17 July 2010

રાજકોટ : પ્રધ્યુમન-પાર્ક ઝૂમાં બેટરી સંચાલિત બે વાહન ટૂંક સમયમાં દોડશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : પ્રધ્યુમન-પાર્ક ઝૂમાં બેટરી સંચાલિત બે વાહન ટૂંક સમયમાં દોડશે

મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા અને ૧૩૬ એકરમાં પથરાયેલા પ્રધ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે આવતા સહેલાણીઓની સુવિધા માટે બેટરીથી ચાલતા વાહનો ટૂંક સમયમાં જ દોડતા થઇ જશે. પ્રાથમિક તબક્કે એક છ સીટની અને એક ૧૧ સીટના એમ બે વાહનો ખરીદવાની દરખાસ્ત આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થતાં વાહન માટે રૂ. ૯.૪૭ લાખના ખર્ચને સ્ટેંડિંગ ચેરમેન કશ્યપ શુક્લે લીલીઝંડી આપી હતી.પ્રધ્યુમનપાર્ક ઝૂ આમતો ચાલુ થઇ ગયું છે પણ સત્તાવાર રીતે આગામી તા. ૧પમી ઓગસ્ટે મુખ્યમંત્રીના હસ્તે પ્રધ્યમન પાર્ક ઝૂના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. એ પૂર્વે ઝૂમાં કેટલાક બાકી વિકાસ કામો અને સુવિધા કાર્યરત કરવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ઝૂનું કુલ ક્ષેત્રફળ ૧૩૭ એકરમાં પથરાયેલું છે. રોડ પર ચાલતા અંતર ચાર કિલોમીટરથી વધુ અને રોડથી અંદરની બાજુએ કોઇ સહેલાણી ચક્કર મારતા આગળ વધે તો છ થી સાત કિલોમીટર જેટલું અંતર થઇ જાય છે.ઝૂમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસ સંચાલિત વાહનો લઇ જવા પર પાબંધી છે ત્યાંરે સહેલાણીઓને ખાસ કરીને ઉંમર લાયક હોય તેઓ માટે ઝૂમાં પ્રાણીઓને નિહાળવાનો આનંદ આરામથી લઇ શકે એ માટે બેટરીથી ચાલતી અનેગોલ્ફકારના નામથી ઓળખાતા વાહનોની ઝૂમાં મૂકવા અંગે ઝૂ સુપ્રિ. ડૉ.મારડિયાના અભિપ્રાય મુજબ તૈયાર કરેલી દરખાસ્ત આજે સ્ટેન્ડિંગમાં રજૂ કરવામા આવી હતી.પ્રાથમિક તબક્કે આવા બે વાહનોની ખરીદી માટે રૂ. ૯.૪૭ લાખનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કશ્યપ શુક્લે મંજૂર કર્યો હતો અને જરૂર પડયે અન્ય ચાર વાહન પણ આજ ભાવે લેવાનું પણ સાથે મંજૂર કરી દીધું હતું. વાહન મદ્રાસની કેરીઓલ પ્રાઇવેટ લિમિટેડની બનાવટની છે. પખવાડિયામાં જ આ બન્ને વાહનો આવી જશે અને પાંચ દિવસ ટ્રાયલ પર ચલાવાયા બાદ પ્રજાની સુવિધા માટે ચાલુ કરાશે. વાહનની સેવા માટે ૩ થી ૧૨ વર્ષના બાળકો તેમજ સિનિયર સિટીઝન માટે ટિકિટનો દર રૂ. પ અને ૧૨ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે વ્યક્તિદીઠ રૂ. ૧૦ રહેશે.
છ સીટના વાહન માટે ફેમિલી પેકેજ -થમિક તબક્કે બેટરી સંચાલિત મંજૂર થયેલા બે વાહનોમાં એક ૬ સીટનું અને એક ૧૧ સીટનું આવવાનું છે. છ સીટના વાહન માટે ફેમિલી પેકેજની અલગ સુવિધા રાખવામાં આવી છે. છ સભ્યોનો કોઇ પરિવાર તેની રીતે ઝૂમાં ફરવા માગતો હોય તો ૪પ મિનિટના આ પેકેજનો ચાર્જ માત્ર રૂ. ૨પ૦ જ રાખવામાં આવ્યો છે.અંધ-અપંગ, મૂકબધિર માટે નિ:શુલ્ક સેવા -ઝૂમાં બેટરી સંચાલિત વાહનમાં મુસાફરી કરવા માટે રાખેલા ટિકિટ ચાર્જમાં અંધ-અપંગ કે મૂકબધિર માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક સેવા રાખવામાં આવી છે. જ્યારે અન્યો માટે ચાર્જની જોગવાઇમાં ૩ થી ૧૨ વર્ષના બાળકો ઉપરાંત સિનિયર સિટીઝન માટે રૂ. પ અને ૧૨ વર્ષથી વધુ ઉંમર હોય તેવા માટે રૂ. ૧૦ રહેશે.

સુરતમાં ૨૦૦૬માં આવેલા પૂરનો ઈતિહાસ ભયાનક

વર્ષ ૨૦૦૬માં તાપીમાં આવેલા ભયાનક પૂરમાં સુરતના ઈતિહાસમાં દોઢસો વર્ષ પછી આવેલું સૌથી મોટું પૂર માનવામાં આવે છે. આવનારા દિવસોમાં સુરત શહેરે પાંચ લાખથી ત્રેવીસ લાખ કયુસેક પાણીના ભયાનક પૂરની માનસિક તૈયારી રાખવી પડશે. ગ્લોબલ વોર્મિંગને કારણે દેશમાં અને વિશ્વમાં વાતાવરણમાં જે ચોંકાવનારા ફેરફાર જોવા મળી રહ્યા છે. તેનાથી તાપી બેસિન પણ બાકાત રહી શકે તેમ નથી. સુરત સિટિઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટે શહેરના ખ્યાતનામ તજજ્ઞો અને પ્રોફેસરો પાસે કરાવેલા અભ્યાસમાં ઉક્ત ચોંકાવનારાં તારણ કાઢવામાં આવ્યાં છે. સુરતમાં પૂરનો બસો વર્ષનો ઈતિહાસ તપાસીએ તો તાપીમાં આવતા પૂર એક વિશેષતા ધરાવે છે. તાપીમાં મોટા ભાગનાં પૂર ચોક્કસ વર્ષના અંતરાલમાં જ આવ્યાં છે.વર્ષ ૧૯૯૪, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૬ વીતેલાં સોળ વર્ષમાં ચાર વર્ષના અંતરાલમાં પૂર આવ્યાં છે. તેમાં ચાલુ વર્ષ ૨૦૧૦માં પણ તાપી તેની સાયકલનું અનુસરણ કરે તો ચાલુ વર્ષે પૂર આવવાની દહેશત રહે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે દેશ અને વિશ્વમાં જે રીતે વાતાવરણમાં ચોંકાવનારો પલટો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સુરતમાં વર્ષ ૨૦૦૬ કરતાં પણ વધારે ભયાનક પૂર આવવાની દહેશત છે. સુરતના લોકોએ આ માટે હંમેશાં માનસિક રીતે તૈયારી રાખવી પડશે. હાલમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં ૦.૨થી ૦.૪ ડિગ્રી સેન્ટિગ્રેટેડ ચેન્જ આવ્યો છે. આવતા દિવસોમાં ઉક્ત વધારો ન ધારેલા ફેરફાર લાવી શકે છે. - એમ.ડી. દેસાઈ, પ્રોફેસર, એસવીએનઆઇટી બસો વર્ષનો ઈતિહાસ જાણવો રસપ્રદ છે.તાપીમાં વર્ષ ૧૮૬૯થી વર્ષ ૧૮૮૪નો સમય દરમિયાન તાપીમાં દર બેથી અઢી વર્ષની સાયકલમાં સુરત શહેરે તાપીના પૂરનો સામનો કરવો પડ્યો હતો.વર્ષ ૧૯૧૪થી વર્ષ ૧૯૪૯ના સમયમાં તાપીમાં અંદાજે પ્રતિ સાડા ત્રણ વર્ષના ગાળામાં પૂર આવ્યા છે.૧૯૪૯થી ૧૯૭૯નો સમય એવો રહ્યો હતો કે તેમાં સુરતે તાપીમાં પૂરનો દર ચારથી છ વર્ષનાં એકાંતરે સામનો કરવો પડ્યો હતો.આ ઉપરાંત તાપીમાં વર્ષ ૧૯૪૪, ૧૯૪૫ અને ૧૯૫૮,૧૯૫૯ તથા ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૭૦ અને ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩નાં વર્ષોમાં સતત પૂરનો સામનો સુરતના લોકોએ કરવો પડ્યો હતો.


કેશોદમાં અઢી ઈંચ વરસાદ,તાલાલામાં ૧ અને જુનાગઢમાં અડધો ઈંચ

જુનાગઢ જિલ્લામાં આજે બપોર પછી મેઘરાજાએ કેશોદમાં અઢી ઈંચ પાણી વરસાવી દીધું હતું. કેશોદ અને આસપાસનાં ગ્રામ્ય પંથકોમાં સારા વરસાદને પગલે ખેતરો અને નાળાઓમાં પાણી વહી નીકળ્યા હતા.જ્યારે તાલાલામાં પણ એક ઈંચ વરસાદ પડી ગયો હતો. જુનાગઢમાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું. ફલ્ડ કંટ્રોલમાં સવારનાં ૮ થી સાંજનાં ૮ સુધીમાં કેશોદમાં ૬૦ મીમી, તાલાલામાં ૨૫ મીમી, જુનાગઢમાં ૧૩ મીમી, કોડીનારમાં ૬ મીમી, માંગરોળમાં ૪ મીમી, વેરાવળમાં ૩ મીમી અને માણાવદરમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે. સોરઠમાં હજુપણ વરસાદી વાદળો ઘેરાયેલા છે. અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે.સારા વરસાદથી સોરઠનું પાક-પાણીનું ચિત્ર ઉજળુ બન્યું છે. ખેડૂતો પણ ખેતીકાર્યમાં ઉમંગથી લાગી ગયા છે. અષાઢી બીજનું શુકન મેઘરાજાએ સાચવતાં લોકોમાં નવી આશાનો સંચાર થયો છે.


જામનગરમાં મેઘાનું ઝમાઝમ :ત્રણ કલાકમાં ત્રણ ઇંચ

સવારે ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં ચોમેર પાણી-પાણી : ખંભાળિયા, ધ્રોલમાં ઝાપટાં : લાખોટા તળાવ અને નવ જળાશયોની પાણીની સપાટીમાં વધારો.જામનગરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવતા શુક્રવાર સવારે ત્રણ કલાકમાં ત્રણ ઇંચ ઝમાઝમ વરસાદથી ચોમેર પાણી-પાણી થઇ ગયું હતું. ખંભાળિયા અને ધ્રોલમાં ઝાપટા પડ્યા હતાં તો અન્ય તાલુકાઓમાં છુટાછવાયા છાંટા પડ્યા હતા. વરસાદને કારણે લાખોટા તળાવ અને નવ જળાશયોમાં પાણીની આવકથી સપાટીમાં વધારો થયો છે.હાલારમાં અષાઢી માહોલ વચ્ચે ગઇકાલે ધ્રોલમાં દોઢ, જામનગરમાં સવા ઇંચ વરસાદ અને અન્ય તાલુકાઓમાં ઝાપટા પડ્યા હતાં. આ સિલસિલો આજરોજ પણ યથાવત રહ્યો હતો. જામનગરમાં સવારે ૬ વાગ્યાની આસપાસ ભારે મેઘાડંબર વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી હતી. ત્યારબાદ ધીમે-ધીમે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સવારે ૭ થી ૧૦ એટલે કે ત્રણ કલાકમાં ત્રણ ઇંચ પાણી વરસી ગયું હતું.આથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં. સવારે મેઘરાજાના આગમનથી શાળાએ જતાં બાળકોને ખુબ જ મુશ્કેલી પડી હતી તો ધંધા-રોજગાર પર જતાં લોકો ભીંજાઇ ગયા હતાં. બીજીબાજુ વહેલી સવારે ઝમાઝમ વરસાદથી યુવાનો અને ભુલકાઓએ ન્હાવાની મોજ માણી હતી.
શહેર ઉપરાંત ખંભાળિયા અને ધ્રોલમાં ગરમી અને બફારા વચ્ચે સવારે વરસાદના ઝાપટા પડ્યા હતાં. જ્યારે અન્ય તાલુકાઓમાં છાંટા પડ્યાના અહેવાલો મળ્યા છે. જિલ્લામાં વરસાદને પગલે લાખોટા તળાવમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. તો અન્ય નવ જળાશયોમાં નવા નીર આવતાં પાણીની સપાટીમાં વધારો થયો છે.જેમાં કંકાવટી ડેમમાં સૌથી વધુ ૪ ફુટ સપાટી વધતા કુલ સપાટી ૧૧.૮૦ ફુટે પહોંચી છે. આ ઉપરાંત શહેરને પાણી પુરૂ પાડતા સસોઇ અને રણજીતસાગર ડેમ તથા રૂપારેલ અને ખોડાપીપર ડેમની સપાટી નહીંવત વધી છે. ફુલઝર-૧માં અડધો ફુટ, વીજરખીમાં પોણો ફુટ, ઉંડ-રમાં ૧.૩૧ ફુટ અને ખોડાપીપરમાં ૧ ફુટ પાણીની આવક થઇ છે.મોસમનો કુલ વરસાદ જામનગર-શહેર ૫૩૦કાલાવડ ૨૯૮ખંભાળિયા ૩૫૬ભાણવડ ૩૦૫લાલપુર ૩૮૭જામજોધપુર ૩૧૦દ્વારકા ૩૬૯ધ્રોલ ૧૩૨જોડિયા ૧૯૫કલ્યાણપુર ૩૧૯.જામ્યુકોની પોલ ખોલતા મેઘરાજા - જામનગરમાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી પંચેશ્વર ટાવર, નદીપા, જયશ્રીટોકીઝ, લીમડાલાઇન, આણદાબાવા ચકલો, જલાની જાર સહીતના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતાં લોકોમાં ભારે રોષની લાગણી
ફેલાઇ હતી


રૂપેણબંદરના માછીમારી ઉદ્યોગ પર જોખમ

રૂપેણબંદરના માછીમારોને વહેલી તકે નવી હોડીના કોલ નહીં આપવામાં આવે તો.છેલ્લા ત્રણ વર્ષથી સંબંધિત વિભાગો દ્વારા સતત ઉપેક્ષા : ફશિરીઝ વિભાગની જોગવાઇથી બેવડાતી મુશ્કેલી.રૂપેણબંદરના માચ્છીમારોને વહેલી તકે હોડીના નવા કોલ નહીં આપવામાં આવે તો માચ્છીમારી ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ માછીમાર સમાજે વ્યક્ત કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે સંબંધિત વિભાગોને રજુઆત કરવા છતાં સતત ઉપેક્ષા દાખવવામાં આવી છે. આ સ્થિતિમાં ફશિરીઝ વિભાગની નવી જોગવાઇથી માછીમારોની મુશ્કેલી બેવડાઇ છે.દ્વારકા નજીક આવેલા રૂપેણબંદર વિસ્તારના માછીમારો દ્વારા નવી હોડી માટેના કોલ મેળવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહયા છે અને સંબંધિત વિભાગને અવાર-નવાર રજુઆતો પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. આથી નવા કોલ મેળવવા માટે સાગર રૂપેણ માછીમાર સમાજના પ્રમુખ સતારભાઇ ભરૂચાએ ફશિરીઝ કમિશનરને રજુઆત કરી છે. જેમાં જણાવ્યાનુસાર માછીમારીની સીઝન આગામી ૧૫ ઓગષ્ટથી શરૂ થવાની છે. જેને હવે ગણતરીના દિવસો બાકી છેદ્વારકાના રૂપેણબંદર ખાતે નવી હોડી ધરાવનાર માછીમારો છેલ્લા ત્રણ વર્ષથી કોલ મેળવવા માટે પ્રયાસો કરી રહયા છે. પરંતુ સંબંધિત વિભાગ દ્વારા કોઇ સંતોષકારક જવાબ મળ્યો નથી. હાલમાં જ્યારે નવા કોલ બનાવવા માટે માછીમારો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહયા છે. ત્યારે ફશિરીઝ વિભાગ દ્વારા માત્ર ૩૨ ફુટની લંબાઇવાળી હોડીના માલીકોને નવા કોલ ઇસ્યુ કરવામાં આવશે તેમ જણાવાયું છે. પરંતુ રૂપેણબંદરમાં મોટાભાગના માછીમારો ૩૩ થી ૩૭ ફુટની લંબાઇવાળી હોડી ધરાવે છે.રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાવી આપતા અને પોતાની જાનના જોખમે દરિયામાં માછીમારી કરવા જતાં માછીમારોને જો સામાન્ય કોલ મેળવવામાં પણ આટલી મુશ્કેલી પડતી હોય તે કેટલે અંશે વાજબી ગણાય ? અગાઉ રૂપેણબંદર વિસ્તાર ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક હતો અને માછીમારોના તમામ પ્રશ્નો ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક રજુ થતાં ત્યારે સરળતા હતી. પરંતુ જયારથી ફશિરીઝ વિભાગ પાસે આ કામગીરી આવી છે.

ત્યારથી કોલ સંબંધી કોઇપણ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવી નથી. માત્ર માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા નાના અને ગરીબ માછીમારોને તાત્કાલીક અસરથી નવા કોલ નહીં મળે તો હેરાન થઇ જશે અને માછીમારોનો ઉદ્યોગ ભાંગી પડશે તેવી ભીતિ પ્રમુખે વ્યક્ત કરી છે.


25 લાખ મુસ્લિમોની ફેસબુક છોડવાની ધમકી

ફેસબુક પરથી અમુક ખાસ ઈસ્લામિક સામગ્રી હટાવવામાં આવતા નારાજ થયેલા 25 લાખ મુસ્લિમોએ સોશિયલ નેટવર્કિંટ વેબસાઈટને છોડવાનો નિર્ણય કર્યો છે.ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે વેબસાઈટ પરથી ખૂબ લોકપ્રીય પેજોને હટાવવામાં આવતા મુસ્લિમ સમાજ નારાજ થયો છે. તેમજ ફેસબુકના અનેક પેજ પર એક સંદોશો મુકવામાં આવ્યો છે, જેમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકેરબર્ગ પર 25 લાખથી વધારે મુસ્લિમોની ભાવનાની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોતાના સંદેશમાં મુસ્લિમોએ દૂર કરવામાં આવેલા પેજને ફરીથી મુકવાની તેમજ ઈસ્લામ વિરોધ કોમેન્ટને લઈને નવા નિયમો બનાવવાની માગણી કરી છે. મુસ્લિમોએ એવી પણ માગણી કરી છે કે તે ઈસ્લામ વિરોધ પ્રતિકો બાબતે કડક નિયમો બનાવે, તેમજ આવા પ્રતિકો દર્શાવતા પેજને દૂર કરવામાં આવે.જ્યારે ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આઈ લવ મુહમ્મદ અને કુરાન લવર્સને એટલા માટે દૂર કરવામાં આવ્યા છે કારણ કે તે સ્પામનું કામ કરતા હતાં. જે કંપનીના નિયમોની વિરુદ્ધ છે.



સાવરકુંડલા પાસે ત્રણ ખેડૂત ગાડાં સાથે તણાયા

એક ખેડૂત મહામહેનતે કાંઠે પહોંચી શક્યો: એક બળદ પણ બચી ગયો, સાવરકુંડલાથી ૧૦ કિ.મી. દૂર આવેલા મોલડી ગામ પાસેની ઇટિયો નદીમાં શુક્રવારની બપોરે અઢી વાગ્યાની આસપાસના સમયે ત્રણ ખેડૂત બળદગાડા સાથે પાણીમાં તણાઇ ગયા હતા. જો કે એક ખેડૂત મહામહેનતે કાંઠે પહોંચી શકતા તેમનો જીવ બચી ગયો હતો. બે ખેડૂત લાપતા બનતા અમંગળ આશંકા જોવાઈ રહી છે. જ્યારે પાંચ બળદ પણ મોતને શરણ થયા હોવાના અહેવાલ મળે છે.મોલડીની ઉપરવાસના ગામડાંમાં અંદાજે ચારેક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય ઇટિયો નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને પોતાના ઘર તરફ જઇ રહેલા ખેડૂતો ત્રણ બળદગાડા સાથે ધસમસતા પૂરમાં તણાઇ ગયા હતા.મોલડી ગામમાં રહેતા લાલજીભાઇ પરમાભાઇ ડોબરિયા, કાળુભાઇ જીવાભાઇ સાવલિયા અને કાળુભાઇ ભીમાભાઇ સાવલિયા બળદગાડા લઇને મોલડી ગામની સીમમાંથી ઘર તરફ આવી રહ્યા હતા. આ સમયે ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. નદીમાં પાણી વહેતું હતું પરંતુ તણાઇ જવાની કોઇ શક્યતા ન હતી. ત્રણેય ખેડૂત નદીની વચ્ચોવચ્ચ પહોંચ્યા ત્યારે અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને જોતજોતામાં ત્રણેય ગાડા સાથે તણાવા લાગ્યા હતા, અને પલકવારમાં માથાં ઉપરથી પાણી વહી ગયું હતું.કાળુભાઇ ભીમાભાઇ નામના ખેડૂત મહામહેનતે કાંઠે પહોંચી શક્યા હતા. જો કે લાલજીભાઇ ડોબરિયા અને કાળુભાઇ જીવાભાઇ સાવલિયા પાણીમાં તણાઇ ગયા હતા. પાંચ બળદ પણ ગાડા સમેત પૂરમાં ગરક થઇ ગયા હતા. લાપતા બીજા ખેડૂતની શોધખોળ માટે ગ્રામજનો નદીકાંઠે ઊમટી પડ્યા હતા. પરંતુ મોડીરાત સુધી તેમનો કોઇ પતો લાગ્યો ન હતો.સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, મોલડી ગામની બાજુમાં જ આવેલા ઝીંઝુડા અને આસપાસના વિસ્તારોમાં અંદાજે ચાર ઇંચથી વધુ વરસાદ ગણતરીની કલાકોમાં પડી ગયો હતો અને આ કારણોસર ઇટિયો નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને ત્રણેય ખેડૂત ગાડા સમેત તણાઇ ગયા હતા.સાવરકુંડલામાં આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. બરોબર આ સમયે જ મેઘરાજાએ પણ અમીવર્ષા કરી એક ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. જોકે ખારાપાટ કહેવાતા નાના-મોટા ઝીંઝુડા, અમૃતવેલ, ધાર, કેરાળા, ભુવા અને જૂના સાવર સુધીના ગામડાંઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો આથી ઇટિયો સહિતની નદીઓમાં પૂર આવ્યા હતા.રાજકોટ : સૌરાષ્ટ્રને હજી પીવાના પાણીની કટોકટી કનડી રહી છે ત્યારે હજુ જળાશયો તૃપ્ત થાય તેવો વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગની આગાહી મુજબ હવે રાજ્યમાં ચોમાસું જામવાના સંકેત વચ્ચે આગામી ૩૬ કલાકમાં ભારેથી અતભિારે વરસાદની સંભાવના છે.ગત સપ્તાહે વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ફક્ત છુટો છવાયો વરસાદ નોંધાયો ત્યારે આજે સમગ્ર રાજ્ય પર વાદળોની જમાવટ થતા મોડી સાંજે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં વરસાદી માહોલ સર્જાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમી તટે વ્યાપક વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે આગામી ૪૮ કલાકમાં ગુજરાત, અંતરિયાળ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પર સચરાચર ભારે વરસાદની સંભાવના છે.


'ઇશરત કેસની સી. બી. આઇ. તપાસ સામે પણ વાંધો નથી'

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ, સીટ કે અન્ય કોઈ પણ પ્રકારની તપાસ સામે અમને વાંધો નહીં હોવાની રજુઆત પોલીસ અધિકારી જી.એલ. સિંઘલ વતી તેના એડ્વોકટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. બીજી તરફ ગોપીનાથ પિલ્લાઈ વતી એવી રજુઆત કરવામાં આવી હતી કે ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન રાજ્યમાં થયેલાં છ એન્કાઉન્ટરના સમર્થનમાં આતંકવાદીઓ મુખ્યમંત્રી મોદીની હત્યા કરવા માટે આવ્યા હોવાની વાત કહેવામાં આવી છે, ત્યારે રાજ્યના વડા તરીકે મુખ્યમંત્રી મોદીએ જ આ તમામ બનાવોની તપાસ માટે સમિતિ નિમવી જોઈતી હતી. જો કે તેમણે આ બાબતે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી.બીજી તરફ તમાંગનો રિપોર્ટ રદ કરવાની માગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરનારા પોલીસ અધિકારી જી.એલ. સિંઘલના એડ્વોકેટ નિરૂપમ નાણાવટીએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે, અમને માત્ર મેજિસ્ટ્રેટ તમાંગના રિપોર્ટ સામે વાંધો છે. આ તપાસ તેમના ન્યાય અધિકાર ક્ષેત્રમાં નથી આવતી. તેમના દ્વારા માત્ર ગોપીનાથ પિલ્લાઈનું નિવેદન નોંધ્યું હતું. તેમણે તપાસ અધિકારી, તબીબ કે અન્ય કોઈને પણ નિવેદન માટે બોલાવવાની તસદી લીધી ન હતી. પોલીસે ક્યા બદ્ઇરાદા માટે એન્કાઉન્ટર કર્યું તેના કોઈ પુરાવા નથી. તમાંગ રિપોર્ટમાં કહેવાયું છે કે પોલીસે નાળિયેર પ્લાન્ટ કર્યા છે, જ્યારે ગોપીનાથ પિલ્લાઈએ તેની એફિડેવિટમાં પણ કહ્યું છે કે તેમણે જાવેદનાં સંતાનો માટે તેને નાળિયેર આપ્યાં હતાં.ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં જાવેદના પિતા ગોપીનાથ પિલ્લાઇ વતી રજુઆત કરતાં એડ્વોકેટ મુકુલ સિંહાએ જણાવ્યું હતું કે, રાજકીય હસ્તક્ષેપને કારણે રાજ્યની તપાસ એજન્સી આ કેસમાં યોગ્ય તપાસ કરી શકશે નહીં. પોલીસની એક એજન્સીએ કાયદાનું ઉલ્લંઘન કરીને એન્કાઉન્ટર કર્યું છે, ત્યારે બીજી એજન્સી તેમાં યોગ્ય તપાસ કરશે તે સંદેહાસ્પદ છે. એસીપી પરીક્ષિતા ગુર્જર દ્વારા પણ યોગ્ય તપાસ થઇ નહીં હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન થયેલાં છ એન્કાઉન્ટર પૈકી ત્રણ બનાવટી હોવાનું બહાર આવ્યું છે અને તેમાં પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સોહરાબુદ્દીન, કૌસરબી અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે.તેમણે એવી પણ રજુઆત કરી હતી કે, આતંકવાદીઓ મુખ્યમંત્રી મોદીની હત્યાના ઇરાદે આવ્યા હતા. તેથી તમામ એન્કાઉન્ટરની તપાસ કરવા એક સમિતિ રચવી જોઈતી હતી, પરંતુ તેમણે કોઈ તપાસ માટે આદેશ આપ્યો નથી. જો આતંકવાદીઓ મુખ્યમંત્રીની હત્યા માટે આવ્યા હોય તે સાચું હોય તો પણ તે દેશ માટે ખતરો છે અને જો એન્કાઉન્ટર બનાવટી હોય તો પણ તે દેશ માટે ખતરાસમાન છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ૧૧મી જુન ૨૦૦૪ના રોજ ગુજરાત પોલીસ પુના ગઈ હતી અને તેમણે જે કારમાં જાવેદ ગયો હતો તે કારના ગેરાજવાળાની પૂછપરછ કરી હતી, તેથી ૧૧મીથી જ જાવેદ પોલીસના કબજામાં હતો.


IMAમાં સરેરાશ ૨૬ લાખના પગારનું પેકેજ

પીજીપીએક્સ પ્લેસમેન્ટમાં ગત વર્ષ કરતાં ૨૯ ટકા વધુ વાર્ષિક સેલેરી પેકેજ,૨૦૧૦ની બેચના ૬૬ વિદ્યાર્થીમાંથી ૬૪ની નિમણુંક, સૌથી વધુ નોકરીઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને આઇટી-આઇટીઇએસ ક્ષેત્રે અપાઈ આઇઆઇએમ-એનાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એક્ઝિક્યુટિવ્ઝ-પીજીપીએક્સની ચોથી બેચની પ્લેસમેન્ટ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પડી હતી. ૨૦૧૦ની બેચના કુલ ૬૬ વિદ્યાર્થીઓમાંથી ૬૪ની નિમણૂક કરવામાં આવી હતી. ગયા વર્ષ કરતાં ૨૯ ટકા વધારે એમ ૨૬.૧લાખનું સરેરાશ વાર્ષિક સેલરી પેકેજ વિદ્યાર્થીઓને ઓફર થયું હતું.પીજીપીએક્સની બેચમાં રિક્રુટર તરીકે એક્સિસ બેંક, ટીસીએસ, આઇબીએમ, વિપ્રો, મહિન્દ્રા સત્યમ, એચસીએલ, મેક.કિન્સી, પોલારિસ, હીરોહોન્ડા, આરપીજી, આરઆઇએલ, ટેસ્કો જેવી કંપનીઝ ઉપરાંત નાના-મધ્યમ કદના ઉદ્યોગોની પણ હાજરી હતી. આઇટી, આઇટીઇએસ, કન્સલ્ટિંગ બેચના પસંદગનાં ક્ષેત્ર હતાં પરંતુ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઓપરેશન્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, કન્સલ્ટિંગનાં ક્ષેત્રોમાં સૌથી વધુ પ્લેસમેન્ટ થયાં. બેચના વિદ્યાર્થીઓમાં દસ વર્ષના અનુભવી તથા પાંચ વર્ષ વિદેશમાં કામનો અનુભવ ધરાવતા વિદ્યાર્થીઓ હતા.સીઇઓ, વીપી, જીએમ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેવા પદની ઓફર્સ વિદ્યાર્થીઓને મળી હતી. સૌથી વધુ નોકરીઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટના પદની તથા આઇટી-આઇટીઇએસ ક્ષેત્રે ઓફર થઇ હતી.


વડોદરામાં પાકિસ્તાનના ધ્વજને આગ

ભારત અને પાકિસ્તાનના વિદેશમંત્રીની ઇસ્લામાબાદ ખાતે મંત્રણા દરમિયાન પાકિસ્તાનના વિદેશમંત્રીએ કાશ્મીરના મુદ્દે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સામે આજે એ.બી.વી.પી.ના વિદ્યાર્થીઓએ મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પાકિસ્તાનનો ધ્વજ અને પાકિસ્તાનના વિદેશમંત્રીનું પૂતળું બાળીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.


વડોદરા : આગામી માસથી ૨૦ હજાર ગેસ જોડાણ માટે ફોર્મ મળશે

શહેરમાં પાઇપલાઇનથી રાંધણગેસનો પુરવઠો મેળવવા ઇચ્છુક નાગરિકો માટે આનંદના સમાચાર એવાં છે કે આગામી મહિનાથી વધારાનાં ૨૦ હજાર કનેકશનો માટેનાં ફોર્મના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે.મહાનગર સેવાસદનના ગેસ પ્રોજેક્ટ વિભાગ અને ગેઇલ ઇન્ડિયા લિ.નું જોઇન્ટ વેન્ચર કરીને નવી કંપનીના ગઠનને આગળ ધપાવવાની દિશામાં દિલ્હી ખાતે સાંસદ મેયર બાળુ શુક્લ, ગેસવિભાગના પ્રોજેક્ટ એન્જિનિયર શૈલેશ નાયક, ગેઇલના એક્ઝિકયુટિવ ડાયરેકટર(માર્કેટિંગ) જે.વાસન અને જનરલ મેનેજર એસ પી શર્માની સંયુક્ત બેઠક મળી હતી.જેમાં, વડોદરાવાસીઓને ગેસનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તદુપરાંત, સી એન જી સ્ટેશનો ઊભાં કરવા વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેથી, ઓગસ્ટ માસ સુધીમાં, વડોદરા શહેરને વધારાનાં આશરે ૨૦ હજાર કનેકશનો આપવા માટેનાં ફોર્મના વિતરણની કામગીરી શરૂ કરી શકાશે વધુમાં, શહેરમાં ત્રણ નવાં સી એન જી સ્ટેશનો સ્થાપવા માટે મળેલી સૈદ્ધાંતિક મંજૂરીની કામગીરી કરવા માટે ગેઇલ અને સેવાસદને સંમતિ આપી હતી.


કચ્છ કોરું : આગમી બે ત્રણ દિવસમાં મેઘમહેર ન થાય તો પાક નિષ્ફળ જવાની ભીતિ

ગુરુવારે પૂર્વ કચ્છને પલાળનાર મેઘ મહારાજે શુક્રવારે પોરો ખાતાં આકાશભણી મીટ માંડી સચરાચર વરસાદની રાહ જોતા કિસાનોની ઇંતેજારી લંબાઇ હતી. જોકે ભુજ સાંજે ૬ વાગ્યાના અરસામાં જોરદાર ઝાપટું પડતાં માર્ગો ભીંજાયા હતા.ભુજમાં અનુભવાયેલા બફારા બાદ સાંજે પડેલા ઝાપટાંને બાદ કરતાં આખો દિવસ કોરો રહ્યો હતો. તે સાથે તાપમાનનો પારો ૩૬.૪ જેટલો નોંધાતા સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે ગરમી વર્તાઇ હતી.જિલ્લાભરમાં રહેલાં તડકી-છાયડીના વાતાવરણ વચ્ચે જોઇએ તેવો મેઘ માહોલ ન રચાતાં અગાઉના વરસાદ બાદ વાવણી કરી ચૂકેલા ધરતીપુત્રો થોડા ચિંતિત બન્યા છે. દિવસ દરમિયાન પડતા તાપના કારણે પાક મૂરઝાય તે પહેલાં મન મૂકીને મેઘો વરસે તેવું ધરતી પુત્રોની સાથે કચ્છવાસીઓ ઇચ્છી રહ્યા છે.બીજી બાજુ આગામી બે-ત્રણ દિવસમાં સચરાચરો વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ કિસાનો વ્યક્ત કરી રહ્યા છે. પદ્ધર, કુકમા, શેખપીર, ભુજોડી સુધી અડધો ઇંચ પાણી પડ્યું હતું.


ભુજ : શનિવારે અદાણી જુથના ચેરમેન મેડિકલ કોલેજની મુલાકાત લેશે

અદાણી જુથના સર્વેસવૉ આવતીકાલે શનિવારે પ્રથમ વખત ભુજની મુલાકાતે આવી રહ્યા છે. ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા આયોજિત બિઝનેસ મીટમાં કચ્છમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચામાં ભાગ લેશે.આ પૂર્વે તેઓ સીધા મેડિકલ કોલેજ પરિસર જોવા જવાના છે.ચેમ્બર પ્રમુખ રાજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર દર વર્ષે યોજાતા વાણિજિયક પરિસંવાદ અંતર્ગત આ વખતે દેશના ટોચના ઉદ્યોગપતિઓની હરોળમાં આવતા ગૌતમભાઇ અદાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે.તેઓ સવારે ૧૦ વાગ્યે હવાઇ માર્ગે ભુજ આવીને જનરલ હોસ્પિટલ સ્થિત ગુજરાત અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે જશે. તેમની બિઝનેસ મીટમાં વચ્ચે ઉપસ્થિતિ દરમિયાન સામાજિક જવાબદારી વિશે પણ ચર્ચા કરશે.


થાણે મેયર મેરેથોનમાં ૩૦ હજારથી વધારે સ્પર્ધકો ભાગ લેશે

થાણે મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરાયેલી ૨૧મી મેયર મેરેથોનને હરીફોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ૩૦ હજાર, ૧૫૪ સ્પર્ધકોએ નામ નોંધાવ્યાં છે. આમાં અનેક રાષ્ટ્રીય દોડવીરોએ પણ હિસ્સો લીધો છે. આ વખતે સ્પર્ધાના ચાર દિવસ અગાઉ જ ગયા વર્ષના સ્પર્ધકોની સંખ્યાને પાછળ પાડી દીધી છે. ગયા વર્ષે ૩૦ હજાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ વર્ષે સ્પર્ધામાં દત્તાત્રેય જયભાઈ, નવીન હુજા, અમોલ ફનેg, દિનેશ કુમાર, કાલિદાસ દહિફુલે, પ્રકાશ ભોસલે, દીપક કુમાર, સાગર દળવી, પ્રકાશ પુરે, પુરુષોત્તમ ભોયે, પારસકુમાર, અશોક કુંભારે, ચિતપ્પા એસ. નીલમ કદમ, રેશમા પાટીલ, ગીતા રાણી, સંગીતા યાદવ, વિજયમાલા પાટીલ, રાજશ્રી પાટીલ, રૂપેન્દર કૌર, સુપ્રિયા પાટીલ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા ખેલાડી હિસ્સો લેશે. સ્પર્ધાના હરીફો પર્યાવરણનો સંદેશો લઈને દોડવાના છે અને લગભગ ૩૫ હજાર સ્પર્ધક હિસ્સો લેશે એવો વિશ્વાસ મેયર વૈતીએ વ્યક્ત કર્યો હતો.મેરેથોનના દિવસે એટલે કે રવિવારે ૧૮ જુલાઈના થાણે મહાપાલિકા અને થાણે જિલ્લા હૌશી એથ્લેટિક સંઘટનાના સંયુક્ત સહકારથી બદલાપુરથી થાણે અને થાણેથી બદલાપુર એમ વિશેષ લોકલ દોડશે.


કર્ણાટક : બેલગામ, ૮૬૫ ગામડાંને કેન્દ્રશાસિત બનાવવા સામે ભાજપનો વિરોધ

કર્ણાટકના સીમાવર્તી બેલગામ શહેર અને ૮૬૫ ગામડાં અંગે સર્વોચ્ચ અદાલત નિર્ણય લે એટલા વખત માટે એ પ્રાંતને કેન્દ્રશાસિત જાહેર કરવાની માગણી સામે ભાજપના મહારાષ્ટ્ર એકમે વિરોધ નોંધાવ્યો હતો.વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસેએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘‘કેન્દ્રશાસિત પ્રદેશ બને એટલે કેન્દ્ર સરકારનું શાસન આવે અને કેન્દ્ર સરકાર પહેલેથી જ કર્ણાટક તરફી રહી છે. તેથી એ પ્રાંતને કેન્દ્રશાસિત બનાવવાથી કોઈ હેતુ નહીં સરે. તે ઉપરાંત કેન્દ્રના હાલના કાયદા પ્રધાન કન્નડભાષી વીરપ્પા મોઈલી છે.તેથી આ માગણી કરીને આખો વિવાદિત પ્રાંત કેન્દ્રને સોંપી દેવા જેવું બને અને કેન્દ્ર સરકારને મહારાષ્ટ્ર માટે કોઈ સહાનુભૂતિ નથી. કોઈપણ પૂર્વશરત વિના બેલગામ શહેર અને ૮૬૫ ગામડાં મહારાષ્ટ્રમાં ભેળવી દેવાય એ જ મહારાષ્ટ્ર ભાજપની માગણી છે.’’ એમ પણ ખડસેએ જણાવ્યું હતું.ગુરુવારે દિલ્હીમાં વડાપ્રધાન મનમોહનસિંહ સાથેની મુલાકાત દરમિયાન વિવાદિત પ્રદેશને કેન્દ્રશાસિત જાહેર કરવાની માગણીનો સમાવેશ કરાયો નહીં હોવાના અહેવાલોને નકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘અમે પોતે તેનો વિરોધ કરીએ છીએ.’ખડસેએ જણાવ્યું હતું કે ‘‘ કર્ણાટકમાં મરાઠીભાષી લોકો પર અત્યાચાર રોકવા માટે વડા પ્રધાનની મધ્યસ્થી પોલીસના અત્યાચારો અંગે માનવહક ભંગ વિશે તપાસ યોજવા અને આ વિવાદમાં કેન્દ્ર સરકારને તટસ્થ વલણ અખત્યાર કરવાના મુદ્દાના કેન્દ્ર સરકાર માટેના આવેદનપત્રમાં સમાવેશ અંગે વિધાનસભામાં ઠરાવ પસાર કરાયો હતો અને એ ઠરાવને સર્વ સંમતિથી વળગી રહેવાનો નિર્ણય લેવાયો હતો.’’

મહેસાણા : પાણી ન મળતાં રહીશોનો પાલિકામાં હલ્લો

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં હાઈવે સ્થિત સ્વાગત બંગલોઝમાં છેલ્લા આઠ દિવસથી પાણી ન મળતું હોઈ મહિલાઓ સહિત રહીશોએ શુક્રવારે પાલિકામાં ધસી આવી ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે, પાલિકાનાં ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો. મહેસાણાના નાગલપુર હાઈવે પર જયોતિ પેટ્રોલ પંપ પાસે આવેલા સ્વાગત બંગ્લોઝમાં પાલિકાના ટ્યુબવેલ ઉપરથી પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે, અપૂરતો આવતો પાણી પુરવઠો છેલ્લા આઠ દિવસથી તો બિલકુલ બંધ થઈ જતાં ૪૯ જેટલાં મકાનોના રહીશોને પારવાર મુશ્કેલીઓ ઊભી થઈ છે.પાયાની જરૂરીયાત એવા પાણીથી આઠ-આઠ દિવસથી વંચિત રહીશોને પૈસા ખર્ચીને પાણીનાં ટેન્કર મંગાવવાં પડે છે. પાણીના કકળાટથી ત્રાસેલી આ સોસાયટીની મહિલાઓ સહિત રહીશો શુક્રવારે બપોરે રેલી સ્વરૂપે મહેસાણા પાલિકામાં ધસી આવ્યા હતા અને ચીફ ઓફિસર સમક્ષ રોષ ઠાલવી ઉગ્ર રજુઆતો કરી હતી.જેને પગલે ચીફ ઓફિસરે પાલિકાના એન્જીનિયર સહિતની ઉપસ્થિતિમાં જરૂરી કાર્યવાહી કરીને તેમને નિયમિત પાણી પૂરું પાડવાની કાર્યવાહી ઝડપી બનાવવાનાં સૂચનો કર્યા હતાં અને હાલ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રોજ ત્રણ સમયે બે-બે ટેન્કર પાણી પાલિકા દ્વારા મોકલવાની બાંહેધરી આપી હતી. સ્વાગત બંગ્લોઝમાં સર્જાયેલી પાણીની આ સમસ્યા અંગે પાલિકાના એન્જીનિયરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણી પૂરું પાડતા બોરમાં ખામી સર્જાઈ છે જેનું સમારકામ ચાલુ છે અને પૂર્ણ થઈ જતાં પુરવઠો શરૂ થઈ જશે.

No comments:

Post a Comment