15 July 2010

સીંગતેલના ભાવ શ્રાવણ મહિનામાં ભડકે બળશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સીંગતેલના ભાવ શ્રાવણ મહિનામાં ભડકે બળશે

ગુજરાતની ગૃહિણીઓના ફેવરિટ ગણાતા સીંગતેલમાં ભાવવધારો તોળાઇ રહ્યો છે. મગફળીનો સ્ટોક ખાલી થઇ જતાં અને તેલની માગમાં ક્રમશ: વધારો થતાં શ્રાવણ માસના તહેવારોમાં સીંગતેલના ૧૫ લિટરના એક ડબાનો ભાવ ૧૫૦૦ રૂપિયાની સપાટી ક્રોસ કરે તેવી ભીતિ સેવાઇ રહી છે. જેના હાલ ભાવ ૧૩૩૫ રૂપિયા છે. જો કે દિવાળી પહેલાં મગફળીની નવી આવક શરૂ થાય તે સાથે ભાવ પુન: ઘટવાની શક્યતા પણ જોવાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે રવી સિઝનમાં મગફળીનો વાવેતર વિસ્તાર ઘટ્યો હતો. ઓછા વરસાદના કારણે પાકની ઉત્પાદકતા ઉપર અવળી અસર પડી હતી.તેના કારણે મગફળીનો જુના સ્ટોક તદ્દન ખાલી થઇ ગયો છે. બીજી તરફ રાજ્યના અનેક ખેડૂતોએ રોકડિયા પાક કપાસ ઉપર પસંદગી ઉતારતાં પણ મગફળીની તંગી વર્તાય છે. મગફળીના વાવેતરમાં પ્રતિવર્ષ બે થી ચાર લાખ હેકટર જમીન ઓછી થઇ રહી છે જે ભાવવધારા માટેનું એક કારણ છે.સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશન (સોમા) ના પ્રેસિડેન્ટ ઉકાભાઇ પટેલે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે મગફળી ઓઇલ મિલમાં પિલાણ થઇ શકે તેટલો સ્ટોક પણ બચ્યો નથી તેથી ભાવમાં વધારો થયો છે. હજી પણ તંગીના કારણે સીંગતેલના ભાવોમાં વધારો થશે.ગુજરાતમાં સામાન્યરીતે ૧૫ થી ૨૦ ટકા પરિવારો સીંગતેલ ખાય છે. બાકીના પરિવારો વિકલ્પ તરીકે કપાસિયાં, પામોલીન અને સનફ્લાવર ઓઇલ ઉપર આધાર રાખે છે. ખરીફ સિઝનમાં ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરે છે. હાલ વાવેતર ચાલુ હોઇ કેટલું ઉત્પાદન થશે તે નિશ્વિત નથી. મગફળીના પાકને સિઝનમાં ત્રણ ચાર વરસાદ જોઇએ. જુલાઇ અને ઓગસ્ટમાં સારો વરસાદ થાય તો દિવાળી પહેલાં મગફળીની આવક શરૂ થઇ જશે, જેના કારણે ભાવ ઘટવાની સંભાવના છે.સોમાના પ્રમુખે જણાવ્યું હતું કે સીંગતેલના ભાવમાં હજી પણ વધારો થવા સંભવ છે કારણ કે મગફળી કે સીંગદાણાનો સ્ટોક નથી. સીંગતેલના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં ૪૫ રૂપિયાનો વધારો થયો છે અને હાલ બજારમાં ૧૩૩૫ રૂપિયાના ભાવે સીંગતેલ મળે છે. તે જોતા વધુ ભાવવધારો શક્ય છે.શ્રાવણના તહેવારોમાં સીંગતેલના ભાવ વધે નહીં તે માટે રાજ્ય સરકાર બફરસ્ટોક કરતી હોય છે. ગઇસાલ પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સીંગતેલનો બફર સ્ટોક કર્યો હતો. હાલ તો એક મહિના પછી સીંગતેલનો ૧૫ લિટરનો ડબો ૧૫૦૦ને પણ વટાવી જાય તેવી ભીતિ છે તેથી બફરસ્ટોક કરવો પડે તેવી સ્થિતિ છે.


ગૃહમંત્રી અમિત શાહ કેબિનેટમાં ગેરહાજર: રાજીનામાની અટકળ


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટના રાજ્યકક્ષાના ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની અટકળો વચ્ચે તેઓ બુધવારની મંત્રીમંડળની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. સચિવાલયમાં એવી ચર્ચા ચાલતી હતી કે તેઓ સીબીઆઇ દ્રારા કરાનારી સંભવિત ધરપકડ સામે કાયદાકીય અભિપ્રાય લેવા ગયા છે.મુખ્યમંત્રી મોદીએ અમિત શાહનું રાજીનામું લઇ લીધું છે તેવી અફવાઓના બજાર વચ્ચે ગૃહ રાજ્યમંત્રી આખો દિવસ ગાંધીનગરમાં દેખાયા નથી. મુખ્યમંત્રી કાર્યાલયનાં સૂત્રો કહે છે કે અંગત કારણોસર તેઓ કેબિનેટમાં આવી શક્યા નથી. તેમના રાજીનામા અંગે આ કચેરીએ મૌન સેવ્યું હતું અને કંઇપણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.સોહરાબુદ્દીનના બનાવટી એન્કાઉન્ટરની ફેરતપાસ કરી રહેલી સીબીઆઇની ટીમ હાલ મુંબઇમાં છે. આ ટીમના બે અધિકારી આવતીકાલે ગાંધીનગર આવી રહ્યા છે. બીજી તરફ સીબીઆઇની તપાસ સામે શંકા વ્યક્ત કરી રાજ્ય સરકારનાં સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી રાખી સીબીઆઇ રાજકીય નેતાઓને પકડશે તો તેનો નવી દિલ્હી સુધી ઉગ્ર વિરોધ વ્યક્ત કરાશે.આ મહિનાની આખરમાં સીબીઆઇ તેનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સબમિટ કરવાની છે ત્યારે તુલસી એન્કાઉન્ટરની તપાસ પણ આ ટીમને સોંપાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે રથયાત્રા પછી તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળી ચૂક્યા છે તેથી તેમનું રાજીનામું લઇ લેવાની અટકળોને બળ મળ્યું હતું. અમિત શાહના રાજીનામાની અફવા વારંવાર અમદાવાદના ચોક્કસ વિસ્તારમાંથી સચિવાલય સુધી પ્રસરે છે.રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જયનારાયણ વ્યાસને પૂછતાં તેમણે કહ્યું હતું કે અમિત શાહ અંગત કારણોસર કેબિનેટ બેઠકમાં આવી શક્યા નહીં હોય. રાજીનામાં બાબતે તેઓએ કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.દરમિયાન ગૃહરાજ્યમંત્રીની ચેમ્બરના અંગત સ્ટાફે અમિત શાહ ક્યાં છે તેનું લોકેશન આપવાનું મુનાસીબ માન્યું ન હતું.


ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડના ભણકારા


સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર પ્રકરણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સહયોગી અને ગૃહરાજ્ય મંત્રી અમિત શાહની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ એ આ મામલામાં અમિત શાહ વિરૂદ્ધ સંભવત પુરાવા એકઠા કરી લીધા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ એ જ્યારે ફોન રેકોર્ડની તપાસ કરી તો જાણવા મળ્યું કે 26 નવેમ્બર 2005માં જ્યારે સોહરાબુદ્દીનને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો ત્યારે અમિત શાહે આ કેસમાં ધરપકડ કરાયેલા આઈપીએસ અધિકારી ડીજી વણઝારા અને રાજકુમાર પાંડિયન સાથે ફોન પર વાતચીત કરી હતી.સોહરાબુદ્દીનના ભાઈએ જ્યારે સપ્ટેમ્બર 2006માં કૌસરબીના ગુમ થવા સંબંધમાં અપીલ દાખલ કરી હતી ત્યાર બાદ પણ અમિત શાહે આ લોકોને ફોન કર્યા હતા. તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર પ્રકરણની તપાસ કરી રહેલી સીઆઈડી એ પણ ફોન કોલ્સ રેકોર્ડ તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે 28 ડિસેમ્બર 2006ના રોજ તુલસી પ્રજાપતિને ઠાર મારવામાં આવ્યો હતો ત્યારે પણ અમિત શાહે વણઝારા અને પાંડિયનને ફોન કર્યા હતા. પ્રજાપતિ સોહરાબુદ્દી નકલી એન્કાઉન્ટર પ્રકરણનો મુખ્ય સાક્ષી હતો.તે વાતોની પણ ચર્ચા ચાલી રહી છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા બાદ સીબીઆઈ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના કેટલાક વરીષ્ઠ આઈપીએસ અધિકારીઓ સાથે અમિત શાહની પણ ધરપકડ કરી શકે છે. એવા પણ સમાચાર છે કે તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી સાથે સંપર્કમાં છે.ઉલ્લેખનીય છે કે આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પ્રમુખ અભય ચુડાસમાની ધરપકડ બાદ જ સીબીઆઈ અમિત શાહ પર નજર રાખી રહી હતી. સુપ્રિમ કોર્ટે સીબીઆઈને 26 જુલાઈના રોજ આ કેસનો તપાસ અહેવાલ પણ રજૂ કરવા કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તરફથી આતંકવાદ સામેની લડાઈના નામે કથિત રૂપથી પૈસા ઉઘરાવવાના કૌભાંડમાં સામેલ ચુડાસમા વિરૂદ્ધ સીબીઆઈ 26 જુલાઈના રોજ ચાર્જશીટ દાખલ કરી શકે છે. આ પહેલા સીઆઈડીએ આ કેસમાં આઈપીએસ અધિકારી ડીજી વણઝારા, રાજકુમાર પાંડ્યા અને રાજસ્થાન કેડરના આઈપીએસ અધિકારી દિનેશ એમ.એનની ધરપકડ કરી છે.



ગુજરાત યુનિવર્સિટીના ૧૬૭ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ નહિ મળે

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાત યુનિવર્સિટીના ૧૬૭ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપવાના મામલે ચાલતી મડાગાંઠનો શિક્ષણ વિભાગના નિર્ણયથી આખરે અંત આવી ગયો છે. કમનસીબે, આ નિર્ણય કર્મચારીઓ માટે દુ:ખદ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નાયબ સચિવે ૩૦-૬-૧૦ના રોજ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવને એક પત્ર પાઠવીને એ મુજબની સ્પષ્ટતા કરી દીધી છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં ૧૬૭ વહીવટી કર્મચારીઓની ભરતી સરકારની મંજુરી વગર કરવામાં આવી હોવાથી આ તમામ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ નહીં આપવાનો નિર્ણય લીધો છે.’ આ હુકમથી યુનિવર્સિટીના કર્મચારીઓમાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે.હવે આ કર્મચારીઓને શું પાંચમા પગારપંચ પ્રમાણે પગાર મળશે કે પછી આ કર્મચારીઓની નિમણુંક અને પેન્શન મામલે પ્રશ્ને પણ અનશ્વિતતા ઊભી થશે? આ વિષય યુનિવર્સિટીના કર્મચારીઓમાં ચર્ચાવા લાગ્યો છે. ૧૬૭ કર્મચારીઓ પૈકી કેટલાક તો નિવૃત્તિના આરે આવીને ઊભા છે. ત્યારે સરકારના કડક વલણથી કર્મચારીઓ દયનીય પરિસ્થિતિમાં મૂકાયા છે. વર્ગ ૩ અને વર્ગ ૪ના ૧૬૭ કર્મચારીઓને અગાઉ ચોથા અને પાંચમા પગારપંચનો લાભ મળી ચૂકયો છે.હવે, તેમને છઠ્ઠા પગારપંચનો પણ લાભ આપવા યુનિ.એ શિક્ષણ વિભાગ પાસે માર્ગદર્શન માગ્યુ હતું. આ સંદર્ભે શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવ્યું કે, ૧૯૮૨ના વર્ષથી તબક્કાવાર રીતે સરકારની મંજૂરી વગર આ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૧૯૮૨થી યુનિવર્સિટીમાં છ કુલપતિ આવી ચૂક્યા છે. આ ગોટાળા માટે ખરેખર જવાબદાર કોણ ? ૨૪ ફેબ્રુઆરી, ૧૯૮૨માં ગુજરાત સરકારે એક ગેઝેટ બહાર પાડીને ગુજરાત યુનિ. તથા તેની સાથે સંકળાયેલ કોલેજો તેમ જ માન્યતા ધરાવતી ઈિન્સ્ટ.માં પણ કર્મચારીના પગાર તેમ જ લાભો આપતા પહેલા સરકારની પૂર્વમંજુરી ફરજિયાત બનાવી છે. આમ છતાં યુનિ.એ વહાલા-દવલાની નીતિ અપનાવીને કર્મચારીઓની ભરતી કરી છે. ગુજરાત યુનિવર્સિટીની જેમ જ એસપી અને વીર નર્મદ યુનિવર્સિટીમાં અયોગ્ય રીતે નિમણુંક પામેલા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ આપવાનો સરકારે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો ત્યાં હવે ગુજરાત યુનિ. ના મામલે પણ સરકારે કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપવાનો ઇન્કાર કરી દીધો છે.છઠ્ઠા પગારપંચનો લાભ મેળવવાના હેતુસર ગુજરાત યુનિવર્સિટીના બિન-શૈક્ષણિક કર્મચારીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં ધરણાં કરીને આંદોલન ચલાવ્યું હતું. જો કે શિક્ષણ વિભાગના આ પત્રથી કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કરવા માટે શરૂ કરેલું આંદોલન એળે ગયું છે. જોકે, એક કર્મચારીએ આખરે હાઇકોર્ટનો આશરો લીધો હોવાની હકીકત જાણવા મળી છે.છઠ્ઠા પગારપંચના જી.આર.ની હોળી કરવા સાથે ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓએ તા.૧૮મી જાન્યુઆરીથી ધરણાં શરૂ કર્યા હતા. આ આંદોલન ૫૦ થી ૫૫ દિવસ સુધી સતત ચાલ્યું હતું. દરમિયાનમાં પરીક્ષા ચાલુ થતી હોવાની સાથોસાથ સરકાર સાથે ચાલતી વાટાઘાટો વખતે કર્મચારીઓ અંગે સરકાર પર ખોટી છાપ ન પડે તે હેતુસર તેમ જ યુનિવર્સિટીના પદાધિકારીઓની સમજાવટથી આખરે કર્મચારીઓએ આંદોલન સમેટી લીધું હતું.ગુજરાત યુનિવર્સિટીમાં ક્યા ક્યા કર્મચારીઓને કોના સ્થાને એડજસ્ટ કરવામાં આવ્યા હતા તે અંગેની વિગતો ૨૦૦૩માં રાજ્યના શિક્ષણ વિભાગે માંગી હતી. જેથી યુનિવર્સિટીએ હોંશેહોંશે તેના ૧૬૭ કર્મચારીઓની યાદી સરકારને મોકલી દીધી હતી. પરંતુ પાછળથી સરકારે આ નિમણુંકો સરકારની પરવાનગી વગર ભરી હોવાથી વાંધો ઉઠાવ્યો હતો. ત્યારથી આ મામલો વિવાદમાં આવ્યો છે. હકીકતમાં ગુજરાત યુનિવર્સિટી સ્વાયત્ત બોડી છે.
તેની તમામ બાબતો એકઝીકયુટીવ કાઉન્સિલમાં મંજુર કરવામાં આવે છે. તેમાં સરકારના જ નહીં બલ્કે રાજ્યપાલના પ્રતિનિધિ પણ હોય છે. તેમ જ આ નિમણુંક બાદ સરકારે ૨૦૦૧માં ખાલી પડેલી જગ્યાઓ માંગી હતી. તેમાં પણ યુનિવર્સિટીએ આ ૧૬૭ કર્મચારીઓની ગણતરી કરીને બાકી રહેલી જગ્યાની વિગતો દર્શાવી હતી. ત્યારે પણ સરકારે વાંધો લીધો ન હતો અને ખાલી જગ્યા પૈકી ૫૦ ટકા એટલે કે ૯૬ જગ્યા ભરવા મંજુરી આપી હતી.

No comments:

Post a Comment