જામનગરમાં પ્રથમ વખત યોજાયેલી અખિલ ગુજરાત નેત્રહીન બાળાઓની ગરબા સ્પર્ધામાં બહેનોની કલા પર દર્શકો આફરીન થઇ ગયા હતાં. હાથમાં દીવડા, ગાગર, માતનો મઢ, ગરબા લઇ નેત્રહીન બહેનોએ સદ્રષ્ટા બહેનોની જેમ જ આબેહુબ પ્રાચીન અને અર્વાચીન કૃતિઓ રજુ કરી હતી. ગરબા દરમિયાન મનની આંખે અને સંગીતના તાલના સથવારે નેત્રહીન બહેનો વચ્ચેનો સમન્વય ખરેખર કાબિલે દાદ હતો.
રાજયમાં દર વર્ષે જુદા-જુદા શહેરોમાં યોજાતી સ્વ.ભદ્રાબેન સતીયા અખિલ ગુજરાત સ્પર્ધાનું આ વખતે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જામનગર શાખા, અંધ જન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્ર અને એસ્સાર ઓઇલના સંયુકત ઉપક્રમે જામનગરના આંગણે પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ ટાઉન હોલમાં યોજાયેલી નેત્રહીન બહેનોની ગરબા સ્પર્ધામાં રાજકોટ, સુરેન્દ્રનગર, પાલનપુર, દાહોદ, વલસાડ, આણંદ અને ઇડરની બહેનોએ ભાગ લીધો હતો. દિવસ ભર ચાલેલી આ સ્પર્ધામાં જુદા-જુદા શહેરોની દરેક ટીમે પ્રાચીન અને અર્વાચીન ગરબા રજૂ કર્યા હતાં. નેત્રહીન બહેનોએ મનની આંખે અને સંગીતના તાલના સથવારે હાથમાં દીવડા, ગાગર, માતાનો મઢ, ગરબા લઇ આબેહુબ પ્રાચીન અને અર્વાચીન કૃતિઓ રજૂ કરતાં દર્શકો વાહ..વાહ પોકારી ઉઠ્યા હતાં. નેત્રહીન બહેનો એક જ સાથે એક જ પ્રકારના લયમાં ગરબે ઘુમતા આ સ્પર્ધા નેત્રહીન બહેનોને બદલે સદ્રષ્ટા બહેનોની હોય તેમ લાગ્યું હતું. નિર્ણાયક તરીકે ઉર્મિબેન મહેતા, ભાવનાબેન કુંભારાણા અને જે.સી. જાડેજાએ સેવા આપી હતી. સંસ્થાના પ્રમુખ સોમચંદ ગોસરાણી, ડીસ્ટ્રીકટ જજ એસ.એન.વકીલ, ધારા સભ્ય વસુબેન અને લાલજીભાઇ સોલંકી, એસ્સારના મેનેજર જયોતિન્દ્ર વચ્છરાજાની, એન.એ.બી.ના મંત્રી પ્રકાશ મંકોડીએ હાજર રહી બહેનોને બિરદાવી હતી. શહેરમાં પ્રથમ વખત યોજાયેલી ગુજરાત કક્ષાની નેત્રહિન બહેનોની રાસ ગરબા સ્પર્ધામાં પ્રેક્ષકોની જુજ સંખ્યા ઉડીને આંખે વળગી હતી.
અખિલ ગુજરાત ગરબા સ્પર્ધાના વિજેતાઓ
અર્વાચીન વિભાગ : પ્રથમ-એન.કે. મહેતા (પાલનપુર), દ્વિતિય-અંધ મહિલા વિકાસગૃહ (રાજકોટ), તૃતિય-એન.એ.બી. (વલસાડ)
પ્રાચીન વિભાગ : પ્રથમ- અંધ મહિલા વિકાસગૃહ (રાજકોટ), દ્વિતિય-અંધ મહિલા સેવાકુંજ (સુરેન્દ્રનગર), તૃતિય-એન.એ.બી. (આણંદ)
નેત્રહિન સાજીંદાઓએ જમાવટ કરી : નેત્રહીન કલાકારોની સાથે ગાયક અને તબલા, હાર્મોનિયમ સહિતના વાંજિત્રો પર નેત્રહીન સાંજીદાઓએ જમાવટ કરી હતી. તાલના સથવારે નેત્રહીન બહેનોએ અદ્દભૂત કલાકૃતિઓ રજૂ કરી હતી.
24 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment