ચોટીલા-સાયલા બેઠક પર ફરી એક વખત ભગવો લહેરાયો છે અને ભાજપના ઉમેદવાર ભરતભાઈ ખોરાણીનો ૨૨,૩૬૮ મતે વિજય થયો છે. ધારા સભ્ય વશરામભાઈ ખોરાણીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. આથી આ બેઠક માટે 20 જાન્યુઆરીના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા આ બેઠક પર સ્વ. વશરામભાઈના પુત્ર ભરતભાઈને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાજકોટના સાંસદ કુંવરજી ભાઈ બાવળીયાના બહેન તથા સાયલા તાલુકા પ.ના પ્રમુખ નિરાંતબેન ધોરિયાને ટિકિટ આપવામાં આવી હતી. શિવ સેનાએ પણ આ બેઠક પર કોળી ઉમેદવાર શામજીભાઈ ચૌહાણને ઉભા રાખતા ચોટીલા પંથકમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી.
ચોટીલા બેઠક ફરી વાર ભાજપે સર કરી
ચોટીલા વિધાન સભા મત ક્ષેત્રની તા.૨૦મીએ યોજાયેલી પેટા ચૂંટણીની મત ગણતરી તા.૨૩મીએ ભારે ઉત્તેજના સાથે સાયલા સાર્વજનિક હાઇ સ્કૂલમાં થઇ હતી. આ ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર ભરતભાઇ ખોરાણીનો ૨૨,૩૬૮ મતે ભવ્ય વિજય થયો હતો. જયારે કોંગ્રેસના ગઢના કાંગરા ધરાશાયી થતા ત્રીજા ક્રમે ધકેલાઇ ગઈ હતી. ચોટીલા વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા જંગ બન્યો હતો. આ પેટા ચૂંટણીની મત ગણતરી શનિવારે સાયલા હાઇસ્કૂલ ખાતે શરૂ થઇ હતી ત્યારે ભારે ઉત્તેજના સાથે ત્રિપાંખીયા જંગના પરિણામની આતુરતાપૂર્વક ટેકેદારોના ટોળા ઊમટી પડ્યા હતા. જેમાં ચોટીલા-થાનના મતદારોના પ્રથમ રાઉન્ડે ભરતભાઇ ખોરાણી નજીકના હરીફ શામજીભાઇ ચૌહાણ સામે ૮૧૩ મતની લીડ મેળવી ધમાકેદાર શરૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસ ત્રીજા ક્રમે રહ્યું હતું. આ બાદ છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને ૧૯૭૧૫, શામજીભાઇ ચૌહાણને ૮૩૦૬, કોંગ્રેસને ૯૮૫૬ મતો મળ્યા હતા. જેમાં કોંગ્રેસે બીજું સ્થાન મેળવ્યું હતું. પરંતુ સાતમા રાઉન્ડના અંતે શામજીભાઇને ૩૦૦૪ મતો મળતા બીજો ક્રમ મેળવ્યો હતો. જયારે ભાજપે બન્ને પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી ૩૩,૫૯૫ મતો મેળવી લીડ જાળવી રાખી હતી. ગત ચૂંટણીમાં ભરતભાઇ ખોરાણીના પિતા વશરામભાઇ ૭૩૭૯ મતે વિજય થયો હતો ત્યારે બમણા જોરે ચોટીલા તાલુકાના મતદારોએ ભરતભાઇ ખોરાણીને જંગી લીડ આપી હતી. છેલ્લા ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસને ૨૫૩૦ મતો મળતા અને ગત ચૂંટણીમાં ભાજપના મતો કરતા ૧૪,૮૯૮ મતો વધુ મેળવી ભરતભાઇ ખોરાણીએ ૨૨,૩૬૮ મતોએ વિજય મેળવ્યો હતો. સાયલા હાઇ સ્કૂલ બહાર કાર્યકર્તાઓએ અબિલ-ગુલાલની છોળ ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે રમણલાલ વોરા, કિરીટસિંહ રાણા, વર્ષાબેન દોશી, ચંદ્રશેખર દવે, બિપીનભાઇ દવે સહિત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
ચોટીલામાં મતદારોનો મિજાજ
ચોટીલા વિધાન સભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદારોના મિજાજે અનોખો રંગ બતાવ્યો હતો. જેમાં થાન ગઢ-૦૮માં ભાજપને ૭૧૦, સાયલા ૧૦માં કોંગ્રેસને ૩૭૪ અને સરોડીમાં શામજીભાઇને ૪૧૭ મત સાથે સૌથી વધુ મતો મળ્યા હતા. જયારે લોમ કોટડીમાં ભાજપ અને કોંગ્રેસના નામે મીંડુ મૂકનાર મતદારોએ શામજીભાઇને રપ મત જ આપ્યા હતા.
શહેરોમાં ભાજપ આગળ
થાનમાં આવેલા કુલ ૨૧ બૂથમાં ભાજપને ૭૯૩૩, કોંગ્રેસને ૩૯૪૪ જયારે ચોટીલાના ૯ બૂથોમાં ૩૬૯૨, ભાજપને ૧૭૦૪, કોંગ્રેસને ૬૮૯ મતો મળ્યા હતા. જયારે સાયલાના કુલ ૧૦ બૂથમાં ભાજપને ૨૪૮૨ મતો મળ્યા હતા.
વધુ મતદાનથી ભાજપને ફાયદો
પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર વધુ જોર કરે તેવી ધારણા સાથે ૫૯ ટકા મતદાનથી લોકો અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા હતા. ત્યારે ગત પેટા ચૂંટણીમાં ૫૪ ટકા મતદાન થયું અને પાંચ ટકા વધારાનું મતદાને ભાજપને ૧૭૪૮ મતો વધુ મળ્યા હતા. જયારે કોંગ્રેસને ગત ચૂંટણી કરતા ૧૬૦૧૬ મતો ઓછા મળ્યા હતા. આ ચૂંટણીમાં શામજીભાઇનું સ્ટીમ રોલર ફરી વળ્યું અને ૨૭૦૦૮ જેટલા મતો સાથે બીજો ક્રમ મેળવ્યો હતો.
શિવ સેનાને માખો મારવાના દિવસો આવ્યા છે : ભરત ખોરાણી
ચોટીલા વિધાન સભામાં ભાજપના ભરતભાઇ ખોરાણીનો જંગી બહુમતીથી વિજય થતા આજે પાંચ કલાકે તેમનું વિજય સરઘસ વાસુકી મંદિરથી કાઢવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરતભાઇએ જણાવ્યું કે, શિવ સેનાના ઉમેદવાર ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું કે, ભરતને માખો મારતા પણ નથી આવડતું તે છોકરું કહેવાય. તો આજે તેના જવાબમાં કહું છું કે, તમે મતદારોએ મને જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે. જેના લીધે હવે મારે નહીં પણ શામજીભાઇને માખો મારવાના દિવસો આવ્યા છે.
વિજેતા ઉમેદવારે ચામુંડા માતાજીના આશીર્વાદ લીધા
વિજેતા ભરતભાઇ ખોરાણીએ ચોટીલામાં માતા ચામુંડાના આશીર્વાદ સાથે શહેરમાં વિજય સરઘસ કાઢયું હતું. જેમાં ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ મેરૂભાઇ ખાચર, પૂર્વ પ્રમુખ ભુપતભાઇ ખાચર, રામભાઇ સામંડ, રાજુભાઇ ધ્રુવ સહિત અન્ય કાર્યકરો, ટેકેદારો હાજર રહ્યા હતા. મત ગણતરી બાદ દરેક ઉમેદવારને મળેલા મતો : : ભરતભાઇ ખોરાણી ૪૯,૩૭૬, શામજીભાઇ ચૌહાણ ૨૭,૦૦૩, નિરાંતબેન ધોરીયા ૨૪,૨૩૩, લાલજીભાઇ સવુકીયા ૨૬૬૧, પીઠાભાઇ પંચાલ ૧૯૯૯, સતુભા વાધેલા ૧૦૧૫, ઉકાભાઇ મકવાણા ૯૭૧, પ્રેમજીભાઇ ડાભી ૯૭૩, ધરમશીભાઇ વાલાણી ૩૫૧
24 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment