24 January 2010

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના છાત્રોને હવે ‘ચીપ’વાળી માર્ક શીટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના છાત્રોને હોલ ટિકિટ (રિસિપ્ટ) આપવાના નિર્ણય બાદ હવે પછી ચીપ વાળી માર્ક શીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સિન્ડિકેટ સભ્ય મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું. વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને આ માર્ક શીટનો સૌથી વધુ ફાયદો થશે.
અત્યાર સુધી કોલેજના છાત્રોને અલગ-અલગ યર તેમજ ફેકલ્ટીઓની માર્ક શીટ સાદી આપવામાં આવતી હતી પરંતુ હવેથી ટ્રાન્સ કિપ્ટ ચીપવાળી માર્ક શીટ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતા સિન્ડિકેટ સભ્ય મેહુલ રૂપાણીએ જણાવ્યું કે, કોઇ વિદ્યાર્થીને નોકરી મળે અથવા તો વિદેશ જવાનું થાય ત્યારે માર્ક શીટ સાચી છે કે કેમ તેમ જ તેને કેટલા માર્કસ આવ્યા છે તે અંગેની સાચી હકીકત જાણવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક કરવામાં આવતો હતો અને જે તે વિદ્યાર્થીને પોતાની માર્ક શીટ સાચી છે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવીને સહી-સિક્કા કરાવવા પડતાં હતા. આ બધી વિધિ કરવામાં ૧૫થી ૨૦ દિવસનો સમય ગાળો પસાર થતો હતો. પરંતુ હવેથી એક ખાસ પ્રકારની ચીપ લગાવેલી માર્કશીટ ફાઇનલ યરના છાત્રોને આપવામાં આવશે. ખાસ કરીને વિદેશ જતાં છાત્રો કોઇ પણ એમ્બેસીમાં આ માર્ક શીટ આપશે તો ચીપની અંદર તેના તમામ વર્ષના પરિણામોની વિગતો જોઇ શકાશે. યુનિવર્સિટી છાત્રોને અપાતી માર્ક શીટ લેમિનેશન કરીને આપે તો ચાર ચાંદ લાગી જાય તેમ છે.
માર્ક શીટમાં બે ફોટા લગાવાશે :: વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા મળી રહે અને માત્ર ફોટાના કારણે તેઓને હેરાન ન થવું પડે તે માટે પાસપોર્ટ અને સ્ટેમ્પ સાઇઝના બે ફોટાવાળી માર્કશીટ આપવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. તમામ ફેકલ્ટીના છાત્રોને ઉપરોકત મુજબની માર્ક શીટ આપવામાં આવશે.

No comments:

Post a Comment