visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ધોનીએ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને લગ્નમાં કેમ ના બોલાવ્યા?
હાલમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્ની સાક્ષી સાથે ત્યાં ગયો છે. તાજેતરમાં જ અચાનક લગ્ન કરી લેનારા ધોનીએ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને બોલાવ્યા નહોતા.તેથી હાલમાં ટીમના ખેલાડીઓ ધોનીની મજાક કરતા રહે છે. શ્રીલંકાના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમે પ્રેક્ટિસ કરી હતી અને તે દરમિયાન ખેલાડીઓએ ધોનીની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું.ટીમ ઈન્ડિયાના એક સિનિયર ખેલાડીએ ધોનીને કટાક્ષ કરતા કહ્યું હતું કે તુને બુલાયા ક્યો નહીં શાદી મે? (તે લગ્નમાં કેમ ના બોલાવ્યા?). જેથી ત્યાં હાજર તમામ ખેલાડીઓ ધોની સામે હસવા લાગ્યા હતા.હવે તે તો ચોક્કસથી નક્કી થઈ ગયું છે કે ભલે ધોની તેની ટીમના સાથીઓ માટે ભવ્ય પાર્ટી આપે પરંતુ તેણે ટીમના ખેલાડીઓને લગ્નમાં ના બોલાવતા આવા કટાક્ષો તો સહન કરવા જ પડશે.
અંતરિક્ષમાં વાગ્યો ભારતનો ડંકો
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો દ્વારા આજે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ 2 બી લોન્ચ કરવામાં આવ્યો છે. જેના તમામ ઉપગ્રહો તેની ભ્રમણકક્ષામાં સફળતા પૂર્વક સ્થાપિત થઇ ગયા છે.આજે વહેલી સવારે 9 કલાક અને 22 મિનિટે આ ઉપગ્રહનું 51 કલાકનું કાઉન્ટડાઉન પૂરૂ થયું હતું. ત્યારે ઘરઘરાટી કરતું આ રોકેટ આકાશ તરફ ધસી ગયું હતું. તેમાં 15,694 કિલોનનો કાર્ટોસેટ ઉપગ્રહ ઉપરાંત ચાર અન્ય ઉપગ્રહો લઇને નિકળ્યું છે.લોન્ચિંગના ગણતરીના સમયમાં આયોજન મુજબ જ ઉપગ્રહો તેમની ભ્રમણકક્ષામાં સ્થાપિત થઇ ગયા હતા. જેના કારણે ઇસરોમાં શ્રી હરિકોટા સેન્ટર ખાતે હાજર રહેલા વૈજ્ઞાનિકોમાં ખુશીની લહેર ફરી વળી હતી. આ ઉપગ્રહ મિશન પાછળ રૂપિયા 260 કરોડનો ખર્ચ થયો છે. ઉલ્લેખનીય છેકે, આ સફળ લોન્ચિંગએ ઇસરોની નૈતિક હિંમતમાં વધારો કર્યો છે. કારણકે, આ પહેલા 15 એપ્રિલના લોન્ચ કરવામાં આવેલા જીએસએલવી-ડી3 ના લોન્ચિંગને નિષ્ફળતા મળી હતી.
છત્તિસગઢ : મેધા-અરૂંધતિના માઓવાદી નેતા સાથે સંપર્કો
છત્તિસગઢ પોલીસ દ્વારા એક વિસ્ફોટક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા પ્રમાણે, વિખ્યાત સામાજીક કાર્યકર મેધા પાટકર અને અરૂંધતિ રોય સાથે માઓવાદી નેતા લિંગારામ કોરોપી સંબંધ ધરાવે છે.ગઇકાલે છત્તિસગઢ પોલીસ દ્વારા છ માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ કોંગ્રેસી નેતા અવધેશસિંગ ગૌતમના ઘર ઉપરના હુમલામાં સંડોવાયેલા હતા. તેમણે કબુલ કર્યું હતુંકે, આહુમલાનો માસ્ટરમાઇન્ડ લિંગારામ કોરોપી હતો. જે સામાજીક કાર્યકરો મેધા પાટકર, અરૂંધતિ રોય, નંદિની સુંદર અને હિમાંશુ કુમાર સાથે સંબંધ ધરાવે છે. ખુદર બસ્તર રેન્જના આઇજી ટી.જે. લોન્ગકુમેરે અનુમોદન આપ્યું હતું. બસ્તર પોલીસ દ્વારા આ અંગેનો વિસ્તૃત અહેવાલ પોલીસ હેડ કવાર્ટર ખાતે મોકલવામાં આવનાર છે.અવધેશસિંગ ગૌતમના ઘર ઉપર થયેલા હુમલામાં તેમના એક પરિવારજન સહિત અન્ય એક શખ્સનું મોત નિપજ્યું હતું. લગભગ દોઢસો જેટલા માઓવાદીઓએ તેમના ઘર ઉપર હુમલો કર્યો હતો. પરંતુ, સુરક્ષાકર્મીઓના સજ્જડ પ્રતિકારના કારણે તેમને નાસી છુટવાની ફરજ પડી હતી.છત્તિસગઢ પોલીસના નિવેદન પ્રમાણે માસ્ટર માઇન્ડ નવીદિલ્હી ખાતે મીડિયાનો કોર્ષ કરી રહ્યો છે અને ગુજરાત ખાતે તેણે નક્સલતાલિમ લીધી હતી. ઉલ્લેખનીય છેકે, મેધા પાટકર નર્મદા બચાવો આંદોલન દ્વારા લાઇમ લાઇટમાં આવ્યા હતા. તેમનો દાવો છેકે, તેઓ બંધ વિસ્થાપિતોના હક્કો માટે ચળવળ ચલાવી રહ્યાં છે.
બ્રિટન : ભાઈ-બહેન બનીને રહેતા પતિ-પત્ની
બ્રિટનમાં એક યુવકે તેની સાવકી બહેન સાથે જ સંસાર માંડ્યો છે. બંને પોતાના ઘરે પતિ પત્ની બનીને રહે છે. બે વર્ષ પહેલા બ્રિટનની કોર્ટે બંનેને શારીરિક સબંધ બાંધવા બદલ સજા ફટકારી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે આ યુગલ ફરીથી એક ઘરમાં રહેવા લાગ્યું છે. નિક કેમરોન(30) નામનો યુવક અને તેની સાવકી બહેન ડેનિયલ હેલી(25)આજકાલ ફરીથી પોતાના ઘરે એક સાથે રહેવા લાગ્યા છે.કોર્ટના આદેશ પ્રમાણે જો હવે પછી આ યુવક ક્યારેય સેક્સ કરતું પકડાશે તો તેણે આવા કૃત્ય બદલ જેલની હવા ખાવી પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સાથે રહેવું અલગ વાત છે. પરંતુ હવે પછીથી બંને સેક્સ કરતાં પકડાશે તો તેણે ફરીથી કોર્ટનો દરવાજો જોવો પડશે. બંનેની માતા દૂર રહેતી હોવાથી બંને આવી પ્રવૃતિ ફરીથી શરૂ કરે તે શક્ય છે.નોંધનીય છે કે નિક અને હેલી સેક્સ કરતાં ઝડપાયા બાદ વર્તમાનપત્રોની હેડલાઈન બન્યા હતાં. બંને 2006માં એક બીજાને મળ્યા હતાં, ત્યાર બાદ બંનેને પ્રેમ થઈ ગયો હતો. હેલીનો ઉછેર તેની માતા દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે નિકનો ઉછેર બાળઉછેર કેન્દ્રમાં થયો હતો.નોંધનીય છે કે હેલીએ પોતાના સાવક ભાઈ સાથે રહેવા માટે પોતાના પતિ સાથે ઝઘડો કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું હતું કે, હવે અમે સેક્સ કર્યા વગર એક બીજાને પ્રેમ કરવાનું નક્કી કર્યું છે. હું હેલીને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ હેલીએ જેલમાં જવું પડે તેવું કામ હવે હું ક્યારેય નહીં કરું.
આમિરખાન એક નંબરનો મૂર્ખમાણસ!
બોલિવૂડમાં આમિર ખાનને પર્ફેશનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમિર કોઈ ભૂલ કરે જ નહિ તેમ માનતો એક વિશાળ વર્ગ છે. જો કે આમિર પણ આખરે માણસ છે. તે પણ ભૂલો કરી શકે છે.આમિરે પોતાની ફિલ્મ જો જીતા વહી સિકંદરમાં એક મોટી ભૂલ કરી હતી. આમિર આ ફિલ્મમાં સાયકલ રેસમાં ભાગ લે છે. આ સાયકલ રેસ બે જગ્યાએથી પસાર થાય છે. એક બારમુલ્લા અને બીજી કોડાઈકેનલ.બારમુલ્લા જમ્મુ-કાશ્મીરમાં આવેલું છે અને કોડાઈ કેનલ તમિલ નાડુમાં આવેલું છે. એટલે આમિરે જમ્મુથી લઈને તમિલનાડુ સુધી સાયકલ ચલાવી એમ કહી શકાય.આમિરને ખ્યાલ જ ના આવ્યો કે, તેની ફિલ્મમાં કેટલી મોટી ભૂલ રહી ગઈ છે. આમિરને સાચે જ ગ્રેટેસ્ટ સાયક્લિસ્ટ એવોર્ડ મળવો જોઈએ એમ તમને નથી લાગતું કે...!!!
ઈંગ્લેન્ડ : સરખા કપડાં, સરખી નોકરી, સરખા બોયફ્રેન્ડ અને...
ઈંગ્લેન્ડના નોર્વેચમાં રહેતી ડાયને રીવ અને ક્રિસ્ટીન માર્ટિન જોડીયા બહેનો છે. તેમજ છેલ્લા 54 વર્ષથી બંને એક જેવી જ દેખાઈ રહી છે. કોઈ પણ સ્થિતિમાં બંને એક જેવી જ દેખાવા માગે છે. બંને બેહેનો વચ્ચે એવો પ્રેમ છે કે જ્યારે એક બહેને ફેસ લિફ્ટિંગ કરાવવાનું નક્કી કર્યું તો બીજી બહેને પણ એજ સમયે આવું કરવાનો નિર્ણય કર્યો. બંને બહેનોએ એક જ દિવસે ફેસ લિફ્ટિંગની સર્જરી પણ કરાવી.લાંબા સમયથી બંને એવા ડોક્ટરની શોધખોળ કરી રહી હતી, જે એક જ સમયે બંનેની એક સાથે સર્જરી કરી શકે. બંને એક દિવસ પણ એક બીજાથી અલગ દેખાવા માગતી ન હતી. ક્રિસ્ટીનાની સર્જરી સવારે કરવામાં આવી હતી, જ્યારે ડાયનેની સર્જરી સાંજે કરવામાં આવી હતી.ડાયનેએ જણાવ્યું હતું કે તેણે પોતાનો ચહેરો દર્પણમાં જોવાની જરૂર પડતી નથી. કારણ કે તે ક્રિસ્ટીનને જોઈને જ અંદાજ લગાવી શકે છે કે તે કેવી દેખાય છે. ડાયનેના પતિ જોનનું કહેવું છે કે બંને બહેનો સર્જરી બાદ વધારે સુંદર લાગે છે. બંને બહેનોને બાળપણથી જ તેની માતા એક જેવા જ કપડા પહેરાવતી હતી. ડાયને જણાવે છે કે જો ક્રિસ્ટીન પોતાના માટે કપડા ખરીદે તો તે તેના માટે પણ કપડા લાવે છે. અત્યાર સુધી બંને એક વખત જ એક બીજાથી અલગ નજર આવી છે. બંને બહેનો અલગ અલગ સમયે ગર્ભવતી બની હતી.લોકો બંને બહેનોને ઓળખવામાં પણ કેટલીક વખત ભૂલ કરી બેસે છે. એટલું જ નહીં બંને એક જ ઓફિસમાં એક જ ફર્મની લીગલ સેક્રેટરીનું કામ કરે છે. બંને બહેનોએ પાંચ વર્ષ પહેલા ફેસ લિફ્ટિંગ કરાવવાનું વિચાર્યું હતું. આખરે આ વર્ષના એપ્રિલમાં બંનેએ ફેસ લિફ્ટિંગની સર્જરી કરાવી હતી. એટલું જ નહીં બંને ક્યારેય પોતાના બોયફ્રેન્ડ સાથે પણ રમૂજ કરતી હતી. જેમાં એક બહેન બીજી બહેનના બોયફ્રેન્ડ સાથે ડેટિંગ પર ચાલી જતી હતી.
હવે તો ‘રનમશિન’ પુજારાને ટીમમાં લીધે જ છૂટકો
છેલ્લા કેટલાય સમયથી રન મશિન તરીકે જાણીતા સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાને ટેસ્ટ ક્રિકેટ માટેનો આદર્શ ક્રિકેટર ગણવામાં આવે છે. આ જ કારણથી કદાચ ટીમ ઈન્ડિયામાં તે વન ડે કે ટી20 ટીમમાં સ્થાન પામી શક્યો નથી. જો કે ટેસ્ટ ટીમમાં પણ તેને ક્યાં સમાવવામાં આવ્યો છે.એટલું જ નહીં તેણે તેની મેરાથોન ઈનિંગ્સને કારણે ‘ધ વોલ-2’નું (ધ વોલ- રાહુલ દ્રવિડ) બિરૂદ પણ મેળવ્યું છે. પરંતુ તાજેતરમાં જ સ્કોટલેન્ડ ખાતે સંપન્ન થયેલી ત્રિકોણીય શ્રેણીમાં ચેતેશ્વર પુજારાનું પ્રદર્શન જોતા લાગે છે કે હવે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટ માટે તેની જાતને તૈયાર કરી લીધી છે. જ્યારે આઈપીએલ-3માં પણ તેણે સારૂ પ્રદર્શન કરીને લોકોને સંકેત આપી દીધો હતો કે હવે તે ટી20માં પણ પાછળ પડે તેમ નથી.તાજેતરમાં જ ઈન્ડિયા-એ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી જ્યાં તે ત્રિકોણીય શ્રેણી રમી હતી. જો કે કમનસીબે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારી ઈન્ડિયા-એ ટીમનો ફાઈનલમાં પરાજય થયો હતો. પરંતુ પુજારા આ શ્રેણીનો સૌથી સફળ ખેલાડી રહ્યો છે. એટલું જ નહીં આ શ્રેણીમાં પુજારા પર સુકાની પદની વધારાની જવાબદારી પણ હતી. તેમ છતાં તેનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું.સુકાની પદની જવાબદારી સાથે સાથે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને પુજારાએ ઘણા લોકોની આંખો પહોળી કરી દીધી છે પરંતુ તેના કોચ પિતા અને ભૂતપૂર્વ રણજી ખેલાડી અરવિંદ પુજારાને આનાથી કંઈ પણ આશ્ચર્ય થયું નથી.આ તેની આકરી મહેનતનું પરિણામ છે કે જે ચિન્ટુએ (ચેતેશ્વર પુજારાનું હુલામણું નામ) મળેલા સમય દરમિયાન કરી હતી. અમે (રાજકોટના રેલ્વે ગ્રાઉન્ડ) ખાતે ઘણી પ્રેક્ટિસ કરતા હતા. અને હાલમાં તે પહેલા કરતા પણ વધારે છગ્ગા ફટકારે છે, તેમ તેના કોચ પિતાએ જણાવ્યું હતું.તેમણે વધારેમાં જણાવ્યું હતું કે તે શરૂઆતમાં ઘણો શાંત હતો પરંતુ અત્યારે તે શરૂઆતથી જ આક્રમક રમી શકે છે. તેમણે તેમ પણ કહ્યું હતું કે આ પ્રવાસ દરમિયાન તે ઘણો પરિપક્વ દેખાય છે. હવે તે કયા બોલને ફટકારવો અને કયા બોલને છોડી દેવો તેને સમજવા માટે યોગ્ય રીતે પરિપક્વ બની ગયો છે.
જો કે પુજારા ઘણો પ્રતિભાશાળી ક્રિકેટર હોવાં છતાં તેને હજી સુધી ટીમ ઈન્ડિયામાં કોઈ પણ ફોર્મેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઘણા ખેલાડીઓને વારંવાર તક આપવામાં આવી છે પરંતુ પુજારા જેવા ખેલાડીને હજી સુધી એક પણ તક આપવામાં આવી નથી. જેના કારણે ઘણી વખત આ મુદ્દો ચર્ચાસ્પદ પણ બની ચૂક્યો છે.ટીમની પસંદગીમાં પણ પુજારાની અવગણના કરવામાં આવી છે. જેના કારણે ઘણા લોકોએ પસંદગીકારો સામે સવાલો ઉઠાવ્યા હતા. કેમ કે હાલમાં ખરાબ ફોર્મમાં રમી રહેલા અને ઈજામાંથી તાજેતરમાં જ બહાર આવેલા યુવરાજ સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ગુજરાતના જ ક્રિકેટર પાર્થિવ પટેલે પણ ટીમની પસંદગી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
અમેરિકાના દક્ષિણ કેલફોર્નિયામાં ટ્રેન આવતા જ લોકો પેન્ટ-સ્કર્ટ ઉતારી અને..
આ એક અનોખી પરંપરા છે. જેનો હેતુ તમે જાણશો તો હસવું આવશે અને સાથે આશ્ચર્ય પણ થશે. પરંતુ આ હકિકત છે. અમેરિકાના દક્ષિણ કેલફોર્નિયામાં લેગુના નિગુએલ ખાતે દર વર્ષે લોકો આ પરંપરાને નિભાવે છે.એક ખાસ દિવસે લોકો મોટી સંખ્યામાં ટ્રેન તરફ પીઠ કરી પોતાનું પેન્ટ-સ્કર્ટ ઉતારે છે અને ટ્રેનમાં સફર કરતાં યાત્રીઓને પોતાનો પાછલો ભાગ દેખાડે છે. છેલ્લાં 30 વર્ષથી આ 'મૂનિંગ એમટ્રેક' નામના અનોખા કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.આ કાર્યક્રમમાં ભાગ લેનારો લોકો રેલ્વેના પાટા નજીક ઉભા રહી જાય છે અને જેવી કોઇ ટ્રેન પસાર થાય કે લોકો પોતાનું પેન્ટ-સ્કર્ટ ઉતારવા લાગે છે.
આ પરંપરાની શરૂઆત પાછળની વાર્તા પણ રસપ્રદ છે. કહેવાઇ રહ્યું છે કે એક બારમાં એક શરાબીએ શરત રાખી હતી કે જે કોઇ ટ્રેન સામે પેન્ટ ઉતારી પોતાના નિતંબ દેખાડશે, તેમના માટે તે ડ્રિન્ક ખરીદશે. ત્યાથી આ પરંપરા ચાલી આવે છે. દર વર્ષે આમાં અંદાજે 10 હજાર લોકો ભાગ લે છે.ભાગ લેનારા લોકોના કહેવા મુજબ આ કાર્યક્રમનો હેતુ લોકોને પોતાની કાર ઘરે છોડી ટ્રેન દ્વારા સફર કરવાનો સંદેશો ફેલાવવાનો છે.
ફિફા વર્લ્ડ કપ સત્યમના દાગને ધોઈ શકશે?
આશરે 18 મહિના પહેલા ભારતની અગ્રણી આઈટી કંપની સત્યમના કૌભાંડોનો ભાંડો ફૂટી જતા એક સમયની જાયન્ટ આઈટી કંપનીના માથે કાળો દાગ લાગી ગયો હતો. પરંતુ હવે કંપનીના દિગ્ગજો માને છે કે વર્લ્ડ કપના કારણે તેનો આ દાગ ધોવાઈ જશે.આઈટીની આ જાયન્ટ કંપની હવે મહિન્દ્રા સત્યમના નામે જાણીતી છે. તથા તે દક્ષિણ આફ્રિકામાં ગઈ કાલે જ સંપન્ન થયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં આઈટી સર્વિસ પૂરી પાડતી મુખ્ય કંપની હતી.આ કંપનીના લોગો પ્રત્યેક મેચ દરમિયાન મેદાનની બાઉન્ડરી પર લગાવવામાં આવ્યા હતા જ્યારે 150 કમર્ચારીઓ ત્યાં સતત પ્રશંસકો, આયોજકો અને મીડિયાને યોગ્ય સમયે યોગ્ય સુવિધાઓ પૂરી પાડતા હતા.કંપનીના સ્પોર્ટ્સ બિઝનેસના વડા દિલબાગ ગિલે કહ્યું હતું કે અમારો મુખ્ય ધ્યેય હતો કે અમે લોકોને બતાવી દેવા માંગતા હતા કે અમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવા છતાં અમે લોકોને સફળતાપૂર્વક ઝડપી અને યોગ્ય ગુણવત્તાવાળી સર્વિસ પૂરી પાડવા માટે સક્ષમ છીએ.અમે અમારા ગ્રાહકોને દેખાડવા ઈચ્છતા હતા કે ચાલી રહેલી મુશ્કેલીઓ છતાં મહિન્દ્રા સત્યમ હજી પણ સૌથી મજબૂત આઈટી કંપની છે. આ દ્વારા અમે અમારા ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવા ઈચ્છતા હતા, તેમ તેમણે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે સત્યમના સ્થાપક રાજુ રામાલિંગાએ કંપનીનો ખોટો નફો દેખાડવા માટે બેલેન્સશિટોમાં ગોટાળા કર્યા હતા પરંતુ તેનો ભાંડો ફૂટી ગયો હતો. જો કે બાદમાં વાહનો બનાવતી ભારતની અગ્રણી કપંની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેને ખરીદી લીધી હતી. જો કે લોકોને ડર હતો કે સત્યમે 2007માં વર્લ્ડ કપ માટે કરેલો કરાર તે પૂરો કરી શકશે કે નહીં.
સેક્સ સ્વામી નિત્યાનંદે 'સંયમ' ના પાઠ ભણાવ્યા
કથિત સેક્સ ટેપના કારણે વિવાદોમાં ફસાયેલા સ્વામી નિત્યાનંદે ધ્રામિક પ્રવચનો આપવાની શરૂઆત કરી છે. જેમાં તેમણે સ્વતંત્રતા અને સંયમ ઉપર ઉપદેશ આપ્યા હતા.કર્ણાટક હાઇકોર્ટના આદેશ પછી સ્વામી નિત્યાનંદે પ્રવચનો આપવાની શરૂઆત કરી હતી. જેના કારણે નિત્યાનંદના આશ્રમ, ધ્યાનપીઠમમાં લગભગ ચાર માસ પછી ચહલ-પહલ જોવા મળી હતી. તેમણે જેલના દિવસોની વાતો કરીને ઉપસ્થિત શ્રોતાઓને હસાવ્યાહતા.નિત્યાનંદના કહેવા પ્રમાણે, ઇન્ટરનેટ બે વખત જામ થયું છે. એક તો માઇકલ જેક્સનના મોત વખતે અને બીજું તેમની સેક્સ ટેપ વખતે. નિત્યાનંદના કહેવા પ્રમાણે, આ સિદ્ધિ મેળવવા માટે માઇકલ જેક્સને નાચવું પડ્યું હતું ગાવુ પડ્યું હતું અને મરવું પણ પડ્યું હતું. જ્યારે તેમને આ સિદ્ધિ માત્ર 33 વર્ષની ઉંમરે જ પ્રાપ્ત થઇ હતી.નિત્યાનંદે તેની સરખામણી ભગવાન વિષ્ણુ સાથે કરી હતી. તેના કહેવા પ્રમાણે, જેવી રીતે ભગવાન વિષ્ણુના હજાર નામ છે એવી જ રીતે મીડિયાએ પણ તેને અનેક નામ આપ્યા છે. જેમાં સેલ્ફ સ્ટાઇલ્ડ, વિવાદાસ્પદ સ્વામી, સેક્સ સ્વામી, નિથ્થી વગેરે જેવા નામોનો સમાવેશ થાય છે. તેમના કહેવા પ્રમાણે જે વસ્તુ આઝાદી અપાવે તેના માટે પ્રયાસ કરવો જોઇએ. તે નાણા પણ હોઇ શકે કે સતા પણ હોય શકે. વધુમાં સેક્સ સ્વામીએ તેના અનુયાયીઓને અહિંસા અને સંયમના ઉપદેશ આપ્યા હતા. આશ્રમ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રવચન રેકોર્ડ કરવા માગતા પત્રકારો સાથે ગરવર્તુણુંક કરવામાં આવી હતી. જોકે, પાછળથી આ મામલો થાળે પડ્યો હતો.ઉલ્લેખનીય છેકે, ચાર માસ પહેલા એક ખાનગી ચેનલ દ્વારા સ્વામી નિત્યાનંદ અને તામિલ અભિનેત્રીની કથિત વીડિયો ટેપ પ્રસારિત કરી હતી. જેમાં બંને કામરત હતા.
સ્વામી અસિમાનંદનો અજમેર બ્લાસ્ટમાં હાથ
સીબીઆઇની તપાસમાં મક્કા મસ્જિદ વિસ્ફોટ, અજમેર વિસ્ફોટ અને માલેગાંવ વિસ્ફોટ અંગે કેટલીક સ્ફોટક વિગતો બહાર આવી છે. વાસ્તવમાં સીબીઆઇ માત્ર મક્કા મસ્જિદ કેસની જ તપાસ કરી રહી છે. સીબીઆઇના ડિરેક્ટર અશ્વિનીકુમારના મતે, આ વિસ્ફોટોમાં ગુજરાતના ડાંગ ખાતે કાર્યરત સ્વામી અસિમાનંદનો હાથ હતો.અશ્વિનીકુમારના કહેવા પ્રમાણે, સીબીઆઇ વર્ષ 2007માં અજમેર તથા મક્ક મસ્જિદમાં થયેલા વિસ્ફોટોની તપાસ કરી રહ્યાં છે. આ ષડયંત્રના એક હિસ્સાને જ ભેદવામાં સીબીઆઇને સફળતા મળી છે. જ્યારે મુળ માસ્ટરમાઇન્ડ હજૂ પણ સીબીઆઇની પકડથી દૂર છે.સીબીઆઇના કહેવા પ્રમાણે, એક જ સંગઠનના ત્રણ અલગ-અલગ મોડ્યુલોએ ત્રણેય વિસ્ફોટો પાર પાડ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ સંગદીપ ડાંગે અને રામચદ્ર કલસાંગરા ફરાર છે. તેમની ઉપર રૂપિયા દસ-દસ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.સીબીઆઇના સૂત્રોના કહેવા પ્રમાણે, આ વિસ્ફોટો પાછળનો માસ્ટર માઇન્ડ સ્વામી અસિમાનંદ છે. છેલ્લે સ્વામી અસિમાનંદ ગુજરાતના ડાંગ જિલ્લામાં જોવા મળ્યો હતો. તેણે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસની મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંગ સાથે વાતચીત કરી હતી. આ માટે સ્વામીજીએ તેના ડ્રાઇવરના મોબાઇલનો ઉપયોગ કર્યો હતો. સ્વામી અસિમાનંદ અને સાધ્વી પ્રજ્ઞાસિંગ વચ્ચેની વાતચીતને મહારાષ્ટ્ર એટીએસ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી.
તલાલામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા
સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના તલાલા પંથકમાં આજે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તલાલા ગામથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું હતું.સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ સવારે સવા નવ વાગ્યાની આસપાસ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લોકોને ભૂકંપનો અહેસાસ થતાં જ મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. ૧૫ મિનિટે કળ વળતાં લોકો પોત પોતાના કામે પાછા વળગ્યા હતા, પરંતુ ભૂકંપના કારણે લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી.
‘અમીર’ ભારતને સહાય કરવાનું બ્રિટન બંધ કરશે
ભારત પર શાસન દરમિયાન અઢળક સંપત્તિ લૂંટીને પોતાના દેશમાં લઈ જનાર બ્રિટન હવે ભારતને આપવામાં આવતી સહાય બંધ કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન ડેવિડ કેમરોનની સરકાર પર આ માટે સતત દબાણ વધી રહ્યું છે.બ્રિટન તરફથી ભારતને દર વર્ષે મળતી 27 કરોડ પાઉન્ડની સહાય(17 અબજ રૂયિયા) બહું ઝડપથી બંધ થાય તેવી શક્યતા છે. કેમરોન સરકારના આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી એન્ડ્રયૂ મિશેલે આ વાતનો સંકેત આપ્યો છે. સહાય બંધ કરવા પાછળ એવું કારણ રજૂ કર્યું છે કે બ્રિટનમાં રહેતા એનઆરઆઈ લોકો તેના કરતા પોતાના દેશને વધારે સહાય કરી શકે છે.જો કે બ્રિટનના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટની(ડીએફઆઈડી) યાદીમાં ફક્ત ભારત દેશ છે એવું જ નથી. બ્રિટન વિયેતનામ અને ચીનને આપવામાં આવતી સહાય ઉપર પણ કાપ મૂકે તેવી શક્યતા છે. પરંતુ ભારત પર તેની નજર સૌપ્રથમ છે. ‘ધ સન્ડે ટાઈમ્સને’ મુલાકાત આપાતા મિશેલે જણાવ્યું હતું કે અમારા માટે ચીન કરતા ભારત વધું ઝટીલ છે.નોંધનીય છે કે ગયા મહિને એવો રિપોર્ટ આવ્યો હતો કે, બ્રિટન તરફથી ભારતને ‘સર્વ શિક્ષા અભિયાન’ માટે આપવામાં આવતી સહાયમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ બાદ બ્રિટને આ બાબતે તપાસની જાહેરાત કરી હતી. મિશેલે જણાવ્યું હતું કે, બ્રિટનની સરકાર ભ્રષ્ટાચારને જરાપણ સહન નહીં કરે.આ બાબતે કન્ઝર્વેટિવ સાંસદ અને લંડનના મેયર બોરિસ જોનસનના ભાઈ, જો જોનસને ફાયનાન્સિયલ ટાઈમ્સમાં લખ્યું છે કે, ભારત હવે પોતાનો વિકાસ કરવા સક્ષમ છે. જો કે ભારતમાં 45 કરોડ લોકો હજી પણ ગરીબ છે. પરંતુ તેનું સંરક્ષણ બજેટ 31 અબજ ડોલરછે. તે ચંદ્ર પર જવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત તે ખૂદ અન્ય દેશોને સહાય કરે છે. જોનસને જણાવ્યું હતું કે બ્રિટન દ્વારા અન્ય દેશોને કરવામાં આવતી મદદનો 30 ટકા હિસ્સો એકલા ભારતને જાય છે.
અબુ ધાબીમાં થયેલા બસ અકસ્માતમાં ત્રણ ભારતીયોના મોત
અધુ ધાબીમાં થયેલા એક બસ અકસ્માતમાં ત્રણ ભારતીયો સહિત કુલ ચાર લોકોના મોત થયાં છે, જ્યારે 40 જેટલા લોકોને ઈજા પહોંચી છે.અધુ ધાબી પોલીસ ટ્રાફિક ઈન્વેસ્ટિગેસન યુનિટના વડા યુસૂફ અલ બહલૌલીના જણાવ્યા પ્રમાણે મજૂરોને લઈને પુરપાટ ઝડપે જઈ રહેલી બસ પરથી ડ્રાઈવરે અચાનક કન્ટ્રોલ ગુમાવી દેતા તે રસ્તા પર જ પલટી ખઈ ગઈ હતી.
અકસ્માતને કારણે બસમાં રહેલા ત્રણ ભારતીયોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતાં. જ્યારે બસના પાકિસ્તાની ડ્રાઈવરનું હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.બસમાં કુલ 50 મુસાફરો હતાં, અકસ્માત બાદ 26 ભારતીય અને એક બાંગ્લાદેશીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. બસ મજૂરોને લઈને મુસફ્ફાહથી અબુ ધાબી ખાતે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈ રહી હતી.
રાજકોટ : ટ્રકે ઓટો રિક્ષાને ઠોકરે ચડાવતા દંપતિ ખંડિત
ચુનારાવાડ-પમાં રહેતા મનસુખભાઇ પ્રેમજીભાઇ સરવૈયા નાંમનો કોળી યુવાન તેની પિત્ન સવિતા પુત્ર સંજય પુત્રી વર્ષા ગઇકાલે રવિવારની રજા હોય પોતાની રિક્ષા લઇ વાંકાનેરનાં ગાંઢીયા ગામે રહેતા સસરા કુંવરજીભાઇનાં ઘરે ગયા હતા. દરમિયાન આજે સવારે મનસુખભાઇ પરિવારને લઇ રિક્ષામાં પરત રાજકોટ આવતા હતા.ત્યારે કુવાડવા નજીક બેટી નદીનાં પુલ પાસે પહોંચતા પાછળથી માતેલા સાંઢની જેમ દોડી આવેલા કાળરૂપી ટ્રકે ઠોકર મારતા ઓટોરિક્ષા ફૂટબોલની માફક ફંગોળાઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં મનસુખભાઇને ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ દમ તોડયો હતો. જ્યારે ઘવાયેલા સવિતાબેન પુત્ર સંજય અને પુત્રી વર્ષાને ઇજાઓ થતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવથી કોળી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું
રાજકોટ : જુગારનાં ત્રણ દરોડા: ૧૪ પત્તાપ્રેમી ઝડપાયા
શ્રાવણ મહિનો નજીક આવતાની સાથે જ શહેરભરમાં છાનેખુણે જુગારધામો ધમધમવા લાગ્યાં છે. ત્યારે આ બદીને ડામવા સજજ થયેલી પોલીસે રવિવારે જુદા જુદા ત્રણ સ્થળે દરોડા પાડી ૧૪ પત્તાપ્રેમીઓને રૂ.૨૨ હજારનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર અંગેનો પ્રથમ દરોડો માલવિયાનગર પોલીસનાં ફોજદાર બી.કે.ચૌધરી સહિતનાં સ્ટાફે અમરનગર ચોકમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટનાં છ નંબરનાં બ્લોકમાં પાડયો હતો. મકાન માલીક ઉપેન્દ્રભાઇ ત્રંબકલાલ સંઘવી ઉપરાંત લાલુભા વિરમજી વાઘેલા,મનોજ રતિલાલ માણેક,દિનેશ કાનજીભાઇ પટેલ, અરવિંદભાઇ ગોવિંદભાઇ પારેખ,નરસીભાઇ વશરામભાઇ પટેલ અને લખમણભાઇ ભુવાને તિનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે જુગારનાં પટમાંથી રોકડ ઉપરાંત મોબાઇલ વગેરે મળી કુલ રૂ.૧૪ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.બીજો દરોડો માજોઠીનગર-૮માં યુસુફભાઇનાં મકાનમાં થોરાળા પોલીસે પાડયો હતો. જયાંથી રહેમાન ઉર્ફે બોદુ ઇસ્માઇલ પીંજારા, ફીરોઝ બાબુ ફકીર,જમાલશા સીદીશા ફકીર અને બચુભાઇ કાળાભાઇ અજમેરીને રોકડા રૂ.૪૮૮૦ તેમજ બે મોબાઇલ મળી રૂ.૬૮૮૦નાં મુદામાલ સાથે પકડી પાડ્યાં હતા.જ્યારે રૈયાગામમાં જાહેરમાં સરકારી લાઇટનાં અજવાળે જુગાર રમતા રાજુ ગોવિંદ કોળી,આશિફ કાસમ સૈયદ અને નઝરમીંયા બનુમીંયાને રૂ.૮૪૦ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
વિધાનસભાના સ્પીકર દિલીપ વળસે પાટીલની કાર પર પથ્થર મારો
વિધાનસભાના સ્પીકર દિલીપ વળસે પાટિલ પારગાંવનાં રેસ્ટ હાઉસમાં હતા ત્યારે બહાર પાર્ક કરેલી તેમની મોટરકાર પર તેમના પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસના જ કાર્યકરોએ પથ્થરમારો ચલાવ્યો હતો. આંબેગાંવના ભીમાશંકર સહકારી સાખર કારખાનાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીની બાબતમાં અસંતુષ્ટ એવા કેટલાક કાર્યકરોએ પથ્થર મારો કર્યો હતો.દિલીપ વળસે પાટિલ ભીમાશંકર સહકારી સાખર કારખાનાની ચૂંટણીઓ અંગે રવિવારે પારગાંવ ખાતે ગયા હતા. એ સાખર કારખાનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસની સત્તા હોવાથી ચૂંટણીમાં વળસે પાટિલના ટેકેદાર દેવદત્ત નિકમને અધ્યક્ષપદ પ્રાપ્ત થયું હતું. તેનાથી નારાજ લોકોએ પથ્થર ફેંક્યા હતા.દિલીપ વળસે પાટિલે પથ્થરમારો કરનારા કાર્યકરો રાષ્ટ્રવાદી કોંગ્રેસના જ કાર્યકરો હોવાનું સ્વીકારતાં જણાવ્યું હતું કે ‘‘આ અમારો ઘરનો ઝઘડો છે, અમે આપસમાં સમજી લઈશું.
રાજકોટ : ઉપનગરોના વિકાસ માટે વધુ એફ એસ આઈ ની માગણી
શહેરના પરાં વિસ્તાર માટે ૦.૩૩ વધારાની એફએસઆઈ આપવા અંગે તાકીદે વટહુકમ બહાર પાડવા, સોસાયટીની જગ્યાના હસ્તાંતરણ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવવાની કાર્યવાહી ઝડપી બનાવવાનું બિલ્ડર મારે બંધનકારક બનાવવા તેમ જ મહત્મ જમીન મર્યાદા ૭૦૦ ચોરસ ફૂટથી વધારીને ૧૫૦૦ ચોરસફૂટ કરવા, પાણીની સમસ્યા ઉકેલવા તેમ જ એસઆરએ યોજનાઓને વેગ આપવા જેવી માગણીઓ મુંબઈના સર્વપક્ષીય ધારાસભ્યોએ ગુરુવારે મુખ્ય પ્રધાન સમક્ષ રજુ કરી હતી.
મુંબઈ શહેર અને ઉપનગરોની સમસ્યાઓ અંગે શહેરના ધારાસભ્યોની વિશેષ બેઠક યોજવાનું વચન મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે વિધાનમંડળના બજેટસત્રમાં આપ્યું હતું. એ મુજબ તાજેતરમાં રાજ્ય સરકારના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં ધારાસભ્યોએ અનેક સમસ્યાઓ રજુ કરી હતી.ખાસ કરીને કોઈપણ ટીકા નહીં કરતાં વિકાસ યોજનાના મુદ્દા જ વિરોધ પક્ષોના વિધાનસભ્યોએ રજુ કર્યા હતા. મુંબઈના ઉપનગરોના વિકાસાથે ‘રાજ્ય સરકાર મકાનના પુનબાંધકામની એફએસઆઈમાં ૦.૩૩નો વધારો કર્યો હતો. પરંતુ વડી અદાલતે એ નિર્ણય રદ કર્યો હતો. તેથી ઉપનગરોના વિકાસ પર અસરથવાની શક્યતા જોતાં ૦.૩૩ એફએસઆઈ વૃદ્ધિ અંગે રાજ્ય સરકારે વટહુકમની બહાર પાડવો જોઈએ, એવી માગણી શિવસેનાના ઉપનગરીય ધારાસભ્યોના જુથના નેતા સુભાષ દેસાઈ તેમ જ સત્તાધારી અને વિરોધ પક્ષના વિધાનસભ્યોએ કરી હતી. એ બાબતે વહેલી તકે નિર્ણય લેવાનું વચન મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આપ્યું હતું.પાણીની સમસ્યાની ચર્ચામાં જુની પાઈપલાઈનો, રોજ નવા ટાવર્સને અપાતી પરવાનગીઓ વગેરે બાબતો તરફ મુખ્ય પ્રધાન ધ્યાન દોરવામાં આવ્યું હતું. કોયના બંધનું પાણી મુંબઈ તરફ વાળવાનો પ્રકલ્પ રાજ્ય સરકારે હાથ ધરવાની જરૂરિયાત પણ ધારાસભ્યોને વ્યક્ત કરી હતી.છેલ્લાં ત્રીસ વર્ષોથી જર્જરિત ઈમારતોના હજારો ભાડૂતો સંક્રમણ શિબિરો (ટ્રાન્ઝિટ કેમ્પ્સ)માં રહે છે. તેઓ ફરી પોતાના ઘરે રહેવા જવાની રાહ જુએ છે. તેઓ પોતાના અસલ ઘરનું સરનામું પણ ભૂલ ગયા જેવી સ્થિતિ છે. તેથી તેમના પુનર્વસન તરફ ધ્યાન આપવા માટે પણ ધારાસભ્યોએ અનુરોધ કર્યો હતો.
દેશનો પ્રવાસ ખેડતો નેરળનો નવયુવાન
રાષ્ટ્ર માટે એક વર્ષ ફાળવવાની ભાવના ધરાવનારા નેરળના પુંડલિક વાઘ (૨૫ વર્ષ)ના યુવાને હાલમાં બાઈક પર દેશમાં પ્રવાસ ખેડવાનું શરૂ કર્યું હતું. દેશ બાબતે માહિતી એકઠી કરવા ૧૦૮ દિવસોમાં ૨૮ રાજ્યોનાં ૨૦૦ ગામો સુધી તે પહોંચ્યો હતો. ૮૦ કોલેજોની તેણે મુલાકાત લીધી હતી. વિલેજ એન્ડ કોલેજ તેનું મશિન હતું.પુંડલિક નેરળનો યુવાન છે. એક વર્ષ દેશમાં પ્રવાસ કરી જાણકારી મેળવવાની પોતાની ઈચ્છા પરિવારજનો સમક્ષ મૂકી. પરંતુ ‘ના’ આવી. તેમ છતાં એક મિત્રે તેને બાઈક આપ્યું. બીજાએ લેપટોપ. ત્રીજાએ કેમેરા. આમ, સાથે બે જોડ કપડાંની બેગ તેમ જ પેટ્રોલનાં નાણાં લઈ પુંડલિક નીકળી પડ્યો.બળબળતા ઉનાળાની અને મુશળધાર વરસાદની ખેવના ન કરતાં તેણે ભ્રમણ ચાલુ રાખ્યું. ગામેગામ જવું, તેની મુખ્ય વ્યક્તિઓની મુલાકાત લેવી, ગામના લોકોને ભેગા કરી તેમની સાથે આદાનપ્રદાન, વિચારગોષ્ઠી કરવી. તેમની સાથે રાષ્ટ્રની ચર્ચાઓ કરવી, આમ તેનો નિત્યક્રમ રહેતો.કોલેજના વિદ્યાર્થીઓ સાથે કરિયર અને દેશ બાબતોનો સંવાદ સધાતો રહેતો. પુંડલિકની આ સફરનો મકસદ ધ્યાનમાં આવતાં કોલેજના યુવાનો તેની તરફ આકષૉયા હતા. ભ્રમણ દરમિયાન તેણે દેશના લશ્કરના સાત કેમ્પની મુલાકાત લીધી હતી. આ પૈકીનાં બે કેમ્પમાં તો તેણે જવાનો સાથે મુકામ કર્યો હતો. તેમની સાથે પરિસંવાદ પણ કર્યો હતો. ઈશાન ભારતમાં તે ૨૦ દિવસ હતો. મણિપુરમાં અંધાધૂંધી ફેલાઈ ત્યારે તે મણિપુરમાં હતો. ત્યાં માઓવાદીઓએ તેને પકડયો હતો. તેમનો નેતા ભણેલો સુશિક્ષિત હતો. તેને પટાવી પુંડલિકે પોતાનો છેડો છોડાવ્યો. મણિપુરમાં જીવ જોખમમાં મૂકનારા અનેક અનુભવ થયાનું તેણે જણાવ્યું હતું.મણિપુરથી મિઝોરમ જતાં બાઈકના બન્ને ટાયરને પંકચર પડતાં અત્યંત ખટકાળ માર્ગ પર આશરે ૯૦ કિ.મી.નું અંતર મુશળધાર વરસાદમાં બાઈક ચલાવીને પસાર કરવું પડ્યું. વચ્ચે એક ટ્રકવાળાએ થોડા અંતર સુધી લિફ્ટ આપી હતી. તેણે બાઈક તફડાવી પોબારા ગણ્યા હતા ત્યારે મિઝો પોલીસે આ ટ્રકવાળાની ચાર કલાકમાં ધરપકડ કરી હતી. ૨૬ જુને પુંડલિકે પોતાની આ યાત્રા પૂર્ણ કરી. સમગ્ર સફરનો ખર્ચ સવા લાખ રૂપિયા આવ્યો. આ દેશને જોડનાર આધ્યાત્મ એક સૂત્ર છે. કાશ્મીર પણ તેમાંથી અપવાદ નથી, એમ પુંડલિકે પોતાની યાત્રાની કથા કહેતાં જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશ : સાયન્સના વિદ્યાર્થીએ માથું કાપી માતાજી સમક્ષ ધર્યું
ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં બીએસસીના એક વિદ્યાર્થીએ પોતાનું માથું વાઢી મંદિરમાં માતાજી સમક્ષ બલી ચડાવી દીધું હતું.સીતાપુર જિલ્લાના નીમસાર ગામમાં આવેલા લલિતાદેવી મંદિરમાં આ ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં બીએસસીના 21 વર્ષીય વિદ્યાર્થી નરેન્દ્ર કુમારે મંદિરમાં જઇ ધારદાર ચાકુથી પોતાનું માથું કાપી નાંખ્યું હતું. ગંભીર રીતે ઘાયલ નરેન્દ્રને હોસ્પિટલ ખસેડાયો હતો, જેણે રસ્તામાં જ દમ તોડ્યો હતો.સ્થાનિક પોલીસ અધિકારી એમ પી સિંહે જણાવ્યું હતું કે મૃતક યુવકે જે ચાકુથી પોતાનું માથું કાપ્યું હતું, તેને જપ્ત કરી લેવામાં આવ્યું છે. તેની પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે તે સ્વેચ્છાએ પોતાનું માથું કાપી દેવીને ચડાવવા જઇ રહ્યો છે.
આતંકના ઓછાયા વચ્ચે અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલો થઇ શકે છે તેવા અહેવાલો છતાં અમરનાથ યાત્રિકોનો ઉત્સાહ ઓછો નથી થયો. આજે વધુ એક જથ્થો અમરનાથની ગુફા તરફ રવાના થયો હતો.કડક સુરક્ષા વચ્ચે 3,135 યાત્રિકો જમ્મુના ભગવતિ નગર કેમ્પ પરથી રવાના થયા હતા. પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે સવારે લગભગ ચાર વાગ્યાની સુમારે આ યાત્રિકો 109 વાહનોમાં સવાર થઇને રવાના થયા હતા. જેઓ આજે સાંજે પહેલગામ તથા બાલતાલના મુકામે પહોંચે તેવી સંભાવના. અમરનાથ યાત્રા સમિતિના અધિકારીઓના કહેવા પ્રમાણે, અત્યારસુધીમાં લગભગ એક લાખ ચાલીસ હજાર શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચૂક્યાં છે. આતંવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવી શકે છે એવા અહેવાલો ગુપ્તચર તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. પરંતુ, તેનાથી શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઇ ફર્ક નથી પડ્યો. અત્યારે લગભગ પાંત્રિસ હજાર શ્રદ્ધાળુઓ અમરનાથની ગુફા તરફની યાત્રાના વિવિધ તબક્કે છે.
યુગાન્ડામાં વિસ્ફોટ, અનેક ફૂટબોલ પ્રેમીઓના મોત
યુગાન્ડાની રાજધાની કંપાલામાં રવિવારે મોડી રાત્રે થયેલા બે બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયાના સમાચાર છે. સ્પેન અને હોલેન્ડ વચ્ચે યોજાયેલી ફૂટબોલ મેચ જોવા માટે અહીંની કેયાદોનદો રગ્બી ક્લબમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં.સ્થાનિક સમાચાર પત્ર ‘ધ ડેઈલી મોનિટર’ના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટમાં 40 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટ બાદ રગ્બી ક્લબ કાટમાળમાં ફેરવાઈ હતી. હુમલામાં સુરક્ષા અધિકારીઓ અને ડોક્ટરો પણ ઘાયલ થયા હતાં. સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 11 વાગ્યે વિસ્ફોટ થયો હતો.જ્યારે કંપાલાના અન્ય એક વિસ્તારમાં ઈથોપિયન રેસ્ટોરન્ટમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 15થી પણ વધારે લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલા લોકોમાંથી મોટા ભાગના વિદેશી નાગરિકો હતાં.પોલીસ કમિશનર કાલે કેઈહુરાના જણાવ્યા પ્રમાણે ફૂટબોલની ફાઈનલ મેચની ભીડને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકોને નીશાન બનાવવા માટે આ વિસ્ફોટ કરવામાં આવ્યા હતાં.
ચીનમાં ચારમાંથી એક પુરુષ નપુંસક
ચીનમાં તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકવનારા તથ્યો સામે આવ્યા છે. ચાઈનીઝ મેડિકલ એસોસિએશન સાથે મળીને કરવામાં આવેલા એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે ચીનમાં આશરે 26 ટકા પુરુષો નપુંસકતાથી પીડાઈ રહ્યા છે. એટલે કે ચીનમાં ચારમાંથી એક વ્યક્તિ નપુંસકતાની બીમારીથી પીડાઈ રહ્યો છે.ચાઈના ડેઈલીના જણાવ્યા પ્રમાણે ચીનમાં 40 વર્ષની ઉંમરના 40 ટકા પુરુષો નપુંસકતા, જાતીય સબંધ બાંધવા અસમર્થ તેમજ વીર્યશ્ખલન ન થવાની બીમારીથી પીડાઈ રહ્યા છે.
યુનિવર્સિટી પીપલ્સ હોસ્પિટલના યુરોલોજી સર્જરી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર વાંગ જીઓફેંગના જણાવ્યા પ્રમાણે 83 ટકા લોકો પોતાની બીમારીની સારવાર કરાવવાથી દૂર રહે છે. વાંગે વધુમાં જણાવ્યું હતું કે બીમારી અંગે અપુરતી જાણકારી અને સમાજમાં બદનામ થવાના બીકે લોકો સારવાર કરાવવાથી દૂર રહે છે.ચીનના 11 શહેરોમાં કરવામાં આવેલા અભ્યાસ બાદ આ તારણો રજૂ કરવામાં આવ્યા હતાં. વાંગે જણાવ્યું હતું કે મોટા ભાગના લોકોની બિમારીનું કારણ સાયકોલોજીકલ હતું. જ્યારે 7.2 ટકા લોકો ખરેખર શારીરિક બીમારીથી પીડાતા હતાં. જ્યારે 30 ટકા શારીરિક અને માનસિક રીતે બીમાર હતાં.
ચિલીમાં 6.2ની તીવ્રતાનો ભૂંકપ
એન્ટોફગાસ્ટાને પૃથ્વીના સૌથી ખતરનાક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે ભૂકંપનો ઝટકો રવિવારે 91.3 કિલોમીટર જમીનની અંદર કૈલમાથી 80 કિલોમીટર દૂર સ્થળે આવ્યો હતો.નોંધનીય છે કે 27 ફેબ્રુઆરીના રોજ ચિલીમાં ભૂકંપનો 8.8ની તીવ્રતાનો જોરદાર ઝટકો આવ્યો હતો. ત્યાર બાદ આવેલા સુનામીને કારણે 521 લોકોના મોત થયાં હતાં. સુનામીએ અનેક ગામોના નામો નિશાન મિટાવી દીધા હતાં. ચિલીમાં આવેલી આફતથી 30 અબજ ડોલરનું નુકશાન થયાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.
ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં રેફરીએ ઈતિહાસ રચ્યો
રવિવારના રોજ જોહનિસબર્ગમાં સ્પેન અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2010ની ફાઈનલમાં જ્યારે ઈંગ્લિશ રેફરી હાવર્ડ વેબે નેધરલેન્ડના ડિફેન્ડર જ્હોન હેઈટિન્ગાને રેડ કાર્ડ આપ્યું ત્યારે તે જાણતા નહોતા કે તેઓ તેમના નામે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે.હેઈટિન્ગાને સેકન્ડ હાફના એક્સ્ટ્રા ટાઈમમાં બીજી વખત યલો કાર્ડ આપવામાં આવ્યું હતું. આથી બે યલો કાર્ડ્સ મળવાથી તેને રેડ કાર્ડ આપવામાં આવતા તેને મેદાન છોડવું પડ્યું હતું. આ રીતે ફાઈનલમાં સ્પર્ધાની બહાર થનારો તે ચોથો ખેલાડી બન્યો છે.ત્યાર બાદ તો ગ્રેગરી વેઈલ, જોરિસ માથિસેન, આન્દ્રેસ ઈનિએસ્ટા અને ઝાવીને પણ યલો કાર્ડ આપવામાં આવ્યા હતા. આ રીતે કુલ કાર્ડની સંખ્યા 14ની થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે 1986ની ફાઈનલમાં આર્જેન્ટિનાએ જર્મનીને 3-2થી હરાવ્યું તે મેચમાં કુલ છ ખેલાડીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા. જ્યારે રવિવારની ફાઈનલમાં તો તેની સંખ્યા બે ગણી થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે ફિફાએ 1970માં પ્રથમ વખત રેડ કાર્ડ અને યલો કાર્ડની પદ્ધતિ અમલમાં મૂકી હતી.હેઈટિન્ગાને યલો કાર્ડ આપવામાં આવ્યું તે પહેલા વેબ ડચ ખેલાડીઓ બ્રોન્કોર્સ્ટ, માર્ક વાન બોમ્મેલ, નિગેલ જોંગ અને રોબિન વાન પર્સી તથા સ્પેનિશ ખેલાડી કાર્લ્સ પ્યુયોલ અને સર્જિઓ રામોસને કાર્ડ પકડાવી ચૂક્યા હતા.
મુલરને ‘ગોલ્ડન બૂટ’, ફોરલાનને ‘ગોલ્ડન બોલ’
ગઈ કાલે નેધરલેન્ડ સામે સ્પેનની જીત સાથે જ ફિફા વર્લ્ડ કપ 2010નો અંત આવ્યો હતો. જો કે આ શ્રેણી દરમિયાન ઘણા દિગ્ગજ ખેલાડીઓએ લોકોને નિરાશ કર્યા જ્યારે ઘણા નવા ખેલાડીઓ સ્ટાર બનીને ઉભરી આવ્યા છે.-- મુલરે જીત્યો ગોલ્ડન બૂટઆ વર્ષના વર્લ્ડ કપમાં પાંચ ગોલ કરનારા જર્મનીના યુવા મિડફિલ્ડર થોમસ મુલરને ગોલ્ડન બૂટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જો કે સ્પેનના ડેવિડ વિલા અને નેધરલેન્ડના વેસ્લી સ્નાઈડર પણ પાંચ-પાંચ ગોલ નોંધાવ્યા હતા. પરંતુ મુલરે ઘણી એવી તકો ઉભી કરી હતી કે જેનાથી તેની ટીમ ગોલ કરી શકી હતી અને ઘણી વાર તો તે જ ગોલની કરવાની અણી પણ આવી ગયો હતો. તેથી તેણે વિલા અને સ્નાઈડને પાછળ રાખીને ગોલ્ડન બૂટ જીત્યો છે.જ્યારે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતનારી સ્પેન ટીમનો સુકાની ઈકેર કેસિલાસ ફૂટબોલ ઈતિહાસનો ત્રીજો એવો ગોલકિપર-સુકાની બની ગયો છે જેણે વર્લ્ડ કપ જીત્યો હોય. આ સાથે જ તેને ફિફા વર્લ્ડ કપ 2010નો સર્વશ્રેષ્ઠ ગોલકિપર જાહેર કરવામાં આવ્યો છે.સ્પેનના ઈનિએસ્ટાએ શાનદાર ગોલ કરીને કેસિલાસને આ સુવર્ણ તક આપી કે જેને આવનારી પેઢીઓ યાદ કરશે. સ્પેને પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો છે. આ પહેલા 1934માં વર્લ્ડ કપ જીતનારી ઈટાલીની ટીમનો ગોલકિપર ગિયાનેપેરો કોમ્બ્રી સુકાની પણ હતો. બાદમાં ઈટાલીના જ ડિનો જોફને 1882માં આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.ફિફાએ આ વર્ષના ફૂટબોલ વર્લ્ડ કપમાં કેસિલાસને સર્વશ્રેષ્ઠ ગોલકિપર જાહેર કર્યો છે. રવિવારે હોલેન્ડ સામે રમાયેલી ફાઈનલ મેચમાં તેણે મહત્વના પ્રસંગે શાનદાર બચાવ કર્યા હતા.જ્યારે ઉરૂગ્વેના સુકાની ડિએગો ફોરલાનને ફિફા વર્લ્ડ કપ 2010માં શાનદાર પ્રદર્શન કરવા બદલ ગોલ્ડન બોલનો એવોર્ડ મેળવ્યો છે. ફોરલાને શ્રેણીમાં તેની ટીમ માટે 5 ગોલ ફટકાર્યા હતા સાથે સાથે તેની ટીમને સેમિફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment