24 January 2010

જૂનાગઢ: પત્નીને તેડવા ગયેલા કુખ્યાત શખ્સ પર સાસરિયાંઓનું ફાયરિંગ

ભારત મિલ પાસે રહેતો કુખ્યાત શખ્સ હત્યા કેસમાં સજા ભોગવી રહ્યો હતો. તાજેતરમાં જામીન પર છુટી આ શખ્સ પત્નીને તેડવા ઝાંઝરડા ગામે ગયો હતો. સાસરે જઈ કુખ્યાત શખ્સે ઝઘડો કરતા સાસરિયાઓએ ઉશ્કેરાઈ જઈ જમાઈ પર પાઈપ તથા ધોકા વડે હુમલો કર્યો હતો અને બાદમાં ફાયરીંગ કરતા તેને ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડાયો હતો. જૂનાગઢના ભારત મિલ પાસે રહેતો સલીમ હુસૈન ગામેતી (ઉ.વ.૩૨) નામનો કુખ્યાત શખ્સ ખુનકેસમાં જેલમાં સજા ભોગવતો હતો. સલીમ જેલમાં હોવાથી તેની પત્ની બાળકો સાથે ઝાંઝરડા ગામે માવતર જતી રહી હતી. ચાર દિવસ પહેલા સલીમ જેલમાંથી જામીન પર છુટ્યો હતો અને તે તથા તેની માતા હલીમાબેન, બહેન નજમા અને તેનો મિત્ર નીજુ છોટુ મકરાણી ગઈ કાલે રાત્રે નવ વાગ્યા આસપાસ પત્ની તથા બાળકોને તેડવા ઝાંઝરડા ગામે રિક્ષા લઈને ગયા હતા. પત્ની તથા બાળકોને તેડવા આવ્યો હોવાની બાબતે સલીમને સાસરિયા પક્ષ સાથે બોલાચાલી થઈ હતી. તેના કૌટુંબિક સાળા જુસબ અલ્લારખા, હાજી જુમા, જુસબ જુમા, સાસુ ફાતમાબેન, પાટલા સાસુ બેનાબેન જુમા અને પત્ની હાજુબેન હાજી સહિતના સાત શખ્સોએ એક સંપ કરી સલીમ પર પાઈપ તથા ધોકા વડે હુમલો કરી ઈજા કરી હતી.
આ ઉપરાંત જુસબ જુમાએ પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યુ હતું. પરંતુ સલીમે હથિયારનું નાળચું પકડી રાખતા તેને હાથમાં ઈજા પહોંચી હતી. આ મારામારી દરમ્યાન સલીમની માતા, બેન અને મિત્રને પણ ઈજા થઈ હતી. જયારે સલીમ હુસૈન ગામેતીને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે તાલુકા પોલીસને જાણ થતા હોસ્પિટલે જઈ સલીમ હુસૈનની ફરિયાદના આધારે જુસબ અલ્લારખા, હાજુ જુમા, બેનાબેન જુમા, હાજુબેન હાજી સામે હત્યાના પ્રયાસનો તેમજ આમ્ર્સએકટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે તાલુકા પી.એસ.આઈ. દેકીવાડીયાએ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પત્નીને તેડવા આવેલા જૂનાગઢના કુખ્યાત શખ્સ પર સાસરિયા પક્ષ તરફથી હુમલો અને ફાયરીંગ થતા ઝાંઝરડા ગામમાં ચકચાર વ્યાપી ગઈ હતી.

No comments:

Post a Comment