17 July 2010

રાજકોટ : જાહેરમાં બે સ્થળે જુગાર રમતા નવ પકડાયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : જાહેરમાં બે સ્થળે જુગાર રમતા નવ પકડાયા

શહેરમાં શ્રાવણ માસ પહેલા જ શરૂ થયેલા જુગારધામો પર પોલીસે ઘોંસ બોલાવી છે. ત્યારે પોલીસે પોપટપરા અને ધરમનગર આવાસમાં દરોડા પાડી નવ જુગારીઓને રૂ.૭૨૮૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.પ્રથમ જુગારનો દરોડો પોપટપરા વિસ્તારનાં કૃષ્ણનગર-૨માં પાડયો હતો. જયાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રાજુ ગુલુમલ રેવાજણી, મુકેશ લક્ષ્મણ હેમલાણી, સુમિત મહેશ ચાવડા, કમલ ઠાકોર જેતવાણી, જેરામ લક્ષ્મણ માખીજા અને વીકી સુરેશ મધીયાણીને ઝડપી લીધા હતા. પોલીસે જુગારનાં પટમાંથી રોકડા રૂ.પ૮૩૦ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.અન્ય દરોડો ધરમનગર આવાસમાં પાડયો હતો. જયાંથી અમીત પ્રતાપ ચૌહાણ, મનસુખ ડાયા હીરાણી અને જહુર કાસમ શીશાગીંયાને જુગાર રમતા રૂ.૧૪પ૦ની રોકડ સાથે ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા હતા

કુરેશીએ મુશર્રફની યાદ આપવી દીધી..

પાકિસ્તાન સાથે સંબંધો સામાન્ય બને તે માટે ભારતના વિદેશ મંત્રી કૃષ્ણા પાકિસ્તાનની યાત્રાથી પરત આવી ગયા છે. જો કે ફરી એક વખત પાકિસ્તાનની આડોડાઈને કારણે બંને દેશ વચ્ચેની મંત્રણા નિષ્ફળ નિવડી છે.જોકે અત્યાર સુધી કોઈ મોટા ત્રાસવાદી હુમલા બાદ ભારત-પાક મંત્રણા હંમેશા નિષ્ફળ રહી છે. આ પહેલા કારગિલ યુદ્ધ બાદ ભારતને આવો અનુભવ થઈ ચુક્યો છે. મુંબઈ હુમલા બાદ ફરી એક વખત આજ ઘટનાનું પુનરાવર્તન થયું છે.કારગિલ યુદ્ધ બાદ 15 જૂલાઈ 2001ના રોજ યોજાયેલી આગ્રા શિખર વાર્તા અને 26/11ના મુંબઈ હુમલા બાદ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચેની શાંતિ વાર્તામાં એક વસ્તુ સમાન છે. અને એ છે વાતચીતનું પરિણામ. જૂલાઈ મહિનાએ ફરી એક વખત બંને દેશ વચ્ચે સંબંધો સામાન્ય બનવાની આશા પર પાણી ફેરવી નાખ્યું છે.જો કે મુંબઈ હુમલા બાદ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ નહીં આવે એવી આશંકા તો પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રીના આમંત્રણ પર કૃષ્ણાએ પાકિસ્તાન જવાબનું નક્કી કર્યું હતું.આખરે મોટી આશા સાથે કૃષ્ણા પોતાની સાથે ત્રીસ જેટલા પત્રકારોને લઈને પાકિસ્તાન જવા રવાના થયા હતાં. પરંતુ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન કુરેશીએ જે કંઈ પણ કર્યું તેનાથી લોકોને આગ્રા શિખર બેઠક દરમિયાન મુશર્રફના વર્તનની યાદ આવી ગઈ હતી.ઈસ્લામાબાદ ખાતે બંને દેશોએ પોતાની વચ્ચે ઉભા થયેલા મતભેદોને દૂર કરવા માટે વાતચીતનો સમય બે ગણો વધાર્યો હતો. પરંતુ વાતચીત બાદ બંને વિદેશ મંત્રીઓએ જ્યારે પત્રકાર પરિષદને સંબંધન કર્યું ત્યારે પાકિસ્તાનનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો હતો. પત્રકાર પરિષદમાં એક સમય એવો પણ આવ્યો કે બંને નેતા એક બીજાની વાત કાપવા લાગ્યા હતાં. ત્યારથી જ નક્કી હતું કે બંને દેશ વચ્ચેની મંત્રણાનું કોઈ પરિણામ નહીં નિકળે.આટલું ઓછું હોય તેમ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કૃષ્ણા ભારત આવવા રવાના થયાં ત્યાર બાદ પત્રકારોને સંબોધન કરતી વખતે ભારતના વિદેશ મંત્રીને અનેક ટોણા માર્યા હતાં. કુરેશીએ કહ્યું કે ભારતના વિદેશ મંત્રી તૈયારી વગર અહીં આવી ગયા હતાં. તેમજ બંનેની વાતચીત દરમિયાન કૃષ્ણા સતત નવી દિલ્હી સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતાં. સમગ્ર ઘટનાક્રમે બધાને મુશર્રફની યાદ અપાવી દીધી હતી.

અમેરિકા : ભારતીયો સાથે વંશીય ભેદભાદ રાખવા બદલ કેસ દાખલ
ભારતીયો વિરુદ્ધ વંશીય ભેદભાવ રાખવા બદલ અમેરિકાના વોશિંગ્ટનના રેન્ટન ખાતે એક એપાર્ટમેન્ટના માલિક તેમજ વ્યવસ્થાપક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. માલિક તેમજ વ્યવસ્થાપક પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ અન્ય ભાડૂઆતની સરખાણીમાં ભારતીયોની ઉપેક્ષા કરે છે. એટલું જ નહીં ક્યારેક તેમને ભારત પાછા ચાલ્યા જવાનું કહેવામાં આવે છે. વોશિંગ્ટનના પશ્ચિમ જિલ્લામાં આવેલા જિલ્લા કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં દંડ તેમજ વંશીય ભેદભાવ રોકવા માટે આદેશ આપવાની માગણી કરવામાં આવી છે. આ કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે સમરહિલ પ્લેસ એપાર્ટમેન્ટના માલિક તેમજ અન્ય લોકોએ મળીને પાંચ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીયોને કાઢી મૂક્યા હતાં. તેમજ તેમની સાથે અન્યની સરખાણીમાં ખરાબ વર્તન કર્યું હતું.

સુરતની સહકારી બેન્કોના ૮૫ કરોડ ફસાયા

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ (ટફ) યોજનાને હાલ પુરતી સ્થગિત કરવાનો નિર્ણય તાજેતરમાંજ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ટેક્સટાઇલ ઉદ્યોગકારો ઉપરાંત ટફ યોજના હેઠળ લોન આપનારા કો-ઓપરેટિવ બેન્કોની વ્યાજ સબસીડીની અંદાજે રૂપિયા ૮૫ કરોડથી વધુ રકમ બાકી હોવાથી સંચાલકોની હાલત પણ કફોડી થઇ ગઇ છે. ગત ઓકટોબર ૨૦૦૮થી બાકી રહેલી ટફ સબસીડીની રકમ ચૂકવી આપવા માટે સાઉથ ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્ક એસોસિયેસન દ્વારા રજુઆત પણ કરવામાં આવી છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ગત તા.૩૦મી જુનના રોજથી ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અને આધુનિકીકરણ માટે આપવામાં આવતી ટફ લોન તાકીદની અસરથી સ્થગિત કરવાનો પરપિત્ર જારી કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયને પગલે ટફ યોજના અંતર્ગત લોન આપનારી બેન્કોના સંચાલકોની પરેશાનીમાં વધારો થયો છે. ટફ યોજના હેઠળ ભૂતકાળમાં લોન આપી હોય તેવી કો-ઓપરેટિવ બેન્કોને ગત ઓકટોબર ૨૦૦૮ પછી વ્યાજ સબસીડીની રકમ ચૂકવવામાં આવી નથી. માત્ર સુરત શહેરની વાત કરીએ તો શહેરની ૧૪ જેટલી કો-ઓપરેટિવ બેન્કો દ્વારા ટફ યોજના હેઠળ અલગ અલગ ઉદ્યોગસાહસિકોને આપવામાં આવેલી લોનની વ્યાજ સબસીડીની અંદાજે રૂપિયા ૮૫ કરોડથી વધારે રકમ બાકી છે.છેલ્લા લગભગ પોંણા બે વર્ષથી કો-ઓપરેટિવ બેન્કોને વ્યાજ સબસીડી ચૂકવવા માટે રીતસર ધક્કે ચડાવવામાં આવી રહી છે. સાઉથ ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્ક એસો.ના પ્રમુખ જયવદન બોડાવાળાની અધ્યક્ષતામાં ગઇ તા. ૭મીના રોજ કો-ઓપરેટિવ બેન્ક સંચાલકોની એક બેઠક પણ મળી હતી. આ બેઠકમાં સરકાર પાસેથી બાકી રહેલી વ્યાજ સબસીડીની રકમ ઝડપથી પરત મળે તેના માટે તમામ બેન્કો પાસેથી બાકી રહેતી વ્યાજ સબસીડીની રકમના આંકડાઓ મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાકી રહેલી ટફ વ્યાજ સબસીડીની રકમ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે કેન્દ્ર સરકાર દ્વારા કો-ઓપરેટિવ બેન્કોની વ્યાજ સબસીડીની રકમ ક્યારે છુટી કરવામાં આવે છે.

ચંદ્રાબાબુ નાયડુએ જામીન લેવાનો ઈન્કાર કર્યો

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધર્માબાદમાં ધરપકડ કરાયેલા તેલુગુ દેશમ્ પાર્ટીના એન. ચંદ્રાબાબુ નાયડુ અને તેમની પાર્ટીના 74 ધારાસભ્યોએ શનિવારે જામીન લેવાનો ઈન્કાર કરી દીધો છે અને વિવાદાસ્પદ બાભલી સિંચાઈ પરિયોજના સ્થળ પર જવાની મંજૂરીની માગણી કરી રહ્યાં છે.જામીન માટેના બોન્ડ પર ધરપકડ કરાયેલા નેતાઓના હસ્તાક્ષર લેવામાં નિષ્ફળ ગયા બાદ મહારાષ્ટ્ર પોલીસ આઈટીઆઈ પરિસરમાં સ્થાનિક જિલ્લા મેજીસ્ટ્રેટને લઈ આવી કે જેથી મામલાની સુનવણી થઈ શકે. ધરપકડ બાદ પરિસરમાં આ નેતાઓને બંધ કરવામાં આવ્યા છે.જિલ્લા અધિકારીએ ટીડીપી નેતાઓને તુરંત આંધ્ર પ્રદેશ પાછા ફરવાનું કહ્યું છે અને જામીની પેશકશ પણ કરી છે. શરૂઆતમાં ટીડીપી નેતાઓ પર સીઆરપીસીની કલમ-151 હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો અને બાદમાં ભારતીય દંડ સંહીતાની કલમ-135, 143 અને 188 પણ લગાવી દેવાય છે. આ કલમો લગાવ્યા બાદ ધરપકડ કરાયેલા વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે.ચંદ્રાબાબુ નાયડુ અને અન્યોએ તેનો પૂરજોર વિરોધ કર્યો અને કહ્યું કે વિવાદાસ્પદ સ્થળે નિરીક્ષણની અનુમતિ મળ્યા બાદ જ તેઓ પાછા ફરશે. નેતાઓનો આરોપ છે કે આ પરિયોજનાનું નિર્માણ મહારાષ્ટ્રે ગેરકાયદેસર રીતે કર્યું છે.

મુંબઇ : મધરાત્રે સીટી બસમાંથી ગેસ લીકેજ થતા તંત્રમાં દોડધામ

મુંબઇમાં થોડા દિવસ અગાઉ થયેલી ગેસ ગળતરની ઘટનાએ ભારે ચકચાર મચાવી દિધી હતી, આવી જ એક ઘટના શુક્રવારે રાત્રે શહેરમાં ઘટવા પામી હતી. સદનસીબે દોડી આવેલા ફાયરનાજવાનોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબુમાં લીધી હતી.ફાયરબ્રીગેડનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, શુકવાર રાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભુલાભાઇ ચાર રસ્તા નજીક એક સીટી સીએનજી બસમાંથી ગેસ લીક થયાનો કોલ કંટ્રોલ રૂમને મળ્યો હતો. સદનસીબે રાત્રે સુમસામ રસ્તા પર અને ખાલી બસમાં કોઇ મુસાફર ન હોઇ કોઇ વ્યક્તિતો બસમાં ફસાઇ ન હતી, જો કે ગેસ આસપાસનાં વિસ્તારમાં ફેલાય તેવી ભીતીને પગલે તાત્કાલીક ફાયરબ્રીગેડનાં જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસનાં લીકેજ થયેલા ગેસ સીલીન્ડરના વાલ્વને ભારે જહેમતબાદ બંધ કરી સ્થિતિને કાબુમાં લીધી હતી.


લાંભા : રીક્ષા ચાલકને કેફી પદાર્થ પીવડાવી લૂંટી લીધો

લાંભા નજીક એક રીક્ષા ચાલકને મુસાફરનાં સ્વાંગમાં આવેલા બે ગઠીયા કેફી પદાર્થ પીવડાવી રોકડ તથા મોબાઇલ ફોન લૂંટી નાસી છુટા હોવાની ફરિયાદ અસલાલી પોલીસ મથકમાં નોંધાઇ છે.સુત્રોનાં જણાવ્યા અનુસાર નરોડાનાં પ્રશ્વનાથ ટાઉનશીપ નજીક રહેતા અશોકભાઇ અગ્રવાલને બે પેસેન્જરો લાંભા જવાનું કહી તેમની રીક્ષામાં બેઠા હતા. લાંભા મંદિરે દર્શન કર્યા બાદ બન્ને ગઠીયા તેજ રીક્ષામાં પરત બેસી આવવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં અશોકભાઇને લાંભા નજીક એક પાર્લર પર રીક્ષા ઉભી રાખવાનું જણવી એક ગઠીયો કોલ્ડ્રÃકસ લઇ આવ્યો હતો.જયાં કોલ્ડીંકસ અશોકભાઇને પણ પીવડાવ્યું હતુ. કોલ્ડીંકસ પીતાની સાથેજ અશોકભાઇને ઘેન ચડવા લાગ્યુ હતુ. જો કે તેઓ ભાનમાં આવ્યા ત્યારે બન્ને ગઠીયા તેમનો મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા ૪ હજાર મળી કુલ ૭ હજારથી વધુની મતા લૂંટી ગયા હતા. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસ. એમ. એસ. કરો બ્લડ મેળવો!

તબીબી ક્ષેત્રમાં ‘બ્લડ સ્ટોક પોર્ટલ’ દ્વારા નવી ક્રાંતિ લાવવાની તૈયારી રાજ્યમાં થઇ ગઇ છે. આ પોર્ટલના લીધે કોઇ પણ વ્યક્તિ મોબાઇલ પરથી માત્ર એક એસ એમ એસ કરીને ગમે તે બ્લડ ગ્રુપની ઉપલબ્ધતા જાણી શકશે. એટલું જ નહીં તે બ્લડ ગ્રુપ વ્યક્તિના નજીકના ક્યા સ્થળથી મળી રહેશે તે પણ જાણી શકાશે.મિસ અ મિલ નામના ટ્રસ્ટે આ પોર્ટલ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સાથે એક એમઓયુ સાઇન કર્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ આજે સાંજે આ પોર્ટલનું વિધિવત્ ઉદ્ઘાટન કરશે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એર માર્શલ પીકે દેસાઇના જણાવ્યા મુજબ, ‘માત્ર મોબાઇલ જ નહીં વેબસાઇટ ઉપર જઇને પણ ગુજરાતની કોઇ પણ વ્યક્તિ બ્લડની ઉપલબ્ધતા સેકન્ડમાં જાણી શકે છે.’ આ પોર્ટલનું સંચાલન ઇન્ડિયન રેડ ક્રોસની પાલડી સ્થિત બ્રાન્ચથી જ કરવામાં આવશે.

કેન્દ્ર દ્વારા ગુજરાત પ્રત્યે ઓરમાયુ વર્તન: જયનારાયણ વ્યાસ

બરોડા મેડીકલ કોલેજ એલ્યુમિનાઇ એસોસિએશન દ્વારા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહના ઉદઘાટન પ્રસંગે વડોદરા આવેલ રાજ્યના આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે એમસીઆઇ દ્વારા ગુજરાતની ત્રણ મેડીકલ કોલેજને પરવાનગી ન મળવાની બાબતની ટીકા કરી હતી.આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, જે ત્રણ મેડીકલ કોલેજને પરવાનગી નથી મળી એને કારણે ગુજરાતના ગરબિ વિદ્યાર્થીઓને મોટું નુકસાન થશે. અને ખાનગી ક્ષેત્રે ૪૦ ટકા, સરકારી ક્ષેત્રે ૨૫ ટકા તથા પોસ્ટ ગ્રેજયુએટ ક્ષેત્રે લગભગ ૬૦ ટકા જગ્યાઓ ખાલી પડી રહેશે.વધુમાં તેમણે જણાવ્યું કે, કેતન દેસાઇ જે કોલેજ માટે પકડાયો હતો એ કોલેજને તો એમસીઆઇએ પરવાનગી આપી છે, અને જયાં ખેરખર સારું કામ થઇ રહ્યું છે એ કોલેજ પરવાનગીથી વંચિત રહી ગઇ છે. પણ અમે આ અંગે એમસીઆઇને રજૂઆત કરીશું. અને હું ખાતરી આપું છું કે આવતા બે વર્ષમાં ગુજરાતમાં નવી આઠ થી નવ કોલેજ હશે.કેન્દ્ર સરકાર ગુજરાત તરફ ઓરમાયુ વર્તન રાખે છે એમ કહેતાં એમણે જણાવ્યું કે, હાલમાં જ અમેરીકાના ફેડરલ ડ્રગ એડમીનીસ્ટ્રેશન (એફડીએ) સેક્રેટરી રોઝએ ભારતના વિદેશ મંત્રાલયને પત્ર લખી જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં દવાઓના ઉત્પાદનનું કામ કરવા માંગે છે. અને એ માટે એમણે ખાસ લખીને મોકલાવ્યું હતું કે તેઓ ગુજરાતના આરોગ્ય મંત્રીને મળવા માંગે છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયના સેક્રેટરીએ એમણે સાફ ના પાડતા કહી દીધુ હતું કે, એમને મળવાની કોઇ જરૂર નથી. કેન્દ્ર સરકારના આવા વલણ પરથી સાફ દેખાય છે કે તેઓ ગુજરાત પ્રત્યે ઓરમાયુ વર્તન ધરાવે છે.


શહેરના ૨૦૦થી વધુ વિકલાંગ આર્થિક રીતે પગભર થશે

શહેરમાં રહેતા માનસિક રીતે બીમાર તથા વિકલાંગ યુવાનો કે જેઓ હાલ જાતે કમાઈને ખાઈ શકતા નથી, તેવા વિકલાંગ યુવાનોન નવી સિવિલ હોસ્પિટલમાં વોકેશનલ ટ્રેનિંગ ફોર એડલટ્સના નામથી ૧લી ઓગસ્ટ વર્ગો શરૂ કરવામાં આવશે. આ તાલીમમાં વિકલાંગોને હેન્ડવર્કથી લઈ નાના મશીનોની મદદથી લઘુઉદ્યોગ કરી શકે તેવું જ્ઞાન આપવામાં આવશે.નવી સિવિલ હોસ્પિટલમાં ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે માનસિક રીતે વિલાંગોને ઇલાજની સાથોસાથ હૂંફની પણ જરૂર હોય છે. તેઓ જો પોતાના પગ પર ઊભા રહી શકતા હોય એટલે કે આર્થિક રીતે જાતે પોતાનું ભરણપોષણ કરી શકવા સક્ષમ હોય તો તેમને યોગ્ય તાલીમ આપવી એ બહુ અનિવાર્ય છે.આથી જ નવી સિવિલ હોસ્પિટલના ડીડીઆરસીમાં શનિવારે સવારે માવજત પેરન્ટ્સ એસોસિયેશન સભ્યો, સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. મહેશ વાડેલ, મનોચિકિત્સક ડો. કમલેશ દવે અને ૩૦થી વધુ માનસિક રીતે વિકલાંગ યુવાનોના માતાપિતાની બેઠક મળી હતી. આ બેઠકમાં સિવિલ સપરિન્ટેન્ટન્ટ ડો. મહેશ વાડેલે કહ્યું હતું કે કોઈપણ વિકલાંગ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર બને તે જરૂરી છે, આ માટે તેમને તક મળવી જોઈએ. આ કામ માટે વિકલાંગના માતાપિતા તેમજ સમાજનો સહકાર ખૂબ આવશ્યક છે. ૧લી ઓગસ્ટથી નવી સિવિલના ડીડીઆરસીમાં આ વર્ગો શરૂ કરવામાં આવશે. હજુ તો કલાસ શરૂ થયા નથી તે પહેલા જ ૩૦થી વધુ માનસિક રીતે વિકલાંગ એવા યુવાનોની વ્યવસાિયક તાલીમ માટે નોંધણી થઈ ચૂકી છે. ડો. મહેશ વાડેલને આશા છે કે તેઓ એક વર્ષમાં ૨૦૦થી વધુ વિકલાંગ યુવાનોને આર્થિક રીતે પોતાના પગ પર ઊભા કરી દેશે.સમાજ કલ્યાણ વિભાગ સાધનો ખરીદવા મદદ કરશે.સિવિલમાં વિકલાંગ યુવાનોની ટ્રેનિંગ પૂરી થઈ ગયા બાદ તેમના લઘુઉદ્યોગ માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જોગવાઈ મુજબની તમામ મદદ આ વિકલાંગ યુવાનોને કરવામાં આવશે અને તેમને આર્થિક રીતે પગભર કરી દેવાશે.

‘દુર્ગારૂપ’ મામલે સોનિયા ગાંધી હાજિર હો!

બિહારની એક કોર્ટે ઉત્તરપ્રદેશમાં 2007માં એક પોસ્ટરમાં સોનિયા ગાંધીને દેવી દુર્ગાના રૂપમાં દેખાડીને ધર્મનું અપમાન કરવાની ફરિયાદ સંદર્ભે તલબ કર્યા છે. એડિશનલ સેશન્સ જજ જસ્ટિસ એસ. કે. શ્રીવાસ્તવે 29 જુલાઈએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સ્વયં કોર્ટમાં હાજર થવા અથવા પોતાના વકીલને મોકલવા કહ્યું છે. મહત્વપૂર્ણ છે કે વકીલ સુધીર કુમાર ઓઝાએ સોનિયાને દેવી દુર્ગા સ્વરૂપે દર્શાવા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ડિસેમ્બરમાં આપવામાં આવેલી અરજીમાં આઈપીસીની કલમ-295, 295-એ અને 120-બી હેઠળ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પાર્ટી કાર્યાલયમાં લગાવાયેલા પોસ્ટરમાં સોનિયા ગાંધીને દેવી દુર્ગા સ્વરૂપે દેખાડીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. ઓઝાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે મુરાદાબાદ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની મિલીભગતથી પાર્ટીના મુરાદાબાદ કાર્યાલયમાં ગત વર્ષ 21 જૂને એક પોસ્ટર લગાવ્યું હતું. જેને વિભિન્ન ટીવી ચેનલોએ દેખાડયું હતું અને કેટલાંક અખબારોમાં પણ તેની તસવીર પ્રકાશિત થઈ હતી.





ચિલઝડપ કરતી ટોળકી પાસેથી ઘરેણા લેનાર સામે ફરિયાદ

શહેરમાં તરખાટ મચાવતી સમડી ગેંગનાં છ શખ્સોને પોલીસે એક વર્ષ પહેલા ઝડપી લઇ ૨૪ જેટલા ચિલઝડપનાં બનાવોનો ભેદ ઉકેલાયો હતો. દરમિયાન ચિલઝડપ કરતી ટોળકીની પુછપરછમાં ચોરાઉ તમામ ચેઇન સોની બજાર,સીલ્વર ચેમ્બર્સમાં આવેલી ઓમ જવેલર્સ નાંમની સોનાનાં ઘરેણા બનાવવાની દુકાન ધરાવતા રાજેશ ઉર્ફે રાજુ રમેશ ભટ્ટી નાંમના શખ્સને આપ્યાની કબુલાત આપી હતી. જેનાં આધારે ક્રાઇમ બ્રાંચનાં એ.એસ.આઇ. ચમનશાએ સોની કારીગરની અટકાયત કરી તેની પાસેથી રૂ. પ.૩૩ લાખની કિંમતનાં સોનાનાં ચેઇન, કંઠી સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. સોની કારીગર જાણતો હોવા છતા ચોરાઉ માલ ખરિદતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ રાજેશ ઉર્ફે રાજુ અગાઉ પણ ચોરાઉ ઘરેણા ખરિદવાનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.

ઘનઘોર વાદળો છતાં ઝરમર વરસાદ વરસ્યો

આણંદમાં એક અને ઉમરેઠમાં બે મિમી નોંધાયો.આણંદ સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા હતા. હમણા જોરદાર વરસાદ થશે તેવો માહોલ રચાયો હતો. પરંતુ જિલ્લાના માત્ર બે તાલુકામાં ઝરમર વરસાદ થઈને બંધ થઈ ગયો હતો.આણંદ જિલ્લામાં કેટલાંક સ્થળે ઝરમર વરસાદ થયો હતો. ગુરુવારે સવારથી આકાશમાં કાળાડિઁબાગ વાદળો છવાયા હતા. બપોરના અઢી કલાકે વરસાદનું એક ઝાપટુ પડ્યું હતું.સવારના ૮ કલાકથી સાંજના ૪ કલાક સુધીમાં જિલ્લામાં માત્ર ૩મીમી વરસાદ નોંધાયો હતો. પૂર નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર આણંદ તાલુકામાં એક મીમી અને ઉમરેઠ તાલુકામાં બે મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે અન્ય છ તાલુકા સાંજ સુધી કોરાધાકડ રહ્યા હતા. જો કે બે દિવસમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.વરસાદની આગાહી ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આગામી સપ્તાહમાં ૬૧ મીમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.જેમાં તા.૧૭મીએ ર૬ મીમી, તા.૧૮મીએ ૧૩ મીમી, તા.૧૯મીએ ૩ મીમી, તા.ર૦મીએ ૪ મીમી, તા.ર૧મીએ ૮ મીમી, વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ખેડા જિલ્લામાં ૭પ મીમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.તા.૧૭મીએ ૪૦ મીમી, તા.૧૮મીએ ૧૧ મીમી, તા.૧૯મીએ શૂન્ય, તા.ર૦મીએ મીમી, તા.ર૧મીએ પ મીમી વરસાદ થવાની સંભાવના છે


કપડવંજના ૨૦ હજાર લોકો બીમારીમાં ભગવાન ભરોસે

વડોલ, માલઈંટાડી, ચખિલોડ અને ૧૫ પેટા પરાંઓના માટે કાપડીવાવના ચાર રસ્તે આરોગ્ય કેન્દ્ર બનાવવા માગ કપડવંજ તાલુકાના અંદાજે ૨૦ હજાર જેટલી વસ્તી ધરાવતાં ગામડાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓથી વંચિત છે. રમોસડી, રામપુરા, વેજલપુર, સોરણા જેવા પૂર્વપંથકના ગામડાંના લોકોને પ્રાથમિક આરોગ્યલક્ષી સેવાઓ માટે ૨૦ કિલોમીટર દૂર તોરણા, પીએચસી(પ્રાયમરી હેલ્થ સેન્ટર) સેન્ટર જવું પડે છે.તેવી જ રીતે વડોલ, માલઈંટાડી, ચખિલોડ પૂર્વગાળાના લોકોને અંતિસર પીએચસી સેન્ટર સુધી લાંબા થવું પડે છે. પૂર્વગાળાના લોકોને પ્રાથમિક આરોગ્યલક્ષી સેવાઓ માટે દૂર-દૂર સુધી ભટકવું પડી રહ્યું છે.આ સંદર્ભે માલઈંટાડી પગીભાગના સરપંચ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘માલઈંટાડીમાં પેટા પ્રા.આરોગ્ય કેન્દ્ર મંજૂર થયેલું છે, પણ મકાનના અભાવે કામ અટકી ગયું છે.પંચાયતે મકાન બાંધવા જમીન પણ આપવાની તૈયારી દેખાડી છે, છતાં જિલ્લા પંચાયત આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ લાવતું નથી. આ અંગે વારંવાર પેટા કેન્દ્રના મકાન બાંધકામ બાબતે રજૂઆત કરેલ છે.’આ સંજોગોમાં તંત્ર દ્વારા કાપડીનીવાવ પાસે પીએચસી સેન્ટરનું નિર્માણ થાય તો વડોલ, માલઈંટાડી, ચખિલોડ, રામપુરા, સોરણા અને તેનાં પેટાપરા વિસ્તારના પ્રજાજનોને તેનો લાભ મળી શકે તેમ છે. કપડવંજ તાલુકાના વઘાસ, અંતિસર, તોરણા, મોટીઝેર પીએચસી સેન્ટરો છે.આંતરસુબામાં રેફરલ હોસ્પિટલ આવેલી છે. પૂર્વગાળા વિસ્તારના પ્રજાની માગણી છે કે કાપડીનીવાવ નજીક બાલાસિનોર-કપડવંજ-ડાકોર અને મોડાસાને જોડતાં રસ્તાની ચોકડી પર પીએચસી સેન્ટર બનાવાય તો આ વિસ્તાર આરોગ્ય સેવાઓથી સમૃદ્ધ બની શકે તેમ છે.અત્રે ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં ચિકનગુનિયા, મેલેરીયા જેવા રોગો દેખા દે છે ત્યારે બિમારીને કાબૂમાં લેવા દોડધામ કરવી પડે છે.


મુરલીધરનની પત્ની બનશે ધોની કપલની ટુરિસ્ટ ગાઇડ

શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના સુકાની મેહેન્દ્રસિંહ ધોની અને તેમની પત્ની સાક્ષીને શ્રીલંકાની સુંદરતાના દર્શન કરવવાની ઇચ્છા સ્પિન લેજન્ડ મુથૈયા મુરલીધરનની પત્ની માધી દ્વારા કરવામાં આવી છે.માધીએ કહ્યું છે કે, હું ધોનીની પત્ની સાક્ષીને કોલંબોમાં મળી ન હતી. પરંતુ હું તેને ગાલે ટેસ્ટ દરમિયાન મળીશ. હું આ નવદપંતિને શ્રીલંકાની સુદંરતા અને બીચ બતાવવા માગુ છું. અને તે માટે હું ધોની સાથે વાત કરીશ.તેણે કહ્યું કે, મે મુરલીને એક પાર્ટી યોજવા અંગે વાત કરી છે. અને અમે આ નવદંપતિને ડિનર માટે આમત્રંણ પઠાવવાની યોજના બનાવી રહ્યાં છીએ.ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરત કરી ચુકેલા મુથૈયા મુરલીધરનની પત્ની માધીએ કહ્યું કે, મુરલીની નિવૃતિથી મને ખુશી થઇ છે, કારણ કે, તે હવે વધારે સમય ઘરને આપી શકશે.


સેમસંગ 'વેવ' વેલ્યૂ ફોર મની

ભારતમાં સ્માર્ટફોનના બજારમાં કંઇક નવું કરવાના ઇરાદાથી સેમસંગે પોતાનો વિશેષ ફોન સેમસંગ વેવને અહિં લોન્ચ કર્યો છે. તેની સૌથી મોટી ખાસિયત છે તેની સારામાં સારી ઓપરેટિંગ સિસ્ટમ 'બાડા', જેના દ્વારા સેમસંગ એપ્સમાં જઇને તમે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકો છો. સેમસંગ એપ્સ કંપનીનો એપ્લિકેશન સ્ટોર છે, જ્યાં આ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઓનલાઇન પહોંચાડી શકાય છે. આ ઓનલાઇન એપ્લિકેશન સ્ટોરમાંથી ઘણી એપ્લિકેશન મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. વેવ 'બાડા' પ્લેટફોર્મ પર સેમસંગનો પહેલો ફોન છે.તેની સાથે કંપની દાવો કરી રહી છે કે આ ફોન દ્વારા કેટલાંય ફીચર્સ પહેલી વખત ભારતીય બજારમાં આવ્યા છે. જો કે સૌપ્રથમ વખત અહિં 20,000 થી ઓછી કિંમતના કોઇપણ ફોનમાં 5 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. સાથો સાથ આ ફોન દ્વાર પહેલી વખત ભારતમાં બ્લૂટુથ 3.0 રજૂ કરવામાં આવ્યો છે.ફોનની ખાસિયતની વાત કરીએ તો તેની સ્ક્રીન ખૂબ જ આકર્ષક છે. તેની 3.3 ઇંચ ડિસ્પ્લે અને સારા રિઝોલ્યૂશનવાલા ટચસ્ક્રીનથી તમે વીડિયો અને ફોટો બંને સારામાં સારી જોઇ શકો છો. કંપનીનો દાવો છે કે સૂર્યના પ્રકાશમાં તે 20 ટકા વધુ ચમકીલો અને 80 ટકા વધુ વિજિબલ છે. વેવમાં 1 ગીગા ર્હટ્ઝના એકદમ તેજ મનાવાવાળા સીપીયબ હાર્ડ ડેફિનિશન વીડિયોને નોનસ્ટોર ચલાવી શકાય છે. તેનાથી ગેમિંગની મજા પણ બે ગણ થઇ જાય છે અને એક સાથે ઘણી એપ્લિકેશન્સ સરળતાથી ચલાવી શકાય છે.ફોનનો લુક અને ફિનિશિંગ આકર્ષક છે. ઓડિયો ક્વોલિટીના મામલામાં પણ વેવ પોતાની કેટેગરીના બીજા સ્માર્ટફોનથી પાછળ નથી. પણ તેમાં કેટલીક ખામીઓ છે જેને નજરઅંદાજ કરી શકાય નહિં. જો કે તમે બાડા દ્વારા તમે સેમસંગના એપ્લિકેશન સ્ટોરમાં તો જઇ શકો છો, પરંતુ અહિં ડાઉનલોડ કરવા માટે ઘણી ઓછી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. લેન્સની ઉપર કવરની પણ કમી છે. એક મોટી કમી એ પણ છે કે તેમાં વિડીય કોલનો કેમેરો પણ આપવામાં આવ્યો નથી. છતાંય અંદાજે 19,000 રૂપિયાના પ્રાઇસ ટેગની સાથે કેટલીક કમીઓ છતાં સેમસંગને વેલ્યૂ ફોર મની તો કહી જ શકાય છે.


ધોનીની પત્ની સાક્ષી તાજમાં આપશે સખીઓને પાર્ટી

ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પોતાની સખીઓને કોલક્તામાં લગ્નની પાર્ટી આપવા માગે છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મિસીઝ ધોનીની ઇચ્છા પાર્ટી તાજ બંગાલ હોટલમાં આપવાની છે.સાક્ષીની એક નિકટની સખીએ જણાવ્યું કે, મિસીઝ ધોનીએ મને તાજ હોટલનો ડિસ્કોથેક બુક કરાવવા કહ્યું છે. જ્યાં તેઓ પોતાની સખીઓ સાથે મોજ મસ્તી કરવા માગે છે. ધોની સાથે સાક્ષીના લગ્ન એટલા જલ્દીમાં યોજાઇ ગયા કે તે પોતાના બધા મિત્રોને બોલાવી શકી ન હતી.
સાક્ષી જ્યારે પ્રથમ વખત ધોનીને મળી ત્યારે તે તાજ બંગાળમાં મેનેજમેન્ટની ટ્રેનિંગ લઇ રહી હતી. અને ત્યાં જ તે સખીઓ સાથે પોતાના લગ્નની ઉજવણી કરવા માગે છે. તેમ સાક્ષીની મીત્રએ જણાવ્યું છે.


કાશ્મીર વિના પાકિસ્તાન અધુરું, તો પાકિસ્તાન વગર ભારત અધુરું.....

તાજેતરમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની વાતચીતમાં ઉભરી આવેલી ખટાશે ફરીથી એક વખત ભારત અને પાકિસ્તાનના સંબંધો ખોરંભે પાડયા છે. સાર્ક દેશોની થિમ્પૂ ખાતેની સમિટ વખતે બંને દેશોના વડાપ્રધાનોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસ બહાલીના પ્રયાસ રૂપે બંને દેશોના વિદેશ મંત્રીઓને વાતચીતની ભૂમિકા તૈયાર કરવા માટે નિર્દેશો આપ્યા હતા. તેના પરિણામ સ્વરૂપે ગત માસમાં બંને દેશોના વિદેશ સચિવોની ઈસ્લામાબાદમાં મુલાકાત થઈ હતી. તો ત્યાર બાદ સાર્ક દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ભારતીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે પાકિસ્તાનના આંતરીક બાબતોના મંત્રી રહમાન મલિક સાથે મુલાકાત કરી હતી. તો એસ.એમ.કૃષ્ણા પાકિસ્તાનના વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા દ્વારા અપમાનિત થઈને સ્વદેશ પાછા ફર્યા છે.પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પ્રોટોકોલની પરવાહ કર્યા વગર એસ.એમ.કૃષ્ણાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દેશ-વિદેશના પત્રકારો સાથે ભાંડતા રહ્યાં હતા. પાકિસ્તાની વિદેશ મંત્રીએ ભારતીય કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઈની મુંબઈ હુમલામાં આઈએસઆઈની સંડોવણીની ડેવિડ કોલમેન હેડલીની એનઆઈએની પૂછપરછમાં નીકળેલા તથ્યોના આધારે કરાયેલી વાતને વાંધાજનક ગણાવી હતી. તેમણે જી. કે પિલ્લઈના આ નિવેદનને જમાત-ઉદ-દાવાના સરગના હાફિઝ સઈદના નિવેદનો સાથે સરખાવીને હદ કરી નાખી હતી. તો તે સમયે પ્રોટોકોલનું કદાચ ધ્યાન રાખવામાં પડેલા એસ. એમ. કૃષ્ણાની ચુપકીદી પર વિપક્ષ તૂટી પડયું છે અને તેમણે ભારત તથા પાકિસ્તાનની વાતચીત બંધ રાખવાની માગણી કરી છે. જો કે જરૂરત તો એ છે કે ભારત સાથે દરેક વાતચીતમાં કાશ્મીરનો મુદ્દો ઉછાળનારા પાકિસ્તાનને કહેવામાં આવે કે અપ્રાકૃતિક ભાગલા જ ખોટા છે. જો કાશ્મીર વગર પાકિસ્તાન અધૂરું લાગતું હોય તો ભારત પણ પાકિસ્તાન વગર અધુરું છે. ત્યારે અખંડ ભારતની સંકલ્પના કે જે 14-15મી ઓગસ્ટ, 1947ના રોજ તૂટી હતી. તેને ફરીથી મૂર્તિમંત કરવા માટે નીચેની કાવ્યપંક્તિઓ બંને દેશના લોકો અને નેતાઓને આગામી ઓગસ્ટ માસમાં ભારત અને પાકિસ્તાનના 63મા સ્વતંત્રતા દિવસે આહવાન છે. 15 અગસ્ત કા દિન કહેતા-આઝાદી અભી અધૂરી હૈ.સપને સચ હોને બાકી હૈ,રાવી કી શપથ ન પૂરી હૈ15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં એકતાવાળું એકાત્મ ભારત ખંડિત બન્યું. દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત અને જિન્નાની જીદ્દ તથા તત્કાલીન નેતાઓની મહત્વકાંક્ષાઓ અને રાજકીય ઉદાસિનતાને કારણે સદીઓથી એકાત્મ રહેલું રાષ્ટ્ર ખંડિત બન્યું છે. આજે આઝાદીના 60થી વધારે વર્ષો વિત્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન ક્યાં આવીને ઉભા છે? ભારતે પાકિસ્તાન સાથે ત્રણ અને ચીન સાથે એક પારંપરિક યુધ્ધ કર્યું છે. જ્યારે પાકિસ્તાન સાથે કારગીલમાં મર્યાદિત યુધ્ધ પણ કરવું પડયું છે. 1971ના યુધ્ધમાં દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંતને નિષ્ફળ સાબિત કરીને પૂર્વ પાકિસ્તાનના અલગ થવાથી બાંગ્લાદેશની રચના થઈ હતી. આજે બાંગ્લાદેશ ગરીબી અને અસ્થિરતાની સમસ્યા સાથે જીવી રહ્યું છે. ભારતમાં પંજાબ, કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની સંડોવણી અને દોરીસંચાર થકી આતંકવાદ ચાલી રહ્યો છે. મુંબઈની 26/11ની આતંકવાદી ઘટનાના ઘાવ હજી પણ રુઝાયા નથી. ભારત અને ભારતીય રાષ્ટ્રીય પ્રવાહના દ્રોહ પર, તેના વિરોધના પાયા થકી રચાયેલા પાકિસ્તાનમાં રાજકીય આતંકવાદથી ભારતમાં નિર્દોષોના રક્ત વહી રહ્યાં છે. જ્યારે 14મી ઓગસ્ટ, 1947ના દિવસે આઝાદ થનારા પાકિસ્તાનમાં પણ તાનાશાહી શાસન, રાજકીય અસ્થિરતા અને અરાજકતા, તેમજ કટ્ટરપંથીઓ દ્વારા દૂધ પાઈને ઉછેરેલા સાપ જેવાં તાલિબાનોની સમસ્યાએ પણ માથું ઉચક્યું છે. પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી આકાઓ દ્વારા પેદા કરવામાં આવેલા જેહાદી ઝનૂન થકી તાલિબાનનો ભસ્માસૂર પાકિસ્તાનને પણ રક્તરંજિત કરી રહ્યો છે. હાથના કર્યા હૈયે વાગ્યા હોવા સંદર્ભની કબૂલાત પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી કરી ચૂક્યા છે. ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્ર હોવાના કારણે ક્ષેત્રમાં પરમાણુ યુધ્ધનો ખતરો ઝળુંબી રહ્યો છે, કારણ કે પાકિસ્તાન ભારતને પારંપરિક યુધ્ધમાં હરાવી શકે તેવી સજ્જતા અને સ્થિતિ ધરાવતું નથી.

No comments:

Post a Comment