ભોગાવો નદી પર આવેલો વઢવાણ-સુરેન્દ્રનગરનો જોડતો એક માત્ર ઐતિહાસિક પુલ બાર વર્ષથી ભારે વાહનો માટે બંધ હોવાથી ચાલકો અને મુસાફરો પરેશાન હતા ત્યારે મુખ્ય મંત્રીનું આગમન થનાર હોવાથી તંત્રને અચાનક શુરાતન ચડતા યુદ્ધના ધોરણે કામગીરી કરી શુક્રવારે આ પુલ ખુલ્લો મુક્યો હતો.
ધ્રાંગધ્રા-ધંધૂકા સ્ટેટ હાઇવે અને ભોગાવો નદી પર આવેલો પ્રાચીન ભોગાવો પુલ ૧૨ વર્ષથી બિસમાર હતો. વર્ષ ૨૦૦૧માં ભૂકંપ આવતા આ પુલ સાવ જર્જરિત બની ગયો હતો. આથી ભારે વાહનો માટે આ પુલ બંધ કરાયો હતો. આ પુલ માટે પાંચથી વધુ વખત જાહેર નામુ બહાર પડાયું હતું. સુરેન્દ્રનગર-વઢવાણને જોડતો આ એક માત્ર પુલ બંધ થતા વઢવાણવાસીઓને લખતર અને અમદાવાદ જવામાં મુશ્કેલી પડતી હતી. આ પુલ બંધ હોવાથી બસો પણ બસ સ્ટેશનમાં આવતી ન હોવાથી એસ.ટી. બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું હતું ત્યારે મુખ્ય મંત્રી પ્રજાસત્તાક દિનની ઉજવણી અર્થે સુરેન્દ્રનગર આવનાર હોવાથી તંત્રે આ પુલ રૂ. ૨૫ લાખના ખર્ચે યુદ્ધના ધોરણે રિપેર કરાવી દીધો હતો. આ પુલ ભારે વાહનો માટે શુક્રવારે ખૂલ્લો મૂકાયો હતો. આમ, બાર વર્ષે બાવાએ બોલીને ખૂલ જા સીમસીમ કરતા શહેરી જનોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ પુલ એક વર્ષ પહેલા ખુલ્લો મુકાયો હોત તો સિટી બસનું બાળ મરણ ન થાત. આમ છતાં પુલ ખુલ્લો મુકાતા મુસાફરો અને વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાઇ છે. મુખ્ય મંત્રી ગાંધીનગર પહોંચે તે પછી પણ આ પુલ બંધ ન થાય તેવી આશા વઢવાણવાસીઓ સેવી રહ્યા છે.
24 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment