16 July 2010

ખાનગી બેન્કોની ડિપોઝિટમાં ૩૨.૧૪ ટકાનો વધારો,રાષ્ટ્રીયકૃત બેન્કોની ડિપોઝિટમાં ૧૩.૭૮ ટકાનો વધારો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ખાનગી બેન્કોની ડિપોઝિટમાં ૩૨.૧૪ ટકાનો વધારો,રાષ્ટ્રીયકૃત બેન્કોની ડિપોઝિટમાં ૧૩.૭૮ ટકાનો વધારો

ગુજરાતમાં ડિપોઝિટ મેળવવામાં ખાનગી બેન્કો રાષ્ટ્રીયકૃત બેન્કો સામે બાજી મારી ગઈ છે. મંદીના સમયમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની તિજોરી છલકાઈ ગઈ હતી. જોકે મંદીની અસર દૂર થતાં ખાનગી બેન્કો વધુ ડિપોઝિટ આકર્ષવામાં સફળ રહી છે. ૨૦૦૯-’૧૦માં ખાનગી બેન્કોની ડિપોઝિટમાં ૩૨.૧૪ ટકાનો વધારો થયો છે, જ્યારે રાષ્ટ્રીયકૃત બેન્કોની ડિપોઝિટમાં ૧૩.૭૮ ટકાનો વધારો થયો છે. બીજી તરફ વ્યાજના દરમાં ઘટાડો થતાં ૨૦૦૮-’૦૯ની સરખામણીએ ૨૦૦૯-’૧૦માં બેન્કોમાં જમા થતી ડિપોઝિટમાં ઘટતા દરે વધારો થયો છે.સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટીની વાર્ષિક રિવ્યૂ મિટિંગમાં જાહેર થયેલા આંકડા મુજબ ખાનગી બેન્કો ડિપોઝિટ મેળવવામાં મેદાન મારી ગઇ છે. એસબીઆઇ ગ્રૂપની તમામ બેન્કોમાં મળીને ૧૭.૧૦ ટકાનો વધારો થયો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર પી. નંદકુમારનું કહેવું છે કે, ‘ગયા વર્ષે ડિપોઝિટ્સમાં ઘણો વધારો હતો, જ્યારે ચાલુ વર્ષે ગ્રોથ રેટમાં ઘટાડો થયો છે. હાલમાં અમારું ચાલુ અને બચત ખાતા પર પૂરતું ધ્યાન નથી. આ ઉપરાંત અમારો વ્યાજદર ઓછો છે અને કોઈ મોટી રકમની ડિપોઝિટ મૂકવા માટે આવે તો પણ અમે તેમને ઊંચો વ્યાજદર ઓફર કરી શકતા ન હોવાથી ડિપોઝિટના વધારામાં ઘટાડો થયો છે.’રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વ્યાજદર ૭ ટકા છે, જેની સામે ખાનગી બેન્કો ૮થી ૧૦ ટકા વ્યાજ આપે છે. બેન્ક ઓફ ઇન્ડિયાના ઝોનલ મેનેજર સુભાષ અરોરાનું કહેવું છે કે, ‘રાષ્ટ્રીયકૃત બેન્કમાં નાણાંની પૂરતી તરલતા છે એટલે અમે અત્યારે વધુ ડિપોઝિટ આકર્ષવા તરફ ધ્યાન આપી રહ્યા નથી. બીજી તરફ ફુગાવો દસ ટકા છે તેની સામે વ્યાજદર ૭ ટકા જેટલો ઓછો છે તે પણ ડિપોઝિટના દરમાં ઘટાડો થવાનું એક કારણ છે. ખાનગી બેન્કો વધુ વ્યાજે ડિપોઝિટ લે છે અને વધુ વ્યાજે ધીરે છે, અમારા ધિરાણના દર પણ ઓછા છે. જોકે જુલાઇના અંત સુધીમાં રજુ થનારી રિઝર્વ બેન્કની પોલિસી સમયે અથવા તે પહેલાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ડિપોઝિટના વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે.’લોકોનું કહેવું છે કે મંદી દૂર થતાં ખાનગી બેન્કો પરથી લોકોનો જે વિશ્વાસ ઊઠી ગયો છે, તે પુન: સ્થાપિત થઈ રહ્યો છે. આ ઉપરાંત ખાનગી બેન્કો ડિપોઝિટ મેળવવા આકર્ષક માર્કેટિંગકરી રહી છે, તેના કારણે પણ ખાનગી બેન્કોની ડિપોઝિટમાં વધારો થયો છે.સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની વાર્ષિક રિવ્યૂ મિટિંગમાં ભાગ લીધા બાદ રાજ્યનાણા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાંથી મળતી ડિપોઝિટના ૬૯ ટકાનું ગુજરાતમાં ધિરાણ થાય છે તે ૧૦૦ ટકા થવું જોઈએ તેવી રજુઆત અમે કરી છે. એમએસએમઈને ધિરાણમાં પ્રાથમિકતા મળે તેવી રજુઆત કરી છે, તથા આ ધિરાણનું દૈનિક ધોરણે મોનિટિંરગ થાય તેના માટે એક કમિટી રચવાની અમારી ભલામણ છે.’


12 વર્ષમાં જ ઉતરી જાય છે ‘પ્રેમ’નું ભૂત

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે કોઈ દંપતિ સાત વર્ષ સુધી શાંતિથી એક બીજા સાથે રહે તો તેને બેડો પાર થઈ જાય છે. સાત વર્ષ બાદ બંને અલગ પડવાની શક્યતા ઘટી જાય છે.પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે પતિ પત્નીના સંબંધોનો સાચો રંગ સાત નહીં પરંતુ 12 વર્ષ બાદ માલુમ પડે છે. એટલે એવું કહી શકાય કે પ્રેમનું ભૂત ઉતરતા 12 વર્ષ લાગે છે.સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે આજની ઝડપી દુનિયામાં લોકો સંબંધોની ગંભીરતા પણ ભૂલી ગયા છે. મોર્ડન સમાજમાં મોટા ભાગના છૂટાછેડાના કેસમાં દંપતિ દસ વર્ષ સુધી સાથે રહ્યા હોય છે. તેમજ છૂટાછેડા માટે કોર્ટના આટાફેંરા કરતા મોટા ભાગના લોકો એવું કહેતા ફરે છે કે તેમના જીવસાથી હવે તેને પ્રેમ કરતા નથી.સંશોધનકારોએ બ્રિટનની 90 જેટલી ફેમિલી કોર્ટ પાસેથી મેળવેલા આંકડાઓ ઉપર સંશોધન કર્યા બાદ આ તારણ રજૂ કર્યું હતું. સંશોધકોના જણાવ્યા પ્રમાણે લગ્ન બાદ 12 વર્ષ સુધી છૂટાછેડાનું જોખમ રહે છે. તેમજ અભ્યાસમાં માલુમ પડ્યું હતું કે મોટા ભાગના છૂટાછેડાનું કારણ એક સાથીનું અન્યને પ્રેમ ન કરવાનું હતું.


ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિ મંત્રણા

ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિ મંત્રણા ફરી એક વખત શરૂ થઇ છે. ભારતના વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણા પાકિસ્તાનના નેતાઓના સાથે શાંતિ મંત્રણા કરવા માટે ત્યાં પહોંચ્યા છે. જેનું સ્થાનિક શાંતિ સમર્થકોએ સમર્થન કર્યું હતું. પરંતુ, આ સમયે ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સાથે ભારતનો રાષ્ટ્રધ્વજ લઇને નિકળેલા લોકોએ ઉલ્ટો રાષ્ટ્રધ્વજ પકડ્યો હતો. જેના કારણે, કચવાટની લાગણી ફેલાઇ હતી. મળતી માહિતી પ્રમાણે, શાંતિ પ્રક્રિયાનું સમર્થન કરી રહેલા કેટલાક પાકિસ્તાની પત્રકારો સમક્ષ ભારતીય પત્રકારોએ વિરોધ નોંધાવ્યો હતો.


ડિગ્રી ઇજનેરી-ડિપ્લોમા ફાર્મસીની પ્રવેશપ્રક્રિયા શરૂ
ડિગ્રી ઇજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની ૩૯,૫૮૮ બેઠકો માટે પ્રવેશપ્રક્રિયા શરૂ. ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સની કુલ ૩૯,૫૮૮ બેઠક પરની વર્ષ ૨૦૧૦-૧૧ની પ્રવેશપ્રક્રિયા એડમશિન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ (એસીપીસી) દ્વારા હાથ ધરાશે. એઆઈસીટીઈ દ્વારા તાજેતરમાં ચાલુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ૩૩૦ બેઠકનો વધારો કરવાની મંજુરી અપાઈ છે. વધેલી બેઠકોને પણ આ પ્રવેશપ્રક્રિયામાં આવરી લેવાશે.ધોરણ-૧૨ સાયન્સના પરિણામની જાહેરાત બાદ ડિગ્રી ઈજનેરી-ફાર્મસી- ડિપ્લોમા ફાર્મસીની પ્રવેશપ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. પ્રવેશપ્રક્રિયા અંતર્ગત ઉપરોકત વિદ્યાશાખાની બેઠકોનો ચોઇસ ફીલિંગ રાઉન્ડ ૧૫મીથી ૧૮મી જુલાઈ દરમિયાન રાખવામાં આવ્યો છે. ૧૯મી જુલાઈએ વિદ્યાર્થીઓની ડિસપ્લે ઓફ ચોઇસ રખાઈ છે. બીજી તરફ ૨૨મી જુલાઈએ વિદ્યાર્થીઓની બેઠકની ફાળવણીની પ્રક્રિયા નિધૉરિત કરાઈ છે. ૨૨થી ૨૫મી જુલાઈ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિના નજીકના હેલ્પ સેન્ટર પર જઈને રિપોટિઁગ કરવાનું રહેશે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓએ મેરિટ અનુસાર દસ્તાવેજો રજુ કરીને ફી ભરવાની રહેશે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એઆઈસીટીએ તાજેતરમાં ચાલુ સેલ્ફ ફાઇનાન્સ ડિગ્રી ઇજનેરી કોલેજોની ૩૩૦ બેઠકમાં વધારો કરાયો છે. જેના કારણે ડિગ્રી ઇજનેરી કોલેજોની બેઠકોની સંખ્યા ૩૩,૨૪૮ પર પહોંચી છે. બીજી તરફ ડિગ્રી ફાર્મસીની ૫૫૦૬, ડિપ્લોમા ફાર્મસીની ૮૩૪ બેઠકો છે. ડિગ્રી ઇજનેરી-ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની કુલ ૩૯,૫૮૮ બેઠકો પરની વર્ષ ૨૦૧૦-૧૧ માટેની પ્રવેશપ્રક્રિયા એડમશિન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા હાથ ધરાશે. શિક્ષણ વર્તુળોમાં થતી ચર્ચા અનુસાર એઆઈસીટીઈની વેબસાઈટમાં કેટલીક કોલેજો તેમજ તેની બેઠકની રજુઆતમાં ભૂલો હોવાની વિગતો મળી છે. વેબસાઈટ પર એક જ કોલેજના નામ બે વાર તેમજ કેટલીક કોલેજોની સામે મૂકવામાં આવેલ બેઠકોની વિગતો અસ્પષ્ટ હોવાની ફરિયાદ ઊઠી છે. જેના કારણે મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાઈ હોવાની વર્તુળોમાં ચર્ચા છે.


રાજકોટ આનંદ સ્નેકસવાળા સંજય કોટકનું આગ્રા નજીક અકસ્માતમાં મૃત્યુ

શહેરના જાગનાથ પ્લોટમાં આવેલી જાણીતી હોટેલ આનંદ સ્નેક્સના માલિક સંજયભાઇ હિંમતલાલ કોટક (ઉ. વ. ૪૦)નું બુધવારે આગ્રાના ફિરોઝાબાદ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. બનારસમાં ગુરુ હરિચરણદાસબાપુના દર્શન કરીને પરત ફરતી વેળા ટ્રેકટરની પાછળ કાર ઘૂસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. તેના મૃતદેહને અંતિમવિધિ માટે ગુરુવારે રાતે હવાઇ માર્ગે રાજકોટ લવાયો હતો. ગાયકવાડી ૬/૯માં રહેતા સંજયભાઇ ગોંડલના શ્રીરામ આશ્રમના પૂજય હરિચરણદાસબાપુ બનારસમાં છે અને આગામી ગુરુ પૂર્ણિમાની રામકથા બનારસમાં કરવાના હોવાથી બાપુના અનન્ય સેવક સંજયભાઇ કોટક, પરેશભાઇ દાવડા સહિત ત્રણ મિત્રો અન્ય સેવકો સાથે અલગ અલગ બે કાર લઇને ગુરુના દર્શન કરવા બનારસ ગયા હતા.પરત ફરતી વેળા ડ્રાઇવિંગ કરી રહેલા પરેશભાઇને થાક લાગતા સ્ટિયિંરગ સંજયભાઇને સોંપી તે બીજી કારમાં બેસી ગયા હતા. ફિરોઝાબાદ નજીક સંજયભાઇની કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજા થવાથી તેનું સ્થળ ઉપર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતદેહ રાજકોટ લવાયો ત્યાં સુધી તેમના પત્ની રેખાબેન, માતા ચંદ્રિકાબેન અને એકના એક પુત્ર ભાર્ગવને સંજયભાઇના મૃત્યુના સમાચારથી અજાણ રખાયા હતા. મૃતદેહ ઘરે લવાયો ત્યારે પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. બહોળું મિત્ર વર્તુળ અને ભારે લોકચાહના ધરાવતા વેપારીની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.


ડભોઇથી સંખેડા જતી બસ ઝાડ સાથે ભટકાતાં ૩૪ને ઈજા

સાતને ગંભીર ઇજા થતાં બોડેલી ખસેડાયાં ડભોઇથી સંખેડા જતી બસમાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ.સંખેડા તાલુકાના બહાદરપુરના વલ્લભાચાર્ય હોસ્પિટલ પાસે સવારે ડભોઇથી સંખેડા આવતી એસ.ટી.બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાતાં ડ્રાઇવર સહિત ૨૪થી વધુ મુસાફરોને ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોમાં મોટાભાગના શાળાએ જતાં વિદ્યાર્થીઓનો સમાવાશે થાય છે.ડભોઇથી સંખેડા આવવા માટે એસટી બસ નંબર જીજે૧૮વી ૭૫૦૪ નીકળી હતી. બસમાં મોટાભાગે સંખેડા ખાતે સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ બહાદરપુર હાઇસ્કૂલ અને સંખેડા આઇટીઆઇમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તા.ગોલાગામડીથી બહાદરપુર તરફ આવી રહેલી બસ વલ્લભાચાર્ય હોસ્પિટલ પાસે પહોંચી ત્યારે અચાનક જ તેની કમાન અને ગુટકો તૂટી જતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બસ રસ્તા ઉપરથી ઉતરીને બાજુના ખાડામાં આવેલા ઝાડ સાથે ઘડાકાભેર અથડાઇ હતી. જેના પગલે બસમાં મુસાફરોમાં રોકકળ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલીક જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જેમના હાથે,પગે તેમજ પાંસળીઓમાં ફ્રેકચર થયુ હોવાની શંકા દેખાતી હતી. તેવા તમામ ઇજાગ્રસ્તોને એક્સ- રે અત્રેની હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા. જ્યાં લોકટાળા ઉમટી પડ્યા હતા. જો કે પ્રાથમિક અંદાજ મુજબ ઇજાગ્રસ્તોની સંખ્યાને આંકડો પચાસથી વધુ હોઈ શકે છે.


ભાવનગર : વીજતંત્રની લાપરવાહીથી અકસ્માતનો ભય
જિલ્લામાં ઠેક-ઠેકાણે મેઇન્ટેન્નસથી વંચિત વીજ વાયરો

ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી અંગે અને નીયમિતપણે વીજપુરવઠો આપવામાં પણ અખાડા કરતા વીજતંત્રનાં અધિકારીઓ પ્રિ-મોન્સુન કામગીરીનાં નામે નર્યું ધુપ્પલ ચલાવી રહ્યા હોવાનાં કિસ્સા છાશવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી બહાર આવી રહ્યા છે.ભાવનગર જિલ્લામાં વીજતંત્ર દ્વારા ચોમાસા પૂર્વે જર્જરિત થયેલા વીજવાયરો, વીજપોલ, ખુલ્લા મીટર બોક્સ ડીપી બદલાવવામાં આવ્યા નથી. જીવલેણ અકસ્માતને નિમંત્રણ આપતા આ સાધનો બદલવાનાં એક બાજુ રહ્યા તેની આસપાસ ભયસૂચક સીગ્નલ, બોર્ડ પણ મુકવાની તસ્દી ન લેવાતા ર દિવસ પૂર્વે તળાજાનાં પીપરલા ગામે શોક લાગતા એક ખેડૂતનું તેમજ ગાયનું મોત નીપજ્યું હતું. જિલ્લાનાં તાલુકા અને-ગ્રામ્ય મથકોમાં શેરી-ગલીઓમાં તેમજ સીમ વિસ્તારમાં વાડી-ખેતરો ઉપર વીજતાર લટકણીયારૂપે પવનમાં ઝૂલી રહ્યા છે. આમ વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર જ થઇ હોવાનું જણાઇ રહેલ છે.તળાજા : તળાજામાં ગોરખી દરવાજા, ખોજાવાડ અને વાવચોક સહિતનાં સ્થળોએ મોટાભાગનાં વીજપોલ સડી ગયેલ જોખમી હાલતમાં છે. એટલું જ નહીં વીજવાયરોનાં ઝોળા પણ અકસ્માતને નિમંત્રણ આપે તેવા છે. શહેરનાં વિવિધ વિસ્તારોનાં લોખંડનાં જુના થાંભલાઓ અને વીજ વાયરનું લાંબા સમયથી મરામત ન થયેલ હોય જો વીજ તંત્ર હવે તાકિદે યોગ્ય નહીં કરે તો ચોમાસામાં શોર્ટ સર્કિટ કે તૂટ-ફૂટ થવાનાં કારણે જીવલેણ અકસ્માત સર્જાવાની પુરેપુરી શક્યતા છે.
વલભીપુર. ઉમરાળા : વીજ તંત્ર દ્વારા વલભીપુર અને ઉમરાળા પંથકમાં વ્યવસ્થિત રીતે આવશ્યક એવી પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં ન આવતા અવાર-નવાર લો-વોલ્ટેજ, પાવરની વધઘટ તેમજ ફોલ્ટ સહિતની સમસ્યાઓ હવે રોજીંદી બની ગઇ છે. જેનાં કારણે વીજ પુરવઠો ખોરવાઇ જાય છે.પાલિતાણા : પાલિતાણા શહેર- તાલુકામાં વીજ તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીનાં અભાવે વારંવાર વીજળી ખોરવાઇ જાય છે. અહીંનાં મોટાભાગનાં રહેણાંકી વિસ્તારો તેમજ વાડી-ખેતર ઉપરનાં વીજ વાયરો ઢીલા થઇ ગયા છે. કેટલાક વિસ્તારોમાં આવેલા ઘટાદાર વૃક્ષોની ડાળીઓ પવનનાં સુસવાટાથી મુખ્ય વીજવાયરોની ઉપર નમી જતી હોય વીજપુરવઠામાં વિક્ષેપ સર્જાય છે.ગઢડા : ગઢડા (સ્વા.)માં વજિતંત્રની ઢીલી કામગીરીના કારણે વારંવાર ફોલ્ટ સ્થિતિ સર્જાઈ રહેલ છે. કેટલાક વિસ્તારોમાં ઝળુંબતા જુના વાયરો હજુ સુધી હટાવવામાં આવ્યા નથી એટલુ જ નહિ કેટલાક સેન્ટરોમાં બિન ઉપયોગી લાઈનોનો નિકાલ કરી જરૂરતવાળા વિસ્તારોમાં વાયરિંગની કામગીરી હાથ ધરાઈ નથી. જ્યારે રોજીંદા લોડશેડીંગની સમસ્યાના કારણે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર ટી.સી. બળી જવાના બનાવો બને છે


ઇનડોરની નવરાત્રિ સામે પ્રશ્નાર્થ

નવરાત્રિના નવ દિવસ માટે ઇનડોર સ્ટેડિયમનું છેલ્લાં નવ વર્ષથી મળતું રૂપિયા એક કરોડનું ભાડું આ વર્ષે સુરત મહાનગરપાલિકાને એકપણ આયોજક આપવા તૈયાર નથી. જેથી તેની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જવા છતાં એક પણ આયોજકે તેની અનેgસ્ટ મની ડિપોઝિટ ભરવાની પણ તસ્દી નહીં લીધી. તેથી આ વર્ષે ઇનડોરમાં નવરાત્રિના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.અન્ય સ્ટેડિયમોનાં ભાડાં વધી રહ્યાં છે ત્યારે પાલિકાએ નવ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ઇનડોર સ્ટેડિયમનું ભાડું ઘટાડવાની નોબત આવી છે અને એ પણ એક બે લાખ નહીં સીધા ૨૫ લાખ રૂપિયા. અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે લોકોમાં ભારે ક્રેઝ જગાવનારા ઇનડોર સ્ટેડિયમમાં આ વર્ષે ગરબા થશે કે કેમ? આ બધી શક્યતાઓ ઊભી થવા પાછળનું કારણ ઇનડોરને ભાડે લેનારા મુખ્ય ગ્રુપના તમામ સભ્યો રાજીવ શાહ મર્ડર કેસમાં કસ્ટડી ભોગવી રહ્યા છે તે છે.આ વર્ષે ૮થી ૧૭ ઓક્ટોબર ૨૦૧૦ દરમિયાન યોજાનારી નવરાત્રિ માટે ઇનડોર સ્ટેડિયમ દર વર્ષની જેમ ભાડે આપવા માટેની તૈયારીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહિના પહેલાં શરૂ કરી દીધી હતી અને તેની અપસેટ વેલ્યુ ૧.૧ કરોડ નક્કી કરી હતી. પાલિકા વર્ષ ૨૦૦૧-૦૨થી આ સ્ટેડિયમ નવરાત્રિ માટે ભાડે આપી રહ્યું છે અને પહેલા વર્ષે ૯૫ લાખ જેટલું ભાડું રાખ્યા બાદ અત્યાર સુધીના વર્ષમાં ૧ કરોડ ઉપરાંતનું ભાડું નક્કી કરાતું હતું પરંતુ આશ્ચર્ય વચ્ચે આ વર્ષે ઓફર મંગાવવાનો સમય પૂરો થઈ જવા છતાં એક પણ આયોજકે તૈયારી દેખાડી ન હતી.પરિણામે પાલિકાએ નવ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અપસેટ વેલ્યું ઘટાડી રૂ. ૭૫ લાખ કરવાની નોબત આવી હતી અને તે માટે સોમવાર ૧૨ જુલાઈથી શનિવાર ૧૭ જુલાઈ સુધી ફરી ઓનલાઇન ઓફર મંગાવાઇ છે. હવે આવતા સોમવારે જ ખબર પડશે કે કેટલાક લોકોએ ઇનડોર સ્ટેડિયમ ભાડે રાખવા તૈયારી દર્શાવી છે.છેલ્લા કેટલાક સમયથી એક જ ગ્રુપ દ્વારા ઇનડોર સ્ટેડિયમ નવરાત્રિ માટે ભાડે રાખવામાં આવતું હતું પરંતુ પાછલા વર્ષે નવરાત્રિના આયોજન બાદ આ ગ્રુપમાં હિસાબોની ગરબડને મામલે સિટીલાઇટ રોડના ફાઇનાન્સર રાજીવ શાહની હત્યા થઈ ગઈ હતી અને તેની હત્યાના આરોપ હેઠળ અન્ય પાર્ટનર કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યા છે. જેથી, આ વખતે આ ગ્રુપ મેદાનમાં નથી. જ્યારે અન્ય ગ્રુપ પણ તે માટે તૈયાર થયું નથી. હવે નવી અપસેટ વેલ્યુ રૂ. ૭૫ લાખમાં પણ કોઈ ગ્રુપ આગળ આવે છે કે નહીં તે જોવું રહ્યું


ભાજપની મહિલાઓએ મોંઘવારીની નનામી બાળી

મોંઘવારી સામે કેન્દ્ર સરકારની ખબર લઇ નાંખવા ભાજપ મહિલા પ્રદેશનાં અધ્યક્ષા અને મહેસાણાનાં સાંસદ જયશ્રીબેનની આગેવાની હેઠળ શહેરના ભાજપ મહિલા મોરચાની કાર્યકરોએ મોંઘવારીની નનામી કાઢી ગુરુવારે છાજિયા લીધા હતા.
તાજેતરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં અસહ્ય ભાવવધારો કરી સામાન્ય જનતાની કમર તોડી નાંખવાના વિરોધમાં ગુરુવારે ભાજપ મહિલા પ્રદેશનાં અધ્યક્ષા અને મહેસાણાનાં સાંસદ જયશ્રીબેનની આગેવાની હેઠળ મોંઘવારી વિરુદ્ધ ચોકબજાર ખાતે ધરણાં કરી દેખાવો કરવામાં આવ્યા હતા.જેના ભાગરૂપે કાર્યકારી બહેનોએ ચોકબજારથી નાવડી ઓવારા સુધી મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઠાઠડી સાથે કેન્દ્ર સરકારના છાજિયાં લીધાં બાદ નાવડી ઓવારા નજીક મોંઘવારીના પૂતળાનું દહન કર્યું હતું. ભાજપ મહિલા પ્રદેશનાં મહામંત્રી ડો.જયોતિબેન તેમજ સુરતનાં સાંસદ દર્શનાબેન જરદોશ સહિત દરેક વોર્ડનાં સભ્ય બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.ભાજપ મહિલા પ્રદેશની પ્રથમ મિટિંગ ગુરુવારે શહેરના તેરાપંથ ભવન ખાતે યોજાઈ હતી, જેમાં હાલમાં નિમણુંક થયેલા પ્રદેશ અધ્યક્ષ જયશ્રીબેન અને મહામંત્રી ડૉ.જયોતિબેન ઉપસ્થિત રહ્યાં હતાં. મિટિંગ બાદ ભાજપ મહિલા પ્રદેશમાં કાર્યરત મહિલાઓએ ચોકબજાર ખાતેથી મોંઘવારી વિરુદ્ધ દેખાવો યોજયા હતા. ત્યારબાદ ચોકબજારથી મોંઘવારી વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે દાનવની ઠાઠડી કાઢવામાં આવી હતી અને ત્યાંથી થોડા અંતરે પૂતળાદહન કરાયું હતું. ભાજપની મહિલા કાર્યકરોએ કોંગ્રેસ અને યુપીએ સરકારના છાજિયાં લીધાં હતાંભાજપનાં મહિલા કોર્પોરેટર અસ્મિતાબેન શિરોયાએ જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલમાં કરાયેલા ભાવવધારાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુમાં થયેલા ભાવવધારાના વિરોધમાં કેન્દ્ર સરકાર સામે દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.


ભુજ તાલુકામાં ભાદરવા જેવા ભૂસાકા : તાપમાન અને ભેજમાં વધારો

કચ્છ પર મન મૂકીને મહેર કરવાને બદલે ત્રુટક ત્રુટક વરસતા મેઘાએ ગુરુવારે ફરી અમુક જ વિસ્તાર પર પસંદગી ઉતારી હોય તેમ બપોર બાદ ભુજ તાલુકાના ગામો અંજાર, ગાંધીધામ, ભચાઉ તેમજ ભચાઉ તાલુકાના ગામો પર અડધાથી દોઢ ઇંચની હેલી વરસાવી હતી. બીજી બાજુ ભુજ તાલુકામાં છુટા છવાયા ઝાપટાં વચ્ચે ભાદરવા જેવો માહોલ જારી રહ્યો હતો. ત્યાં પશ્ચિમ કચ્છ મહદઅંશે કોરું રહ્યું હતું.ગાંધીધામમાં સાંજે પોણા પાંચના અરસામાં શરૂ થયેલા વરસાદને કારણે બે કલાકમાં દોઢેક ઇંચ જેટલું પાણી પડતાં સુધરાઇએ કરેલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થઇ હતી. શેરી-ગલી તેમજ માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.અંજારમાં પણ બપોરે ગાજવીજ સાથે પડેલા ભારે ઝાપટાંથી ૯ મિલી મીટર પાણી વરસ્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો તાલુકાના દુધઇ, બુઢારમોરા, મોરગર, ધમડકા, હિરાપર, નવાનગર, ભવાનીપુર, ભુજપુર સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ મેઘ મહેર થઇ હોવાનું કપિલ મહારાજે જણાવ્યું હતું.જગદીશ હિરાણી અને વિનય કોલીના જણાવ્યા મુજબ નાની-મોટી નાગલપરમાં પડેલા જોરદાર ઝાપટાંથી વાડી-ખેતરમાં પાણી ભરાયાં હતા. તાલુકાના સિનુગ્રા, ખંભરા તેમજ પાતિયામાં સાંજે મેઘરાજાએ અમિદ્રષ્ટિ કરી હોવાના વાવડ ભરતસિંહે આપ્યા હતા. સરપંચ અરજણ ખાટરિયાના જણાવ્યા પ્રમાણે આંબાપર, સત્તાપર અને લાખાપર ગામોમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ થયો હતો. તાલુકાના ભુજોડી, લાખોંદ, ત્રાયા, રાયધણપરમાં બપોરે ભારે ઝાપટું પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. સાંજે ૫:૩૦થી ૭:૩૦ના અરસામાં ધાણેટી, નાડાપા, હબાય, લોડાઇ, બેરડો, ઉમેદપર, ખેંગારપર, વાત્રા, ધરમપર, જવાહરનગર, મોડસર, ડગાળા, મોખાણા, કનૈયાબેમાં બે કલાકમાં ઝાપટાંરૂપી એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.ગાંધીધામમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહયા પછી ઉડઘતી સાંજે વરસાદ શરૂ થયો હતો. થોડા સમયના અંતરાય પછી આવતા-જતા રહેતા મેઘરાજાએ એકથી દોઢ ઇંચ પાણી વરસાવ્યું હતું. પાણી નિકાલની વ્યવસ્થાને અભાવે જાણે કે શહેર આખું ડૂબમાં ગયું હોય તે રીતે પાણી ભરાયા હતા. આ સાથે સુધરાઇ તંત્ર ધંધે લાગ્યું હતું.


નલિયામાં મળેલી તલાટીઓની બેઠકમાં અરજદારો પહોંચી ગયા

અબડાસા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી સતત ગેરહાજર રહેતા હોવાની રાવ સાથે નલિયા મધ્યે ગુરુવારે મળેલી તલાટીઓની બેઠકમાં જે-તે વિસ્તારના અરજદારો પહોંચી ગયા હતા. મળતી વિગતો પ્રમાણે તાલુકાના ગામડાઓમાં તલાટીઓ કચેરીએ ફરક્તા જ ન હોવાથી અરજદારોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. અમુક સંજોગોમાં તો કામ પતાવવા તલાટીના ઘરે પણ લોકોને જવું પડે છે, જેમાં ગરીબ અરજદારોને ખાસ્સી મુશ્કેલી થાય છે.આમ સતત ગેરહાજર રહેતા તલાટી મહાશયો નલિયામાં ગુરુવારે યોજાતી બેઠકમાં નાછુટકે આવતા હોવાથી અરજદારો તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ ધસી ગયા હતા અને કામ કરાવવા પોતપોતાના વિસ્તારના તલાટીઓને શોધ્યા હતા જે માટે અરજદારો ખાધા-પીધા વગરના રહ્યા હતા.

No comments:

Post a Comment