24 January 2010

સુરતમાં પ્રથમ વખત સ્વયં વર

‘સ્વયં વર’ આ શબ્દ સાંભળતા જ બે ઘડી માટે તો ભગવાન રામે જાનકીજીના સ્વયં વરમાં તોડેલું ધનુષ જ યાદ આવી જાય. સ્વાભાવિક છે, આજના જમાનામાં સ્વયં વરનો કન્સેપ્ટ જ જુનો થઇ ગયો છે, અને ભૂત કાળમાં પણ દૂર દૂર સુધી કોઇએ યોજયો હોય એમ લાગતું નથી. પણ નવાઇની વાત એ છે કે ભવિષ્યમાં, આવતી તારીખ ૧૫મી ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે સુરતમાં સ્વયં વર યોજવાની જાહેરાત અત્યારથી જ એક યુવતીના પિતાએ કરી દીધી છે.
કતાર ગામ વિસ્તારમાં રહેતા જયંતિભાઈ પ્રજાપતિની પુત્રી જાગૃતિના સ્વયં વરની તૈયારીઓ અત્યારથી થવા લાગી છે. રત્ન કલાકાર જયંતિભાઈ પ્રજાપતિએ એવી જાહેરાત કરી હતી કે ૨ વર્ષ પછી એટલે કે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ મારી પુત્રી માટે સ્વયં વર થશે. તેમાં પસંદગી પામેલા મુરતિયા સાથે ત્યાર પછી વિવાહ કરવામાં આવશે. આ માટે યોગ્યતા શું જોઈએ, તેવા પ્રશ્નના જવાબમાં જયંતિભાઈએ કહ્યું કે મારા જીવનમાં દયાનંદ સરસ્વતિનું પુસ્તક ‘‘સત્યાર્થ પ્રકાશ’’ આવ્યું ત્યારથી ઘણું બધું પરિવર્તન આવ્યું છે તેથી મને ખબર પડી કે આ ગ્રંથમાં ખૂબ મોટી શકિત છે મારી પુત્રીને પરણવા માટે આ પુસ્તકનો અભ્યાસ કરવો પડશે. તેમાંથી લેખિત અને મૌખીક કસોટીમાં પાર ઊતરે તેની પસંદગી કરવામાં આવશે. આમ તો આમાં જ્ઞાતિ- જાતિનો કોઈ બાધ નથી. પરંતુ અમે પ્રજાપતિ હોવાના નાતે પ્રાથમિકતા જ્ઞાતિને આપવામાં આવશે. સ્વયં વરનો વિચાર કેમ આવ્યો તેનો જવાબ આપતા જયંતિભાઈએ જણાવ્યું કે મારે ત્રણ દીકરીઓ છે મોટી દિકરીના આજે લગ્ન છે. તેમાં સામાજિક રીત રિવાજ પ્રમાણે પસંદગી કરી છે. ત્રીજા નંબરની દીકરી જાગૃતિએ ૬ વર્ષ સુધી રાજસ્થાન શિવ ગંજ ખાતે આર્ય કન્યા વિધાલયમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે દરરોજ ઘરે યજ્ઞ કરે છે તેની ધાર્મિક વૃત્તિ અને વિચાર ધારા મુજબનો જીવન સાથી મળવો જોઈએ તેમાંથી આ વિચાર ઉદ્ભવ્યો અત્યારના સમયમાં આ લાયકાતવાળો છોકરો શોધવો કેમ તે વિચારી આ પ્રકારનો નિર્ણય અમલમાં મૂક્યો. સીતા સ્વયંવરમાં ધનુષ્ય ભંગ કરે તે સામાન્ય હોય જ નહીં. મહા ભારતમાં દ્વૌપદી સ્વયંવરમાં મત્સ્યવેધ કરે તે સામાન્ય હોય જ નહી, તેથી અત્યારના સમય મુજબ સત્યાર્થ પ્રકાશ ગ્રંથને જીવનમાં ઉતારી શકે તે સામાન્ય યુવક હોય જ નહી.
મૂળ અમરેલી જિલ્લાના ખાંભા નજીકનાં ગીર તાતણિયા ગામના વતની જયંતિભાઈ ઉમિયા ધામ નજીક કે. ગીરધરમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ ભલે સામાન્ય હોય પરંતુ તેઓ ક્રાંતિકારી વિચાર ધારા ધરાવે છે. ૨૪ જાન્યુઆરી ૨૦૧૦ને રવિવાર મોટી દીકરી ઊર્મિલાના લગ્ન પ્રસંગે સ્વયં વર પરિચિત સુજાવ પરિ પત્ર નામની એક હજાર જેટલી પત્રિકાઓ વહેંચી યુવાનોને આહ્વાન કરશે. તેમાંથી જે પાસ થશે તે જાગૃતિને પામશે જાગૃતિ હાલ ધોરણ ૧૧માં અખંડ આનંદ શાળામાં અભ્યાસ કરે છે. સ્વયંવરને તો હજુ બે વર્ષની વાર છે, ત્યાં સુધીમાં જયંતિભાઈની શરત મુજબ કેટલાં યુવાનો તૈયાર થશે અને જાગૃતિ કોને વરમાળા પહેરાવશે તે જોવાનું રહ્યું.
વૈદિક પરંપરાને વધારવાનો હેતુ : જાગૃતિ
સ્વયં વર બાબતે જાગૃતિએ જણાવ્યું હતું કે મારા પિતા સંપૂર્ણ આર્ય વિચાર ધારાના છે તેમની ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજ બને છે, તેથી મારા પિતાને મેં કહ્યું કે તમે જે રીતે કરો તે મંજૂર છે કોઈ પિતા પોતાની દીકરી માટે નબળું પાત્ર તો શોધે જ નહી. તારી કલ્પનામાં કેવા યુવાન છે તેવા પ્રશ્નના જવાબમાં જાગૃતિએ જણાવ્યું કે સંસ્કારી અને અસામાન્ય યુવાનની સંગાથે જીવન સંસાર માંડીને વૈદિક પરંપરાને આગળ વધારવાનો મારો હેતુ છે.

No comments:

Post a Comment