visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટમાં મેઘરાજાની હાઉકલી, અડધો ઈંચ વરસાદ - મોસમનો કુલ વરસાદ ૧૨ ઇંચ
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું અપાર હેત વરસી રહ્યું છે ત્યારે રાજકોટવાસીઓના હૈયે ધરપત મળે એવી કૃપા હજુ વરસતી નથી. ત્રુટક ત્રુટક વરસતા મેઘરાજાએ આજે ફરી દર્શન દીધા હતા અને અડધી કલાક ધોધમાર વરસતા અડધો ઇંચ પાણી પડી ગયું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૨ ઇંચે પહોંચી ગયો છે. જો કે એમ છતાં હજુ જળાશયો ખાલીખમ રહ્યા છે.
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઉઘાડ રહ્યો હતો. ક્યારેક ઝરમરિયા ઝાપટાં વરસતા હતા પણ વાદળોની જોઇ એવી જમાવટ થતી ન હતી. દરમિયાન આજે સાંજથી ફરી અષાઢી માહોલ છવાયો હતો. દિવસભર અસહ્ય ઉકળાટ અને બફારો રહ્યા બાદ મોડી સાંજે ગોરંભાયેલાં વાદળોની સવારી આવી પહોંચી હતી અને સુસવાટા નાખતા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે માત્ર અડધી કલાક જ વરસાદ ચાલુ રહ્યો હતો અને આ અડધી કલાકમાં અડધો ઇંચ પાણી પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૨ ઇંચે પહોંચી ગયો છેબીજીબાજુ બાર-બાર ઇંચ પડી જવા છતાં હજુ શહેરના આધારસ્તંભ એવા આજી અને ન્યારી ડેમમાં પર્યાપ્તમાત્રામાં નવાં નીરની આવક થઇ નથી. શહેરમાં હાલ પાણીકાપના કારમા દિવસો ચાલી રહ્યા છે. મેઘરાજા એવી કૃપા વરસાવે કે વર્ષ આખું પાણીકાપનું મોઢું પણ ન જોવું પડે એવા અનરાધાર વરસાદની લોકો ચાતક નજરે વાટ નીરખી રહ્યા છે.મારો વહાલો આ સાદ સાંભળે એવી યાચના લોકો કરી રહ્યા છે.
રાજકોટ : રેસકોર્સ ‘ઓપન એર થિયેટર’ માં બિયર પીતા ત્રણ શખ્સોની ધરપકડ
કારખાનેદાર અને આઇસીઆઇસીઆઇના કર્મી સહિત ત્રણની ધરપકડ. આમ્રપાલી ફાટક નજીક સીઝન સ્ટોરના ઓઠા હેઠળ દારૂ-બિયર વેંચતા ઇસમની શોધખોળ.રેસકોર્સ મેદાનમાં આવેલા ઓપન એર થિયેટરમાં અગાઉ અનેક કલાકારોએ નાટક રજૂ કરી લોકોની વાહવાહ મેળવી છે. પરંતુ ગુરુવારે રાત્રીના ત્રણ શખ્સો અલગ રીતેજ ‘નાટક’ કરવાના હતા ત્યાં પોલીસ ત્રાટકી હતી. બિયરની પાર્ટી માણવા બેઠેલા કારખાનેદાર અને આઇસીઆઇસીઆઇના કર્મચારી સહિત ત્રણેયને પોલીસે ઝડપી લીધા હતા.
રેસકોર્સના ઓપન એર થિયેટરમાં ત્રણ શખ્સોએ મહેફિલ માંડી હોવાની બાતમી મળતા, પ્ર.નગરના અજીતસિંહ ઝાલા અને મેરામભાઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. બિયરના ટીન ખોલી ત્રણેય શખ્સો ઘુંટ ભરે તે પહેલાંજ પોલીસ પહોચી ગઇ હતી.પોલીસે બિયરના ત્રણ ટીન સાથે વૈશાલીનગરમાં રહેતા કારખાનેદાર વાણંદ સમીર સુરેશ ભટ્ટી (ઉ.વ.૨૪) અવંતીપાર્કમાં રહેતો અને કાર વેલ્યુએશનનું કામ કરતાં કુંભાર ઉદય પ્રવીણ મકવાણા (ઉ.વ.૨૪) અને ગાંધીગ્રામમાં રહેતા આઇસીઆઇસીઆઇ બેંકના કર્મચારી દિલીપ ઉર્ફે ચિંતન નરેન્દ્ર ભટ્ટ (ઉ.વ.૨૬) ને ઝડપી લીધા હતા.બિયરનો નશો ચડે તે પૂર્વેજ ઝડપાઇ જતાં ‘પોપટ’ બની ગયેલા ત્રણેય શખ્સોએ આમ્રપાલી ફાટક પાસે ‘સાગર સીઝન’ નામે દુકાન ચલાવતા મુસ્તફા પાસેથી બિયર ખરીધ્યાની કબૂલાત આપતાં પોલીસે મુસ્લિમ શખ્સની શોધખોળ શરૂ કરી હતી. ઉપરોકત સ્થળે દારૂ-બિયરનું સરાજાહેર વેચાણ થતુ હોવાની લોકોમાં ભારે ચર્ચા હતી ત્યારે બિયર સાથે ઝડપાયેલી ત્રિપુટિએ પણ કબૂલાત આપતા પોલીસ નક્કર કામગીરી કરે છે કે માત્ર ધરપકડનું ‘નાટક’ કરી કાર્યવાહી પૂરી કર્યાનો સંતોષ મેળવશે તેના પર સહુની મીટ મંડાઇ છે.
જૂના અને નવા રાજકોટમાં ઓડિટોરિયમ, જિમ્નેશિયમ, કોમ્યુનિટી હોલ અને લાઇબ્રેરી બનાવવા માટેની ગતિવિધિ શરૂ.
મહાપાલિકાના ચાલુ વર્ષના બજેટમાં શાસકોએ ઉમેરેલા પ્રોજેક્ટ પૈકી જૂના રાજકોટ અને નવા રાજકોટમાં ઓડિટોરિયમ, જિમ્નેશિયમ, કોમ્યુનિટી હોલ અને લાઇબ્રેરી બનાવવા માટેની ગતિવિધિ શરૂ થઇ ગઇ છે. આ તમામ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલી દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આજે કુલ જુદા જુદા વિકાસકામો માટે કુલ રૂ. ૨૩ કરોડના ખર્ચને ચેરમેન કશ્યપ શુક્લે મંજૂરી આપી હતી.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાં મુખ્ય એવા કામોમાં વોર્ડ નં. ૧,૧૧,૧૨, ૧૩,૨૧,૨૨-બ તથા ૨૩-બમાં સફાઇ કરવાના કોન્ટ્રાકટની મુદત લંબાવવી, પ્રધ્યુમનપાર્ક ઝૂ જતાં રોડ પર સાગરનગર મફતિયાપરા તરફ નેશનલ હાઇવેથી માર્કેટિંગયાર્ડ સુધીના ભાગમાં ચેનલ લીંક જાળી નાખવા રૂ. પ.૦૪ લાખ, વોર્ડ નં. ૨૧માં પુનિતનગરમાં આવેલી પ્રાથમિક શાળા નં. ૮૭ની કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ. ૯.૭૨ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.જ્યારે પારેવડી ચોકમાં રૂ. ૩.પ૪ લાખના ખર્ચે આકર્ષક ટ્રાફિક સર્કલ, નવા રસ્તા માટે બાંધકામ શાખા હસ્તકના બજેટમાંથી વર્ગફેર કરી રૂ. ૭૦ લાખની જોગવાઇ કરવી, ભાવનગર રોડ પર બેડીપરા ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા બાળકોના સ્મશાનગૃહનો વહીવટ ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટને સોંપવા, ગુલાબનગર ખાતે આવેલા કોમ્યુનિટી સેન્ટરનું સંચાલન વિશેષ સમય માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનને સોંપવું એ સહિતનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રેમમંદિરથી છેક યુનિવર્સિટી ગેટ સુધી રસ્તા પર સેન્ટ્રલ લાઇટ ઝળહળશે -શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર, શહીદ ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનથી લઇ યુનિવર્સિટી તરફ રૂડા-૧, ૨ સહિત રોડની બન્ને બાજુ અનેક સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તાર કૂદકેને ભૂસકે વિકસી રહ્યો છે. છેક મુંજકા સુધી ડેવલોપમેન્ટ ચાલુ છે ત્યારે રાત્રે આ રોડ પરથી અંધારાં દૂર કરવા માટે સેન્ટ્રલ લાઇટિંગ મૂકવામાં આવનાર છે અને તેના માટે ડિવાઇડર બનાવવા રૂ. ૨૩ .૬૧ લાખનો ખર્ચ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયો હતો.કીડની હોસ્પિ.થી રૈયાગામ તરફ, નાના મવા સહિત પાંચ માર્ગો પર ડિવાઇડર બનશે -મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આજે ડિવાઇડર બનાવવાના કામનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો. જેમાં નાના મવા મેઇન રોડ પર લક્ષ્મીનગરનાલાથી ૧પ૦ ફૂટ રિંગ રોડ સુધી રૂ. ૨૯.૨પ લાખના ખર્ચે, આકાશવાણી કવાટર્સથી યુનિવર્સિટી રોડ સુધી રૂ. ૧૮.૮૩ લાખના ખર્ચે, કોટેચા ચોકથી એસ.એન.કે. ચોક સુધી રૂ. ૨૮.૯૪ લાખના ખર્ચે ડિવાઇડર બનશે. પંચશીલ-૮૦ ફૂટ રોડ પર રૂ. ૩૦ લાખના ખર્ચે ડિવાઇડર સાથે બન્ને સાઇડ ફૂટપાથ બનાવવાનું મંજૂર થયું છે.
રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.ની કાર ચોરનાર ગેંગ ઝડપાઇ.
રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.ની અમદાવાદમાંથી ચોરી થયેલી કાર સાથે કચ્છના સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. પૂછપરછમાં ચોરાઉ કારને બોગસ આર.સી.બુકના આધારે વેચી નાખવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદ,સુરત જેવા શહેરમાંથી ચોરી થતી લકઝરીયસ કાર ગાંધીધામની ગેંગ મફતના ભાવે ખરીદ કરી નવા રંગ-રૂપ,નંબર સાથે સૌરાષ્ટ્રમાં વેચવા આવે છે. તેવી ક્રાઇમબ્રાંચના આર.કે.જાડેજા, ચેતનસિંહને બાતમી મળી હતી. ફોજદાર ડી.એન.પટેલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી જામટાવર નજીકથી એચ.આર. ૨૨ એફ ૮પ૮૬ નંબરની વરના કાર સાથે અંજારના સતાપર ગામે ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર પ્રેમિંસગ યાદવ, આદીપુરના પ્રતીકરાજ ઉર્ફે રાજા ખુમાનસિંહ જેઠવા અને મેઘપરના ઇમ્તીયાઝ ઉર્ફે ઇમરાન કાસમ રાયમાની અટકાયત કરી હતી.કારની તલાશી લેતા હરિયાણા પાસિંગની આર.સી.બુક અને જી.જે.૩. સી.એ. પ૧૯૪ નંબરની નંબર પ્લેટ મળી હતી. એ નંબર પ્લેટ ત્રણ દિવસ પહેલા અમદાવાદમાંથી રાજકોટના પી.આઇ.ની ચોરી થયેલી કારની હતી. આકરી પૂછતાછમાં ત્રિપુટીએ ચોરાઉ કાર અમદાવાદના યાદવ નામના શખ્સ પાસેથી માત્ર ૧.૪પ લાખ રૂપિયામાં ખરીદ કર્યાની કબૂલાત આપી હતી.આ ગેંગ ચોરાઉ કારના એન્જિન,ચેસીસ નંબર ગ્રાઇન્ડરથી ભૂંસી નાખી નવા નંબર એમ્બોસ કરી, રાજ્ય બહારના પાસિંગની બોગસ આર.સી.બુક બનાવી સૌરાષ્ટ્રમાં વેચી નાખે છે. અત્યાર સુધીમાં ૨૦ જેટલી ચોરાઉ કાર વેચી નાખ્યાની વિગતો બહાર આવી છે.નોંધનીય છે કે, સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોક યાદવ અગાઉ પણ વાહનચોરીના ગુનામાં બે વખત પોલીસ ચોપડે ચડી જતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.તાજેતરમાં રાજકોટ નજીક એક કારનો અકસ્માત થયો હતો. નંબરના આધારે અમદાવાદ રહેતા એ કારના માલિકનો પોલીસે સંપર્ક કરતા તેની કાર અઢી માસ પહેલા ચોરી થયાનું ખુલ્યું હતું.અમદાવાદના બે ઉઠાવગીરની શોધખોળ -સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ માટે કારની ઉઠાંતરી કરતા અમદાવાદના અંકિત યાદવ અને બાદલ યાદવ નામના બે શખ્સ સુધી પહોંચવા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.હરિયાણા આર.ટી.ઓ.માંથી ડેટા મેળવ્યા!આરોપીઓએ હરિયાણા આર.ટી.ઓ.માંથી કોમ્પ્યુટર ડેટા મેળવી રાખ્યા છે. ચોરાઉ કારના એન્જિન, ચેસીસ નંબર હરિયાણાના નંબર એમ્બોસ કરી દેતા હતા.
ડ્રેનેજનું રૂ. ૧૨ કરોડનું કામ રૂ. ૧૯ કરોડમાં ધરી દેવાયું (ઊંચા ભાવ)ની ઉદાર નીતિ સાથે લીલીઝંડી!
સરકારના એસ.ઓ.આર.ના નામે ડ્રેનેજ કામમાં ઓન(વધુ રકમ)થી કામ આપવા શરૂ થયેલી મહાપાલિકાની ઉદાર નીતિમાં વધુ એક વખત તોતિંગ ઓનથી કામની લહાણી કરી દેવામાં આવી છે. શહેરના રૈયા અને મવડીના બાકી વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક માટેના જુદા જુદા બે કામ ૬૦ ટકા અને ૬૨ ટકા ઊંચા ભાવથી મૂળ રૂ. ૧૨ કરોડનું કામ રૂ. ૧૯.૨૬ કરોડમાં આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીના નાળચામાંથી પણ આજે પસાર કરી દેવામાં આવી હતી.રૈયા ગામ અને વોર્ડ નં. ૧ના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ ફેઇઝ-૩ અને પાર્ટ-૨ હેઠળ ઝોન-૬એમાં હાઉસ કનેકશન ચેમ્બર તથા ડ્રેનેજ કલેકટીવ સિસ્ટમ નાખી સમગ્ર વિસ્તારમાં ડ્રેનેજના નેટવર્ક સાથે જોડાણ કરવા માટે મુળભૂત રીતે રૂ.પ કરોડ, ૭પ લાખ અને ૮૦ હજારના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમ ડ્રેનેજના અન્ય કામ માટે થતું આવ્યું છે તેમ આ કામ માટે પણ ૬૦.પ૦ ટકા ઓનથી રૂ.૯ કરોડ અને ૨૪ લાખમાં રાજકોટના કોન્ટ્રાક્ટર ફિનિકસ પ્રોજેક્ટ પ્રા.લી.ને આપી દેવાયું હતું. આ કામ ૧૮ માસની સમય મર્યાદામાં પૂરું કરવાની શરત રહેશે.જ્યારે ડ્રેનેજના અન્ય કામની દરખાસ્તમાં ડ્રેનેજ ફેઇઝ-૩ પાર્ટ-૨ હેઠળના ઝોન-૩એમાં મવડી અને વોર્ડ નં. ૧૩ના વિવિધ વિસ્તારોમાં હાઉસ કનેકશન ચેમ્બર સાથે ડ્રેનેજ કલેકટીવ સિસ્ટમ નાખવા મૂળ રૂ. ૬ કરોડ ૧૮ લાખ ૭૦ હજારનું કામ ૬૨ ટકા ઓન સાથે રૂ. ૧૦ કરોડ ૨ લાખ ૨૯ હજારમાં અમદાવાદની જયહિન્દ પ્રોજેક્ટ લી. કંપનીને આપવામાં આવ્યું હતું.
આમ મૂળ રૂ. ૧૨ કરોડનું કામ તોતિંગ ઓનથી અપાતા પ્રજા પર વધારાનો રૂ. ૭.૨૬ કરોડનો બોજ આવી પડશે
આઇ. સી. સી. ની નવી ડોપ ટેસ્ટ પદ્ધતિ ઓગસ્ટથી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)એ પોતાનો એન્ટી ડોપિંગ કોડ તૈયાર કરી લીધો છે. જે 1લી ઓગસ્ટથી લાગૂ કરવામાં આવશે. જેમાં બીસીસીઆઇની આપત્તિઓના કારણે વાડાના વેયરઅબાઉટ ક્લોઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા નિયમો અનુસાર ખેલાડીઓના રોકાણ સ્થાન સંબંધિત સુચનાઓ પર બે પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવશે. તેમજ ડોપિંગ ટેસ્ટ માટે ખેલાડીઓને બે પૂલમાં વહેંચવામાં આવશે. જેમાં એક ઇન્ટરનેશનલ રજીસ્ટર્ડ ટેસ્ટ પૂલ(આઈઆરટીપી) અને બીજૂ નેશનલ પ્લેયર્સ પૂલ(એનપીપી) હશે.આઈઆરટીપી હેઠળ એ ખેલાડીઓને રાખવામાં આવશે જે ડોપિંગ કેસમાં સંડોવાયા હોય અને જેમના પર પ્રતિબંધિત પ્રદાર્થ લઇ જવાની સંભાવનાઓ વધારે હોય. જ્યારે એનપીપીમાં સમાવેશ કરાયેલા ખેલાડીઓએ પોતાની અંગત બાબતો અથવા જ્યાં રોકાયા છે તે અંગે માહિતીઓ આપવી પડશે. એનપીપીમાં (આઇસીસી રેંકિંગની ટોપ 8 ટીમોના પ્રત્યેક 11 ખેલાડી)88 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. મોટાભાગના ખેલાડીઓને એનપીપીમાં રાખવામાં આવશે. જ્યારે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં હોય , રમતા હોય ટ્રેનિગ શિબિરમાં હોય ત્યારે તેમનો ટેસ્ટ થશે. પરંતુ જ્યારે તેઓ ટીમ સાથે ન હોય ત્યારે અને કોઈ પ્રવાસ પર જાય ત્યારે ટીમ મેનેજમેન્ટે તે ખેલાડી અંગેની માહિતી આપવી પડશે.
ઉલ્લેખનીય છે કે, વાડાના વેયરઅબાઉટ ક્લોઝના નિયમનો સચિન સહિતના ભારતના ટોચના ખેલાડીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને બીસીસીઆઇએ તેઓનું સમર્થન કર્યું હતું અને વાડાના આ નિયમનો વિરોધ કર્યો હતો. જેને લઇને આઇસીસી દ્વારા વેયરઅબાઉટ ક્લોઝ નિયમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
જૂલાઈમાં બે ક્રિકેટ સ્ટારોની ટેસ્ટને અલવિદા: મુરલીધરન અને શાહિદ આફ્રિદી
જૂલાઈનો મહિનો ટેસ્ટ ક્રિકેટના બે તારાના અસ્તનો રહ્યો છે. એક તરફ શ્રીલંકાના મહાન ઓફ સ્પિન બોલર મુથૈયા મુરલીધરન ભારત સામેની ગાલે ટેસ્ટ બાદ નિવૃતિ લેવાના છે. તો બીજી તરફ ઇજાના કારણે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન નહીં કરી શકનાર આફ્રિદી ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દેવાનો છે. બન્ને ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી પર નજર નાંખીએ તો મુરલીધરને પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે ખેતરામા સ્ટેડિયમમાં 20 વર્ષની વયે રમી હતી. જેમાં તેણે 141 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. તેણે કારકિર્દીની પ્રથમ વિકેટ ક્રેઇગ મેક્ડ્રોમોટ્ટના રૂપમાં મેળવી હતી.ત્યાર બાદે તેણે તેની પ્રતિભાના અવાર નવાર દર્શન કરાવ્યા હતા. અને 1992-93માં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકના વિજયમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. મુથૈયા મુરલીધરનને 132 ટેસ્ટ રમી છે જેમાં તેણે 792 વિકેટ મેળવી છે. તેણે 45 વખત ચાર વિકેટ, 66 વખત પાંચ અને 22 વખત 10 વિકેટ મેળવી છે. બીજી તરફ વનડે ક્રિકેટમાં પાકિસ્તાન માટે તોફાની બેટિંગ કરનાર શાહિદ આફ્રિદી કે જે ઓસ્ટ્રેલિયા સામેની લિડ્સની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી રહ્યો છે. તે ચાર વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફર્યો હતો. જો કે, ઇજાઓની સમસ્યાનો સામનો કરી રહેલો આફ્રિદી લોર્ડ્સના મેદાનમાં જોઈએ તેવું પ્રદર્શન કરી શક્યો ન હતો.આફ્રિદીની કારકિર્દી પર નજર નાખીએ તો તે માત્ર 27 જ ટેસ્ટ રમ્યો છે. જેમાં તેણે 1,716 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5 અડધી સદી અને 8 સદી ફટકારી છે. અને તેના ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક રન 156 છે.ટેસ્ટ ક્રિકેટ શાહિદ આફ્રિદીના આક્રમક સ્વાભાવ પ્રમાણે અયોગ્ય રહ્યું છે. કારણે કે, ટેસ્ટ ક્રિકેટ બેટ્સમેનની ધીરજની કસોટી સમાન છે. જેના કારણે તેની 13 વર્ષના ટેસ્ટ કારકિર્દીમાં તે માત્ર 27 જ ટેસ્ટ રમ્યો છે.
પ્રથમ ક્રિકેટ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડમાં!
આઇસીસીના ચીફ એક્ઝીક્યુટીવ હારૂન લોગાર્ટે આડકતરી રીતે જણાવ્યું હતું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2013માં ઇંગ્લેન્ડમાં યોજાઈ શકે છે.ટી20 ફોર્મેટની વધતી જતી લોકપ્રિયતાના કારણે ટેસ્ટ ક્રિકેટ તરફ લોકોનો રસ ઘટી રહ્યો હોવાની શક્યાતાના પગલે ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના આઇસીસીની ગવર્નિંગ બોડી દ્વારારજૂ કરવામાં આવી છે.લોગાર્ટે જણાવ્યું હતું કે, અમે ટેસ્ટ પ્રત્યે લોકોને રસ જળવાઈ રહે તે માટે ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવા માગીએ છીએ. જે નજીકના વર્ષો એટલે કે 2012 અથવા 2013માં યોજાય તેવી શક્યતાઓ છે. અને તે ઇંગ્લેન્ડમાં યોજાશે.તેમણે કહ્યું કે, આ ટૂર્નામેન્ટ 2013માં સ્લોટમાં હશે. જેના પર અમે કામ કરી રહ્યાં છીએ. જેમાં એક રેકિંગ ટેબલ હશે. અને તેમાં ટોચની ચાર ટીમો સેમી ફાઇનલ અને ફાઇનલમાં પહોંચશે.
કેટરિનાએ તેનાં જીવનનું રહસ્ય જણાવ્યું
બોલિવૂડની બાર્બી ડોલ કેટરિનાએ જણાવ્યું હતું કે તેને જીવનમાં ઘણાં સંઘર્ષો સર કરવાં પડ્યાં છે તેનું જીવન ખુબ અઘરું રહ્યું છે. જો કે તેણે તે પણ કહ્યું હતું કે તે પોતાની જાતને હજી પણ બાળક સમજે છે જેનાં માથા પર હમેશાં ઈશ્વરનો હાથ છે.તે ક્યારેય તેના વિશે મીડિયા દ્વારા ઘડી કાઢવામાં આવેલી વાર્તાઓ ગોસીપ પર ધ્યાન આપતી નથી. તે માને છે કે આવી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. જો તમે ધ્યાન આપશો તો તમે જ દુઃખી થશો.તેણે જણાવ્યું હતું કે, હું ખુશ છું કે હું મારા નિયમો પ્રમાણે જ જીવન જીવુ છું અને ક્યારેય પૈસા માટે ફિલ્મો કરતી નથી. તેણે તે પણ સ્વિકાર્યુ હતું કે, ફિલ્મ બૂમ તેની એક ભૂલ હતી. અને તે તેની આ ભૂલને ભૂલી જવા માંગે છે.તેણે જીવનમાં ઘણું સહન કર્યુ છે અને હવે તે તેની માતાને ચેરિટીનાં કામમાં મદદ કરી તેનું જીવન સહેલાઈથી જીવવાં ઈચ્છે છે.
કંગનાનો નવો પ્રેમ કોણ છે?
બોલિવૂડમાં હાલમાં જે ખબર વાયુવેગે ફેલાઈ રહી છે તે છે કે કંગના નિર્દેશક મોહિત સૂરીને ડેટ કરી રહી છે. ભલે આ કપલ જાહેરમાં તેમનાં સંબંધોને સ્વિકારતા ન હોય પરતું તેઓ મીડિયાની આંખોથી બચી કેવી રીતે શકે. મીડિયાએ ઘણી વખત તેઓને સાથે જોયા છે.એક અહેવાલ મુજબ ફિલ્મ લ્મહેનાં શૂટિંગ સમયથી મોહિત અને કંગના એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરતું તે સમયે મોહિત ઉદિતા ગોસ્વામી સાથે વધુ સિરીઅસ હતો. જોકે મોહિત તેનાં કંગના સાથેનાં સંબંધોનો હાલમાં સ્વિકાર કર્યો નથી.
તેમજ કંગના પણ એજ કહે છે કે હાલમાં તે સિંગલ જ છે અને હમણાં કોઈની સાથે મિંગલ થવાની કોઈજ તૈયારી નથી.
જો તમારું વજન વધારે છે તો ભાડું વધારે ચૂકવવું પડશે
જો તમારું વજન વધારે છે અને તમે ટેક્સી દ્વારા પ્રવાસ કરો છો તો તમારું વજન ઓછું કરવાનું શરૂ કરી દો! શ્રીલંકાની ઓપન યુનિવર્સિટીના એન્જીનિયરિંગના એક વિદ્યાર્થીએ એક એવા ટેક્સી મીટરની શોધ કરી છે જે કિલોમીટરના બદલે પ્રવાસીના વજન પ્રમાણે ભાડું બતાવશે. આ વિદ્યાર્થીનું નામ છે કાલિન્દુ સિરીવારદેને.લિન્દુએ દાવો કર્યો છે કે તેણે જે ટેક્સી મીટર બનાવ્યું છે તે પ્રવાસમાં લાગતા સમય, રસ્તાની હાલત અને મુસાફરના સામાન સહિતના વજનના આધારે ભાડું બતાવશે.કાલિન્દુએ જણાવ્યું હતું કે કિલોમીટર પ્રમાણેના ભાડાની સિસ્ટમમાં મોટા ભાગે ડ્રાઈવર અથવા મુસાફરને નુકશાન થાય છે. તેનું કહેવું છે કે આ મિટરના ઉપયોગથી કોઈને નુકશાન નહીં થાય. જો કે તેણે જણાવ્યું હતું કે વધારે વજન ધરાવતા તેમજ વધારે સામાન લઈને પહાડના રસ્તામાં મુસાફરી કરતા લોકોએ વધારે ભાડુ ચુકવવું પડશે.
આને મહિલાનું નસીબ કહેશો કે બીજું કંઈ!
લીસા વિત્ચાલ્સ નામની 27 વર્ષીય મહિલાને ક્યારેય માતા ન બની શકવાનું દુઃખ હતું. ડોક્ટરોએ લીસાને જણાવ્યું હતું કે ભવિષ્યમાં તે ક્યારેય માતા નહીં બની શકે. પરંતુ એક દિવસ લીસાને પેટમાં જોરદાર દુ:ખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે ચાર કલાક બાદ એક બાળકને જન્મ આપ્યો હતો.આ પહેલા ડોક્ટરોએ મહિલાએ કહ્યું હતું કે તે ક્યારેય માતા બની શકશે નહીં. પરંતુ પેટલા દુઃખાવા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે તે નવ મહિનાથી ગર્ભવતી છે. હોસ્પિટલ ખાતે લીસાએ પુત્રને જન્મ આપ્યો હતો.લીસાએ જણાવ્યું હતું કે જ્યારે મને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે હું બાળકને જન્મ આપવાની છું. પરંતુ જ્યારે ખરેખર હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો ત્યારે મને આઘાત લાગ્યો હતો, હું માનવા તૈયાર ન હતી કે મારી કુખે બાળકનો જન્મ થયો છે. તેમજ મને વિશ્વાસ ન હતો કે હું માતા બની ગઈ છું.લીસા અને તેના પતિએ ગયા વર્ષ કરાવેલા એક ટેસ્ટમાં માલુમ પડ્યું હતું કે અંડ્ડાણું ન હોવાને કારણે ભવિષ્યમાં તે માતા નહીં બની શકે. એટલું જ નહીં નવ મહિના સુધી કરવામાં આવેલો પ્રેગ્નેન્સી ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો.જો કે પેટનો દુઃખાવો ઉપડતા હોસ્પિટલે ગયા બાદ ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે તે ગર્ભવતી છે, તેમજ તેના પેટમાં રહેલું બાળક હ્રદયની બીમારીથી પીડાઈ રહ્યું છે. જેના કારણે લીસાની તાત્કાલિક ડિલવરી કરવી પડી હતી.
કેટરીના સલમાનને નહીં પરણે: ગ્રહોનો સંયોગ નથી
અભિનેત્રી કેટરીના કૈફ કદી જાહેરમાં સલમાન ખાન પ્રત્યે પોતાનો પ્રેમ જતાવ્યો નથી. આટલું જ નહીં શુક્રવારે ૨૬મા જન્મદિને તેણે આપેલી મુલાકાતમાં સલમાન સાથે બ્રેક અપ થઇ ગયાનો ઇશારો કર્યો હતો. કેમકે, તેણે સ્પષ્ટ કહ્યું કે, આગામી સમયમાં મને મારો મી. રાઇટ મળી જશે.બોલિવૂડમાં ચર્ચાતી વિગતો મુજબ- કેટરીના કૈફ આમ એટલા માટે કહે છે કેમ કે, સલમાન સાથેના તેના સંબંધો પૂરા થઇ ગયા છે અગર તે મીડિયાને ગેરમાર્ગે દોરી રહી છે. જે તે હોય તે પણ કેટરીનાના ગ્રહો સલમાનના ગ્રહો સાથે મેળ ખાતા નથી તે પાક્કું છે.જયોતિષશાસ્ત્રી ભાવિક સંઘવીએ કેટરીનાની જન્મકુંડળી પરથી ભવિષ્ય ભાખ્યું છે કે, કેટરીના સલમાનને નહીં પરણે અને જો તેઓ પરણશે તો લાંબુ નહીં ટકે. તેઓ બન્ને અલગ વ્યક્તિત્વ ધરાવે છે. સંઘવીએ સલમાનના ગ્રહોનો પણ અભ્યાસ કર્યો હતો.સલમાનને જીવનસાથી સાથે મતભેદ રહેશે સલમાનની કુંડળીમાં સાતમા અને નવમાં (મંગળ) સ્થાનમાં રહેલા ગ્રહો તેને જીવનસાથી સાથે સતત મતભેદ રહેશે તેવું સૂચવે છે. કેટરીના-સલમાન બન્ને ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવતી વ્યક્તિ હોઇ મિત્રતા સુધી ઠીક છે પણ લગ્ન કરવા યોગ્ય નથી.જુલાઇ-૨૦૧૧ પહેલાં લગ્ન કરવા જોઇએ નહીં
સંઘવીએ કેટરીનાને પણ સલાહ આપી છે કે, તેણે સલમાનને જીવનસાથી તરીકે પસંદ કરવો જોઇએ નહીં. તેણે સલમાનને ગંભીરતાથી ન લેવો જોઇએ. કેટરીનાએ જુલાઇ-૨૦૧૧ પહેલાં લગ્નનો વિચાર કરવો જોઇએ નહીં.
કરણની પાર્ટીમાં એસઆરકે આઉટ આમિર ઈન
લાગે છે શાહરૂખ ખાન હવે કરણ જોહરનો માનીતો હિરો રહ્યો નથી. કદાચ આ કારણે જ કરણે શાહરૂખે ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરીની સફળતાની પાર્ટીમાં બોલાવ્યો નહતો. આશ્ચર્યની વાતતો એ હતી કે આ પાર્ટીમાં સુપર સ્ટાર આમિર ખાનને બોલાવવામાં આવ્યો હતો. પરતું એસઆરકે ને નહી તે વાત કાંઈ અજૂગતી લાગતી હતી.આ વાર્તામાં બીજુ પણ એક ટ્વિસ્ટ હતું જો સુત્રોની વાત પર વિશ્વાસ મુકીએ તો પાર્ટીમાં ફ્ક્ત આમિર જ એક એવો મહેમાન હતો જે ફિલ્મની કાસ્ટ અને ક્રૂની બહારનો હતો. અને પાર્ટીમાં હાજર હતો. સુત્રોએ તે પણ જણાવ્યું હતું કે કરણ અને આમિર વચ્ચે ઘણી નીકટતા હતી બન્ને મોટા ભાગનો સમય સાથે જ વિતાવ્યો હતો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment