16 July 2010

રાજકોટને પાણી પાણી કરવાનું વચન ક્યાં ગયું?’

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટને પાણી પાણી કરવાનું વચન ક્યાં ગયું?’

રાજકોટમાં ભર ચોમાસે ઝીંકાયેલા પાણીકાપ પાછળ માત્રને માત્ર મનપાના શાસકોની જ અણઆવડત જવાબદાર હોય પૂરતું નર્મદા નીર આપી પાણીકાપ ઉઠાવી લેવાની માગણી સાથે આજે કોંગી આગેવાનો મુખ્યમંત્રીને મળવા ગયા હતા પરંતુ મિટિંગમાં વ્યસ્ત હોવાનું કારણ આપી મુખ્યમંત્રીને મળવાની ના પાડી દેતા કોંગી આગેવાનોને મુખ્યમંત્રીના મદદનીશને આવેદન આપી તેમાં એવો રોષ વ્યક્ત કર્યો હતો કે,રાજકોટને પાણી પાણી કરી દઇશું એવુ તમારું વચન ક્યાં ગયું?રાજકોટમાં ઝીંકાયેલો પાણીકાપ ઉઠાવી લેવામાં નહીં આવે તો રસ્તારોકો જેવા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપ્યા બાદ સરકારને અલ્ટીમેટમ આપવાના ભાગરૂપે કોંગી આગેવાનોએ કલેક્ટર એચ.એસ.પટેલના માધ્યમથી મુખ્યમંત્રીનો સમય માગ્યો હતો. બે દિવસથી કોઇ પ્રત્યુત્તર ન મળતા અંતે આજે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મનપાના વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર અશોક ડાંગર, પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂત સહિતના આગેવાનો ગાંધીનગર મોરચો લઇને ગયા હતા.જો કે ત્યા મુખ્યમંત્રીએ પોતે મિટિંગમાં વ્યસ્ત હોય સમય આપી શકશે નહીં તેમ કહી મળવાની ના પાડી દીધી હતી. સામે કોંગી આગેવાનો પણ મુખ્યમંત્રીના મદદનીશને આવેદન આપી નીકળી ગયા હતા. આવેદનમાં એવો આક્રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ૨૦ મિનિટ પાણી મેળવવું એ રાજકોટવાસીઓનો અધિકાર છે. પ્રજા પૂરતો ટેક્સ ભરે છે. તેની સામે સરકાર માત્ર પોકળ વચનો જ આપે છે.કોંગી આગેવાનોએ મુખ્યમંત્રીને એવો સણસણતો સવાલ પણ પૂછયો છે કે, રાજકોટ આવીને વારંવાર બરાડા પાડીને એવું કહો છો કે, રાજકોટને પાણી પાણી કરી દઇશું. આ વચન ક્યાં ગયા


સેહવાગ, યુવરાજ, અને ધોની સચિન માટે આટલું કરશે?

ન્યુઝીલેન્ડના પૂર્વ બોલર અને હાલના કોમેન્ટેટર ડેન્ની મોરિસન ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે, ભારત 2011નો આઈસીસી વિશ્વકપ જીતી શકે છે. સચિનના વિશ્વકપના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ટીમના વિસ્ફોટક બેટ્સમેનો સેહવાગ, યુવરાજ, ધોની અને ગંભિરે સારું પ્રદર્શન કરવું પડશે. પરંતુ પ્રશ્ન એ છે શું તે સચિન માટે તેવું કરી શકશે ખરા?44 વર્ષિય મોર્રિસને જણાવ્યું હતું કે, મારું માનવું છે કે, 2011નો વિશ્વકપ જીતવાની ભારત પાસે એક સૂવર્ણ તક છે.પોતાના હોમ ગ્રાઉન્ડ રમવાનું હોવાથી તેમને ફાયદો થશે. જો કે, તેમના પર સારા પ્રદર્શનનું દબાણ રહેશે પરંતુ તે શ્રેણી હોસ્ટિંગનો એક ભાગ છે.માસ્ટર બ્લાસ્ટર સચિને ભારતના વિજય માટે કેટલાક સારા શોર્ટ ફટકારવા પડશે. જો કે, માત્ર સચિનના કારણે જ ભારત વિશ્વકપ જીતી શકે નહીં. આ માટે ટીમના સાથી અને અનુભવી ખેલાડીઓ વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ગૌતમ ગંભિર અને સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ પણ સારું પ્રદર્શન કરવું પડશે.ટેસ્ટમાં 160 અને વનડેમાં 126 વિકેટ મેળવનાર ન્યુઝીલેન્ડના ઝડપી બોલરનું કહેવું છે કે, તમે અનુભવી શકો છો કે, ભારત કંઇક નવું કરવા ઇચ્છી રહ્યું છે.


સચિન વનડેમાં પણ બે વખત બેટિંગ કરશે?

અંધવિશ્વાસમાં માનનાર ખેલાડીઓમાનો એક માસ્ટર બ્લાસ્ટર સચિને તેંડુલકર વનેડમાં આઉટ થયા બાદ જ્યાં સુધી ઇનિંગ પુરી થતી નથી ત્યાં સુધી પોતાના પેડ ઉતારતો નથી. પરંતુ બહું જલ્દી તે એક દિવસિય સ્પર્ધામાં બીજી વખત બેટિંગ કરવા માટે આવું કરશે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વનડે મેચો પ્રત્યે ક્રિકેટ રસીકોનો રસ જળવાઇ રહે તે માટે એક નવો પ્રયોગ કરવા જઇ રહ્યું છે. જે અંતર્ગત વનડે મેચોમાં એક અથવા બે ટોચના ખેલાડીઓને બે વખત બેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવશે.ટી-20 જેવા ઝડપી ફોર્મેટનું ક્રિકેટની દૂનિયામાં આગમન થયા બાદ ટેસ્ટ અને વનડે ક્રિકેટની લોકપ્રિયતા નોંધનીય ઘટાડો આવતા આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યોં છે. સૌપ્રથમ આ પ્રયોગનો અમલ ઓસ્ટ્રેલિયાની સ્થાનિક મેચોમાં કરવામાં આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું લક્ષ્ય ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર 2015 આઈસીસી વિશ્વકપમાં આ પ્રયોગનો ઉપયોગ કરવાનું છે.
ડીએનએ સાથેની ખાસ વાતચીતમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કોમ્યિનિકેશન મેનેજર પીટર યંગે કહ્યું કે, અમે આ નવો નિયમ વર્ષ 2011માં યોજાનાર સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લાગૂ કરીશું. જો આ પ્રયોગ સફળ થશે તો અમે તેના પરિણામ અમે આઈસીસી સમક્ષ રાખીશું જેથી કરીને 2011માં યોજાનાર વિશ્વકપમાં પણ આ નિયમ લાગૂ કરી શકાય.


પરણિત ધોનીને કેટ કેટરિના પ્રત્યે ’કૂણી લાગણી’!

ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના લગ્નને હજી થોડાક જ દિવસો થયા છે. ધોનીએ પોતાની નાનપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા છે પરંતુ ધોનીને કેટરિના પ્રત્યે કૂણી લાગણી છે.પરણિત ધોનીએ થોડા સમય પહેલા જ પોતાની વેબસાઈટ બનાવી છે. તેની વેબસાઈટમાં તેણે પોતાની મનપસંદ અભિનેત્રીઓમાં કેટરિના અને ચિત્રાગંદાના નામનો ઉલ્લેખ કર્યો છે.ચિત્રગંદાએ વર્ષ 2003માં હજારો ખ્વાહિશે ઐસીમાં કામ કર્યુ છે અને તે જાણીતા ભારતીય ગોલ્ફર જ્યોતિ રાંધવાની પત્ની છે. જ્યારે ધોનીના અન્ય મનપસંદ કલાકારો બિગ બી, સંજય દત્ત અને જ્હોન અબ્રાહમ છે.


ઉત્તર અને મધ્ય ગુજરાત કોરાધાકોર


સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો અમદાવાદ સહિત ઉત્તર તથા મધ્ય ગુજરાત લગભગ કોરાધાકોર રહ્યા હતા. સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં માત્ર બે કલાકમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયું હતું. ઉપલેટાના ભાયાવદરમાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ અને ઢાંકમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ તૂટી પડતાં પંથકના વિસ્તારો સરોવરમાં ફેરવાયા હતા. ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામે માત્ર દોઢ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતાં ગામનું સ્થાનિક તળાવ છલકાયા બાદ તૂટી પડતાં ગામ પાણી વચ્ચે કેદ થઈ ગયું હતું. જુનાગઢ જિલ્લામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ ઉઠ્યાં હતાં. વડોદરામાં છાંટા પડ્યા હતા. બીજી બાજુ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત કોરું રહ્યું હતું.પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં બારેમેઘ ખાંગા થતાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. બરડા પંથકમાં પણ હળવાથી ભારે ઝાપટાં પડ્યાં હતાં. જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ત્રણ ઇંચ, વેરાવળ, કેશોદ, સુત્રાપાડા અને માણાવદરમાં એક-એક ઇંચ, માધવપુરમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી શહેરમાં ૩ ઇંચ અને બાબરા, લાઠી, રાજુલામાં એક એક ઇંચ વરસાદ વરસાવી વરુણદેવે કૃપાદ્રષ્ટિ વરસાવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ઢાંકમાં બપોરે બે કલાકમાં છ ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં ઢાંકનગર તથા સીમમાં ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં.૩૬ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.ગુરુવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યા બાદ રાજ્યના હવામાન વિભાગે એવી આગાહી વ્યક્ત કરી છે કે, આવતા ૩૬ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી
શકે છે.


યુવરાજના પુનરાગમનનું રહસ્ય

શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયામાં ભારતને વનડે સ્પેશલિસ્ટ ખેલાડી યુવરાજસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેણે ટીમમાં પોતાની પસંદગી યોગ્યપણે થઇ હોય તેમ વોર્મઅપ મેચમાં સદી ફટકારી સાબિત કરી દીધું છે. પરંતુ સતત કંગાળ પ્રદર્શન કરનાર યુવરાજસિંહ એકાએક શાનદાર ફોર્મમાં કેવી રીતે આવી ગયો તે અંગે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં છે. જો કે યુવરાજના આ શાનદાર પુનરાગમન અંગેનું રહસ્ય તેના પિતા અને પૂર્વ ટેસ્ટ ખેલાડી યોગરાજ સિંહે પત્રકારનો જણાવ્યું છે.
યોગરાજે કહ્યું કે, યુવરાજની ફિટનેસ ક્ષમતા સામે પ્રશ્નો ખડા કરીને તેને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મે દરરોજ છથી આઠ કલાક તેની પાસે સખત મહેનત કરાવી હતી. જેમાં તેની ફિટનેસ, સ્ટ્રેંથ ટ્રેનિંગ અને સ્કિલ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.યોગરાજે ઉમેર્યું હતું કે, યુવરાજ ઇજાઓના કારણે સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો. જ્યારે તમને ખભા, ઘુટણ અને આંગળીઓમાં ઇજા પહોંચી હોય ત્યારે તમે સારું પ્રદર્શન કરી શકતા નથી. ડોક્ટરે તેને ત્રણથી ચાર અઠવાડિયા આરામ કરવા જણાવ્યું હતું. પરંતુ તેણે ડોક્ટરની સલાહ અવગણીને રમવાનું ચાલું રાખ્યું.યોગરાજે કહ્યું છે કે, તેઓ યુવરાજની ફિટનેસ ક્ષમતાથી સંતુષ્ઠ છે. તે હવે ફિટ લાગે છે. મે તેની ફિટનેસ ક્ષમતાનું પૃથ્થકરણ કર્યું છે અને મને તે યોગ્ય લાગે છે. મારું માનવું છે કે, કોઇપણ તેના ફિટનેસ રિપોર્ટમાં અનફિટ લખેલું વાંચવા નહીં મળે.ઉલ્લેખનીય છે કે, જ્યારે યુવરાજસિંહ બેટિંગ કરતો હોય છે ત્યારે તેના પિતા યોગરાજ સિંહ ક્યારેય પણ ટીવી પર મેચ જોતા નથી કે, પછી ઇન્ટરનેટ અથવા તો રેડિયો પર કોમેન્ટરી સાંભળતા નથી. પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે યુવરાજે કોલંબો ખાતેની પ્રેક્ટીસ મેચમાં 146 બોલમાં 118 રન ફટકાર્યા છે ત્યારે તેઓ ઘણા ખુશ થયા હતા.



રાજકોટ : નામચીન શેર દલાલ જિજ્ઞેશ પર ઓફિસ પાસે જ છરીથી હુમલો

૨૦ કરોડની ખંડણી માટે આંતરરાષ્ટ્રીય માફિયા ફઝલુના ઇશારે ઝવેરી પુત્ર ભાસ્કર પારેખનું અપહરણ કરવાના ગુનામાં પકડાઇ ચૂકેલા અને શેર બજારના ડબા ટ્રેડિંગ સાથે સંકળાયેલા કબાડિયા શેર દલાલ જીજ્ઞેશ કીર્તિભાઇ શાહ ઉપર આજે સવારે તેના પૂર્વ પાર્ટનર નિતિન બુંદેલાએ હુમલો કરી છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. બુંદેલાએ ૧૨ લાખની લેણી રકમ અંગે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.જિજ્ઞેશ ઉર્ફે જીગાએ ૧૦ દિવસ પહેલા પંચનાથ પ્લોટમાં સાકેત પ્લાઝા બિલ્ડીંગમાં કે-નેટ નામથી શેરની ઓફિસ શરૂ કરી હતી. ફરિયાદની વિગત મુજબ આજે સવારે ૧૦.૩૦ વાગે ઓફિસની બહાર પાન ખાવા નીકળ્યો હતો. ત્યારે અચાનક પૂર્વ પાર્ટનર નિતિન બુંદેલાનો ભેટો થઇ ગયો હતો. બુંદેલાએ હિસાબની લેતી દેતીના બાકી નીકળતા રૂ.૧૨ લાખની ઉઘરાણી કરતા બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા બુંદેલાએ છરીથી હુમલો કરી જીગાને છાતી,પડખા અને ડાબા હાથમાં કુલ ત્રણ ઘા ઝીંકી દીધા હતા.હંમેશા વિવાદમાં રહેતા શેર દલાલ જીગા વિરૂદ્ધ શેરના ડબા અંગે પોલીસમાં અનેક અરજી થઇ છે.જીગાએ થોડા સમય પહેલાં દારૂના બંધાણી મિત્ર સાથે ધર્મની માનેલી બહેનના લગ્ન કરાવ્યા હતા. અને બનેવીને ઘરમાં દારૂ પીવા દેવા માટે બહેન ઉપર દબાણ કરવાના ગુનામાં તેની ધરપકડ થઇ હતી . ભાસ્કર અપહરણની ટીપ આપનાર મેહુલ પાંઉને ત્યાં નોકરી કરતા જીગાએ હાલમાં જે બ્રોિંકગની આઇ.ડી. લીધી છે એ પણ મેહુલ પાંઉની હોવાનું ચર્ચાય છે. સ્ત્રી મિત્રના કારણે પણ થોડા સમય પહેલા એક યુવાનને જીગાએ ધમકી આપી હતી પરંતુ સમાધાન કરી ફરિયાદ થતાં અટકાવી હોવાનું કહેવાય છે.


જામનગર જિલ્લામાં ફરી ઘૂટાયો અષાઢી રંગ

ચાર દિવસનાં વિરામ બાદ હાલારમાં ફરી અષાઢી માહોલ છવાયો છે. અસહ્ય ઉકળાટ બાદ સાત તાલુકાઓમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધ્રોલ અને જામનગર વચ્ચેનાં ગામડાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે આકાશી વીજળીએ ખીલોશમાં બે બળદનો ભોગ લીધો છે. જામનગર જિલ્લામાં આજે પરોઢથી ફરી વરસાદ શરૂ થયો છે.ખાસ કરીને વરસાદની ખેંચ ધરાવતા ધ્રોલ તાલુકામાં આજે મેઘરાજાએ મહેર વરસાવી હતી. સવારે ધ્રોલ તથા આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે ધ્રોલ શહેરમાં દોઢ ઇંચ નોંધાયો હતો. જ્યારે આજુબાજુનાં ગામડાઓમાં બે થી ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતું. ફલ્લામાં પણ સવારે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને કારણે કંકાવટી ડેમમાં વધુ દોઢ ફુટ જેટલા નવા પાણીની આવક થઇ હતી.ધ્રોલ ઉપરાંત જામનગર શહેરમાં પણ સવારે જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેને કારણે માર્ગો ઉપર રાબેતા મુજબ પાણી ભરાઇ ગયા હતાં. વરસાદને પગલે વાતાવરણમાં ટાઢોડું છવાઇ જતાં બે દિવસથી બફારો અનુભવતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.જિલ્લાના જોડિયા અને લાલપુરમાં પણ અનુક્રમે પોણો અને અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જામજોધપુરમાં પોણો ઇંચ જ્યારે ભાણવડ, દ્વારકામાં ઝાપટા વરસ્યા હતાં.


જામનગરમાં ગોકુલનગરમાંથી બે ભાઇઓ સહિત ત્રણ બાળકો ભેદી રીતે ગુમ
બપોરે રમતા-રમતા અચાનક ગાયબ થઇ જતાં બન્ને પરિવારમાં ચિતાનું મોજું :

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી બુધવારે બે સગા ભાઇઓ સહિત ત્રણ બાળકો એકાએક ગુમ થઇ જતાં ચકચાર સાથે સનસનાટી મચી ગઇ છે. એક ઘડી સુધી સમગ્ર વિસ્તારમાં ફાફા મારી બે માસુમોના પિતાએ પોલીસમાં જાણ કરી હતી.જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની પ્રાપ્તવિગતો મુજબ શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હરેશ જમન પરમાર (ઉ.વ.૧૪) અને તેનો નાનો ભાઇ મનસુખ (ઉ.વ.૧૨) તથા પાડોશમાં જ રહેતા મુંગારામ કુશ્વાહનો પુત્ર ભીમુ (ઉ.વ.૧૧) ગઇકાલે બપોરે પોતાના ઘર નજીક રમતા હતાં. લાંબા સમય સુધી બાળકો ઘરે પરત નહી ફરતા પિતા જમનભાઇએ આજુબાજુ શોધખોળ કરી હતી.છેવટે મુંગારામના ઘરે પણ તપાસ કરતા તેનો પુત્ર પણ બપોર બાદ ઘરે આવ્યો નહી હોવાનું જાણવા મળ્યું હતું. એકાએક ત્રણેય માસુમ ગુમ થઇ જતા બન્ને પરિવારજનો હાફળાફાફળા થઇ ગયા હતાં અને સમગ્ર ગોકુલનગર વિસ્તારની શેરીઓ ભેંદી વળ્યા હતાં. બાળકોને શોધતા રાત્ર પડી જતાં આખરે ચિંતાતુર બનેલા પડી ગયેલા ચેહરાએ પોલીસનો સહારો લઇ ગુમ નોંધ લખાવી હતી.જેના આધારે ઉદ્યોગનગર ચોકીના ફોજદાર ડી.કે. રાઠોડએ ત્રણેય બાળકોની શોધખોળ હાથ ધરી હતી. દેશમાં હાહાકાર મચાવનાર નિઠારી કાંડ જેવી ઘટનાની સ્મૃતિ માત્રથી કંપારી છુટી જાય છે ત્યારે આ ગુમ બાળકોના વાલીઓમાં ચિંતાનું મોઝુ પ્રસરી ગયું છે. એકી સાથે ત્રણ-ત્રણ બાળકો ગુમ થઇ જવાની આ ઘટના ગંભીર હોવા છતાં પોલીસે સામાન્ય ગણી ગુમસુધા રીપોર્ટમાં નોંધ કરી રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

જળાશયોમાં ૧૩.૨૨ ટકા જિવંત જળ જથ્થાનો સંગ્રહ

સિંચાઈ તંત્ર હેઠળનાં ૫૩ ડેમોમાં ૧૮.૭૩ ટકા જિવંત જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ૧૫૦૦૦ ઝઈઊર પાણીનો સંગ્રહ થયો. ભાવનગર જિલ્લામાં મેઘરાજાના બીજા તબકકા બાદ હાલમાં જળાશયોમાં ૧૩.૨૨ ટકા જળ જથ્થાનો સંગ્રહ થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંચાઈ તંત્ર હસ્તકના જળાશયોમાં ૮૫ હજાર એમસીએફટી જળ જથ્થો સંગ્રહ થવાની સમક્ષા છે, જેની સામે ૧૫ હજાર એમસીએફટી પાણીના જથ્થાનો સંગ્રહ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં બે ડઝન જેટલા નાના-મોટા જળાશયો છે, શેત્રુંજીથી માંડી રોજકી, સૂરજવડી, માલગઢ, ગોમા, લીંબાળીથી લઈ બગડ, પિંગળી સહિતના જળાશયોમાં પાણીનો નોંધપાત્ર જથ્થો સંગ્રહ થાય છે. જે જમીનમાં જળસિંચન માટે આશિર્વાદરૂપ બને છે.પરંતુ ચોમાસાની ઋતુને ૧ માસ પૂર્ણ થયો છે ત્યારે ભાવનગર જિલ્લાના જુદાં-જુદાં જળાશયોમાં વરસાદી નીરની થયેલી આવકમાં ૧૩.૨૨ ટકા જળ જથ્થો જીવંત હોવાનું સિંચાઈ ખાતાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, ભાવનગર સિંચાઈ ખાતા હસ્તક ૫૩ ડેમોનો સમાવેશ થાય છે. જેમાં ૧૮.૭૩ ટકા જીવંત જળ જથ્થો છે.એક અંદાજ મુજબ ભાવનગરના જળાશયોમાં કુલ ૪૭૮.૧૧ મીલીયન ઘનમીટર પાણી એકઠું થયું છે. જેમાંથી ડેડ સ્ટોરેજને બાદ કરતાં ૬૩.૨૧ મીલીયન ઘન મીટર જીવંત જથ્થો સંગ્રહ થયો છે. જોકે, હાલમાં મેઘરાજાએ ફરી મંડાણ કર્યું છે, ત્યારે આગામી થોડા સમયમાં જળાશયોની સંગ્રહ સપાટી વધશે તેવી લોકોમાં આશા બંધાઈ છે.

જિલ્લાના ૩ તાલુકામાં સિઝનનો વરસાદ ૧૦ ઈંચને વટાવી ગયો

અષાઢ માસના આરંભ સાથે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયુ છે ગઈકાલે વલભીપુરમાં ચાર ઈંચ સહિત ગોહિલવાડમાં અષાઢી વરસાદી માહોલ છવાઈ જતાં પ્રજાજનોના હૈયામાં ખુશાલી પ્રસરી વળી છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૨૫.૧૨ ઈંચની સામે આજે સવાર સુધીમાં ૭.૫૦ ઈંચ એટલે કે સિઝનના કુલ વરસાદના ૨૯.૮૬ ટકા વરસાદ વરસી ગયો છે.ભાવનગર શહેર-જિલ્લામાં અષાઢી મેઘમાહોલ જામી ગયો છે. જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ સંતોષકારક રહેતા પ્રજાજનો અને ખાસ તો ધરતીપુત્રો આનંદમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં જિલ્લાના ત્રણ તાલુકા ભાવનગર, તળાજા અને વલભીપુરમાં સિઝનનો કુલ વરસાદ ૧૦ ઈંચને વટાવી ગયો છે. સમગ્ર જિલ્લામાં ૩૧૦ મીમી વરસાદ સાથે ભાવનગર હજી મેઘકૃપામાં મોખરે છે. તો સિઝનનો કુલ વરસાદ જ્યાં માત્ર ૮૭ મીમી જ વરસ્યો છે તે ઉમરાળા અને ૯૯ મીમી વરસ સાથે ગારિયાધાર હજી વ્યાપક અને ધોધમાર મેઘમહેર ઝંખી રહ્યા છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષની તુલનામાં વરસાદ વધશે તેવી આશા પ્રબળ બની છે.


વિસાવદર : મજૂરીનો ભાવ ન વધતા રત્નકલાકારો હડતાળ પર

તાજેતરમાં વિસાવદરમાં રત્નકલાકારોને ચુકવાતી મજુરીમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ શહેરનાં આઠથી દસ કારખાનાઓમાં ભાવ ન વધતા આજે કારીગરોએ મજુરીનાં ભાવ વધારાના પશ્ને શહેરના તમામ કારખાનાઓ બંધ કરાવી હડતાળ રાખી હતી. ભાવ વધારાના પ્રશ્ને બે થી ત્રણ હજાર જેટલા રત્ન કલાકારો કામથી અગળા રહેતા શહેરમાં ચકચાર વ્યાપી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ વિસાવદરમાં હાલ ૪૦ થી ૪૫ જેટલા હીરાના કારખાનાઓ આવેલા છે. જેમાં આશરે બે થી ત્રણ હજાર જેટલો રત્ન કલાકારો કામ કરી રહ્યાં છે. તાજેતરમાં હીરાના કારખાનેદારોએ રત્ન કલાકારોની મજુરીના ભાવો વધાર્યા હતા. પરંતુ આઠથી દસ કારખાનેદારોએ પોતાને ત્યાં કામ કરતા રત્ન કલાકારોની મજુરી વધારી ન હતી. આથી આ રત્નકલાકારોમાં રોષ ફેલાયો હતો.આજે સવારથી જ આ રત્ન કલાકારોની મજુરીના ભાવ ન વધવાના પ્રશ્ને શહેરના તમામ રત્ન કલાકારો કામથી અળગા રહ્યાં હતા અને હડતાળ રાખી હતી. આઠ-દસ કારખાનાઓના રત્નકલાકારોની મજુરીના પ્રશ્ને શહેરના ૩૦ થી ૩૫ કારખાનાઓ બંધ રહ્યાં હતા. આ અંગે અમુક રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે અમે ધણા સમયથી મજુરીના ભાવમાં વધારો કરવાની માંગણી કરી રહ્યાં છીએ.દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. પંરતુ અમારા વેતનમાં વધારો થતો નથી. એટલા માટે આજે હડતાળ પાડી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી માંગ નહી સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. હડતાળ ચાલુ રહેશે હડતાળ સમયે પોલીસને ફોન કરવા છતા કોઈ પોલીસ કર્મી આવ્યા ન હતા.

No comments:

Post a Comment