25 January 2010

મોંઘવારી માટે વડાપ્રધાન પણ જવાબદાર: પવાર

મોંઘવારી વિશે આગાહી કરવા બદલ વગોવાયેલા કેન્દ્રના કૃષિ ખાતાના પ્રધાન શરદ પવાર હવે કહે છે કે ‘‘ભાવ વધારા માટે હું એકલો નહીં, વડા પ્રધાન મન મોહન સિંહ પણ જવાબદાર છે. આ એક સામૂહિક જવાબદારી છે તેમાંથી કોઈ છટકી શકે નહીં.’ છેલ્લા કેટલાક દિવસોથી દૂધ, શાક-ભાજી, અનાજ, દાળ વગેરેના ભાવ વધવાનો ભય શરદ પવાર વ્યક્ત કરતા હતા. તેમણે આગાહી કર્યા પછી ખરેખર મોંઘવારી વધી આવી ઘટનાઓને પગલે શરદ પવાર આડકતરી રીતે વેપારીઓને મદદ કરવા સાથે બીજી બાજુ મોંઘવારી વિશે ચિંતા દર્શાવતા હોવાના આરોપ યૂ.પી.એ.ના ઘટક પક્ષો કરવા માંડ્યા હતા. પવારના આ નવા વિધાનને પગલે નવો વિવાદ સર્જાય તેવી શકયતા છે. ગયા અઠવાડિયામાં જ કેન્દ્રના પ્રધાન મંડળની બેઠકમાં મોંઘવારીની આગાહી કરનારા પવાર પર વડા પ્રધાન નારાજ હતા. ત્યાર પછીના કેટલાક દિવસોમાં ટૂંક સમયમાં ભાવો ઘટવાની શકયતા દર્શાવનારા શરદ પવારે રવિવારે પુણેમાં પત્રકારો સાથે વાતચીત કરતા મોંઘવારી માટે વડા પ્રધાન પણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેઓ કૃષિ ખાતાના પ્રધાન તરીકે મોંઘવારી રોકવાનો પ્રયત્ન કરે છે કે એ તરફ દુર્લક્ષ રાખે છે ? એવો પ્રશ્ન હવે ઊભો થયો છે.

No comments:

Post a Comment