13 August 2010

રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ એસો.ના પ્રમુખ આવું મેદાન જોઇ શકશે?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ એસો.ના પ્રમુખ આવું મેદાન જોઇ શકશે?

વરસાદને લીધે પાણી અને ગારો તથા લોખંડના ડોમને લીધે ગમે ત્યારે શોટ સર્કિટની ભીતિ.સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં થયેલા અતિરેક અને અતિ વ્યયની ચર્ચા તો પખવાડિયાથી શહેરીજનોના મુખે છે પરંતુ હદ તો એ છે કે જે તૈયારી પાછળ આખું તંત્ર ઊંધે કાંધ લાગેલું છે તેમાં એવી ક્ષતિ છે કે કોઇ મોટો અકસ્માત થવાની શક્યતા અને દહેશત રેસકોર્સ મેદાનમાં ડોકાઇ રહી છે કારણ કે ત્યાં મેદાનમાં જીવંત વીજવાયરો છે જે ભેજને લીધે ગમે ત્યારે ભડકાનું રૂપ લઇ શકે છે.મુખ્યમંત્રીની હાજરીમાં તા.૧૪મી અને ૧૫મીએ યોજાનારા કાર્યક્રમોની તૈયારી અને ખર્ચ વિક્રમજનક છે કારણ કે સરકારી તંત્ર આટલી ત્વરાથી કામ આવા સમયે જ કરે છે.એટલે જે ડોમ નંખાયો છે તે વરસાદી પાણી રોકી શકે તેવી કાળજી રાખીને તે જ બાબતનો પ્રચાર વારંવાર કરાયો છે છતાં એકાદું ઝાપટું આવેને મેદાન કાદવથી ભરાઇ જાય છે.તેના કરતાં પણ વિશેષ બાબત એ છે કે ઇલેક્ટ્રિક ફિટિંગમાં જો સ્હેજ પણ ખામી હશે તો દુર્ઘટના થશે.રેસકોર્સ મેદાનમાં જ્યાં વિશાળ ડોમ છે ત્યાં રોશની છે, લાઇટોની ઝાકઝમાળ છે. વીજવાયરની લાઇનો બિછાવવામાં આવી છે તે પાણીના ખાબોચિયાંમાંથી, કાદવમાંથી પસાર થાય છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો દાવો છે કે ફિટિંગ વ્યવસ્થિત કરાયું છે પરંતુ થોડું પણ જો લુઝ ફિટિંગ હોય કે પછી ટેપ ઉખડેલી હોય અને વાયરને પાણી અડે તો આગ લાગે તે તો દૂર પરંતુ પાણીમાં વીજપ્રવાહ ફેલાય તેને લીધે પણ મોટી દુર્ઘટના સંભવી શકે.જ્યાં ખુલ્લામાં પ્રોગ્રામ યોજાવાના છે તે બધે જ આ હાલત છે. તંત્ર મોરમ નાંખીને પાણીના ખાબોચિયા ઓછા કરી શકે પરંતુ જમીનની અંદરનો ભેજ તો એવો જ રહે અને અત્યારે તો ઓછી મેદની છે હવે કાર્યક્રમો શરૂ થયા છે જો તંત્રની અપેક્ષા મુજબ લોકો ત્યાં જશે તો તેમના પગ નીચે વાયર કચડાશે તે સ્વભાવિક છે.રેસકોર્સના ક્રિકેટ સ્ટેડિયમ પર તંત્રે જાણે અત્યાચાર કર્યો છે. આઉટફિલ્ડ અને પીચ કાદવથી બગડી ગયાં છે. મુખ્યમંત્રી ત્યાં ધ્વજવંદન કરવાના છે, પરંતુ તેઓ તો ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પણ છે અને તેમની હાજરીમાં તેમના જ કાર્યક્રમ માટે ક્રિકેટ મેદાનની આવી અવદશા થશે ? આ સવાલ ક્રિકેટ પ્રેમીઓને હચમચાવી રહ્યો છે.


તંત્રે રહી રહીને મોદીના કેટલાક હોર્ડિંગ્ઝ ઉતાર્યા : બુંદ સે ગઇ હોજ સે આવશે?

રાજકોટમાં સ્વાતંત્રય પર્વની ઉજવણી નિમિત્તે શહેર આખાના મુખ્ય માર્ગોના રોડ ડીવાઇડરો ઉપર ગેરકાયદે રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫૦ હોર્ડિંગ્ઝ લગાવી દેવાના પ્રકરણમાં રાજકોટનું અતિ ઉત્સાહી તંત્ર ભાઠે ભરાઇ ગયું હોય એવું ચિત્ર ઉપસ્યું છે.
શહેરમાં ‘મોદી-મોદી’ કરાવી દેવાના ભક્તિભાવમાં તણાઇને હોર્ડિંગ્ઝનો અતિરેક કરી દેનાર તંત્ર લોક વિરોધ બાદ એવું મુંઝાયું છે કે હવે મોદીના લગાડી દેવાયેલા હોર્ડિંગ્ઝ ઉતારવાની નવતર કામગીરી શરૂ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યાં ધ્વજવંદન થવાનું છે તથા રાજ્યપાલનો ‘એટહોમ’ કાર્યક્રમ યોજાવાનો છે તે રેસકોર્સના રિંગ રોડ ઉપરથી મોદીના ૪૫ પૈકીના ૨૦ હોર્ડિંગ્ઝ ઉતારી તંત્રે ભૂલ ઉપર ઢાંક પીછોડો કરવાની કવાયત આદરી છે.રાજકોટમાં રાતોરાત મુખ્યમંત્રીની તસ્વીરોવાળા આટલા બધા હોર્ડિંગ્ઝ લટકાવી દેવામાં આવતાં લોકો અચંબિત બની ગયા હતા. સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં શહીદોના હોર્ડિંગ્ઝ હોવા જોઇએ, દેશને આઝાદી મળી એમાં મોદીની કોઇ ભૂમિકા નહોતી, અન્ય એક પણ રાજ્યોમાં સ્વાતંત્રય પર્વ ઉપર એ રાજ્યોના મુખ્યમંત્રીઓના હોર્ડિંગ્ઝ નથી લગાવવામાં આવતા ત્યારે અહીંયા સરકારી મશીનરીનો ભયંકર હદે દુરુપયોગ કરીને આટલી મોટી સંખ્યામાં નરેન્દ્રભાઇની તસ્વીરો વાળા હોર્ડિંગ્ઝ લગાવી દેવાનું કારણ શું ? એવો પ્રશ્ન ઉઠ્યો હતો. પ્રજાના પૈસે ઉજવાતું સ્વાતંત્રય પર્વ મોદીના પ્રચારનું પર્વ બની ગયું છે એવી ટીકા કોંગ્રેસે કરી હતી. એકંદરે તંત્રનું આ પગલું પ્રજામાં ટીકાસ્પદ તથા હાસ્યાસ્પદ બન્યું હતું.લોકોની એ લાગણીને દિવ્ય ભાસ્કરે વાચા આપ્યા બાદ તંત્ર હચમચી ઉઠયું હતું. લોકરોષ ઠંડો પાડવા માટે રાતોરાત શહીદોના હોર્ડિંગ્ઝ તૈયાર કરીને કેટલાક સ્થળે લગાવવામાં આવ્યા હતા. જો કે મોદીના હોર્ડિંગ્ઝની સંખ્યાની તુલનામાં એ સંખ્યા નહીંવત હતી અને પરિણામે લોકોની નારાજગી યથાવત રહેતાં તંત્રે ગતરાતથી મોદીના હોર્ડિંગ્ઝની સંખ્યા ઘટાડવાની કામગીરી હાથ ધરી હતી.તે અંતર્ગત રેસકોર્સ રિંગ રોડ, સંત કબીર રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ વગેરે સ્થળેથી મુખ્યમંત્રીના કેટલાક હોર્ડિંગ્ઝ ઉતારી લેવામાં આવ્યા હતા. ગતરાતે ચૂપચાપ આ કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી.


નિફ્ટી ઓગસ્ટમાં 5560 સુધી જઇ શકે છે

બજાર આજે મજબૂત જોવા મળી રહ્યું છે, પરંતુ વેચવાલીની ધારણાઓનો ઇન્કાર કરી શકાય નહિં.નિફ્ટી 5400ની નીચે જતા 5350 પર મજબૂત સહારો છે. જો કે હું નિફ્ટીને 5280ની નીચે જતા જોતો નથી. પરંતુ જો આ સપાટી તૂટી તો મોટો ઘટાડો આવવાનો ખતરો રહેશે. આવતા કેટલાંક દિવસો માટે નિફ્ટીનો દાયરો 5350-5500ની વચ્ચે રહી શકે છે. ઓગસ્ટ સીરીઝની વાત કરીએ તો નિફ્ટી ઉપરમાં 5560 સુધી જઇ શકે છે. બેકિંગ, ઓટો, એફએમસીજી જેવા ક્ષેત્રો ઠીક લાગી રહ્યા છે. રૂપિયામાં મજબૂતીથી આઇટી શેરોમાં નરમાઇ આવી છે. પરંતુ જો ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત થતાં 45 રૂપિયા પ્રતિ ડોલર સુધી જાય તો આઇટી શેરોમાં ખરીદી કરવી જોઇએ. મને નથી લાગતું કે રૂપિયો આનાથી વધુ મજબૂત હશે. જ્યારે ખાંડ અને સિમેન્ટ ક્ષેત્ર કંઇક નરમ લાગી રહ્યા છે.આ મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક રોકાણકાર (ડીઆઇઆઇ) સતત વેચવાલી કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડો પર રોકાણકારોને નાણાં નીકાળવાનું દબાણ તો છે જે, સાથો સાથ પ્રોફિટબુકિંગ પણ થઇ રહ્યું છે. ખાસ કરીને ઇક્વિટી ફંડોમાં નવું રોકાણ આવી રહ્યું નથી. એવામાં ફંડ મેનેજરોને મજબૂરીમાં શેર વેચવા પડી રહ્યા છે. બીજીબાજુ રોકાણકારોમાં ડાયરેક્ટ ટેક્સ કોડને લઇને ભ્રમની સ્થિતિ છે. ડીટીસીનો જે હાલનો ડ્રાફ્ટ છે તે મુજબ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ખત્મ થઇ જશે. એ જ કારણ છે કે જૂના રોકાણકાર 1 એપ્રિલ, 2011 પહેલાં નફો નીકાળી લેવા માંગે છે. સંસદના ચોમાસુ સત્રમાં ડીટીસી વિધેયક રજૂ કરવાનું છે. જો સરકાર ડીટીસીમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર બજારના હિતમાં નિર્ણય કરે છે તો બજારમાં વધુ તેજી આવી શકે છે. પરંતુ જો હાલનો ડ્રાફ્ટ જ લાગુ થાય છે તો બજારમાં વેચવાલીનું દબાણ આવશે.


કહીં પે નિગાહેં, કહીં પે નિશાના

કોઈ દવાને ન ગાંઠે એવા બેકટેરિયાને નવીદિલ્હી મેટ્ટાલો નામ આપવા પાછળ વિદેશી ફાર્મા કંપનીઓનું કાવતરું હોવાનું સાબિત કરવું પડે તેમ નથી. વળી, આ બેકટેરિયાને સુપરબગ પણ કહેવામાં આવ્યું છે. બ્રિટિશ જર્નલ લાન્સેટના અહેવાલ પ્રમાણે ભારત અને પાકમાં સારવાર લઈને પરત આવેલા ૩૭ લોકોમાં આ સુપર બગ જોવા મળ્યાં છે.પાકમાં સારવાર લીધેલાઓમાં પણ આ બેકટેરિયા દેખાયાં હોવા છતાં નામ નવીદિલ્હી અપાયું છે કહીં પે નિગાહેં, કહીં પે નિશાના જેવું છે. ભારતમાં વિકસી રહેલા મેડિકલ ટુરિઝમને તોડવા માટેની મંછા આ નામકરણ પાછળ છે. એવા કેટલાય એન્ઝાઈમ દુનિયામાં છે જેને કોઈ દવા અસર કરતી નથી. વાતાવરણ તો જાણે એવું ઊભુ કરવાનો પ્રયાસ થયો છે કે સુપર બગ એઇડ્સ કરતાં પણ વધુ ખતરનાક હોય. આ નવાં ઓર્ગેનિઝમ અંગેનો અહેવાલ પ્રકાશિત કરવા પાછળ બે મલ્ટિનેશનલ ફાર્મા કંપનીઓનું ભેજું હોવાનું ભારત સરકાર પણ કહે છે.ભય ફેલાવે તેવું વાતાવરણ પેદા કરીને આ કંપનીઓ પોતાની દવા વેચવા માગતી હોય તેની સાથે જ, હેલ્થકેર સેક્ટરમાં ભારતની થઈ રહેલી પ્રગતિ રોકવાનો આશય પણ સ્પષ્ટ છે. નહીંતર, કોઈ બેકટેરિયા સાથે અથવા બીમારી સાથે કોઈ શહેરનું નામ જોડવાની કોઈ જરૂર જ ન હોય. અહીં તો એવું સાબિત કરવાનો પ્રયત્ન છે કે આ બેકટેરિયા ભારતમાં પેદા થયો છે અને ભારતમાં સારવાર લેવાથી આ બેકટેરિયાનો ચેપ લાગવાનો ભય છે. ભારતમાં મેડિકલ ટુરિઝમ ૧૨૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતું વિશાળ સેક્ટર છે, અને કૂદકે અને ભૂસકે તેનો વિકાસ થઈ રહ્યો છે.


જીભના વધારે ચટાકા ચટપટા બટાકા

બધાં જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ દરેક ઘરમાં સૌથી વધુ માનીતું શાક છે. તેનું કારણ તે દરેક શાક સાથે ભળી જાય છે. તેની જાતજાતની વાનગી બને છે. બટાકાં કોમ્પ્લેકસ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે, જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તમે માનો છો, તેટલાં તે હાઇ કેલેરી નથી. એક મીડિયમ સાઇઝના બટાકામાં લગભગ ૧૫૦ કેલેરી હોય છે. તેમાં ૫ ગ્રામ ફાઇબર હોય છે, જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં વિટામિન અને મીનરલ્સ ભરપૂર છે.એક બટાકામાંથી લગભગ ૯૦૦ મિલીગ્રામ પોટેશિયમ મળી રહે છે જે તમારી રોજની ૨૦ ટકા જરૂરિયાત પૂરી કરે છે. પોટેશિયમ શરીરના વિકાસ માટે તેમ જ સેલના મેન્ટેનન્સ માટે ખૂબ જરૂરી છે. આ નર્વ સિસ્ટમને મદદ કરે છે તેમ જ શરીરના મસલ્સને મદદરૂપ થાય છે. શરીરના બ્લડ પ્રેશરને મેન્ટેન કરવા માટે પણ બટાકામાંનું પોટેશિયમ ઉપયોગી થાય છે.અમુક પ્રમાણમાં વિટામીન ‘સી’ અને વિટામીન બી૬ પણ ધરાવતાં બટાકા બ્લડ કલોટિંગમાં મદદરૂપ છે. તેના લીધે વાગેલા ઘા પર રૂઝ ઝડપથી આવે છે. જો બટાકા આટલાં બધા હેલ્ધી છે તો વધુ વજનવાળા લોકો તે ખાતાં આટલો બધો વિચાર કેમ કરે છે? ચાલો, બટાકા વિશે આપણા મનમાં વારંવાર ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવીએ.બટાકાની ચિપ્સ અથવા વેફર્સ કેટલી ખવાય?જ્યારે બટાકાને તળવામાં આવે ત્યારે તેમાં તેલની ચરબી આવે છે, જે તેની કેલેરીમાં વધારો કરે છે. તે ઉપરાંત, તેમાં એક્રીલામાઇડ (acrylamide) નામનું ટોકિસન ઉમેરાય છે. જ્યારે સ્ટાર્ચવાળા પદાર્થો વધુ પડતાં તાપમાનમાં બનાવવામાં આવે ત્યારે આ ટોકિસન ઉત્પન્ન થાય છે. આવા ટોકિસન શરીર માટે નુકસાનકારક છે.બટાકાનો ઉપયોગ : એક મીડિયમ સાઇઝનાં બટાકામાં ૧૫૦ કેલેરી આવતી હોવાથી રોજિંદા ખોરાકમાં દરેક શાકમાં બટાકા નાખીને ખાવાની પદ્ધતિને બદલવાની જરૂર છે. દરરોજ બટાકાને દરેક શાકમાં નાખવાના બદલે અઠવાડિયામાં એક અથવા બે વખત બટાકાનું શાક અથવા પેટિસ બનાવીને ખાવી વધુ હિતાવહ છે. બટાકાની છાલમાં ફાઇબર છે તેમ જ વિટામિન, મીનરલ્સ પણ રહેલા છે.


DAVPની આકાશવાણી પર બમણી આવક

સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક એકમ ડીએવીપીનું ઓલ ઈન્ડિયા રેડિયો પર જાહેરખબરોનો સૌથી વધારે ઘસારો છે. અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર ડીએવીપી ઓલ ઈન્ડિયા રેડિયો પર જાહેરખબરોનું 66.71 મિલિયન રૂપિયાની આવક થઈ જ્યારે અન્ય 44 એજન્સીઓ પણ એક-એક લાખ દબાવીને બેઠી છે. આ જ રીતે 23 એજન્સીઓનું દૂરદર્શન પર કૂલ 997.37 મિલિયન રૂપિયાની આવક છે.જોકે આનાથી સરકારી પ્રસારકોના સ્વાસ્થ્ય પર કોઈ ખાસ અસર પડી નથી. હાલના નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસીમાં દૂરદર્શને 1.43 અરબ રૂપિયાનો રેવન્યૂ જનરેટ કર્યો, તો આ જ સમયગાળામાં આકાશવાણીએ 447.87 મિલિયન રૂપિયાની આવક કરી.ગયા માર્ચમાં સમાપ્ત થયેલ નાણાકિય વર્ષ દરમિયાન દૂરદર્શને 10 બિલિયન રૂપિયાનો રેવન્યૂ જનરેટ કર્યો. આકાશવાણીની આવક 2.49 બિલિયન રૂપિયા સુધી પહુંચી ગઈ. જેમાં 385.9 મિલિયન રૂપિયા નોન કમર્શિયલ રેવન્યૂ હતો.


લાખોના ખર્ચે નાખેલી મોરમ ઉપર વરસાદે પાણી ફેરવ્યું

સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે કરોડો રૂપિયાના મંડપ પાથરી દેવામં આવ્યા છે. પરંતુ મંડપ બહાર કીચડ છવાઇ ગયું હતું. કીચડને દૂર કરવા અને લોકોને કોઇ તકલીફ ના પડે માટે ગઇકાલે આખી રાત યુદ્ધના ધોરણે બૂલડોઝર ફેરવી પાણી બહાર કાઢી રાતોરાત મોરમ પાથરવામાં આવી હતી. ગ્રાઉન્ડને ટનાટન બનાવવા માટે એક હજાર ટ્રેક્ટર મોરમ પાથરી દેવામાં આવી હતી. પણ આજે વરસાદે મોરમ ઉપર પાણી ફેરવી દીધું હતું.ડબલ ખર્ચે મોરમ પાથરવામાં આવી હતી અને આજે સવારે મેદાન ટનાટન બનાવી દેવાયું હતું. પરંતુ આજે સાંજે મેઘરાજા મહેરબાન થઇ જતાં આઠ લાખ રૂપિયાના ખર્ચે નાખેલી મોરમ ઉપર પાણી... પાણી થઇ ગયું હતું અને આડેધડ ખર્ચા ઉપર પાણીઢોળ થઇ ગયું હતું. પ્રજાના પૈસા હોવાથી સરકારી બાબુઓ મોદીજીને ખુશ કરવા અને માનવમેદની એકત્ર કરવા બેફામ અને આડેધડ ખર્ચા કરી રહ્યા છે.મેઘરાજાન પણ રોજ એક ઝાપટું વરસાવી રહ્યા હોવાથી મેદાનની હાલત બદતર થઇ ગઇ છે. તેને સમુનમું કરવા માટે કલેક્ટર રોજ બેફામ ખર્ચા કરી રહ્યા છે. ગઇકાલે મોરમ પાથરી હતી તો આજે વરસાદે પાણીમાં મોરમને ભેળવી દેતાં કલેક્ટર ચાલુ વરસાદે ચિંતામાં મૂકાઇ ગયા હતા અને માથે ઊભા રહી તાબડતોબ પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી. એટલે કે કલેક્ટરની હાલત વરસાદે એક સાંધે ને તેર તૂટે તેવી કરી નાખી છે.માત્ર ગ્રાઉન્ડ પર જ નહીં યુનિવર્સિટી, ૧૫૦ ફૂટ રિંગરોડ સહિતના જે જે સ્થળે મોદીના કાર્યક્રમો છે ત્યાં બધે જ વરસાદી ઝાપટાંને લીધે સતત કાદવ કીચડ રહે છે.

પ્રજા કોમનવેલ્થનો ભ્રષ્ટાચાર જોઇ જ રહી છે: વિજય રૂપાણી

પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ છે તેને માત્ર સરકારી ઉજવણી ન રહેવા દઇને નરેન્દ્રભાઇ મોદીએ લોકોનો ઉત્સવ બનાવી દીધું છે, શાનદાર રીતે આ પર્વ ઉજવાઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસ હંમેશ મુજબ કમળો થયો હોય તેવી રીતે પીળું જોઇ રહી છે તેવું સાંસદ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે.રાજ્યસભાના સદસ્ય રૂપાણીએ કહ્યું છે કે મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આઝાદી પર્વ કે પ્રજાસત્તાક દિવસ ગાંધીનગરના ઔપચારિક કાર્યક્રમો ન બની રહેતાં લોકોના ઉત્સવો બની ગયાં છે.આ વર્ષે રાજકોટમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી થઇ રહી છે. ૨૦૦થી વધારે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેને બિરદાવવાને બદલે કોંગ્રેસ ઇષ્ર્યાથી પીડાઇને અને નરેન્દ્રભાઇની લોકપ્રિયતાથી ગભરાઇને પ્રજાના પૈસા ખર્ચાઇ રહ્યા છે તેવા નિવેદનો કરી રહી છે. દિલ્હીમાં કોમનવેલ્થ ગેઇમમાં પ્રજાના ૨૦૦૦ કરોડ સીધા જ વપરાઇ રહ્યા છે, પ્રજા કોંગ્રેસીઓનો આ ખુલ્લો ભ્રષ્ટાચાર જોઇ જ રહી છે ત્યારે લાજવાને બદલે કોંગ્રેસ ગાજી રહી છે તે તેની નફ્ફટાઇની ચરમ સીમા છે. અહીં તો લોકો સ્વયંભૂ ઉત્સાહથી ખર્ચ કરી રહ્યા છે તે લોકભાગીદારીનું પ્રતીક છે, દિલ્હીમાં તો સરકારની તિજોરી કોંગ્રેસ લૂંટી રહી છે.


રાજ્યપાલના કાર્યક્રમ માટે પ્લેટ નક્કી કરવા ખાસ ઓફિસરો આવ્યા

૬૪માં સ્વતંત્રતાપર્વની ઉજવણી માટે હવે તો ગણતરીની કલાકો છે. તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે અને શનિ-રવિ બે દિવસ અહીં સરકારી રસોડે કુલ ૨૦૦૦ લોકો ભોજન લેશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીનો સ્ટાફ સિર્કટ હાઉસમાં રહેશે. સી. એમ. નું મેનુ આવતીકાલે સાંજે ફાઇનલ થશે. જે કાર્યક્રમ રાજ્યપાલ તરફથી યોજાયો છે તેમાં તો રજવાડી ઠાઠ રહેશે અને તેનું સંપૂર્ણ માર્ગદર્શન રાજભવનમાંથી આવ્યું છે.મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે આવશે. પરંતુ તેમો સિક્યોરિટી સ્ટાફ શુક્રવારે આવી જશે, તેમનું ભોજન સિર્કટ હાઉસમાં તૈયાર થશે, તેમનું કોન્વોય અને રાજ્યપાલનો વિશેષ સ્ટાફ સિર્કટ હાઉસમાં રહેશે.ઓછા તેલ મસાલા વાળું છતાં સ્વાદિષ્ટ અને સાિત્વક ભોજન હોવું જોઇએ તેવો આદેશ છે. પુરવઠા વિભાગના અધિકારીએ આજે કલેક્ટર અને સિર્કટ હાઉસના મેનેજર સાથે ચર્ચા કરી હતી,અને મેનુ ગાંધીનગર મોકલ્યું છે.ધન્ય ધરા સૌરાષ્ટ્રની કાર્યક્રમના કલાકારો માટે અને પોલીસ વિભાગ માટે પણ અલગથી ભોજન તૈયાર થશે. તા.૧૪ની સાંજે એટહોમ કાર્યક્રમ યોજાશે તેમાં ‘હાઇ ટી’પણ સર્વ કરાશે,તેના માટેની પ્લેટ પણ ખાસ રહેશે,આ પ્લેટ કેવી રહેશે તે નક્કી કરવા રાજભવનનો સ્ટાફ આવ્યો હતો અને હાઇ-ટી માં સમોસા, વિવિધ પ્રકારના બિસ્કીટ, વેફર્સ, પેટીસ તેમજ ચા-કોફી રહેશે.


ગાંધીગ્રામની વિપ્ર પરિણીતાએ ગળેફાંસો ખાધો

શહેરમાં વધી રહેલા આપઘાતના બનાવોમા શુક્રવારે વધુ એક બનાવમાં વિપ્ર પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા બે સંતાનો માતા વિહોણા થયા હતા.ગાંધીગ્રામ-૩બી માં રહેતી દપિ્તી કેતનકુમાર વ્યાસ નામની વિપ્ર પરિણીતાએ આજે સવારે મકાનના ઉપરના રૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા પરિવારજનો દિપ્તીને બેભાન હાલતમાં નજીક આવેલી ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ તે પહેલા તેણીએ દમ તોડતા અરેરાટી ફેલાઇ ગઇ છે.બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. વિપ્ર પરિણીતાના આપઘાતનું કારણ જાણવા મયું નથી.ફોટોગ્રાફીનું કામકાજ કરતા કેતનભાઇના જણાવ્યા મુજબ આજે સવારે પુત્રને સ્કૂલે જવા તેની મમ્મીને બોલાવવા ઉપરના રૂમે જતા માતા લટકતી જોઇ હતી અને મને જાણ કરતા હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવથી વિપ્ર પરિવારમાં શોકનું મોજુ ફરિ વળ્યું છે.


સ્વર્ણિમ્ મહોત્સવમાં મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં હલ્લાબોલ !

મહાપાલિકાના અધિકારીઓ ભાજપના ઇશારે સ્વર્ણિમ્ મહોત્સવમાં બેફામ બન્યા હોવાના રોષ સાથે કોંગ્રેસનો મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં હલ્લાબોલ. રાજકોટમાં ચાલતી સ્વાતંત્રય પર્વની ઉજવણી ભાજપ અને મોદીના પ્રચાર માટે જ થઇ રહી હોય અને એમાં મ્યુનિ. કમિશનર સહિતના મનપાના અધિકારીઓ ભાજપના ગાડે બેસીને પ્રજાના પૈસા અને પ્રજાની મિલકત-મશીનરીનો બેફામ દુરુઉપયોગ કરતા હોવાના રોષ સાથે આજે શહેર કોંગ્રેસે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં હલ્લો મચાવ્યો હતો.મહાપાલિકાનું આખું તંત્ર મોદી ભક્તિની ચરમસીમાએ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમાં મ્યુનિ. કમિશનર પણ બાકાત નથી રહ્યા એવા ઉગ્ર રોષ આજે કોંગ્રેસે ઠાલવ્યો હતો. કોંગ્રેસે આક્રોશ ઠાલવ્યો હતો કે, સત્તાના મદમાં રાચતા ભાજપે સરમુખત્યારશાહીની અધમસીમા વટાવી છે. ઉજવણીને ભાજપનો પ્રચાર બનાવી દીધો છે. ચારેબાજુ જાણે મોદીનો ફેશન શો હોય એ રીતે અવનવી અદાઓમાં ફોટાવાળા બેનરો ખડકી દીધા છે. રોડ-ડિવાઇડરો પર ઠેર ઠેર આવા દબાણો હોવા છતાં સામાન્ય દિવસોમાં દબાણના નામે ગરીબ ધંધાર્થીઓના માલસામાન જપ્ત કરવા નીકળતા મ્યુનિ. કમિશનર અને તેની ટીમ અત્યારે ચારેબાજુ મોદીના ફોટાવાળા હોર્ડિંગ્સ-બેનરોના ફોટાવાળા બેનરોના દબાણ સામે ઘૂંટણિયે પડી ગયા છે.મ્યુનિ. કમિશનર શહેર ભાજપ પ્રમુખની ભૂમિકામાં અને ત્રણેય ડેપ્યૂટી કમિશનર મહામંત્રીની ભૂમિકામાં આવી શાસકપક્ષ કહે તેટલું જ પાણી પી રહ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વપિક્ષી નેતા નરેન્દ્રરસિંહ જાડેજા, પૂર્વ મેયર અશોક ડાંગર, જીતુ ભટ્ટ, કાશ્મીરાબેન નથવાણી, પીયૂષ મહેતા, મહેશ રાજપૂત, અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણી, નવનીત વ્યાસ, પ્રવીણ સોરાણી, દેવજીભાઇ ખીમસુરિયા સહિતના સભ્યો મ્યુનિ. કમિશનરને ઢંઢોળવા પહોંચ્યો હતો.

No comments:

Post a Comment