25 January 2010

NRI પતિનો ઇમોશનલ અત્યાચાર : અમેરિકા જઇ છૂટા છેડા આપ્યાં

પતિ સહિત સાસરિયાં સામે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી. ૧૭ વર્ષના દામ્પત્યજીવન બાદ પત્નીથી છુટકારો મેળવી બીજી વાર લગ્નકરવા માટે એન.આર.આઈ. પતિએ પત્નીને અમેરિકા લઈ જઈ ત્યાં છૂટાછેડા આપી તેમજ તેનું સ્ત્રી ધન પચાવી પાડી તે હાલમાં બીજી વાર લગ્નકરવા માટે અત્રે આવતાં પરિણીતાએ મકરપુરા પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી.
માંજલપુરની વૈભવ વાટિકા સોસાયટીમાં મકાન ધરાવતા અને લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલા વેપારી અતુલ મૂળજી બક્ષીનું ૧૭ વર્ષ અગાઉ માંજલપુર વિસ્તારની શિવમ્ સોસાયટીમાં રહેતા રંજનબહેન સાથે લગ્ન થયું હતું. લગ્ન બાદ રંજનબહેન સંયુકત કુટુંબવાળી સાસરીમાં રહેવા જતાં તેમના પતિ તેમજ સાસુ-સસરાએ તેમની પાસે અવાર નવાર દહેજની માગણી કરી હતી અને માગણી પૂરી નહિ થતાં તેમની મારઝૂડ કરી હતી અને ત્યારબાદ અતુલભાઈ અમેરિકામાં સ્થાયી થયા હતા.અતુલભાઈને પ્રથમ પત્નીને છોડી દેવા માગતા હોઈ તે રંજન બહેનને છૂટાછેડાને ઈરાદે તેમની સાથે અમેરિકા લઈ ગયા હતા અને ત્યાં છૂટા છેડા લીધા હતા.
બીજી તરફ રંજનબહેનના સાસુ-સસરાએ માંજલપુરનું મકાન વેચી દઈ તેઓ વાઘોડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેવા ગયાં હતાં અને ઘરના સામાન સાથે તેમણે રંજનબહેનનું સ્ત્રી ધન પણ પચાવી પાડયું હતું. તાજેતરમાં અતુલભાઈ અત્રે બીજા લગ્નમાટે આવ્યા હોવાની જાણ થતાં રંજનબહેન પણ અમેરિકાથી અત્રે આવી પહોંરયા હતા અને તેમણે સાસરિયાં સામે સ્ત્રી-અત્યાચારની મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમના પતિ અતુલભાઈ, સસરા મૂળજીભાઈ અને સાસુ શોભનાબહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અતુલભાઈ ભારતમાં આવ્યા છે કે કેમ તેની તપાસ : પતિએ શારીરીક-માનસિક ત્રાસ ગુજારી સ્ત્રી ધન પચાવી પાડી તે ૧૧મી તારીખે બીજું લગ્નકરવા માટે વડોદરામાં આવ્યા છે તેની રંજનબહેને જાણ કરતાં પીએસઆઈ ગામીત સહિતના સ્ટાફે આજે મોડી સાંજે રંજનબહેનને સાથે રાખી વાઘોડિયા રોડ સ્થિત સાસરીમાંથી સ્ત્રી ધનની ચીજો કબજે લીધી હતી. જોકે અતુલભાઈના વૃદ્ધ માતા પિતાએ તેમનો પુત્ર અત્રે આવ્યો નથી તેમ જણાવતાં પોલીસે અતુલભાઈ અત્રે આવ્યા છે કે કેમ તેની એરપોર્ટમાં અને ફોરેન બ્રાન્ચમાં તપાસ હાથ ધરી છે.

No comments:

Post a Comment