12 August 2010

રાજકોટ : ફરજ નિભાવવાના બદલે એસ્ટેટ ઇન્સપેક્ટરો મોદીનાં બેનરોનું દબાણ ખડકવા જોતરાયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : ફરજ નિભાવવાના બદલે એસ્ટેટ ઇન્સપેક્ટરો મોદીનાં બેનરોનું દબાણ ખડકવા જોતરાયા

૧પમી ઓગસ્ટની વાઇબ્રન્ટ ઉજવણીના નામે ચાલતી પ્રસિધ્ધિની ઉજવણીમાં ડિવાઇડર કે રોડ પર જ્યાં મન ફાવે ત્યાં મોદીના ફોટાવાળા ગેરકાયદે માચડા ઊભાં કરી દેવાની સરમુખત્યારશાહી નીતિમાં મહાપાલિકાની જગ્યા રોકાણ શાખાના ઇન્સપેક્ટરોને જોતરી દેવામાં આવ્યા છે અને શરમજનક વાત તો એ છે કે, રોડ પરથી ગરીબ ધંધાર્થીઓના માલા-સામાન જપ્ત કરવા નીકળી પડતા આ જ એસ્ટેટ ઇન્સપેક્ટરોની જ દેખરેખ હેઠળ હવે રોડ પર મોદીના ફોટાવાળા ગેરકાયદે માચડા ખોડાઇ રહ્યા છે. રાજકોટમાં ડિવાઇડર પર મોદીના ફોટાવાળા ગેરકાયદે હોર્ડિંગ્સ-બેનરોના ખડકલા વધતા જાય છે. મહાપાલિકાની માલિકીના હોય એવી હોર્ડિંગ્સ સાઇટો ઉપર પણ ચારે બાજુ મોદીના ફોટાવાળા જ બેનરો લાગી રહ્યા છે તો બીજી બાજુ બિલ્ડિંગો પરના ખાનગી હોર્ડિંગ્સ ઉપર પણ કબજો જમાવાઇ રહ્યો છે.પ્રસિધ્ધિનો આટ આટલો ભપકો જાણે ઓછો હોય તેમ હવે રસ્તા પર વધારાના ગેરકાયદે હોર્ડિંગ્સ-બેનરોનો ખડકલો કરાઇ રહ્યો છે. એમાંય શરમજનક બાબત એ છે કે, મનપાનો ફિલ્ડવર્કનો સ્ટાફ તેમાં જોતરી દેવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં રોડ પર પાથરણા, રેંકડી-કેબિન જેવા દબાણો દૂર કરવા નીકળી પડતા એસ્ટેટ ઇન્સપેક્ટરોને કામે લગાડી દેવામાં આવ્યા છે. વેસ્ટ ઝોનમાં આ રીતે સ્ટર્લિંગ હોસ્પિટલથી લઇ છેક માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી રસ્તા ઉપર જ નકરા મોદીના જ ફોટાવાળા આવા હોર્ડિંગ્સ-બેનરો ખોડવા માટે જગ્યા રોકાણ શાખાના ઇન્સપેક્ટરોને જવાબદારી સોપાઇ છે.બીજા દબાણો દૂર કરાવવાની ફરજનો ભોગ લેવાયો !વેસ્ટ ઝોનમાં વોકસ ઝોનમાંથી કલેક્શન તેમજ જાહેર માર્ગો પરથી દબાણ દૂર કરવાની મૂળ કામગીરી પડતી મૂકીને મોદીના ફોટાવાળા હોર્ડિંગ્સ-બેનરો રસ્તા પર ખોડવા માટે કામે લાગવું પડ્યું છે. કોટેચા ચોક, દોઢસો ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ પર ફરી પહેલાંની માફક રેંકડી-કેબિનો અને દુકાન બહાર છાપરા-ઓટલાના દબાણો ખડકાઇ રહ્યા છે ત્યારે આ દબાણો ન થાય એ ફરજ નિભાવવાના બદલે એસ્ટેટ ઇન્સપેક્ટરો આવા કામમાં જોતરાઇ ગયા છે !


ચાર ગ્રહોના મિલનનો દુર્લભ સંયોગ 13 ઓગષ્ટે

જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાન માટે એક મહત્વપૂર્ણ ઘટનામાં સૌરમંડળમાં ચાર ગ્રહોનો એક સાથે મળવાનો દુર્લભ સંયોગ 13 ઓગષ્ટની સાંજે જોવા મળશે.ખગોળ વિજ્ઞાનનું એવું માનવું છે કે સૌર મંડળમાં બે કે ત્રણ ગ્રહોના મળવાનો સંયોગ તો ઘણી વખત જોવા મળે છે. પરંતુ એક સાથે ચાર ગ્રહો મળવાનો સંયોગ વર્ષો પછી જ જોવા મળે છે. આ દુર્લભ ઘટનાને ખગોળ વિજ્ઞાનમાં 'ટ્રિપલ કંજક્શન વિથ ઘ મૂન'ના નામથી ઓળખવામાં આવે છે.ખગોળ વિજ્ઞાનીના જણાવ્યા મુજબ સૌર મંડળમાં બે ગ્રહોની મળવાની ઘટના એક કે બે વર્ષમાં જોવા મળે છે.1 ડિસેમ્બર 2008માં શુક્ર, ગુરૂ અને ચંદ્ર મળવાની ઘટના નોંધાઈ હતી. 13 ઓગષ્ટના રોજ બનનાર આ ઘટના ભારતમાં બે કલાક જોવા મળશે. ખગોળ વિજ્ઞાનીના જણાવ્યા મુજબ ચંદ્રની નજીક ચમકતો શુક્ર અને મંગળ ગ્રહ અને શનિ ગ્રહ જોવા મળશે. આ તમામ ગ્રહોને નરી આંખે જોઈ શકાશે.આ ખગોળીય ઘટના ખગોળ વિજ્ઞાનીકો સાથે સાથે જિજ્ઞાસુઓ માટે પણ મહત્વપૂર્ણ છે.


ઈશરત કેસની તપાસ SITને સોંપાઈ

આ કેસની તપાસ સીબીઆઈને સોપવાની ઈશરતની માતાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી, આ કેસની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ કરશે, જેનું નેતૃત્વ સીબીઆઈના ભૂતપૂર્વ ડાયરેક્ટર આર કે રાઘવન કરી રહ્યાં છે. ઇસરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ ગોધરકાંડની તપાસ ચલાવતી સીટને હવાલે. તમાંગ રીપોર્ટ રદ કરવાની દાદ માગતી રીટ હાઇકોર્ટે ફગાવી.
ઇસરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ ગોધરાકાંડના તોફાનોની તપાસ ચલાવતી સીટને હવાલે કરવા હાઇકોર્ટના ન્યાયમુર્તિ જયંત પટેલ અને ન્યાયમુર્તિ અભીલાષા કુમારીની ખંડપીઠે હુકમ કર્યો છે.ઈશરત જહાં એન્કાઉન્ટરની તપાસ એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ને સોંપવામાં આવી છે. ગોધરાકાંડ પછીના તોફાનોની તપાસ કરતી એસઆઈટીની ટીમ આ કેસની તપાસ કરશે. આ કેસની તપાસ સીબીઆઈને સોપંવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ હતી, પરંતુ કોર્ટે આ તપાસ સીબીઆઈને ન સોંપતા એસઆઈટીને સોંપી હતી.રાઘવનની નેતૃત્વ હેઠળની સીટની ટીમ આ કેસની તપાસ કરશે અને આ કેસનો ઝડપથી નિકાલ આવે તેવી શક્યતા છે.તમાંગ રીપોર્ટને રદ કરવાની દાદ માગતી એસ.એન. સીંધલની અરજી પણ કોર્ટે ફગાવી દઇ તેને પડકારવાની બાબત કોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાનની હોવાનું નોંધ્યું હતુ. બીજી તરફ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની ઇસરતની માતા સમીમા બાનોની અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી.કોર્ટે નોંધ્યું હતું કે સોહરાબુદ્દિન કેસ અને આ કેસ બંને અલગ છે. સોહરાબુદ્દિન કેસમાં સરકારે તે બનાવટી હોવાની કબુલાત કરી હતી. હવે આ કેસની તપાસ સીટને હવાલે કરવામાં આવી છે. તેમજ ત્રણ માસની સમય મર્યાદામાં સીટ હાઇકોર્ટ સમક્ષ તેનો અહેવાલ રજુ કરશે.


તુલસીએ કહ્યું હતું કે હવે હું પાછો નહીં ફરુ’: આઝમ

સીબીઆઇને આપેલા નિવેદનમાં સોહરાબુદ્દીનના સાથી આઝમ ખાને જણાવ્યું હતું કે તુલસીને તેના એન્કાઉન્ટરનો અણસાર આવી ગયો હતો અને તે છેલ્લી વખતે મને ભેટીને નીકળ્યો હતો અને ક્યારેય પાછો ન ફર્યો. જોકે પોતે સ્કૂટરચોરીના કેસમાં રિમાન્ડ પર હોવાથી બચી ગયો હોવાનો તેણે સીબીઆઇ સમક્ષ એકરાર કર્યો હતો.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ સંખ્યાબંધ લોકોનાં નિવેદનો લીધાં છે. જેમાં સોહરાબુદ્દીનના સાથીદારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. કે તે હમીદલાલા હત્યાપ્રકરણમાં તુલસી સાથે ઉદયપુર જેલમાં હતો.તો બીજી તરફ અમદાવાદમાં પોપ્યુલર ફાયરિંગ પ્રકરમાં પણ તે બંને આરોપી હતા. જેથી તેમને બંનેને વારંવાર ગુજરાત લાવવામાં આવતા હતા. પરંતુ સોહરાબુદ્દીનના એન્કાઉન્ટર બાદ અમને એવો અણસાર આવી ગયો હતો કે હવે અમારો પણ વારો છે.તા. ૨૭-૧૧-૨૦૦૬ના રોજ અમદાવાદ લવાયા ત્યારે ભદ્ર કોર્ટમાં રજૂ કરતી વખતે અમારી સાથે ત્રીસેક પોલીસ જવાનો હતા કોર્ટ પરિસરમાં તુલસીને પોતાનાથી દૂર લઇ જવાતાં આઝમ ખાને હોબાળો કર્યો હતો જેથી વકીલોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. ત્યાર બાદ તેમને પ્રિન્સપલ સેશન્સ જજ સમક્ષ રજૂ કરાયા હતા જ્યાં આઝમ તથા તુલસીએ પોતાને એન્કાઉન્ટરનો ભય હોવાનું જણાવતાં જજે બંનને ઉદયપુર જેલમાં મોકલવા આદેશ કર્યો હતો.આઝમે જણાવ્યું હતું કે બીજી વખત જ્યારે તા.૧૨-૧૨-૨૦૦૬ના રોજ અમદાવાદ લઇ જવાના હતા ત્યારે પણ અમને એન્કાઉન્ટરનો ડર હતો જેને લીધે આઝમની માતા તેની પત્ની અને પુત્રીને લઇને જે ટ્રેનમાં આઝમ તથા તુલસીને લવાતા હતા તેજ ટ્રેનમાં અમદાવાદ આવી હતી અને જ્યાં સુધી આઝમ અને તુલસીને સાબરમતી જેલમાં રખાયા ત્યાં સુધી તેઓ જેલની બહાર બેસી રહ્યા હતા. જોકે બંને આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી અદાલમાં રજૂ કરાયા હતા અને ત્યાર બાદ ઉદયપુર રવાના કરાયા હતા. જોકે તે સમયે આઝમની માતા- પુત્રી અને પત્ની પણ ઉદેપુર ગયાં હતાં.


હેડલીનો ધડાકો, ઈશરત જહાં લશ્કરની ફિયાદીન હતી

ગુજરાતમાં 2004માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઈશરત જહાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ફિયાદીન આતંકવાદી હતી. પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની પૂછપરછમાં આ ધડાકો કર્યો છે.એક અગ્રણી અંગ્રેજી દૈનિકમાં આપવામાં આવેલા આ અહેવાલ મુજબ હેડલીએ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મુંબઈના ઠાણેની રહેવાસી ઈશરતને લશ્કર કમાન્ડર મુઝમ્મિલે ભારતમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપી હતી. મુઝમ્મિલ 2007 સુધી ભારતમાં લશ્કરની ગતિવિધીઓ સંભાળી રહ્યો હતો.મુંબઈ આતંકી હુમલાના આરોપી હેડલીનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. હેડલીના નિવેદનથી ગુજરાત પોલીસના દાવાને સમર્થન મળે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈશરતને મુઝમ્મિલે કેટલાક ઉચ્ચકક્ષાના વ્યક્તિઓને મારવા માટે લશ્કરે મિશન પર ગુજરાતમાં મોકલ્યા હતા. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે હેડલીએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુઝમ્મિલ ભારતમાં લશ્કરનો પ્રમુખ હતો.ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004માં અમદાવાત ખાતે ગુજરાત પોલીસે ઈશરત સહિત ચાર લોકોને લશ્કરના આતંકવાદી ગણાવતા એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ઈશરત સાથે માર્યા ગયેલા લોકોમાં જાવેદ અને બે પાકિસ્તાની નાગરિક અમજદ અલી અને જિશાન જૌહર અબ્દુલ ગનીનું નામ સામેલ છે. ઈશરત એન્કાઉન્ટર મામલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર વિવાદોમાં સપડાયા હતા.ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના સાથીઓ લશ્કરના આતંકવાદીઓ હતા અને તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા માટે ગુજરાતમાં આવ્યા હતા. જ્યારે ઈશરતની માતાએ પોતાની પુત્રી નિર્દોષ હોવાનું જણાવતા તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ઈશરતની માતાનું કહેવું છે કે તેની પુત્રી સેલ્સવુમનનું કામ કરતી હતી અને તે પર્ફ્યુમનો વેપાર કરનારા જાવેદ શેખ માટે કામ કરતી હતી.જો કે ઈશરતના મૃત્યુ બાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાનીક મુખપત્રમાં ઈશરતને લશ્કરની સભ્ય ગણતા તેના મોત પર અફસોસ વ્યક્ત કર્યો હતો. લશ્કરે ઈશરતના મોતનો બદલો ભારતીય પોલીસ પાસેથી લેવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ બાદમાં 2007માં લશ્કરે જમાત-ઉદ-દાવાનું મહોરૂ પહેરી લેતા તેણે ઈશરતને આતંકી માનવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં જમાતે ઈશરતને લશ્કર દ્વારા આતંકી ગણાવ્યા બદલ તેના પરિવાર પાસે માફી પણ માંગી હતી.


તુલસી પ્રજાપતિને પોતાના એન્કાઉન્ટરની ભીતી હતી

દેશભરમા ચકચાર જગાવનાર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા તેની પત્ની કૌશરબીની હત્યા બાદ તુલસી એન્કાઉન્ટરનો રેલોપણ ગુજરાત તથા રાજસ્થાન પોલીસના પગતળે આવી રહ્યો છે ત્યારે સોહરાબુદ્દીન ના એન્કાઉન્ટર બાદ તુલસીરામ પ્રજાપતિએ હવે પોતનું પણ એન્કાઉન્ટર થઇ જશે તેનો પોતાને ડર હોવાના બે પત્રો તેણે માનવા અધિકાર પંચને લખ્યા હતા.જો કે તે પોસ્ટ થઇ શક્યા નહોતા. તુલસીએ એક પત્ર રાજસ્થાન માનવ અધિકાર પંચ થતા બીજો દિલ્હી માનવ અધિકારપંચને લખ્યો હતો. સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં અવો ઉલ્લેખ કર્યો છે.કે ગુજરાત પોલીસની ટીમ પાંડીયની આગેવાનીમાં ઝરણીયા જઇ રહેલા સોહરાબુદ્દીન, કૌશરબી તથા તુલસીને બે સુમો તથા એક કવોલીસમાં સાંગલી નજીકથી ગુજરાત લઇ આવ્યા હતા અને વલસાડ નજીક એક ધાબા પર ભોજન લઇને કવોલીસમાં તુલસીને રાજસ્થાન રવાના કરાયો હતો અને સોરહાબુદ્દીન તથા કૌશરબીને અમદાવાદ લવાયા હતા.તુલસીને રાજસ્થાનમાં એક પોલીસ અધિકારીની કસ્ટડીમાં રખાયો હતો તે દરમિયાનાજ સોહરાબુદ્દીનું એન્કાઉન્ટર થયું હતું જેથી ડરી ગયેલા તુલસીએ હવે પોતાનું એન્કાઉન્ટર થશે તેવો તેને અણસાર આવી જતાં તુલસીએ આ બાબતે એક પત્ર રાજસ્થાન માનવ અધિકાર પંચને લખ્યો હતો જ્યારે બીજો પત્ર દિલ્હી માનવ અધિકાર પંચને લખ્યો હતો.


કેગના અહેવાલમાં કલમાડી સામે આંગળી ઉઠી

કોમ્પ્ટ્રોલ એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ)ના તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ સંબંધમાં વૈશ્વિક પ્રસારણ અધિકાર અને સ્પોન્સરશિપ કરારમાં કેટલીક ગડબડી થઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અહેવાલમાં કહેવામાં આવ્યું છે ફક્ત ત્રણ લોકોની સલાહ અનુસાર મેમર્સ ફાસ્ટ ટ્રેક સેલ્સ લિમિટેડને આંતરરાષ્ટ્રીય પ્રસારણ અધિકારો માટે સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ત્રણ જણામાં આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી, કોમનવેલ્થ ગેમ્સ મહાસંઘના અધ્યક્ષ માઈકલ ફૈનેલ અને મુખ્ય કાર્યકારી અધિકારી માઈક હૂપરનો સમાવેશ થાય છે.અહેવાલો મુજબ આ બોલીકર્તાઓની કોઈ પણ જાતની ટેક્નિકલ તપાસ કરવામાં નહોતી આવી અને યોગ્ય પ્રકારની પ્રક્રિયા વગર જ આ કંપનીને પસંદ કરી દેવામાં આવી હતી. કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોન્સર્સ શોધવાનું કામ ઓસ્ટ્રેલિયન કંપની સ્પોર્ટ્સ માર્કેટિંગ એન્ડ મેનેજમેન્ટને સોંપવામાં આવ્યું હતું.કેગ અહેવાલ અનુસાર આ માટે ચાર કંપનીઓએ રસ દાખવ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયન કંપનીએ આમાં બાજી મારી લીધી હતી અને આયોજન સમિતિ કંપનીને રૂ. 25.31 કરોડનું વધારાનું કમિશન આપવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી. જો કે આયોજન સમિતિએ ઓસ્ટ્રેલિયન કંપની સાથે કરાર તે આધાર પર રદ્દ કર્યો કે કંપની તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. જો કે કંપનીએ આ આરોપોનું ખંડન કર્યુ છે.


બ્લેકબેરી પર પ્રતિબંધની આજે શક્યતા

સરકારે બ્લેકબેરીની સેવાઓ પર પ્રતિંબધ લગાવે તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યાં અનુસાર ગુરૂવારે મુખ્ય બેઠકમાં જો સુરક્ષા સંબંધી ચિંતાઓનું સમાધાન થશે નહીં તો આ કેનાડાઈ કંપનીની સેવાઓ પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલયે બ્લેકબેરી સેવાઓ પર વિચાર માટે કાલે દૂરસંચાર વિભાગ (ડોટ) તથા દૂરસંચાર સેવાઓ આપનાર કંપનીઓની બેઠક બોલાવી છે. આશા છે કે બેઠકમાં ગૃહમંત્રાલય તે સેવાઓને રોકવા માટેનો આદેશ આપી શકે છે, જેને સુરક્ષા એજન્સિઓ પકડી શકતી નથી.સુત્રોના જણાવ્યાં અનુસાર અમે તેને સ્પષ્ટ રીતે કહીશું કે સરકાર તેને ફક્ત સેવાઓ ઉપલબ્ધ કરવાની પરવાનગી આપે, જેને સુરક્ષા એજન્સિઓ પકડી શકતી નથી. જો કોઈ સેવાની દેખરેખ થઈ શકતી નથી તો અમે આવી સેવાને દેશમાં ચલાવવાની પરવાનગી આપીશું નહીં.એરટેલ, વોડાફોન, આરકોમ, ટાટા તથા સરકારી કંપનીઓ બીએસએનએલ અને એમટીએનએલ બ્લેકબેરી સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. આવામાં આ કંપનીઓને આ દાયિત્વ બની શકે છે કે તે સુરક્ષા એજન્સિઓને બધી સેવાઓ સુધી પહોંચવા ઉપલબ્ધી કરાવો.સુત્રોના જણાવ્યાં અનુસાર બ્લેકબેરી હેન્ડેસટ બનાવનાર કંપની રિસર્ચ ઈન મોશન (રિમ)એ ઓપરેટરોને માહિદગાર કર્યાં છે કે ઈમેલ અને વોઈસમેલ જેવી સેવાઓને સુરક્ષા એજન્સિઓ પકડી શકતી છે, પરંતુ પોતાના મેસેન્જર સેવા માટે કંપનીએ કોઈ આશ્વાસન કર્યું નહોતું.


દિલ્હીના મુખ્યપ્રધાન શિલા દિક્ષીત ફસાઇ ગયા

દિલ્હીના મુખ્યપ્રધાન શિલા દિક્ષીત આજે કોમનવેલ્થ રમતોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જોકે, ત્યારે તેઓ ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા.શિલા દિક્ષીત નિઝામુદ્દીન ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ, તે સમયે તેઓ ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા. જેના કારણે, અન્ય વાહનચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છેકે, છેલ્લા ઘણા સમયથી દિલ્હી વાસીઓને નિર્માણ કાર્ય અને તેના કાટમાળના કારણે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં ચોમાસાના કારણે, ઠેર-ઠેર પાણી ભરાઇ જાય છે. આથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ બને છે.s


ભુજમાં ભૂંકપના ઝટકા

ભૂજમાં આજે વહેલી સવારે ભૂંકપના આચકાનો અનૂભવ કરવામાં આવ્યો હતો.સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે સવારે 5 .25 વાગ્યે આ ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. ભૂકંપમાં જાનહાનિનાં કે નુકશાન થયાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ ભુજમાં ભૂંકપના આંચકા આવ્યાં હતાં અને ભૂંકપની તીવ્રતા 2.2 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી.


અમેરિકા જવું બેહદ મોંઘું બનશે: નવો વિઝા ખરડો

ભારત તરફથી થઇ રહેલા વિરોધ વચ્ચે અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે સ્કિલ્ડ વર્કર્સ (કુશળતાપ્રાપ્ત કર્મચારીઓ) માટે વર્ક પરમિટ વિઝાની ફીમાં ધરખમ વધારો કરવાની પરવાનગી આપતો ખરડો મંજૂર કરી દીધો હતો. આ વિઝા ફીના વધારાથી થનારી આવકનો ઉપયોગ અમેરિકા-મેક્સિકો સરહદની સુરક્ષા માટે ૬૦ કરોડ ડોલરના ઇમરજન્સી નાણાંભંડોળ માટે કરાશે.ઉલ્લેખનીય છે કે, હજુ ગયા અઠવાડિયે સેનેટે આવી જ એક યોજના મંજૂર કરી હતી. પરંતુ સંસદમાં મંગળવારે આ પ્રસ્તાવ બહુમતીથી પસાર કરાયો, આથી તેના પર રાષ્ટ્રપતિ ઓબામાના હસ્તાક્ષર થાય તે પહેલાં સેનેટની મંજૂરી માટે મોકલવો પડશે.અમેરિકા-મેક્સિકો સરહદની સુરક્ષા વધારવા માટે ત્યાં પાઇલોટવિહોણા યુધ્ધ વિમાનનું સંચાલન અને એરબેઝના નિર્માણ માટે ૬૦ કરોડ ડોલરનો ખર્ચ થનાર છે. આ એવો મુદ્દો છે જેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો સહમત છે. વિઝા ફી વધારા દ્વારા થનારી આવક અમેરિકા-મેક્સિકો સરહદ સુરક્ષા માટે અનામત રખાશે. આ અંગે ભારતીયો દ્વારા જોરદાર વિરોધ પ્રગટ કરાઈ રહ્યો છે.અગાઉ જાહેર થયેલા સરકારી આંકડાઓ મુજબ, એચ વન બી અને એલ વન બી જે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ (લેબર) કેટેગરીના વર્ક વિઝા ગણાય છે તેની માંગ ભારતીયો દ્વારા વધુ હતી. અત્યાર સુધી આ કેટેગરીના વિઝા અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ ભારતીય અરજદારોના જ મંજૂર કરાયા છે.


ભોપાલકાંડ : અર્જુને રાવ તરફ નિશાન તાક્યું

ભોપાલ ગેસ દુર્ઘટના મામલે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના તે સમયના મુખ્યમંત્રી અર્જુનસિંહે મૌન તોડતા કહ્યું છે કે યુનિયન કાર્બાઇડના તત્કાલીન વડા વોરેન એન્ડરસનને છોડી મૂકવા માટે ગૃહમંત્રાલયમાંથી અનેકવાર તેમના પર ફોન આવ્યા હતા. તે સમયે પી.વી. નરસિંહરાવ ગૃહમંત્રી હતા. અર્જુનસિંહે આ ઉપરાંત એમ રાજીવ ગાંધીને કલીન ચીટ આપીને કહ્યું હતું કે તેમણે એન્ડરસનની તરફેણમાં એક પણ શબ્દ કહ્યો ન હતો. તેમણે વડાપ્રધાન મનમોહનસિંઘને અમેરિકન પ્રમુખ બરાક ઓબામાની યાત્રા દરમિયાન એન્ડરસનનો મુદ્દો ઉઠાવવાનું પણ કહ્યું છે. અર્જુનસિંહે રાજ્યસભામાં બોલવાનું શરૂ કરતા જ ગૃહમાં શાંતિ છવાઈ ગઈ હતી. ગેસ દુર્ઘટના અંગે વિગતવાર જણાવતા અર્જુને કહ્યું કે એન્ડરસન ભોપાલ આવ્યો તે સાથે જ લોકો તેને ફટકારવા તૈયાર હતા, પરંતુ તેમણે તેની સલામતીની જવાબદારી પણ બજાવવાની હતી. તેમણે નરસિંહ રાવનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘મારા મુખ્ય સચિવે મને માહિતી આપી હતી કે ગૃહ મંત્રાલયના અધિકારીઓ તરફથી સતત ફોન આવી રહ્યા છે કે એન્ડરસનને જામીન આપી દો. મેં તે સમયે જ તેની ધરપકડને વિધિવત રીતે રેકોર્ડમાં નોંધી લેવાની સલાહ આપી હતી કે જેથી ભવિષ્યમાં જરૂર પડે તો પણ તેને કોર્ટમાં હાજર કરીને દોષિત સાબિત કરી શકાય.’અર્જુને કહ્યું કે તેમણે જ્યારે હોશંગાબાદના હરદા ગામમાં ચૂંટણી સભા માટે રાજીવ ગાંધીને મળીને એન્ડરસનની ધરપકડ અંગે માહિતી આપી ત્યારે તેમણે કોઈપણ વ્યક્તિ માટે કોઈપણ પ્રકારની સહાનુભૂતિ દર્શાવી ન હતી. તેમણે તમામ વિગત સાંભળ્યા બાદ એટલું જ કહ્યું કે ‘આપણે હવે પછીની ચૂંટણી સભામાં જવું જોઈએ.’ સિંહે કહ્યું કે તેમણે ગેસ દુર્ઘટના બાદ રાજીનામાની ઓફર પણ કરી હતી, પરંતુ રાજીવે કહ્યું કે તેની જરૂર નથી.


આઇ. આઇ. પી. દર ઘટીને 7.1%

દેશમાં મેન્યુફેકચરિંગમાં ઘટાડો આવતા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી)માં અગાઉના મહિનાની સરખામણીમાં ઘટાડો આવ્યો છે. આઇઆઇપીનો દર જૂલાઇમાં પૂરા થતાં મહિનામાં 7.1% આવ્યો છે, જે તેની અગાઉના મહિનામાં 8.3% રહ્યો હતો.આ મહિના દરમ્યાન ખાસ કરીને ફેકટરીઓનું આઉટપુટ નબળું રહ્યું છે. તેની અસર અહિં જોવા મળી છે. ગયા વર્ષે જૂન મહિનામાં ઇલેક્ટ્રિસીટી જનરેશનનું વિસ્તરણ 8% રહ્યું હતું, તેમાંથી આ વખતે 3.5% રહ્યું છે.માઇનિંગનો વિકાસ દર 14.2%માંથી ઘટીને 9.5% રહ્યો છે. આ મહિનામાં સૌથી સારો દેખાવ ફકત કન્ઝયુમર ડ્યુરેબલ્સે કર્યો છે. તેનો વિકાસ દર 16.2%થી વધીને 27.4% થયો છે.


ટેસ્ટ ક્રિકેટમાં સિદ્ધિ નોંધાવનાર ખેલાડીઓ, સમગ્ર શ્રેણી

ટેસ્ટ ક્રિકેટમાં સિદ્ધિ નોંધાવનારા ખેલાડીઓમાં આપણે ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ કહી શકાય તેવી આઠ ખેલાડીઓની સિદ્ધિ વિશે જોયું. આ આઠેય ખેલાડીઓ બેટ્સમેન હતા જેઓએ ટેસ્ટ ક્રિકેટમાં કંઈક સિદ્ધિ કે રેકોર્ડ્સ બનાવ્યા છે.આ ખેલાડીઓમાં આપણે સુનિલ ગાવાસ્કર, બ્રાયન લારા, એલન બોર્ડર, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, રાહલુ દ્રવિડ, જેક કાલિસ અને સ્ટીવ વોની સિદ્ધિઓ અને રેકોર્ડ્સ વિશે વાત કરી હતી. આ દિગ્ગજ ખેલાડીઓની એક સિદ્ધિ સામાન્ય છે અને તે છે કે આ ખેલાડીઓ ટેસ્ટ કારકિર્દીમાં સૌથી વધુ ટેસ્ટ રન ફટકારી ચૂક્યા છે.હવે આ તમામ ખેલાડીઓ વિશે જાણો એક જ જગ્યાએ. કયા ખેલાડીએ કયો રેકોર્ડ બનાવ્યો કે પછી કયા ખેલાડીએ રેકોર્ડ તોડ્યો છે તે જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


મહિલાઓ સૌથી ગુપ્ત માહિતી માત્ર તેના કૂતરાને કહે છે

કૂતરાને સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે અને એટલે જ કદાચ મહિલાઓ જે વાત પોતાના પતિથી પણ ગુપ્ત રાખે છે, તે વાત પોતાના પાળતું કૂતરાને કહેતી જોવા મળે છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વે પરથી આ વાત ફલિત થઇ છે. સર્વે પરથી જાણવા મળ્યું છે કે મહિલાઓ પોતાની ગુપ્તમાં ગુપ્ત વાત પણ પોતાના પાળતુ કૂતરાને જણાવતી હોય છે.કૂતરાઓ માટેનો ખોરાક બનાવતી કંપનીએ હાથ ધરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે પાંચમાંથી એક મહિલા જે વાત કોઇને પણ કહેવાની હિંમત ન કરે તે વાતને પોતાના કૂતરાને કહેતી હોય છે. કેટલિક મહિલાઓ પોતાના કૂતરા પ્રત્યે અદભૂત લગાવ ધરાવતી હતી. આશરે 14 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેમનો કૂતરો તેમના મનની વાતોને ખુબ જ સારી રીતે સમજી શકે છે.જ્યારે બીજી બાજુ માત્ર 10 ટકા પુરુષો તેમના કૂતરા પ્રત્યે વિશ્વાસ ભર્યો સંબધ રાખે છે. મોટા ભાગના પુરુષો કૂતરાને વિશ્વાસુ સાથી માને છે. સર્વેમાં ત્રીજા ભાગના કૂતરાના માલિકોએ જણાવ્યું હતું કે તેમનો કૂતરો સૌથી વિશ્વાસુ સાથી છે અને અડધા જેટલા લોકોએ જણાવ્યું હતું કે તેમના કૂતરાના કારણે તે વધારે આશાવાદી હોવાનો અનુભવ કરે છે.


બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આમિરનો સ્પર્શ પસંદ નથી

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન આમિર ખાનથી ઘણો જ પ્રભાવિત થઈ ગયો છે. સલમાન ખાને આમિર ખાનની ફિલ્મ પીપલી લાઈવ જોઈ છે. સલમાને આમિર ખાનને મિસ્ટર મિડાસ ટચ જેવું નામ આપ્યું છે.મિસ્ટર મિડાસ ટચે પીપલી લાઈવ બનાવી છે. મિડાસ ટચ મતલબ આમિર ખાન. પીપલી લાઈવ કમાલની ફિલ્મ છે. સલમાને ટ્વિટર પર ટ્વિટ કર્યુ છે કે, દરેક લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ.આમિરની છેલ્લી ત્રણ ફિલ્મો તારે જમીન પર, ગજની અને 3 ઈડિયટ્સ સુપરડુપરહિટ રહી છે. સલમાને કહ્યું હતું કે, આમિર મને સ્પર્શ કરે તે મંજૂર નથી. આમિરના સ્પર્શથી હું સોનું બની જાવ તો.ઉલ્લેખનીય છે કે, પીપલી લાઈવ ફિલ્મ ખેડૂતોની આત્મહત્યા પર આધારિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુષા રિઝવીએ કર્યુ છે. સલમાને જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કોમેડી, ટ્રેજેડી, ખુલાસા, સનસની અને બ્રેકિંગ ન્યૂઝ જેવી વાતો છે.


વડોદરાની કન્સ્ટ્રકશન કંપનીમાં CBIની તપાસ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહની ધરપકડ થયા બાદ સી બી આઇ એ અમિત શાહના નાણાકીય વ્યવહારોની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. સી બી આઇની ટીમે બુધવારે વડોદરાની એક કન્સ્ટ્રકશન કંપનીની ઓફિસમાં ભારે ગુ’ રાહે તપાસ શરૂ કરી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. જોકે આ બાબતને સત્તાવાર સમર્થન મળી શક્યું ન હોવા છતાં જે કંપની શંકાના દાયરામાં છે તેમાં અમિત શાહે રાકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લા ભાજપના એક રાજકીય અગ્રણીને પણ સી બી આઇ પહેલાંથી જ શોધી રહી છે. દુબઇ સાથે થયેલા નાણાંકીય વ્યવહારના હવાલામાં આ રાજકીય અગ્રણીની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ અમિત શાહના નાણાકીય વ્યવહારની તપાસમાં તેમણે વડોદરાની એક કન્સ્ટ્રકશન કંપનીમાં નાણાં રોક્યાં હોવાનું જણાતા સી બી આઇ એ આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. સી બી આઇ ની એક ટીમે આજે વડોદરાની એક કંન્સ્ટ્રકશન કંપનીમાં તપાસ હાથ ધરી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું.જે કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, તે કંપનીએ રાજ્ય સરકારનાં પણ કેટલાંક મોટાં કામો રાખ્યાં હોવાનું અને તેમાં અમિત શાહની ભૂમિકા રહી હોવાની સાથે તેમણે નાણાંનું પણ રોકાણ કર્યું હોવાની આશંકાના પગલે આજે સી બી આઇએ તપાસ હાથ ધરી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું.આ બનાવને જોકે, કોઇ સત્તાવાર સમર્થન મળી શક્યું ન હતું, પરંતુ વડોદરા શહેરમાં આજે સી બી આઇની ટીમે એક કંપનીમાં રેડ પાડી તપાસ શરૂ કરી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું.s


મહુવા પોલીસ સ્ટેશનમાં ખંડણીનું રેકેટ ચાલે છેઃ કોંગી પ્રમુખ

કાયદેસરની લેખિત ફોજદારી ફરિયાદો એફ.આઇ.આર. તરીકે નહીં નોધીને સાચો અને વ્યાજબી ગુન્હો છુપાવવાની પેરવી કરી, ઉપલા અધિકારીઓ તથા કોર્ટને ખોટા રિપોર્ટ કરતા કરેલ ગુન્હાહિત કૃત્યના કારણે ખાતાકીય રીતે તપાસ કરી શિક્ષાત્મક પગલા લેવા મહુવા શહેર તથા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા રાજ્યના ડી.જી. એસ.એસ.ખંડવાવાલાને લેખિતમાં રજૂઆત કરેલ છે.મહુવા પોલીસ મથકના ખંડણીનું મોટું રેકેટ ચાલતું હોવાનો આક્ષેપ કરતા શહેર - તાલુકા કોંગ્રેસ મહુવાના પૂર્વ પ્રમુખ પઢીયાર રામસિંહ મનુભાઇએ ડી.જી. ખંડવાવાલાને લખેલ પત્રમાં જણાવ્યું છે કે, મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની ફરિયાદ નોંધવા તથા તહેમતદારો સામે ફરિયાદ ન નોંધવાનો ભાવ રૂ.૫૦ હજાર ઉપરાંત આ વિસ્તારમાં કોઇપણ માથાભારે આસામી કોઇની જમીનોમાં ગેરકાયદેસર કબ્જો કરી લીધો હોય તો તે કબ્જો મુળ માલિકને પરત અપાવવાનો મહુવાના પી.આઇ.નો ભાવ રૂ.પાંચલાખ ચાલતો હોવાનું જણાવેલ છે.તેઓએ એવું પણ જણાવ્યું છે કે, મહુવા પોલીસ ખાતાની વિરૂદ્ધ મારી આ ઝુંબેશના કારણે મારા ઉપર જાનનું જોખમ છે તેમજ મને કોઇ ખોટા ગુન્હાના કેસમાં ફસાવવાનું કાવત્રું થશે તો તે ગુજરાત સરકારની તેમજ ગુજરાત પોલીસ ખાતાની અંગત જવાબદારી રહેશે.પૂર્વ પ્રમુખે એવું પણ જણાવેલ છે કે તેઓએ ગત તા.૨૬/૧૧/૦૯, ૧૧/૧/૧૦, ૩/૩/૨૦૧૦ની કાયદેસરની લેખિત ફોજદારીફરિયાદો કરેલ જે એફ.આઇ.આર. તરીકે નહી નોંધીને સાચો અને વ્યાજબી ગુન્હો છુપાવવાની પેરવી કરી, ઉપરી અધિકારીઓ તથા કોર્ટને ખોટા રિપોર્ટો કરતા કરેલ ગુન્હાહીત કૃત્યના કારણે ખાતાકીય રીતે તપાસ તજવીજ કરીતહોમતદારો સામે તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થાય તેવો હુકમ કરવા જણાવેલ છે.


કંડલા-મુન્દ્રા બંદરેથી ખાંડની નિકાસ કરાશે

કંડલા અને મુન્દ્રામાં પડી રહેલા ખાંડના જથ્થાને નિકાસ કરવાની કેન્દ્ર સરકાર છૂટ આપે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા નવ મહિનાથી આ જથ્થો અહીં પડયો છે પણ રેલવેના રેક મળતા ન હોવાથી આ જથ્થો અહીં પડયો છે.કૃષિ મંત્રી શરદ પવારે પણ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે બંદરો ખાતે પડી રહેલો જથ્થો વિદેશમાં નિકાસ કરવામાં આવશે. આ બંને બંદરો પર ૫.૯૦ લાખ ટન ખાંડ પડી છે પણ શરદ પવારે એ ફોડ નહોતો પાડ્યો કે ખાંડનો કેટલો જથ્થો મોકલવામાં આવશે કે ક્યારે મોકલવામાં આવશે. અલબત, તેમણે એટલું જરૂર કહ્યું હતું કે ભવિષ્યમાં દેશને જરૂર હશે એટલો જ ખાંડનો જથ્થો મંગાવવાનું મિલોને કહેવામાં આવશે.૩૧મી જુલાઇના પૂરા થતા ત્રણ મહિના દરમિયાન રેલવેએ ૫૭ રેકસ પૂરા પાડ્યા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. એમાંય ગયા મહિનામાં તો માત્ર છ રેક જ ફાળવવામાં આવી હતી. જેના થકી ૧૬૨૦૦ ટનનું વહન થઇ શક્યું હતું.


ડી.આર. ને બદલવા કચ્છ કોંગ્રેસ કમિટીની રજુઆત

કચ્છમાં કોંગ્રેસ તરફથી ડીઆર તરીકે મીરશાહની નિમણુંકને કચ્છ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીના ઉમર શાહે માથાના દુ:ખાવા સમાન ગણી જો ચૂંટણી સમયે આજ ડીઆર રહેશે, તો કચ્છ કોંગ્રેસને મોટું નુકસાન સહન કરવું પડશે તેવી રજુઆત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સમક્ષ કરી છે.હાલે તેમના દ્વારા કરાયેલી કચ્છ કોંગ્રેસમાં નિમણૂકો સર્વસહમતીથી થઇ નથી, જો આવી રીતે કાર્ય થશે તો સિનિયર કોંગ્રેસ લઘુમતીઓ નિષ્ક્રિય થઇ જશે અને આ સ્થિતિમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસને મોટું નુકસાન સહન કરવું પડશે. ડીઆર અન્ય રાજ્યનો હોવો જોઇએ.


દીપરાકાંડ : ગોસા અને ડી.ટી. પટેલની જામીન અરજી રદ

દીપરા દરવાજા પ્રકરણમાં જેલભેગા કરાયેલા વિસનગરના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગોસા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ ડી.ટી. પટેલે મૂકેલી જામીન અરજી બુધવારે મહેસાણા સ્પેશ્યલ કોર્ટે રદ કરવાનો હુકમ કરતા બન્ને અગ્રણીઓને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે.દીપરા દરવાજા પ્રકરણમાં વિસનગરના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગોસા તથા પાલિકા પૂર્વ પ્રમુખ ડી.ટી. પટેલ મહેસાણા સ્પેશ્યલ કોર્ટમાં શરણે થયા બાદ તેઓને પાંચ દિવસ પૂર્વે કોર્ટના આદેશથી જેલમાં મોકલી અપાયા હતા. આ બન્ને અગ્રણીઓના વધુ તપાસ અર્થે તેમજ વણઉકલ્યા પુરાવા એકત્રિત કરવા સીટે રિમાન્ડ માંગ્યા હતા. જે આ અગાઉ કોર્ટે રદ કર્યા હતા. આ સંજોગોમાં બન્ને અગ્રણીઓએ મૂકેલી જામીન અરજી બુધવારે મહેસાણા સ્પેશ્યલ કોર્ટમાં ચાલી હતી.જેમાં સરકારી વકીલ અગ્રવાલે આ બહુચર્ચીત કેસમાં બન્ને આરોપીઓએ અગાઉ બનાવ બાદ પોલીસ સ્ટેશન કબજે કર્યું હતું અને તપાસ ખોટી કરાવવા અગાઉ પોલીસ અધિકારીને દબાણ કરાયું હોવાનું તેમજ આ બન્ને અગ્રણીઓ વગદાર હોઈ હાલમાં તપાસ ચાલુ છે અને કોર્ટમાં અન્ય જુબાની બાકી હોઈ બન્ને આરોપીઓ જામીન ઉપર છુટે તો કેસને મોટી અસર કરે તેમ હોવા સહિતની ઉગ્ર દલીલો કરી હતી.
જે અનુસંધાને જજ કુ. એસ.સી. શ્રીવાસ્તવે બન્ને આરોપીઓને જામીન અરજી રદ કરવાનો હુકમ કરતા તેઓને જેલમાં વધુ સમય રહેવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, કોર્ટના આ હુકમને પગલે બન્ને અગ્રણીઓના પરિવારજનો તેમજ પરિચિતોમાં સોંપો પડી ગયો હતો અને કોર્ટના આ હુકમ અંગે કલાકો સુધી ચર્ચાઓનો દોર લંબાયો હતો.

No comments:

Post a Comment