24 January 2010

રાજકોટ : :કરોડોની સરકારી જમીન માફિયાના કબજામાં

સરકારી ખરાબાની કલેકટર તંત્ર હસ્તકની કરોડોની કિંમતની જમીનમાં માફિયાઓએ પગદંડો જમાવી દીધો છે. ખુદ મહેસૂલ મંત્રી આનંદીબેન અને કલેકટર હરિભાઇના આદેશનું પાલન ન કરનારા મામલતદારો દબાણ હટાવવામાં સાવ નપાણિયા સાબિત થાય છે. જિલ્લાના ૧૪ મામલતદારો પૈકી રાજકોટ શહેર, તાલુકા અને ગોંડલ સિવાય અન્ય કોઇ સ્થળે નોંધ પાત્ર કામગીરી કરવામાં આવી નથી. મહેસૂલી અધિકારીઓ માટે આ શરમ જનક બાબત છે. અમુક ભૂમાફિયા અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે.
રાજકોટ જિલ્લામાં થયેલા દબાણો અંગે ઉપલબ્ધ આંકડાઓ પર જો નજર નાખવામાં આવે તો રૂડા વિસ્તારમાં આવતા ૫૩ ગામડાઓના સરકારી ખરાબાની જમીન પર મહત્તમ દબાણોના કેસો છે. રૂડામાં આવેલી જમીનની કિંમતો દિન પ્રતિદિન વધતી જાય અને એના કારણે રાજય સરકારે તેની જાળવણી કરવા સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સરકારી ખરાબાઓ હડપ થઇ ગયા છે. આવા કેસમાં જયારે પણ દબાણ હટાવવામાં આવે ત્યારે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતી નથી. રૂડામાં આવતા રાજકોટ તાલુકા, લોધિકા અને કોટડા સાંગાણીમાં દબાણના ૫૦૪ કેસો છે. તેની સામે અન્ય તાલુકાના કુલ મળી ૨૪૦ દબાણના કેસો ઘ્યાને આવ્યા છે. આ બાબત અતિ ગંભીર છે. રાજકોટ શહેર ઉપરાંત ૧૪ તાલુકા મળી ૯૧,૭૫૮ ચોરસ મીટર જમીનમાં દબાણ થયા છે. ૪૨૩ કેસો પૈકી નવેમ્બર માસમાં ૧૬ દબાણો હટાવવામાં આવ્યા હતા. તેમાં રાજકોટ તાલુકા મામલતદારે ૧૪ અને શહેર તથા મોરબીમાં એકાએક દબાણ દૂર કરવા સિવાય અન્ય કોઇ જ કામગીરી થઇ નથી. ખાસ કરીને તો લોધિકા, કોટડા સાંગાણી અને પડધરીના મામલતદાર જમીન માફિયાથી ડરતા હોય તેમ સરકારની કિંમતી જમીન છૂટી કરાવી શકતા નથી. કારણ કે, રૂડામાં સમાવિષ્ટ ખરાબા આ તાલુકાના કાર્ય ક્ષેત્રમાં આવે છે.
સૌથી વધુ દબાણો ગ્રામ્ય વિસ્તારના સરકારી ખરાબામાં : : રાજકોટ જિલ્લામાં સૌથી વધુ દબાણો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સરકારી ખરાબામાં નોંધાયા છે. ૧૪ તાલુકામાં કુલ મળી ૧૦૪૩ કેસોમાં ૨૦,૦૭૦,૯૩ ચોરસ મીટર જમીન માફિયાઓએ દબાવી દીધી છે. જયારે, શહેરી વિસ્તારમાં ૪૨૩ કેસમાં સરકારી ખરાબાની જમીન દબાવી દેવામાં આવી છે. નવેમ્બર માસની સ્થિતિએ ૪૦૦ દબાણોના કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. એમાં લોધિકા તથા કોટડા સાંગાણીમાં અનુક્રમે ૧૫૦ તથા ૧૫૪ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, ત્યાં દર માસે સરેરાશ ચાર કેસો નવા મળે છે.
જસદણ, ઉપલેટા, જેતપુર શહેરમાં એક પણ દબાણ નહીં : :જસદણ, ઉપલેટા અને જેતપુર શહેર વિસ્તારમાં એક પણ દબાણ ન હોવાની બાબત રેવન્યૂ તલાટી મંત્રીની દાનત પર શંકા પ્રેરે છે. સર્કલ ઓફિસર પણ એ દાયરામાં આવી જાય છે હકીકતમાં દબાણ શોધવા માટે લક્ષ્યાંક આપવા જોઇએ.
કલેકટર કચેરી સામે જ દબાણો દૂર કરતા નથી : : કલેકટર ઓફિસ સામે આવેલી સિવિલ હોસ્પિટલના કવાર્ટરમાં ધાર્મિક દબાણ, દુકાનોનું દબાણ થયું છે. આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે આ દબાણ દૂર કરાવવાની હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટને સૂચના આપી હતી. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
થોરાળામાં સાધુએ એક એકર જમીન દબાવી દીધી : : થોરાળામાં રોડ ટચની એક એકર જમીન પર સાધુએ દબાણ કરી લીધું હતું. તે ઘ્યાને આવતા તેને તાબડતોબ દૂર કરાયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તલાટી મંત્રીઓની પણ જવાબદારી વધી છે કે, રસ્તા પર ધાર્મિક દબાણો ખડકાઇ ન જાય !

No comments:

Post a Comment