14 July 2010

રાજકોટને ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટને ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ

ઔદ્યોગિક ક્ષેત્રે વિકસી રહેલા, દેશના અન્ય મહાનગરના વિકાસની ગતિ સાથે તાલ મિલાવી રહેલા રાજકોટના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજજો આપવાની વર્ષો જુની યોજના હવે સાકાર થાય તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા છે. અષાઢી બીજે પરબધામ ખાતે આવેલા ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર રાજકોટ-દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાનું ગંભીર પણે વિચારી રહી છે ઉપરાંત સૌરાષ્ટ્રના એરપોર્ટોને વિકસાવવા માટે પણ તેની તૈયારી છે.જો રાજ્ય સરકાર જમીન આપે તો રાજકોટના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની પણ તૈયારી છે તેવું તેમણે કહ્યું છે, બીજી તરફ રાજકોટ નજીક ખંઢેરી પાસે એરપોર્ટ માટે ૧૨૦૦ એકર જમીન આપવાનો નિર્ણય સરકારે લઇ લીધો છે તેવું સૂત્રો કહે છે ત્યારે હવે ઇન્ટરનેશનલ એરપોર્ટનું સૌરાષ્ટ્રનું સપનું સાકાર થાય તેવા સંજોગો ઉભા થયા છે.કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે આજે પરબની યાત્રા દરમિયાન પત્રકારો સાથેની વાતમાં કહ્યું કે રાજકોટનું એરપોર્ટ હવે વિસ્તરણ માગે છે જો રાજ્ય સરકાર જમીન આપે તો અહીં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા કેન્દ્ર મદદ કરી શકે. ઉલ્લેખનીય છે કે રેવન્યૂ વિભાગના વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું કે જામનગર રોડ પર ખંઢેરી પાસે ૧૨૦૦ એકર જમીન એરપોર્ટ માટે ફાળવવી તેવો નિર્ણય તો અંતિમ તબક્કામાં છે. જો કેન્દ્રિય મંત્રીની જાહેરાત અને આ જમીનની ફાળવણી વચ્ચેનો તાલમેળ બેસે તો જલદી કામ શરૂ થઇ શકશે.તાજેતરમાં જ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું ઉદ્ઘાટન થયું ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં નાના મોટાં ૧૧ એરપોર્ટ વિકસાવવામાં આવશે. કેન્દ્ર કહે છે રાજ્ય પ્રયાસ કરે તો સહાય કરીશું. આ સ્થિતિમાં જો સંકલન થાય તો ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાત ઊંચી ઉડાન ભરી શકે.પરબધામ ખાતે પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે,અમદાવાદ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય બનાવાયું છે અને ગુજરાતના અન્ય એરપોર્ટને પણ વધારે સુવિધાઓ મળે તેવા પ્રયાસો જો રાજ્ય સરકાર કરે તો તે સુવિધા આપવા કેન્દ્ર સરકાર તૈયાર છે. જામનગર, ભાવનગર, રાજકોટ સહિતના એરપોર્ટને આધુનિક બનાવવા ગુજરાત સરકારે પ્રયાસો કરવા જોઇએ. પ્રફૂલ્લ પટેલે કહ્યું કે અમદાવાદ-લંડન વચ્ચેની ફ્લાઇટ પુન: શરૂ કરવા તાત્કાલિક નિર્ણય થશે. ગુજરાતના એરપોર્ટોને વિકસાવી શકાય તેવી પૂર્ણ શક્યતા છે. પરંતુ તેના માટે રાજ્ય સરકારે વ્યવસ્થિત દરખાસ્ત મૂકવી પડે.તેમણે ઉમેર્યું કે રાજકોટનું એરપોર્ટ નાનું છે, જગ્યા ઓછી છે જો વિશાળ જમીન મળે તો રાજકોટમાં અધ્યતન એરપોર્ટ બનાવવા માટે એરપોર્ટ ઓથોરિટી અને સરકારની યોજના છે જ . રાજકોટ અને દિલ્હી વચ્ચે સીધી હવાઇ સેવા શરૂ કરવા પણ કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.

સેન્સક્સે 39.05 પોઇન્ટના ઉછાળા સાથે 18,000ની સપાટી વટાવી

દેશના શેર બજાર બુધવારે વધારા સાથે ખૂલ્યા હતા. સેન્સેક્સે 39.05 પોઇન્ટના ઉછાળા સાથે 18,000ની સપાટી વટાવી હતી, જ્યારે નિફ્ટી પણ 1.35 પોઇન્ટ વધીને ખૂલ્યો હતો.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર આધારિત સૂચકાંક સેન્સેક્સ 39.05 પોઇન્ટના વધારા સાથે 18,024.95 પર ખૂલ્યો હતો, જે મંગળવારે 17,985.90 પર બંધ રહ્યો હતો.નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શેર આધારિત સૂચકાંક નિફ્ટી 1.35 પોઇન્ટની સમાન્ય વૃધ્ધિ સાથે 5402.00 પર ખૂલ્યો હતો. નિફ્ટી મંગળવારે 5400.65 પર બંધ રહ્યો હતો


ગર્ભવતી હોવાને કારણે વી આર ફેમિલિ ફિલ્મમાં કાજોલને પડતી મૂકાઈ!

વી આર ફેમિલિ ફિલ્મમાં કાજોલ, કરિના અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. જો કે કાજોલ ગર્ભવતી હોવાને કારણે પ્રમોશન કરિના અને અર્જુન જ કરશે.કાજોલ ગર્ભવતી હોવાને કારણે ટ્રાવેલિંગ કરી શકે તેમ નથી અને તણાવમાં રહે તે તેના આરોગ્ય માટે સારૂં નથી.દિગ્દર્શક કરણ જોહરે હોલિવૂડ ફિલ્મ સ્ટેપમોમ પરથી હિન્દી રિમેક વી આર ફેમિલી બનાવી છે. ફિલ્મના પ્રમોશનમાં કાજોલ ભાગ લઈ શકશે નહિ.સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુટીવી અને ધર્મા પ્રોડક્શન ફિલ્મનું પ્રમોશન અલગ રીતે કરશે કારણ કે, કાજોલ પ્રમોશન કરી શકશે નહિ. કરિના ફિલ્મને લઈને ઘણી જ ઉત્સાહિત છે.કરિનાએ કરણને કહ્યું હતું કે, ફિલ્મની તમામ પ્રમોશનલ પ્રવૃત્તિમાં તે ભાગ લશે અને આ માટે કરિનાએ તારીખો પણ આપી દીધી છે. આ ફિલ્મ કરિનાની મનપસંદ ફિલ્મ છે.પ્રમોશનમાં કાજોલ ના હોવાથી તેના ચાહકો જરૂર નિરાશ થશે પરંતુ બેબો અને અર્જુન કાજોલની ગેરહાજરીની ખોટ વર્તાવવા નહિ દે વાત ચોક્કસ છે.


ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની કારો પર હુમલો

ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં મંગળવારે અમુક સ્થાનિક લોકોએ પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરીને ભારતીય વિદ્યાર્થીઓની ત્રણ કારને નુકશાન પહોંચાડ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં વિદ્યાર્થીઓની કારને નિશાન બનાવવામાં આવી હોય તેવા 12 કેસ નોંધાયા છે.જે ભારતીય વિદ્યાર્થીઓની કારને નિશાન બનાવવામાં આવી છે તે ગ્રીનકેરસ વિસ્તારમાં રહે છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે મંગળવાર સવારે તેમની કાર ઉપર બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા આવા બનાવો બાદ ભારતીય વિદ્યાર્થીઓમાં ડરની લાગણી ફેલાઈ ગઈ છે.વર્તમાન પત્ર ‘એડિલેડ નાઉ’ના જણાવ્યા પ્રમાણે યાસિફ મુલ્તાની(28) નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે બનાવમાં 15 સ્થાનિક કિશોરનો હાથ છે. મુલ્તાનીની બે કારને નિશાન બનાવવામાં આવી હતી.
મુલ્તાનીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં આવા અનેક બનાવો બન્યા છે. જેમાં 12થી વધારે કારને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. તેની સાથે લેટર બોક્સમાંથી ભારતીય વિદ્યાર્થીઓના લેટરની પણ ચોરી કરવામાં આવી છે, તેમજ તેની કરચાપેટીઓને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવી હતી. આટલું જ નહીં તેમના ઘરો પર વંશીય લખાણો પણ લખવામાં આવ્યા હતાંમુલ્તાની તેમજ તેના મિત્રોએ એક કિશોરને કાર પર પેટ્રોલ બોમ્બ ફેંકતા જોયો હતો. તેમના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો જાણતા હતાં કે અમે ક્યાં સમયે ઘરે રહીએ છીએ. આ લોકો અમારા વિશે બધુ જાણે છે. પોલીસ અધિકારી બૈરી લેવિસનું કહેવું છે કે આ એક ચિંતાનો વિષય છે. આ વિસ્તારમાં અમુક યુવકો દ્વારા આવી ભાંગફોડની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. અમે આ પહેલા જ ત્રણ લોકોની ધરપકડ કરી ચુક્યા છીએ.


ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓમાં ૬૦ ટકાનો જંગી ઘટાડો

ગુજરાતમાંથી ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં ૬૦ ટકા જંગી ઘટાડો નોંધાયો છે. જેની પાછળનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયામાં થયેલા વંશીય હુમલા છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાના પગલે ગુજરાતના ૭૦ ટકા જેટલા વિઝા કન્સલ્ટન્ટ કે જેઓ ઓસ્ટ્રેલિયાના વિઝા માટે પ્રાધાન્ય આપતા હતા તેમણે પણ યુ.કે., યુ.એસ.એ. અને કેનેડા સહિતના દેશો માટે કન્સિલ્ટંગ શરૂ કર્યું છે.ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર વર્ષે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં જાય છે. જેમાં ગુજરાતી વિદ્યાર્થીઓની પસંદ યુ.કે., યુ.એસ.એ., કેનેડા, ઓસ્ટ્રેલિયા છે. જો કે ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં થયેલા વંશીય હુમલાઓ બાદ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જવાનું ટાળી રહ્યા છે. તાજેતરમાં વિઝા કન્સલ્ટન્ટ પાસે આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓ યુ.કે., યુ.એસ.એ. તથા કેનેડાને પ્રાધાન્ય આપી રહ્યા છે. વંશીય હુમલાઓ બાદ તેમનાં માતા-પિતા જ તેમને ઓસ્ટ્રેલિયા જવા માટેની ના પાડતાં હોઈ આ સંખ્યા ઘટી રહી છે.ગુજરાતમાંથી ગતવર્ષે આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયા હતા. જો કે વંશીય હુમલા બાદ સંખ્યા ઘટી છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ હજાર જેટલા જ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જવાના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આ વિદ્યાર્થીઓ પૈકી હજુ કેટલાક વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા માટે વિઝા ન મળવાથી નહીં જઈ શકે તેમ પણ વિઝા કન્સલ્ટન્ટ્સે જણાવ્યું હતું.ઓસ્ટ્રેલિયા માટે વિઝા કન્સલ્ટન્ટનું કાર્ય કરતા એજન્ટોએ પણ ઓસ્ટ્રેલિયાને સાઇડ ટ્રેક કરી અન્ય દેશોના વિઝા કન્સિલ્ટંગનું કાર્ય શરૂ કરી દીધું છે. ગુજરાતના વિઝા કન્સલ્ટન્ટ કે જેઓ ઓસ્ટ્રેલિયા માટે કન્સિલ્ટંગનું કાર્ય કરતા હતા, તે પૈકીના ૭૦ ટકા જેટલા કન્સલ્ટન્ટ્સે ઓસ્ટ્રેલિયાનું વિઝા કન્સિલ્ટંગનું કાર્ય બંધ કરી અન્ય દેશો તરફ મીડ માંડી છે.


મહેસાણા : ઓસ્ટ્રેલિયા પહોંચેલી પત્નીને પતિએ તગેડી મૂકી

લગ્ન બાદ ઓસ્ટ્રેલિયામાં સ્થાઈ થયા બાદ વિઝાના મુદ્દે પડદો પાડી પત્નીને પોતાની સાથે ઓસ્ટ્રેલિયા બોલાવવાનું ટાળતા પતિને મહેસાણાની યુવતીએ સબક શિખવાડવા કોર્ટમાં ઘા નાખી છે.પિતાના ખર્ચે ઓસ્ટ્રેલિયા જઈ પહોંચેલી યુવતી પાસે રૂ. ૨૦ લાખની દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકાયા બાદ પણ આઘાતને જીરવી પતિની નજીકમાં જ રહીને સંઘર્ષ કરી રહેલી યુવતીએ ઈ-મેઈલ દ્વારા પિતાને મોકલી આપેલી ફરિયાદને આધારે મહેસાણા ચીફ કોર્ટે ગુનો નોંધી શહેર પોલીસને તપાસનો હુકમ કર્યો છે.મહેસાણાના વિસનગર રોડ પર આવેલ શિતલપાર્ક સોસાયટીમાં રહેતા ભગવતીપ્રસાદ ખોડીદાસ બારોટની પુત્રી અનિલાના લગ્ન ગત તા.૨૩-૧૧-૦૮ના રોજ અમદાવાદના જિજ્ઞેશ જગદીશભાઈ બ્રહ્નભટ્ટ સાથે થયા હતા. લગ્નના ટૂંકાગાળામાં ઓસ્ટ્રેલિયા પરત જનાર જિજ્ઞેશે પત્ની અનિલાને પોતાની પાસે બોલાવી લેવાનો વાયદો કર્યો હતો.આ દરમિયાન અનિલાને વિઝા મળી ગયા હોવા છતાં તેના પતિએ વિગત છુપાવી હોવાનું સ્પષ્ટ થતા યુવતી ગત ૧૯-૯-૦૯ના રોજ સિંગાપોર એરલાઈન્સમાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ હતી. ત્યારબાદ પત્ની પાસે જિજ્ઞેશે દહેજ પેટે રૂ. ૨૦લાખની માંગણી કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. હાલમાં પતિથી અલગ ઓસ્ટ્રેલિયાના એડિલેડ વિસ્તારમાં એકલી રહેતી અનિલાએ ઈ-મેઈલ દ્વારા કરેલી ફરિયાદને આધારે મહેસાણા ચીફ કોર્ટે જિજ્ઞેશ જગદીશભાઈ બ્રહ્નભટ્ટ સહિત ચાર શખ્શોની વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી. કોર્ટે ૨૦૨ મુજબ શહેર પોલીસને તપાસ સોંપી એક માસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.


શિક્ષણપ્રધાને તાયફો કરાવ્યો, બાળકો ઝુમ્યાં

સામાન્ય રીતે શિક્ષકોની અને શિક્ષણપ્રધાનની ફરજ છે કે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે પ્રયાસો કરે અને તે માટે પ્રયાસો કરે. પરંતુ, ઉત્તરપ્રદેશના ઉચ્ચતર શિક્ષાપ્રધાન રંગનાથ મિશ્રાના ચમચાઓએ કરેલા કૃત્યથી શિક્ષણજગત શરમ અનુભવે તેમ છે.ઉત્તરપ્રદેશના સંત રવિદાસ નગર જીલ્લાના અજીબપુરમાં એક સરકારી સ્કૂલના ખાતમૂહર્તનો પ્રસંગ હતો. ત્યારે ઉચ્ચતર શિક્ષાપ્રધાન ત્યાં હાજર રહેવાના હતા. ત્યારે શિક્ષાપ્રધાનના કેટલાક મળતિયા ત્યાં પહોંચ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, રંગનાથ મિશ્રાના કાર્યક્રમમાં પૂરતું ઓડિયન્સ હોવું જોઇએ. જો આમ નહીં થાય તો તેમને ખોટું લાગી જશે.આથી દર્શકોને એકઠાં કરવા માટે બાર ગર્લ્સ અને તવાયફોને બોલાવી જોઇએ. તેવું દબાણ રંગનાથ મિશ્રાના સાથીઓ દ્વારા કરવામાં આવ્યું. શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ તેનો વિરોધ કર્યો. પરંતુ, મળતિયાઓના પ્રયાસોની સામે તેઓ નિષ્ફળ રહ્યા હતા. છેવટે, કાર્યક્રમમાં બારગર્લ્સ આવી હતી.કાર્યક્રમમાં યુવતિઓએ બોલિવુડ તથા ભોજપૂરી ગીતો પર અશ્લીલ ઠુમકા લગાવ્યા હતા. જેને કારણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો અને બાળકોને પણ આ અશ્લીલ નૃત્ય જોવાની ફરજ પડી હતી. નાના બાળકોના માનસ પર પડેલી અસરનો પૂરાવો એ હતો કે તેઓ પણ બારબાળાઓના અશ્લીલ ઠુમકાઓ ઉપર ઝુમ્યા હતા અને કેટલાક બાળકોએ સીટીઓ પણ પાડી હતી અને અશ્લીલ ટિપ્પણીઓ પણ કરી હતી.


બાપુનગરમાં રત્નકલાકારોનો પથ્થરમારો

સતત વધી રહેલી મોંઘવારીને પગલે રત્નકલાકારો દ્વારા કરવામાં આવી રહેલી ભાવ વધારાની માંગણીને પગલે બુધવારે સવારે ઉશ્કેરાયેલા રત્નકલાકારોનાં ટોળાએ સમજુબા હોસ્પિટલ નજીક આવેલા મનપસંદ હિરાનાં કોમ્પલેક્ષ પર પથ્થરમારો કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ વ્યક્તિને ઇજા થઇ ન હતી. અંતે પોલીસ આવી પહોંચતા પોલીસે ટોળાઓને વિખે મામલો થાળે પાડ્યો હતો, જો કે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉચાટનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક સુત્રોનાં જણાવ્યા અનુસાર, બુધવારે સવારે ૮.૩૦ વાગ્યાનાં અરસામાં જ્યારે બાપુનગર વિસ્તારમાં હિરાનાં કારખાનાઓ શરૂ થઇ રહ્યા હતા, ત્યારે ઇન્ડિયાકોલોની તરફથી ધસી આવેલા રત્નકલાકારોનાં ૫૦૦ના ટોળાએ મનપસંદ હિરાનાં કારખાના પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બીલ્ડીંગના કાચ તોડી પડ્યા હતા. પથ્થરમારાની વાત આગની જેમ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જતા રત્નકલાકારોમાં ભારે ઉચાટ વ્યાપી ગયો હતો અને ટપોટપ આસપાસનાં કારખાનાં બંધ થઇ ગયા હતા.બીજી તરફ રત્નકલાકાર એસો. દ્વારા આવતી કાલે એટલે કે ૧૫મી જુલાઇના રોજ હિરાબજાર બંધનું એલાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે રત્નકલાકારો દ્વાર ૩૦ ટકા ભાવ વધારાની માંગ કરવામાં આવી રહી છે, જેની સામે વેપારીઓ દ્વારા ૧૦થી ૧૨ ટકા ભાવ વધારો કરી આપવા આશ્વસન આપવામાં આવ્યું છે.

મુંબઈમાં ક્લોરિન ગેસ લિક થતા 3ના મોત

દેશની આર્થિક રાજધાની મુંબઈના શિવડી વિસ્તારમાં ઝેરી ક્લોરીન ગેસ લિકેજ થતા 3 લોકોના મોત નિપજ્યા છે તથા 50 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા ઉપરાંત આંખોમાં બળતરા, ઉલ્ટી જેવી ફરિયાદો બાદ તેઓને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેજે હોસ્પિટલમાં ગેસ પ્રભાવિત લોકોને લાવવાનો ક્રમ ચાલું છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે જો તેઓને કંઈ પણ તકલીફ હોય તો તેઓ તરત જ તબીબી તપાસ કરાવે.સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લોરી ગેસનું ગળતર બોમ્બે પોર્ટ ટ્રસ્ટના એક કન્ટેનરમાંથી સવારે લગભગ ત્રણ વાગ્યે શરૂ થયું હતું. જો કે આસપાસ કોઈ રહેણાંક વિસ્તાર ના હોવાથી વધારે લોકો પ્રભાવિત થયા નથી. પરંતુ જેમ જેમ ગેસનો ફેલાવો વધતો ગયો તેમ તેમ લોકોની આની અસર થતી જોવા મળી હતી. ગેસનો સૌથી વધુ પ્રભાવિત હોસ્ટેલ મેરીટાઈમ ઈન્સ્ટિટ્યુટને ખાલી કરાવવામાં આવી હતી. અને તેમા રહેતા વિદ્યાર્થીઓને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા.પોલીસ તથા અગ્નિશામક દળના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકોને ગેસ ગળતર થયેલા વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કન્ટેનરમાં 615 કિલો તરલ ક્લોરીન ગેસ હોવાનું અનુમાન છે. ગેસને પાણી છાંટીને સમુદ્ર તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.


ખૈરલાંજી કેસમાં તમામ આરોપીઓને આજીવન કેદ

ભંડારા જિલ્લાના ખૈરલાંજીમાં દલિત પરિવારોના ચાર સભ્યોની હત્યાના કેસમાં છ આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી નાખવામાં આવી છે. બોમ્બ હાઇકોર્ટની નાગપુર બેન્ચે આ ચૂકાદો આપ્યો હતો.બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચમાં જસ્ટિસ એ. પી. લાવન્ડે અને આર. સી. ચૌહાણની બેન્ચે ચૂકાદો આપ્યો હતો. બે આરોપીઓની આજીવન કેદને મોતની સજામાં ફેરવવાની માગ સાથે સીબીઆઇ દ્વારા નાગપુર બેન્ચમાં અરજી કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. નીચલી અદાલતે આઠ માંથી છ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી.મહારષ્ટ્રના ભંડારા જિલ્લાના ખૈરલાંજી ગામમાં ભૂતમંગે પરિવારના ઘર ઉપર માથાભારે ગ્રામજનોનું ટોળું ત્રાટક્યું હતું. કારણકે, ભૂતમંગે પરિવારના મોભી સુરેખા ભૈયાલાલે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સોએ સુરેખા, તેમના પુત્રો રોશન અને સુધીર તથા પુત્રી પ્રિયંકાને ઢસડીને ઘરની બહાર કાઢ્યા હતા. તમામને ગામમાં નગ્ન કરીને ફેરવવામાં આવ્યા હતા. જ્યારે તેમના શરીર પર લાકડી વડે જાતિય હુમલો કરવામાં આવ્યો હતો.આટલું ઓછું હોય તેમ બંને મહિલાઓ ઉપર સામુહિક બળાત્કારગુજારવામાં આવ્યો હતો. જ્યારે બંને પુત્રોના ગુપ્તાંગો જાહેરમાં કાપી નાખવામાં આવ્યા હતા અને આ લોકોને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા હતા. આ બનાવના કારણે, સમગ્ર રાજ્યમાં દલિતોમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો અને કેટલાય દિવસો સુધી હિંસા ચાલી હતી. ભૈયાલાલ કામ પરથી ગયો હોવાના કારણે, તે આ હુમલામાં બચી ગયો હતો. તેણે નજીકના ઝૂપડામાં છુપાઇને આ દ્રશ્યો જોયા હતા. કેસના તબક્કે તેની સાક્ષી મહત્વપૂર્ણ બની રહી હતી.


નેપાળ : શોભરાજના ભાવીનો આજે ફેસલો

બિકિની કિલરના નામથી કુખ્યાત ચાર્લ્સ શોભરાજની કિસ્મત પર નેપાળની હાઈકોર્ટ આજે પોતાની ચુકાદો સંભળાવશે. શોભરાજે ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને અમેરિકાની મોડલ કોની જો બ્રોંઝિકની હત્યામાં ઉમર કેદની સજા સંભળાવી હતી. હત્યાનો આ કેસ 1975નો છે.શોભરાજે 2006માં ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. શોભરાજે આરોપ લગાવ્યો હતો કે ન્યાયધિશે તેને સજા આપતી વખતે તેની સાથે વંશીય ભેદભાવ રાખ્યો હતો.મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 1970 થી 1976 દરમિયાન તેણે થાઈલેન્ડ, ભારત અને નેપાળમાં 12 થી 24 લોકોની હત્યા કરી હતી. 65 વર્ષીય ચાર્લ્સે મોટા ભાગે પશ્ચિમના દેશોના પર્યટકોને પોતાનો શિકાર બનાવ્યા હતાં. ચાર્લ્સ પહેલા લોકો સાથે મિત્રતા કરતો હતો ત્યાર બાદ તેની હત્યા કરી નાખતો હતો.શોભરાજના વકીલે તેમજ સાસુ શકુંતલા થાપાએ એવી આશા વ્યક્ત કરી છે કે સુપ્રીમ કોર્ટે તેને બધા આરોપમાંથી છોડી મૂકશે. જો આવું થશે તો તે પોતાનો દેશ છોડીને પેરિસ રહેવા જઈ શકશે.



કોમનવેલ્થ ગેમ્સ: રમતગમતના સાધનો પાણીમાં

દિલ્હી ખાતે કોમનવેલ્થ રમતોત્સવની ઊજવણી થવાની છે. પરંતુ, તેની તૈયારીઓમાં દિલ્હી સરકાર ઊણી ઉતરી રહી છે. જેનો પૂરાવો યમુના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે જોવા મળ્યો હતો.અહીં હંગામી સોમવારે પડેલા વરસાદમાં હંગામી છાપરૂ પડી ગયું હતું. જ્યારે ટેબલ ટેનિસ કોર્ટ તણાઇ ગયા હતા અને બીજા રમતગમતના સાધનો પલળી ગયા હતા. ડ્રેનેજ પાઇપલાઇનો બ્લોક હતી. જેના કારણે, પાણીનો યોગ્ય નિકાલ થઇ શક્યો ન હતો. જ્યારે ફર્નિચરને પણ નુકશાન પહોંચ્યું છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પાણીને બહાર કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છેકે, કોમનવેલ્થ રમતોત્સવ દરમિયાન અહીં ટેબલ ટેનિસ અને તિરંદાજીની પહેલા રાઉન્ડની સ્પર્ધાઓ યમુના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનાર છે.



સોલા-ગોત્રી મેડિકલ કોલેજને મંજુરી ન અપાઇ

ગુજરાત સરકાર દ્વારા ખાનગી ધોરણે અમદાવાદના સોલા અને વડોદરાના ગક્ષેત્રીમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. એમસીઆઇ વિખેરી નાખ્યા બાદ કેન્દ્ર સરકારે બનાવેલી બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં આ બંને કોલેજોમાં માળખાકીય સુવિધા નહીં હોવાના કારણે ચાલુ વર્ષ માટે મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે.જ્યારે ભાવનગર-અમરગઢની કે.જે. મહેતા જનરલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની માન્યતા પણ રદ કરાઈ છે. જેના લીધે રાજ્યમાં કુલ ૩૫૦ મેડિકલ બેઠકોનો વધારો નહીં થાય. ગુજરાતની એકમાત્ર ભુજ સ્થિત ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સને ૧૫૦ બેઠકોની મંજુરી આપવામાં આવી છે.મંગળવારે મળેલી બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા ખાનગી ધોરણે શરૂ કરવા માટે દરખાસ્ત કરાયેલી સોલા મેડિકલ કોલેજ અને ગક્ષેત્રી મેડિકલ કોલેજને ચાલુ વર્ષ માટે મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો. આ કોલેજમાં માળખાકીય સુવિધા કંગાળ, અપૂરતો સ્ટાફ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પાટણ તથા વલસાડ સ્થિત મેડિકલ કોલેજોની તો દરખાસ્ત જ સ્વીકારી ન હતી. ઉપરાંત અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલ દ્વારા મેડિકલ કોલેજ શરૂ કરવા માટે કરાયેલી દરખાસ્તનો પણ અસ્વીકાર કર્યો હતો.જોકે, ભુજ સ્થિત ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સને ૧૫૦ બેઠકોની મંજૂરી સાથે મેડિકલ કોલેજ શરૂ કરવા માટે લીલીઝંડી આપી દીધી છે. જેથી હવે આ બેઠકો પર ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે. સોલા અને ગક્ષેત્રી મેડિકલ કોલેજ ખાતે ટીમ દ્વારા ઇન્સપેકશન કરાયું હતું. ત્યાર બાદ તેનો અહેવાલ સુપરત કરાયો હતો. એવી પણ ચર્ચા છે કે એક કોલેજમાં એમસીઆઇના ભૂતપૂર્વ ચેરમેન ડૉ. કેતન દેસાઇના મળતિયાઓની નકારાત્મક ભૂમિકાના કારણે પણ તેને મંજુરી આપવામાં આવી નથી.


મહા ગુજરાતનું સપનું સાકાર થયાનો આનંદ

‘પ્રધાનમંત્રી તરીકે ઇન્દિરાગાંધી જ્યારે અમેરિકાના પ્રવાસે જતા હતા ત્યારે અમેરિકન સરકારને ઇન્દિરા ગાંધી કેવા પ્રશ્નો પૂછશે તેની એક અઠવાડિયા પહેલા કવાયત કરવી પડતી હતી ’’ તેમ જણાવી પૂર્વ નાણામંત્રી સનત મહેતાએ બ્યુરોક્રેટસ પર ચાબખા માર્યા હતા.શ્રી અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીની ઉજવણીના ભાગરૂપે આજે ‘મહાગુજરાતના સૂત્રધાર માળાનો મણકો’ વાર્તાલાપનું આયોજન મહાગુજરાત ચળવળના આગેવાનો પૈકી પ્રબોધ રાવળની ૮૧મી જન્મજયંતી દિને વાણિજ્ય ભવન ખાતે હાથ ધરવામાં આવ્યું હતું.વાણિજ્યભવન ખાતે આયોજિત વાર્તાલાપના વકતા ઇન્દુકુમાર જાનીએ પ્રબોધ રાવલના ત્રણ પુસ્તકના આધારે મનનીય પ્રવચન આપ્યું હતું. ઇન્દુકુમાર જાનીએ હરહિર ખંભોળજા, હરહિર વ્યાસ અને પ્રબોધ રાવલની ત્રિપુટીની ખમીર અને ખુમારીની બખૂબી વર્ણવીને કેટલાક પ્રસંગો ટાંક્યા હતા. તેમણે પ્રબોધ રાવલને સર્વના મિત્ર તરીકે ગણાવીને તેમની કામગીરીને બિરદાવી હતી.રાજ્યના પૂર્વ નાણામંત્રી સનત મહેતાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, મહાગુજરાતની ચળવળ દરમિયાન ૩૦ આગેવાનોએ સિનિયર-જુનિયરના ભેદભાવ ભૂલીને મહાગુજરાત ચળવળનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. વધુમાં, તે વખતે જોયેલ સપનું સાકાર થાય છે તે જ આનંદની વાત છે.જોકે, ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધી પણ અભ્યાસુ હતા પરંતુ હાલના પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંહ દેશને ડૂબાડશે તેવી તેમણે તીખી ટિપ્પણી કરતાં એક તબક્કે વાર્તાલાપમાં ઉપસ્થિત કોંગી આગેવાનોમાં સોપો પડી ગયો હતો.સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિન વૈષ્ણે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ગુજરાતની સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પહેલો કાર્યક્રમ તા.૬ મેના રોજ યોજાઇ ગયો હતો અને આજે બીજો કાર્યક્રમ યોજાયો હતો.


૧૦૦ ભક્તોએ સતત રથનાં સૂત્રો ખેંચ્યાં

દક્ષિણ ગુજરાતનો દરિયાકાંઠો ઘૂસણખોરી માટે આસાન હોવાથી અનેક વખત નેવી તેમજ ગુજરાત પોલીસે મોકડ્રિલ યોજયા છે, પરંતુ તાજેતરમાં એરફોર્સ પછી નેવીના બે અધિકારી સહિતની એક ટીમે ચૂપકીદીપૂર્વક કોસ્ટલ એરિયાનો સરવે કરવા ઉપરાંત મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા, ટ્રાફિક ડીસીપી એ.જી. ચૌહાણ સહિતની ટીમે હજીરાસ્થિત વિવિધ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે સિકયોરિટિ તેમજ ટ્રાફિકના હેતુ માટે મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં વિવિધ ઔધોગિક એકમોએ ગોઠવેલી સિક્યોરિટી વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા ઉપરાંત તકેદારીના પગલાં લેવાનું પણ સૂચન કર્યું હતું. ખાસ કરીને દરિયાકાંઠે આવેલા એકમોને બહારની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની સૂચના આપી હતી.સોમવારે નેવીના બે અધિકારી સહિતની એક ટીમ આવી હતી અને મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓને સાથે રાખીને દરિયાકાંઠાના તમામ વિસ્તારનો સરવે કર્યો હતો અને સ્થાનિક સ્તરે ક્યાં ઔધોગિક એકમો આવેલા છે તેની જાણકારી મેળવી હતી.ઉલ્લેખનીય છે કે દરિયામાં સ્થાનિક પોલીસ તટ પર તેમજ દરિયાઇ સરહદ પર કોસ્ટલ ઉપરાંત નેવીની સૌથી મહત્વની જવાબદારી બને છે. એટલું જ નહીં નેવીના માર્ગદર્શન હેઠળ જ કોસ્ટ ગાર્ડ તેમજ મરીન પોલીસ કામ કરી રહી છે.


આઇટી સેકટરની અગ્રણી કંપની ઇન્ફોસીસના શેરમાં ગાબડું

ઇન્ફોસીસનો શેરમાં આજે મોટાપાયે વોલેટાલિટી જોવા મળી રહી છે. કંપનીનો શેર આજે નીચામાં રૂ.2785 સુધી ગયો હતો. જો કે બપોરે 2.55 વાગ્યે 100 અંક એટલે કે 3.45 ટકાના ઘટાડા સાથે રૂ.2795 પર ટ્રેડ થઇ રહ્યો હતો.ઇન્ફોસીસે આજે ચાલુ નાણાંકીય વર્ષના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી, જે બજારની ધારણા કરતાં નીચા આવતા તેની નેગેટિવ અસર પડી છે.


ભારતરત્નના સાચા હકદાર આર.કે. લક્ષ્મણ

આર.કે.લક્ષ્મણનાં કાર્ટુનન સામાન્ય માણસના જીવનનાં તમામ દુ:ખ અને ખુશી-આનંદ અભિવ્યક્ત કરે છે. જો ચાર્લી ચેપ્લિનને પશ્ચિમના સામાન્ય માણસનું ચિત્રણ કરનારો કહેવાતો હોય તો પૂર્વમાં આર.કે.લક્ષ્મણ સામાન્ય માણસની પીડાને અભિવ્યક્ત કરનારા મહાનતમ કલાકાર છે. તેઓ કાર્ટુનિસ્ટ પણ છે અને તેમના ફોર્મ્સમાં કવિતા પણ મળી જાય છે. ભારતના સાહિત્યમાં જે સ્થાન મુનશી પ્રેમચંદનું છે એ જ સ્થાન, એવું જ સ્થાન આર.કે. લક્ષ્મણનું છે. હમણાં ઘણા લાંબા સમયથી બીમાર છે. થોડા દિવસો અગાઉ જ તેમને ખાસ વિમાન દ્વારા પુણેથી મુંબઈમાં બ્રિચ કેન્ડી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અક્ષયકુમાર તેમને મળવા માટે હોસ્પિટલમાં ગયો હતો, કારણ કે ફિલ્મસર્જક પ્રિયદર્શનનો દાવો છે કે, ૨૩ જુલાઈના રોજ રજુ થનારી તેમની ફિલ્મ ‘ખટ્ટામીઠા’નું કેન્દ્રીય પાત્ર તેમણે કાર્ટુનના સામાન્ય માણસની પ્રેરણાથી બનાવ્યું છે.જો આ સાચું હોય તો પ્રશંસાને પાત્ર છે, પણ જો ફકત સચિન ટિચકુલે નામનો ઉપયોગ કર્યો હોય તો એ ફકત પ્રચાર જ બની રહેશે, કારણ કે એ નામ આર.કે.લક્ષ્મણે લોકપ્રિય બનાવ્યું હતું. દરઅસલ આર.કે. લક્ષ્મણ જેવી વિલક્ષણ પ્રતિભા સૈકાઓમાં એક વાર જ પ્રગટતી હોય છે. નાનકડાં કાર્ટુનમાં ફકત રેખાચિત્ર દ્વારા રોજેરોજ દર્શકો સુધી માર્મિક વાત કહેવી સહેલી નથી. આ ક્ષેત્રના વેદવ્યાસ પણ તેઓ છે અને વાલ્મીકિ પણ તેઓ જ છે. ભારત દર્શનના વિષય પર તમને સેંકડો પુસ્તકો મળી જશે, પણ આધુનિક ભારતના વિરોધાભાસ અને વિસંગતિઓ તમને આર.કે. લક્ષ્મણની કૃતિમાંથી જ મળશે. તેમણે ભારતની વાસ્તવિકતાને અજબ ને ગજબ રીતે રજુ કરી છે.

No comments:

Post a Comment