25 January 2010

સાઉદી વિઝા માટે ભારતીયોને હવે પોલીસની મંજૂરી મેળવવી પડશે : સોમવારથી અમલી બનેલા નવા નિયમનું પાલન કરવા તમામ પાસપોર્ટ ઓફિસ અને કંપનીઓને અપીલ

સાઉદી અરેબિયાએ નવા બનાવેલા નિયમ મુજબ નોકરી કરવા માગતા લોકોને હવે વિઝા મેળવતાં પહેલાં પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ (પી.સી.સી.) મેળવવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. પીસીસી રજૂ કરવામાં નહીં આવે તો, સાઉદી અરેબિયામાં નોકરી કરવા માગતા કર્મચારીઓ કે કામદારોને હવેથી સાઉદી વિઝા મળશે નહીં. નવી દિલ્હીમાં સાઉદી એલચી કચેરી અને મુંબઇમાં તેના કોન્સ્યુલેટે તમામ પાસપોર્ટ ઓફિસો અને ભારતમાં કર્મચારીઓની ભરતી કરતી વિદેશી કંપનીઓને સોમવારથી અમલી બનેલા નવા નિયમનું પાલન કરવાની અપીલ કરી છે. ભારતીય એલચી કચેરીના એક અધિકારીએ જણાવ્યું કે, નવો પી.સી.સી. નિયમ ભારત અને સાઉદી અરેબિયાની સંમતિથી અમલી બનાવવામાં આવી રહ્યો છે. નવા નિયમના અમલથી કાયદાનું પાલન કરતા લોકો જ સાઉદી અરેબિયામાં આવતા હોવાની ખાતરી થશે. ભારતમાં સાઉદી મિશને સાઉદી વર્ક વિઝા મેળવવા માગતા કર્મચારીઓને તેમની વિઝા અરજી અંગે વિચારણા કરવામાં આવે તે પહેલાં પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ મેળવી લેવાનો આદેશ આપ્યો હોવાનું મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. નજીકના પોલીસ સ્ટેશન્સની વિનંતી પર પાસપોર્ટ ઓફિસો દ્વારા સાઉદી અરેબિયામાં નોકરી કરવા માગતા કર્મચારીઓને પી.સી.સી. આપવામાં આવશે. મુંબઇમાં સાઉદી કોન્સ્યુલેટ દરરોજ આશરે ૪,૦૦૦ વિઝા આપે છે. જ્યારે નવી દિલ્હીમાં સાઉદી એલચી કચેરી દરરોજ આશરે ૮૦૦ વિઝા આપે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ સર્ટિફિકેટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રમાણિત થયેલા હોવા જોઇએ અને તેના પર સાઉદી વિદેશ મંત્રાલયનો પણ સિક્કો હોવો જોઇએ.

No comments:

Post a Comment