visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મુકેશે અનિલને ગેસ આપવો પડશે
મુકેશ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના કેજી બેઝિનમાંથી અનિલ અંબાણી ગ્રૂપની પાવર કંપની રિલાયન્સ પાવરને ગેસ ફાળવશે. આરપાવરના આંધ્રપ્રદેશના સામલકોટ યુનિટ સહિત ચાર કંપનીઓના પાવર પ્રોજેક્ટને મુકેશ અંબાણીની કંપની ગેસ ફાળવે તેવી પાવર મંત્રાલયે ભલામણ કરી છે.27મી જૂલાઇના રોજ એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઇ હતી તેમાં રિલાયન્સના કેજી-ડી6માંથી નીકળતા રોજના 14.5 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ ચાર કંપનીઓના 4136 મેગાવોટ પ્રોજેક્ટને ફાળવવામાં આવે તેમ મંત્રાલયે કહ્યું હતું. 31મી માર્ચ, 2012 સુધીમાં આ પ્રોજેક્ટો માટે ગેસ માટેની સંમતિ મળી જાય તેવા પ્રયત્નો કરાશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.રિલાયન્સ પાવરને 8એમએમએસસીએમડી ગેસ આંધ્રપ્રદેશના 2400 મેગાવોટ પ્રોજેક્ટ માટે મળી રહે તેના માટે ભલામણ કરાઇ છે. બીજીબાજુ પર્યાવરણના ક્લિયરન્સની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ટોરેન્ટ પાવરને દહેજ એસઇઝેડના 1200 મેગાવોટ પ્રોજેક્ટ માટે 0.4 એમએમએસસીએમડી, પાંડુરંગ એનર્જી સીસ્ટમનો આંધ્રપ્રદેશના ગોદાવરી ડિસ્ટ્રિક્ટમાં 436 મેગાવોટ પ્રોજેક્ટ માટે 1.62 એમએમએસસીએમડી ગેસ ફાળવવામાં આવે તેની ભલામણ કરાઇ છે.
અમિનને તાજના સાક્ષી બનાવવા CBI તૈયાર
અમીન સંપુર્ણ સત્ય હકીકત જણાવે તો તેને તાજનો સાક્ષી બનાવવામાં વાંધો નથી: સીબીઆઇ. સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં અત્યંત વિવાદાસ્પદ ડો. નરેન્દ્ર અમીનને તાજનો સાક્ષી બનાવવા બાબતે સીબીઆઇએ કરેલી લેખીત રજુઆતમાં તે જો તમામ સત્ય હકીકત જણાવે તો તેને તાજનો સાક્ષી બનાવવામાં સીબીઆઇને વાંધો નથી. બીજી તરફ અમીત સહિતના તમામ આરોપીને ૧૩મીના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવા માટે સ્પેશીયલ સીબીઆઇ મેજીસ્ટ્રેટ એ.વાય. દવેએ આદેશ કર્યો છે.આ કેસની વિગત એવી છેકે સોહરાબુદ્દિન કેસમાં અત્યંત વિવાદાસ્પદ આરોપી ડૉ.અમીને તાજના સાક્ષી બનવા તથા તેને આ કેસમાંથી મુકિત આપવા માટે અરજી કરી હતી. જે કેસમાં વણઝારા સહિત આઠ આરોપીઓએ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. આ કેસમાં આજે સીબીઆઇએ પોતાનો લેખીત જવાબ રજુ કરતા જણાવ્યું હતું. અમીનની જાણમાં હોય તે તમામ હકીકત તે સંપુર્ણ સીબીઆઇને જણાવી દેતો તેને તાજના સાક્ષી બનાવવા સામે સીબીઆઇને કોઇ વાંધો નથી.સ્પેશીયલ સીબીઆઇ મેજીસ્ટ્રેટ એ.વાય.દવેએ સીબીઆઇના જવાબને આધારે અમીનને ૧૩મી ઓગષ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ કર્યો હતો. તેમજ તે દિવસે તાજના સાક્ષી બનવા બાબતના ભય સ્થાનો બાબતે જાણ કરી તેને તે બાબતે વિચારવાનો સમય આપવામાં આવશે. જે બાદ તેની પરવાનગી સાથે ૧૬૪ હેઠળ તેનું નિવેદન નોંધવામાં આવશે.
ન્યૂઝિલેન્ડની સદી પૂરી
ન્યૂઝિલેન્ડે 22 ઓવરમાં 3 વિકેટે 104 રન બનાવ્યા છે. પ્રારંભિક ઝટકાઓ બાદ સુકાની રોઝ ટેલર અને સ્કોટ સ્ટાઈરિસ વચ્ચે મજબૂત ભાગીદારી નોંધાઈ છે. જેના કારણે ન્યૂઝિલેન્ડ પ્રારંભિક સંકટમાંથી ઉગરી ગયું છે.કિવિની પ્રથમ વિકેટ માર્ટિન ગુપ્ટિલના રૂપમાં પડી હતી. ગુપ્ટિલ 11 રન બનાવીને પ્રવિણ કુમારનો શિકાર બન્યો હતો. જ્યારે ઈન્ગ્રામ 12 રન બનાવીને નેહરાના બોલે આઉટ થયો હતો. બન્ને કેચ ધોનીએ પકડ્યા હતા. જ્યારે વિલિયમ્સન પ્રવિણ કુમારના બોલે બોલ્ડ થયો હતો.ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝિલેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી ડ્રો કરાવવાની સાથે ફોર્મમાં આવી ગયેલી ભારતીય ટીમ મંગળવારથી અહીં શરૂ થઈ રહેલી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે એ સાથે જ ૨૦૧૧ના વર્લ્ડ કપની તૈયારીનો પણ પ્રારંભ કરશે.
પાકિસ્તાનમાં હજારો હિંદુઓ લૂંટાયા
પાકિસ્તાન સિંધ પ્રાંતમાં હજારો હિંદુઓને બંદૂકની અણીએ લૂંટવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં હિંદુઓએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં હિંદુઓને નિશાન ન બનાવાય તે માટે સરકાર પાસે લશ્કરની નિમણૂક કરવાની માંગણી કરી છે.કરાચી પ્રેસ ક્લબમાં માધ્યમોને જણાવતા પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના પ્રમુખ રમેશ કુમારે સરકારને અપીલ કરી હતી કે ગોસપુર, કંન્દખોટ અને કર્મપુર જેવા વિસ્તારોમાં લશ્કરના વધારે દળોની નિમણૂક કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે હિંદુઓના સ્થાનિક પરિવારોની 95 જેટલી દુકાનો અને 50 જેટલા ઘરોને અત્યાર સુધી લૂંટી લેવામાં આવ્યાં છે. જે લોકો આ વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા છે, તેમને પણ નિશાન બનાવીને તેમના વાહનો લૂંટી લેવામાં આવે છે.
કુમારે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહિ છે. પોલીસ પણ પૂર પ્રભાવિત વિસ્તારો છોડીને જતી રહિ છે અને લૂંટારાઓનો ભોગ બનેલા લોકોની મદદ માટે એકપણ પોલીસ અધિકારી હાજર નથી.ઉલ્લેખનીય છે કે સિંધ પ્રાંત હજુ પણ ચારેબાજુ પાણીથી ઘેરાયેલો છે અને રાહત કાર્ય ચાલુ છે. લોકોને સ્થળેથી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સિંધુ નદી પણ ખતરાના નિશાનની ઉપર વહિ રહિ છે. અત્યાર સુધીમાં બે મિલિયન લોકો આ વિસ્તાર છોડીને જતા રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પૂરના કારણે 1,600 જેટલા લોકો મૃત્યું પામી ચૂક્યાં છે અને 14 મિલિયન જેટલા લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
પાકિસ્તાનમાં હિંદુઓનું પૌરાણિક મંદિર તોડી પડાયું
ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલાનું રાવલપિંડીના ભાર્બરા બજારમાં આવેલું 87 વર્ષ જૂનું હિંદુ મંદિર તોડી પડાતા હિંદુઓ અને શિખ સમુદાયના લોકો રોષે ભરાયા છે.શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ટીપુ રોડ પર રાવલપિંડી મેડિકલ કોલેજની સામે આવેલુ મંદિર હિંદુ અને શિખ સમુદાય દ્વારા પૂજા અર્ચના કરવા માટે ઉપયોગમાં લેવાતું હતું. મંદિર પર ચોડવામાં આવેલી તખ્તી પરથી જાણવા મળ્યું હતું કે 1923માં લાલા તનસુખ રાયે પોતાની પત્નીની યાદમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.સ્થાનિક સમાચાર પત્રોમાં છપાયેલા અહેવાલ પ્રમાણે પાકિસ્તાન હિંદુ શિખ સોશ્યલ વેલ્ફેર કાઉન્સિલે જણાવ્યું છે કે આ મંદિરનું સંરક્ષણ કરવાની જવાબદારી ઓકફ વિભાગની હતી, જેઓ લઘુમતીઓના બાંધકામોને લગતા બાબતો માટે કામ કરે છે.હિન્દુ શિખ કાઉન્સિલે સરકારને અપીલ કરી છે કે તેઓ ઓકફ ડિપાર્ટમેન્ટને આ ઘટના સબંધિત કાયર્વાહી કરવા માટે આદેશ આપે.
100 કરોડનું વિમાન મોદીનું છે?
એક સમયે આઇપીએલના બાદશાહ રહી ચૂકેલા મોદીની મુસીબતો ખત્મ થવાનું નામ જ લઇ રહ્યું નથી. હવે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેની પાછળ પડી ગયું છે. ડિપાર્ટમેન્ટે તેમણે નોટિસ આપીને રજૂ થવાનું કહ્યું છે. મોદી અત્યારે દેશની બહાર છે આથી તેમને એક મહિનાની મુદત આપવામાં આવી છે.આ અંગે મામલો ટેક્સ રિટર્નનો છે. આરોપ છે કે મોદીએ પોતાના રિટર્નમાં કેટલાંય તથ્યો છપાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટેક્સ ડિપાર્ટમેન્ટ બે વર્ષમાં તેમની વિમાની મુસાફરી અંગે જાણવા માંગે છે. મુંબઇ થી બહાર જવા માટે મોદી પ્રાઇવેટ વિમાન ભાડા પર લેતા હતા. ગોલ્ડન વિંગ્સ નામની કંપની પાસેથી લલિત મોદીએ કેટલીય વખત વિમાન ભાડે લીધું છે. ઇનકમ ટેક્સના ઓફિસરોએ મંગળવારે વિમાની કંપની પર છાપો માર્યો. ત્યાંના દસ્તાવેજો પરથી ખબર પડી કે લલિત મોદીએ કંપનીને લીઝ ચાર્જ આપ્યો નથી. તેની કુલ રકમ કરોડોમાં છે.દિલચસ્પ વાત એ છે કે ગોલ્ડન વિંગ્સે પણ જે કંપની પાસેથી વિમાન ભાડે લીધું હતું તેને પણ કોઇ નાણાં આપ્યા નથી. આ કંપની આયરલેન્ડની છે. પરંતુ તેનાથી પણ મુશ્કેલીની વાત એ છે કે આ કંપની અંદાજે 1000 ડોલરની છે. આ કંપનીનો માલિકી હક અન્ય વિદેશી કંપનીની પાસે છે. ઇનકમ ટેક્સના ઓફિસરોને શંકા છે કે આ મોદીની જ બેનામી કંપની છે. આ સિવાય તેમણે એ પણ શંકા છે કે આ વિમાન મોદીએ જ ખરીદ્યું છે. તેની કિંમત રૂપિયા 100 કરોડ છે.
મોબાઇલ ફોન આપશે, દસ લાખ વોલ્ટનો ઝટકો
બ્રિટનમાં દસ લાખ વોલ્ટનો ઝટકો આપતા મોબાઇલ ફોનની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહ્યો છે. ખરેખરમાં આ મોબાઇલ ફોન સ્ટન ગન છે, જે બ્રિટનમાં ગુન્હેગારો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મોબાઇલ સ્ટન ગન પોલીસના ટેસર કરતાં 24 ગણો વધારે ઝટકો આપવાની ક્ષમતા ધરાવે છે.સામાન્ય રીતે આ મોબાઇલ ફોન નોકિયાના કોઇ મોબાઇલ ફોન જેવો જ લાગે છે, પરંતુ તેના ઉપરની બાજુથી 1.2 મિલિયન વોલ્ટનો ઝટકો લાગે છે.બ્રિટનની બોર્ડર એજન્સીના અધિકારીઓ દ્વારા તાજેતરના અઠવાડિયામાં આ પ્રકારના ગેરકાયદેસર ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં છે. બોર્ડર એજન્સીના અધિકારીઓને ડર છે કે ગુન્હેગારો દ્વારા આ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
ધોરાજીમાં જુગારધામ પર વિજીલન્સનો દરોડો
રાવણ મહિનો શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર જુગારધામો ધમધમવા લાગ્યા છે. ત્યારે ધોરાજી બસ સ્ટેન્ડ પાછળ આવેલા ખાડા વિસ્તારમાં રહેતા ગીરીશ જેરામ રાઠોડ નાંમના શખ્સે તેના મકાનમાં જુગારની કલબ શરૂ કર્યાની બાતમીના આધારે રાજ્યની વિજીલન્સ સ્કવોડના પી.આઇ. મનીષ ઠાકર મદદનીસ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના સ્ટાફે ગત મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.પોલીસના ઓચિંતા દરોડાથી જુગારીઓમાં થોડી વાર માટે નાસભાગ મચી ગઇ હતી. જુગાર રમી રહેલા ગીરીશ સહિત મનસુખ લાલજી, દિનેશ ધીરૂ વઘાસીયા, નીતીન જમનાદાસ અંટાળા અને પંકજ રણછોડ વસોયાને ઝડપી લીધા હતા. જુગારનાં પટમાંથી રોકડા ૧.૨૬ લાખ તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ.૧.૨૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ગીરીશની પુછપરછમાં તેને છેલ્લા પંદર દિવસથી જુગારધામ શરૂ કર્યું હતું.
માઓવાદીઓ પર મમતાની 'મમતા'થી બબાલ
પશ્ચિમ બંગાળના લાલગઢમાં એક રેલી દરમિયાન કેન્દ્ર સરકારમાં રેલવે પ્રધાન મમતા બેનરજીએ નક્સલવાદીઓ પર મમતા દર્શાવી હતી. જેના પગલે આજે સંસદના બંને ગૃહોમાં હંગામો થયો હતો.ગૃહ શરૂ થયા ત્યારે ભાજપે બંને ગૃહોમાં પ્રશ્નકાળ સ્થગિત કરીને આ મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરી હતી. રાજ્યસભામાં મમતા બેનરજીના નિવેદનને લઇને એટલો બધો તે હોબાળો થયો હતોકે, ગૃહને બાર વાગ્યા સુધી મુલતવી રાખવું પડ્યું હતુ. વિપક્ષના નેતા અરૂણ જેટલીએ માગ કરી હતીકે, ખુદ વડાપ્રધાન આ મુદ્દા પર સ્પષ્ટતા કરે.લોકસભામાં ભાજપના નેતા ગોપીનાથ મુંડેએ આ સવાલ ઉઠાવ્યો હતો. શરૂઆતના હંગામા પછી શૂન્યકાળ દરમિયાન તેની ચર્ચા આરંભવામાં આવી હતી. જોકે, તૃણમુલ કોંગ્રેસના નેતા સુદિપ બંગોપાધ્યાયે ભાજપના વિરોધ સામે દ્રઢ સૂર વ્યક્ત કર્યો હતો. તેમણે એવો આક્ષેપ મુક્યો હતોકે, ભાજપ અને ડાબેરીઓ સાંઠગાંઠ રચીને મમતા બેનરજી વિરૂદ્ધ કામ કરી રહ્યાં છે.
BLACKBERRY ની બિક રાખવાની જરૂર નથી
કેનેડાના વિખ્યાત મોબાઇલ બ્લેકબેરી પરથી મોકલવામાં આવતા ઇમેલની ટેક્નોલોજી પર હાલ ભારે બબાલ મચી છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ આ અંગે કંપનીને ચેતવણી આપી છે. પરંતુ, આ સાથે કેટલાક મુદ્દાઓ પણ સમજવા જેવા છે.અત્યારસુધી મૌન કેમ ?બ્લેક બેરી વર્ષ 2008 ની સાલથી ભારતમાં મોબાઇલ વેચી રહી છે. પરંતુ, છેલ્લા લગભગ એકાદ માસથી ફરીથી ચર્ચા જાગી છેકે, બ્લેકબેરીના મોબાઇલ ભારતની સુરક્ષા માટે ખતરારૂપ છે. ત્યારે સવાલ એ ઊભો થાય છેકે, છેલ્લા ત્રણ વર્ષથી સુરક્ષા એજન્સીઓ મૌન કેમ રહી. જો કંપનીએ ખાતરી આપી હતીકે, તે ડિકોડ કરવાની ટેક્નિક આપશે અને જો હજૂ સુધી એ ટેક્નિક ન આપી હોય તો તે ચલાવી શકાય નહીં. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ મોબાઇલ ટેક્નોલોજીનો દુરૂપયોગ (જેની શક્યતા પ્રમાણમાં ઓછી છે.) નહીં થયો હોય તેની શું ખાતરી ?ઘૂંટણીએ પડશે જ બ્લેકબેરીકબેરીએ સાઉદી અરેબિયામાં માત્ર પાંચ લાખ મોબાઇલ વેંચ્યા છે. આમ છતાં, ત્યાંની સુરક્ષા એજન્સીઓને કોડ શેરિંગ માટે તૈયાર થઇ ગઇ છે. ત્યારે ભારતમાં અત્યારસુધી લગભગ દસ લાખ બ્લેકબેરી મોબાઇલ વેંચાઇ ચૂક્યાં છે, વળી, આ વપરાશકર્તાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આથી આટલા મોટા બજાર ઉપરનો ખતરો બ્લેક બેરી સહન કરી શકે તેમ નથી. તેના શેર છેલ્લા એક અઠવાડિયામાં આઠ ટકા જેટલા ઘટ્યા હતા. જેનું કારણ, ઇન્ડોનેશિયા, ભારત અને યુએઇ સરકાર દ્વારા બ્લેકબેરી મોબાઇલ અંગે આપવામાં આવેલી ચિમકી છે.
10 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment