visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ભુજના આશાપુરા મંદિરમાં ચમત્કાર - ‘માતાજી’ એ સ્વરૂપ બદલ્યું
ચમત્કાર સાડા ચાર સદી પૂરાણા મંદિરમાં બનેલી ઘટના!૩૦૦ વર્ષથી ચડાવાતા સિંદુરના વાઘાનો ‘મા’ એ ત્યાગ કરતા મૂર્તિનું મૂળ સ્વરૂપ પ્રગટયું.ભુજના ઐતિહાસિક કચ્છ દેશ દેવી આશાપુરા મંદિરે ૩૦૦ વર્ષ પૂરાણી આશાપુરા માની બે મૂર્તિઓ પૈકી જમણી બાજુની મૂર્તિના સ્વરૂપમાં ચમત્કારિક બદલાવ આવ્યો હતો.અષાઢ નવરાત્રિનો પ્રારંભ થતો હોઇ તેમજ અમાસના માતાજીને સિંદુરના નવા વાઘા પહેરાવવાની પરંપરા હોઇ રવિવારે અમાસે પૂજારી શનિવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે ‘મા’ને સિંદુરના વાઘા પહેરાવતા હતા તે સમય દર્શન કરતાં જમણી બાજુની મૂર્તિના સ્વરૂપમાં તેમને અચાનક ફેરફાર જોવા મળ્યો હતો.
પૂજારી જનાર્દનભાઇ દવે કહે છે કે, ૩૦૦ વર્ષમાં પ્રથમવાર આવી ઘટના બની છે. તેમણે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, રાત્રે સિંદુરના વાઘા ધરાવવાની તૈયારી કરતા હતા ૧૦:૩૦ વાગ્યાનો સમય હશે, મૂર્તિને વાઘા ચડાવી પણ દીધા હતા.તિલક ધરાવવાના બાકી હતા ત્યારે જ દર્શન કરતા જમણી બાજુની મૂર્તિના લલાટથી મુખ સુધીનો ભાગ ઉપસેલો અને તેમાં ફેરફાર જણાયો! ત્યાર બાદ અમે મુખ પર હાથ અડાડયો કે તમામ જૂના વાઘા જે ૩૦૦ વર્ષથી ચડાવતા આવ્યા છે તે સપાટી ખરી ગઇ અને સ્થાપના થયેલી તે સમયની મૂર્તિનું મૂળ સ્વરૂપ પ્રગટ થયું. આમ, ‘મા’ એ જૂના વાઘા ચડેલા હતા તેનો ત્યાગ કર્યો હતો.મહિષાસૂરનો ધ્વંસ કરે છે, ત્યારે ‘મા’ ના ચહેરા પર જે વિજયોત્સવનો ભાવ હોય છે તેવા ભાવ-તેજના દર્શન મૂર્તિમાં હાલે પ્રગટ થયા છે.૩૦૦ વર્ષથી ચડતાં વાઘા ત્યજતાં મૂળ સ્વરૂપ પ્રગટ્યું -મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે મૂર્તિનું મૂળ સ્વરૂપ પ્રગટ થયું છે. આ ફેરફાર માતાજીએ ૩૦૦ વર્ષથી પરંપરા મુજબ ચડાવાતા સિંદુરના વાઘાનો ત્યાગ કરતાં બહાર આવ્યું છે, જેથી મૂર્તિ વધુ દૈદિપ્યમાન બની છે
ભારતને બીજો ફટકો, શ્રીસંત ટીમની બહાર
ઝડપી બોલર ઝહિર ખાન ઈજાગ્રસ્ત હોવાથી ભારતના ઝડપી બોલિંગ આક્રમણને પહેલાથી જ ફટકો પડ્યો તેમાં ભારત સામે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે.ઢીંચણમાં ઈજા થતા ઝડપી બોલર એસ.શ્રીસંત 4થી 5 અઠવાડિયા મેદાનની બહાર બેસી રહેવું પડશે. આમ ઈજાના કારણે શ્રીસંત પણ શ્રીલંકા પ્રવાસમાં ટીમની બહાર થઈ ગયો છે.ઝહિરની ગેરહાજરીમાં ટીમના ઝડપી આક્રમણની જવાબદારી શ્રીસંત પર હતી પરંતુ તેને ઘૂંટણાં ઈજા થતા તે રવિવારના રોજ પ્રેક્ટિસમાં ભાગ લઈ શક્યો નહોતો.ટીમના એક સૂત્રના જણાવ્યા અનુસાર શ્રીસંતનો એમઆરઆઈ ટેસ્ટ કરાવવામાં આવ્યો તો અને તેનો રિપોર્ટ સોમવારના રોજ જાણવા મળશે.
આ પહેલા ખભાની ઈજાના કારણે ઝહિર ખાન પહેલાથી જ ટીમની બહાર થઈ ગયો હતો અને તેના ગેરહાજરીમાં નવા બોલ વડે બોલિંગની જવાબદારી શ્રીસંત અને ઈશાંત શર્માના માથે હતી.જો શ્રીસંત ટેસ્ટ શ્રેણીમાં નથી રમવાનો ત્યારે તેના સ્થાને ઈન્ડિયા-એના યુવા બોલર જયદેવ ઉનડકટને રમવાની તક મળે તેવી સંભાવના છે. પરંતુ ઝહિરના સ્થાને લેવાયેલા અભિમન્યુ મિથુનને પહેલા તક મળે તેવી શક્યતાઓ છે.
શેરબજારમાં 20 લાખથી વધુ નવાં રોકાણકારો
છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં 20 લાખથી પણ વધારે નવા રોકાણકારોનો ઉમેરો થયો છે, પણ મોટા ભાગના રોકાણકારો કાગળ પર છે. એક વર્ષમાં 20 લાખથી પણ વધારે લોકોએ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યાં છે. આ સાથે દેશમાં ડિમેટ એકાઉન્ટ ધારકોનો કુલ આંક આ અઠવાડિયે 1.7 કરોડની સપાટી વટાવી ગયો છે, જે વર્ષ અગાઉ 1.5 કરોડ હતો.પણ એકાઉન્ટધારકોનો મોટો હિસ્સો નિષ્ક્રિય રોકાણકારો અને રિટેલ રોકાણકારોનો છે, તેઓને પબ્લિક ઓફર અને મ્યુચ્યુઅલ ફંડમાં રસ ઘટી ગયો છે, જે એક સમયે તેમનો મનપસંદ રોકાણ વિકલ્પ હતો.હાલનાં મહિનાઓમાં એકાઉન્ટ ખોલવાની પ્રવૃત્તિમાં થયેલા વધારા પાછળનું મુખ્ય કારણ મૂડીબજારમાં આવવા ઇચ્છતા પીએસયુ તેમના કર્મચારીઓના ડિમેટ ખાતા ખોલાવી રહ્યાં છે જેના લીધે તે આગામી ઓફરોમાં સફળતા મેળવવામાં સફળ રહે.સીડીએસએસ અને એનએસડીએલ જેવી બે ડિપોઝિટરી સમક્ષ ઉપલબ્ધ આંકડા મુજબ દેશની કુલ અધિકૃત રોકાણકારોની સંખ્યા 1.7 કરોડ છે જે વર્ષ અગાઉ 1.5 કરોડ હતી. તેમાં સ્થગિત કરી દેવાયેલાં પાંચ લાખ ખાતાંનો સમાવેશ કરવામાં આવતો નથી આ અકાઉન્ટ પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજોના અભાવે સ્થગિત કરવામાં આવ્યાં છે અને તેમાં ટ્રેડિંગની મંજૂરી નથી.સીડીએસએલ પાસે 67.7 લાખ ઇન્વેસ્ટર એકાઉન્ટ છે. આમ તેની પાસે એનએસડીએલ કરતાં 1.02 લાખ ખાતા વધારે છે. સીડીએસએલે એક વર્ષમાં 11 લાખ તો એનએસડીએલે નવ લાખ ખાતાં ઉમેર્યાં છે.મેટ ખાતાના વધી રહેલા આંકડા અંગે બ્રોકરેજ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ એસએમસી કેપિટલ્સના ઇક્વિટી હેડ જગન્નાથમ્ થુનુગુંટલાએ જણાવ્યું હતું કે , સરકારી માલિકીની કંપનીઓ તેમના કર્મચારીઓનાં ડિમેટ ખાતાં ખોલાવી રહી છે , કારણ કે તેઓ તેમના આગામી પબ્લિક ઇશ્યૂમાં સારો પ્રતિસાદ મેળવી શકે. આ પ્રકારે પણ રોકાણકારોની સંખ્યામાં વધારો થવો તે આવકાર્ય પગલું છે.મોટા ભાગના કિસ્સામાં જોઈએ તો આ ખાતા ધારકો બજારમાં નિયમિત રીતે સોદા કરતા નથી અને તેઓ નિષ્ક્રિય રહે છે. સરેરાશના ધોરણે જોઈએ તો દર મહિને બે લાખ ડિમેટ એકાઉન્ટ ખૂલે છે. તેમાં મોબાઇલ કસ્ટમર બેઝ ઝડપથી વધી રહ્યો છે. માર્ચથી મે 2010 વચ્ચે મ્યુચ્યઅલ ફંડમાંથી ચાર લાખ રોકાણકારો નીકળી ગયા હતા, તે દર્શાવે છે કે મ્યુચ્યઅલ ફંડમાં રોકાણકારોનું આકર્ષણ ઘટ્યું છે.
ડીઝલમાં સબસિડી ચાલુ રહેતેવી શક્યતા
પેટ્રોલની અંકુશમુક્ત કિંમતથી વિપરીત ડીઝલની કિંમતને આંશિક અંકુશમુક્ત જ કરવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.બજાર સાથે સંકળાયેલી છૂટક કિંમતમાં ગમે તેવો વધારો કે ઘટાડો આવે છતા પણ સરકાર ડીઝલની કિંમત પર લિટર દિઠ રૂ. 1.49 ની ફિક્સ સબસિડી આપવાનું ચાલુ રાખે તેવી શક્યતાઓ છે. સરકારે 25 જુલાઈના રોજ પેટ્રોલ તથા ડીઝલની કિંમતને અંકુશમુક્ત કરી હતી. ડીઝલમાં લિટર દિઠ રૂ. 3.49 ના વધારાની જરૂર હતી જેની સામે લિટરે રૂ. બેનો વધારો જ કરવામાં આવ્યો હતો.ડીઝલની કિંમતને બજાર કિંમતની સમકક્ષ લાવવા બાકીના રૂ. 1.49 નો વધારો કરવાની જરૂર છે તે અંગે સરકારની અંદર જ કોઈ સ્પષ્ટતા નથી.દેશના ટોચના નિર્ણય કરનારાઓને મોકલવામાં આવેલી નાણામંત્રાલયની એક નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે , આનો અર્થ એ થયો કે ડીઝલ પર આપણે લિટર દિઠ રૂ. 1.49 ની ફિક્સ સબસિડી આપીશું. વિવિધ પેટ્રોલ પંપ પર ડિઝલની કિંમત ગમે તે હોય પણ ગ્રાહકોને લિટર દિઠ રૂ. 1.49 ની સબસિડી મળવાનું ચાલુ રહેશે.26 જૂનના નિર્ણયમાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીની આગેવાની હેઠળના એમ્પાવર્ડ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સે પેટ્રોલ તથા ડીઝલની કિંમતને સંપૂર્ણપણે અંકુશમુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.પેટ્રોલની કિંમતને તાત્કાલિક અંકુશમુક્ત કરવામાં આવી હતી જેના કારણે દિલ્હીમાં તેની કિંમત લિટર દિઠ રૂ. 3.50 વધી ગઈ હતી જ્યારે ડીઝલના કિસ્સામાં જીઓએમએ તેની કિંમતમાં લિટરે રૂ. બેનો વધારો મંજૂર કર્યો હતો કે જે જરૂરી રૂ. 3.49 કરતાં રૂ. 1.49 નીચો હતો.આના સંદર્ભમાં એવી ધારણા મૂકવામાં આવતી હતી કે ડીઝલની કિંમતને અંકુશમુક્ત બજાર કિંમત સુધી પહોંચાડવા માટે તેમાં તબક્કાવાર વધારો કરવામાં આવશે પરંતુ તે અંગે સરકાર સ્પષ્ટ નથી. એક જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે , આ ભારણ કોણ સહન કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
કાપોદ્રા : પ્રેમલગ્ન કર્યા મોટી બહેને, જીવ ગુમાવ્યો નાની બહેને
કાપોદ્રામાં શનિવારે બનેલી ઓનર કિલિંગની ઘટનામાં સાડા ત્રણ વર્ષ પહેલા મોટી બહેને કરેલા પ્રેમ લગ્નની સજા કુંવારી એવી નાની બહેન પુજાને ભોગવવી પડી હતી. કેમ કે સાડા ત્રણ વર્ષ પહેલાં મોટી બહેન આરતીએ પ્રેમલગ્ન કર્યાં ત્યારે પણ પરિવારનો સૌથી મોટો પુત્ર મુકેશ આ લગ્નથી નારાજ હતો. ઉલ્લેખનીય છે કે પ્રેમ લગ્ન કરીને અલગ રહેતી મોટી બહેન આરતીના ઘરે પુજા રહેવા ગઇ હતી અને પરિવારના મોભી એવા મુકેશને લાગતુ હતું કે મોટી બહેનના રસ્તે જ નાની બહેન પુજા જઇ રહી છે આથી મુકેશે તેની હત્યા કરી નાંખી હતી.પોલીસ તરફથી જાણવા મળ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર પૂજાના પરિવારમાં પિતા જેસ્ટિન સુરેનારાયણ, માતા જશુબેન છે અને તેમના અત્યાર સુધીનાં લગ્ન જીવનમાં ચાર પુત્ર છે જેમાં મુકેશ (૨૭) સૌથી મોટો પુત્ર છે. ત્યારબાદ આરતી તેમજ પૂજા અને બીજા ત્રણ ભાઈઓ છે. બહેન આરતીએ સાડા ત્રણ વર્ષ પહેલાં ઉમરવાડા દર્પણ વસાહતમાં રહેતા હતાં ત્યારે ચંદુભાઈ રામદાસભાઈ શેટ્ટી નામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું જાહેર કર્યું ત્યારે પરિવારના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. આમ છતાં આરતીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં.સૌથી મોટો પુત્ર હોવાના નાતે મુકેશને પરિવારની ઈજજતની ચિંતા રહેતી હતી. આરતીનાં લગ્ન પછી બીજી બહેન પૂજાના ભવિષ્ય અંગે પણ તે સતત ચિંતિત રહેતો હતો. દરમિયાન પૂજાએ સાડીના કારખાનામાં રોલ પોલિશિંગના કામ માટે નોકરીની વાત પિતાને કરી ત્યારે પણ જબરદસ્ત વિવાદ થયો હતો. ત્યારબાદ પૂજા પિતાનું ઘર છોડીને જતી પણ રહી હતી, પરંતુ તેને મનાવીને પરિવારના જ સભ્યો લઈ આવ્યા હતા. પછી પૂજા તેની મોટી બહેન આરતીના ઘરે જ રહેતી હતી.સમાજના માણસો દ્વારા તેને જ્યારે એવી માહિતી મળી કે પૂજા આબરૂ બગાડી રહી છે. આથી મુકેશ સમસમી ગયો હતો અને આરતીને જ્યારે પૂછ્યું ત્યારે તેણે પણ અનિયમિત ઘરે આવતી વાતને સમર્થન આપ્યું હતું. આથી મુકેશ શનિવારે બપોરે પૂજાને બરાબર પાઠ ભણાવવાની રાહ જોઈને જ બેઠો હતો.
દરમિયાન સાડા બારેક વાગે પૂજા નોકરી પરથી આવી ત્યારે તેણે તરત જ પૂજાને ખખડાવવાનું શરૂ કર્યું હતું. આથી પૂજાએ પણ પ્રતિસાદ એટલા જ ઊંચા અવાજથી આપતાં મુકેશ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાનો ધોકો લઈને ફટકારી હતી. જે દરમિયાન ગંભીર ઈજા થતાં પૂજાનું મોત નીપજ્યું હતું. ઈન્સ્પેકટર વી.બી. પટેલે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને મુકેશની ધરપકડ કરીને રવિવારે કોર્ટમાં રજુ કર્યો હતો. તપાસમાં બીજા કોઈ પુરાવા એકત્ર કરવા ન હોવાથી કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ગોંડલ : વિધવાની પુત્રીનું પરિચિતે સર્વસ્વ લૂંટી લીધું
ગોંડલના ઔદ્યોગિક વસાહત જીઆઇડીસી-૨માં આવેલા મમરાના કારખાનામાં પેટિયું રળવા આવેલી આહીર વિધવાની ઘરે બે દી’ પૂર્વે મહેમાન બની આવેલા ભેંસાણના કારિયા ગામનો ઇસમ બાર વર્ષની બાળકીને લલચાવી ઉઠાવી જઇ જૂનાગઢમાં બળાત્કાર ગુજાર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર જાગી છે.જામવાડી જીઆઇડીસીમાં મમરાના કારખાનામાં મજૂરીકામ કરતા શારદાબેન રામભાઇ વાણિયા નામના વિધવા આહીર મહિલાના ઘરે ગત તા.૮ના રોજ ભેંસાણ તાલુકાના કારિયા ગામે રહેતો યુનુસ ફકીર નામનો શખ્સ મહેમાન બનીને આવ્યો હતો.દરમિયાન યુનુસ માટે ચા બનાવવા શારદાબેન ખાંડ અને ચા લેવા બહાર નીકળ્યા હતા. આ તકે યુનુસે શારદાબેનની ૧૨ વર્ષની બાળકીને તું મારી સાથે ચાલ હું તને ઘઉં અને ૨૦૦ રૂપિયા આપીશ. એવી લાલચ આપી આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોવાના કારણે ૧૨ વર્ષની બાળકી યુનુસની વાતથી લલચાઇ સાથે ચાલી નીકળી હતી.શારદાબેન ઘરે આવતા યુનુસ અને ૧૨ વર્ષની પુત્રી નજરે ન પડતાં થોડીવાર શોધખોળ કરી હતી. પરંતુ મજૂરીકામ અનિવાર્ય હોવાના કારણે કારખાનેદારે રજા આપવાનો ઇનકાર કરતા વિધવા મહિલા ફરી કામે જોતરાઇ ગઇ હતી. બીજી બાજુ યુનુસ માસૂમને લઇને જૂનાગઢના સાંબલપુરમાં રહેતી મહિલા બૂટલેગર બસંતીના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ માસૂમને મેંદરડા બાજુ ફરવા લઇ ગયો હતો અને ગત રાત્રિના જૂનાગઢ રેલવે સ્ટેશનમાં આવેલી શટર વહિોણી દુકાનમાં લઇ જઇ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યા બાદ યુનુસે માસૂમને મારકૂટ કરી, ધમકી આપી લોહી લુહાણ હાલતમાં જ જામવાડી સુધી મૂકી ભાગી છુટ્યો હતો. ત્યારબાદ ઘરે પહોંચેલી બાળકીએ આપવીતી વર્ણવતા વિધવા માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને આ અંગેની ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. બળાત્કારનો ભોગ બનેલી બાળકીનું મોસાળ ભેંસાણ તાલુકાનું કારિયા ગામ હોઇ જેથી કારિયા ગામના યુનુસ ઓળખાણને કારણે શારદાબેનના ઘરે આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.સાત માસ પૂર્વે જ જીવનસાથી રામભાઇ શારદાબેનનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ પેટિયું રળવા શારદાબેન ગોંડલ પહોંચ્યા હતા. બે પુત્રી અને પુત્રનું ગુજરાન ચલાવતા વિધવા મહિલા નરાધમના કૃત્યથી અવાચક થઇ ગયા છે.
સૌરાષ્ટ્રમાં મેઘ વિરામ - જૂનાગઢ અને ભાવનગરમાં હળવા ઝાપટાં વરસ્યા
સૌરાષ્ટ્રભરમાં એક સપ્તાહ સુધી આભમાંથી અમૃતધારા વરસાવ્યા બાદ રવિવારે મેઘવિરામ રહેતા સૂર્યનારાયણના દર્શન થતાં દિવસભર વરાપ રહી હતી. વરાપના પગલે તાપમાનનો પારો ફરી ઉચકતાં બપોરે બફારાનો અનુભવ કર્યો હતો. જ્યારે વરાપ નિકળતા જગતનો તાત ખેતી કામે જોતરાયો હતો. જોકે, રાજકોટ શહેર તથા જિલ્લામાં અમુક સ્થળે ઝાપટાં વરસ્યા હતા. જ્યારે જૂનાગઢ, કોડીનાર અને બોટાદમાં હળવા ઝાપટાં પડ્યા હતા.અમરેલી, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, સોરઠ, ભાવનગરમાં મેઘવિરામ રહ્યો હતો. ચોમાસાના પગરવ પછી વરસાદ ખેંચાતા ચિંતાની ખાઇમાં ગરક થઇ ગયેલા ભૂમિપુત્રો સપ્તાહ સુધીની મેઘમહેરથી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. એક સપ્તાહ દરમિયાન વરસેલા વરસાદના પગલે કપાસ, મગફળી સહિતની મોલાતને નવજીવન મળ્યું હતું.સાથો-સાથ તિળયા ઝાંટક જળાશયોમાં નવા નીરની ધીંગી આવક થતાં લોકોનાં હૈયે પણ ટાઢક થઇ હતી. દરમિયાન રવિવારે મેઘ વિરામ રહેતા સૂર્યનારાયણના દર્શન થતાં દિવસભર વરાપ નિકળતા ભૂમીપુત્રો ફરી ખેતી કામે લાગી ગયા હતા.
રાજકોટ : પાણી મુદ્દે યુવાન પર હુમલો કરી કારમાં તોડફોડ
શહેરમાં ચોમાસામાં પણ પાણીએ મોકાણ સર્જી છે. પાણીના મુદ્દે મારમારીના પણ અનેક બનાવો બન્યા છે. ત્યારે વધુ એક કિસ્સામાં દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં એપા.ના પ્રમુખે પાણીનો બગાડ નહીં કરવાનું કહેતાં પ્રજાપતિ દંપતીએ મારમારી કારનો કાચ ફોડી નાખતાં ચકચાર મચી ગઇ હતી.સત્ય સાંઇ હોસ્પિટલ પાસેના દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં રહેતા અને એપા.ના પ્રમુખ તરીકેની ફરજ બજાવતા પટેલ મનસુખભાઇ જાદવજીભાઇ કાલરિયા (ઉ.વ. ૪૪) એ પાણી કાપ હોય એપા.ના તમામ રહીશોને પાણીનો બગાડ નહીં કરવા સૂચન કર્યું હતું. આમ છતાં એપાર્ટમેન્ટમાંજ રહેતાં પ્રજાપતિ નીતાબેન કશિનભાઇ ચાવડા પાણીનો બગાડ કરતાં હોય મનસુખભાઇ સમજાવવા ગયા હતા.પાણીના મુદ્દે એપા.ના પ્રમુખે સમજાવતા નીતાબેન અને તેના પતિ કશિન ઉશ્કેરાયા હતા અને મનસુખભાઇને ઢીકા-પાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં પ્રજાપતિ દંપતીએ પટેલ યુવાનની કારનો કાચ ફોડી નાખ્યો હતો અને ખૂનની ધમકી આપી હતી. બનાવથી એપા.ના અન્ય રહીશોમાં ચકચાર મચી ગઇ હતી. પટેલ યુવાનની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધી પ્રજાપતિ દંપતીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
રાજ્ય સરકારે એક દરખાસ્ત ઉપર ૨૫ હજારની વસ્તીએ બે હેક્ટરમાં ગાર્ડન ફરજિયાત
ગુજરાતનાં શહેરોની કાયાપલટ કરવા રાજ્ય સરકારે એક દરખાસ્ત ઉપર મંજુરીની મહોર મારી દીધી છે. શહેરી વિકાસ વિભાગે રાજ્યનાં મહાનગરો અને પાલિકા વિસ્તારમાં ફરજિયાત ગ્રીનકવર માટે આદેશો બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. ખાસ કરીને ૨૫ હજારની વસ્તી હોય તેવાં શહેરોમાં બે હેક્ટર જમીન સંપાદન કરીને બગીચો બનાવવામાં આવશે, જ્યારે સમગ્ર વિસ્તારના પાંચ ટકામાં વૃક્ષારોપણ કરવું પડશે.શહેરી વિકાસ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સાત મ્યુનિસપિલ કોર્પોરેશન આવેલા છે અને તેમાં વસ્તીની દ્રષ્ટિએ ગ્રીન કવર કરવાની એક યોજના બનાવવામાં આવી છે. નવું બાંધકામ કરતી વખતે વૃક્ષારોપણને ફરજિયાત બનાવી તેની ડિપોઝિટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક સંસ્થાઓને પણ ગ્રીનકવચ માટેના ટારગેટ આપવામાં આવી રહ્યાં છે. આ વિભાગના પ્રેઝન્ટેશનમાં જણાવ્યા પ્રમાણે મ્યુનિસપિલ કોર્પોરેશન વિસ્તારોમાં ૨૦૧૪ સુધીમાં ૧૭ નવા ગાર્ડન બનાવવાના રહેશે જેમાં પ્રત્યેકનું ક્ષેત્રફળ બે હેક્ટર રાખવું પડશે.રાજ્યમાં પાલિકાઓની સંખ્યા ૧૫૯ છે. જ્યાં ગાર્ડન હોય ત્યાં ક્ષેત્રફળ ઓછું પડતું હોય તો તેને વધારવાનું રહેશે. આવનારા ત્રણ વર્ષમાં નાનાં શહેરોમાં ૩૭૪ ગાર્ડન બનાવવાની યોજનાને આખરી રૂપ આપવામાં આવી રહ્યું છે. આ શહેરોના વિસ્તારના પાંચ ટકા વિસ્તારમાં ગ્રીનકવર કરવાનું પણ રહેશે. માર્ગોની બન્ને સાઇડે પ્લાન્ટેશન પણ કરવું પડશે.શહેરનું આકર્ષણ તળાવ અને વોટરબોડી હોય છે. રાજ્યનાં શહેરોમાં તળાવો ખોદી તેનું સૌંદર્ય વધારાશે. લોક ભાગીદારીથી થીમબેઝ ટ્રાફિક સર્કલનો કન્સેપ્ટ પણ સ્વીકારવા કહેવાયું છે. ભારતનાં ૧૩ મોટાં શહેરોમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ ટૂંક સમયમાં થવાનો હોઇ આ તેની ડેવલપમેન્ટ યોજનાઓને મંજુરી આપવામાં આવી રહી છે.જેએનએનયુઆરએમ અંતર્ગત પ્રોજેક્ટો મેળવવામાં ભારતમાં મહારાષ્ટ્ર રાજ્ય પછી ગુજરાતનો નંબર આવે છે. પાડોશી રાજ્યમાં ૭૮ પ્રોજેક્ટો સામે ગુજરાતમાં ૭૦ પ્રોજેક્ટો મંજુર થયાં છે અને તે પૈકી ૨૩ પૂરા થયાં છે. ૨૦ પ્રોજેક્ટો ૨૦૧૧-૧૨ સુધીમાં પૂરા કરવામાં આવશે. આ પ્રોજેક્ટોમાં બીઆરટીએસ, ગટર, પાણી, સ્ટ્રોમ વોટર, સોલીડ વેસ્ટ, ફ્લાયઓવર, હેરિટેઝ અને વોટર બોડી પ્રિવેન્શનનો સમાવેશ થાય છે. શહેરોની સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની એમ બે પ્રકારની ગ્રાન્ટ ઉપલબ્ધ થાય છે.
ઇશરત સહિત તેના ત્રણ મિત્રો એન્કાઉન્ટર પહેલાં કસ્ટડીમાં હતાં
ઇશરત જહાં એન્કાઉન્ટરની તપાસ કરતી ગુજરાત પોલીસની ટીમને ઇશરત જહાં, જાવેદ પિલ્લાઇ, અમજદ અને જિશાન આ ચારે જણાંને એન્કાઉન્ટર પહેલાં ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં હોવાના પુરાવા મળ્યા છે. અમજદ અને જિશાનને ચંડોળા પાસે આવેલા ચંડોળા ઇન્સ્પેકશન બંગલોના સર્વન્ટ હાઉસમાં રાખ્યાં હોવાની માહિતી પણ મળી છે.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તાજેતરમાં ધડાકો કર્યો હતો કે, ડેવીડ હેડલીએ ઇશરતને ત્રાસવાદી ગણાવી છે. ઇશરત જહાં એન્કાઉન્ટરની તપાસ કરતી ગુજરાત પોલીસની ટીમને ઇશરત અને તેના ત્રણ સાથીદારોને એન્કાઉન્ટર પહેલાં ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હોવાના પુરાવા મળ્યા છે.અગાઉ સોહરાબુદ્દીનની તપાસમાં ઇશરત અને જાવેદ પિલ્લાઇને અડાલજ પાસે આવેલા અહમ ફાર્મમાં રખાયા હતા. જ્યારે બે પાકિસ્તાની અમજદ અને જિશાનને એન્કાઉન્ટર પહેલાં નારોલ પાસેના પીડબ્લ્યુડીના ગેસ્ટહાઉસમાં રખાયા હતા. આ ગેસ્ટહાઉસમાં આ બન્ને જણાને રખાયા હોવાના પુરાવા પણ આ ટીમ પાસે છે.આ ઉપરાંત ચંડોળા તળાવના કિનારે આવેલા ચંડોળા ઇન્સ્પેકશન બંગલોના સર્વન્ટ ક્વાર્ટર્સમાં પણ અમજદ અને જિશા.નને રખાયા હોવાની માહિતી પીડબ્લ્યુડીના સ્ટાફે જ આપી હતી. ઇશરત, જાવેદ પિલ્લાઇ, અમજદ અને જિશાન ત્રાસવાદી હોવા છતાં તેમના પૂર્વયોજિત હત્યા કરાઈ હોવાના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતમાં હજુ પણ પાણીની અછત
પીવાનાં પાણીની તંગી હળવી થઈ પણ સારા વરસાદની જરૂર: રાજ્યના તમામ ડેમોમાં માત્ર સરેરાશ ૧૯ ટકા પાણી ભરાયું : મંગળવારે પાણીની અછતની સ્થિતિની સમીક્ષા કરાશે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી સારો વરસાદ વરસી રહ્યો છે પણ હજુ તે પાણીની તંગી દૂર કરવા માટે પૂરતો નથી. વરસાદની સિઝનને એક મહિનો પૂરો થવાની તૈયારી છે, છતાં રાજ્યભરમાં અત્યાર સુધી સરેરાશ ૧૯ ટકા જેટલો વરસાદ પડ્યો છે અને તમામ ડેમમાં સરેરાશ માત્ર ૧૯ ટકા જેટલું પાણી ભરાયું છે, એટલે કે ૮૧ ટકા જેટલા ખાલી છે. એક માહિતી અનુસાર હજુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની તંગી યથાવત્ છે.આ અંગે રાજ્ય સરકારે મંગળવારે સમીક્ષા બેઠક હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. ગત પખવાડિયા સુધીમાં રાજ્યનાં બે હજારથી વધુ ગામોમાં પીવાનાં પાણીની તંગી વર્તાતી હતી, ૫૦૦થી વધુ ગામોમાં પીવાનાં પાણીના કોઈ સોર્સ બાકી ન રહેતાં ત્યાં ટેન્કરો મારફતે પાણી આપવામાં આવતું હતું. પાણીની અછતને પહોંચી વળવા માટે સરકારે ડેમોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખ્યો હતો અને સિંચાઈ માટે પાણી નહીં આપવાનો પણ નિર્ણય લેવાયો હતો.છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ પડવાની શરૂઆત થઈ છે પણ હજુ તે પૂરતો નથી. કેમ કે રાજ્યના મધ્ય ગુજરાત સિવાયના લગભગ તમામ ડેમ મોટાભાગે ખાલી છે, જેના કારણે ચોમાસાની સિઝન હોવા છતાં પીવાનાં પાણીની તંગીની ચિંતા ઓછી થઈ નથી.આથી રાજ્ય સરકારે મંગળવારે અછતની સ્થિતિ અને પીવાનાં પાણીની તંગી બાબતે સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે. આ બેઠક બાદ ખેતી માટે ડેમોમાંથી પાણી આપવા અંગે નિર્ણય લેવાશે. રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, હાલના વરસાદને કારણે ચેકડેમ અને તળાવો ભરાયાં છે અને હેન્ડપંપોમાં પણ પાણી ઉપર આવ્યાં છે, પરંતુ હજુ મોટા ભાગના ડેમ ખાલી છે એટલે હજુ રાજ્યભરમાં સાર્વત્રિક સારા વરસાદની જરૂર છે અને તો જ સૌરાષ્ટ્રમાં પીવાનાં પાણીની તંગી હળવી થઈ શકે તેવી સ્થિતિ છે.
અમદાવાદમાંથી બે આતંકવાદીઓ ઝડપાયા
ભગવાન જગન્નાથની ૧૩૩મી રથયાત્રાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યાં ક્રાઈમ બ્રાન્ચે પ્રેમ દરવાજા પાસેથી સીમીના બે આતંકીઓને ને લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડ્યા છે. રથયાત્રા પૂર્વે સીમીના બે કાર્યકરોની અમદાવાદમાં હાજરીએ પોલીસને મુંઝવણમાં મુકી દીધી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ૨૬મી જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમા થયેલા સિરિિયલ બ્લાસ્ટમાં પણ સીમીની સંડોવણીનો ખુલાસો થયો હતો અને હવે જ્યારે ફરી સીમીએ શહેરમાં ફરી માથું ઉંચકર્યું છે ત્યારે આ ચિંતાનો વિષય છે. આ બંને કાર્યકરો શું રથયાત્રામાં કાઈ ભાંગફોડીયા પ્રવૃત્તી કરવા માંગતા હતા કે નહીં તે બાબતે તેમની સઘન પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને આઈ બીના અધિકારીઓ કરી રહ્યા છે.ઘટનાની હકીકત એવી છે કે રથયાત્રા પૂર્વે એસીપી મયુર ચાવડાની ટીમના પી એસ આઈ જુગલ પુરોહીત અને જીતેન્દ્ર યાદવ પોતાના સ્ટાફ સાથે રથયાત્રાના રૂટ પરઆવેલા પ્રેમ દરવાજા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યા્રે તેમની નજર શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા બિહારના આસીફ રાજા અને મૂળ આઝમગઢનો તેનો બનેવી અબુ ફીકાર પર પડી હતી.- રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પ્રેમ દરવાજા પાસેથી આઝમગઢ અને બિહારના સીમીના બે આતંકીઓ પકડાયા- બંને પાસે લોડેડ પિસ્તોલ હોવાનો ક્રાઈમ બ્રાન્ચનો દાવો, આસીફ રાઝા અને અબુ ફાકીર સાળા બનેવી થાય છેતેમને રોકીને તલાશી લેવામાં આવતા તેમની પાસેથી ૭.૬૫ બોરની લોડેડ પિસ્તોલ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચોંકી ઉઠી હતી અને તેમની તાત્કાલીક ગાયકવાડ હેવલી ખાતેની ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ આવવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું હતું કે બંને ઈસમો મૂળ બિહારના વતની છે અને લાંબા સમયથી અમદાવાદમાં છુપાતા ફરતા હતા.તેમણે એવી પણ કબૂલાત કરી હતી કે બિહારમાં તેમની સામે કેસો નોંધાયેલા હોવાથી તેઆ ેઅમદાવાદમાં છુપાતા ફરતા હતા પરંતુ ગુજરાતમાં જ્યારે પોલીસ સીમીના માણસોને શોધી રહી છે ત્યારે આ બંને છુપાવા માટે અમદાવાદ આવ્યા હોવાની વાત પોલીસને ગળે ઉતરતી નથી.આસીફ રાઝાએ હાવડા બ્રીજ ઉડાવવાનું કાવતરુ ઘઢયું હતુંઆસીફ રાઝા સામે પશ્ચિમ બંગાળમાં અને મહારાષ્ટ્રના જલગાંવમાં આતંકવાદી પ્રવૃત્તીઓના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે હાવડા બ્રજિ ઉડાવવાના કાવતરામાં સામેલ હતો અને બીજી બાજુ તેણે જલગાંવમાંથી અનેક યુવકોને આતંકવાદી ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલ્યા હોવાનો પણ આક્ષેપ છે.બીજી બાજુ શહેરમાંથી પ્રતિંબંધીત સંગઠન સીમીના માણસો પકડાતા પોલીસને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલી જુદી જુદી એજન્સીઓને પણ કામે લગાડી દેવામાં આવી છે. હાલમાં પુરતું તો પોલીસ આ બંનની કોઈ ભાંગફોડીયા પ્રવૃત્તીમાં સડોવણી વિષે ઈન્કાર કરી રહી છે પરંતુ સાથે અવું પણ કહે છે કે તેમની પૂછપરછ જારી છે અને સીમીના અન્ય કોઈ વ્યકિતઓ છે કે નહીં તે બાબતે તપાસ ચલાવી રહી છે.
ઉત્તરપ્રદેશના પ્રધાન ફાયરિંગમાં ઘાયલ
ઉત્તરપ્રદેશા સંસ્થાગત નાણાપ્રધાન નદંગોપાલ ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કરવા માટે બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેમની ઉપર ગોળીબાર પણ થયો હતો. જેમાં ગોળી વાગવાથી પ્રધાન ઘાયલ થયા છે. પ્રધાન ઉપરાંત ચાર અન્ય શખ્સો પણ ઇજા પહોંચી છે. આજે વહેલી સવારે પ્રધાન નંદલાલ ગુપ્તા નિત્યક્રમ પ્રમાણે અલ્લાહબાદ ખાતેના તેમના ઘરેથી મંદીરે જઇ રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. ઘરની બહાર વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે અન્ય ત્રણ ગાડીઓને પણ નુકશાન પહોંચ્યું છે. ત્યારબાદ ઘટના સ્થળ પર હાજર હુમલાખોરોએ ગોળીબાર પણ કર્યો હતો. આ વિસ્ફોટમાં પ્રધાનના બે ગનર પણ ઘાયલ થયા છે. જોકે, વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે જાણી નથી શકાયું. પરંતુ, મળતી માહિતી પ્રમાણે રાજકીય દ્વેષભાવનાના પગલે આ હુમલો થયો હોય શકે છે.વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા છે. પરંતુ, તેઓ કાંઇ બોલવા માટે તૈયાર નથી. જ્યારે પરીવારજનોએ પણ હોઠ સીવી લીધા છે. તમામ ઘાયલોને નજીક આવેલી જીવન જ્યોતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાન નંદલાલ ગુપ્તાને ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યા છે. અહીં તેમની ગોળી કાઢવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે પત્રકારોને તથા અન્ય શખ્સોને હોસ્પિટલમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યાં. ઉલ્લેખનીય છેકે, નંદગોપાલ ગુપ્તા નાંદીના નામથી તેમના નજીકના વર્તુળમાં વિખ્યાત છે. તેઓ વર્ષ 2007માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ અલ્લાહબાદ દક્ષિણથી વિધાનસભ્ય છે. બસપના ધારાસભ્ય એવા નંદગોપાલ ગુપ્તાએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન માયાવતીને સોનાનો મુગટ ભેટ આપ્યો હતો. જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment