visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ટૂંકું જીવો પણ મસ્તીમાં જીવો
કુદરત અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર બીમાર પડે છે.સાને ગુરુજી નામના મહારાષ્ટ્રના ગૌરવ લેવા જેવા સંત પુરુષે ‘ભારતીય સંસ્કૃતિ’ નામનું પુસ્તક લખ્યું તે આજે દુર્લભ છે. તેમાં તેમણે કહ્યું છે બીમાર પડવું તેને આપણે પાપ ગણવું જોઈએ. બનૉર્ડ શોએ પણ તેમાં ટાપસી પૂરીને કહેલું જે કોઈ બીમાર પડે તેને જેલમાં મોકલવો જોઈએ. તેનો અર્થ એમ કે બીમાર પડનારા માણસે કુદરત અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેણે જીવનમાં રહનસહન, ખાનપાન અને વિચારોમાં સમતુલા જાળવી નથી-પ્રમાણભાન રાખ્યું નથી. બીમારીને આપણે નેચર્સ પનિશમેન્ટ ગણવી જોઈએ. પરંતુ આજે મજૂરી કરી કમાઈ આવનારી ઝૂંપડાંની બાઈના નવરા પતિ તમાકુના ડૂચા ખાઈ ખાઈને કેન્સરને નોતરે છે અને હોસ્પિટલના ખર્ચા આ ૧૦ કલાક બીજાના ઘરકામ કરીને કમાતી પત્ની ઉપાડે છે. કેટલાય એવા પુરુષો છે જે બીમારીમાં એક બાળક કે ૧૦ લાખનું દેવું કરીને વિધવા પત્ની ઉપર તેનું પાપ છોડે છે.સાને ગુરુજી કે બનૉર્ડ શોનું ભેજું ફરી નહોતું ગયું કે બીમાર પડનારને પાપી ગણે. લીન યુટાંગ નામના ચીની ફિલસૂફે ‘ધ ઈમ્પોર્ટન્સ ઓફ લિવિંગ’ નામના પુસ્તકમાં મોટા મોટા ફિલોસોફરો, પંડિતો, વિદ્વાનો અને રાજકારણીઓને ઠમઠોરીને કહ્યું છે કે તમારા શરીરને સાજું નથી રાખતા અને લાંબું જીવીને ખાટલે પડ્યા વગર એકાએક આંખ મીંચાઈ જાય તે રીતે શરીરની કાળજી કેમ રાખતા નથી? જ્યોર્જ ફનૉન્ડિસ ૭૮ની ઉંમરથી ખાટલે છે. આજે ૮૦ની ઉંમરે મારા જેવા ઘણા નિસર્ગોપચારની થિયરી પચાવીને ૧૫-૧૭ કલાક કામ કરી શકે છે.ડૉ.રાધાકૃષ્ણનથી માંડીને પશ્ચિમના ૯૦ ટકા ફિલોસોફરો અને કવિ મકરંદ દવેએ તમામે લાંબી લાંબી બીમારી ભોગવી છે. શું બીમારી અનિવાર્ય છે? લીન યુટાંગ બીમારીને અનિવાર્ય ગણતા નહીં.તેઓ કહે છે કે ‘હું નથી કહેતો કે લાંબું જીવો. ટૂંકું જીવો પણ મસ્તીમાં જીવો. માણસે સતત યાદ રાખવું જોઈએ કે આપણે પૃથ્વીના જીવ છીએ. મત્ર્ય છીએ. અને જીવવા માટે માત્ર ઊંચી ફિલસૂફી કે માત્ર મગજનું જ્ઞાન કે પંડિતાઈ કામની નથી. આ વાક્ય અંગ્રેજીમાં નોંધી લો, ‘એની ગુડ પ્રેક્ટિકલ ફિલોસોફી મસ્ટ સ્ટાર્ટ આઉટ વિથ ધ રિકોગ્નીશન ઓફ હેવિંગ એ બોડી.’ યાદ રાખો કે ગમે તેવા ફિલસૂફ હો પણ વ્યવહારુ ફિલસૂફી કહે છે કે એ ફિલસૂફી કે જ્ઞાન ઠોકવા માટે એક શરીર પણ જરૂરી છે.
ઈશ્વરે અગર કુદરતી પ્રક્રિયાએ માનવદેહને સર્જવા કેટલી બધી ઈજનેરી કરવી પડી છે તેનો ખ્યાલ રાખો. તેને પટ દઈને બીમાર પાડવા જે તે ખાઓ છો, જે તે પીઓ છો. સિગારેટ પીતાં પીતાં ફિલસૂફી મારો છો અને દુનિયાને સુધારવા હાલી નીકળ્યા છો! માનવશરીર રચવા માટે એક દિવ્ય જુસ્સાનો કાઢો ઘૂંટવો પડ્યો છે. માણસ ‘સ્પિરિટ’ અને ‘શરીર’ બન્નેનો બનેલો છે. તે બન્નેને હાર્મનીમાં રાખવાની આપણી ઈશ્વરદત્ત ફરજ છે. ફરી ફરી લીન યુટાંગ તેના પુસ્તકમાં (૨૫મે પાને) કહે છે, ‘તમે ગમે તેવા બડેખાં હો પણ તમારે એક શરીર પણ છે તેનો ખ્યાલ રાખો.’હું મારી પુત્રીની કોલેજની લાઈબ્રેરીમાં ફલોરિડા ગયેલો ત્યારે નસીબજોગ ૧૯૩૭માં લખાયેલું લીન યુટાંગનું પુસ્તક મળી ગયું. બે વર્ષમાં જ ‘ધ ઈમ્પોર્ટન્સ ઓફ લિવિંગ’ની ૧૩-૧૩ આવૃત્તિ છપાઈ ગઈ હતી જે આજે દુર્લભ છે.
કાળા બજારિયાઓ સામે હવે પુરવઠાની પોલીસ કાર્યવાહી
રાજ્ય સરકાર દ્વારા બાયોમેટ્રીક્સ કાર્ડ શરૂ કરવામાં આવતા તેની સામે વિરોધ કરનાર સસ્તા અનાજના દુકાનદારો અને સુરત શહેર અને જિલ્લાના ફેરપ્રાઇસ એસોસિયેશન સામે પુરવઠા કચેરીએ સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. તેની સામે આજે હસમુખ રાણા અને દીપક વૈષ્ણવ નામના સસ્તા અનાજના દુકાનદારો સામે કાળાબજાર અન્વયે કતારગામ અને કાપોદ્રા પોલીસ મથકમાં ઇન્ચાર્જ સિટી મામલતદાર ધર્મેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ હતી.કતારગામ પોલીસ મથકમાં સસ્તા અનાજનો દુકાનદાર અને ફેરપ્રાઇસ એસોસિયેશનનો અગ્રણી હસમુખ રાણા (રહેવાસી- ભાગ્યોદય સોસાયટી, કતારગામ )ની સામે પોલીસ ફરિયાદ કરાઇ હતી. તેમાં જણાવાયું છે કે ૯૦ કિલો ઘઉ અને ૩૭૦ લીટર કેરોસીન બોગસ બીલો બનાવીને કાળાબજારમાં સગેવગે કરી નાંખ્યા હતાં.દરમિયાન સસ્તા અનાજના દુકાનદાર દીપક વૈષ્ણવ (રહેવાસી- સિટી એપાર્ટમેન્ટ, વરાછા) દ્વારા પણ કાળાબજારમાં કેરોસીન અને અનાજ સગેવગે કરી નાંખવામાં આવ્યું હોવાની ફરિયાદ કાપોદ્રા પાલીસ મથકમાં નોંધાવાઇ હતી
રાજકોટ : સૂચિતને રેગ્યુલરાઇઝ કરવાના બદલે ડામર રોડનું બટકું નખાયું!
રાજકોટનો અડધાથી વધુ વિસ્તાર સૂચિત સોસાયટીઓમાં પથરાયેલો છે. આટલા મોટા પ્રમાણમાં જયા પ્રજાના હિતની જયા વાત છે ત્યા લોકોને આશરો તો મળ્યો છે પણ ખરા અર્થમાં ઘરનું ઘર મ¬યું છે કે નહીં એવી સતત લટકતી તલવાર વચ્ચે જીવી રહ્યા છે ત્યારે આવી સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરવાના બદલે ડામર રોડની સુવિધાનું બટકુ નાખી દેવાની નીતિ અપનાવાઇ છે.મહાપાલિકાની ચૂંટણી કે પછી ધારાસભાની કે પછી કેન્દ્રની ચૂંટણી આવે છે ત્યારે રાજકીય નેતાઓની સૂચિત સોસાયટીના હિતને લગતી કેસેટ વાગવા મંડે છે અને પછી સૂચિતમાં રહેતા લાખો લોકોને ફરી એ જ ઘરના ઘરની અસલામતીની ધાર ઉપર ઉભા રાખી દે છે. દરમિયાન વધુ એક વખત મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૂચિત સોસાયટીઓ દેખાવા લાગી છે. થોડા સમય પૂર્વે મનપાના શાસકોએ સુઓમોટો ઠરાવ કરી મ્યુનિ. કમિશનર પાસેથી સૂચિતમાં ડામર રોડ બનાવવા અંગેની દરખાસ્ત મગાવી હતી. આ દરખાસ્ત મંજૂર થયા બાદ આજે મ્યુનિ. કમિશનરે પણ વહીવટી મંજૂરી આપી દીધી છે ત્યારે અહીં ચિત્ર એ ઉપસી રહ્યું છે કે, વાત હતી સૂચિત સોસાયટીને રેગ્યુલરાઇઝ કરવાની. તેના બદલે અહીં માત્ર ડામર રોડની સુવિધા રૂપી બટકું નાખી દેવાયું છે.એ જગજાહેર છે કે, સૂચિત સોસાયટીઓમાં રાજકીય મોટાં માથાંઓના ક્યાંક પરોક્ષ તો ક્યાંક પ્રત્યક્ષ હિત સંકળાયેલા છે. આવા વિસ્તારમાં લાખો રૂપિયાના રોકાણ થયેલા છે. જયા આવા રોકાણ થયા છે ત્યા ડામર રોડની સુવિધા આપી રોકાણના ભાવ ઉચકાવવાનો આ ખેલ હોય એવી એક ચર્ચા પણ બિલ્ડર લોબીમાં થઇ રહી છે. શહેરમાં અંદાજે ૪૦૦થી વધુ સૂચિત સોસાયટી છે. ડામર રોડ આ તમામ સોસાયટીઓમાં બનવા જોઇએ.અમુક જ સોસાયટીઓને લાગુ પડશે, વિવાદનાં એંધાણ
જાણવા મળ્યા મુજબ જૂની સૂચિત સોસાયટીઓ છે તેમાં જ ડામર રોડ અંગેનો આ ઠરાવ લાગુ એ વાતને લઇને પણ એક વિવાદ ઉભો થાય એવી શક્યતાને અહીં નકારી શકાય તેમ નથી. ચોક્કસ ભૂમાફિયાઓનું હિત સાચવવા માટે જ આ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે સુવિધાના નામે એક વ્યવસ્થિત ગોઠવણ થઇ હોય એવું એક ચિત્ર ઉપસી રહ્યું છે. જો ખરેખર સૂચિતમાં રહેનારાઓનું હિત જોવાની વાત હોય તો આવી સોસાયટીઓ રેગ્યુલરાઇઝ જ થવી જોઇએ.
ભૂતિયાં રેશન કાર્ડના છબરડામાં સઘન તપાસના આદેશ
રાજકોટ જિલ્લાના ભૂતિયાં રેશન કાર્ડ રદ કરવાના પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન થયેલા છબરડાને લીધે હજારો લોકો પરેશાન થયા છે, કલેક્ટરે અંતે આ મામલે ગંભીર તપાસનો આદેશ કર્યો છે. આજે ૪૦૦ લોકોએ પોતાના રદ થયેલા રેશનકાર્ડ ફરી બનાવડાવ્યાં હતાં.અનધિકૃત રેશનકાર્ડ ઝડપી લઇ તેને રદ કરવાના પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન રાજકોટ જિલ્લામાં દસ હજારથી વધારે રેશનકાર્ડ એવાં રદ થયાં છે જે ખરેખર રદ થવાં જોઇતા નહોતા. સાચાં કાર્ડ રદ થયા છે અને ભૂતિયાં કાર્ડ યથાવત રહ્યા છે. આ ક્ષતિ ધ્યાનમાં આવતા જ કલેક્ટર તંત્ર ચોંકી ઊઠયું છે. રેશન કાર્ડ જેવી બાબતે હજારો સામાન્ય લોકો પરેશાન થઇ રહ્યા છે.સાચાં કાર્ડ રદ થયાં છે તેવી ફરિયાદો ઉઠતાં જ કલેક્ટર ઓફિસે ટોળાં દરરોજ જઇ રહ્યાં છે. જિલ્લા કલેક્ટર એચ.એસ.પટેલે આ અંગે તપાસના આદેશ કર્યા છે અને જણાવ્યું છે કે જેમણે આ બાબતે ક્ષતિ દાખવી હશે અને જે બેદરકાર હશે તેમને નહીં છોડવામાં આવે. પુરવઠા અધિકારીને તેમણે સમગ્ર પ્રકરણની તપાસ સોંપી દીધી છે. જો કે હવે કાંઇ પણ કરવામાં આવે તે નિરર્થક છે કારણ કે પ્રજાને તો હાલાકી પડી જ રહી છે. આજે કલેક્ટર ઓફિસના ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ૪૦૦ લોકો અરજી લઇને આવ્યા હતા અને પોતાના રેશન કાર્ડ સાચાં છે તેવી રજુઆત કરતાં તેમની અરજી સ્વીકારવામાં આવી હતી. રેશન કાર્ડ સુધારણા માટે રૂ.૩૦ ફી પેટે લેવાતા હતા તેમાં તો રાહત કરી આપવામાં આવી છે અને દસ રૂપિયામાં જ આ અરજી સ્વીકારવામાં આવી રહી છે.
રાજકોટ : સ્વાતંત્રય પર્વના ફાળા માટે ઓફિસરોને લક્ષ્યાંક અપાયા
પંદરમી ઓગસ્ટ પ્રજાના પૈસે ઉજવવાની તૈયારીઓ તંત્રે શરૂ કરી દીધી છે.કેટલાક ઉચ્ચ અધિકારીઓને ‘બજાર’માંથી પૈસા લઇ આવવા જણાવી દેવાયું છે.બીજા તબક્કામાં હવે વિવિધ વિભાગોને પણ આ રકમ લાવવા જણાવાશે તેમ ચર્ચાઇ રહ્યું છે.લોકોના મનમાં એક જ સવાલ ઉઠે છે કે સરકારે પોતે જ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે છતાં ફાળો કેમ પ્રજા પાસેથી લેવાય છે?વેપારીઓમાં પણ આ મુદ્દે રાષ છે અને તેઓ ઇચ્છે છે કે તેમના સંગઠનો આ મુદ્દે વિરોધ કરે.અગાઉ રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી થઇ હતી.ત્યારે પણ અનેક કાર્યક્રમો થયા હતા પરંતુ કોઇ લોકફાળાની વાત નહોતી.આ વખતે અચાનક જ લોકો પાસેથી,વેપારીઓ કે ઉદ્યોગકારો પાસેથી નાણા લેવાની શરૂઆત થઇ છે.સવાલ એ ઉઠી રહ્યો છે કે સ રકાર ૪૦ લાખ આપે કે ચાર કરોડ પરંતુ જેટલા પૈસા હોય એટલામાં ઉજવણી સંપન્ન થઇ શકેને ?લોકો એ ક્યાં કોઇ કાર્યક્રમ પર પસંદગી ઢોલી છે કે કોઇ અરજી કરી છઅ કે અમને આવી ઉજવણી જોઇએ.ઉત્સવ પ્રજાનો અને પૈસા પણ પ્રજાના?માત્ર પ્રસિધ્ધ જ સરકારની એ તો કેવું?રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને નાણા વસૂલવાના આદેશ અપ્યા છે.તેમના જે સોર્સ હોય તેમની પાસેથી આ ફંડ એકત્ર કરવા જણાવ્યું છે.ભવિષ્યમાં પુરવઠા,જમીન સંપાદન,મનોરંજન વગેરે વિભાગને પણ તેમના ‘સોર્સ’માંથી નાણા વસૂલવાનું કહેવામાં આવે તેવી શક્યતા છે.રાજકોટના વેપારી સંગઠનો કદાચ સરકારની આ અપીલને સ્વીકારી પણ લે પરંતુ લોકો અને વેપારીઓ તો તેની વિરૂધ્ધ જ છે.
જગન્નાથજીના રથનો સારથી ભાવેશ ત્રિવેદી કહે છે લોકોનો ઉત્સાહ જોઇ અમારો થાક ઓગળી જાય છે
મારા-પિતા મરણ પથારિએ હતા તે વખતે પણ તેમણે મને પરાણે ભગવાન જગન્નાથજીના રથ માટે મોકલ્યો હતો અને ભગવાન પરની વિશેષ શ્રધ્ધાના કારણે મારા તમામ દુ:ખો તેમના સ્મરણ માત્રથી દૂર થઈ જાય છે. ૧૫ વર્ષથી ભાવનગરમાં જગન્નાથજીના રથનું સંચાલન કરનાર અને હાલમાં સુરત સ્થાઈ થયેલા ભાવેશ ત્રિવેદીએ જણાવ્યું હતું.૨૫ વર્ષ નિમિત્તે ભગવાન જગન્નાથજીનો રથ એકદમ અધ્યતન બનાવવા માટે નાની-નાની તમામ બાબતો આવરી લઈ તે તૈયાર કરાવવા માટે સતત જહેમત ઉઠાવનાર ભાવેશ ત્રિવેદી ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા હતાં. અને છેલ્લા ૧૫ વર્ષથી ગમે તેવા વપિરીત સંજોગો હોય તો પણ રથયાત્રા સમયે રથના સંચાલન માટે તે આવી પહોંચે છે.ભાવેશભાઈના જણાવ્યા મુજબ રથમાં બેસું છું ત્યારે મને કોઈ અલૌકિક દિવ્ય શક્તિ પ્રાપ્તથાય છે. એટલું જ નહીં પણ કોઈ અભૂતપૂર્વક શાંતિ પ્રાપ્તથાય છે. મારી આ સેવા મારૂ શરીર જ્યાં સુધી ચાલુ હશે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખીશ તેમ તેમણે જણાવ્યું હતું. હસમુખ રાણપુરા પણ રથના સંચાલનની જવાબદારી વહન કરે છે. જ્યારે રથના સારથી તરીકેની જવાબદારી સંભાળનાર ભાવેશ પટેલે પણ જણાવ્યું હતું કે રથ અદ્દભૂત બન્યો છે. લોકોનો ઉત્સાહ અને જોમ એટલા બધા હોય છે કે એ જોઈને જ અમારો થાક ઓગળી જાય છે.
ભાવનગર : હીરા ઉદ્યોગની શાંતિ ડહોળવા નિરર્થક પ્રયાસ
મંદીમા પણ કારખાનેદારોએ ભાવ વધાર્યો છે, રત્ન કલાકારોએ ગેરમાર્ગે ન દોરાવા ડાયમંડ મેન્યુફેકચરિંગ એસો. દ્વારા કરાયેલો અનુરોધ.ભાવનગરની આર્થિક જીવાદોરી સમાન અને અનેક લોકોને રોજગારી આપનાર હીરા ઉદ્યોગની શાંતિને ડહોળવાનો નિરર્થક પ્રયાસ આજે રત્ન કલાકારો અને હીરાના કારખાનેદારોએ નાકામયાબ બનાવ્યો હતો. હીરા ઉદ્યોગમાં પ્રત્રિકા દ્વારા ભાવ વધારાના પ્રશ્ને રત્ન કલાકારોને ઉશ્કેરવાનો નિરર્થક પ્રયાસ પણ થયો હતો.ભાવનગરના હીરા બજારમાં આજે સવારથી જ રત્ન કલાકારોને ભાવ વધારા પ્રશ્ને અન્યાય થાય છે તેવી પ્રતિકા કોઇએ વહેતી મુકી હતી, જો કે, ભાવનગરમાં મંદીના સમયમાં પણ કારખાનાના સંચાલકોએ ભાવ વધાર્યો હોવાથી કારીગરો અને કારખાનાના માલિકો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ છે, જેના કારણે આ પત્રિકા બજારમાં ફરતી થતા જ ખોટું વાતાવરણ ડહોળાય નહીં તે માટે આગેવાનોએ બજારમાં સંપર્ક કરી પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો, ત્યારબાદ તાકિદની મળેલી ભાવનગર ડાયમંડ મેન્યુફેકચર્સ એસોસીએશનની બેઠકમાં આ પ્રશ્ને ગહન ચર્ચા-વિચારણા થઇ હતી. અને ત્યારબાદ એસોસીએશન દ્વારા કોઇપણ જાતની અફવાથી દોરવાઇ નહી જવા રત્ન કલાકારોને જાહેર અનુરોધ કરાયો છે.એસોસીએશનની યાદીમાં જણાવ્યા મુજબ દિવાળીથી અત્યાર સુધીમાં ૧૫ થી ૨૫ ટકા સુધીનો ભાવ વધારો કરેલ છે અને તે પ્રશ્ને રત્ન કલાકારોને સંતોષ છે.ભાવનગરમાં હીરા ઉદ્યોગ અનેક બેરોજગારોને અને ખાસ કરીને મહીલાઓને રોજગારી પૂરી પાડે છે. ત્યારે આ ઉદ્યોગની શાંતિ ડહોળવાનો ખોટી રીતે પ્રયાસ થતો હોય તો તે રોકવા માટે તંત્રએ પણ સક્રિય થવું જરૂરી છે.
મોખા પાસે બસ-ટ્રેઇલર ભટકાતાં ચારનાં મોત
બસની એક સાઇડનો ભૂક્કો બોલી ગયો : બે બાળક સહિત પાંચ જણને ગંભીર ઇજા. કચ્છના માર્ગો પર જાણે બે દિવસથી યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ દુધઇ બાદ મુન્દ્રા તાલુકાના ગુંદાલા નજીક મોખા ચોકડી પાસે રવિવારે બપોરે પૂરપાટ ઝડપે જઇ રહેલી ખાનગી લકઝરી બસ અને ટ્રેઇલર ધડાકાભેર સામસામે અથડાતાં ચાર જણનાં મોત થયાં હતાં, જ્યારે બે બાળકો સહિત પાંચ જણને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ભુજની જનરલ હોસ્પિટલ અને મુન્દ્રા મરિન પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુન્દ્રા-અંજાર વચ્ચે પટ્ટામાં ચાલતી ખાનગી લકઝરી બસ રવિવારે બપોરે મુન્દ્રાથી અંજાર જવા માટે રવાના થઇ હતી. ત્રણ વાગ્યાની આસપાસ પૂરપાટ ઝડપે મોખા ચોકડી નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ આવી રહેલું ટ્રેઇલર બસમાં ધડાકાભેર અથડાયું હતું. બંને વાહન એટલી સ્પીડમાં હતા કે, બસની એક સાઇડનો ભૂક્કો બોલી ગયો હતો.
આ અકસ્માતમાં ગુંદાલા નજીકથી અંજાર તાલુકાના મીંદિયાળા ગામે જવા માટે બસમાં બેઠેલા ભગુ હમીર રબારી ઉ.વ.૬૬, કોમલબેન અરજણ રબારી ઉ.વ.૬ અને મુન્દ્રાના ખતુબાઇ અબ્દ્રેમાન જત ઉ.વ.૭૦ને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પરજ તેમના મોત થયા હતા, જ્યારે અંજાર તાલુકાના નાગલપર ગામના જશરાજ આતુભાઇ મહેશ્વરીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ભુજ ખસેડયો હતો, પરંતુ એ પહેલાં તેણે દમ તોડી દીધો હતો. અકસ્માતમાં મીંદિયાળાના સતીબેન લાખા રબારી ઉ.વ.૧૦, ઇશ્વર લાખા રબારી ઉ.વ.૮ હિરા રામા રબારી અને સૂરજ ભચુ તથા કિશોર હેમરાજ સોરેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પાંચે જણને જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પાંચે ઇજાગ્રસ્તો હવે ખતરાથી બહાર છે.અકસ્માતને પગલે મુન્દ્રાના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી સર્વ સેવા સંઘના પ્રમુખ તારાચંદભાઇ છેડા અને અગ્રણી ગિરીશભાઇ છેડા બનાવના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને દવાખાને ખસેડવાની વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલમાં મનસુખભાઇ નાગડા ખડેપગે રહ્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
14 July 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment