25 January 2010
હું ‘કઠપૂતળી’ નથી : ગડકરી ભા.જ.પ.ના તમામ વરિષ્ઠ નેતાઓનો મને ૧૦૦ ટકા ટેકો છે ભા.જ.પ.ની રોજબરોજની કામગીરીમાં સંઘ દખલગીરી કરતું નથી
ભા.જ.પ.ના નવા પ્રમુખ નીતિન ગડકરીએ જણાવ્યું કે તેમને પક્ષના વરિષ્ઠ નેતાઓનો ૧૦૦ ટકા ટેકો અને સહકાર છે. જો કે, પોતે તેમાંથી કોઇ પણ નેતાના હાથની ‘કઠપૂતળી’ નથી. ભા.જ.પ.ના અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ એવા ૫૩ વર્ષના ગડકરીએ દ્રઢતા સાથે જણાવ્યું હતું કે પક્ષ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.)ના વરિષ્ઠ નેતાઓ સાથે વારંવાર સલાહ મસલત કર્યા બાદ તેઓ પોતે જ નિર્ણય કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦મી ડિસેમ્બરે ગડકરીએ ભાજપ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. એક ટીવી ન્યૂઝ ચેનલના શોમાં ભાગ લેતી વખતે નીતિન ગડકરીએ પોતે આરએસએસના નિમેલા વ્યક્તિ હોવાનો અને પક્ષની માથે પોતે ઠોકી બેસાડેલા હોવાનો ઇનકાર કર્યો હતો. સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ અને અનથકુમાર જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓનો તેમને ટેકો છે, તેવા એક પ્રશ્નના ઉત્તરમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ૧૦૦ ટકા, હું તમને કહું છું કે મારી સાથે પક્ષના તમામ નેતાઓ છે. તેઓ સાચા દિલથી મને ટેકો આપી રહ્યા છે અને ખૂબ જ યોગ્ય રીતે મને માર્ગદર્શન આપી રહ્યા છે. મારી પ્રવૃત્તિઓ અંગે તમામ સાવચેતીથી વાતચીત કરે છે અને તેઓ મને ટેકો આપી રહ્યા છે. કેન્દ્રીય નેતાગીરીમાં તેઓ નવા હોવાની કબૂલાત કરનારા ગડકરીએ આ વરિષ્ઠ નેતાઓના તેઓ કઠપૂતળી બની ગયા હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓનો આવા પ્રકારનો કોઇ જ ઇરાદો નથી અને જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે હું ક્યારેય કોઇની કઠપૂતળી ન બનું. હું પ્રમાણિક ભૂલ કરી શકું છું, પણ હું ક્યારેય બદઇરાદાપૂર્વક ભૂલ ન કરી શકું. ગડકરીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોના મગજમાં એવું ભૂત ભરાઇ ગયું છે કે ભાજપ પર આરએસએસ અંકુશ રાખી રહ્યું છે. આ સાચી બાબત નથી. તે(આરએસએસ) ક્યારેય અમારી રોજ બરોજની કામગીરીમાં અથવા ઉમેદવારોની પસંદગી કે રાજકારણમાં દખલ કરતું નથી. અલબત્ત, ગડકરીએ ઉમેર્યું હતું કે ભાજપ અને આરએસએસને ‘વૈચારિક સંબંધો’ છે અને ભાજપ મુદ્દાઓ અંગે સંઘ સાથે ચર્ચા-વિચારણા કરે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment