દેશના બંધારણના ૬૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે પ્રજાસત્તાક પર્વ ૨૦૧૦ની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે હાથીની અંબાડી પર બંધારણ ગ્રંથની શોભા યાત્રા સુરેન્દ્રનગર ખાતે યોજવાનો સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવો નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગર ખાતે બંધારણ ગ્રંથની શોભાયાત્રા નીકળશે ત્યારે મુખ્ય મંત્રી તેનું પૂજન કરનાર છે.
રાજા સિદ્ધરાજ જયસિંહે જૈનમુનિ હેમાચંદ્રાચાર્ય રચિત મહાન ગ્રંથની શોભા યાત્રા કાઢીને ઇતિહાસમાં અનોખું ગૌરવ મેળવ્યું હતું ત્યારે ભારતીય બંધારણના ગ્રંથની શોભા યાત્રા હાથીની અંબાડી પર યોજવાનો રાજય સરકારનો નિર્ણય દેશને અનોખી પ્રેરણા આપનાર બની રહે છે. સમગ્ર વિશ્વમાં લોકશાહીને વરેલા અનેક પ્રજા તંત્ર રાષ્ટ્રો છે. પરંતુ બંધારણ ગ્રંથની શોભા યાત્રા દ્વારા ગૌરવ બક્ષવાનું શ્રેય ગુજરાતના સુરેન્દ્રનગરના ફાળે જાય છે. આઝાદ ભારતના ૬૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજય કક્ષાનો મહોત્સવ સુરેન્દ્રનગર ખાતે યોજાનાર હોવાથી રાજયનું મંત્રી મંડળ આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ૨૪ જાન્યુ.એ આવી પહોંચનાર છે. મુખ્ય મંત્રી સૌ પ્રથમ બંધારણ ગ્રંથની શોભા યાત્રાનું પૂજન રવિવારે બપોરે ૩-૪૫ કલાકે કરી ગૌરવમય પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે ૬૦ જેટલી બહેનો પ્રજાસત્તાક પર્વના ૬૦ વર્ષને અનુલક્ષીને અને ગુજરાત સુવર્ણ જયંતીના અવસરને દીપાવવા સુવર્ણ કલશ પર માથે ગ્રંથની પોથી સાથે જઇને ગુજરાત ઝાલાવાડના અનોખા સંસ્કાર અને ગૌરવની પ્રસ્તુતિ કરશે.
ડો. બાબા સાહેબની પ્રતિમા સમક્ષ બંધારણની પૂજા કરાશે
રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શનિવારે બોલાવેલી પત્રકાર પરિષદમાં મંત્રી રમણભાઇ વોરાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરના આંબેડકર ચોકમાં ડો. બાબા સાહેબની પ્રતિમા સમક્ષ મુખ્ય મંત્રી મોદીની ઉપસ્થિતિમાં ભારતના સંવિધાનની પૂજા કરાશે. ત્યાર બાદ હાથીની અંબાડી પર યોજાનાર સંવિધાન ગૌરવ યાત્રા જોડાનાર હજારો લોકો આશરે એક કિ.મી. ચાલીને ટાઉન હોલ ખાતે પહોંચશે.
24 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment