રાજકોટ શહેરમાં માયકાંગલા બનેલા પોલીસ તંત્રને કારણે લોકોએ હવે સ્વ રક્ષણ માટે કાયદો હાથમાં લેવાને યોગ્ય વિકલ્પ ગણ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ વાતને સાર્થક કરતી ઘટના વાણિયાવાડી વિસ્તારમાં બની હતી. દારૂ પી છાશ વારે છાકટા બનતા શખ્સના ત્રાસથી કંટાળેલા લોકોએ અંતે તેની ધોલાઇ કરી ટકો કરી સરધસ કાઢ્યું હતું.
વાણિયાવાડીમાં રહેતો શખ્સ અવાર-નવાર દારૂ ઢીંચી વિસ્તારના લોકોને પરેશાન કરતો હતો તેમજ લારી-ગલ્લાવાળાઓ પાસે જઇ ધમાલ કરી જે કાંઇ હાથ આવે તે મફતમાં હજમ કરી જતો હતો. લુખ્ખાગીરી કરતા શખ્સથી ત્રસ્ત લોકોએ અનેક વખત ભક્તિ નગર પોલીસ મથકમાં રજૂઆતો કરી હતી પરંતુ મલાઇવાળા કામમાં જ વ્યસ્ત પોલીસને લોકોની પરેશાનીમાં રસ પડ્યો ન હતો. લોકો વારંવાર અરજી કરતા હતા અને પોલીસ તે ફાઇલ કરતી હતી. પોલીસની રહેમ નજરથી દાદો બનીને ફરતાં નશાખોરની હિમ્મત એટલી વધી હતી કે તે મહિલાઓને પણ પરેશાન કરવા લાગ્યો હતો. પોલીસ કાંઇ નહીં ઉકાળે તેવું લાગતાં અંતે લોકોએ જાતે જ ન્યાય મેળવવાનો નિર્ણય કર્યો હતો. બે દિવસ પૂર્વે માથાભારે શખ્સ ફરી દારૂ પી ધમાલ કરવા નિકળ્યો હતો. એ સાથે જ લોકો એકઠા થઇ ગયા હતા અને તેને ધેરી લીધો હતો. ટોળાનું સ્વરૂપ જૉઇ દારૂનો નશો તો પળ વારમાંજ ઉતરી ગયો હતો. પરંતુ રોષે ભરાયેલા લોકો દૂષણને હંમેશા માટે ડામવા જાણે મક્કમ હતા. ટોળાએ દારૂડિયાને પકડી લીધો હતો અને બે લોકો અસ્ત્રાથી માથાભારે શખ્સના માથા પર કળા કરવા લાગ્યા હતાં અને થોડી વારમાં ટકો કરી તેને જાહેરમાં ફેરવી સીન વિખી નાખ્યા હતા.
પોલીસની નફફટાઇ ‘આવી કોઇ ઘટના ઘ્યાને આવી નથી’
માથા ભારે શખ્સને ઉશ્કેરાયેલા લોકોએ ધોકાવી તેનો ટકો કરી નાખ્યો હતો આ ઘટના વખતે સેંકડો લોકો એકઠા થયા હતા અને વાણિયાવાડી વિસ્તારમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ અંગે ભક્તિ નગર પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે આવી કોઇ ઘટના બની હોઇ તે જાણમાં નથી.
24 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment