા છે.બધા જ પ્રસંગોને સફળતાપૂર્વક હલ કરવા માટે આપણે ઘણી કાળજી અને નિર્ણયો લેવા પડશે. પરંતુ હું આશાવાદી છું. જો આગામી બે સદી સુધી આપણે મોટી દુર્ઘટનાને ટાળી શકીશું તો આપણી જાત સુરક્ષિત હશે, કારણ કે આપણે અવકાશમાં રહેતા હોઈશું.’પ્રો. હોકિંગે ચેતવણી આપી હતી કે માનવજાત ‘આપણા ઈતિહાસના વધુને વધુ ખતરનાક સમયગાળા’માં પ્રવેશી રહી છે. તેમણે કહ્યું હતું કે આગામી ૧૦૦ વર્ષમાં દુર્ઘટનાને ટાળવાનું ઘણું મુશ્કેલ બનશે.’ તેમણે ઉમેર્યું હતું, ‘લાંબા ગાળાના અસ્તિત્વ માટેનો આપણો એક માત્ર ચાન્સ પૃથ્વી પર રહેવામાં નહીં, પરંતુ અવકાશમાં


ધોનીની બાદશાહત સામે ખતરો

શ્રીલંકા સામે અંતિમ ટેસ્ટમાં વિજય હાંસલ કર્યા બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે. આ શ્રેણીમાં ભારતીય સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે શાનદાર દેખાવ કર્યો હતો.જો કે હવે આઈસીસી વન ડે રેન્કિંગમાં ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગના સ્થાને સામે જોખમ ઉભું થયું છે.


શિંદેની પુત્રીના છુટાછેડાના કેસમાં સમાધાન ના થઈ શક્યું

કેન્દ્રીયપ્રધાન સુશીલકુમાર શિંદેની પુત્રી સ્મૃતિ શિંદે અને તેમના પતિ વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં સુપ્રીમે સદભાવપૂર્વક સમાધાન કરવા સૂચવ્યા બાદ પણ પતિ- પત્ની સમાધાન સુધી પહોંચી શક્યા નહોતા. સુપ્રીમ કોર્ટે સ્મૃતિ અને તેમના પતિ સંજય પહાડિયાને ૮ જુલાઇના રોજ સમાધાન શોધવા સૂચન કર્યું હતું.ન્યાયમૂર્તિ જી.એસ.સિંઘવી અને એ.કે. ગાંગુલીની બનેલી બેન્ચે આપેલી સૂચના મુજબ આજે બંને અદાલતમાં હાજર રહ્યા હતા. બેન્ચે ઇન ચેમ્બર સુવાનણી કરવાનું પસંદ કર્યું હતું પરંતુ સ્મૃતિ શિંદેએ ત્યાંપણ લગ્ન ચાલુ ના રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંનેના ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે પતિ પત્ની ન્યાયમૂર્તિની ચેમ્બરમાં મળ્યા હતા પરંતુ સમાધાનની કોઇ શક્યતા જણાતી નથી. તેમણે જણાવ્યું હતું કે પતિ પહાડિયા પોતાના પહેલાના વલણની જેમ જ છૂટાછેડાનો પ્રતિકાર કરતા રહ્યા હતા.છૂટાછેડા માટે પતિની મંજુરી વિના જ સ્મૃતિએ છૂટાછેડા અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ અરજીની સુનાવણી કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી અલગ રહેતા પતિ પત્નીને અદાલતે પોતાની સમક્ષ હાજર થવા ફરમાન કરીને સૂચવ્યું હતું કે બંને સમાધાનના વિકલ્પ શોધે. સ્મૃતિના ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે આ નિવારી ના શકાય તેવો છૂટાછેડાનો કેસ છે. પતિ પત્ની છેલ્લા પાંચ વર્ષથી અલગ રહે છે અને શરૂઆતમાં છૂટાછેડા માટે મંજુરી વ્યક્ત કર્યા બાદ પતિ છૂટાછેડાનો પ્રતિકાર કરી રહ્યા છે.


લાદેન જોડીયા બાળકનો દાદા બનશે

ત્રાસવાદી સંગઠન અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનનો પુત્ર ઉમર જોડિયા સંતાનોનો પિતા બનવાનો હોવાથી તેના માટે આ બમણી ખુશીના સમાચાર છે. આ બંને સંતાનો છેલ્લા આઠ અઠવાડિયાથી એક બ્રિટિશ સરોગેટ માતાની કૂખમાં ઉછરી રહ્યા છે.
બ્રિટનમાં માન્ચેસ્ટરના એક પ્રાઈવેટ ક્લિનિકમાં ઉમરનાં સંતાનોની સરોગેટ માતા લુઈસ પોલાર્ડ(૨૪)નું સિટિ સ્કેન કરાયા બાદ આ વાત બહાર આવી છે. આ મહિલાએ આઈવીએફ ટેક્નોલોજીથી ગર્ભ ધારણ કર્યો છે. અખાતી દેશ કતારમાં રહેતા ઉમર અને તેની બ્રિટિશ પત્ની જૈનાને કોઈ સંતાન નથી. બંનેએ ૨૦૦૭માં લગ્ન કર્યા હતા.ઉમર અને જૈનાએ એક વેબસાઈટના માધ્યમથી લુઈસ પોલાર્ડના સંપર્કમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે લુઈસે અગાઉ પણ સરોગેસી દ્વારા બે બાળકોને જન્મ આપ્યો હતો. ઉમર અને જૈનાના સંતાનો જન્મ બાદ બ્રિટનમાં જ ઉછરશે. ઉમરને બ્રિટનમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવી નથી પરંતુ બંને સંતાનો તેની જૈના સાથે રહેશે.બાળકોના જન્મ વખતે જૈના લુઈસની સાથે જ રહેશે. લુઈસની સરોગેસી અને હોસ્પિટલનો તમામ ખર્ચના નાણાં મધ્યપૂર્વના કોઈ દેશમાંથી ભરપાઈ થઈ રહ્યા છે. જોકે આ તપાસ બ્રિટિશ કાયદાની મર્યાદા બહાર આવતી હોવાથી તે અંગે વધુ માહિતી મળી શકી નથી.


ટીવી હજુ પણ ફિલ્મોને જ આધીન

સેટેલાઈટ ચેનલો પર તેમણે પોતે બનાવેલા ધારાવાહિકો (સીરિયલો) રિયાલિટી શોઝ અને હાસ્ય કાર્યક્રમોથી વધુ લોકપ્રિય તેના પર દર્શાવાતી ફિલ્મો છે. રાજકુમાર હીરાનીની ‘થ્રી ઇડિયટ્સ’ને દસથી વધુ ટીઆરપી (લોકપ્રિયતાનો માપદંડ) મળી. ‘છોટા પડદા’ સિનેમાના વિકલ્પ તરીકે ઉપસ્થિત થયા બાદ એ સિનેમાનું જ એક અતિરિકતરૂપ અથવા એક્સટેન્શન બની ચૂક્યું છે. વિચારવંત દર્શકને બચવા માટે કોઈ રસ્તો અપાતો નથી. સિનેમાવાળાઓ પણ તેમના હરીફને મદદ કરે છે, એ પણ અજબ વાત છે.ટીવી સ્ક્રીન પર દર્શાવાતી ભાવિ ફિલ્મોની ઝલક-‘પ્રોમો’ ખૂબ લોકપ્રિય છે. એ બતાવવા માટે નિર્માતાઓએ ચેનલોને ખૂબ નાણાં ચૂકવવા પડે છે. આજે ફિલ્મના પ્રચાર બજેટનો વધુમાં વધુ હિસ્સો તેમાં જ ખર્ચાય છે. આ એવી બાબત છે કે તમે તમારા દુશ્મનને દારૂગોળો અને કારતૂસોનો પુરવઠો આપવા ઉપરાંત બંદૂક ખરીદવા અને ચલાવવામાં તેને મદદ કરવા જેવી પણ બાબત છે.ફિલ્મોનાં ગીતો-દ્રશ્યો બતાવનારી ચેનલો પણ લોકપ્રિય છે. સીરિયલોમાં પણ ફિલ્મોનાં ગીત, નિર્માતાને રોયલ્ટી ચૂક્વીને વપરાય છે. આમ ટેલિવિઝન સંપૂર્ણ સિનેમામય છે અને ભારતમાં એ વિકલ્પ બનીને ઊભરી શક્યું નથી. તેણે પોતાની સ્વતંત્ર ઓળખ વિકસાવી નથી. ‘છોટા પરદા’ પર પ્રસ્તુત અનેક તમાશાના એન્કર ફિલ્મી સિતારા જ હોય છે અને તેમને એક એપિસોડના એક કરોડ રૂપિયા સુધી ચૂકવાય છે. દરેક શક્ય અશક્ય સ્થાન પર ફિલ્મો અથવા ફિલ્મવાળાઓને ઠૂંસી દેવાય છે. હવે સેટેલાઈટ ચેનલોમાં સફળ ફિલ્મ સ્ટારોની સેવાઓ લેવાની સ્પર્ધા ચાલે છે.‘કલર્સ’ ચેનલે સલમાન ખાનને ‘સોની’ ચેનલ પાસેથી છનવી લીધો છે. વળી આમિર ખાનને પણ પ્રલોભનો અપાઈ રહ્યાં છે. અક્ષયકુમાર, પ્રિયંકા ચોપડા, અમિતાભ બચ્ચન જેવાં નામોની સાથે જ ડેવિડ ધવન, અનુ મલિક, ફરહા ખાન, સાજિદ ખાન, સોનુ નિગમ અને શાન પણ ટેલિવિઝન સાથે જોડાયાં છે.ટેલિવિઝન, પોતાના સિતારા સર્જવામાં નિષ્ફળ રહ્યું છે. તેણે પોતાને માટે મૌલિક લખનારા પણ મેળવ્યા નથી. સેંકડો એપિસોડ સુધી ખેંચાતી સીરિયલોમાં સફળ કલાકારો પણ ફિલ્મસ્ટારો જેવી અકલ્પનીય લોકપ્રિયતા મેળવી શકતા નથી. ઘરમાં બેઠાં મફતમાં પ્રોગ્રામ જોનારાઓ પણ ખૂબ મોંઘી ટિકિટો ખરીદીને ફિલ્મ જોવા જાય છે. એટલે કે મનોરંજન જગતમાં ફિલ્મનો જાદુ અન્ય તમામ સમાન ચીજો પર ભારે પડે છે. આવા શક્તિશાળી માધ્યમે પણ દેશની લઘુતમ પ્રતિભા-ટેલન્ટનો જ ઉપયોગ કર્યો છે.સિનેમાએ ભારતીય સાહિત્યનો ભરપૂર લાભ ઉઠાવ્યો નથી. પણ લોક સંગીત અને લોકગીતોનો પૂરેપૂરો ફાયદો લીધો છે. મહત્તમ વ્યાપનું માધ્યમ લઘુતમ પ્રતિભા-ટેલન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. ટેલિવિઝનના સંચાલકોની બુદ્ધિ એટલી નાનકડી છે કે તેને કોઈ જીવડાના શરીરમાં ફિટ કરી શકાય. પરંતુ એ ત્યાં પણ નેટવર્ક બનાવી લેશે.


સૌથી હોટેસ્ટ એન્ડ સેક્સી અભિનેત્રી સોનમ કપૂર

સોનમ કપૂરની ઈમેજ અત્યાર સુધી સીધી-સાદી અભિનેત્રીની હતી. જો કે મેક્સિમના મતે ભારતની સૌથી હોટેસ્ટ અભિનેત્રી સોનમ કપૂર છે.સોનમે કેટરિના કૈફ, દીપિકા પદુકોણ અને ગયા વર્ષની વિજેતા બિપાશા બાસુને પછડાટ આપીને નંબર 1નું સ્થાન હાંસિલ કર્યુ છે.સોનમે કહ્યું હતું કે, ભારતની સૌથી હોટેસ્ટ અભિનેત્રીનું બિરૂદ મળવાથી તે ઘણી જ ખુશ છે. તેને હોટ અને સેક્સી શબ્દો ગમે છે.મેક્સિમ હોટ 100માં અમૃતા રાવ 32માં સ્થાને, અનુષ્કા શર્મા 24માં, જેક્લિન ફર્નાનડિઝ 35માં અને ત્રિશા કૃષ્નન 93માં સ્થાને છે.ભારતીય મોડલ લિસા હેડન 48માં સ્થાને આવી છે. એશા ગુપ્તા 55 અને ડિના પેન્ટી 76માં સ્થાને છે.મેક્સિમ મેગેઝીનના એડિટર વિવેક પરીકના મતે આ યુવતીઓ યુવકો માટે પ્રેરણાસ્ત્રોત છે.આ યાદીમાં કેટી પેરી 12માં અને અવતારની અભિનેત્રી ઝોયા સાલ્ડન 26માં સ્થાને છે.


આમિર ખાન તાવમાં પટકાયો

બોલિવૂડ સુપર સ્ટાર આમિર ખાનને તાવ આવ્યો હોવાથી તેને અંતિમ ક્ષણે પીપલી લાઈવના પ્રથમ સ્ક્રિનિંગમાં હાજરી આપી શક્યો નહોતો.આમિરે કહ્યું હતું કે, તેની પીપલી લાઈવ 13 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. જો કે મારી તબિયત સારી ના હોવાથી ફિલ્મના પ્રથમ સ્ક્રિનિંગ વખતે હાજરી આપી શકાઈ નહોતી.ઉલ્લેખનીય છે કે, આમિર ખાની ફિલ્મ પીપલી લાઈવ ખેડૂતોની સ્થિતિ અને આત્મહત્યા પર આધારિત છે.આમિર ખાન શનિવારના રોજ મેલબોર્નથી પરત ફર્યો હતો. ત્યારથી જ આમિરને 103 ડિગ્રી જેટલો તાવ હતો. આ જ કારણથી તેણે ફેસબુક પર લાઈવ ચેટ કરવાનું પણ માંડી વાળ્યું હતું.આમિરે આ અંગે પોતાના ચાહકોની માફી પણ માંગી હતી. આમિરે કહ્યું હતું કે, તેને ઘણો જ થાક લાગ્યો છે અને તે હાલત ઘણી જ ખરાબ હોવાથી તે હાલમાં ચેટ કરી શકશે નહિ.


બ્રિટનમાં શુટિંગ કરતી કરીનાને સોરવતું નથી

બર વન અભિનેત્રી કરીના કપૂર પ્રથમવાર ૨૦ દિવસ મુંબઇની બહાર રહી હોવાથી હોમ સિકનેસ અનુભવે છે. કરીના બ્રિટનમાં ફિલ્મ અને એડ્. ફિલ્મના શુટિંગ માટે વ્યસ્ત રહેતી હતી. પરંતુ, તેનો બાકીનો સમય બમ્બૈયા મિત્રો વિના માંડ વીતે છે.કરીનાને મુંબઇની યાદ એટલે સતાવે છે કેમ કે, બ્રિટનમાં તેની ખાસ બહેનપણી ડિઝાઈનર સબિના ખાન, ફિલ્મ નિર્માતા લવલી સિંઘ અને અભિનેતા તુષાર કપૂર નથી. બન્ને દેશના સમયમાં ફેરફાર હોવાથી કરીના મોબાઇલ પર કલાકો સુધી વાત કરી શકતી નથી. કરીનાએ બ્રિટનમાં કંટાળો દૂર કરવા ખાસ મિત્ર તુષાર કપૂરને લંડન તેડાવ્યો હતો. પરંતુ, તુષાર પણ અન્ય ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હોવાથી તે લંડન જઇ શક્યો ન હતો. સબિના ખાન, લવલી સિંઘ, તુષાર કપૂર વગેરેએ ઇન્ટરનેટ પર કરીનાને બોલિવૂડની ગોસપિ મોકલવાનું શરૂ કર્યું છે.


બિગ બી-સલ્લુ-અક્કી વચ્ચે આર-પારની જંગ

ટેલિવિઝનના પડદે ઓક્ટોબર મહિનો સૌથી વધુ મહત્વનો છે. આ મહિને અક્ષય કુમાર, સલમાન ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે જંગ શરૂ થવાની છે.આ ત્રણેય કલાકારો પોતાની રીતે પોતાના શોની ટીઆરપી વધારવાનો પ્રયાસ કરશે.અમિતાભ બચ્ચન અને સલમાન ખાન અનુક્રમ સોની અને કલર્સના રિયાલિટી શોમાં કામ કરી રહ્યા છે. અક્ષય સ્ટાર પ્લસ પર કુકરી શોમાં કામ કરી રહ્યો છે. પ્રિયંકા ચોપરા ખતરો કે ખિલાડીની હોસ્ટ બની છે.અમિતાભ બચ્ચને બિગ બોસ 3નું સંચાલન કર્યુ હતું. જો કે બિગ બોસ 4નું સંચાલન સલમાન ખાન કરી રહ્યો છે. કેબીસી 4નું સંચાલન સીનિયર બચ્ચન કરી રહ્યા છે. આ શો 11 ઓક્ટોબરના રોજથી સોની પર શરૂ થશે.સલમાનને અમિતાભ સાથેની સ્પર્ધા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, સ્પર્ધા જેવું કંઈ નથી. અમે બંને અલગ અલગ શો કરી રહ્યા છીએ.કૌન બનેંગા કરોડપતિની પ્રથમ સિઝનનું સંચાલન અમિતાભ બચ્ચને કર્યું હતું. જો કે ત્રીજી સિઝનમાં શાહરૂખ ખાન હતો.બિગ બોસ 4માં ત્રણ મહિના સુધી સ્પર્ધકોએ એક ઘરમાં રહેવાનું હોય છે. બહારની દુનિયા સાથે તેઓનો સંપર્ક કપાઈ જાય છે.અમિતાભે બિગ બોસ વિષે કહ્યું હતું કે, હવે આ શોમાં સલમાન કામ કરતો હોવાથી તે ઘણાં જ ખુશ છે. સલમાન ઘણો જ સર્જનાત્મક છે અને તે બિગ બોસના ઘરમાં કંઈક અવનવું કરશે.અક્ષય કુમાર અભિનેતા બન્યો તે પહેલા બેંગકોકમાં રસોઈયો હતો. હવે, તે સ્ટાર પ્લસ પર કુકરી શોમાં આવી રહ્યો છે.આ તમામ શો ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ રહ્યા છે. જો કે આમાંથી કોઈને એકબીજા સાથે સ્પર્ધા થવાનો ડર નથી.


હવે, પ્રિયંકા શાહરૂખની દિવાની

પ્રિયંકા ચોપરા બ્રાઝિલ જવા માટે તૈયાર છે. પ્રિયંકા ચોપરા ખતરો કે ખિલાડીના 12 સ્પર્ધકોની જાહેરાત કરી છે. આ શોની પહેલી બે સિઝન પહેલા અક્ષય કુમારે હોસ્ટ કરી હતી.જો કે આ વખતે પ્રિયંકા ચોપરા આ શોમાં કામ કરી રહી છે. આ શોમાં કુલ 13 સ્પર્ધકો છે. જો કે હજી એક સ્પર્ધકની જાહેરાત બાકી છે.જ્યારે પ્રિયંકાને તે સ્પર્ધક કોણ હશે તે વિષે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, તે શાહરૂખ ખાન, રણબિર કે મેથ્યુ ગમે તે એક હોઈ શકે તેવી શક્યતા છે.


સુનિધી ડાન્સ કરીને દર્શકોને ડોલાવશે

ઈન્ડિયન આઈડોલના આજના એપિસોડમાં ત્રણ સ્પર્ધકો સુનિધી ચૌહાણ સાથે ગીત ગાશે.અનુ મલિક સુનિધી પર એક શાયરી ગાશે. ત્યારબાદ તમામ સ્પર્ધકો પર્ફોમ કરશે.એપિસોડના અંતે જ્જીસ અને સ્પર્ધકો દેસી ગર્લના ગીત પર ડાન્સ કરશે.તો જોવાનું ભૂલશો નહિ ઈન્ડિયન આઈડોલ માત્ર સોની પર રાત્રે નવ વાગે

લક્ષ્મણરેખા પાર કરવામાં લંકા નિષ્ફળ

અનુભવી બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કટોકટીના સમયે ભારતને વિજય અપાવવાની પોતાની પરંપરા આગળ ધપાવતાં શનિવારે શાનદાર સદી ફટકારતાં અહીં રમાયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો અને આ સાથે મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ત્રણ ટેસ્ટની શ્રેણી પણ ડ્રો કરાવવામાં સફળતા મેળવી હતી.શ્રેણીની પ્રથમ ટેસ્ટ શ્રીલંકાએ જીતી હતી તો ત્રીજી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. આ સાથે કોલંબોના પી. સારા ઓવલ ખાતે ભારતે પહેલી વાર ટેસ્ટ મેચ જીતી હતી. લક્ષ્મણને મેન ઓફ ધ મેચ તથા વીરેન્દ્ર સેહવાગને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.અહીંના પી. સારા ઓવલની મુશ્કેલ પિચ ઉપર પાંચમા દિવસે ૨૫૭ રનના લક્ષ્યાંક સામે ભારતે શનિવારે સવારે ત્રણ વિકેટે ૫૩ રનથી પોતાનો દાવ આગળ ધપાવ્યો એ પછી સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણે મક્કમ ભાગીદારી નોંધાવીને ટીમનો વિજય નિશ્વિત કરી દીધો હતો. ભારતે ૧૭૧ રનના સ્કોરે પાંચમી વિકેટ ગુમાવ્યા બાદ લક્ષ્મણ અને સુરેશ રૈનાએ સ્કોર ૨૫૮ સુધી પહોંચાડી દીધો હતો. અંતે ટી ટાઇમની ૨૦ મિનિટ અગાઉ ભારતે પાંચ વિકેટે ૨૫૮ રન કરીને મેચ જીતી લીધી હતી.દિવસની શરૂઆતમાં જ ભારતે નાઇટ વોચમેન ઇશાન્ત શર્માની વિકેટ ગુમાવી દીધી એ વખતે થોડા સમય માટે ટીમ દબાણમાં આવી ગઈ હતી પરંતુ સચિન તેંડુલકર અને લક્ષ્મણે બાજી સંભાળી લીધી હતી અને સ્પિનર સૂરજ રણદિવને ઘાતક બનતાં રોકયો હતો. બંનેએ પાંચમી વિકેટ માટે ૧૦૯ રનની ભાગીદારી નોંધાવી હતી.સચિન તેંડુલકર ૫૪ રન નોંધાવીને આઉટ થયો એ વખતે ભારત સલામત સ્થિતિમાં પહોંચી ગયું હતું. વીવીએસ લક્ષ્મણે કારકિર્દીની ૧૬મી સદી ફટકારતા અણનમ ૧૦૩ રન ફટકાર્યા હતા. ૧૪૯ બોલ અને ૨૦૩ મિનિટની ઇનિંગ્સમાં હૈદરાબાદના આ સ્ટાયલશિ બેટ્સમેને ૧૨ બાઉન્ડ્રી ફટકારી હતી. આ શ્રેણી સાથે કારકિર્દીનો પ્રારંભ કરનારા સુરેશ રૈનાએ સળંગ ત્રીજી ઇનિંગ્સમાં પ્રભાવશાળી બેટિંગ કરી હતી અને અંતે વેલેગેડેરાના બોલે સિકસર ફટકારીને તેણે ટીમને વિજય અપાવ્યો હતો.રૈના ૪૧ રન સાથે અણનમ રહ્યો હતો. લક્ષ્મણ અને રૈનાએ છઢ્ઢી વિકેટની અતૂટ ભાગીદારીમાં ૮૭ રન ઉમેર્યા હતા. રૈનાની માફક સૂરજ રણદિવ માટે પણ આ પ્રથમ શ્રેણી હતી અને તેણે પણ પ્રભાવશાળી બોલિંગ કરી હતી. આ ઇનિંગ્સમાં ભારતે ગુમાવેલી પાંચેય વિકેટ રણદિવને ફાળે ગઈ હતી.

No comments:

Post a Comment