12 August 2010

રાજકોટ : ‘રેસકોર્સ’માં ‘ઘોડા દોડ્યા’ ક્રિકેટ મેદાનને નુકસાન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : ‘રેસકોર્સ’માં ‘ઘોડા દોડ્યા’ ક્રિકેટ મેદાનને નુકસાન

રેસકોર્સ સંકુલમાં સામાન્ય રીતે તો બાળકોની અશ્વ સવારી સિવાય ઘોડા દોડતા નથી પરંતુ આ વખતે સ્વતંત્રતા પર્વ અહીં ઉજવાવાનું હોવાથી અનેક પ્રકારે તૈયારીઓ થઇ રહી છે, તંત્ર હવે અતિરેક કરી જ રહ્યું છે ત્યારે આજે સવારે ક્રિકેટના મેદાનમાં ઘોડા દોડાવવામાં આવતાં મેદાનને નુકસાન થયું છે અને હજી આવી રીતે ઘોડલા ઘૂમાવવાનું પાંચ દિવસ ચાલશે.પંદરમી ઓગસ્ટે નરેન્દ્રભાઇ મોદી જ્યારે ત્રિરંગાને સલામી આપશે ત્યારે પરેડ થશે, અશ્વદોડ થશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે, આ પરેડનું રિહર્સલ આજે શરૂ કરવામાં આવ્યું છે.પ્રથમ તો એ કે ક્રિકેટના સ્ટેડિયમમાં આવા પ્રોગ્રામ જ રાખવા જોઇએ કે નહીં તે સવાલ છે. પરંતુ તેમાં તો આ તંત્રને કોઇ રોકવાવાળું નહોતું, પરંતુ ત્યાં માત્ર પરેડને બદલે અશ્વદોડ થવાની છે તે બિલાડું કોથળામાંથી નીકળ્યું. આજ થી કુલ ચાર દિવસ પ્રેક્ટિસ થશે અને પાંચમાં દિવસે રવિવારે સવારે પરેડ યોજાશે.આજે સવારે સાડા આઠ વાગ્યાથી સહિર્સલ શરૂ થયું હતું, અને જાતવાન ઘોડાઓ હણહણાટી સાથે મેદાનમાં ફરી વળ્યા હતા. ઘણા વખતે રેસકોર્સનું નામ સાર્થક થયું હતું, પરંતુ આવી પ્રેક્ટિસને લીધે રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડના આઉટ ફિલ્ડને નુકસાન થયું છે. આજે રિહર્સલ દરમિયાન કેટલાક બાળકો પણ ગારો-કીચડમાં પડ્યા હતા. મેદાન ખરાબ થઇ જવાના કારણે અંતિમ તબક્કામાં રિહર્સલ બંધ કરી દેવું પડ્યું હતું.



રાજકોટ ભાજપના કાર્યકર વિજયસિંહ વાળા કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે એવા સમયે જ રાજકીય ચોપાટ ઉપર મહોરા મહાત કરવાની ચાલ મંડાઇ ગઇ છે. જેમાં આજે શહેર ભાજપમાં યુવા અગ્રણી વિજયસિંહ વાળા ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મુખ્યપ્રધાન મોદીના આગમન ટાણે જ શહેર ભાજપમાં બળવાની ચિંગારી લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે.રાજકોટ ભાજપની છાવણીમાં અસંતોષ અને જૂથવાદની આગ આમતો છેલ્લાં ઘણા સમયથી ભભૂકી રહી છે પણ હવે મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જ આ આગ મોટુ સ્વરૂપ પકડી લે એવા એંધાણ રૂપ આજે બળવાની ઘટના આકાર લઇ ચૂકી છે. વોર્ડ નં. ૨૦માં તાકાતવર ગણાતા અગ્રણી યુવા કાર્યકર સુરભી ગ્રૂપવાળા વિજયસિંહ વાળાએ ભાજપમાંથી છેડો ફાડી નાખી આજે વિધિવત રીતે કોંગ્રેસમાં પદાર્પણ કર્યું હતું.કોંગ્રેસમાં જોડાતાની સાથે જ તેના વિસ્તારમાં શિવનગર ખાતે સુરભી ચોકમાં જંગી જાહેર સભા યોજી હતી. જેમા ૨૦૦૦થી વધુ જનમેદની સમક્ષ વિજયસિંહ ભાજપને જાકારો આપ્યો હોવાની જાહેરાત કરી કેટલીક હૈયાવરાળ ઠાલવી હતી.શહેર ભાજપમાં બળવાના મંડાણ થતાં રાજકીય વર્તુળોમાં તેની ઘેરી અસર થઇ છે. શહેર ભાજપમાં હાલ જે જૂથવાદ ચાલી રહ્યો છે એ જોતા રાજકીય માંધાતાઓ આ ઘટનાને અપેક્ષિત ગણાવી રહ્યા છે.

*રાજકોટ પાસે શાપર-વેરાવળમાં દોઢ કલાકમાં ૩ ઇંચ વરસાદ
રાજકોટ પાસે આવેલા શાપર-વેરાવળ ગામમાં સાંજના સમયે માત્ર દોઢ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઝાપટાંથી માંડી દોઢ ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. પોરબંદર અને અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું પરંતુ ક્યાંય વરસાદ પડ્યો ન હતો.
રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં બુધવારની સવારથી ધૂપછાંવનું વાતાવરણ રહ્યું હતું. કોટડાસાંગાણીમાં ૧૩ મી.મી વરસાદ નોંધાયો હતો જ્યારે લોધિકા અને મોરબી પંથકમાં દોઢ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. પડધરી અને રાજકોટ શહેરમાં મોડીસાંજ સુધી હળવા ભારે ઝાપટાં પડ્યા હતા. રાજકોટથી ૧૫ કિ.મી. દૂર આવેલા શાપર-વેરાવળમાં સાંજના પોણા ચાર વાગ્યે ઘટાટોપ વાદળો આકાશમાં ચડી આવ્યા હતા અને સવા પાંચ વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ પડી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જામનગર જિલ્લામાં ખંભાળિયામાં અડધો અને જામનગર શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જુનાગઢ જિલ્લામાં માંગરોળમાં અડધો ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે કેશોદ, જુનાગઢ શહેર, માણાવદર અને ભેંસાણ સહિતના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં પડ્યા હતા.ભાવનગર શહેરમાં બુધવારે બપોરે ૩૪.૮ ડિગ્રીએ સૂર્યતાપનો અનુભ થયો હતો. બપોરે કેટલાક વિસ્તારમાં એક જોરદાર ઝાપટું વરસી ગયું હતું. ભાવનગર જિલ્લામાં બુધવારે સૌથી વધુ વરસાદ ઉમરાળા તાલુકામાં વરસ્યો હતો. બપોરે ઉમરાળા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકી જતાં ગ્રામ્યજનો અને ખાસ તો ધરતીપુત્રોમાં આનંદ પ્રસરી ગયો છે. આ પંથકમાં ખરીફ પાક માટે ઉજળું ચિત્ર ખડું થયું છે. છોટે કાશી ગણાતા સિહોરમાં શ્રાવણમાં મેઘાએ અમીવર્ષા વરસાવી હતી. બે તબકકામાં બુધવારે ૨૧મીમી વરસાદ સિહોરમાં વરસી ગયો હતો.


વેશોત્સવના નામે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણા!

રાજકોટની મનપા સંચાલિત શાળાઓમાં ફાળો ઉઘરાવવાના જબરદસ્ત કારસ્તાનોનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો.સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા બેફામ ઉઘરાણા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની શાળાઓમાં પ્રિન્સપાલો દ્વારા પ્રવેશ મહોત્સવ અને અન્ય કાર્યક્રમો માટે નાણાં એકત્ર કરવા ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. ગરીબ વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાંથી એક વિદ્યાર્થી દીઠ ૧૦૦ રૂપિયા ડબ્બામાં ફરજિયાત નાખવાનો નિયમ બનાવાયો છે.સરકારી તંત્ર ૨ કલાકમાં કાર્યક્રમ માટે ૨ કરોડનો મંડપ નાખે છે. છતાંય, રૂપિયા ઘરભેગા કરવા માટે ગરીબ વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાં પ્રવેશ મહોત્સવના નામે રૂપિયા એકત્ર કરવામાં આવી રહ્યા છે. શાળા નંબર ૪૪ના આચાર્યા ફંડ ઉઘરાવતા કેમેરામાં કેદ થઇ જતાં થોડીવાર માટે ઉકળી ઊઠ્યા હતા અને કહ્યું હતું કે, લોકભાગીદારી કરવા ફંડ એકત્ર કરાય છે તેમજ સ્લેટ, ચોપડાં લેવા ફંડ લેવાઇ રહ્યું છે. ઉપરથી સૂચના હોવાનું કહી મોં સીવી લીધું હતું.મોદી સરકાર ગરીબ કલ્યાણ મેળાઓ યોજી રહી છે ત્યારે બીજી બાજુ સરકારી બાબુઓ ખુદ ગરીબો પાસેથી રૂપિયા ઉઘરાવી રહી છે. જેની ઘરે ખાવા ખીચડી નથી તેવા વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓ માટે ૧૦૦ રૂપિયા બહુ મોટી રકમ કહેવાય પણ જાડી ચામડીના સરકારી નોકરો અને રાજકીય વર્ગ માત્ર પૈસા બનાવવામાં વ્યસ્ત હોવાથી મોદી સરકારમાં આડેધડ મનફાવે તેમ પૈસા કટકટાવવામાં વ્યસ્ત બની ગયા છે. જામનગર રોડથી મહાદેવ પ્રાથમિક શાળા નં. ૪૪માં સ્કોલરશીપમાંથી ફાળો લેવામાં આવતો હતો. ગરીબ વાલીઓના હાથમાં માંડ ૧૭૦૦ રૂપિયા હાથમાં આવતા હોય છે. તેમાંથી, ૧૦૦ રૂપિયા તો ફંડ દેવું પડે છે એટલે કે, રાજકોટમાં સરકારી તંત્ર ઉદ્યોગપતિઓ, સ્કૂલ-કોલેજો પાસેથી બેફામ નાણાં ઉઘરાવે છે તે બરોબર છે. પરંતુ, જ્યારે ગરીબ પ્રજા પાસેથી ફંડ ઉઘરાવવાનું શરૂ કરતા બેરહમીની હદ વટી ગઇ છે.


રાજકોટમાં ટ્રસ્ટની જમીનનો રૂ.૨૧ કરોડમાં સોદો થયો

બે વર્ષ પહેલાં ફેલાયેલી વૈશ્વિક મંદીની અસર પણ જેને નહોતી થઇ તે રાજકોટની રીયલ એસ્ટેટ માર્કેટમાં કદાચ અત્યાર સુધીમાં સિમાચિહ્ન ગણી શકાય તેવો સોદો થયો છે અને એક જાહેર હરાજીમાં ટ્રસ્ટની જમીન રૂ.૨૧કરોડમાં વેચાઇ છે.સરકારી તંત્ર દ્વારા હરાજી થઇ હોવાથી આ તમામ રકમનું ચૂકવણું વ્હાઇટમાં થશે તેના પરથી જમીન ખરીદનારની ક્ષમતાનો પણ અંદાજ આવી શકે છે.રાજકોટ નજીક વેજાગામ વાજડી પાસે મંગલમ ટ્રસ્ટની ૧૬ એકર જમીનની આજે જાહેર હરાજી થઇ છે. ચેરિટી કમિશનરે જણાવ્યું કે કોણે કેટલી બોલી લગાવી તેની વિગતો તો અમે જાહેર કરી ન શકીએ પરંતુ મંગલમ ટ્રસ્ટની આ જમીન વેજા વાજડી પાસે હતી અને તેની હરાજી માટે આવેલાં ટેન્ડરો પૈકી ૧૧ માન્ય રહ્યાં હતાં.આજે આ આસામીઓને બોલાવીને જાહેર હરાજી કરાઇ હતી તેમાં સૌથી વધારે બોલી રૂ.૨૧ કરોડની આવતાં આ જમીન તે આસામીને વેચવાનું નક્કી થયું છે.નિયમ અનુસાર આ હરાજી અંગે ટ્રસ્ટમાં ઠરાવ પસાર થશે અને પછી નિર્ણયને આખરી મહોર લાગશે.ત્યાં સુધી આ રકમ બેન્કમાં રહેશે,ટ્રસ્ટ તેના વ્યાજની રકમ માંથી મંજૂર થયેલા હેતુઓ માટે ખર્ચ કરી શકશે.આ આખી પ્રક્રિયા સરકારી તંત્રે કરી છે માટે ૧૦૦ ટકા પેમેન્ટ વ્હાઇટનું જ થશે.ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જમીન આમ પણ હંમેશા મોંઘી અને કેટલાક વર્ષોથી પ્રસ્થાપિત થયેલા બિલ્ડર જુથો પાસે રહી છે. તેને મંદી સ્પર્શતી નથી. આ વર્ષે તો વરસાદ પણ સારો થયો છે હજી બજાર ઊંચકાય તેવી સંભાવના છે. જ્યાં જ્યાં ફ્લેટ-એપાર્ટમેન્ટ બને છે ત્યાં ત્યાં ભૂમપિૂજનના દિવસે તો આખી સ્કીમ પેક હોય છે.જે ઝડપથી અહીં કન્સ્ટ્રકશન થઇ રહ્યાં છે અને મકાનો વેચાઇ રહ્યાં છે તેની કિંમતો વધી રહી છે તે અકલ્પનીય છે છતાં વાસ્તવિક છે.


સૌરાષ્ટ્રભરમાં દારૂ વેચવાનું નેટવર્ક ધરાવતો શખ્સ ઝડપાયો

તાજેતરમાં જ રાજકોટ તેમજ કોટડાસાંગાણીમાંથી પકડાયેલા વિદેશી દારૂ પ્રકરણમાં સપ્લાયર તરીકે નામ ખુલ્યા બાદ ભૂર્ગભમાં ઉતરી ગયેલા માણેકવાડાના કુખ્યાત બૂટલેગરને જિલ્લાની ગુનાશોધક શાખાએ શાપરમાંથી ઝડપી લઇ પૂછપરછનો દોર શરૂ કર્યો છે.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ પાંચ દિવસ પહેલાં રાજકોટના વિક્રમ ભરવાડ નામના બૂટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેને દારૂ કોટડાસાંગાણીનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો સરવૈયા આપી ગયાનું જણાવતા પોલીસે તેને પણ દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. બંન્નેની પૂછપરછમાં વિદેશી દારૂ માણેકવાડાનો નામચીન બૂટલેગર મહપિતસિંહ જુવાનસિંહ જાડેજા આપી ગયાનું જણાવ્યું હતું.સપ્લાયર તરીકે નામ ખુલ્યા બાદ ગરાસિયા બૂટલેગર ભૂર્ગભમાં ઉતરી જતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર અને પાંચ-પાંચ વખત પાસાની જેલયાત્રા કરી ચૂકેલો કુખ્યાત બૂટલેગર શાપરમાં હોવાની બાતમીનાં આધારે જિલ્લાની ગુનાશોધક શાખાના પી.આઇ. જનકાંત, મદદનીશ જાવિદભાઇ સહિતના સ્ટાફે જી. જે. ૯એમ. ૮૪૦૦ નંબરની કાર સાથે ઝડપી લીધો હતો. પોલીસના મારથી બચવા પોતાને એચઆઇવી હોવાનું જણાવતા મહપિતસિંહની પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. બૂટલેગર મહપિતસિંહ સામે પાસાનું વોરંટ પણ ઇશ્યૂ થયું હોય પૂછપરછ બાદ પાસા હેઠળ તેની અટકાયત કરી જેલહવાલે કરાશે.જ્યારે વિદેશી દારૂના ચાર ગુનામાં નાસતા ફરતા મોરબીના દાઉદ ઉર્ફે દાવલો ઓસમાણ હિંગોરા નામના બૂટલેગરને એલ. સી.બી. એ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે.જન્માષ્ટમીનો તહેવાર નજીક છે ત્યારે સૌરાષ્ટ્રમાં દારૂની હેરફેર વધી ગઈ છે. છેક દિવાળી સુધી આ નેટવર્ક ધમધમતા હોય છે. ત્યારે પોલીસને આ શખ્સ પાસેથી અનેક કડી મળે તેવી શક્યતા છે.


ગરીબોના પ્રશ્નનો તાકીદે નિકાલ લાવવા રાજકોટના સાંસદની માંગ

સરકાર દ્વારા યોજવામાં આવતા ગરીબ મેળા દરમિયાન ગરીબ લક્ષી યોજનાઓના કામોના નિરાકણ લાવવા માટેના કામો અટકી પડ્યા છે. જ્યાં સરકાર ગરીબોના કલ્યાણની મસમોટી વાતો કરી રહી છે.પરંતુ શહેર અને તાલુકા કક્ષાએ કામગીરી સમયસર થતી ન હોવાથી ગરીબો બાપડા બની ગયા છે. ત્યારે સાંસદ કુંવરજીભાઇએ ગરીબોને સ્પર્શતા પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૦-૧૧માં પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને સરદાર આવાસ યોજના હેઠળ તાલુકાવાર લક્ષ્યાંકો ફાળવવા તથા આવાસ યોજનાના હપ્તાના રકમની ચૂકવણી કરવી તેમજ બી પી એલના સાચા લાભાર્થીઓએ ફોર્મ ભરેલા હોવા છતાં મકાનોના વર્કઓર્ડર આપવામાં આવ્યા નથી?બી પી એલ યાદીમાં નામ દાખલ કરવા કરેલી પ્રથમ અપીલની સુનાવણી એક એક વર્ષના વહાણા વિત્યા હોવા છતાં થઇ નથી આ પ્રશ્નના નિરાકરણ માટે મુખ્ય સચિવ, અગ્રસચિવ સહિતના અધિકારીઓને લેખિત અરજી કરી યોગ્ય કરવા માંગ કરી છે.



માયાણીનગર આવાસમાંથી વિદેશીદારૂ મળ્યો

શહેરના તમામ આવાસ યોજનાના કવાટરોમાં છાનેખૂણે બેરોકટોક અસમાજીક પ્રવૃતિઓ ધમધમી રહી છે. થોડા દિવસ પહેલા જ સાધુ વાસવાણી રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.ત્યારે માયાણીનગર આવાસ યોજનામા પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે શંકાસ્પદ શખ્સને પડકારતા તે શખ્સ તેની પાસે રહેલો થેલો મુકી નાસી ગયો હતો.પોલીસે થેલાની તપાસ કરતા અંદરથી વિદેશીદારૂની ૪૨ બોટલ મળી આવી હતી. માલવિયાનગર પોલીસે રૂ.૧૪૭૦૦ની કિંમતનો દારૂ કબ્જે કરી નાસી છુટેલા દારૂના ધંધાર્થીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.


પ્રેમિકાના પતિ,પુત્રોએ યુવાનને છરીના ઘા ઝીંક્યા

શહેરના ગોંડલ રોડ,એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા ખોડિયારનગરમા ચોટીલાના દિનેશ હીરાભાઇ ભગાપડીયા નામના દેવીપુજક યુવાન પર આજ વિસ્તારના નાનુભાઇ મોહનભાઇ દેવીપુજક તેનો પુત્ર ગુડુ અને દેવજી રમણભાઇ નામના શખ્સોએ ઝઘડો કરી છરીથી હુમલો કરતા લોહીલુહાણ હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.બનાવ અંગે ઘવાયેલા યુવાનની પત્ની આશાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઇકાલે દંપતિ ચોટીલાથી રાજકોટ આવ્યા હતા. પતિ દિનેશને નાનુ મોહનભાઇની પત્ની સાથે આડાસરંધ હોય છેલ્લા ઘણા સમયથી મનદુખ ચાલતું હતુ. તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


શક્કરપુર-મેતપુર ગામની આવાસ યોજનામાં વ્યાપક ગેરરીતિની આશંકા

ખંભાત તાલુકાના શક્કરપુર અને મેતપુર ગામમાં સરકાર આવાસ યોજનાના કામોમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાની બૂમ ઉઠવા પામી છે. જરૂરિયાતમંદો માટેની યોજના બંને ગામમાં ફારસ પુરવાર થતાં ગ્રામજનોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠયો છે. આ અંગે સ્થાનિકોએ ગુજરાત ગ્રામ વિકાસ એજન્સીને સદર બાબતે લેખિતમાં રજૂઆત કરી છે.શક્કરપુર ગામમાં આશરે રપ૦૦ તેમજ મેતપુરમાં ત્રણ હજારની વસ્તી આવેલી છે. છેલ્લા ૧૦ વર્ષથી શક્કરપુર અને મેતપુર ગ્રામ પંચાયત દ્વારા ગરીબલક્ષી યોજનાઓનું માત્ર કાગળ ઉપર જ આયોજન હાથ ધરાય છે. શક્કરપુર પંચાયતની બેદરકારીને કારણે અનેક લોકો બીપીએલના લાભોથી વંચિત રહ્યા છે.પરિણામે ગરીબી હેઠળ જીવતા પરિવારોને ઈન્દિરા આવાસો અને સરદાર આવાસોનો લાભ મળતો નથી. આ અંગેની રજૂઆતમાં જણાવ્યું છે કે, ૦ થી ૧૬ નંબરમાં આવતા બીપીએલ ધારકોની યાદી મુજબ ઈન્દિરા આવાસોનો લાભ આપવાનો થાય છે. ગામમાં ૪૨ થી ૧૯૯ સુધીની બીપીએલ યાદી મુકવામાં આવી છે. જેમાંથી માત્ર ર૦ જેટલી જ લાભાર્થીઓને આ યોજનાનો લાભ અપાયો છે.તાલુકા પંચાયતના કેટલાક અગ્રણીઓની મીલીભગતને કારણે આવાસો તેમ જ શૌચાલય નિર્માણ યોજનામાં માત્ર અડધા જ નાણાં લાભાર્થીને મળ્યા છે. લાભાર્થી પાસેથી કુલ નાણાંના ર૦ ટકા કેટલાક મળતિયાઓ બારોબાર વસૂલી છે છે.આ ગામોમાં કેટલાક મળતિયાઓને ખોટી રીતે આવાસો ફાળવી દેવાયા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે. ગ્રામ વિકાસ એજન્સી જો મકાન નિર્માણની કામગીરી તપાસે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, સરકારની ગરીબીરેખા હેઠળ જીવતા લોકો માટેની યોજનાઓ સ્થાનિક રાજકારણીઓ માટે ભ્રષ્ટાચારરૂપ બની ગઈ છે.કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત ધરાવતા પંચાયત સભ્ય દ્વારા પણ મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. ખોટી રીતે ફળવાઈ ગયેલા આવાસો, અડધા આવાસોની રકમ, ર૦ ટકા કપાત વગેરેની ખાતાકીય તપાસ માટે પણ ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.


સેનાભવનમાં બોમ્બ મુકાયાની અફવા

શિવાજી પાર્ક વિસ્તારમાં શિવસેનાના ગઢ સેના ભવનને બોમ્બથી ઉડાવી મૂકવામાં આવશે એવા પ્રકારના નનામી ફોનને કારણે ગભરાટ ફેલાયો હતો અને આખા ભવનને ખાલી કરી દેવામાં આવ્યું હતું. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટુકડીઓએ સઘન તપાસ હાથ ધરી હતી. તપાસને અંતે કોઈ પણ સંદેહજનક વસ્તુ ન મળતાં બોમ્બ મુકાયો હોવાની વાત અફ્વા સાબિત થઈ હતી.
બુધવારે બપોરે શિવસેનાના ગઢ મનાતા શિવાજી પાર્ક સ્થિત આવેલા સેના ભવનમાં બોમ્બ મુકાયો હોવાનો એક નનામો ફોન આવ્યો હતો. બપોરે સુમારે ૩.૫૫ વાગ્યે બોમ્બ મુકાયો હોવાનો આ નનામો ફોન શિવસેનાના સચિવ અનિલ શિંદેને આવ્યો હતો. ફોન આવતાં જ આખા ભવનને સલામતીના કારણસર ખાલી કરવામાં આવ્યું હતું.સેવા ભવનમાં કામ કરતા કર્મચારીઓ અને કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓને તાબડતોબ બહાર લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ બોમ્બ શોધક ટુકડીએ ભવનના ખૂણેખૂણાની જગ્યાની તપાસ કરી હતી. આખરે બોમ્બ મુકાયો હોવાનો ફોન બોગસ સાબિત થયો હતો, એમ શિવસેનાના સચિવ અનિલ શિંદેએ જણાવ્યું હતું.આ દરમિયાન બોમ્બ મુકાયો હોવાનો ફોન ક્યાંથી આવ્યો હતો અને કોણે કર્યો હતો તેની શોધ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી. અફ્વા ફેલાવવી એ કાયદેસર ગુનો ગણાતો હોવાને કારણે ફોન કરનારી નનામી વ્યક્તિની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની શોધ આદરવામાં આવી છે.


મરાઠી ફિલ્મને મુદ્દે રાજ ઠાકરેના વકતવ્યને નાના પાટેકરનો ટેકો

મલ્ટીપ્લેકસમાં મરાઠી ફિલ્મો દર્શાવવાનો રાજ્યનો કાયદો છે. આ કાયદા વિશે કોઈને જાણ ન હોય તો તો તેને એ કાયદો યાદ અપાવવામાં કોઈ ભૂલ નથી , તેથી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ લીધેલું વલણ ખોટું નથી, એવો મત ફિલ્મ અભિનેતા નાના પાટેકરે વ્યક્ત કર્યો હતો.મરાઠી ફિલ્મ ન બતાવનારાં મલ્ટિપ્લેક્સોનાં નામો મને મોકલો, તેનું શું કરવું તે હું જઈશ, એવો સખત દમ રાજ ઠાકરેએ માર્યો હતો. મહારાષ્ટ્ર નવિનર્માણ ચિત્રપટ કર્મચારી સેનાના ત્રીજી જયંતી દિન નિમિત્તે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા.રાજે એ વખતે બોલતાં એવો દમ માર્યો હતો કે પ્રત્યેક થિયેટરમાં મરાઠી ફિલ્મો બતાડવી જ જોઈએ, એવો કાયદો છે ને? તો પછી કાયદો ન પાળનારાઓનું શું કરવું. જો તેમને સટાક અને ફટાકની ભાષા જ આવડતી હોય તો આ ભાષામાં જ તેમને જવાબ આપવો જોઈએ. બધાને કામ કરવાની મારી પદ્ધતિ ખબર જ છે, એવી ચીમકી રાજ ઠાકરેએ આપી હતી.


રાજકોટ : શહેરની નવ શાળાઓની ૬૦ બસ કલેક્ટરતંત્રે પડાવી લીધી

રાજ્યનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવાની મોટી મોટી વાતો થાય છે અને કન્યા કેળવણીની યોજનાઓ જાહેર થાય છે, તેની વચ્ચે સરકારના-મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે શહેરની શાળાઓનું શિક્ષણકાર્ય ચાર દિવસ બંધ રાખવું પડે તેવી હાલત ઊભી થઇ છે. રાજકોટમાં ઉજવાઇ રહેલાં સ્વતંત્રતા પર્વમાં સરકારે પ્રજા પાસેથી બેફામ પૈસા તો ઉઘરાવ્યા પરંતુ હવે ખાનગી શાળાઓની બસો પણ જપ્ત કરી લેવાઇ છે અને તેને લીધે કેટલીક શાળાઓમાં ચાર દિવસ અભ્યાસ બંધ રહેશે. શહેરની નવ શાળાઓની કુલ ૬૦ બસ કલેક્ટર તંત્રે આર. ટી. ઓ. ને સોપારી આપીને કબજે કરી લીધી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં લોકો હવે પોતાને પરવશ સમજવા લાગ્યા છે.આ માહિતી પછી તપાસ કરતા એવું બહાર આવ્યું છે કે આ એક નહીં પરંતુ શહેરની નવ શાળાઓની કુલ ૬૦ બસો આજથી આ સ્વતંત્રતા પર્વની તૈયારીઓ માટે દોડશે, બાળકોને સ્કૂલે લાવવા-લઇ જવા માટે નહીં. જિલ્લા શિક્ષણાધિકારીએ કલેક્ટરના કહેવાથી એક પરપિત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં ૨૦ શાળાના ૨૫૦૦ વિદ્યાર્થીઓ મહાયોગા કાર્યક્રમમાં ભાગ લેવાના છે, તેની પ્રેક્ટિસ માટે તા. ૧૦ થી ૧૫ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓને લાવવા લઇ જવા માટે ૬૦ બસો રિક્વિઝીટ કરી ડીઇઓ કચેરીમાં પહોંચાડવી.આજથી આ બસો કલેક્ટર ઓફિસના કબજામાં છે. એક શાળા સંચાલકે કહ્યું કે અમને તો રજા રાખવી ન પોષાય પરંતુ કલેક્ટર સાહેબનો પરપિત્ર છે, શિક્ષણાધિકારીનો આદેશ છે તો ના કેમ પાડવી? પહેલાં તો ચૂંટણી સમયે જ વાહનો જપ્ત થતાં હવે, આવી ઉજવણીઓ વખતે પણ જો આમ વાહનો દેવા પડતા હોય તો શિક્ષણકાર્ય કેટલું બગડે? અને પછી આ શાળા સંચાલકો ફી વધારે એમાં પણ શી નવાઇ?સ્વતંત્રતાની વ્યાખ્યા ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ કરવામાં આવી છે. પરંતુ અહીં હાલાકી ફોર ધી પીપલ, નાણા ઓફ ધ પીપલ અને હેલ્પ એટલેકે મદદ બાય ધ પીપલ એવી સ્થિતિ ઉભી થઇ છે. વેપારીઓ અને ખાનગી શાળા સંચાલકો તો ૧૫ ઓગસ્ટ જાય તેની રાહ જોવે છે.


ખબર છે ? રોજેરોજનો વરસાદ જુદો જુદો હોય

દેશભરમાં ચોમાસુ જામ્યું છે અને કાશ્મીરનું લેહ હોય કે સૌરાષ્ટ્રનું વેરાવળ હોય વરસાદ અનેક કરુણ વારદાતો પણ લાવી રહ્યો છે. સામાન્ય માણસ માટે માણવાની ઋતુ ચોમાસુ છે પરંતુ સંશોધકો -વૈજ્ઞાનિકો તો આ મોસમમાં પણ શોધકાર્ય ચાલુ જ રાખે છે અને આવો જ ‘આઇવીન’નામનો એક દેશવ્યાપી વિરાટ સંશોધન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણી અને નદીના પાણીના ‘આઇસોટેપ્સ’ એટલે કે સંસ્થાનિકો, અંદરના અગત્યના તત્વો, પાણીનો પ્રકાર, પાણીનું કેરેકટર તપાસવાનો છે. કુદરતની કરામત એ છે કે એક્સરખું દેખાતું પાણી અલગ અલગ હોય છે. તેનું સંસ્થાનિક બંધારણ દરરોજ અલગ હોય છે. દેશની ૧૪ સંશોધન સંસ્થાઓ આ પ્રોજેક્ટમાં જોડાઇ છે. સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ આ સંશોધનના કેન્દ્રો છે.જુદા જુદા સ્થળે પડતાં વરસાદનું પાણી લઇને તેની ઉપર વૈજ્ઞાનિક પરિક્ષણોની પ્રક્રિયા કરવામાં આવે છે. અલબત લાંબા ગાળાની પ્રક્રિયા છે. પરંતુ તેનાથી વરસાદની પેટર્ન અને પાણીમાં કુદરતી પ્રક્રિયાથી થતાં ફેરફાર જાણી શકાશે જે આગામી દિવસોમાં ખેતી અને હાઇડ્રોલોજિકલ પરિવર્તન જાણવામાં કામ આવશે. ટૂંક સમયમાં સાયન્સ જર્નલમાં તે પ્રસિધ્ધ થયા બાદ તેની વધુ વિગત લોકો સમક્ષ આવશે.વિરાટ સંશોધન યોજના - અમદાવાદ આણંદની આસપાસ વરસાદ પડે ત્યારે પાણીના સેમ્પલ લેવાઇ રહ્યાં છે, પ્રાથમિક તારણ એ છે કે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે પાણીના ભારે આઇસોટોપ્સ ઘટે છે. રોજે રોજના વરસાદના પણીના આઇસોટોપ્સ જુદા હોય છે. પીઆરએલ ઉપરાંત ઇસરો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી, મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ સહિતની ૧૪ સંસ્થાઓ આ કામ કરે છે, ૫૨ સ્થળ અને ૬૦ નદીઓના પાણીના આઇસોટોપિકસ એટલે કે તત્વો તેઓ ચકાસે છે. સુરેન્દ્રનગર અને કચ્છનો સમાવેશ તેમાં કરાયો છે. બન્ને ખારાશવાળી જમીન ધરાવતા હોવાથી ત્યાં પાણીની અને વરસાદી પાણીની ગુણવત્તાની ચકાસણી અને તેમાં થતા ફેરફાર અગત્યના બની જાય છે.વૈજ્ઞાનિકો કહે છે, પાણીના આઇસોટોપિકસ માપવાથી તેનું બંધારણ તેનો પ્રકાર નક્કી થાય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે પડતું પાણી અલગ પ્રકારનું હોય છે. ક્યાં, ક્યારે, કેવા પ્રકારનું પાણી પડે છે તેના પરથી એ વિસ્તારની હાઇડ્રોલોજિકલ સાઇકલ નક્કી થાય, ત્યાં ખેતી માટેની તકો કેવી છે, આગામી સમયમાં હવામાન કેવી રીતે પલટાશે, પાણીની ઘનતા કેવી હોય તો કઇ રીતે ભવિષ્યમાં પાક અને ખેતીની પેટર્ન બદલાશે તે તમામ જાણકારી આ સંશોધનોમાં એકત્ર થઇ રહી છે.


જસદણમાં સરાજાહેર બૂટલેગર ઉપર ફાયરિંગ

જસદણમાં નવા બસ સ્ટેન્ડ પાસે છડેચોક દારૂનો ધંધો કરતા સ્થાનિક ગરાસિયા બૂટલેગરે, આટકોટના સંધી બૂટલેગર ઉપર ભર બપોરે ફાયરિંગ કર્યા હતા. જોકે,પોલીસે આ અંગે મૌન સેવી લીધું છે.બે દિવસ પહેલાં ડીગો મુસ્લિમ તૂફાન જીપ લઇને બસ સ્ટેન્ડ બહાર મુસાફર ભરવા આવ્યો હતો. ડીગો આટકોટના બૂટલેગર મુન્ના સંધીનો સાગરીત હોવાથી જસદણના બૂટલેગર મુન્ના દરબાર અને રણજીતે તેને ગાળો ભાંડીને કાઢી મૂક્યો હતો.મુન્ના સંધીને જાણ થતાં તે ડીગાને લઇને ફરી વખત બસ સ્ટેન્ડ આવ્યો હતો. પરંતુ, ત્યારે સામા જૂથના કોઇ હાજર ન હોવાથી અથડામણ ટળી હતી.બીજી તરફ મુન્નો સંધી ડખ્ખો કરવા આવ્યો હોવાની જાણ થતાં મુન્ના દરબારનું જૂથ ભરી પીવાની પૂરી તૈયારી સાથે નીકળ્યું હતું. દરમિયાન ઘોડા માટે રજકો લેવા જસદણ ધારાસભ્યની ઓફિસ પાછળ ટાટા સીયેરા લઇને પસાર થઇ રહેલો મુન્નો સંધી નજરે પડતાં મુન્ના દરબારના જૂથે ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઇ હતી.ફાયરરિંગમાં એક ગોળી સીયેરાના કાચની આરપાર નીકળી ગઇ અને બીજી ગોળી ટાયરમાં ઘૂસી ગયાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. મોત જોઇ ગયેલા સંધી ભાગી છુટ્યો હતો. જોકે, પીઆઇ પંડ્યાનો સંપર્ક કરતા તેમણે, ડખ્ખો થયાની વાતને સમર્થન આપી ફાયરિંગની વાત નકારી હતી.


જામનગરમાં એક, ખંભાળિયામાં અડધો ઇંચ

જામનગર શહેર અને ખંભાળિયામાં બુધવારે હળવો વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં વિરામ યથાવત રહ્યો હતો.જામનગર શહેરમાં આજે દિવસભર સૂરજ અને વાદળોની સંતાકૂકડી વચ્ચે વરસાદના હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાં. જેને કારણે શહેરમાં એક ઇંચ જેટલું પાણી પડ્યું હતું. જ્યારે ખંભાળિયા તરફના હાઇવે પર ખાવડી સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.તેવી જ રીતે ખંભાળિયા શહેરમાં પણ બપોરે એકથી બે વાગ્યા દરમિયાન જોરદાર ઝાપટા સ્વરૂપે ૧૪ મી.મી. પાણી વરસી ગયું હતું. જેને કારણે શહેરનાં માર્ગો પર પાણી વહી નિકળ્યા હતાં.તાલુકાના કેટલાંક ગામડાઓમાં બે ઇંચ સુધી ધોધમાર વરસાદ પડયો હોવાના અહેવાલો સાંપડ્યા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદનો વિરામ રહ્યો હતો.

No comments:

Post a Comment