15 July 2010

રાજકોટના લાપતા ઇજનેરના ૩૬ કલાક પછી પણ કોઇ સગડ નથી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટના લાપતા ઇજનેરના ૩૬ કલાક પછી પણ કોઇ સગડ નથી

જાગનાથ પ્લોટ-૩૮માં ઓમ શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા અને બહુમાળી ભવનમાં કાર્યરત સિંચાઇ વિભાગની કચેરીના મદદનીશ ઇજનેર હિતેનભાઇ દલીચંદભાઇ મહેતા મંગળવારે બપોરે ઘર નજીકથી રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યાના ૨૪ કલાક પછી પણ તેમનો કોઇ પત્તો નહીં મળતા પોલીસ અને પરિવારજનોની ચિંતા વધી ગઇ છે. ઇજનેર મંગળવારે બપોર ૧૧-૫૬ મિનિટે છેલ્લો ફોન કર્યા પછી મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયાનું ખુલ્યું છે.ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયેલા હિતેનભાઇ પત્નીને ગેરેજમાં સ્કૂટી રિપેર કરાવવાનું કહીને ગયા પછી તેમનું સ્કૂટી, પર્સ અને ચશ્મા તેમના પાકિઁગમાંથી મળી આવ્યા હતા અને તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દેવાયો હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી ઇન્ચાર્જ પી.આઇ. એચ. કે. રાણા, ક્રાઇમબ્રાંચના ફોજદાર ડી.એન. પટેલ સહિતના સ્ટાફે લાપતા ઇજનેરના પરિવારજનો, સગા-સંબંધી અને ઓફિસના સ્ટાફને મળી વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિતેનભાઇ અતિ લાગણીશીલ, ધાર્મિક વૃત્તિ અને સરળ સ્વભાવના છે તેમજ કોઇ સાથે વાંધો ન હોવાની વિગતો મળી હતી. આર્થિક રીતે સમૃધ્ધ છે અને પત્ની સાથે પણ કોઇ અણબનાવ ન હોવાથી ગુમ થયા પાછળનું કારણ શોધવા પોલીસે મથામણ શરૂ કરી છે.હિતેનભાઇએ ફોનથી છેલ્લે કોને-કોને સંપર્ક કર્યો હતો, તે જાણવા તેમના મોબાઇલની કોલ ડિટેઇલ મગાવવામાં આવી હતી. ઇનકમિંગ, આઉટગોઇંગ નંબર વિશે તપાસ કરતા સગા, સંબંધી અને સ્ટાફ મિત્રો સાથે ઔપચારિક વાતચીત કર્યાનું ખુલ્યું છે. ૧૧-૫૬ મિનિટે છેલ્લો ફોન રિસિવ કર્યા પછી તેમનો મોબાઇલ ફોન સ્વીચઓફ થઇ ગયો હતો, તેમના ગુમ થયા પછી ખંડણી કે અન્ય બાબતે કોઇના ફોન આવ્યા ન હોવાથી અપહરણ થયાની શક્યતા નહીવત હોવાનું પોલીસનું અનુમાન છે.


કલમાડીએ બી સી સી આઈ પાસે 100 કરોડની મદદ માંગી!

કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિએ દિલ્હીમાં આ વર્ષે યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ માટે દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ એવા બીસીસીઆઈ પાસેથી રૂ.100 કરોડની મદદ માંગી છે. કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિએ ફંડ એકઠુ કરવા માટે કઠિન સમયમાંથી પસાર થવું પડી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીએ થોડા દિવસો પહેલા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વર્તમાન આઈસીસી ચેરમેન શરદ પવારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલમાડીએ પવાર પાસેથી આર્થિક મદદ માંગી હતી.આ સાથે જ કલમાડીએ શરદ પવારને ઓક્ટોબરમાં યોજાનારી સંભવિત ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીને પણ મુલતવી રાખવાની અપીલ કરી હતી. કેમ કે તેનાથી ટીવી પર કોમનવેલ્થ ગેમ્સની ટીઆરપી ઘટવાની સંભાવના છે. જો કે જાણવા મળ્યું છે કે શરદ પવારે હજી સુધી કલમાડીને આ મામલે કોઈ પણ જાતનું આશ્વાસન આપ્યું નથી.બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બીસીસીઆઈને કોમનવેલ્થ ગેમ્સ સમિતિ તરફથી મદદ માટે લેખિતમાં કોઈ પણ જાતનો પત્ર મળ્યો નથી. અધિકારીના જણાવ્યા અનુસાર જ્યાં સુધી લેખિતમાં મદદ માંગવામાં નહીં આવે ત્યાં સુધી બીસીસીઆઈ કોઈ પણ જાતનો સહયોગ આપવા માટે અસમર્થ છે.


માંડવીનો ક્રિકેટર આઇ. ટી. સી. એફ. વતી ઇંગ્લેન્ડમાં ૧૭ મેચો રમશે

ઇન્ડિયન ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ફેડરેશન અન્ડર- 19 ટીમમાં સમગ્ર ભારતભરના ખેલાડીઓમાંથી કચ્છ-માંડવીના ચારણ સમાજના યુવાનને સિલેકટ કરવામાં આવ્યો હતો. તે આગામી ઓગસ્ટના પહેલાં વીકમાં ઇંગ્લેન્ડ જશે, ત્યાં કાઉન્ટી ટીમ સામે સત્તર મેચો રમશે. ઇન્ડિયન ટવેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ફેડરેશન આઇટીસીએફ ટીમમાં મૂળ પાંચોટિયાના અને માંડવીને કર્મભૂ્મિ બનાવનારા ભરત માણેક ગઢવીની કચ્છમાંથી પસંદગી કરવામાં આવી છે.ક્રિકેટના ખેલાડીને સ્પોન્સર અદાણી ગ્રૂપે કર્યું છે એવું અદાણી ગ્રૂપના પી.આર.ઓ. વિજયભાઇ ગઢવીએ જણાવ્યું હતું.આઇ.પી.એલ રમાડવામાં આવે છે એવી જ રીતે આઇ.પી.સી.એલ (ઇન્ડિયન પ્રીમિયર કોર્પોરેટ લીગ) મેચ રમાડવામાં આવે છે જેમાં કચ્છના ઓફ સ્પીનરે સારો દેખાવ કરતાં તેમની પસંદગી કરવામાં આવી હોવાનું આઇ.પી.સી.એલના કોચ અને જનરલ સેક્રેટરી અશોકભાઇએ જણાવ્યું હતું.ભરત ગઢવીએ આ અગાઉ કચ્છ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં ધ્યાન ખેંચ્યું હતું અઢાર વર્ષીય માંડવીના આશાસ્પદ ક્રિકેટર એફ.વાય.બી.કોમમાં અભ્યાસ કરી રહ્યો છે. જેમના પિતા માણેકભાઇ ગઢવી કે.પી.ટી.માં ફરજ બજાવી રહ્યા છે.


કમિશનર અને મેયરના બંગલે પોલીસ બંદોબસ્ત


ભર ચોમાસે પ્રજા ઉપર પાણીકાપના કોરડા વિંઝનાર મહાપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારીના નળકનેકશન કાપી નાખવા કોંગ્રેસે આપેલી ચીમકીના પગલે મેયર અને કમિશનર બન્નેના બંગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જો કે એમ છતાં કોંગ્રેસે પાણીકાપ ઉઠાવી લેવામાં નહીં આવે તો ગમે તેવા બંદોબસ્તને પણ તોડી નળકનેકશન તો કાપીને જ રહીશું એવી ચીમકી આપી છે.પાણી પ્રશ્ને કોંગ્રેસે છેલ્લે સુધી લડી લેવાનો રણટંકાર કર્યો છે. આ અગાઉ બે દિવસ પહેલા મ્યુનિ. કમિશનરને આવેદન આપી લડત માટે તૈયાર રહેજો એવું અલ્ટીમેટમ આપ્યું હતું. આવતીકાલે કોંગી આગેવાનો ગાંધીનગરમાં મોરચો માંડવાના છે ત્યારે અગાઉ મનપાના અધિકારી અને પદાધિકારીના નળકનેકશન કાપી નાખવા આપેલી ચીમકીના પગલે તંત્રે પોલીસ જાપ્તો ગોઠવ્યો છે.આજથી મ્યુનિ. કમિશનર અને મેયરના બંગલા પર વધારાનો પોલીસ જાપ્તો મુકાયો છે. જો કે તેની સામે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મનપાના વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગમે તેવો બંદોબસ્ત હશે તો પણ પ્રજાને પાણીકાપનો ડામ આપનારાઆ લોકોને પાણી દેખાડીને જ રહીશું.




ભાવનગર સહિત ચાર જિલ્લાના આરોગ્ય વિભાગ નાદુરસ્ત સ્થિતિમાં
.

ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગના આરડીડીનું મુખ્ય કેન્દ્ર ભાવનગરમાં.ભાવનગર સહિત ચાર જિલ્લાના આરોગ્ય વિભાગના રજિયોનલ ડેપ્યુટી ડાયરેકટરની જગ્યા છેલ્લા દોઢ વર્ષથી ખાલી પડેલ હોવાથી આરોગ્ય ક્ષેત્રના મહત્વના નિર્ણયો માટે ભારે મુશ્કેલી સજાઁઇ છે.ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગના રજિયોનલ ડેપ્યુટી ડાયરેકટર માટે ભાવનગર કેન્દ્ર ફાળવેલું છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આર.ડી.ડી.ની જગ્યા ખાલી પડી છે. આરોગ્યમાટે મોટી-મોટી વાતો કરતી સરકારને આરોગ્ય ક્ષેત્રની મહત્વની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. પરંતુ તેમાં નિમણૂંક આપવામાં બેદરકરી દાખવે છે. આર.ડી.ડી.ને ચારેય જિલ્લાની પી.એચ.સી. સી.એચ.સી. સહિત તમામ સરકારી હોસ્પિટલોના વહીવટની જવાબદારી હોય છે. પરંતુ આર.ડી.ડી.ના અભાવે ભાવનગર સહિત ચારેય જિલ્લા ઘણી ઘોરી વગરના થઇ ગયા છે.છેલ્લા ઘણા સમયથી સ્ટાફની ભરતી પણ આર.ડી.ડી.ના વાકે થતી નથી. ત્યારે તાત્કાલિક જો સરકાર આર.ડી.ડી.ની નિમણૂંક નહી કરે તો ચારેય જિલ્લાના આરોગ્ય વિભાગનું આરોગ્ય જરૂરથી જોખમમાં મુકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ચોમાસાની ઋતુમાં જિલ્લામાં વ્યાપક રોગચાળાની ભીતી સર્જાઈ છે ત્યારે આરડીડીની નિમણૂંક અતિ આવશ્યક બની છે. વહેલી તકે નિમણૂંક કરવા માંગણી ઉઠી છે.


રેસકોર્સ, કેન્સર હોસ્પિટલ અને એ.જી. ઓફિસ કપાત થશે

શહેરમાં જ્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા છે એવા ચોક પહોળા કરવાની દિશામાં ચાલતી કામગીરીમાં બહુમાળી ચોક અને જિલ્લા પંચાયત ચોક બાદ હવે કિસાનપરા ચોકનું કામ હાથ પર લેવાયું છે. આ ચોક પહોળો કરવા માટે એ.જી.ઓફિસ, જૂની કેન્સર હોસ્પિટલ અને રેસકોર્સનો ભાગ કપાત કરવામાં આવશે.કિસાનપરા ચોકમાં ટ્રાફિક સમસ્યા વધુ વકરી રહી છે. ખાસ કરીને રવિવાર કે અન્ય રજાના દિવસો અને વારે તહેવારે રિંગરોડ પર જામતી ભીડના કારણે આ ચોકમાં ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. આ અગાઉ જિલ્લા પંચાયત ચોક અને બહુમાળી ચોક પહોળા કરવાની કામગીરી પૂરી કરાયા બાદ હવે કિસાનપરા ચોકનો વારો લેવામાં આવ્યો છે.આ માટે સિટી ઇજનેરે ગ્રાઉન્ડ લેવલની તૈયારી પણ કરી નાખી છે. એ મુજબ રેસકોર્સ, એ.જી. ઓફિસ અને રેસકોર્સનો ભાગ કપાતમાં લેવાનો નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં જ માપણી અને માર્કિંગ કરવામાં આવનાર છે. બીજીબાજુ કિસાનપરા ચોકમાં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કપાતમાં આવતી મિલકતનો પ્રશ્ન હજુ લટકતો જ છે.

No comments:

Post a Comment