visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ : નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ૧૦૦૦ બાળકો લઈ આવજો
શહેરના તમામ સ્કૂલ સંચાલકોને ધમકી. સરકાર સતાવે તેવા ભયથી શાળા સંચાલકોએ હા પાડી દીધી : કલેક્ટર સૂચનાની સરકારી ભાષામાં દાદાગીરી, સુપરવાઈઝર મૂકી દેવાયા : વાલીઓમાં રોષ.હવે તો હદ થઈ ચૂકી છે. પહેલા પૈસા ઉઘરાવવા માટે કલેક્ટર સ્ટાફે લાલ આંખ કરી હતી. હવે મેદની એકત્ર કરવા બિચારા બાળકોને બોલાવવા ધમકીઓ આપવામાં આવી રહી છે. કલેક્ટર પટેલની સૂચનાથી શિક્ષણાધિકારીએ આજે સ્કૂલ સંચાલકોની મિટિંગ બોલાવી હતી. અને કહ્યું હતું દરેક સ્કૂલે કાર્યક્રમમાં ૧ હજાર બાળકો ફરજિયાત લઈને આવવાના રહેશે. આ સૂચના નથી હુકમ છે તેવું પણ અંતમાં કહેવાયું હતું.વિદ્યાર્થીઓ ભણવા માટે સ્કૂલે જતા હોય છે. પરંતુ ચાર દિવસ સ્કૂલે જવાનું પણ ભણવા માટે નહીં. સરકારી કાર્યક્રમોમાં હાજરી પુરાવા, કાર્યક્રમોમાં સંખ્યા નહીં થતી હોવાથી કલેક્ટરે પોતાની વાહ-વાહ થાય માટે બિચારા વિદ્યાર્થીઓને એકત્ર કરવાનું પ્લાનિંગ કરી આજે શાળા સંચાલકોને રિતસરની ધમકી દેવામાં આવી હતી.કલેક્ટર તંત્ર દ્વારા દરેક સ્કૂલમાં એક-એક સુપરવાઈઝરો પણ આજથી મૂકી દેવામાં આવ્યા છે. હવેથી વિદ્યાર્થીઓની તમામ જવાબદારી સુપરવાઈઝરોને સોંપી દેવામાં આવી છે. સંખ્યા નહીં થવાનો ભય તંત્રને સતાવી રહ્યો હોવાથી હવે તંત્રએ રિતસરની દાદાગીરી શરૂ કરી દીધી છે.વિદ્યાર્થીઓને આવી સૂચના આપવામાં આવતા વાલીઓમાં રોષ છવાઈ ગયો છે. અમુક સ્કૂલ સંચાલકોએ ભયના ડરથી ૧ હજાર વિદ્યાર્થીઓ લાવવાની હા પાડી દીધી હતી.
દુનિયાના સૌથી મોંઘા ફ્લેટનું વેચાણ
દુનિયાના સૌથી મોંઘા ફ્લેટ વેચાણ માટે તૈયાર છે. આ ખાસ ફ્લેટની બારીમાં બુલેટ પ્રૂફ કાચ લાગેલા છે. એટલું જ નહિં આ ફ્લેટની સુરક્ષામાં લાગેલા ગાર્ડ્સને ઇંગ્લેન્ડની સિક્યોરિટી એજન્સી એર સિક્યોરિટી સર્વિસ ફોર્સની ટ્રેનિંગ આપવામાં આવી છે.
આ આલીશાન ફ્લેટની ખાસિયતઓનું લિસ્ટ બહુ લાબું છે. સેન્ટ્રલ લંડનમાં બનેલ આ ફ્લેટની નીચેથી એક સુરંગ સીધી લંડનની પ્રખ્યાત રેસ્ટોરાં 'હેસ્ટન બ્લુમેંથલ' સુધી જાય છે. એ જ નહિં અહિંથી એક સુરંગ સીધી લંડનના મેંડેરિયન ઓરિએન્ટલ હોટલ સુધી પણ જાય છે.આ ફ્લેટની ખાસિયતો અહિં ખત્મ થતી નથી. આ ફ્લેટ બનાવવા માટે તુર્કી, ઇટલી, ફ્રાન્સ, બેલ્જિયમ, બ્રાઝિલ, ચીન અને ઇજિપ્તથી મંગાવામાં આવેલ ખાસ પત્થરોનો ઉપયોગ કરાયો છે.પરંતુ આ આલીશાન ફ્લેટમાં રહેવા માટે તમારે રકમ પણ ઘણી મોટી ચૂકવવી પડશે. આ ફ્લેટની કિંમત 14 કરોડ પાઉન્ડ છે. જો તમારૂં ખિસ્સું આ આલીશાન ફ્લેટની ખરીદીની મંજૂરી આપે છે તો બુકિંગ જલ્દીથી કરાવી લેજો કારણ કે આવા કુલ 86 ફ્લેટ જ બનાવામાં આવશે. જેમાંથી મોટાભાગના ફ્લેટ વેચાઇ ચૂક્યા છે અને હવે ફકત એક તૃત્યાંશ ફ્લેટ જ વેચાણ માટે વધ્યા છે.
ગુજરાતના ખેડુતો વાવણી બાદ વિદેશના પ્રવાસે
ઘરાજાએ ચાલુ વર્ષે ગુજરાત પર મહેર કરતાં સપ્રમાણ વરસાદ થયો છે જેને લીધે ધરતીપુત્રોમાં આનંદ ધવાઇ ગયો છે.સારા વરસાદ અને વાવણી બાદ ફ્રી થયેલા અમદાવાદ આજુ બાજુના ખેડુતોમાં આ વર્ષે વિદેશ ફરવા જવાનો ક્રેઝ વધી જતાં હાલમાં બહાર ફરવા જતા ગુજરાતીઓમાં ૮૦ ટકા થી વધુ ખેડુતો હોવાનું ગુજરાત ટુર એન્ડ ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખ મનિષ શર્માએ જણાવ્યું હતું.વધુમાં મનીષ શર્માએ જણાવ્યું હતું આ વર્ષે ખેડુતો પોતાના ગૃપ સાથે આ નવરાસની પળોમાં ખાસ કરીને બેંકોક -પતાયા ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે . કેમકે ત્યાંના જુદા જુદા બીચ. કુદરતી સૌંદર્ય ,સસ્તી ખરીદી, મંદિરો, ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.પોતાના મિત્રો સાથે બેંકોક -પતાયા જઇ આવેલા થલતેજના ફેનીલ પટેલે જણાવ્યું હતું કે હવે વાવણી થઇ ગયા બાદ નવરાસની પળોમાં મિત્રો સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતા હતા ત્યારે જાણવા મળ્યું કે દેશમાં કશેય ફરવા જઇએ તેટલાજ રૂપીયાના પેકેજમાં તો બેંકોક પતાયા જવાય છે. માટે ચાર મીત્રો બેંકોક-પતાયા ફરી આવ્યા હતાં.s
રમજાનમાં એપલની આધુનિક સુવિધા
ઇસ્લામની સૌથી પ્રાચીન પ્રણાલીઓ હવે આધુનિક બની રહી છે. ચાલુ સપ્તાહે જ શરૂ થનાર રમજાન મહિનામાં એપલ દ્વારા સંખ્યાબંધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી રહી છે. એપલની ‘આઇપ્રે’ અથવા ‘આઇકુરાન’ જેવી સેલફોન સુવિધાઓ જરૂરી ઇબાદતના સમયે યાદ અપાવે છે. ‘ફાઇન્ડ મક્કા’ અને ‘ મોસ્ક ફાઇન્ડર’ કાર્યક્રમો અપરિચિત શહેરોમાં પ્રવાસ વખતે મુસ્લિમોને નજીક આવેલી મિસ્જદ બતાવે છે.પોતાના એપલ આઇફોન અને આઇપેડ પર ઘણીબધી ઇસ્લામી સુવિધાઓ ધરાવતા જેમ્સ ઓટને જણાવ્યું કે, તેમણે પ્રથમ વાર આ સુવિધાઓ જોઇ તો, તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જે કોઇએ આ વિચાર રજુ કર્યો તેના પર અલ્લાહની કૃપા થાય.એપલના આઇફોન અને આઇપેડ પરના કાર્યક્રમો માત્ર રમજાન મહિનાની સુવિધાઓ સુધી જ મર્યાદિત નથી પરંતુ અન્ય ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. આ સુવિધાઓમાં ઇસ્લામી રીતે તૈયાર કરવામાં આવતા ભોજનના સ્થળ, દરરોજ તિલાવતમાં યોગ્ય અરબી ઉચ્ચારો શીખવા અથવા દિવસે કુરાન શરીફની કેટલી તિલાવત કરી? અને કેટલી તસ્બીહ પઢી? એ બધી માહિતી મોબાઇલ ફોન પર મળશે.એપલની સુવિધાઓમાં કુરાન શરીફ ઉપરાંત પવિત્ર કેથોલિક બાઇબલ તેમ જ પવિત્ર ભાગવદ્ ગીતા સહિત અન્ય ઘણાં પવિત્ર ધાર્મિક ગ્રંથોની સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. મુસ્લિમ દેશોની જેમ અમેરિકાની મિસ્જદોમાં બહારના લાઉડસ્પીકર પર અઝાન આપવામાં આવતી નથી.અમેરિકામાં રહેતી તુર્કી મૂળની સુમૈયા કલ્યોન્કે પોતાના આઇફોન ડોક પર સરાઉન્ડ-સાઉન્ડ સ્પીકર દ્વારા અઝાન સાંભળી હતી. આઇફોન ડોક પર અઝાન સાંભળીને સુમૈયાને તુર્કીમાં આપવામાં આવતી અઝાનની યાદ તાજી થઇ ગઇ હતી. એપલના આઇફોન પરની આવી સુવિધાઓ અમેરિકામાં બહુ લોકપ્રિય છે.
'વેન્ટો' ટૂંક સમયમાં ભારતીય રસ્તા પર દોડશે
જર્મનની વાહન બનાવતી અગ્રણી ઓટો કંપની ફોક્સવેગન ભારતીય બજારમાં સપ્ટેમ્બર મહિનાથી સેડાન વેન્ટો વેચાણ માટે મૂકશે. જેની કિંમત રૂ.6.99 લાખ થી 9.23 લાખ હશે.આ નવી વેન્ટો પેટ્રોલ અને ડિઝલ એમ બંને વેરિઅન્ટસમાં જોવા મળશે, 6 સપ્ટેમ્બર, 2010થી ભારતીય રસ્તાઓ પર આ કાર દોડતી હશે તેમ કંપનીએ આજે રજૂ કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે.વેન્ટો કારના પેટ્રોલ વર્ઝનની કિંમત રૂ.6.99 લાખથી શરૂ થશે જ્યારે ડિઝલ વર્ઝન કારની કિંમત રૂ.7.99 લાખથી શરૂ થશે તેમ કંપનીએ કહ્યું હતું.વેન્ટો કારની ડિઝાઇન ભારતીય બજારને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે તેમ ફોક્સવેગન ગ્રૂપના નીરજ ગર્ગે કહ્યું હતું. વેન્ટો મહરાષ્ટ્રના ચાકણ પ્લાન્ટમાંથી તૈયાર થઇને બહાર આવશે.યુરોપમાં આ કારનું લોન્ચિંગ 6 જૂલાઇ, 2010ના રોજ કરવામાં આવ્યું હતું. જ્યારે કંપનીએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ભારતીય બજારમાં હેચબેક કાર પોલો ઉતારી હતી, તેની દિલ્હીના એક્સ શોરૂમમાં કિંમત રૂ.4.34 લાખ થી 6.70 લાખ છે
આવું કેમ કર્યું કેટરીના?
હોલીવૂડની ફિલ્મ ‘ધ ઇટાલિયન જોબ’ની હિન્દી રીમેકમાં કેટરીના કેફ કામ કરવા તૈયાર નથી. અબ્બાસ-મસ્તાનના ડિરેકશનમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ ન કરવા પાછળ કેટરીનાએ ડેટ્સની સમસ્યા હોવાનું બહાનું કાઢ્યું હતું, કેટરીનાના આ પગલાંને લઈને જાત જાતના તર્ક થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેટરીનાએ યશરાજ બેનરની આગામી ફિલ્મ સાઇન કરી છે. જેનું શુટિંગ તે ‘દોસ્તાના-૨’ની પહેલાં નિશ્વિત તારીખોમાં પૂરું કરશે. કહેવાય છે કે ‘દોસ્તાના-૨’ પાછળ ધકેલાઈ હોવાથી ખાલી પડેલી તારીખોમાં કેટરીના આ ફિલ્મનું શુટિંગ કરશે. આવામાં અબ્બાસની ફિલ્મ ન કરવા માટે તારીખોની સમસ્યા હોવાની તેની વાત ગળે ઉતરતી નથી. મહત્વની વાત એ છે કે ‘ઇટાલિયન જોબ’ની રીમેકમાં કેટની ભૂમિકા દમદાર હતી. તે એ પાત્ર કરવાની હતી જે મૂળ ફિલ્માં ર્લેજ થેરોને કર્યું હતું.એવું પણ જાણવા મળ્યું છે કે કેટરીના ફિલ્મની સ્ક્રિપ્ટથી ખુશ નહોતી તેથી તેમાં ફરફાર કરવા માગતી હતી. હવે કેટરીનાએ ફિલ્મ સાઇન કરવાના આઠ મહિના બાદ ફિલ્મ છોડી દેતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. આવામાં તેણે ઇમરાન ખાન સાથેની યશરાજ બેનરની ફિલ્મ સાઈન કરી છે તેથી રહસ્ય વધુ ઘેરું બન્યું છે.કેટરીના પોતે જ કહી ચૂકી છે કે તે હવે આ ફિલ્મમાં નથી અને તે માટે તેણે તરીખનું બહાનું કર્યું છે. આ વિશે મસ્તાન જણાવે છે કે ‘કેટરીના હવે આમારી ફિલ્મમાં નથી. કેમ કે તારીખોની સમસ્યા ઉકેલાય શકે તેમ નહોતી. હવે અમે ફિલ્મ માટે બે નાયિકાઓ અને એક નાયકની તલાશ કરી રહ્યાં છીએ. અમને આશા છે કે આ શોધ એક અઠવાડિયામાં પૂરી થઈ જશે.
નર્સિગ સ્ટાફના સામુહિક રાજીનામાની શક્યતા
યુ.એન. મહેતા હોસ્પિટલનાં હડતાળિયા નર્સિગ સ્ટાફે ‘એસ્મા’ને પડકારતી અરજી ફાઇલ કરી છે. જેની સુનાવણી આજે હાઇકોર્ટમાં થવાની છે.હાઇકોર્ટના ચુકાદા બાદ નર્સિગ સ્ટાફના ૨૨૫ જેટલાં લોકો સામુહિક રાજીનામું આપશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. સસ્પેન્ડ કરાયેલા હોસ્પિટલનાં નર્સિગ સ્ટાફનાં બ્રધર્સ હિતેન પટેલે જણાવ્યું હતું કે, અમે હાઇકોર્ટનાં ચુકાદાની રાહ જોઇશું, ત્યારબાદ બપોર પછી હોસ્પિટલ તંત્રને સામુહિક રાજીનામું આપીશું. જો કે, હાઇકોર્ટમાં અરજી ફાઇલ કર્યા બાદ હોસ્પિટલ તંત્ર તરફથી કોઇ સંપર્ક કરાયો નથી. અમે અમારી માંગણીને વળગીને રહીશું.
દીપક ફાઉન્ડેશનને સિટીઝન ચોઇસ એવોર્ડ એનાયત
દીપક ફાઉન્ડેશનની વેબ કમ્પ્યૂટર મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમને (સી.એમ.આઇ.એસ.) વડોદરા શહેરના પછાત ગામડા અને ગ્રામ્ય વિસ્તારની ગર્ભવતી સ્ત્રીઓના ફાયદાઓ માટે ભરેલ પગલાંને કારણે સિટીઝન ચોઇસ એવોર્ડ પ્રાપ્ત થયો છે. હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેકશન સેન્ટર ખાતે ઇ-ઇન્ડિયા એવોર્ડ ર૦૧૦નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇ-હેલ્થ કેટેગરીમાં સિવિલ સોસાયટી માટે સિટઝિન ચોઇસ એવોર્ડ દીપક ફાઉન્ડેશન તરફથી સિનિયર એમ.આઇ.એસ. કો-ઓર્ડિનેટર શ્રી શરદુલ આચાર્યે પ્રાપ્ત કર્યો હતો
સુરત : નક્સલવાદ માટે ૮ ટીમોએ તાલીમ લીધી હતી
નક્સલવાદ-માઓવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મનાતા કુલ નવ આરોપીએ કરેલી જામીન અરજી પર બુધવારે સરકાર તરફે ડીજીપી નયન સુખડવાલાએ સ્ફોટક દલીલો કરી ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું હતું કે આ આરોપીઓ સુરત, માંડવી, સોનગઢમાં આદિવાસીઓનું ઉત્થાન કરવાનું તરકટ ચલાવતા હતા. વાસ્તવમાં આદિવાસીઓને ભોળવીને તથા લડાયક પ્રકૃતિવાળી વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ હથિયારની તાલીમ માટે મોકલતા હતા, જેમાં તપાસમાં સુરતમાંથી આઠ કેડરો ગઈ હોવાના પુરાવા મળ્યા છે.આ કેસ માટે ખાસ રચવામાં આવેલા સેલના તપાસનીશ અધિકારી અને વ્યારાના કે.એમ. પોલરા દ્વારા જડબેસલાક પુરાવા ભેગા કરવામાં આવ્યા છે.૨૭ ફેબ્રુ.ના રોજથી કેસની તપાસ સંભાળ્યા બાદ મહારાષ્ટ્રમાં દાખલ થયેલા ગુનામાં પકડાયેલા આરોપીઓનાં ઇન્ટ્રોગેશનનો અભ્યાસ કરતાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં સીપીઆઈ (માઓઇસ્ટ)ના કાર્યકરો ખૂબ જ ગુપ્તતાથી તેઓની નકસલવાદી પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોવાનું તેમના ધ્યાન પર આવ્યું છે. તેઓ સાથે ચર્ચા અને નકસલવાદીઓ પાસેથી મળેલા સાહિત્યનો આધાર લઈને સરકાર તરફે ડીજીપી સુખડવાલાએ કરેલી દલીલો આ કેસમાં ધડાકો સાબિત થાય તેવી છે.નવ આરોપીના ઘરમાંથી નક્સલવાદને લગતું જે કંઈ સાહિત્ય મળ્યું છે અને તેઓ માઓઇસ્ટના ફન્ર્ટ ઓર્ગેનાઇઝર તરીકે જે રીતે કામ કરતા હતા તે બાબતો ખૂબ જ સૂચક છે. ૨૦૦૨થી ૨૦૦૪માં સીપીઆઈ (એમએલ) અને સીપીઆઈ (માઓ) વચ્ચે કો-ઓડિનેશન કરવા મુંબઈમાં ત્રણ ગુપ્ત મિટિંગ થઈ હતી, જે અંગેના પુરાવા મળ્યા છે. તેઓ વચ્ચે માત્ર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના કોમન પ્રશ્નો અંગે સહમતી સધાઈ હતી અને ત્યારબાદ ગુજરાતમાં કામ કરવા માટે પ્રેક્ટિકલ યુનાઇટેડ ફન્ર્ટ નામનું એક કોમન ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું અને તેના નેજા હેઠળ કામ શરૂ કર્યું હતું.આ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય કામ હતું સુરત, માંડવી, સોનગઢ અને ભાવનગરમાં કેડરોની સ્થાપના કરવી. તેમાં સપાટી પર આદિવાસીઓની ભલાઈ માટે કામ કરવાનું તરકટ ચાલતું હતું પરંતુ હકીકતમાં આદિવાસીઓ-ધાર્મિક અલ્પસંખ્યકો વગેરેને ભોળવીને મિટિંગોમાં લઈ જવાતા હતા. આ મિટિંગોમાં જેઓ લડાયક પ્રકૃતિ ધરાવતા હોય તેવી વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેને દલંમ (પાંચ માણસની હથિયારબંધ ટુકડી)માં તાલીમ માટે મોકલી અપાતી હતી. આ જ રીતે આહવા-ડાંગમાંથી ભરત અને સુલતને તથા સુરતમાંથી કુલ આઠ કેડરને નકસલી તાલીમ માટે મોકલાઈ હોવાનું ડીજીપી નયન સુખડવાલાએ જણાવ્યું હતું.આ નવ શકમંદોનીઅરજી પર સુનાવણી ચાલે છે. નિરંજન પુરુષોત્તમ મહાપાત્ર-પાંડેસરા, સુરત, મૂળ ઓરિસ્સા, રામુ ઉર્ફે જાંબુવંત નારાયણ પવાર-સાંકીનાકા, મુંબઈ, મહારાષ્ટ્ર, કામખ્યા ચૌહાણ-વરયાચાવડી ગેટ, ભાવનગર, મૂળ બિહાર, વિનાયક ઉર્ફે માધવ કુલકર્ણી- આહવા, મૂળ કર્ણાટક, માકાભાઈ ગાંગજીભાઈ ચૌધરી-ધોબણીનાકા, માંડવી, જયરામભાઈ હીલાલભાઈ ગોસ્વામી-નિશાળફિળયું, તરસાડી ભરતભાઈ મનસુભાઈ પવાર-મશિનપાડા, આહવા, સત્યમરાવ ઉર્ફે સત્યનારાયણ લક્ષ્મણ, લિંબાયત, મૂળ આંધ્રપ્રદેશ, વિશ્વનાથ ઉર્ફે વિષુ વર્ધરાજન ઐયર, નાગપુર, મહારાષ્ટ્ર
સુરત ગેંગરેપ પ્રકરણ : વધુ ૮ની ધરપકડ
વરાછા વિસ્તારની સાગર સોસાયટીમાં સમાજને હચમચાવી નાંખનારી બનેલી ઘટનામાં પતિએ પત્નીને તેના પાંચ મિત્રો સમક્ષ ધરી તેના પર બળાત્કાર કરાવવાની ઘટનામાં મંગળવારે પોલીસે પકડેલા પતિ સહિત બેના ત્રણ દિવસનાં રિમાન્ડ લીધાં હતાં. જ્યારે બુધવારે મોડી રાત્રે ૮ આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ખરેખર આ ઘટના કેવી રીતે બહાર આવી તેની સિલસિલાબંધ વિગતો પ્રકાશમાં આવી છે. આટઆટલો અત્યાચાર સહન કરી રહેલી આ મહિલાને જૂન મહિનામાં જ્યારે સાગર સોસાયટીમાં રહેતા જયંતીભાઈ વધાસિયાના મકાનમાં લઈ જવામાં આવી ત્યારે તો તેને ખબર પણ ન હતી કે તેની સાથે શું થવાનું છે.આ પ્રકારનાં કામ માટે જ જયંતી અને ગિરધરે મકાન ભાડે રાખ્યું હતું અને તેના રૂમમાં પત્નીને મોકલ્યા બાદ પાંચ મિત્રોને એક સાથે રૂમમાં મોકલ્યા હતા અને પતિએ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. રાત્રે ૧૨.૩૦થી ૩ દરમિયાન આ પાંચેય શખ્સે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તે બહાર આવી ત્યારે ખુદ પતિએ પાંચેય શખ્સ પાસેથી રૂપિયા લઈને રવાના કર્યા હતા.આ પછી પત્નીએ પતિને ઠપકો આપવાનું શરૂ કરતાં જ ગિરધર તાડૂકયો હતો અને કહ્યું હતુંકે ખબરદાર જો આ વાત કોઈને કરી છે તો... જો કરીશ તો તને અને તારા પરિવારને જીવતો નહીં છોડું. આથી પત્ની એકદમ હેબતાઈ ગઈ હતી અને ચૂપ થઈ ગઈ હતી.બીજા દિવસે સાસરી પક્ષના સભ્યો વચ્ચે પણ તેણે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો. દસેક દિવસ પછી અગિયારસ આવતાં તેનાં માતાપિતા તેને તેડવા આવતાં તે પિયર ગઈ હતી. પિયરમાં પણ પાંચ દિવસ રોકાઈ છતાં તેણે માતાપિતાને કશી જ વાત કરી ન હતી. પરંતુ પિયરમાં મન સ્વસ્થ થતાં તેણે વિચાર્યું હતું કે આવા પતિ સાથે જિંદગી વિતાવી શકાય નહીં.પહેલાં તે પોતાનું લગ્નજીવન કાયમ રાખવા માગતી હોવાથી તમામ અત્યાચાર મૂંગા મોંએ સહન કરી લીધા હતા પરંતુ હવે સાસરે જવું નથી તેમ મન મનાવીને બેઠેલી આ મહિલાને જ્યારે પતિ તેડવા ગયો ત્યારે સ્પષ્ટ શબ્દોમાં તેની સાથે જવાની ના પાડી દીધી હતી. આથી પતિએ તેની ભાભીને તેડવા મોકલી હતી આમ છતાં તેણે ના પાડી હતી. ત્યારબાદ પતિ પાછો તેની પાસે ગયો હતો અને નહીં આવે તો જોઈ લઈશ તેવી ધમકી આપતાં પત્ની રડી પડી હતી. આથી તેનાં માતાપિતાએ તેને સઘળી હકીકત પૂછતાં આખરે નાછુટકે પુત્રીએ તેના પતિની કરતૂતો ઉઘાડી પાડી હતી.આથી માતાપિતાએ સમાજના આગેવાનો તેમજ સ્વજનોને વાત કરતાં તેમણે શહેર પોલીસને જાણ કરતાં વરાછા પોલીસ ઇન્સપેક્ટર આર.એસ. પટેલે ગુનો દાખલ કરીને એટ્રોસિટીની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. એસીપી જી.એમ. પટેલે મંગળવારે માત્ર બે આરોપી પતિ ગિરધર કોરાટ અને જયંતી વધાસિયાની જ ધરપકડ કરી હતી.
હતાશ આરોપીનો કોર્ટના પાંચમા માળેથી કૂદકો
સુરતની કોર્ટ હચમચી જાય તેવી ઘટના બુધવારે બપોરે ત્રણથી ચારના ગાળામાં બની ગઈ. વાહનચોરીના કેસમાં ખેડાથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરતની કોર્ટમાં રજુ કરાયેલા આરોપીએ પાંચમા માળેથી હથકડી સાથે મોતની છલાંગ લગાવતા આખું કોર્ટ સંકુલ ઘડીભર સ્તબ્ધ થઈ ગયું હતું. પાંચમા માળેથી સીધા જ મુખ્ય કોર્ટની મધ્યમાં આવેલી પરશાળમાં વકીલોના ટેબલ પર જ આરોપી પૂનમચંદ હીરાચંદ ખત્રી ધડાકાભેર પટકાતાં તેની પાંસળી તૂટી ગઈ હતી. જેને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે પહેલા જજ સમક્ષ પૂનમચંદે કહ્યું હતું કે ‘મને ગુનો કબૂલ છે અને મારે મરી જવું છે.’ અને તેણે તે જ કર્યું. કહેવાય છે કે પોલીસની થર્ડ ડિગ્રીથી તેની મનોસ્થિતિ ઠીક ન હતી.ખટોદરા પોલીસ મંગળવારની રાત્રિના ખેડાથી આ વાહનચોરને લઈ આવી હતી. તેની સામે જીજે-૫-એફકે-૨૩૯ નંબરની ગાડી ચોરવાનો આરોપ હતો. સુરતના પૂણા ગામના રહીશ અને એમ્બ્રોઇડરીના કારખાનાના સંચાલક હિતેશ નાકાણીની ફરિયાદના આધારે તેની અટક કરાઈ હતી અને તેને એડશિનલ સિવિલ જજ અને ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ માધુરીબહેન ભટ્ટની કોર્ટમાં રજુ કરાયો હતો. તેને સવારે પણ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને બપોરે પાછો હાજર કરાતાં તેણે જજ સમક્ષ પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો. ત્યાર બાદ તે ભાગ્યો ત્યારે પાંચમા માળે એકતરફ લોકો અને પાછળથી પોલીસ તેને પકડવા દોડતાં સીધો જ કોર્ટની પરસાળમાં કૂદી પડ્યો હતો.કોર્ટની પરશાળમાં નીચે પડેલા લાકડાના ટેબલનો પણ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો પરંતુ અન્ય કોઈ વ્યક્તિને તેના કારણે ઈજા થઈ નહોતી. જ્યારે ઘટના બાદ પણ તેનાં ચંપલ સ્થળ પર પડેલાં હતાં. આ ઘટના બાદ તુરંત જ ડીજીપી નયન સુખડવાલા, સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ કાંતિલાલ પુનાવાલા તથા સિનિયર વકીલો પોતાની નૈતિક જવાબદારી સમજી નીચે દોડી આવ્યા હતા. ઉપરાંત તેઓએ રજિસ્ટ્રાર અને ડિસ્ટ્રિક્ટ જજને ખબર પણ મોકલાવી હતી.આરોપીએ જજને કહ્યું કે મને ગુનો કબૂલ છે અને મારે મરી જવું છે.પૂનમચંદ કોઈ કારણસર એટલો નાશીપાસ થઈ ગયો હતો કે તેણે જજને કહ્યું કે મને ગુનો તો કબૂલ છે પરંતુ મારે જીવવું જ નથી, મારે મરી જવું છે. ત્યારબાદ પૂનમચંદે જાપતાની પોલીસની નજરમાંથી છટકી છેવટે પાંચમા માળેથી નીચે પડતું મૂકર્યું હતું.
પાદરી ગામના સરપંચ ગેરરીતિ બદલ સસ્પેન્ડ
જિલ્લા વિકાસ અધિકારીએ ગેરરીતિ આચરતા સરપંચોને હોદ્દા પરથી દૂર કરવાનો દોર યથાવત રાખતા આજે પાલીતાણાના વીરપુર (પા)ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા હતા અને હજુ આ સીલસીલો શરૂ જ રહેવાનો હોવાનું જાણવા મળેલ છે.જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ડીડીઓએ સપાટો બોલાવતા ગઈકાલે કોળીયાક, નાના ખોખરા, બીલા અને કુંભણ ગામના સરપંચોને ભ્રષ્ટાચાર આચરવા અને બેજવાબદારી બદલ સસ્પેન્ડ કરતા ભારે ફફડાટ ફેલાયો હતો. ત્યાં આજે પાલીતાણા તાલુકાના વીરપુર (પા) ગામના બુધાભાઈ જશમતભાઈ સરવૈયાએ સરકારી યોજના મુજબ લાભાર્થીઓને મળવાપાત્ર પ્લોટના પત્રમાં સહી નહીં કરતા તેમજ સરકારી જમીનમાં દબાણ કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારી રંજીથકુમાર જે. એ આડે બુધાભાઈ સરવૈયાને સસ્પેન્ડ કર્યા હતા.
કચ્છમાં છૂટીછવાઇ મેઘમહેર
અંજારના મોડસર વાડી વિસ્તારમાં બુધવારે બેથી વધુ ઇંચ વરસાદ પડ્યો હતો. એ જ રીતે કોટડા રોહામાં ૧ ઇંચ તથા ભુજ શહેર ગ્રામ્ય વિસ્તાર અને ગઢશીશા પંથકમાં જોરદાર ઝાપટાં પડવાથી માર્ગો ભીંજાયા હતા. ભચાઉ ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ પડ્યાના વાવડ છે.આ અંગે મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના મોડસર વાડી વિસ્તારમાં બુધવારે બપોરના ૨ વાગ્યાથી એક કલાકના ગાળામાં ધોધમાર બે ઇંચથી વધુ વરસાદ પડી ગયાનું અંજાર તાલુકા કિસાન સંઘના પ્રમુખ શામજીભાઇ મ્યાત્રાએ જણાવ્યું હતું. ઉપરાંત ખોખરા, મોડસર ગામ, હિરાપર, નવા ગામ, કોટડા સહિતના તમામ વિસ્તારોમાં એક કલાકમાં ધોધમાર વરસાદ પડ્યાનું બહાદુરસિંહ જાડેજા અને કપિલ મહારાજે જણાવ્યું હતું.આ ઉપરાંત નખત્રાણાના કોટડા (રોહા)માં પણ બપોરે એક કલાકના અરસામાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. નરેડી વિસ્તારમાં પણ જોરદાર ઝાપટાં પડ્યાનું ભાવિનભાઇ જોષીએ જણાવ્યું હતું. ગઢશીશાથી રાજેશભાઇ ગોસ્વામીએ જણાવ્યું કે, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગઢશીશામાં જોરદાર ઝાપટું પડ્યું હતું.ભુજના લુણવા, દહિંસરા, રામપર વેકરા, શેરડી, ગોડપર વગેરે ગામડાઓમાં પણ બપોરે ૪થી ૫ વાગ્યાના અરસામાં જોરદાર ઝાપટાં પડ્યાનું રાજુભા જાડેજા અને હરિભાઇ જોષીએ જણાવ્યું હતું. કકરવાથી નૂરમામદ કાસમે જણાવ્યું કે, ભચાઉના ખારોઇ, ચોબારી, મનફરા સહિતના તાલુકાના ઉત્તરીય ભાગોમાં સાંજ ૪:૧૫થી એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજપરથી પરસોત્તમભાઇ સેંઘાણીએ કહ્યું કે, સતત વરસતા વરસાદથી ખેતી પાકને મોટું નુકસાન થાય તેવી શક્યતા છે. ખેડુતો વરાપ નીકળે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. નખત્રાણા વડવા ગામના હરીભાઇ મહેશ્વરીએ જણાવ્યું કે, અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.ભુજ શહેરમાં પણ ૪ વાગ્યાથી એક દોઢ કલાકના અરસામાં ભારે ઝાપટાંથી માર્ગો ઉપર પાણી વહેતા થઇ ગયા હતા. માંડવી શહેરમાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગાંધીધામ, અંજાર, દયાપર, રાપર સહિતના વિસ્તારોમાં ક્યારેક આકરો તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ઉકળાટ સાથે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.ભુજના કેરા ગામથી કેતનભાઇ રાજગોરે જણાવ્યું હતું કે, ભારે ઉકળાટ બાદ બપોરે ૧ વાગ્યાના અરસામાં ધોધમાર પોણાથી ૧ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આસપાસના કુંદનપર, નારાણપર, બળદિયા સહિતના ગામોમાં પણ પોણાથી એક ઇંચ વરસાદ પડ્યાના વાવડ છે. ભચાઉના કંથકોટથી બળુભા જાડેજાએ જણાવ્યું કે, બપોરના અરસામાં ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. માય ગામમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો.
મહેસાણા : કપાસમાં સુકારાના રોગની દહેશત
જિલ્લામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં થયેલા ભારે વરસાદથી જનજીવનની સાથોસાથ ખેતી પણ અસરગ્રસ્ત થઇ છે. જોકે એક - બે દિવસથી ઉઘાડ નીકળતાં કેટલેક અંશે રાહત થઇ છે પરંતુ પડી રહેલી આકરી ગરમી તથા બફારાને લીધે કપાસના પાક સામે સુકારા તથા કોહવાટના રોગની ભીતિ સેવાઇ છે.અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં ચાલુ વર્ષે ૪૭ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે.મહેસાણા સહિત જિલ્લામાં જુલાઇ માસના છેલ્લા સપ્તાહથી સારો વરસાદ થયો હતો. જેને પગલે જિલ્લામાં સારા પ્રમાણમાં વાવેતર થયું હતું. સત્તાવાર વિગતો મુજબ જિલ્લામાં ૬ઢ્ઢી ઓગસ્ટ સુધી ૧.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર કરાયું હતું. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા સતત અને સાર્વત્રિક વરસાદને પગલે આ પાક સામે લીલા દુકાળનો ખતરો તોળાયો છે. ખાસ કરીને બેચરાજી અને કડી પંથકમાં સ્થિતિ વિકટ પેદા થઇ હતી.જોકે મંગળવારથી જિલ્લામાં વરસાદે વિરામ લેતાં વાતાવરણ ખુલ્લું થતાં લીલો દુકાળ માથેથી ટળ્યો હોવાથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ ઉઘાડ નીકળતાં સૂરજદાદા તપી રહ્યા હોવાથી પાક માટે સુકારો અને કોહવાટનો વધુ એક ખતરો સામે આવ્યો છે.જેમાં મુખ્યત્વે કપાસ, ગવાર તથા શાકભાજીના પાકને વધુ અસર થવાની સંભાવના છે. પડી રહેલી તેજ ગરમી તથા બફારાને પગલે આ પાકોમાં સુકારો અને કોહવાટનો રોગ આવવાની શક્યતાઓ વધી છે. જો અગમચેતીના ભાગરૂપે ખેડૂતો દ્વારા યોગ્ય દવાનો છંટકાવ કરવામાં આવે તો પાકને બચાવી શકાય.
આણંદ : પપ્પુ હત્યા કેસમાં બબલુની અટકાયત
આણંદના ચકચારી પપ્પુ શુક્લા હત્યા કેસમાં શાર્પશુટર ઇકબાલ ઉર્ફે બબલુ સૈયદની મંગળવારે મોડી રાત્રે આણંદ શહેર પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે વડોદરાથી અટકાયત કરી રિમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.શાર્પશૂટર ઈકબાલ ઉર્ફ બબલુ ઉર્ફ માંજરો લીયાકતઅલી સૈયદ આણંદના નગર સેવક અલ્પેશ પટેલ અને પપ્પુ શુક્લાની હત્યામાં સંડોવાયેલ હોઇ સીઆઇડી પોલીસ તથા આણંદ શહેર પોલીસ પણ તેને શોધતી હતી. દરમિયાન વડોદરાથી સીઆઇડી ક્રાઇમ પોલીસે બબલુની અલ્પેશ પટેલના હત્યા કેસમાં અટકાયત કરી તેના રીમાન્ડ મેળવી તપાસના અંતે વડોદરા જેલમાં મોકલી આપ્યો હતો.ઇકબાલ આણંદમાં ગત તા. ૧૬-૨-૨૦૦૯ના રોજ થયેલ પપ્પુ શુક્લાની હત્યામાં પણ સંડોવાયેલ હોઇ આણંદ શહેર પીઆઇ ડી.એસ.વાઘેલાએ મંગળવારે રાત્રે ટ્રાન્સફર વોરંટ આધારે વડોદરા જેલમાંથી અટકાયત કરી આણંદ લાવ્યા હતા.
શક્કરપુર-મેતપુર ગામની આવાસ યોજનામાં વ્યાપક ગેરરીતિની આશંકા
ખંભાત તાલુકાના શક્કરપુર અને મેતપુર ગામમાં સરકાર આવાસ યોજનાના કામોમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાની બૂમ ઉઠવા પામી છે. જરૂરિયાતમંદો માટેની યોજના બંને ગામમાં ફારસ પુરવાર થતાં ગ્રામજનોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠયો છે. આ અંગે સ્થાનિકોએ ગુજરાત ગ્રામ વિકાસ એજન્સીને સદર બાબતે લેખિતમાં રજૂઆત કરી છે.શક્કરપુર ગામમાં આશરે રપ૦૦ તેમજ મેતપુરમાં ત્રણ હજારની વસ્તી આવેલી છે. છેલ્લા ૧૦ વર્ષથી શક્કરપુર અને મેતપુર ગ્રામ પંચાયત દ્વારા ગરીબલક્ષી યોજનાઓનું માત્ર કાગળ ઉપર જ આયોજન હાથ ધરાય છે. શક્કરપુર પંચાયતની બેદરકારીને કારણે અનેક લોકો બીપીએલના લાભોથી વંચિત રહ્યા છે.પરિણામે ગરીબી હેઠળ જીવતા પરિવારોને ઈન્દિરા આવાસો અને સરદાર આવાસોનો લાભ મળતો નથી. આ અંગેની રજૂઆતમાં જણાવ્યું છે કે, ૦ થી ૧૬ નંબરમાં આવતા બીપીએલ ધારકોની યાદી મુજબ ઈન્દિરા આવાસોનો લાભ આપવાનો થાય છે. ગામમાં ૪૨ થી ૧૯૯ સુધીની બીપીએલ યાદી મુકવામાં આવી છે. જેમાંથી માત્ર ર૦ જેટલી જ લાભાર્થીઓને આ યોજનાનો લાભ અપાયો છે.તાલુકા પંચાયતના કેટલાક અગ્રણીઓની મીલીભગતને કારણે આવાસો તેમ જ શૌચાલય નિર્માણ યોજનામાં માત્ર અડધા જ નાણાં લાભાર્થીને મળ્યા છે. લાભાર્થી પાસેથી કુલ નાણાંના ર૦ ટકા કેટલાક મળતિયાઓ બારોબાર વસૂલી છે છે.આ ગામોમાં કેટલાક મળતિયાઓને ખોટી રીતે આવાસો ફાળવી દેવાયા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે. ગ્રામ વિકાસ એજન્સી જો મકાન નિર્માણની કામગીરી તપાસે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, સરકારની ગરીબીરેખા હેઠળ જીવતા લોકો માટેની યોજનાઓ સ્થાનિક રાજકારણીઓ માટે ભ્રષ્ટાચારરૂપ બની ગઈ છે.કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત ધરાવતા પંચાયત સભ્ય દ્વારા પણ મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. ખોટી રીતે ફળવાઈ ગયેલા આવાસો, અડધા આવાસોની રકમ, ર૦ ટકા કપાત વગેરેની ખાતાકીય તપાસ માટે પણ ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment