24 January 2010

પોરબંદર : ૧૧ વર્ષની વિદ્યાર્થિનીએ ઘરેઘરે ફરીને માનવતાનો દીપ પ્રગટાવ્યો

પરિવાર જનો પણ એક સુત્ર નથી રહેતા આવા કપરા સાંપ્રત સમયમાં પોરબંદરની ૧૧ વર્ષની નાનકડી ઉંમર ધરાવતી વિદ્યાર્થીનીએ હ્દયની બિમારીથી પીડાતા ફુલ જેવા ૩ વર્ષના બાળકની જીંદગીની જયોતને પ્રજજવલીત રાખવા માટે ઘરે ઘરે ફરીને રૂપિયા ૪૧ હજારનું ફંડ એકત્રીત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
જયારે આ પરિવારને આ સહાય આપવામાં આવી ત્યારે હ્દય દ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. કહેવાય છે કે સ્કુલમાં બાળકોને શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન થતું હોય છે તેને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યુ છે પોરબંદરની સ્વ. શ્રી વસંતજી ખેરાજ ઠકરાર પ્રાથમીક શાળામાં ધો.૬ માં ભણતી વિદ્યાર્થીની ભક્તિ મહેન્દ્રભાઇ જુંગી એ. પોતાના જ કલાસમાં ભણતી વિદ્યાર્થીનીના ૩ વર્ષના ભાઇને જન્મથી જ હદય રોગ હોય તે પરિવાર ઓપરેશનનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી આ વિદ્યાર્થીનીએ તેમને આર્થિક મદદ કરવા માટે નેમ વ્યકત કરી. ભક્તિ જુંગીએ ઘરે ઘરે ફરીને રૂપિયા ૧૧ હજારનું ફંડ એકત્રીત કરવા ઉપરાંત તેઓએ પોતાના પરિવાર તરફથી તેમજ હિનાબેન અટારા, કિર્તીબેન પાંઉ, ઇન્દીરાબેન પાણખાણીયા, આશાબેન પોસ્તરીયા અને નયનાબેન લોઢારીની આર્થિક મદદથી રૂપિયા ૪૧ હજારનું ફંડ ભેગુ કરીને હદય રોગથી પીડીત બાળકના પરિવાર જનોને આપ્યું હતું. સ્વાભિમાન પૂર્વક જીવતા પિડીત બાળકના પરિવાર જનો આર્થિક મદદની અપેક્ષા ન રાખતા હોવા છતાં માનવતાના સાદને ગ્રહી જે લોકોએ મદદ કરી છે તે મદદ આ પરિવારે સ્વીકારી છે. આ જ કારણોસર પરિવાર જનોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પોરબંદરની ૧૧ વર્ષની ભક્તિ જુંગીએ નાની ઉંમરે મુઠી ઉંચેરૂ કામ કરી બતાવતા શહેરી જનોએ પણ એમને અભિનંદન પાઠવ્યા હતા.
એ પણ મારો ભાઇ છે...
વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને ઉજાગર કરી માનવ સબંધોને વધુ ધનિષ્ઠ બનાવતી ભક્તિ જુંગીએ જણાવ્યું કે મારી સાથે ભણતી વિદ્યાર્થીનીએ પોતાના ભાઇની બિમારી વિશે જણાવતા મારૂ હ્દય કરૂણાથી દ્રવી ઉઠ્યું હતું. બિમાર બાળકને મારો ભાઇ ગણીને મદદ કરવા નેમ વ્યકત કરી ને અંતે એક માનવતાનું કાર્ય કર્યાનો સંતોષ મેળવ્યો છે.

No comments:

Post a Comment