13 August 2010

વેકેશનમાં ભુજ-મુંબઇ વચ્ચે વધારાની ટ્રેનો ચલાવવા માંગ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


વેકેશનમાં ભુજ-મુંબઇ વચ્ચે વધારાની ટ્રેનો ચલાવવા માંગ

ડી.આર.યુ.સી. કમીટિના મેમ્બરે ઝોનલ કક્ષાએ સયાજી અને કચ્છ એક્સપ્રેસ ઉપરાંત વેકેશનમાં વધારાની ટ્રેનો અંગે વિવિધ રજૂઆત કરતાં સાનૂકુળ પ્રતિસાદ મળ્યો હતો.કમીટિના મેમ્બર લીલાધર ચંદેએ કચ્છ આવવા માટે મુંબઇથી ઉપડતી સયાજી અને કચ્છ એક્સપ્રેસ બંને ટ્રેનો બાંદરાના બદલે દાદર ટર્મિનલ દાદરથી ઉપડવાની રજૂઆત કરતા પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, હાલે દાદર ટર્મિનલમાં રિપેરિંગ ચાલતું હોવાથી તુરંતમાં બંને ટ્રેનો દાદરથી ઉપાડવાની ખાતરી અપાઇ હતી.વેકેશન દરમિયાન આવતી વધારાની ટ્રેનો ગાંધીધામથી મુંબઇ ચલાવવામાં આવે છે. જેના બદલે આ ટ્રેનો ભુજ લંબાવવા રજૂઆત કરતા પ્રત્યુત્તરમાં ટાઇમનું સેટિંગ કરી ભુજ સુધી લંબાવવા ખાતરી અપાઇ હતી.


આખરે મેડિકલ સર્વન્ટ્સ કો.ઓ.સોસાયટીની ચૂંટણી જાહેર

ગત સપ્તાહ વહીવટદારના નિર્ણયને કારણે વિવાદમાં સપડાયેલી મેડિકલ સર્વન્ટ્સ કો.ઓ.સોસાયટી લિ.ના નિયામક મંડળની ચૂંટણી તા.૭ મી સપ્ટેમ્બરે યોજવાની જાહેરાત થઇ છે. ચૂંટણીની જાહેરાત સાથે સયાજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં આનંદ વ્યાપ્યો છે.સયાજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કર્મચારીઓની બનેલી મેડિકલ સર્વન્ટ્સ કો.ઓ.સોસાયટીના વહીવટદાર દ્વારા ગત સપ્તાહ દિવાળી પહેલાં જ સભાસદો માટે દિવાળીની ગીફ્ટ ખરીદી લેવાતાં વિવાદ સર્જાયો હતો. આ વિવાદને પગલે જિલ્લા રજિસ્ટ્રારે વિવાદાસ્પદ વહીવટદારને બદલી નવા વહીવટદારની નિયુક્તિ કરી હતી.દરમિયાન નવા વહીવટદાર આવ્યા બાદ કો.ઓ.સોસાયટીની ચૂંટણી યોજવાના ચક્રો ગતિમાન થયા હતા. આ અંગે ગુરુવારે મોડીરાત સુધી ચાલેલી બેઠકમાં તા.૭ મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજવાનું નક્કી કરાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રમુખ, મંત્રી અને નવ કારોબારી સભ્યો નિયુકત કરવા તા.૭ મીએ મંગળવારે સવારે ૮ થી ૫ દરમિયાન ચૂંટણી યોજાશે. જેમાં ૧૧૫૦ સભાસદો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.


વડોદરામાં ચાર દિવસના વિરામ બાદ ફરી મેઘો

વડોદરા શહેરમાં ચાર દિવસના વિરામ બાદ આજે બપોરથી મેઘરાજાનું પુન: ધમાકેદાર આગમન થયું હતું. બપોરે ૧૨ વાગ્યાથી મોટાં ફોરાં સાથે વરસી રહેલા મુશળધાર વરસાદથી માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાઇ પડ્યા હતા.
ગત શનિવારે શહેરમાં ચાર ઇંચ વરસાદથી જનજીવન ખોરવાઇ ગયા બાદ રવિવારે ઝરમર ઝરમર વરસાદ વરસી સોમવારથી આજ બપોર સુધી મેઘરાજાનો વિરામ રહ્યો હતો. પરંતુ આજે સવારથી શહેર માથે મંડરાયેલા કાળાડિબંગ વાદળોએ બપોરે ૧૨ વાગ્યાથી શહેરમાં આક્રમક બેટિંગ શરૂ કરતાં લોકો અટવાઇ પડ્યા હતા.છેલ્લા એક કલાકથી વરસી રહેલા વરસાદને કારણે શહેરના દાંડિયાબજાર, રાવપુરા-જી.પી.ઓ., સયાજીગંજ, નિઝામપુરા સહિત વિવિધ વિસ્તારોમાં માર્ગો જળબંબાકાર થયા હતા. માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી થઇ હતી.


ભાજપ અને કોંગ્રેસ કરશે એકબીજાનું ‘એન્કાઉન્ટર’

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને સીબીઆઈની તપાસના મામલે શુક્રવારે શહેરમાં ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ સામસામે રાજકીય ‘એન્કાઉન્ટર’ કરશે. ભાજપે તે માટે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વેંકૈયા નાયડુને ઉતાર્યા છે તો તેની સામે કોંગ્રેસે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને હવાલો સોંપ્યો છે. તેમની સાથે બીજા નેતાઓ પણ જોડાશે.સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓની હાજરીમાં એક જ દિવસે એક જ શહેરમાં થનારી સામ-સામે સભાઓનું મહત્વ વધી જાય છે. જોકે, આ સભાઓમાં મુદ્દા રોડ, પાણી અને ગટરના નહીં હોય પરંતુ સોહરાબુદ્દીન અને સીબીઆઈ રહેશે. ભાજપના વૈંક્યા નાયડુ ‘કોંગ્રેસ દ્વારા સીબીઆઈના રાજકીય દુરુપયોગ’ને મુદ્દે કોંગ્રેસ ઉપર શરસંધાન કરશે.ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ દ્વારા સોહરાબના જનાજા પર બેસીને ગુજરાત અને નરેન્દ્ર મોદીની સરકારનું રાજકીય એન્કાઉન્ટર કરાઈ રહ્યું છે. કોંગ્રેસનું એન્કાઉન્ટર કરવામાં વેંકૈયાની સાથે પ્રદેશ ભાજપ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાશે. બીજી બાજુ કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા ‘ભાજપનો ખંડણીખોર અને ખરડાયેલો ચહેરો’નો મુદ્દો ઉપાડી ભાજપ ઉપર પ્રહાર કરશે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ ખંડણીખોર બની ગયા છે અને પોલીસનો દુરુપયોગ કરે છે. જ્યારે વાઘેલાની સાથે કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી તુષાર ચૌધરી અને માજી ઉપ મુખ્યમંત્રી નરહરી અમીન પણ આવશે.


ઉધના : પુત્રી-પત્નીને બચાવી ખુદ મોતને ભેટ્યા

ઉધનાની ભીમનગર ઝૂંપડપટ્ટીમાં એક વિચિત્ર કિસ્સો બન્યો હતો, જેમાં પુત્રી અને પત્નીને વીજકરંટ લાગતાં જોઈ ગયેલા આધેડ તેમને બચાવવા દોડ્યા હતા. આ આધેડે પોતાની પુત્રી અને પત્નીને નવું જીવતદાન તો આપ્યું પણ તેઓ પોતે મોતનો કોળિયો બની ગયા હતા. પત્ની-પુત્રીને ધક્કો મારી તેઓ વીજપ્રવાહ ધરાવતા પતરાના કબાટ સાથે ચોંટી ગયા ને ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા.ઉધનાની ભીમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા ૪પ વર્ષીય શેશરાવ તુલસીરામ સૂરવારે સામાજિક કાર્યકર હતા. તેઓ ગુરુવારે સવારે રાબેતા મુજબ ઘરેથી નીકળવા માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે ૭.૨૯ વાગ્યે તેમની દીકરી ઘરમાં મૂકેલા પતરાના કબાટમાં કપડાં કાઢવા માટે ગઈ હતી.કબાટની પાછળથી પસાર થતો એક વાયર બ્રેક થઈ જતાં કબાટમાંથી વીજપ્રવાહ પસાર થઈ રહ્યો હતો તેથી તે કબાટ સાથે કરંટ લાગતાં ચોંટી ગઈ હતી પુત્રીને આવી સ્થિતિમાં જોતાં જ તેની માતા તેને બચાવવા દોડી હતી અને કંઈક સમજયા કે જાણ્યા વગર દીકરીને સ્પર્શ કરતાં જ તેને કરંટ લાગ્યો હતો. તેમનું મકાન એક નાનકડી ખોલી જેવું હોઈ શેશરાવના ધ્યાને પણ આ ઘટના આવતાં તેમણે પુત્રી અને પત્નીને એવી રીતે ધક્કો માર્યો કે તે બંને તો ફેંકાઈને બચી ગયાં પરંતુ શેશરાવ કબાટ સાથે ચોંટી ગયા હતા અને સતત એક મિનિટ સુધી તેમને કરંટ લાગતાં ૭.૩૦ વાગ્યે તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.શેશરાવનાં પત્ની મદદની બૂમો પાડતાં મકાનની બહાર દોડ્યાં હતાં. આથી લોકોએ ૭.૩૨ વાગ્યે ઘરમાં જતો વીજપ્રવાહ મૂળમાંથી જ કાપી નાંખ્યો હતો પરંતુ શેશરાવનો જીવ બચી શક્યો ન હતો. બનાવ અંગે ઉધનાના એએસઆઈ શાંતારામ વધુ તપાસ ચલાવી રહ્યાં છે. આ મિટર પેટીમાંનો વીજળીનો જીવંત વાયર ઘરમાંની કબાટ પાછળથી પસાર થતો હતો અને તેમાંથી કોઇ રીતે વાયર કપાતા કરંટ પસાર થયો હતો.


સુરત : આદિવાસી માટે ઝઝૂમતા લોકો નક્સલવાદી નથી

સુરતના પ્રિન્સપાલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં નવ નકસલવાદીઓની જામીનઅરજી પર અધૂરી રહેલી ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષની દલીલો ગુરુવારે પણ ચાલુ રહી હતી, જેમાં શકમંદ નકસલવાદી આરોપીતરફે એડ્વોકેટ કિરીટ પાનવાલાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આદિવાસીઓના વિકાસ માટે ઝઝૂમતા લોકોને નકસલવાદી તરીકે ચિતરી દેવામાં આવ્યાં છે. જો તેઓ ખરેખર નકસલવાદી હોય તો આટલા વર્ષોમાં ક્યારેય તો દક્ષિણ ગુજરાતમાં કોઈ અયોગ્ય બનાવ બન્યો હોત ને...પરંતુ નકસલીઓની સાથે સાંકળી શકાય તેવો એક પણ બનાવ ગુજરાતમાં બન્યો નથી.ઉપરાંત એડ્વોકેટ પાનવાલાએ જસ્ટિસ ભગવતીનો ૧૯૭૧નો માઓત્સે તુંગની બુક પરનો પ્રતિબંધ ઉઠાવી લેતો ચુકાદો ટાંકી જણાવ્યું હતું કે ડાબેરી કે નકસલી પુસ્તકો મળી આવેલા હોઈ તેથી કશું વાંધાજનક કહી શકાય નહીં. પુસ્તક વાંચવું ગુનો નથી. ખરેખર પગલાં લેવાં હોય તો પ્રકાશક સામે લેવાં જોઇએ. માટે નકસલી સાહિત્યનું આરોપી પાસેથી મળવું કે તેને બાળી નાખવું એ ખરેખર કોઈ પુરાવો નથી.જોકે, તેમની વધુ દલીલો માટે કોર્ટે તા. ૧૬મી ઓગસ્ટની મુદત ફાળવી હતી. જ્યારે આ કેસમાં સરકાર પક્ષ તરફથી ડીજીપી નયન સુખડવાલાએ કોર્ટમાં દલીલો કરતાં કહ્યું હતું કે આ કેસનો નકસલવાદી આરોપી નિરંજન મહાપાત્ર ઓરિસ્સામાંથી ઝડપાયેલી મીલી પાન્ડા નામની નકસલી મહિલાના સીધા સંપર્કમાં હતો અને આ બાબતથી નિરંજનનું નકસલી પ્રવૃત્તિ સાથેનું સીધું કનેકશન ફલિત થાય છે. તેના નિવાસસ્થાને રેડ કરતાં એજન્ડા બુક પકડાઈ હતી જેમાં માંડવીની જવાબદારી માકા ચૌધરીને, સોનગઢની જવાબદારી જયરામ હીલાલ ગોસ્વામીને અને ભાવનગરની જવાબદારી કામખ્યાસિંહને સોંપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે.ઉપરાંત જે આદિવાસી વિસ્તારોમાં મિટિંગો થતી હતી તે નકસલીપ્રવૃત્તિની ચર્ચામાં નિરંજન હાજર રહેતો હતો. આ મિટિંગો માઓઇસ્ટ સાથેના સંકલનથી યોજાતી હતી તેવું સાહેદ લલ્લુભાઈ લાલભાઈના નિવેદનમાંથી ફલિત થાય છે.ઉપરાંત પીપલ્સ વોર ગ્રુપના માઓઇસ્ટ સૂર્યદેવરા, શ્રીધર અને વરનોન સાથે મુંબઈમાં જનશક્તિ પાર્ટીના સત્યમ રાવ, અવિનાશ અને વિશ્વનાથ વચ્ચે મિટિંગ થઈ હતી. તેમાં મહારાષ્ટ્ર, ગુજરાતમાં નકસલી પ્રવૃત્તિ કરવા સંકલન સધાયું હતું. જે બાબતના પુરાવા વિશ્વનાથના ઘરેથી મળેલા દસ્તાવેજમાંથી મળી આવ્યા છે. જ્યારે સૂર્યદેવરા અને સત્યમ રાવ પણ એકબીજાના સંપર્કમાં હતા તેવું સાક્ષી કૈલાસ અને દુગૈયાના નિવેદનમાંથી નીકળતું હોવાની દલીલો સરકારપક્ષે કરાઈ હતી.


વિધવા સહાય માટે પુખ્તવયના પુત્રોને સગીર બનાવાયા

હેતુ સિદ્ધ કરવા ભાવનગર મહાપાલિકા દ્વારા યોજાયેલા ગરીબ મેળામાં વચેટીયાઓની ભૂંડી ભૂમિકાનો નવ વિધવાઓ ભોગ બનતા તમામ સામે કાર્યવાહી શરૂ થઈ છે જ્યારે વિધવા સહાયમાં જ પુખ્તવયના બાળકોને ખોટા દાખલા રજુ કરી સગીર બનાવવાના પણ કિસ્સા બહાર આવતા ૧૪ અરજદારોને મહાપાલિકા દ્વારા નોટીસ ફટકારી છે.લાભાર્થીઓને સરકારની સીધી સહાય મેળવવામાં બાધારૂપ બનતા વચેટીયાઓએ ભાવનગરમાં પણ માજા મુકી છે. ભાવનગર મહાપાલિકા આયોજિત ગરીબ કલ્યાણમેળામાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ખોટી રીતે લાભ લેવા જન્મ-મરણના ખોટા પુરાવા રજુ કરી વિધવા સહાયનો લાભ લેવાનો પ્રયાસ કરતા હાથોહાથ ઝડપાઈ ગયા હતા અને વચેટીયાઓ દ્વારા ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.વચેટીયાઓની મદદથી ગેરકાયદેસર સહાય મેળવવાના કિસ્સા બહાર આવ્યાનો રાજ્યભરમાં કદાચિત ભાવનગરમાં પ્રથમ દાખલો હશે. જે નવ મહિલાઓ સામે મહાપાલિકાના યુસીડી વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ ખરેખર ગુન્હેગાર તો હજુ જાહેરમાં ફરે છે. આવા વચેટીયાઓને જબ્બે કરી કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.જ્યારે આજ વિધવા સહાયમાં વર્ષો પૂર્વે નિયમ હતો કે જે વિધવાઓના પુખ્તવયના પુત્રો હોય તેઓને સહાય મળી શકે નહીં. પરંતુ સમય જતા તે નિયમ પણ નીકળી ગયો છે જે નિયમમાં ફેરફારની પણ વચેટીયાઓને ખબર નહીં હોવાથી ખોટા જન્મના પ્રમાણપત્ર રજુ કરી પુખ્તવયના બાળકોને સગીરવયના દર્શાવતા આવા ૧૪ અરજદારોને મહાપાલિકા દ્વારા તેઓ પર પોલીસકેસ ન કરવાની નોટીસ ફટકારતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.અભણ અરજદારોને ફોર્મ ભરવા અને યોજનાઓની વિગતો આપવા મહાપાલિકાના સંબંધિત અધિકારીઓ તૈયાર જ હોવા છતાં ખોટી રીતે લાભ લેવા અરજદારો વચેટીયાઓનો ભોગ બને છે.
રાજ્ય સરકારના ગરીબ કલ્યાણ મેળામાં સહાય મેળવવા માટે કેટલાક દલાલોએ ૯ જેટલી મહિલાઓના ખોટા પુરાવા ઊભા કરીને તેઓને વિધવા જાહેર કરીને નાણાંકીય લાભ મેળવવાની કોશીષ કરી હતી આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગના હરેશ ફતનાણીએ શહેરના એ ડીવીઝન પોલીસમાં અરજી આપીને ૯ મહિલાઓ વિરૂદ્ધ પગલા ભરવાનું જણાવ્યું હતું. જે મહિલાઓને ખોટા પુરાવા દેવાના વિધવા જાહેર કરી છે તેમાં ચુડાસમા ગૌરીબેન બાબુભાઈ, ગોહેલ જીવુબેન લક્ષ્મણ, પઠાણ રોશનબેન સલીમભાઈ, ગુજરીયા ગવુબેન છગનભાઈ, રાઠોડ હેવુબેન ભરતભાઈ, હસીના ઐયુબભાઈ, મકવાણા રમાબેન જેન્તીભાઈ, ગોહેલ બેબીબેન લાલજીભાઈ, ચૌહાણ લાભુબેન દેહુરભાઈ, વિરૂદ્ધ ફરિયાદ અપાતા જેમાં એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.જી. રાણાએ જણાવ્યું હતું કે ખોટા પુરાવા ઉભા કરેલ છે તેવી ફરીયાદ મળ્યા બાદ આ અંગે તમામ મહીલાઓ પાસેથી પ્રથમ તો તેમના પતિના અવસાન થયાના દાખલા મેળવીને, આ કેસમાં નક્કર પુરાવા મળશે ત્યારબાદ તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરીને પગલા ભરાશે.


ભાવનગર : ભૂતકાળના ખાતમુહૂર્તોનાં મુહૂર્ત ક્યારે આવશે ?

ભાવનગરના વિકાસ માટે અચાનક સરકારને શુરાતન ચડ્યું હોય તેમ આવતીકાલે શુક્રવારે લોકાર્પણ અને ભૂમિપૂજનોની હારમાળા સર્જી છે પરંતુ ભૂતકાળમાં અનેક પ્રોજેક્ટો એવા છે કે જેઓના ખાતમુહૂર્ત થયા બાદ તેના લોકાર્પણના હજુ મુહૂર્ત આવ્યા જ નથી ત્યારે આવતીકાલના ભૂમિપુજનો વાસ્તવિક સ્વરૂપે આવશે જ તેની શી ખાત્રી છે.ચૂંટણી આવી એટલે રાજકીય પક્ષોને પ્રજાની પડી હોય તેવું દેખાડવા માટે વિકાસ કામોના નામે કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આવતીકાલ તા.૧૩ના રોજ મંત્રી નિતીનભાઈ પટેલ અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે ભૂમિપુજન અને લોકાર્પણનું આયોજન કરાયું છે.પરંતુ આ જ મંત્રીઓ કદાચિત ભૂતકાળ ભૂલી ગયા હશે કે તેઓના હસ્તે થયેલા ખાતમૂર્હૂતોના હજુ મુહૂર્ત જ આવ્યા નથી. શહેરી વિકાસમંત્રી નિતીનભાઈ પટેલે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઘન કચરાના નિકાલ માટે પણ ખાતમુહૂર્ત કર્યા હતા. જેનું હાલમાં શું થયું તે પદાધિકારીઓને પણ ખબર નહીં હોય. ત્યારે સૌરભભાઈ પટેલે ઘરે-ઘરે ગેસ પાઈપલાઈન નાંખવાના દીવા સ્વપ્નનું મુહૂર્ત કર્યું હતું. જ્યારે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્પસર પ્રોજેક્ટનું ભાવનગરમાં ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ આ બધી યોજનાઓ ખોરંભે ચડી ગઈ છે. ત્યારે નવા ભૂમપિૂજન થશે.સ્ટેન્ડિંગે મંજુરી આપી નથી છતાં કામોના ભૂમિપૂજનઆવતીકાલ શુક્રવારે મંત્રીઓના હસ્તે ડાયમંડ ચોક ઈએસઆર અને શેત્રુંજી પમ્પીંગ સ્ટેશનનું કામ તેમજ સરદારનગર સુચિત બ્રીજનું ભૂમિપુજન કરવામાં આવશે. પરંતુ આ ત્રણે’ય કામ હજુ સુધી સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુરી માટે આવ્યા જ નથી તેમ છતાં તે કામોના કાલે ભૂમપિુજન કરવામાં આવશે. જે તંત્રની અણઆવડત અને બેદરકારી છતી કરે છે.


વાગડની ધરા ફરી ધણધણી ૪ની તીવ્રતાનો આંચકો

બુધવારે પૂર્વ કચ્છની ધરા આઠ હળવા કંપનો સાથે ધ્રુજી હતી ત્યાંજ ગુરુવારે વહેલી સવારે પુન: ૪ રિકટર સ્કેલની તીવ્રતાનો આંચકો આવતા વાગડ ધણધણી ઉઠયુ હતું. ભચાઉ તાલુકાના વામકા પાસે કેન્દ્રબિંદુ રહ્યું હતું. મળતી માહિતી મુજબ સવારે પ:૨૫ની આસપાસ વાગડની ધરતીએ કરવટ બદલતાં ભચાઉ તાલુકાના સામખિયાળી ખડીરથી માંડી ગ્રામ્ય વિસ્તારો તથા રાપર તાલુકાના ગામોએ કંપનની અસર અનુભવતા મીંઠીનીંદર માણી રહેલા લોકો સફાળા જાગી ઘર બહાર દોટ મૂકી હતી.વાગડ ફોલ્ટ પુન: સક્રિય થઇ રહ્યો છે. તેના એંધાણ વર્તાઇ રહ્યા છે. તેવું લોકોએ જણાવ્યું હતું. પેટાળમાં ફરી સળવળાટ શરૂ થતાઆ અંગે ગાંધીનગર સ્થિત ઇનસ્ટિટ્યૂટ ગુજરાત સિસ્મોલોજી રિસર્ચની વેબસાઇડ પરથી મળતી વિગતો મુજબ ૫:૨૫ વાગ્યાની આસપાસ ૪ રિકેટરસ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ વામકા નજીક ૨૩.૪ ઉત્તરઅક્ષાંશ અને ૭૦.૨ પૂર્વ રેખાંશ પર હોવાનું જણાવાયું છે, જ્યારે દિલ્હી સિસ્મોલોજી વિભાગના જણાવ્યા મુજબ આ કંપન ૩.૮ રિકેટરસ્કેલનું હતું વહેલી સવારે આવેલા આંચકાની તીવ્રતા એટલી હતી કે મીઠી નીંદરમાં પલંગ પર સૂતેલા લોકોએ પલંગ રીતસરનો હલતો અનુભવ્યો હતો.વામકા નજીક મુખ્ય કેન્દ્ર બિંદુ હોવાથી કકરવા, ખારોઇ, મનફરા, ભરૂડિયા કંથકોટ વગેરે ગામોથી છેક ખડીર સુધી આંચકો અનુભવાયો હતો તેવુ કકરવાથી પ્રતિનિધિ નુરમામદ કાસમે વિગતો આપતાં જણાવ્યું હતું. વહેલી સવારે પ:૨૫ આંચકો આવતા મીઠીનીંદર માણી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા. સવારનું શાંત વાતાવરણ હોવાથી લોકોએ તેની અસર વધુ અનુભવી હતી જોકે, કોઇ જાનહાનિ કે નુકસાન થવા પામ્યુ નથી.લાકડિયાથી પ્રવીણ મચ્છોયાએ કહ્યું હતું કે, પરોઢે પ:૨૪ વાગ્યે આંચકો કટારિયા, વસટવા, શીવલખા, ખોડાસર, ચિત્રોડ વગેરે ગામોમાં અનુભવાયો હતો. નિળયા ખખડયા હા તથા લોકોના ઘરમાં વાસણ પણ પડી ગયા હતા. પક્ષીઓએ પણ કોલાહલ કરી નાખ્યો હતો.૪ની તીવ્રતાના આંચકાની અસર જોકે ગાંધીધામ કે અંજાર તાલુકામાં અનુભવાયી ન હતી.રાપરથી ભારુ પરમારે કહ્યું હતું કે, પાંચેક વાગ્યાના ગાળામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત બન્યા હતા. રામવાવ તથા પ્રાંથળ વિસ્તારમાં ભૂકંપ વધારે અનુભવાયો હતો, તેવુ રામવાવથી સામજી આહિર અને બાલાસરથી પાંચાભાઇ પટેલે જણાવ્યું હતું.


નલિયાના મંદિરમાં આભૂષણના બદલે રોકડ રકમની થઇ તસ્કરી

નલિયા ખાતે આવેલા બે મંદિરોમાંથી બદમાશ શખ્સો દાનપેટીમાંથી અંદાજે રૂ. આઠ હજાર જેવી રોકડ ઉઠાવી ગયા હતા. જોકે, હરામખોર તત્વોએ મંદિરમાં રહેલા સોના-ચાંદીના આભૂષણોને હાથ લગાડ્યો ન હતો.શહેરના ભાનુશાલી કટારમલ નુખના કુળદેવી મોમાય માતાજી તેમજ સતીમાના મંદિરને ગત મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને દાનપેટીમાંથી સાતથી આઠ હજારની રોકડ ઉપાડી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, મંદિરમાં રહેલા-સોનાના આભૂષણોને નજર અંદાજ કરીને તસ્કરોએ માત્ર રોકડ ઉપર જ હાથ સાફ કર્યો હતો. આ મામલે શિવજીભાઇ રામજીભાઇ ભાનુશાલીએ ફરિયાદ કરતા પોલીસે તપાસ આરંભી છે.તસ્કરીની આ ઘટના સમયે જ ગામના જૈન મંદિર તથા પીર ફિળયામાં આવેલા ભલારા દાદાના સ્થાનકમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ જૈનો પરદેશ રહેતા હોવાથી કોઇ ફરિયાદ નોંધાવા પામી નહોતી. એક જ રાત્રે ત્રણ મંદિરોમાં તસ્કરો ત્રાટકવાની આ ઘટનાએ શ્રદ્ધાળુઓમાં રોષ જગાવ્યો છે


બલોલમાં હોબાળો : એસટી બસો રોકી દેવાઇ

મહેસાણા - બહુચરાજી માર્ગે આવેલા બલોલ ગામેથી પસાર થતી સવારના સમયની ચાર જેટલી એસટી બસ બંધ કરી દેવાતાં હાલાકી ભોગવી રહેલા વિદ્યાર્થીઓ સહિત ધંધાર્થીઓ ગુરૂવારે સવારે માર્ગ ઉપર ઉતરી આવ્યા હતા અને આઠ જેટલી બસો રોકી દેતાં હોબાળો મચી ગયો હતો. સાંથલ પોલીસ આવ્યા બાદ એસટી વિભાગીય નિયામક સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં બસો ચાલુ કરવાની ખાતરી અપાતાં મામલો થાળે પડ્યો હતો.મહેસાણા-બહુચરાજીના માર્ગે આવેલા બલોલ ગામમાંથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ તેમજ ધંધાર્થીઓ સહિત ૨૫૦થી વધુ લોકો સવારે મહેસાણા, વિસનગર સહિતના સ્થળોએ જતા હોય છે. આ માર્ગેથી સવારના સમયે પસાર થતી ઈડર -બહુચરાજી, બહુચરાજી-અંબાજી, વિરમગામ-અંબાજી, પાટડી-વડનગર સહિત કેટલીક બસો એસટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાઇ છે અને આગળથી આવતી બસો કેટલીકવાર અહીં ઊભી પણ રહેતી નથી.આ બાબતે ગ્રામ પંચાયત તેમજ વિદ્યાર્થીઓ અને સંગઠનો દ્વારા કરાયેલી રજુઆતો બાદ પણ એસટી તંત્ર દ્વારા પગલાં ન લેવાતાં ગુરૂવારે સવારે વિદ્યાર્થીઓ સહિત બલોલવાસીઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને અહીંથી પસાર થતી આઠ જેટલી બસો ગામમાં જ થોભાવી દેતાં હોબાળો મચી ગયો હતો.વાતાવરણ ગરમાતાં સાંથલ પોલીસ મથકના પીએસઆઈ અગ્રવાલ તથા બહુચરાજી ડેપો મેનેજર સાગરભાઈ અહીં આવી પહોંચ્યા હતા. છેવટે મહેસાણા એસટી વિભાગીય નિયામક સાથે ટેલિફોનિક વાતચીતના અંતે સમાધાન થયા બાદ અઢી કલાકથી ચાલતો મામલો થાળે પડ્યો હતો અને રોકેલી બસો રવાના કરાઈ હતી.ગામના ઉપસરપંચ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, બપોરે પોણા બાર વાગ્યે વિભાગીય નિયામક કમલ હસન બલોલ આવ્યા હતા અને પંચાયતમાં બહુચરાજી ડેપો મેનેજર સાગરભાઈ, ગામના સરપંચ હેદુજી, ઉપસરપંચ, અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી ત્રણ જેટલી બસો ચાલુ કરવાની તેમજ અનિયમિત બસો નિયમિત કરવા ડેપો મેનેજરોને સૂચનાઓ આપી હતી.


સસરા પાસેથી ૧.૮૦ લાખ સેરવ્યા : પત્નીને તરછોડી દીધી

અન્ય યુવતીના પ્રેમમાં પાગલ બની પત્નીને તરછોડનાર મહેસાણાના યુવાને ધંધા માટે લીધેલ રૂ. ૧.૮ લાખ તથા સોનાના દાગીના ચાઉં કરી જવાના મુદ્દે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે, યુવતીના પરિવાર પાસેથી યુવાને ધંધાના વિકાસ માટે રકમ લઈ પરત કરવાના મુદ્દે હાથ અધ્ધર કરી દીધા હતા.મહેસાણાના બિલાડી બાગ વિસ્તારમાં રહેતી ચંદનાણી ભારતીબેને શહેરની સનસિટી સોસાયટીમાં રહેતા આશિષ અમરતલાલ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્નના ટૂંકા ગાળામાં જ આશિષે પોતાના ધંધા માટે ભારતીના પિતાને વિશ્વાસમાં લઈને રૂ. ૧.૮ લાખ ઉછીના લીધા હતા.જો કે, અન્ય યુવતીના પ્રેમમાં પાગલ આશિષે પત્નીને ઘરમાંથી તગેડી મૂકી હતી અને તેણીના સોનાના દાગીના તથા તેના પિતા પાસેથી લીધેલ રકમ પરત કરવાના મુદ્દે હાથ ઊંચા કરી દીધા હતા. તાજેતરમાં અમદાવાદ પીકઅપ સ્ટેન્ડ નજીક ભારતીનો તેના પતિ સાથે ભેટો થઈ જતા તેને પિતાએ આપેલી રકમ તથા સોના-ચાંદીના દાગીનાની માગણી કરતા જ તેના પતિનો પિત્તો ગયો હતો.ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર પતિની વિરુદ્ધમાં ભારતી ચંદનાણીએ મહેસાણા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા વધુ તપાસ હાથ ધરી છે.


ફિણાવ ગામના તળાવમાં મગરે દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ

ખંભાતના ફિણાવ ગામના પાદર સ્થિત તળાવમાં ગુરૂવારે બપોર બાદ એકાએક વિશાળ કદના મગરે દેખા દેતા ત્રણ હજારની વસ્તી ધરાવતાં ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ અંગે ફિણાવના કમલેશભાઇએ જણાવ્યું હતું કે ફિણાવના તળાવનો મહિલાઓ પણ કપડાં-વાસણ માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત સ્થાનિકો તથા બાળકો પણ તળાવમાં નહાવા જાય છે, ત્યારે કેટલાક ખેડૂતોની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટળી છે. બપોરના સમયે મગર તળાવના મધ્ય ભાગમાં સતત અડધા કલાક સુધી દેખાયો હતો.તળાવમાં મગર હોવાની માહિતી મળતાં જ સ્થાનિક સરપંચે તાબડતોબ જિલ્લા વન વિભાગ તથા વડોદરા પ્રાણીસંગ્રહાલયના સત્તાધીશોને પણ જાણ કરી દીધી છે. તેની સાથે સાંજ પછી કોઈ ગ્રામજન ઉપર મગર હુમલો કરી તથા રાત્રિના સમયે મગર ગામના રહેણાંક વિસ્તારોમાં ધસી આવી ગ્રામજનોને નુકશાન ન કરે તેની તકેદારીરૂપે તળાવની ફરતે તાબડતોબ હેલોઝન તથા મરક્યુરી ફલડ લેમ્પ લગાવવામાં આવ્યો છે. જ્યારે વન વિભાગ તથા સરપંચ દ્વારા ગ્રામજનોને સ્પષ્ટ ખાસ તાકીદ કરીને તળાવના પાણી તરફ બીજી સૂચના ન મળે ત્યાં સુધી ન જવા જણાવ્યું છે. આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે રાત્રિ રોનનું પણ આયોજન હાથ ધરાયું છે.ઉપરવાસના વરસાદી પાણીની આવક શરૂ થતાં ખંભાતના અખાતને મળતા નિકાસ કાંસ છલકવા લાગ્યા છે. વન વિભાગના અધિકારી પટેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉપરવાસના પાણીની આવક જારી હોઈ નિકાસના પાણીમાં મગર તળાવ સુધી આવી શકે છે. મગરને બહાર કાઢવા તમામ પ્રયત્નો હાલ ચાલી રહ્યો છે.મગર પાંચ ફૂટનો હોવાનો અંદાજ.ફિણાવના તળાવ કિનારે ગુરૂવારે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, વિશાળ કદનો મગર બપોરના સમયે દોઢથી બે ફૂટ પાણી ઉડાડતો હતો. તે અંદાજિત પાંચ ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. જો કે માનવભીડ એકત્ર થતાં જ તે તે તળાવના ઉંડા નીરમાં ગરકાવ થઈ જાય છે.


તારાપુરમાં ટ્રક ભરી ગેરવલ્લે થતો ઘઉંનો જથ્થો ઝડપાયો

તારાપુર - ખંભાતમાં સરકારી ઘઉંને બારોબાર વેચી મારવાનું કૌભાંડ તારાપુર મામલતદારે બુધવારની સાંજે ઝડપી પાડ્યું હતું. ખંભાતથી ૬૫ ટન સરકારી ઘઉં ભરી જતા મીની ટ્રકને મામલતદારે ઉંટવાડા નજીક જ ઝડપી પાડ્યો હતો.સુત્રોના જણાવ્યાનુસાર, તારાપુર મામલતદાર દેવાંગી દેસાઈ અને તેમની ટીમે ખંભાત - તારાપુર રોડ પર ઉંટવાડા ગામ નજીક વાહન ચેકીગ કર્યું હતું. આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતી મીની ટ્રક નં.જીજે ૫ ડબલ્યું ૯૬૩૬ને રોકી તલાશી લેતા તેમાં ૧૩૦ કટ્ટા એટલે કે ૬૫ ટન સરકારી ઘઉં મળી આવતાં મામલતદારે ચાલકની પૂછપરછ કરી હતી. આ પુછપરછમાં ચાલકે પોતાનું નામ વિજયકુમાર રાવળ (રહે.તારાપુર) હોવાનું જણાવ્યું હતું અને આ જથ્થો ખંભાતના એક ગોડાઉનમાંથી ઉપાડી તેને તારાપુર પહોંચાડવાનો હતો.જો કે, તે કોઈ પુરાવા રજુ કરી શકતા આ સરકારી ઘઉં બારોબાર વેચી મારવાનું કૌભાંડ હોવાની શંકા જતાં મીની ટ્રક અને ઘઉં કિંમત રૂ.૪૫,૫૦૦ સહિત સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ચાલક વિજયકુમાર ખંભાતના ગોડાઉન સિવાય વધુ વિગત આપી ન શકતા તારાપુરની ટીમે તુરત જ ખંભાત ગોડાઉનમાં તપાસ કરી આ જથ્થો ક્યા દુકાનદારે બારોબાર મેચી માર્યો છે ? સમગ્ર નેટવર્કમાં કોઈ સંડોવાયું છે કે કેમ ? તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.


અભિનેત્રી સાધનાને ઘર ખાલી કરાવવા માટે બિલ્ડરની ધમકી

ફિલ્મ નિર્માતા અને બિલ્ડર લાકડાવાલાએ આરોપ નકાર્યા, સાધના જ ઘરમાં અનધિકૃત પ્રવૃત્તિ ચલાવી રહી હોવાનો વળતો આરોપ. સાઈઠ અને સિત્તેરના દાયકામાં ફિલ્મોધ્યોગ ગજવનારી અને લાક્ષણિક હેરસ્ટાઈલ (સાધના કટ)થી સૌનું ધ્યાન આકર્ષનારી અભિનેત્રી સાધના સાધના નૈયરે ફિલ્મકાર અને બિલ્ડર યુસુફ લાકડાવાલા તેને ઘર ખાલી કરાવવા માટે ધમકી આપી રહ્યો છે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે લાકડાવાલા આ આરોપ સદંતર જુઠાણું હોવાનો બચાવ કરી રહ્યા છે.સાંતાક્રુઝ સ્થિત આશા ભોંસલેના બંગલામાં ભાડૂત તરીકે છેલ્લાં અનેક વર્ષથી સાધના, લાકડાવાલા અને અન્ય એક ભાડૂત રહે છે. સાધના પહેલા માળે, લાકડાવાલા ઉપરના માળે રહે છે. પાણીની અછત હોવાને કારણે સાધનાએ તેની સેક્રેટરીને અગાશી ઉપર જઈને પાણીની ટાંકી તપાસવા મોકલી હતી. તે સમયે બિલ્ડરે તેને પોતાના માળ પર નહીં આવવા ધમકાવી હતી એવી ફરિયાદ હોવાનું પોલીસે જણાવ્યું હતું.સાધનાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે લાકડાવાલાએ ફોન કરીને જાનથી મારી નાખવાની અને લાશના ટુકડા કરીને મૃતદેહની ભાળ નહીં મળે એવી જગ્યા ફેંકી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત ઘર ખાલી કરાવવાની પણ ધમકી આપી હતી,અગાઉ પણ લાકડાવાલાએ આવા પ્રકારનો ત્રાસ આપ્યો હતો. એ સમયે લાકડાવાલાને શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ તેમની ભાષામાં સમજાવ્યા હતા એમ સાધનાએ ફરિયાદમાં જણાવ્યાનું પોલીસે જણાવ્યું હતું.


આખરે મુંબઈના બંદર પરથી જહાજોની અવરજવર શરૂ થતાં હાશકારો

અરબી સમુદ્રમાં વરલી નજીક પનામાના બે જહાજ ટકરાયા બાદ સર્જાયેલી હાલાકીના પાંચ દિવસ પછી મુંબઈના બંદર પરથી જહાજોની અવરજવર બુધવારે મોડી રાતથી શરૂ કરવામાં આવી હતી. નૌકા દળની આગેવાનીમાં આ અવરજવર શરૂ કરવામાં આવી હતી. આને કારણે મુંબઈને માથે ઈંધણની અછત સર્જાવાનો ભય પણ ટળ્યો છે.બુધવારે રાત્રે ૧૦.૦૦ કલાકે નૌકા દળની આગેવાનીમાં અટવાયેલાં જહાજોની મુંબઈમાંથી અવરજવર શરૂ કરવામાં આવી હતી. આ અગાઉ તટરક્ષક દળ તથા અન્ય એજન્સીઓએ આ જહાજોના માર્ગમાં આવતાં દુર્ઘટનાગ્રસ્ત જહાજમાંથી પડેલાં કન્ટેઈનરોને દૂર કરાયાં હતાં. ત્યાર બાદ ધીમે ધીમે જહાજોની અવરજવર શરૂ કરવામાં આવી હતી, એમ સંરક્ષણ દળના પ્રવકતા કેપ્ટન એમ. નામ્બિયારે જણાવ્યું હતું.ગુરુવાર સુધીમાં સાત જહાજને મુંબઈ બંદરથી બહાર જવાનો માર્ગ કરાયો હતો, જ્યારે પાંચ જહાજને મુંબઈ બંદરે આવવાનો માર્ગ કરાયો હતો, એમ તેમણે જણાવ્યું હતું.આ જહાજોને હેલિકોપ્ટર દ્વારા હવાઈ સહાયતા પણ કરવામાં આવી હતી, જ્યારે બે સર્વેક્ષણ બોટ પણ સજ્જ રખાઈ હતી, જેથી અવરજવર કરનારાં જહાજોના માર્ગમાં કોઈ અવરોધ નહીં આવે, એમ તેમણે જણાવ્યું હતું.નૌકા દળનું જહાજ માતંગા અવરજવર કરતાં જહાજોનું માર્ગદર્શન કરતું હતું. શનિવારે એમએસસી ચિત્રા અને એમવી ખલિજિયા-૩ જહાજ ટકરાયાં હતાં. આમાંથી ખલિજિયાને હેમખેમ કિનારે લાવવામાં આવ્યું હતું. જોકે રસાયણો, જંતુનાશકો, ખાદ્યપદાર્થ ભરેલાં ૧૨૧૯ કન્ટેઈનર સાથેનું ચિત્રા ડૂબવા લાગ્યું હતું. તેમાંથી લગભગ ૨૫૦ કન્ટેઈનર પાણીમાં સરકી ગયાં હતાં. આ કન્ટેઈનરો રાયગઢ, ઉરણ સુધી પહોંચી ગયાં હતાં. કમસેકમ ૩૧ કન્ટેઈનરોમાં ઘાતક રસાયણ છે. આને કારણે દરિયાઈ જીવ માટે જોખમરૂપ બની ગયાં છે. વળી, સમુદ્રની થપાટોને કારણે અમુક કન્ટેઈનર ફૂટીને તેમાંથી તેલનો ઢોળાવ થયો છે, જેની પર રસાયણનો છંટકાવ કરીને તેને દૂર કરી પાણી સાફ કરવા વિવિધ એજન્સીઓ કામે લાગી છે.જેએનપીટી, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, તટરક્ષક દળ, વિદેશી નિષ્ણાતો દ્વારા કન્ટેઈનરો કિનારે લાવવાની અને પાણી સાફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.


વિઝા મુદ્દો ઓબામાની મુલાકાતને ન નડે તેની ચિંતા

એચ-૧બી તથા એલ-૧ વિઝા ફીમાં અમેરિકાએ કરેલા જંગી વધારાથી ભારતની આઈટી કંપનીઓની વધતી નારાજગી વચ્ચે અમેરિકા હવે એવું ઈચ્છતું નથી કે પ્રમુખ ઓબામાની ભારત મુલાકાત પૂર્વે બન્નેના સંબંધોમાં ઓટ આવે. આ કારણે હવે ઓબામા તંત્રે કેપિટલ હિલ તથા વ્યવસાયિક સમુદાય સાથે વાતચીતનો પ્રારંભ કર્યો હતો.ઓબામા નવેમ્બરમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમેરિકા એ વાતે ઉત્સુક છે કે આ મુદ્દાની બન્ને દેશો વચ્ચે ઝડપભેર વધતા આર્થિક સંબંધો પર કોઈ માઠી અસર ન પડે. આઈ.ટી. કંપનીઓ પર વાર્ષિક ૨૫૦ મિલિયન ડોલરનો બોજો પડશે. વિઝા ફીમાં વધારાને પગલે ભારતીય આઈ.ટી. કંપનીઓનો વિઝાનો ખર્ચ વધશે અને આ પેટે નવો વાર્ષિક ૨૫૦ મિલિયન ડોલરનો આર્થિક બોજો વધશે પરંતુ આ બાબતે હજુ એક સૂત્રતા જણાતી નથી.સૂત્રોના કહેવા મુજબ ‘આ એક એવોમુદ્દો છે કે જેની અમારી હિલના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. અમે સરકાર સાથે પણ વાતચીત કરી હતી અને અમે વ્યવસાયિક સમુદાયની ચિંતાઓથી પણ અવગત થઈ રહ્યા છીએ.૫૦ કરતા વધુ કર્મીઓ ધરાવતી કંપનીઓને લાગુ પડશે.આ ફી વધારો એવી કંપનીઓને લાગુ પડશે કે જેના ૫૦ કરતા વધુ કર્મચારીઓ હોય અને તેના મોટાભાગના કર્મીઓ વિઝા ધરાવતા વિદેશી કામગારો હોય. ખરડાની સેનેટ સમીક્ષામાં ભારતની કંપનીઓ વિપ્રો, ટાટા, ઈન્ફોસિસ અને સત્યમના નામોમાં જ માનતા અમેરિકાના વિવિધ સ્થળોએ ટેકનિશિયન અને એન્જિ. માટે સેંકડો આવા વિઝાનો ઉપયોગ કરે છે.


કિવિ-શ્રીલંકા વચ્ચે આજે જંગ

ત્રિકોણીય વન-ડે શ્રેણીના પ્રારંભિક મુકાબલામાં ભારતને ૨૦૦ રનથી હરાવીને પોતાનાં અભિયાનની સંગીન શરૂઆત કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ શુક્રવારે યજમાન શ્રીલંકા સામે રમશે ત્યારે તે વિજયકૂચ જાળવી રાખવાના ઇરાદા સાથે ઊતરશે. સંગાકરાનાં નેતૃત્વ હેઠળની શ્રીલંકન ટીમ પણ પોતાના અભિયાનની વિજય સાથે શરૂઆત થાય તેવો લક્ષ્યાંક રાખી રહી છે. આ મેચનું ટેન સ્પોર્ટ્સ પર બપોરે ૨:૩૦ કલાકે પ્રસારણ કરવામાં આવશે. શ્રીલંકન ટીમને પોતાના ઘરઆંગણાની પરિસ્થિતિનો ફાયદો મળશે.
દમ્બુલ્લામાં યજમાન શ્રીલંકન ટીમે ૨૮ મેચ રમી છે જેમાં તેણે ૨૦ વિજય મેળવ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમે અહીં રમેલી છ મેચમાં ચાર મેચ જીતી છે. પ્રારંભિક મુકાબલામાં ભારત સામે શાનદાર વિજય મેળવીને ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે, જે ચોક્કસપણે કિવિ ક્રિકેટરોનો આત્મવિશ્વાસ વધારશે. ત્રિકોણીય શ્રેણીના બીજા મુકાબલામાં બંને ટીમોને ખેલાડીઓની ઇજાની કોઇ સમસ્યા સતાવી રહી નથી.ટીમની ક્ષમતા પર નજર નાખીએ તો સુકાની સંગાકરા, ઉપસુકાની મહેલા જયવર્દને, ઓપનર તિલકરત્ને દિલશાન તથા તરંગા ફોર્મમાં છે અને તેઓ શ્રીલંકન બેટિંગ લાઇનઅપને વધારે મજબૂત બનાવી રહ્યા છે. ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ પણ બેટ દ્વારા ઉપયોગી યોગદાન આપી શકે છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના બેટિંગક્રમમાં અપેક્ષા મુજબ નવા ખેલાડીઓનો સમાવેશ થાય છે પરંતુ સુકાની રોઝ ટેલર અને સ્કોટ સ્ટાયરિસની જોડી પ્રથમ મુકાબલામાં ભારતને ભારે પડી હતી. આ બંને બેટ્સમેન સાથી ખેલાડીઓનાં સમર્થન વડે ટીમને જંગી સ્કોર સુધી પહોંચાડી શકે છે. કિવિ બેટ્સમેનોને કાબૂમાં રાખવા માટે શ્રીલંકન ટીમ મુખ્યત્વે તેના સ્પિનઆક્રમણ પર વધારે મદાર રાખશે. બોલિંગમાં શ્રીલંકાનું સ્પિનઆક્રમણ મજબૂત છે તેમ કિવિ ટીમ તેના ઝડપી બોલર્સ પર આધાર રાખી રહ્યું છે. શ્રીલંકાનો મેન્ડીસ, રણદીવ પિચ પરથી થોડીક મદદ મળે તો હરીફ ટીમને વેરવિખેર કરવાની ક્ષમતા ધરાવે છે. લસિત મલિંગાની હાજરીમાં શ્રીલંકાના પેસ એટેકને ન્યૂઝીલેન્ડની ટીમ હળવાશથી લઇ શકે તેમ નથી.મલિંગા ઇનિંગ્સના અંત ભાગની ઓવર્સમાં ઘાતક યોર્કર નાખે છે જેના કારણે કિવિ બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જાય તેવી સંભાવના છે. ટફી અને મિલ્સે ભારતને માત્ર ૮૮ રનમાં સમેટીને ન્યૂઝીલેન્ડના ઘાતક આક્રમણનો પરચો આપી દીધો હતો. વેટ્ટોરીની ગેરહાજરીમાં ટીમનું સુકાન સંભાળનાર રોઝ ટેલર વધુ એક વખત મોટી ઇનિંગ્સ રમે તેવી પૂરી સંભાવના છે.

No comments:

Post a Comment