16 July 2010

16 જુલાઈ 1984ના રોજ કેટરિનાનો 26મો જન્મદિવસ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

16 જુલાઈ 1984ના રોજ કેટરિનાનો 26મો જન્મદિવસ

કેટરિના કૈફનો જન્મ દિવસ 16 જુલાઈ 1984ના રોજ લંડનમાં થયો હતો. કેટરિના કાશ્મીરી પિતા અને બ્રિટિશ માતાનું સંતાન છે. તેણે પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે 14 વર્ષની ઉંમરે જ મોડલિંગ કરવા લાગી હતી.ભારતમાં આવીને તેણે પોતાની પહેલી ફિલ્મ બૂમ કરી હતી. જો કે આ ફિલ્મ સફળ નહોતી થઈ. ત્યારબાદ કેટરિના કૈફને પોતાના મિત્ર સલમાનનો સાથ મળ્યો અને પછી કેટની કરિયર સડસડાટ ચાલવા લાગી હતી. હાલમાં જ કેટરિનાની ફિલ્મ રાજનીતિ ઘણી જ હિટ રહી છે. આ ફિલ્મમાં કેટરિનાના અભિનયના વખાણ કરવામાં આવ્યા છે. જો કે આ વર્ષે પણ કેટરિના પોતાના જન્મ દિવસે મુંબઈમાં નથી. હાલમાં કેટ ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી મિલે ના દોબારાનું શુટિંગ સ્પેનમાં કરી રહી છે.આમ તો કેટરિના મુંબઈમાં જન્મ દિવસ મનાવવાનું ટાળે છે. કારણે કે બે વર્ષ પહેલા કેટના જન્મ દિવસની પાર્ટીમાં સલમાન અને શાહરૂખ વચ્ચે ઝઘડો થયો હતો અને તેથી જ તે જન્મ દિવસ પર મુંબઈમાં હોતી નથી.ગયા વર્ષે કેટે પોતાનો જન્મ દિવસ લંડનમાં પોતાના પરિવાર સાથે મનાવ્યો હતો અને આ વર્ષે તે સ્પેનમાં જન્મદિવસ મનાવી રહી છે.રીતિક રોશને કેટ માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ છે. કેટને આ જન્મદિવસ યાદ રહી જશે.


પત્રકાર પરિષદમાં સામે આવ્યો પાકિસ્તાનનો અસલી ચહેરો

પાકિસ્તાન સરકારે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીત દરમિયાન અમેરિકા દ્વાર ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી હેડલી પાસેથી મળેલા મુંબઈ હુમલાના પુરાવા ઉપર કામ કરવાનું વચન આપ્યું છે. જો કે પાકિસ્તાનના વિદેશમંત્રી અને ભારતના વિદેશમંત્રી જ્યારે સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા હતાં ત્યારે બંને વચ્ચેના મતભેદ સ્પષ્ટ જોઈ શકાતા હતાં.પત્રકાર પરિષદને સંબોધન કરતા પાકિસ્તાનના વિદેશમંત્રી કુરૈશીએ પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃતિ કરવમાં આવતી હોવાનો ઈનકાર કર્યો હતો, તેમજ મુંબઈ હુમલા બાબતે પણ પાકિસ્તાનની કોઈ સંડોવણી હોવાનો ઈનકાર કર્યો હતો.પત્રકારોને સંબોધન કરતી વખતે કુરૈશીએ ભારતના ગૃહ સચિવ જી કે પીલ્લઈ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે પણ વિરોધ પ્રગટ કર્યો હતો. નોંધનીય છે કે ગૃહ સચિવે અમેરિકા દ્વારા પકડવામાં આવેલા આતંકવાદી હેડલીના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે મુંબઈ પર થયેલા હુમલામાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈનો હાથ છે. કુરૈશીએ વધુમાં જણાવ્યું હતું કે કૃષ્ણા સાથેની મુલાકાત દરમિયાન તેણે પીલ્લઈની ટિપ્પણી ઉપર ચર્ચા પણ કરી હતી. જો કે આશ્ચર્યની વાત એ હતી કે કુરૈશીના અનેક પ્રહારો છતાં કૃષ્ણા ચૂપ જ રહ્યા હતાં.કૃષ્ણાએ જ્યારે આશા વ્યક્ત કરી કે હેડલીની પૂછપરછ દ્વારા મળેલા પુરાવા પર પાકિસ્તાન કાર્યવાહી કરશે ત્યારે તેના જવાબમાં કુરૈશીએ સ્પષ્ટ કહ્યું હતું કે ગયા મહિને ગૃહમંત્રી દ્વારા પુરા પાડવામાં આવેલા પુરાવા ઉપર જ તપાસ કરવામાં આવશે.


અમેરિકા :વિમાન અકસ્માતમાં બે ભારતીયના મોત

અમેરિકામાં થયેલા એક વિમાન અકસ્માતમાં બે ભારતીય યુવકના મોત થયા છે. મૃત્યુ પામનાર બંને ભાઈઓ હતા. અકસ્માતમાં માર્યા ગયેલા બંને યુવકોની ઓળખ કાર્તિક કલાઈચેલ્વન(22) અને પ્રતિક કલાઈચેલ્વન તરીકે કરવામાં આવી છે. ટેક્સાસની નજીક 13 જૂલાઈના રોજ થયેલા એક વિમાન અકસ્માતમાં બંને ભાઈઓનું મોત થયું હતું.વિમાન અકસ્માતમાં એક અમેરિકન નાગરિકનું પણ મોત થયું હતું. અમેરિકન નાગરિક તેમજ ભારતીય કાર્તિક પાઈલોટ ઈસ્ટ્રક્ટર હતાં. જ્યારે કાર્તિકનો નાનો ભાઈ થોડા દિવસ પહેલા જ પોતાના ભાઈની મુલાકાત લેવા માટે અમેરિકા આવ્યો હતો.અમેરિકાના મીડિયાના જણાવ્યા પ્રમાણે કાર્તિક તેમજ અમેરિકન નાગરિક કેસે ભારતથી આવેલા પ્રતિકને રાત્રે ચાર સિટવાળા નાના એરક્રાફ્ટમાં ટેક્સાસની સફર કરાવવા માટે લઈ ગયા હતાં. એરક્રાફ્ટ જ્યારે આર્લિન્ગટન એરપોર્ટ ખાતે પરત ફર્યું ત્યારે તેને અકસ્માત નડ્યો હતો જેમાં વિમાનમાં સવાર ત્રણેયના મોત થયા હતાં.એરક્રાફ્ટના લેન્ડિંગ વખતે તેની જમણી પાંખ જમીન સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણ એરક્રાફ્ટ તૂડી ગયું હતું. કાર્તિક તેમજ પ્રતિકના પિતા બેંગલોરમાં કિંગ ફિશર એરલાઈન્સના પાઈલોટ છે.



‘ખેલાડીઓની પસંદગી ઝોનલ ક્વોટા પ્રમાણે નથી’


ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ શ્રીકાંતે કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી ઝોનલ ક્વોટા પ્રમાણે કરવામાં આવતી નથી. પરંતુ અમે પસંદગી પામેલા ખેલાડીઓને તેમની ક્ષમતા સાબિત કરવા માટે પુરતો સમય આપવા માગીએ છીએ.શ્રીકાંતે કહ્યું કે, પસંદગીકારોનો ઉદ્દેશ્ય ક્ષેત્ર આધારીત ખેલાડીઓને પસંદ કરવાનો નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ ટીમની પસંદગી કરવાનો હોય છે. અમારું વલણ સ્પષ્ટ છે કે, ક્ષેત્ર આધારીત પસંદગી કરી શકાય નહીં. અમારું કામ સર્વશ્રેષ્ઠ 15 ખેલાડીઓની પસંદગી કરવાનું છે. પછી તે દેશના કોઈપણ ભાગના હોય. જો એક શહેરના 11 ખેલાડીઓ સારા હોય તો તેમણે દેશનું પ્રતિનિધિત્વ કરવુ જોઈએ.
પસંદગીકારોને પસંદગી પામેલા ખેલાડીઓ પર ભરોસો હોવો જોઇએ. અને તેઓને તેમની ક્ષમતા સાબિત કરવા માટે પુરતો સમય મળવો જોઇએ. તમણે કહ્યું કે, અમે એવા જ ખેલાડીની પસંદગી કરીએ છીએ જે પ્રતિભાશાળી અને સારી ક્ષમતા ધરાવતો હોય. અને ત્યાર બાદ અમે તેના પર વિશ્વાસ રાખીએ છીએ. અમે તેને તેની ક્ષમતા સાબિત કરવા માટે પુરતો સમય આપવા માંગીએ છીએ. અમે તેને એક કે બે નિષ્ફળતાના કારણે ટીમમાંથી બહાર કરી શકતા નથી.શ્રીકાંતે ગંભીરનું ઉદાહરણ આપતા કહ્યું કે, બે વર્ષ પહેલા ગંભીર ટેસ્ટ મેચ રમવા બાબતે ઘણો તનાવમાં હતો. તે વિચારી રહ્યો હતો કે, જો તે અસફળ રહેશે તો તે આગામી મેચ રમી શકશે કે કેમ. મને યાદ છે કે, મે તેને કહ્યું હતું કે, આગામી મેચમાં નહીં તું આખી શ્રેણીમાં રમીશ. ત્યારબાદ તે સતત મોટી પારી રમી શક્યો છે. આ ઉપરાતં તેમણે જણાવ્યું કે, સુકાની પેદા થતો નથી. તેને તૈયાર કરવો પડે છે. પસંદગીકારો એવા વ્યક્તિની પસંદગી કરે છે અને તેને તૈયાર કરે છે. જેથી તે ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કરી શકે. તેણે પહેલા પોતાને એક ખેલાડી તરીકે પ્રસ્થાપિત કરવાનો અનુભવ મેળવવો પડશે. કપિલ દેવ એક ઉદાહરરૂપ છે. જે ટીમના ખેલાડીઓને પ્રેરિત કરી શકતા હતા. ભારતની 1983ના વિશ્વકપની જીત પાછળ કપિલના ઉતકૃષ્ઠ નેતૃત્વનું ઘણું યોગદાન છે.


પાકિસ્તાનનું 'મુખ મેં દોસ્તી બગલ મે બંદુક'

પાકિસ્તાન તરફથી ઘુસી આવેલા આતંકવાદીઓના સફાયાનું અભિયાન આજે ચોથા દિવસે પણ ચાલુ છે. જેમાં એક મેજર અને બે જવાન ઘાયલ થયા છે.મળતી માહિતી પ્રમાણે, 37 રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા આજે વહેલી સવારે સાડાચાર કલાક આસપાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જવાનોને બાતમી મળી હતીકે, નજીકના વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે.આથી આતંકવાદીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક મેજર અને બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. હાલ પણ આતંકવાદીઓનો સફાયો કરવાની કાર્યવાહી ચાલુ છે. ઇજાગ્રસ્ત જવાનોને હાલ હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરની સેના હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.બીજી બાજુ ભારતના વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણા અત્યારે પાકિસ્તાનમાં છે. જ્યાં પાકિસ્તાનના વિદેશપ્રધાને બંને દેશો વચ્ચે દોસ્તીનો રાગ આલાપ્યો હતો. જોકે, પાકિસ્તાન તરફથી અવારનવાર થતી આવી નાપાક હરકતના કારણે જ કોઇ પરિણામ નથી આવી રહ્યું.


અમિત શાહ અને સી. બી. આઇ.ની ટીમ વચ્ચે હજી સસ્પેન્સ યથાવત

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસના મુદ્દે કંદાસ્વામી બે એસપી સાથે આજે ગાંધીનગર આવશે,કાયદાકીય અભિપ્રાય લઇ લીધો, ઓપરેશન હાથ ધરાશે સોહરાબુદ્દીન એનકાઉન્ટરની તપાસના મુદ્દે મોદી સરકારના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ થશે, તેઓનું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઇ રહ્યાં છે અને સરકાર તેમજ પાર્ટીનું સંગઠન આગળના કેવા પગલાં વિચારી રહ્યું છે તેવી ચર્ચાએ સચિવાલયની વહીવટી કામગીરીને થંભાવી દીધી છે.સીબીઆઇની ટીમના અધિકારી કંદાસ્વામી ૧૬મી જુલાઇએ સીબીઆઇના બે એસપી સાથે ગાંધીનગર આવી રહ્યાં છે. આ ઓફિસરોને વધારે વાહનો અને પોલીસ ફોર્સની જરૂર કેમ પડી તેવા પ્રશ્નો પણ ઉત્તેજનાસભર ચર્ચાઇ રહ્યાં છે. ટીમના અન્ય ઓફિસર અમિતાભ ઠાકુર સહિતના સ્ટાફે કાયદાકીય અભિપ્રાય લીધો હોવાનું જાણવા મળ્યું છે. સીબીઆઇ સમક્ષ રાજ્યકક્ષાના ગૃહ મંત્રીને હાજર થવાનું
ફરમાન હજી સુધી થયું નથી તેથી મામલો વધારે સંગીન બન્યો છે.અમિત શાહ ક્યાં છે. તેઓ શું કરી રહ્યાં છે. તેમની ધરપકડ થાય તો આગોતરા જામીન મળે કે તેમ તેવી બાબતો અંગે કોઇ રાજકીય નેતા કે મંત્રી ફોડ પાડતા નથી. રાજ્યનો ઇન્ટેલીજન્સ બ્યુરો પણ નરો વા કુંજરો વા જેવી સ્થિતિમાં છે. સચિવાલયમાં છેલ્લા બે દિવસથી સન્નાટો જોવા મળે છે, જ્યારે જુના સચિવાલય સ્થિત સીબીઆઇની કચેરીમાં ભારે ચહલપહલ દેખાઇ રહી છે.આ મહિનાની આખરમાં સીબીઆઇની ટીમને તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ સુપ્રિમમાં રજુ કરવાનો છે ત્યારે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલ ચૂડાસમાની ધરપકડ થાય છે કે તેઓ ટીમ સમક્ષ હાજર થાય છે તે બાબતે પણ અટકળો ચાલી રહી છે. અમિત શાહના મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા વિભાગના અભિપ્રાય લેવામાં આવ્યા હોય તેવી સંભાવના છે.સૂત્રો જણાવે છે કે ૧૬મી જુલાઇથી સીબીઆઇ ટીમ મોટું ઓપરેશન હાથ ધરવા જઇ રહી છે જેમાં ગુજરાત પોલીસનો ફોર્સ અને વાહનો તૈયાર રાખવાનું કહ્યું છે. સજ્જડ સુરક્ષા બંદોબસ્ત સાથે શુક્રવાર અને શનિવાર મહત્વના માનવામાં આવે છે. રાજ્ય સરકારને પણ અંદેશો આવી ગયો હોવાથી રાજકીય સ્ટેટેજી બનાવવા ગાંધીનગરમાં રાજકીય બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.

No comments:

Post a Comment