13 July 2010

જગતનો નાથ આજે માર્ગો પર મહાલશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



જગતનો નાથ આજે માર્ગો પર મહાલશે

અષાઢી બીજે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ પ્રેમ અને શ્રદ્ધાના રથ પર સવાર થઈ લોકોમાં ભાવ અને ભક્તિ જગાડવા માટે નગરયાત્રા કરશે. મંગળવારે અષાઢી બીજ અને પુષ્યનક્ષત્રનો વિરલ યોગ ઘણાં વર્ષો બાદ આવ્યો છે. જહાંગીરપુરાના ઈસ્કોનમંદિર, મહિધરપુરાના ઘોડિયા બાવા મંદિર, અમરોલીના લંકાવિજય હનુમાન મંદિર, પાંડેસરાના જગન્નાથ મહાપ્રભુ મંદિર અને સચિનના કનકપુર જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું છે. શહેરમાં વિવિધ પાંચ સ્થાનક દ્વારા નીકળનારી રથયાત્રામાં ઈસ્કોન મંદિર, જહાંગીરપુરાની રથયાત્રા મુખ્ય રહેશે.રથયાત્રા અંગે ઈસ્કોન મંદિરના સ્વામી વૃંદાવનદાસે જણાવ્યું હતું કે ભગવાનની આ ૧૭મી રથયાત્રા માટે સિંહાસન બનાવાયું છે, ફૂલહાર અને રોશનીનો શણગાર કરાશે તથા રાત્રે ૨૦ હજારથી વધુ લોકો માટે મહાપ્રસાદી બનાવાશે. આરતી બાદ રથયાત્રા બપોરે ૨ કલાકે સુરત સ્ટેશન પરથી રિંગ રોડ પર મજૂરાગેટ, અઠવાગેટથી સરદાર બ્રિજ થઈ જહાંગીરપુરા ખાતે ૧૩ કિમી અંતર કાપીને પહોંચશે.શહેરના અગ્રણી મહાનુભાવો અને દેશવિદેશના ૪૦ હજારથી વધુ ભક્તો રથયાત્રામાં ઉપસ્થિત રહેશે. સુરતમાં રથયાત્રા ઈસ્કોન મંદિર દ્વારા ૧૯૯૪થી શરૂ થઈ હતી.રથયાત્રાના ચાર પૈડાંવાળા રથની લંબાઈ ૧૬ ફૂટ, ઊંચાઈ ૨૪ ફૂટ અને પહોળાઈ ૧૦ ફૂટ છે. રથને ખેંચવામાં વપરાતું દોરડું દર બે વર્ષે નવું લાવવામાં આવે છે. ભગવાનને રેલવે સ્ટેશન પાસે રથમાં લઈ જઈ ફૂલોનો શણગાર, રોશનીનો શણગાર કરી સિંહાસન પર બિરાજમાન કરાશે. બીજા રથ પર ભગવાનની ગોવર્ધનલીલાને તાદ્દશ કરવામાં આવી છે.


રાજકોટ : લોકોના ઘરે પાણી નહીં મળે તો અધિકારીઓના બંગલે પણ નહીં

રાજકોટ મનપાના નપાણિયા તંત્રવાહકોએ ભરચોમાસે ઝીંકેલા પાણીકાપના વિરોધમાં આજે શહેર કોંગ્રેસે મ્યુનિ. કમિશનર અને કલેક્ટર બન્નેને આવેદન આપી કમિશનર સહિતના મનપાના અધિકારીઓ અને મેયર સહિતના પદાધિકારીઓનાં નળ કનેકશન ગમેત્યારે ઉખેડી ફેંકાશે એવી ખુલ્લી ચીમકી આપી હતી. રાજકોટના પાણી પ્રશ્ને કોંગ્રેસનો મોરચો ગાંધીનગર ગજાવવા જશે અને આ માટે સમય મેળવી દેવાની માગણી સાથે આવેદન આપ્યું હતું.પાણીકાપનું નવું ટાઇમટેબલ હાલ બની રહ્યું છે અને એ પૂર્વે પાણીકાપની દરખાસ્તને વહીવટી મંજૂરી ન આપવાની માગણી સાથે આજે શહેર કોંગ્રેસ મ્યુનિ. કમિશનરને આવેદન આપ્યું હતું. આવેદનમાં એવી ખુલ્લી ચીમકી આપવામાં આવી હતી કે, જો પાણીકાપને વહીવટી મંજૂરી આપવામાં આવશે તો અધિકારીઓ અને પદાધિકારીઓના નળકનેકશન ઉખેડી ફંેકવામાં આવશે વધુમાં આક્રોશ વ્યક્ત કરાયો હતો કે, માત્ર આંગણીના વેઢે ગણી શકાય તેટલા દિવસો જ પૂરતું નર્મદા આવ્યું છે.સતત નર્મદાના ધાંધિયા વચ્ચે આજી ડેમની સ્થિતિ પહેલેથી જ ચિંતાજનક હોવા છતાં નર્મદાનો ખાંચો પૂરવા તેના પર વધુ ભારણ નખાયું અને પરિણામે ડેમ વહેલો ડૂકી ગયો. પણ બોલી બોલીને ફરી જવામા માનતા શાસકોના વાંકે જ પ્રજાને ભરચોમાસે પાણીકાપ સહન કરવાનો વખત આવ્યો છે.શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મનપાના વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર અશોક ડાંગર, મહેશ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શાંતાબેન ચાવડા, કાશ્મીરાબેન નથવાણી, કોર્પોરેટર અતુલ રાજાણી, રહીમ સોરા, દેવજીભાઇ ખીમસુરિયા, નવનીત વ્યાસ, પ્રવીણ સોરાણી વગેરેએ મ્યુનિ. કમિશનર ઉપરાંત કલેક્ટર સાથે પણ ચર્ચા કરી હતી અને ગાંધીનગર મુખ્યમંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રીને મળી શકાય તે માટે સરકારી રાહે સમય ગોઠવી આપવાની માગણી કરી હતી. જો સમય ફાળવવામાં નહીં આવે તો કોંગી કાર્યકરોનો કાફલો ગાંધીનગર ગજાવવા પહોંચી જશે એવી ચીમકી પણ આપી હતી.


રથયાત્રામાં વિલંબ : ભગવાનના રથની ધજા ક્ષતિગ્રસ્ત

ભગવાન જગન્નાથની ૧૩૩મી રથયાત્રા શરૂ થવામાં આશરે દોઢ કલાક જેટલો વિલંબ થયો હતો. આજે સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોનાની સવારણીથી ભગવાનના રથનો માર્ગ વાળીને સાફ કરવાની પહિંદ વિધિ કર્યા બાદ લગભગ દોઢ કલાકના ગાળા બાદ રથના પૈંડા આગળ ધપી શક્યા હતા. જ્યારે રથ મંદીરની બહાર નીકળીને જમાલપુર દરવાજા પાસે પહોંચ્યા ત્યારે જ ભગવાનના રથનો ઉપરના ભાગે આવેલી ધજા તૂટી પડતાં સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.સ્થળ ઉપર જ હાજર કારીગરોએ મહામહેનતે રથની ધજા રિપેર કરી દીધી હતી. જોકે, એક વ્યક્તિને ખાસ તકેદારીના ભાગરૂપે છતને હાથથી પકડીને ટેકવી રાખવા માટે બેસાડી દેવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, આ વખતે રથની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ધ્યાન અપાવામાં આવ્યું છે. રથની આગળ પાછળ આશરે ૫૦૦ પોલીસ જવાનોએ ઘેરો લગાવી દીધો છે, જેના કારણે કોઈ અનિચ્છનીય તત્વ રથને કે રથ સાથે સવાર મહાનુભાવોને કોઈ નુકસાન ન પહોંચાડી શકે.દરમિયાન રથયાત્રા તેના નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક મોડી ચાલી રહી હોવાના અહેવાલ મળ્યા છે. રથયાત્રામાં લોકો અભૂતપૂર્વ ધસારો જોતાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેના કારણે મુખ્યમંત્રીની પહિંદ વિધિ સંપન્ન થઈ એ પછી લગભગ સવારે નવ વાગ્ય સુધી રથ નીજ મંદીરથી બહાર નીકળી શક્યા નહોતા.લોકોના અભૂતપૂર્વ ધસારાને રથોની આગળ રવાના કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ લગભગ સવા નવ વાગ્યની આસપાસ રથ નીજ મંદીરમાંથી આગળ ચાલી શક્યા હતા.અષાઢ સુદ બીજ, તા.૧૩ જુલાઇ, મંગળવારે અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર ખાતે સવારે ૪.૧૦ વાગ્યે મંગળા આરતીનો પ્રારંભ થયો હતો. આ મંગળા આરતીના દર્શન માટે લોકો મધ્યરાત્રિ ૧૨ વાગ્યાથી જ આવી ગયા હતા. આ મંગળા આરતીમાં મંદિરના મહંત મહામંડલેશ્વર રામેશ્વરદાસજી મહારાજ, વિધાનસભાના અધ્યક્ષ અશોકભાઇ ભટ્ટ, ગૃહરાજ્યમંત્રી અમિતભાઇ શાહ, પંકજભાઇ પટેલ, ગિરીશ દાણી, નિરમાના રાકેશભાઇ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.ભવ્ય ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજીના દર્શન કરવા ભક્તો મધ્યરાત્રિથી જ આવી ગયા હતા. લગભગ ૫૦ હજારથી વધુ લોકોએ મંગળા આરતીના દર્શન કર્યા હતા. મંદિરના સામેના ભાગમાં ઉભા રહેવાની પણ જગ્યા નહોતી. આરતી શરૂ થયા પૂર્વે ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે’ના જયઘોષ થતા હતા.સવારે ૪.૧૦ વાગ્યે મંગળા આરતી સમયે ભગવાનનાં દર્શન થયા ત્યારે ‘જય જગન્નાથજી’ના જયઘોષથી સમગ્ર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. સવારથી જ રથયાત્રામય માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અનેક ભક્તો બહારગામથી પણ મંગળા આરતીના દર્શન કરવા આવ્યા હતા.



રાજકોટ :૧૫ ઓગસ્ટ માટે લોકફાળો ઉઘરાવવાનું નવું ગતકડું

રાજ્ય સરકાર આ વર્ષે પંદર ઓગસ્ટની ઉજવણી રાજકોટમાં કરી રહી છે પરંતુ આ ઉજવણી રાજકોટની પ્રજાના ખિસ્સામાંથી થવાની છે, પ્રસિધ્ધ મંત્રીઓની થશે, હોર્ડિંગો સરકારના લાગશે પરંતુ તેનો ખર્ચ કલેક્ટર તંત્ર ધોકા પછાડીને જનતા પાસેથી વસૂલવાનું છે. સામાન્ય રીતે જ્યારે આવી ઉજવણી થાય તો કોઇ શહેર કે પ્રાંત સરકાર પાસેથી કાંઇક પામવાની આશા રાખે, કોઇ નવી યોજનાની જાહેરાત થાય પરંતુ અહીં તો સાવ ઊલટું થઇ રહ્યું છે. કલેક્ટરે રાજકોટના લોકોને આ સ્વતંત્રતા પર્વ ઉજવવા માટે ફાળો આપવા અપીલ કરી છે, કોઇ પણ પ્રજાજન પોતાની ઇચ્છા અનુસાર ફાળો નોંધાવી શકે છે. તેના માટે કેટલીક બેન્કોમાં ખાતાં ખોલાયાં છે.તંત્ર કે સરકાર પ્રજાને દેશ ભક્તિના નામ ેભોળવશે પરંતુ જો સરકાર પોતે આ કાર્યક્રમ યોજતી હોય તો લોકો કે રાજકોટના વેપારીઓ શા માટે પૈસા આપે?સરકારે અત્યાર સુધીમાં વિવિધ ઉદ્યોગકારો પાસેથી રૂ. ૭ લાખ ૮૦ હજાર તો લઇ લીધા છે,પરંતુ આટલી રકમથી કાંઇ થવાનું નથી કુલ ખર્ચ અંદાજે ચારેક કરોડ છે, સરકારે દોઢ કરોડ મંજૂર કર્યા છે. બાકીના આ રીતે જ ‘પરાણે દાન’તરીકે લેવાના છે. રાજકોટના વેપારીઓ તેમ જ વિવિધ સંગઠનોમાં આ વાતથી આશ્ચર્ય સાથે થોડી નારાજગી પણ પ્રસરી છે કારણ કે આવા કાર્યક્રમો તો હંમેશા સરકારી ખર્ચે જ ઉજવાતા આવ્યા છે. નજીકના ભવિષ્યમાં ચૂંટણીમાં પણ વેપારીઓએ તો ફાળો આપવો પડશે.


રાજકોટ : હજારો સાચા રેશનકાર્ડને ભૂતિયાં ગણી લીધા

પાડાઓ ચરી ગયા, પખાલીઓને ડામ લાગ્યા: તંત્ર-વેપારીઓની સાંઠ-ગાંઠથી લોકો પરેશાન,સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત અને સ્વર્ણિમ રંગે રંગાયેલા તંત્રે કરેલા એક છબરડાથી રેશનકાર્ડ ધરાવતા હજારો લોકો પરેશાન થયા છે. તંત્રે ભૂતિયા રેશનકાર્ડ નાબૂદ કરવાની ઝુંબેશ દરમિયાન કેટલાક ભ્રષ્ટવેપારીઓની શેહમાં આવીને સાચા હોય તેવા કાર્ડ પણ તંત્રે રદ કરી નાખ્યા છે. લોકો જ્યારે કાર્ડ લઇને દુકાને જાય ત્યારે ખબર પડે છે કે તેમનું તો કાર્ડ જ રદ થઇ ગયું છે.રાજકોટ જિલ્લામાં રેશન કાર્ડ ધારકોની યાદીમાં ચાર લાખ થી પાંચ લાખ કાર્ડ બી.પી.એલ.,એ.પી.એલ.ની યાદીમાં છે. આ કાર્ડમાં ભૂતિયા કાર્ડ પણ હજારોની સંખ્યામાં છે તેવી વિગતોના આધારે પુરવઠા તંત્રે તેના માટે ખાસ તપાસ કરાવી હતી અને સસ્તા અનાજની ૨૨૫ દુકાનોમાં સતત તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. માહિતી એવી હતી કે લગભગ ૮૦ હજાર કાર્ડ અનઅધિકૃત હતા. આ તમામ કાર્ડ રદ કરી નાખવાનો હુકમ તંત્રે કર્યો હતો.પરંતુ કેટલાક ભ્રષ્ટ, અનીતિ કરવાવાળા વેપારીઓએ આ કાર્ડ રદ કરવામાં ગોટાળા કર્યા હતા.રેશન કાર્ડ રદ કરતી વખતે તેમણે એવું કર્યું કે જે ભૂતિયાં,ખોટાં રેશન કાર્ડ હતા, તે પોતાની પાસે રાખી મુક્યાં અને જે કાર્ડ રદ કરવાના નહોતા તેની યાદી તંત્રને મોકલી દીધી. જેમના સાચાં કાર્ડ રદ થયાં તેઓ જ્યારે અનાજ વિતરણ કેન્દ્ર પર ગયા ત્યારે તેમને વેપારીઓ તરફથી એવી જાણ કરવામાં આવી કે તેમના કાર્ડ તો રદ થઇ ગયાં છે. વાસ્તવમાં વેપારીઓએ તે ભૂતિયા કાર્ડ પોતાની પાસે રાખી લીધા છે અને સાચા રદ થઇ ગયા છે.આવી રીતે રદ થયેલા કાર્ડની સંખ્યા દસ હજારથી વધારે છે અને તેમાં પુરવઠા વિભાગના કેટલાક કર્મચારીનો પણ હાથ છે એમ નહીં, તે કર્મચારી આખે આખા તેમાં છે. સાચાં કાર્ડ પણ રદ થઇ જવાની ઘટનાએ તંત્રની બેદરકારી અને ગેરરીતિ બંને છતાં કર્યા છે.લોકો દરરોજ ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સુધી આવે છે ધક્કા ખાય છે. આજે સોમવારે ઉઘડતી ઓફિસે સેંકડો લોકો પુરવઠા વિભાગમાં ધસી આવ્યા હતા અને તેને કાબૂમાં લેવા પોલીસ પણ બોલાવવી પડી હતી. જો કે ,હવે આ ભૂલ સુધારવાનું શરૂ થયું છે.



રાજકોટના નગર સેવક દારૂના જથ્થા સાથે ઝડપાયા

શીરડી દર્શન કરી પરત ફરી રહેલાં રાજકોટના નગર સેવક સહિત સાત શખ્સોની કારમાંથી લીંબડી પોલીસના ચેકીગ વેળાએ વિદેશી દારૂના જથ્થા મળી આવતાં પોલીસે રાજકીય આગેવાન સહિતના શખ્સોની ધરપકડ કરી હતી. જેના પગલે ચકચાર મચી ગઇ હતી.પ્રાપ્તવિગત મુજબ લીંબડી હાઇ-વે પર પીએસઆઇ ગોહીલ સહિતના સ્ટાફે વાહન ચેકીગની કામગીરી આદરી હતી. દરમિયાન રાજકોટ તરફ આવી રહેલી જી.જે.૩ સી.આર. ૬૯૭૯ નંબરની કારને અટકાવી પોલીસે તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બેગપાઇપરના પાઉચ મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે ગાડીમાં બેઠેલાં રમેશ દેવજીભાઇ પટેલ, પરેશ બાબાભાઇ પટેલ, નીતેશ બચુભાઇ પટેલ, દીપક બાબુભાઇ પટેલ, મહેશ પ્રાગજીભાઇ વઘાસિયા, અલ્પેશ બચુભાઇ પાંભર અને અશોક બચુભાઇ વઘાસિયાની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રમેશ પટેલ રાજકોટ મહાનગર પાલિકાના ભાજપના નગર સેવક છે. શીરડીથી દર્શન કરી પરત ફરતા રાજકીય અગ્રણીઓ ઝડપાયાના બનાવથી ચકચાર મચી ગઇ હતી. જ્યારે રાજકીય આગેવાન પકડાતા પોલીસ સ્ટેશને અનેક ભલામણના ફોનનો ધોધ વરસ્યો હતો. દર્શન કરી પરત ફરતા અગ્રણી મોડીરાત સુધી સાગરિતો સાથે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત મહેમાન બન્યું હતું.


રાજકોટ :રૂ. ૩૦ લાખ લઇને ભાગેલો આંગડિયાનો મેનેજર પકડાયો

શહેરના સોની બજારમાં ઇશ્વર બેચર આંગડિયા પેઢીમાંથી દોઢ મહિના પૂર્વે રૂપિયા ૩૦ લાખ રોકડા લઇને મિત્ર સાથે ફરાર થઇ ગયેલા પેઢીના મેનેજર ગોવિંદ હિરાભાઇ પટેલ (રહે. દેવરાસણ, મહેસાણા) ને પોલીસે રાતે એસ. ટી. બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધો હતો. જોકે, તમામ રોકડ મિત્ર મુકેશ લઇને નાસી ગયાની આરોપીએ કબૂલાત આપતા તેની શોધખોળ ચાલુ છે.
મૂળ મહેસાણાના દેવરાસણ ગામનો ગોવિંદ હિરા પટેલ ઇશ્વર બેચર આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ૩૧ મેની રાતના પેઢીમાં સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓએ મોકલેલા પાર્સલો ગોવિંદે તોડીને અંદરથી રૂ. ૩૦ લાખ રોકડા તફડાવી લીધા હતા. આજે રવિવારે રાતે ગોવિંદ રાજકોટ આવી રહ્યાની સચોટ માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. રાતે ગોવિંદ એસ. ટી. સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને ઝડપી લેવાયો હતો. આરોપીની કબૂલાત મુજબ મિત્ર મુકેશ પટેલે ‘તું પેઢીમાંથી મોટો દલ્લો લઇને આવી જા, આપણે બિઝનેસ શરૂ કરશું’ તેવી લાલચ આપતા તેણે શેઠની સાથે દગો કર્યો હતો. તે અમદાવાદ, દીવ, દમણ અને નવસારી સહિતના શહેરમાં રહ્યો હતો.

No comments:

Post a Comment