15 July 2010

જગન્નાથજીની રથયાત્રાએ દેશને ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે'

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


જગન્નાથજીની રથયાત્રાએ દેશને ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે'


ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થતાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ખાસ બ્લોગ લખ્યો છે. જેમાં તેઓએ તા. 14 જુલાઈના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ તંત્રીલેખનો ખાસ ઉલ્લેખ કર્યો છે. સાથે તેમણે આ બ્લોગમાં દિવ્ય ભાસ્કરના એ તંત્રીલેખના કેટલાક અંશોને પણ ટાંક્યા છે. પ્રસ્તુત છે આ બ્લોગ...૧૩૩ વર્ષથી ચાલતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ ભકિતભાવપૂર્વક, શાંતિપૂર્વક અને ઉત્સાહઉમંગના વાતાવરણમાં પૂર્ણ થઇ. ભૂતકાળમાં માત્ર અમદાવાદમાં જ જગણાથની રથયાત્રા નીકળતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાતમાં મળીને ૧૧૦થી વધારે નગરોમાં આ રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે.ગુજરાતને જાણનારા સહુ જાણે છે કે એક જમાનામાં ધાર્મિક તહેવારની વાત આવે એટલે અશાંતિની ચર્ચા આવે જ.
જગન્નાથજીની રથયાત્રાનું પણ એવું જ હતું. આઝાદીના દરેક દશકામાં ગુજરાતે અશાંતિનો અનુભવ કર્યો છે. દર બીજા, ત્રીજા કે ચોથા વર્ષે જગન્નાથજીની રથયાત્રા સાથે હિંસક હુમલા, કોમી દાવાનળ, કરફયુના કડવા અનુભવ થતા હતા. મહિનાઓ સુધી તનાવ અને તંગદીલીમાં જીવવું પડતું હતું. જગન્નાથજીની રથયાત્રા માટે ર૦૦૧ થી ર૦૧૦નો આ દશકો નોંધપાત્ર છે કે કોઇપણ પ્રકારની અનિચ્છનિય ઘટના સિવાય સંપૂર્ણ શાંતિથી ધાર્મિક ઉત્સવો ઉજવાયા હોય. જગન્નાથજીની રથયાત્રાના ઉત્સવનો આ આખો દાયકો શાંતિયાત્રા બની રહ્યો. અત્યંત શાંતિ અને સૌહાર્દના વાતાવરણમાં, ઉત્સવ ભકિતમાં તરબોળ કરતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ સહિત સતત દશ દશ વર્ષથી બધાં જ શહેરોમાં ઉજવાતી રહી છે.જેઓ ગુજરાતનો ઇતિહાસ જાણે છે તે સુપેરે સમજી શકે છે કે આ ઘટના કોઇ હિસાબે નાની નથી.ગુજરાત શાંતિ અને વિકાસને વરેલું છે અને ગુજરાતની આ શાંતિયાત્રાએ દેશને ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.જગન્નાથજીની રથયાત્રાની જેમ જ ગુજરાતની શાંતિયાત્રા, વિકાસયાત્રા, પ્રગતિયાત્રા પૂરા વેગથી આગળ ધપી રહી છે.


મુન્દ્રા : અદાણી જૂથ ઓસ્ટ્રેલિયામાં કોલ ટર્મિનલ ચલાવશે

કચ્છમાં મુન્દ્રા ખાતે પોર્ટ એન્ડ એસઇઝેડ ચલાવતા અદાણી જૂથે આજે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયામાં ડુજિયન પોઇન્ટ ખાતે નવા કોલ નિકાસ ટર્મિનલને વિકસાવવા માટે પ્રીફર્ડ પ્રોપોનન્ટ તરીકે ક્વીન્સલેન્ડ (ઓસ્ટ્રેલિયા)ની સરકારનું પ્રતિનિધિત્વ કરનારા નોર્થ ક્વીન્સલેન્ડ બલ્ક પોર્ટ કોર્પોરેશન (એનકયૂબીપી)ની સાથે પસંદગી કરવામાં આવી છે.પ્રીફર્ડ પ્રોપોનન્ટનો દરજજો મળેથી ટેકિનકલ અને કોમર્શિયલ ફિઝિબિલીટી અને પર્યાવરણની મંજૂરી મળી જવાની શરતે પ્રતિવર્ષે ૩૦થી ૬૦ મિલિયન ટનની ક્ષમતા વાળા કોલ ટર્મિનલને વિકસાવવાનો અદાણીને અધિકાર મળી જશે.


કડી : અઢી કલાકમાં છ ઇંચ વરસાદ


જુલાઇ માસ અડધો થવા આવ્યો હોવા છતાં જિલ્લામાં ચોમાસા જેવો સંપૂર્ણ માહોલ જામતો નથી, જિલ્લાના મોટાભાગના તાલુકામાં મેઘરાજા સંતાકુકડી રમી રહ્યા હોય એવો ઘાટ ઘડાયો છે અને માત્ર છુટા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે બુધવારે બપોરે મહેસાણા અને કડીમાં મેઘસવારી આવી પહોંચી હતી. જેમાં કડીમાં સાંજના સમયે મૂશળાધાર વરસાદ થતાં માત્ર અઢી કલાકમાં જ છ ઇંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે મહેસાણા શહેરમાં પણ મેઘરાજા મહેરબાન થતાં બપોરના સમયે એકધારો વરસાદ થયો હતો.મુંબઇ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થયાના દિવસો બાદ પણ રાજ્યમાં ઘણા ખરા વિસ્તારો કોરા રહેવા પામ્યા છે. જેમાં મહેસાણા જિલ્લાની સ્થિતિ ઘણી નાજુક કહી શકાય એવી બની રહી છે. દરમિયાન બુધવારે સવારે વાદળો ઘેરાયાબાદ બપોરના સમયે મહેસાણા તેમજ કડી વિસ્તારમાં વરસાદ તૂટી પડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અડધા-પોણા કલાક સુધી પડેલા એકધારા વરસાદને કારણે લોકો હરખાયા હતા.ચાલુ ચોમાસામાં કડી તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે બુધવારે પણ કડીમાં સાંજે છ વાગ્યે ખાબકેલા સાંબેલાધાર વરસાદે પંથકને તરબોળ કરી દીધો હતો. કડી સહિત આસપાસના વિસ્તારોમાં બુધવારે સાંજે લગભગ ૬ વાગ્યાના સુમારે શરૂ થયેલો વરસાદ અઢી કલાક સુધી ચાલુ રહ્યો હતો. જો કે, ગાજવીજ સાથે વરસાદ અઢી કલાક સુધી ખાબકતા જોતજોતામાં શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો.જો કે, કેટલીક સોસાયટીઓના ધરમાં પાણી ધૂસી જવાના અહેવાલો સાંપડ્યા છે. જ્યારે જાહેર માર્ગો પર પાણી ભરાઇ જતા વાહનચાલકો પણા અટવાઇ ગયા હતા. મહેસાણા શહેરમાં થયેલા વરસાદને પગલે શહેરના ગોપીનાળા અને ભમરીયા નાળામાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યા આ વરસાદમાં પણ યથાવત રહેવા પામી છે. શહેરના ભમરીયા નાળામાં તો ઢીંચણસમાં પાણી ભરાઇ જતાં વાહનચાલકો અટવાઇ ગયા હતા અને પાણીમાં વાહનો બંધ થઇ જવાના બનાવો પણ બન્યા હતા.અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લાના અન્ય તાલુકાઓમાં હજુ પણ પૂરતો વરસાદ ન થતાં વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં અત્યાર સુધી સારો કહી શકાય એવો કડીમાં માત્ર ૨૨૧ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં બે ઇંચથી પાંચ ઇંચ જેટલો જ વરસાદ થયો છે.જુલાઇ માસના મધ્યાહને પણ જિલ્લામાં સારો વરસાદ ના થતાં ખેડૂતો સહિત સૌ કોઇ ચિંતિત બન્યા છે અને વરસાદની દુઆ માંગી રહ્યા છે.




સૂચિત રિવાઈઝ્ડ ટેક્સકોડમાં જ્વેલરી પાર્ક એસઈઝેડને અપાતી સુવિધા બંધ કરવાનું સૂચન

કેન્દ્રના નાણામંત્રાલયે ૫૦ વર્ષ જૂના આવકવેરાને સ્થાને નવા ડાયરેકટ ટેક્સકોડની દરખાસ્ત રજૂ કરી છે, તેમાં ધીમેધીમે પોરા નીકળી રહ્યા છે. જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગના ધ્યાન પર આવ્યું છે કે સુચિત ડાયરેકટ ટેક્સ કોડમાં જ્વેલરી પાર્કને સ્પેશિયલ ઇકોનોમી ઝોન (એસઇઝેડ)ને અપાતી સુવિધા બંધ કરવાનું સૂચન કરાયું છે. જો આમ થાય તો સુરતના જ્વેલરી પાર્કને પારાવાર નુકસાન થઈ શકે તેમ છે.સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ રોહિત મહેતાએ જણાવ્યું હતું કે નવા ડાયરેકટ ટેક્સકોડમાં એવી ઘણી જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે કે જેને કારણે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં મુશ્કેલી ઊભી થશે. ખાસ કરીને ઈચ્છાપોર ખાતે કરોડોના ખર્ચે ઊભા કરવામાં આવેલા પાર્કને મોટુંનુકસાન થશે. કારણ કે સૂચિત ડાયરેકટ ટેક્સ કોડમાં જ્વેલરી પાર્કને એસઇઝેડમાં આપવામાં આવેલી સુવિધા ડિસેમ્બર-૨૦૧૧થી બંધ થશે. સુરતના જ્વેલરી પાર્કમાં અત્યારે ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામ ચાલી રહ્યું છે અને યુનિટોનું બાંધકામ શરૂ થાય તો પણ ડિસેમ્બર-૨૦૧૧ પહેલાં પ્રોજેક્ટ શરૂ કરવો સંભવ નથી.જ્વેલરી પાર્કમાં એસઇઝેડમાં યુનિટ સ્થાપનારને ૧૦ વર્ષ સુધી આવકવેરામાં મુક્તિ આપવામાં આવેલી છે. આ સુવિધાને કારણે જ ૩૦૦થી વધુ ઉદ્યોગકારોએ પાર્કમાં યુનિટ સ્થાપવા માટે રસ દાખવ્યો છે. હવે જો સૂચિત ડાયરેકટ ટેક્સ કોડ મુજબ જો આવકવેરાની સુવિધા બંધ થાય તો પાર્કમાં યુનિટ સ્થાપવા કોણ આવે?સુરત, રાજ્ય અને દેશ માટે અત્યંત મહત્વકાંક્ષી અને લાખોની રોજગારી પૂરી પાડનારા રૂ. ૪૫૦૦ કરોડના જેમ એન્ડ જ્વેલરી પાર્કનું ભાવિ અંધકારમય બની જાય તેમ છે. આ પાર્કને અડચણ ઊભી થાય તો તેની સીધી અસર સુરતની ઈકોનોમી પર પણ પડી શકે છે. જેમ એન્ડ જ્વેલરી પાર્કનું સપનું સાકાર થાય તેવા સંપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારનું પગલું ઘાતક નિવડી શકે તેમ છે.ઇચ્છાપોરના જ્વેલરી પાર્કમાં રૂપિયા ૪૫૦૦ કરોડનું રોકાણ અંદાજવામાં આવ્યું છે. આ જ્વેલરી પાર્કમાં નિકાસ કરવા માટે સ્પેશ્યિલ ઇકોનોમિક ઝોનનો હિસ્સો રાખવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે આવકવેરામાં ૧૦ વર્ષની છુટની સુવિધા આપવામાં આવી છે, પરંતુ નવા ટેક્સકોડ મુજબ ડિસેમ્બર ૨૦૧૧માં એસઇઝેડમાં મળતી સુવિધા બંધ કરવાની દરખાસ્ત છે.જ્વેલરી પાર્કમાં સુરત, મુંબઈ, અમદાવાદના હીરાઉદ્યોગકારો યુનિટ સ્થાપવા કરોડોનું રોકાણ કરવાના છે. જો આવકવેરાની સુવિધા બંધ થાય તો અહીં રોકાણ અટકશે. રોહિત મહેતા, પ્રમુખ સુરત ડાયમંડ એસોસિયેશન


રાજકોટના યુવાન ચિત્રકારને લલિતકલા અકાદમીનો એવોર્ડ

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી આયોજિત ૫૦મી રાજ્યકલા સ્પર્ધામાં ચિત્રકલા વિભાગ શ્રેણી એકમાં રાજકોટના યુવાન ચિત્રકાર અશ્વિનભાઇ ત્રિકમભાઇ ચૌહાણે ચારકોલ ડ્રોઇંગમાં રજુ કરેલા ‘ગોષ્ઠિ’ નામના ચિત્રને અકાદમી એવોર્ડ પ્રાપ્તથયો હતો.
પોતાના પિતા પાસેથી કલાનો કસબ પ્રાપ્ત કરનાર આ ચિત્રકારે ચિત્રકલાનું વિધિવત શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું. પરંતુ તેમના પિતા અને પીઢ ચિત્રકાર સ્વ.સનતભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ કોઠાસૂઝને સહારે એમણે અત્યાર સુધીમાં ભારતભરની અનેક નામાંકિત સંસ્થાઓના પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.રાજકોટ અને મુંબઇ સહિત દેશના અનેક શહેરોમાં એમના ચારકોલ, પેન્સિલ અને મીકસ મીડિયા દ્વારા કેનવાસ અને કાગળ ઉપર રચિત એમની કલાકૃતિઓને કારણે દેશભરમાં એમનો બહોળો ચાહકવર્ગ ઊભો થયો છે. ૧૫મી તારીખે અમદાવાદ ખાતે યોજાનાર સમારંભમાં એમને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનો એવોર્ડ એનાયત કરવામાં આવશે.


મહારાષ્ટ્ર-કર્ણાટકનો સીમા વિવાદ વકર્યો

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ આજે વડા પ્રધાનને મળશે.મહારાષ્ટ્ર- કર્ણાટક સીમા સમસ્યાને મામલે તમામ રાજકીય પક્ષોનું એક પ્રતિનિધિ મંડળ બુધવારે વડા પ્રધાન મનમોહન સિંહને મળશે, એવી જાહેરાત વિધાનસભાના સ્પીકર દિલીપ વળસે- પાટીલે સભાગૃહમાં કરી હતી. દરમિયાન શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર- કર્ણાટકના સીમા વિવાદને મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં બેળગાવ, નિપાણી, કારવાર, ભાલકી અને બિડર જેવા પ્રદેશોને કેન્દ્રશાસિત કરવાની માગણી કરી હતી. આ પ્રદેશોમાં કેન્દ્રનાં સલામતી દળો ગોઠવવાની માગણી પણ તેમણે કરી હતી.
મહારાષ્ટ્રના સર્વ રાજકીય પક્ષોનું એક પ્રતિનિધિમંડળ વડા પ્રધાનને મળશે. આ મુલાકાતમાં વડા પ્રધાન સમક્ષ સીમા સમસ્યાને મામલે રાજ્યની બાજુ માંડવામાં આવશે, એમ પણ વિધાનસભાના સ્પીકર વળસે-પાટીલે કહ્યું હતું. અગાઉ બુધવારે વિધાનસભાનું કામકાજ શરૂ થયું ત્યારે જ બેળગાવ મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના મોરચા ઉપર કર્ણાટકની પોલીસે કરેલા લાઠીમારનો વિરોધ કરતાં સભ્યોએ ઘોષણાબાજી કરી હતી. અનેક સભ્યો કર્ણાટકનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સભ્યોએ સીમા વિવાદનો ઉકેલ ન લાવવા માટે કેન્દ્ર સરકારનો જ વિરોધ કર્યો હતોઆ ધમાલને પગલે સભાનું કામકાજ દસ મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે ફરીથી કામકાજ શરૂ થતાં ફરી નવેસરથી ઘોષણાબાજી શરૂ થઈ હતી. આખરે સ્પીકરે તમામ પક્ષોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બુધવારે દિલ્હીમાં મહારાષ્ટ્રનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વડા પ્રધાનને મળશે, એમ સ્પીકરે કહ્યું હતું.દરમિયાન વિધાન પરિષદમાં બોલતાં મુખ્ય પ્રધાન અશોક ચ્વહાણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી બેળગાવને કેન્દ્ર શાસિત પ્રદેશ કરવાનું પોતાનું હોવાનું કહ્યું હતું.


હવે સરકાર જ હાઉસિંગ બોર્ડના સસ્તાં મકાનો બનાવીને વેચશે

અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં હાઉસિંગ બોર્ડ દ્વારા મધ્યમ વર્ગને પોસાય તેવાં મકાનો બનાવાશે, યોજનાની સફળતા બાદ બીજા તબક્કામાં અન્ય મહાનગરોમાં અમલ થશે, બેંકલોન મેળવવામાં પણ સરકાર અરજદારને મદદ કરશે.રાજ્યનાં મહાનગરોમાં મકાન-મિલકતોના ભાવ આકાશને આંબી ચૂક્યાં છે અને મધ્યમ કે ગરીબ વર્ગના લોકો માટે ઘરનું ઘર સપનું બની રહ્યું છે ત્યારે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડના માધ્યમથી મોટાપાયે રહેણાંકના મકાનો બનાવવાના ક્ષેત્રમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં અમદાવાદ, વડોદરા, રાજકોટ ખાતે મધ્યમ-ગરીબ વર્ગને પોસાય તેવા સસ્તાં મકાન બનાવીને વેચવાનું નક્કી કર્યું છે. આ યોજના સફળ થશે તે પછી અન્ય મહાનગરોમાં પણ તેનો અમલ કરાશે. સરકારના આ નિર્ણયના પગલે હાલ આસમાને ચઢેલા મકાનોના ભાવમાં ઘટાડો થશે અને બેફામ રીતે ભાવો લેતી બિલ્ડર લોબી પર આડકતરો અંકુશ આવશે.શહેરી વિકાસમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ આગામી દિવસોમાં અમદાવાદ,વડોદરા,રાજકોટમાં મધ્યમ વર્ગ માટે મકાનો બાંધશે. જેનું બાંધકામ હાઉસિંગ બોર્ડ કરશે પરંતુ ગુજરાત સરકાર ભારત સરકારના નોર્મ્સ મુજબ બેંકો સાથે સીધી વાતચીત કરશે અને અરજદારને લોન અપાવશે. જેથી બેન્કલોનનાં નાણાં હાઉસિંગ બોર્ડને સીધેસીધા મળી શકશે. આ અગાઉ હાઉસિંગ બોર્ડ નાબાર્ડ પાસેથી લોન લેતું હતું અને તેના હપતા ભરતું હતું. આ પ્રથા હવે રદ કરાશે અને નવી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે.શહેરી વિકાસમંત્રીએ અમદાવાદ અને વડોદરામાં બંધાઈ રહેલા મધ્યમવર્ગને અનુરૂપ મકાનો (ફ્લેટ)ની સ્કીમનું નિદર્શન કર્યું હતું.સરકાર ઈચ્છે છે કે મધ્યમવર્ગના લોકોને કેવા પ્રકારનાં અને કેવી સુવિધાયુકત મકાનો જોઈએ છે તેનો ખ્યાલ આવવો જરૂરી છે.સરકારના આ નિર્ણયના પગલે રીઅલ એસ્ટેટમાં કોઇપણ કારણ વિના આડેધડ રીતે વધી રહેલા ભાવો નિયંત્રણમાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.રાજ્ય સરકારે જાહેર કરેલા આદેશ મુજબ હવે કોઈપણ વિસ્તારમાં કોઈપણ જમીનમાલિકનો રહેઠાણ કે તેની બહાર કોઈ ખુલ્લો પ્લોટ હશે તે તેની ફરતે કમ્પાઉન્ડ વોલ કરવી પડશે અને તે પ્લોટને ચોખ્ખો રાખવો પડશે.જો આ આદેશનો ભંગ થશે તો જમીનમાલિકની સામે કેસ દાખલ કરવામાં આવશે. મંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે મ્યુનિસપિલ કમિશનર કે જિલ્લા કલેક્ટર હસ્તક પણ જો કોઈ ખાલી પ્લોટ હશે તો તેમાં દબાણ ન થાય તે માટે આવા પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ કરાવવી પડશે અને ત્યાં સિકયોરિટી મૂકી ત્યાં પેટ્રોલિંગ કરાવવું પડશે એટલું જ નહીં પરંતુ દર ૩૦ દિવસમાં આવા પ્લોટ અને તેની સ્થિતિ અંગે મોનિટરિંગ કરાવવું પડશે.


મુંબઇના કાવતરાખોરો સામે કાર્યવાહી પછી જ મંત્રણા : ક્રિશ્ના

વિદેશમંત્રી એસએમ ક્રિશ્ના ત્રણ દિવસના પ્રવાસ પર બુધવારે પાકિસ્તાન પહોંચી ગયા છે. અહીં પહોંચતાં જ તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે સમગ્ર વાર્તાલાપ કે મંત્રણા ત્યાં સુધી સંભવ નથી, જ્યાં સુધી પાકિસ્તાન મુંબઇ હુમલાના કાવતરાખોરો સામે કાર્યવાહી ન કરે.અહીં હોટેલ સેરેનામાં ભારતીય પત્રકારો સાથેની વાતચીતમાં ક્રિશ્નાએ જણાવ્યું હતું કે ડેવિડ હેડલીની પૂછપરછ ઉપરાંત એવા અન્ય પૂરતા પુરાવા છે જેનાથી સાબિત થાય છે કે મુંબઇ હુમલામાં પાકિસ્તાની નાગરિકો સામેલ છે. હવે કાર્યવાહી કરવાનું પાકિસ્તાની પ્રશાસનના હાથમાં છે.આ અગાઉ અહીં એરપોર્ટ પર ઊતર્યા બાદ વિદેશ મંત્રીએ પોતાનો એજન્ડા સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગયા મહિને ગૃહમંત્રી પી ચિદમ્બરમે પોતાની ઇસ્લામાબાદ યાત્રા દરમિયાન મુખ્ય મુદ્દા સમાન ત્રાસવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે અંગે પાકિસ્તાન તરફથી જવાબ મળવાની આશા છે.અગાઉથી તૈયાર નિવેદનને વાંચતાં ક્રિશ્નાએ જણાવ્યું હતું કે ભારત માટે ત્રાસવાદ મુખ્ય મુદ્દો છે. વિદેશ મંત્રીએ આ નિવેદન તેમના સ્વાગત માટે આવેલા પાકિસ્તાની નેતાઓની હાજરીમાં કર્યું હતું. તેમણે આશા જગાવી હતી કે ગુરુવારે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ અને અન્ય પાકિસ્તાની નેતાઓ સાથે થનારી મંત્રણામાં બન્ને દેશ વચ્ચે વિશ્વાસ કેળવવામાં મદદ મળશે.ક્રિશ્નાની આગેવાની હેઠળ વિદેશ સચિવ નિરુપમા રાવ સહિત ભારતીય પ્રતિનિધિમંડળ સખત સુરક્ષા વચ્ચે એરપોર્ટ પર ઊતર્યા હતા. સુરક્ષાની વ્યવસ્થા એટલી સખત હતી કે વિદેશ મંત્રીને હેલિકોપ્ટર દ્વારા હોટેલ સુધી લઇ જવાયા હતા.ક્રિશ્ના પાકિસ્તાની વિદેશ મંત્રી ઉપરાંત રાષ્ટ્રપતિ આસફિ અલી ઝરદારી અને વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને પણ મળનારા છે. તેઓ આજ હોટેલમાં એમકયૂએસના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજશે. ખૈયર પખ્તુનખવામાં અવામી નેશનલ પાર્ટીના પ્રમુખ અસફનદયાર વલી ખાન સાથે પણ ક્રિશ્ના મુલાકાત કરશે. તે ઉપરાંત પંજાબ હાઉસમાં પીએમએલએલના અધ્યક્ષ અને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાઝ શરીફને પણ તેઓ મળનારા છે.


સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સમાંતર વાવેતર

સૌરાષ્ટ્રના અર્થકારણની જીવાદોરી સમી મગફળીના પાક અંગે સૌને જાણવાની તાલાવેલી હોય છે. બીટી કોટન આવ્યા પછી કપાસે પણ મગફળી જેટલું જ કૃષિ અર્થકારણમાં અગત્યનું સ્થાન મેળવ્યું છે.ચાલુ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષના આખરી તબક્કામાં ૧૫.૫૬ લાખ હેકટર વિસ્તારને આંબવામાં વાર નથી. કપાસ વાવેતરમાં ૪ લાખ હેકટર વિસ્તારનો પંથ કાપ્યા પછી ગત વર્ષના ૧૭ લાખ હેકટર વિસ્તારને આંબી શકાય. રાજ્યના કૃષખિાતાના આંકડા અનુસાર ૧૨ જુલાઇ ૨૦૧૦ સુધીમાં મગફળીનું ૧૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે. કપાસનું વાવેતર પણ ૧૩ લાખ હેકટર વિસ્તાર સાથે મગફળીના સમાંતર વાવેતરે હોવાનું સૂચવે છે.મગફળી વાવેતરમાં જિલ્લાની દ્રષ્ટિએ જામનગર, જૂનાગઢ અને પોરબંદર આગળ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં કપાસનું વાવેતર મોખરે છે. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન સારા વરસાદને કારણે કપાસ અને મગફળીના બાકી વાવેતરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યાનું જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું હતું.જિલ્લા ખેતીવાડી અધિકારીઓ કહે છે. પોરબંદર: પોરબંદરના ત્રણેય તાલુકા મગફળીના વાવેતરમાં અગ્રસ્થાને છે. કુતિયાણા તાલુકામાં કપાસના વાવેતર થયા છે.ભાવનગર: ગત વર્ષની સાપેક્ષે કપાસ વાવેતરમાં ઘટાડો અને મગફળી વાવેતર વધીને ૧ લાખ હેકટરે પહોંચવાનો અંદાજ છે.સુરેન્દ્રનગર: જિલ્લામાં કપાસનું વાવેતર મોખરે છે. મગફળીમાં હળવદ અને ધ્રાંગંધ્રા પંથકમાં આગોતરા મગફળીના વાવેતર વધ્યા છે.


દિલ્હી પોલીસના સ્ટોર રૂમોમાં ૨૯ મૂર્તિઓ

દેશના પાટનગરના વિવિધ પોલીસ સ્ટેશનોના સ્ટોર રૂમોમાં ભગવાન રામ, શિવજી અને ગણેશજી સહિતના દેવી-દેવતાઓની લગભગ ૩૦ જેટલી મૂર્તિઓ પડી રહી છે. માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેના વિવિધ માલખાનાઓ (શસ્ત્રો અને અન્ય કિંમતી વસ્તુઓ માટેના સ્ટોર રૂમો)માં કુલ ૨૯ મૂર્તિઓ રાખવામાં આવી છે.સાલેક ચંદ જૈને આરટીઆઈનો ઉપયોગ કરીને અરજી કરી હતી. આઈજીઆઈ એરપોર્ટના જાહેર માહિતી અધિકારીએ જણાવ્યું હતું કે ગણેશજી અને શિવજીની બે મૂર્તિઓ કેસ પ્રોપર્ટી તરીકે માલખાનામાં રાખવામાં આવી છે. જો કે દિલ્હી પોલીસે જપ્ત કરાયેલી મૂર્તિઓની અંદાજિત બજાર કિંમતોની વિગતો આપી ન હતી.ગત વર્ષે સપ્ટેમ્બરમાં જૈને કરેલી બીજી એક અરજીના જવાબમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કુલ ૯૮ મૂર્તિઓ તેના કબજામાં છે. સૌથી વધુ બાવન મૂર્તિઓ હઝરત નિઝામુદ્દીન માલખાનામાં છે.બે અરજીઓના જવાબો મેળવ્યા બાદ જૈને કેન્દ્રીય ગૃહસચિવ જી. કે. પિલ્લઈ, દિલ્હીની એનસીટી સરકારના મુખ્ય સચિવ અને રાષ્ટ્રીય લઘુમતી પંચના ચેરમેનને પત્ર લખ્યો છે અને આ મૂર્તિઓને તેઓના મૂળ સ્થળે પાછી મૂકવાની વિનંતી કરી છે.


અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ સ્કવેર ખાતે હુમલાનો પ્રયાસ

મુસલમાનો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. આ ખુલાસો એક વીડિયોમાં કરવામાં આવ્યો છે. જેમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરનાર શહઝાદ કહી રહ્યો છે કે મુસલમાનોનું યુદ્ધ હજુ શરૂ જ થયું છે.આ વીડિયો એક આરબની ટીવી ચેનલ પર બતાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે શહઝાદ ગયા મહિને ટાઈમ્સ સ્કવેર ખાતે થયેલા નિષ્ફળ હુમલા અંગે પોતાનો ગુનો કબૂલ્યો હતો. ન્યૂયોર્કની એક કોર્ટમાં તેણે આતંકવાદ અને હથિયાર રાખવાના દસ જેટલા ગુનામાં પોતાની સંડોવણીની કબૂલાત કરી હતી. શહઝાદના કેસની સુનાવણી ઓક્ટોબરમાં કરવામાં આવશે.આ વીડિયોમાં શહઝાદને પાકિસ્તાનના કબીલા વિસ્તારનો પોશાક પહેરીને હાથમાં રાયફલ સાથે બતાવવામાં આવ્યો છે. તે એવી આશા વ્યક્ત કરી રહ્યો છે કે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર ખાતે હુમલો કરવાથી મુસલમાનો ખુશ થશે.તે અમેરિકાના સૈન્યના હાથે માર્યા ગયેલા મુસલમાનો, પાકિસ્તાની તાલિબાનના નેતા બેતુલ્લાહ મહસૂદ અને ઈરાક અલકાયદાના નેતા અબુ મુસાબ અલ-ઝરકાબીના મોતનો બદલો લેવા માગે છે. એવું માનવામાં આવે છે કે આ વીડિયોનું રેકોર્ડિંગ તેની ધરપકડ પહેલા કરવામાં આવ્યું હતું. શહઝાદ જ્યારે અમેરિકા છોડીને ભાગી રહ્યો હતો ત્યારે એક એરપોર્ટ ખાતેથી અમેરિકન પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

No comments:

Post a Comment