24 January 2010

મુખ્ય મંત્રી મોદી જૂનાગઢમાં

જૂનાગઢનાં આંગણે ગરીબ કલ્યાણ લોક મેળા અંતર્ગત આવી રહેલાં મુખ્ય મંત્રીની સુરક્ષા માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે. ૫૬ હજારથી વધુ લાભાર્થીઓને રૂ.૫૯ કરોડની સાધન- સહાયનું વિતરણ થશે. વેરાવળ પછી નવ દિવસનાં ટૂંકા ગાળામાં જૂનાગઢમાં બીજો લોક કલ્યાણ મેળો યોજાઈ રહ્યો છે.
ગરીબોનાં જીવનમાં ગુણાત્મક બદલાવ લાવવાનાં ઉમદા ઘ્યેય સાથે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં તબક્કા વાર લોક કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત સોરઠમાં વેરાવળ બાદ જૂનાગઢનાં કૃષિ યુનિ.નાં મેદાન ખાતે મેળો યોજાઈ રહ્યો છે. ૫૬ હજારથી વધુ લાભાર્થીઓને ૫૯ કરોડની સાધન-સહાયનું વિતરણ થશે. મુખ્ય સ્ટેજ પર નરેન્દ્ર મોદી તથા સાત સબ સ્ટેજ પરથી નાણા મંત્રી વજુભાઈ વાળા, કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મુખ્ય દંડક આર.સી.ફળદુ, ઉર્જા રાજય મંત્રી સૌરભ પટેલ, પશુ પાલન રાજય મંત્રી પરષોત્તમ સોલંકી, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજય મંત્રી વાસણભાઈ આહિર, સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ મંત્રી રતિભાઈ સુરેજા અને ધારા સભ્યો સાધન સહાયનું વિતરણ કરશે. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વાર એક જ માસનાં ટુંકા ગાળામાં રાજય સરકાર દ્વારા સ્વ રોજગારી તથા અન્ય હેતુઓ માટે રૂ. ૧૧૮ કરોડની સહાય ચુકવાઈ છે. જે સોરઠનાં અર્થ તંત્રને ગતિશીલ બનાવશે. મુખ્ય મંત્રીની સુરક્ષા માટે જૂનાગઢ કૃષિ યુનિ.અને તેની આસપાસનાં વિસ્તારોમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
૬૦ હજારથી વધુ લોકોને સમાવતો સમિયાણો : કૃષિ યુનિ.નાં મેદાનમાં ૬૦ હજારથી વધુ લોકોને સમાવતો ૬૦૦ બાય ૩૦૦ ફુટનો વિશાળ સમિયાણો તૈયાર કરાયો છે. બેઠક વ્યવસ્થા, વાહન પાર્કીંગ, પીવાનું પાણી, સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે.

No comments:

Post a Comment